સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન કેમ ખાલી ખાલી લાગે છે?

જીવન કેમ ખાલી ખાલી લાગે છે?

જીવન કેમ ખાલી ખાલી લાગે છે?

“શું જીવનનો કોઈ હેતુ છે?” આવો સવાલ અગણિત લોકોને થાય છે. ઘણા લોકો જીવન વિષે અલગ-અલગ રીતે વિચારે છે. તોપણ દુઃખની વાત છે કે તેઓને જીવનનો હેતુ જોવા મળતો નથી. એટલે જ તેઓને જીવન “ખાલી-ખાલી અને અર્થ વગરનું લાગે છે.” આવું ઑસ્ટ્રિયાના ન્યુરોલૉજીસ્ટ વિક્ટર ઈ. ફ્રેન્કલે કહ્યું.

ઘણા લોકોને શા માટે એવું લાગે છે? એક કારણ એ છે કે દુનિયામાં લાખો લોકો ખૂબ જ મુશ્કેલ અને દુઃખદ પરિસ્થિતિમાં જીવે છે. દરરોજ તેઓ ગરીબી, બીમારી, બેહદ હિંસા અને જુલમ સહે છે. દુઃખ-તકલીફો વિષે બાઇબલ સમયના ઈશ્વરભક્ત અયૂબે પણ કહ્યું કે લોકોનું જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) એવા લોકો માટે ગમે તેમ કરીને દિવસ પસાર કરવો એ જ જીવનનો હેતુ છે.

બીજી બાજુ, દુનિયામાં લાખો લોકો એવા છે જેઓ પાસે પુષ્કળ ધનદોલત છે. એનાથી આપણને લાગી શકે કે સંતોષભર્યું જીવન જીવવા તેઓ પાસે બધું જ છે. એવા લોકોને પણ જીવનમાં સંતોષ મળતો નથી. એવું કેમ? કેમ કે, અવારનવાર તેઓના જીવનમાં ‘મુશ્કેલી અને દુઃખો’ આવે છે. અચાનક પૈસાની તંગી ઊભી થાય અથવા કોઈ કરુણ બનાવ બને. જેમ કે બાળકનું મૃત્યુ થવું. આવું કંઈક બને ત્યારે તેઓની મોટી મોટી આશા અને સપના ભાંગીને ચૂરેચૂરા થઈ જાય છે.—ગીતશાસ્ત્ર ૯૦:૧૦, કોમન લેંગ્વેજ.

લોકોને જીવન “ખાલી-ખાલી અને અર્થ વગરનું લાગે છે” એનું બીજું કારણ શું છે? એ જ કે જીવન ખૂબ ટૂંકું છે. ઘણા સમજી નથી શકતા કે મનુષ્ય પાસે અજોડ ક્ષમતા હોવા છતાં જીવન કેમ ટૂંકું છે. જીવનમાં કેમ તકલીફો આવે છે. ભલે વ્યક્તિ કોઈ આફતનો ભોગ ન બને, વહેલી કે મોડી મૃત્યુનો ભોગ બનતી હોય છે. એ આપણું બધું જ છીનવી લે છે.—સભાશિક્ષક ૩:૧૯, ૨૦.

શું જીવન હંમેશાં અર્થ વગરનું રહેશે?

અર્થ વગરના જીવન વિષે પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાને કહ્યું હતું. તેમના દિવસોમાં લોકો પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને વાવતા, લણતા, બાંધકામ કરતા અને કુટુંબની સંભાળ રાખતા. આ બધું કરવા તેઓ પણ આપણી જેમ સખત મહેનત કરતા. એટલે, સુલેમાનને સવાલ થયો હશે કે ‘આ બધું કરવાનો શું હેતુ?’ લોકો જે કંઈ કરે છે એના વિષે તેમણે કહ્યું કે એ “સઘળું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.”—સભાશિક્ષક ૨:૧૭.

રાજા સુલેમાન શું એવું માનતા હતા કે મનુષ્યો કંઈ પણ કરે એ હંમેશાં “વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું” હોય છે? ના. તે ફક્ત હકીકત જણાવતા હતા કે આ દુનિયામાં જીવન કેવું છે. જોકે ઈશ્વર બાઇબલમાં આપણને ખાતરી આપે છે કે હંમેશાં એવું નહિ રહે!

એવું તમે કઈ રીતે માની શકો? એ જાણવા હવે પછીના બે લેખ વાંચો. એ તમને સમજવા મદદ કરશે કે શા માટે જીવન અર્થ વગરનું લાગે છે. તેમ જ, આજની હાલતને કેવી રીતે સુધારવામાં આવશે. અને આજે પણ તમે કેવી રીતે જીવનની મઝા માણી શકો. (w11-E 07/01)