સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનનો કોઈ મકસદ નથી એવું કેમ લાગે છે?

જીવનનો કોઈ મકસદ નથી એવું કેમ લાગે છે?

જીવનનો કોઈ મકસદ નથી એવું કેમ લાગે છે?

સુંલેમાન રાજાએ કહ્યું, ‘મનુષ્ય પોતાનું ટૂંકું જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે.’ પણ શું એ હંમેશાં એવું જ રહેશે? (સભાશિક્ષક ૬:૧૨, કોમન લેંગ્વેજ) ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું છે કે ભાવિમાં આપણે જીવનનો ખરો આનંદ માણીશું.—૨ તીમોથી ૩:૧૬, ૧૭.

બાઇબલ જણાવે છે કે ધરતી બનાવવા પાછળ ઈશ્વરનો મકસદ શું હતો. એ પણ જણાવે છે કે દુનિયામાં કેમ અન્યાય, જુલમ અને દુઃખ-તકલીફ છે. આ બધાની સમજણ મેળવવાની કેમ જરૂર છે? કેમ કે મોટા ભાગના લોકોનું માનવું છે કે જીવનનો કોઈ હેતુ નથી. અથવા તો તેઓને એના વિષે કંઈ જાણવું નથી.

ધરતી માટે ઈશ્વરનો મકસદ શું છે?

યહોવાહે * મનુષ્યને રહેવા માટે સુંદર મઝાની ધરતી બનાવી. પછી પ્રથમ સ્ત્રી-પુરુષને એ ઘર તરીકે રહેવા આપી, જેથી તેઓ સદા આનંદમાં જીવતા રહે. જોકે, મોટા ભાગના લોકો આ સત્ય સ્વીકારતા નથી. તેઓ માને છે કે ઈશ્વરે મનુષ્યની કસોટી કરવા ધરતી પર રાખ્યો છે. જો તે ઈશ્વરના કહ્યાં પ્રમાણે જીવે, તો મરણ પછી તેનો આત્મા સ્વર્ગમાં જઈ શકે. પરંતુ બાઇબલ એવું કંઈ શીખવતું નથી.— “શું જીવનનો આનંદ માણવા મરવું જ જોઈએ?” પાન ૬નું બૉક્સ જુઓ.

ઈશ્વરે પ્રથમ પુરુષ અને સ્ત્રીને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યા હતા. એટલે કે ઈશ્વર જેવા સુંદર ગુણો કેળવવાની તેઓમાં ક્ષમતા હતી. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭) તેઓના તન-મનમાં કોઈ ખોટ ન હતી. સુખચેનથી અમર જીવન જીવવા તેઓ પાસે બધું જ હતું. તેઓએ પોતાના બાળકોથી આખી પૃથ્વીને ભરપૂર કરવાની હતી. તેમ જ આખી ધરતીને એદન બાગ જેવી સુંદર બનાવવાની હતી.—ઉત્પત્તિ ૧:૨૮-૩૧; ૨:૮, ૯.

તકલીફ ક્યાં ઊભી થઈ?

પણ આજે ધરતી એદન બાગ જેવી સુંદર નથી. મોટા ભાગના મનુષ્યોમાં ઈશ્વર જેવા ગુણો નથી. એવું તે શું બન્યું જેથી પરિસ્થિતિ બગડી ગઈ? આપણા પ્રથમ માબાપ આદમ-હવાએ ઈશ્વરે આપેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો. તેઓને ‘ઈશ્વર જેવા’ બનવું હતું. તેઓ જાતે નક્કી કરવા માગતા હતા કે સારું શું અને ખરાબ શું. એમ કરીને તેઓ પણ બંડખોર સ્વર્ગદૂત શેતાનના પગલે ચાલવા લાગ્યા.—ઉત્પત્તિ ૩:૧-૬.

પરિસ્થિતિ બગડવા પાછળ ઈશ્વરનો નહિ પણ શેતાનનો હાથ હતો. પ્રથમ શેતાન અને પછી આદમ-હવા ઈશ્વર વિરુદ્ધ ગયા. એનું શું પરિણામ આવ્યું? આદમ અને હવાએ એદન બાગનું સુંદર જીવન ગુમાવ્યું. તેઓ બીમાર પડવા લાગ્યા, ઘરડા થયા અને છેવટે મરણ પામ્યા. દુઃખની વાત છે કે તેઓ સર્વ મનુષ્યને પાપ અને મરણનો વારસો આપતા ગયા. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯; રૂમી ૫:૧૨) આ કારણને લીધે ઘણાને જીવન હેતુ વગરનું લાગે છે.

ઈશ્વરે દુષ્ટોનો કેમ તરત નાશ ન કર્યો?

