સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

શા માટે એક બહેને સાઠેક વર્ષની ઉંમરે મૂર્તિપૂજા કરવાનું છોડી દીધું? શા માટે શિન્ટો ધર્મના એક ધર્મગુરુએ પોતાનું મંદિર છોડ્યું અને યહોવાના ભક્ત બન્યા? એક બહેનને જન્મતાંની સાથે જ તેમનાં માતા-પિતાએ છોડી દીધાં હતાં. તે કઈ રીતે એ દુઃખ સહી શક્યાં? ચાલો તેઓ પાસેથી સાંભળીએ.

“હવે હું મૂર્તિઓની ગુલામ નથી.”—આબા ડેન્સુ

જન્મ: ૧૯૩૮

દેશ: બેનિન

ભૂતકાળ: મૂર્તિપૂજા કરનાર

મારા વિશે: હું સો-ચાઉવી ગામમાં મોટી થઈ. એ એક તળાવની નજીક આવેલું હતું. ત્યાંનો વિસ્તાર કાદવ-કીચડવાળો હતો. ત્યાંના લોકો માછલી પકડતા. તેઓ ગાય, બકરાં, ઘેટાં, ભૂંડ અને પક્ષીઓ ઉછેરતા. એ ગામમાં અવરજવર કરવા માટે રસ્તા ન હતા. એટલે લોકો હોડી કે નાવડીથી મુસાફરી કરતા. મોટા ભાગના લોકો પોતાનાં ઘર લાકડાં અને ઘાસનાં બનાવતા. અમુક લોકો ઈંટોનાં ઘર બનાવતા. મોટા ભાગના લોકો ઘણા ગરીબ છે. તોપણ, શહેરોની જેમ અમારા ગામમાં બહુ ગુના થતા નથી.

હું નાની હતી ત્યારે જ મારા પપ્પાએ મને અને મારી મોટી બહેનને ફેટિશ કોન્વેન્ટમાં મોકલી હતી. ત્યાં અમને તેઓની માન્યતાઓ વિશે શીખવવામાં આવતું. હું મોટી થઈને યોરૂબાના ડુડુઆ (ઓડુડુવા) દેવને ભજવા લાગી. મેં એ દેવ માટે મંદિર બાંધ્યું. હું નિયમિત રીતે એને રતાળુ, નારિયેળનું તેલ, ગોકળગાય, મરઘી, હોલા અને અનેક બીજાં પ્રાણીઓ ચઢાવતી. એ કંઈ સસ્તું ન હતું, ઘણું મોંઘું હતું. મારા મોટા ભાગના પૈસા એમાં વપરાઈ જતા.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: હું બાઇબલમાંથી અભ્યાસ કરવા લાગી. મને શીખવા મળ્યું કે યહોવા જ એકલા ખરા ઈશ્વર છે. મને એ પણ શીખવા મળ્યું કે મૂર્તિપૂજા કરીએ એ યહોવાને જરાય પસંદ નથી. (નિર્ગમન ૨૦:૪, ૫; ૧ કોરીંથીઓ ૧૦:૧૪) મને સમજાયું કે મારે શું કરવાની જરૂર છે. એટલે મેં મારી બધી મૂર્તિઓ અને એને લગતી ચીજવસ્તુઓ ફેંકી દીધી. પછી મેં ભવિષ્ય જોનારા લોકો પાસે મારું ભવિષ્ય જાણવાનું બંધ કર્યું. મેં અહીંના લોકોના ધાર્મિક રીતરિવાજો પાળવાનું પણ બંધ કરી દીધું.

હું ૬૦ વટાવી ગઈ હતી. એટલે મારા માટે આવા ફેરફારો કરવા કંઈ સહેલું ન હતું. મારાં મિત્રો, સગાં-સંબંધીઓ અને નજીકના ઓળખીતાઓએ મારો વિરોધ કર્યો અને મારી મજાક ઉડાવી. પણ જે ખરું છે એ કરવા મેં યહોવા ઈશ્વર પાસે પ્રાર્થનામાં હિંમત માંગી. મને નીતિવચનો ૧૮:૧૦ના શબ્દોમાંથી હિંમત મળી. એ કહે છે, “યહોવાનું નામ મજબૂત કિલ્લો છે. નેક માણસ એમાં દોડી જઈને રક્ષણ મેળવે છે.”

યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવાથી પણ મને મદદ મળી. ભાઈ-બહેનોનો પ્રેમ મારા દિલને સ્પર્શી ગયો. હું જોઈ શકી કે તેઓ ફક્ત બાઇબલમાંથી શીખતા જ નથી, એ જીવનમાં પણ લાગુ પાડે છે. એનાથી મને પૂરો ભરોસો થયો કે યહોવાના સાક્ષીઓ જ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે.

મને કઈ રીતે ફાયદો થયો: બાઇબલની વાતો જીવનમાં લાગુ પાડવાથી હું મારાં બાળકોની વધારે નજીક આવી છું. મારા માથા પરથી જાણે મોટો ભાર હળવો થઈ ગયો છે. હું મારા મોટા ભાગના પૈસા મૂર્તિઓ પાછળ ખર્ચી નાખતી જેની ભક્તિ કરવાથી મને કોઈ જ લાભ ન થતો. પણ હવે હું ફક્ત યહોવાની જ ભક્તિ કરું છું, જે દુનિયાની બધી દુઃખ-તકલીફોને કાયમ માટે મિટાવી દેશે. (પ્રકટીકરણ ૨૧:૩, ૪) હું બહુ જ ખુશ છું કે હવે હું મૂર્તિઓની ગુલામ નથી. હું સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરું છું, જેમની પાસેથી મને રક્ષણ અને સલામતી મળે છે.

“હું બાળપણથી ઈશ્વરને શોધતો હતો.”—શિન્જી સાટો

જન્મ: ૧૯૫૧

દેશ: જાપાન

ભૂતકાળ: શિન્ટો ધર્મના ધર્મગુરુ

મારા વિશે: જાપાનના એક નાના ગામડામાં મારો ઉછેર થયો હતો. મારાં માતા-પિતા ખૂબ ધાર્મિક હતાં. તેઓએ મને નાનપણથી શિન્ટો ધર્મના દેવોને ભજવાનું શીખવ્યું હતું. નાનો હતો ત્યારે હું ઘણી વાર મારા ભવિષ્ય વિશે વિચારતો. મારા દિલની તમન્‍ના હતી કે હું જરૂરિયાતવાળા લોકોને મદદ કરું. મને હજી યાદ છે સ્કૂલના એક શિક્ષકે બધા વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે મોટા થઈને તેઓ શું કરવા માંગે છે. ક્લાસના છોકરા-છોકરીઓને ખબર હતી કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે, જેમ કે, અમુકે કહ્યું કે તેઓ વૈજ્ઞાનિક બનવા માંગે છે. પણ મેં કહ્યું કે મારે ભગવાનની ભક્તિ કરવી છે. એ સાંભળીને બધા મારા પર હસવા લાગ્યા.

બારમા ધોરણ પછી હું ધર્મગુરુઓની શાળામાં દાખલ થયો. મારી તાલીમ ચાલતી હતી એ સમયગાળામાં હું એક શિન્ટો ધર્મગુરુને મળ્યો. જ્યારે પણ તેમને સમય મળતો ત્યારે તે એક કાળા કવરનું પુસ્તક ખોલતા અને એમાંથી વાંચવા લાગતા. એક દિવસે તેમણે મને પૂછ્યું: “સાટો, તને ખબર છે આ કયું પુસ્તક છે?” મેં એ પુસ્તકનું કવર જોયું હતું, એટલે મેં કીધું: “બાઇબલ.” તેમણે કહ્યું: “જે કોઈએ શિન્ટો ધર્મગુરુ બનવું હોય તેણે આ પુસ્તક વાંચવું જોઈએ.”

એટલે મેં તરત જઈને બાઇબલ ખરીદી લીધું. મેં એને એવી જગ્યાએ મૂક્યું જ્યાંથી લોકો એને તરત જોઈ શકે. હું એને ખૂબ સાચવીને રાખતો. પણ હું ખૂબ વ્યસ્ત રહેતો એટલે એને વાંચવાનો જરાય સમય ન મળતો. ભણવાનું પૂરું કર્યા પછી હું શિન્ટો ધર્મગુરુ બન્યો અને શિન્ટો મંદિરમાં કામ કરવા લાગ્યો.