અમુક લોકોને થશે કે ‘શેતાન, આદમ અને હવાએ બંડ કર્યું ત્યારે, ઈશ્વરે તેઓને કેમ તરત મારી ન નાખ્યાં?’ પણ જો એમ કરવામાં આવ્યું હોત તો શું એ સારું કહેવાત? ધારો કે સરકાર સામે બળવો કરનારને તરત જ મારી નાખવામાં આવે, તો તમને કેવું લાગશે? શું એનાથી ઇન્સાફ ચાહતા લોકોનો એવી સરકાર પરથી ભરોસો ઊઠી નહિ જાય! એટલે, ઈશ્વરે નક્કી કર્યું કે એ બળવાખોરોનો તરત જ નાશ નહિ કરે. તેમણે એદન બાગમાં મૂકાયેલા આરોપને ખોટો સાબિત કરવા સમય આપ્યો.

સર્વ દુષ્ટતાનો અંત

આ મહત્ત્વનો મુદ્દો યાદ રાખીએ: ઈશ્વર ફક્ત અમુક સમય સુધી જ દુષ્ટતાને ચાલવા દેશે. શેતાને મૂકેલા આરોપને જૂઠો સાબિત કર્યા પછી, તે સર્વ દુષ્ટતાનો અંત લાવશે. પછી, પરિસ્થિતિને એટલી હદે સુધારશે કે જાણે પહેલાં કશું થયું જ ન હતું.

ધરતી અને મનુષ્ય માટેનો પોતાનો હેતુ ઈશ્વર ભૂલી ગયા નથી. યહોવાહે પોતાના ભક્ત યશાયાહ દ્વાર આપણને ખાતરી આપી છે કે પોતે પૃથ્વીના સર્જનહાર છે. તેમણે પૃથ્વીને ‘ઉજ્જડ રહેવા માટે નહિ, પણ વસ્તીને માટે બનાવી છે.’ (યશાયાહ ૪૫:૧૮) ઈશ્વર જલદી જ ધરતીને ફરીથી એદન બાગ જેવી સુંદર બનાવી દેશે. ઈશ્વર પુરાવો આપશે કે તેમનું જ રાજ આપણું ભલું કરી શકે છે. એ પછી તે પોતાની સરકાર દ્વારા સર્વ દુષ્ટોનો નાશ કરશે. (યશાયાહ ૫૫:૧૦, ૧૧) ઈશ્વરની ઇચ્છા પૂરી થાય એ માટે ઈસુએ નમૂનાની પ્રાર્થનામાં આ વિનંતી કરી: ‘જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માત્થી ૬:૯, ૧૦) ઈશ્વરની ઇચ્છામાં શાનો સમાવેશ થાય છે?

ધરતી માટે ઈશ્વરનો હેતુ

ઈશ્વરની ઇચ્છા એ છે કે ‘નમ્ર લોકો ધરતીનો વારસો પામે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧, ૨૯; નીતિવચનો ૨:૨૧, ૨૨) બાઇબલ કહે છે કે ‘ગરીબો પોકાર કરે’ ત્યારે ઈસુ દ્વારા ઈશ્વર ‘તેઓને છોડાવશે અને દુઃખી લોકોને બચાવશે. જુલમ તથા હિંસામાંથી’ છોડાવશે. (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) ત્યારે ધરતી પર લડાઈ-ઝઘડા હશે જ નહિ. કોઈ દુઃખ-તકલીફ અને બીમારી નહિ હોય. અરે મરણ પણ નહિ હોય! (ગીતશાસ્ત્ર ૪૬:૯; પ્રકટીકરણ ૨૧:૧-૪) ઈશ્વરે બૂરાઈને ચાલવા દીધી, એ દરમિયાન અગણિત લોકો ગુજરી ગયા છે. ઈશ્વર તેઓને ધરતી પર પાછા સજીવન કરશે. તેઓને આવા અનેક આશીર્વાદોમાંથી લાભ લેવાનો મોકો મળશે.—યોહાન ૫:૨૮, ૨૯.

ખરું કે શેતાને બળવો કર્યો એનાથી મોટા ભાગની દુઃખ-તકલીફો આવી છે. પણ યહોવાહ એ તકલીફો એટલી હદે દૂર કરશે કે “પહેલાંની મુશ્કેલીઓ [આજના સર્વ દુઃખ-તકલીફો] ભૂલાઈ” જવાશે. (યશાયા ૬૫:૧૬-૧૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાહનું એ વચન ચોક્કસ પૂરું થશે, કેમ કે તે જૂઠું બોલતા નથી. તે જે કહે છે એ હંમેશાં સાચું પડે છે. પછી જીવન ક્યારેય “પવનમાં બાચકા ભરવા જેવું” નહિ લાગે. (સભાશિક્ષક ૨:૧૭) ત્યારે તો જીવનની મઝા કંઈક ઓર હશે!

પણ હમણાં શું? બાઇબલ જણાવે છે કે ધરતી માટે ઈશ્વરનો ખરો મકસદ શું છે. એ શીખીને શું આપણને જીવનનો ખરો હેતુ મળશે? હવે પછીનો લેખ એના વિષે જણાવશે. (w11-E 07/01)

[ફુટનોટ]

^ બાઇબલમાં ઈશ્વરનું નામ યહોવાહ છે.

[પાન ૬ પર બોક્સ]

શું જીવનનો આનંદ માણવા મરવું જ જોઈએ?

  જે મનુષ્યોને ઈશ્વરના મકસદ વિષે ખબર નથી, તેઓ એવું શીખવે છે કે જીવનની મઝા માણવા ધરતી છોડીને બીજે ક્યાંક જવું પડશે.

અમુક લોકો કહે છે કે ‘આત્મા, મનુષ્યના શરીરમાં પ્રવેશતા પહેલાં કોઈ બીજી જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે.’ (ન્યૂ ડિક્શનરી ઑફ થીઓલોજી) વળી, બીજાઓ કહે છે કે ‘આત્માએ સ્વર્ગમાં પાપ કર્યું હોવાથી, એને સજા ભોગવવા શરીરમાં મોકલવામાં આવે છે.’—સાઇક્લોપીડિયા ઑફ બિબ્લિકલ, થીઓલોજિકલ, ઍન્ડ એક્લિસીઆસ્ટિકલ લિટરેચર.

દાખલા તરીકે ગ્રીક ફિલસૂફ સોક્રેટીસ અને પ્લેટો આવું શીખવતા: જ્યાં સુધી આત્મા મનુષ્યના શરીરમાંથી ના નીકળે ત્યાં સુધી આત્માએ ‘દુઃખ-તકલીફો, ડર, ખોટી ઇચ્છાઓ અને ગાંડપણની ગુલામીમાં રહેવું પડે છે. પણ શરીરમાંથી આઝાદ થયા પછી આત્મા દેવની સંગતમાં રહે છે.’—પ્લેટોસ ફીદો, ૮૧, એ.

સમય જતા ચર્ચના ધર્મગુરુઓ, ગ્રીક ફિલસૂફી અપનાવવા લાગ્યા કે ‘મનુષ્યમાં અમર આત્મા છે.’—ક્રિશ્ચિયાનિટી—એ ગ્લોબલ હીસ્ટરી.

હવે એ વિચારોને બાઇબલના આ ત્રણ મહત્ત્વના શિક્ષણ સાથે સરખાવો:

૧. માણસ કાયમ માટે ધરતી પર રહે એ ઈશ્વરનો હેતુ છે. ધરતી પરનું જીવન કોઈ પરીક્ષાનો સમય નથી કે જેના પરથી નક્કી કરાય કે કોણ સ્વર્ગમાં રહેવા લાયક છે. જો આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા પાળી હોત, તો તેઓ આજે પણ સુંદર ધરતી પર જીવતા હોત.—ઉત્પત્તિ ૧:૨૭, ૨૮; ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.

૨. મોટા ભાગના ધર્મો શીખવે છે કે મનુષ્યમાં આત્મા છે. જ્યારે કે બાઇબલ સાદી રીતે શીખવે છે કે ઈશ્વરે માણસને ‘ભૂમિની માટીમાંથી બનાવ્યો અને તે જીવંત થયો.’ (ઉત્પત્તિ ૨:૭, IBSI) બાઇબલ જણાવે છે કે મરણ પછી વ્યક્તિ બિલકુલ ખતમ થઈ જાય છે, તેનામાં કંઈ જ જીવંત રહેતું નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪; સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:૪, ૨૦) પ્રથમ પુરુષ આદમને માટીમાંથી બનાવવામાં આવ્યો હતો અને મરણ પછી તે પાછો માટીમાં મળી ગયો. તેનું કોઈ જ અસ્તિત્વ ન રહ્યું.—ઉત્પત્તિ ૨:૧૭; ૩:૧૯.

૩. ઈશ્વરનું વચન છે કે ગુજરી ગયેલાને સુંદર ધરતી પર સજીવન કરવામાં આવશે. એ પરથી કહી શકીએ કે મનુષ્યનું ભાવિ, અમર આત્મા પર આધારિત નથી.—દાનીયેલ ૧૨:૧૩; યોહાન ૧૧:૨૪-૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.