હું શિન્ટો ધર્મગુરુ તો બની ગયો, પણ બધું જ મારા ધાર્યા કરતાં સાવ અલગ હતું. મોટા ભાગના ધર્મગુરુઓમાં પ્રેમનો છાંટોય ન હતો. તેઓ એકબીજાની ચિંતા પણ ન કરતા. ઘણાને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી. મારા એક અધિકારીએ તો મને એટલે સુધી કહ્યું: “સફળ થવું હોય તો શ્રદ્ધાની વાતો ના કરતો, ફિલસૂફીની વાતો કરજે.”

તેની વાત સાંભળીને હું નિરાશ થઈ ગયો અને શિન્ટો ધર્મ પરથી મારો ભરોસો ઊઠી ગયો. ખરું કે હું હજી ત્યાં કામ કરતો હતો, પણ મેં બીજા ધર્મો વિશે પણ શીખવાનું શરૂ કર્યું. હું જેટલું વધારે શીખતો, એટલો વધારે નિરાશ થઈ જતો. મારી આશા ઠગારી નીવડી. કેમ કે મને એવો એકેય ધર્મ મળ્યો નહિ, જે ઈશ્વર વિશે સાચું શીખવતો હોય.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: ૧૯૮૮માં હું બૌદ્ધ ધર્મની એક વ્યક્તિને મળ્યો. તેણે મને બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપ્યું. વર્ષો પહેલાં એક શિન્ટો ધર્મગુરુએ પણ મને એવું કરવાનું કહ્યું હતું. પછી મેં તેની સલાહ માની અને બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. બાઇબલ વાંચતાં વાંચતાં હું એમાં પૂરી રીતે ખોવાઈ જતો. અમુક વાર તો હું આખી રાત, સૂર્ય ઊગે ત્યાં સુધી વાંચતો.

બાઇબલ વાંચ્યા પછી મને ઇચ્છા થઈ કે હું એ ઈશ્વરને પ્રાર્થના કરું, જેમના વિશે બાઇબલમાં લખ્યું છે. એટલે મેં માથ્થી ૬:૯-૧૩માં જે પ્રાર્થના જણાવી છે, એનાથી શરૂઆત કરી. દર બે કલાકે હું એ પ્રાર્થના કરતો. અરે, શિન્ટો મંદિરમાં સેવા કરતા કરતા પણ એ પ્રાર્થના બોલતો.

બાઇબલ વિશે મારા મનમાં ઘણા સવાલો હતા. એ વખતે મારું લગ્‍ન થઈ ગયું હતું. હું જાણતો હતો કે યહોવાના સાક્ષીઓ લોકોને બાઇબલમાંથી શીખવે છે, કેમ કે તેઓ પહેલાં પણ મારી પત્નીને મળ્યા હતા. મેં યહોવાના સાક્ષીઓ વિશે તપાસ કરી અને મને એક બહેન મળ્યાં. મેં તેમના પર સવાલોની ઝડી વરસાવી દીધી. મને એ વાત બહુ ગમી કે તેમણે મારા બધા સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા. પછી મને બાઇબલમાંથી શીખવવા તેમણે એક ભાઈની ગોઠવણ કરી.

થોડા જ સમયમાં મેં યહોવાના સાક્ષીઓની સભામાં જવાનું શરૂ કર્યું. હું પહેલી જ વાર સભામાં ગયો ત્યારે તેઓએ પ્રેમથી મારો આવકાર કર્યો. એ મને બહુ ગમ્યું. જોકે, પછીથી મને સમજાયું કે ત્યાં એવા સાક્ષીઓ પણ હતા, જેઓ સાથે હું ખરાબ રીતે વર્ત્યો હતો. તેમ છતાં, તેઓ મારી સાથે સારી રીતે વર્ત્યા હતા.

સભાઓમાં હું શીખ્યો કે ઈશ્વર પતિઓ પાસેથી શું ચાહે છે. તે ચાહે છે કે પતિ કુટુંબના સભ્યોને પ્રેમ કરે અને તેઓને માન આપે. એ સમયે હું મંદિરના કામમાં એટલો વ્યસ્ત રહેતો કે પત્ની અને બાળકોને ધ્યાન જ આપી ન શકતો. અચાનક મનમાં ઝબકારો થયો, ‘હું મંદિરમાં આવતા લોકોની વાત બહુ ધ્યાનથી સાંભળું છું, પણ મારી પત્નીની વાત તો કદી નથી સાંભળતો.’

હું બાઇબલમાંથી શીખતો ગયો તેમ, યહોવા વિશે ઘણું શીખ્યો અને એનાથી હું તેમની વધારે નજીક જઈ શક્યો. બાઇબલની ઘણી કલમો મારા દિલને સ્પર્શી ગઈ, ખાસ કરીને રોમનો ૧૦:૧૩, જે કહે છે: “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.” હું બાળપણથી ઈશ્વરને શોધતો હતો અને આખરે તે મને મળી ગયા!

મને લાગવા માંડ્યું હતું કે હવે મારે મંદિરમાં ન રહેવું જોઈએ. શરૂ શરૂમાં મને ચિંતા થતી કે હું શિન્ટો ધર્મ છોડી દઈશ તો, લોકો શું કહેશે. પણ હું હંમેશાં પોતાને કહેતો કે જો મને સાચા ઈશ્વર મળી જશે, તો હું શિન્ટો ધર્મ છોડી દઈશ. એટલે ૧૯૮૯ની વસંતમાં મેં મારા દિલનું સાંભળ્યું અને શિન્ટો ધર્મ છોડી દીધો. મેં પોતાને યહોવાના હાથમાં સોંપી દીધો અને ભરોસો રાખ્યો કે તે મને સાચવશે.

મંદિર છોડવું એટલું સહેલું ન હતું. ઉપરી અધિકારીઓએ મને ઘણો ખખડાવ્યો અને મંદિર ન છોડવા દબાણ કર્યું. મારે મમ્મી-પપ્પાને પણ મારો નિર્ણય જણાવવાનો હતો. એ તો લોઢાના ચણા ચાવવા જેવું હતું. ઘરે પહોંચતાં સુધીમાં તો હું ઢીલોઢસ થઈ ગયો હતો અને મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા હતા. રસ્તામાં ઘણી વાર રોકાઈને મેં હિંમત માટે યહોવાને પ્રાર્થના કરી.

જ્યારે હું મમ્મી-પપ્પાના ઘરે પહોંચ્યો, ત્યારે એ વિશે વાત જ ન કરી શક્યો. કલાકો વીતી ગયા. ઘણી પ્રાર્થનાઓ પછી હું પપ્પાને મારી વાત કહી શક્યો. મેં તેમને જણાવ્યું કે મને સાચા ઈશ્વર મળી ગયા છે અને હું શિન્ટો ધર્મ છોડી રહ્યો છું. પપ્પાના પગ નીચેથી જમીન સરકી ગઈ, તે બહુ દુઃખી થઈ ગયા. અમુક સગાઓ ઘરે આવી ગયા અને મારો નિર્ણય બદલવા મને મનાવવા લાગ્યા. મારે કુટુંબને દુઃખ પહોંચાડવું ન હતું, પણ હું જાણતો હતો કે યહોવાની ભક્તિ કરવાનો મારો નિર્ણય એકદમ સાચો હતો. સમય જતાં, મારા કુટુંબે મારો નિર્ણય સ્વીકારી લીધો.

તનથી તો મંદિર છોડી દીધું હતું, પણ મનથી છોડ્યું ન હતું. મંદિરનું જીવન મારી રગેરગમાં વસેલું હતું. હું એને ભૂલવાનો ઘણો પ્રયત્ન કરતો પણ ભૂલી ન શકતો. હું કોઈ પણ વસ્તુ જોવું ત્યારે મને મંદિરના જીવનની યાદ આવી જતી.

બે વાતથી મને ઘણી મદદ મળી. પહેલી, મેં ઘરમાં શોધ્યું કે શિન્ટો ધર્મથી જોડાયેલી કઈ કઈ વસ્તુઓ મારી પાસે છે. પછી મને જે પુસ્તકો, ચિત્રો અને મોંઘી વસ્તુઓ મળી એ બધું જ બાળી નાખ્યું. બીજી, હું યહોવાના સાક્ષીઓ સાથે વધારે સમય વિતાવવા લાગ્યો. તેઓ મારા સાચા દોસ્ત બન્યા. તેઓએ મારી ઘણી મદદ કરી. એના લીધે જ મારી જૂની યાદોને હું અલવિદા કહી શક્યો.

મને કઈ રીતે ફાયદો થયો: હું મારી પત્ની અને બાળકો પર જરાય ધ્યાન ન આપતો. એના લીધે તેઓને ખૂબ એકલું એકલું લાગતું. પણ હું બાઇબલની સલાહ પ્રમાણે તેઓ સાથે વધારે સમય વિતાવવા લાગ્યો. એનાથી અમારા સંબંધોમાં મીઠાશ આવી ગઈ. પછીથી મારી પત્ની પણ યહોવાની ભક્તિ કરવા લાગી. હવે મારો દીકરો, મારી દીકરી અને જમાઈ, બધા સાથે મળીને યહોવાની સેવા કરીએ છીએ.

નાનપણથી જ મારા દિલની તમન્‍ના હતી કે હું ઈશ્વરની ભક્તિ કરું અને લોકોને મદદ કરું. આજે હું એ જ તો કરી રહ્યો છું. એ માટે હું જેટલું યહોવાને આભાર માનું એટલું ઓછું છે.

“મારા જીવનમાં કંઈક તો ખૂટતું હતું.”—લિનેટ હાઉટીંગ

જન્મ: ૧૯૫૮

દેશ: દક્ષિણ આફ્રિકા

ભૂતકાળ: તેમને લાગતું કે તેમને તરછોડી દેવામાં આવ્યાં છે

મારા વિશે: મારો જન્મ જર્મિસ્ટન શહેરમાં થયો હતો. ત્યાંના લોકો ના તો બહુ અમીર હતા, ના તો બહુ ગરીબ. એ શહેરમાં ગુનાઓ પણ ઓછા થતા. મારા મમ્મી-પપ્પાને લાગતું કે તેઓ મને ઉછેરી નહિ શકે, એટલે તેઓએ મને બીજા કોઈને સોંપી દીધી. હું ૧૪ દિવસની જ હતી ત્યારે એક પ્રેમાળ યુગલે મને દત્તક લીધી. તેઓએ સારી રીતે મારી સંભાળ રાખી. પણ જ્યારે મને હકીકત ખબર પડી, ત્યારે હું ભાંગી પડી. મને લાગતું કે જન્મ આપનાર મમ્મી-પપ્પાએ મને તરછોડી દીધી છે. એવું પણ લાગતું કે જે મમ્મી-પપ્પાએ મને દત્તક લીધી છે, તેઓ મને નહિ સમજી શકે.

હું આશરે ૧૬ વર્ષની થઈ ત્યારે નાઈટ ક્લબમાં જવા લાગી. ત્યાં હું મારા દોસ્તો સાથે સંગીત સાંભળતી અને નાચતી. ૧૭ વર્ષની ઉંમરે હું સિગારેટ પીવા લાગી. સિગારેટની જાહેરાતોમાં છોકરીઓ નાજુક-નમણી અને આકર્ષક હતી. મારે પણ તેઓ જેવું દેખાવું હતું. હું ૧૯ વર્ષની થઈ ત્યારે મને જોહાનિસબર્ગમાં નોકરી મળી. બહુ જલદી હું ખોટા લોકો સાથે દોસ્તી કરી બેઠી. હું ગાળાગાળી કરવા લાગી, વધારે સિગારેટ પીવા લાગી અને દર શનિ-રવિ ખૂબ દારૂ પીવા લાગી.

પણ મારે તંદુરસ્ત રહેવું હતું. એટલે હું કસરત કરતી અને અલગ અલગ રમતો રમતી. સાથે સાથે, નોકરીની જગ્યાએ પણ હું ખૂબ મહેનત કરતી. ઘણી કોમ્પ્યુટરની કંપનીઓમાં મારું સારું નામ હતું. એના લીધે મેં ખૂબ પૈસા કમાવ્યા અને લોકોને લાગતું કે હું સફળતાની પાયરીએ છું. પણ હું મારા જીવનથી ખૂબ નિરાશ હતી. મને અંદરથી લાગતું કે મારા જીવનમાં કંઈક તો ખૂટતું હતું.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે મને જાણવા મળ્યું કે યહોવા પ્રેમના ઈશ્વર છે. હું એ પણ શીખી કે યહોવા આપણને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે તેમણે આપણને બાઇબલ આપ્યું છે. એ પુસ્તક જાણે યહોવા તરફથી મળેલો પત્ર છે, જે આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે. (યશાયા ૪૮:૧૭, ૧૮) મને ખ્યાલ આવ્યો કે જો હું એ માર્ગ પર ચાલવા માંગતી હોવું, તો મારે ઘણા ફેરફારો કરવા પડશે.

સૌથી પહેલા તો મારે ખરાબ સંગત છોડવાની જરૂર હતી. નીતિવચનો ૧૩:૨૦ના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા, જ્યાં લખ્યું છે: “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે, પણ મૂર્ખનો સાથી બરબાદ થશે.” એ સિદ્ધાંતની મદદથી હું ખરાબ મિત્રો છોડી શકી અને મંડળનાં ભાઈ-બહેનો સાથે મિત્રતા કરી શકી.

મારા માટે સિગારેટ છોડવી ખૂબ અઘરું હતું, કારણ કે મને એની લત લાગી ગઈ હતી. ધીરે ધીરે મેં એ લત છોડી. પણ મારી સામે બીજી એક મુશ્કેલી આવી. સિગારેટ છોડવાને લીધે મારું વજન આશરે ૧૩.૫ કિલો વધી ગયું! એનાથી હું નિરાશ થઈ ગઈ. વજન ઘટાડવામાં મને લગભગ દસ વર્ષ લાગી ગયા. પણ મને ખબર હતી કે સિગારેટ છોડવું, એ જ યોગ્ય છે. એટલે મેં યહોવાને વારંવાર પ્રાર્થના કરી અને તેમણે મને એ લત છોડવા મદદ કરી.

મને કઈ રીતે ફાયદો થયો: હવે મારી તબિયત પહેલાં કરતા વધારે સારી છે. હું મારા જીવનથી ખુશ છું. પહેલા હું પૈસા અને નામ-દામ કમાવવા પાછળ દોડતી હતી. પણ એનાથી મને જરાય ખુશી ન મળતી. એના બદલે બીજાઓને બાઇબલનો સંદેશો જણાવવાથી મને સાચી ખુશી મળે છે. પરિણામે, અગાઉ મારી સાથે કામ કરતાં ત્રણ સ્ત્રીઓ યહોવાના સાક્ષીઓ બન્યાં. મારા પતિ પણ મારી સાથે મળીને યહોવાની સેવા કરે છે. જે માતા-પિતાએ મને દત્તક લીધી હતી, તેઓ ગુજરી ગયાં છે. પણ મને એ વાતની ખુશી છે કે તેઓના મરણ પહેલાં મેં તેઓને બાઇબલના વચન વિશે જણાવ્યું હતું, જે કહે છે કે પૃથ્વી બાગ જેવી સુંદર થઈ જશે અને ગુજરી ગયેલા લોકો જીવતા થશે.

યહોવાની નજીક જવાથી હવે મને નથી લાગતું કે મને તરછોડી દેવામાં આવી છે. તેમણે મને અહેસાસ કરાવ્યો કે હું એકલી નથી અને એવું કુટુંબ આપ્યું છે જે આખી દુનિયામાં ફેલાયેલું છે. એ કુટુંબમાં મને ઘણાં ભાઈઓ, બહેનો, માતાઓ અને પિતાઓ મળ્યાં છે.—માર્ક ૧૦:૨૯, ૩૦.

[પાન પર ચિત્ર]

હું જોઈ શકી યહોવાના સાક્ષીઓ સાચે જ એકબીજાને પ્રેમ કરે છે

[પાન પર ચિત્ર]

શિન્ટો મંદિર, જ્યાં હું પહેલાં ભક્તિ કરતો હતો