સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો?

શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો?

શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો?

“તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.”—માથ. ૬:૩૩.

૧, ૨. (ક) ગલાતી ૬:૧૬માં જણાવેલ ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ કોને રજૂ કરે છે? (ખ) માત્થી ૧૯:૨૮માં જણાવેલ ‘ઈસ્રાએલનાં બાર કુળ’ કોને રજૂ કરે છે?

 જ્યારે તમે બાઇબલમાં “ઈસ્રાએલ” શબ્દ વાંચો, ત્યારે તમારા મનમાં શું આવે છે? શું તમારા મનમાં ઈસ્હાકનો દીકરો યાકૂબ આવે છે, જે ઈસ્રાએલ તરીકે ઓળખાયો? કે પછી તેના વંશજોનો વિચાર કરો છો જે ઈસ્રાએલી પ્રજા બની? કદાચ તમને ‘ઈશ્વરના ઈસ્રાએલʼનો પણ વિચાર આવે, જે ૧,૪૪,૦૦૦ અભિષિક્તોનું બનેલું છે. તેઓને રાજા અને યાજકો તરીકે સ્વર્ગમાં સેવા કરવા ઈશ્વરની શક્તિથી પસંદ કરવામાં આવ્યા છે. (ગલા. ૬:૧૬; પ્રકટી. ૭:૪; ૨૧:૧૨) પણ બાઇબલમાં “ઈસ્રાએલ” શબ્દનો બીજી એક ખાસ રીતે ઉપયોગ થયો છે. ચાલો એના વિષે માત્થી ૧૯:૨૮માંથી જોઈએ.

ઈસુએ કહ્યું, “માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઈસ્રાએલનાં બારે કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બેસશો.” આ કલમમાં ‘ઈસ્રાએલનાં બાર કુળ’ કોને રજૂ કરે છે? એ એવા લોકોને બતાવે છે જેઓ સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવશે. ૧,૪૪,૦૦૦ અભિષિક્તો એ લોકો પર ન્યાયાધીશો અને યાજકો તરીકે સેવા કરશે.

૩, ૪. અભિષિક્તોએ આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો છે?

યાજકો અને લેવીઓની જેમ, આજના અભિષિક્તો પોતાની સેવાને એક કીમતી લહાવો ગણે છે. (ગણ. ૧૮:૨૦) અભિષિક્તો કોઈ આશા રાખતા નથી કે તેઓને પૃથ્વી પર કોઈ વારસો મળે. પ્રકટીકરણ ૪:૧૦, ૧૧ જણાવે છે કે તેઓ સ્વર્ગમાં યહોવાહની સેવા કરતા રહેશે. ત્યાં તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે રાજા અને યાજકો તરીકે હશે.—હઝકી. ૪૪:૨૮.

અભિષિક્તો પૃથ્વી પરના જીવનથી સાબિતી આપે છે કે યહોવાહ જ તેઓનો હિસ્સો છે. ઈશ્વરની ભક્તિ કરવી એ જ તેઓ માટે સૌથી મહત્ત્વનું છે. તેઓ ખ્રિસ્તની કુરબાનીમાં પૂરો વિશ્વાસ મૂકે છે, અને હંમેશાં તેમના પગલે ચાલે છે. તેઓ પોતાને ‘મળેલા તેડાને તથા પ્રભુએ કરેલી પસંદગીʼને પકડી રાખવા માગે છે. (૨ પીત. ૧:૧૦) દરેક અભિષિક્તોના સંજોગો અને ક્ષમતા અલગ-અલગ છે. તેમ છતાં તેઓ ભક્તિમાં બનતું બધું જ કરે છે. તેઓ મર્યાદિત ક્ષમતાને એક બહાના તરીકે ગણતા નથી. પૃથ્વી પર જીવવાની આશા રાખનારા માટે તેઓએ સારો દાખલો બેસાડ્યો છે.

૫. સર્વ ખ્રિસ્તીઓ કઈ રીતે બતાવી શકે કે યહોવાહ તેઓનો હિસ્સો છે? એ પ્રમાણે કરવું કેમ સહેલું નથી?

ભલે આપણી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, બધાએ શું કરવું જોઈએ? ‘પોતાનો નકાર કરવો જોઈએ, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને ખ્રિસ્ત પાછળ ચાલવું’ જોઈએ. (માથ. ૧૬:૨૪) પૃથ્વી પરની આશા રાખતા લાખો લોકો, યહોવાહને ભજે છે અને ખ્રિસ્તના પગલે ચાલે છે. તેઓના સંજોગો વધારે કરવાની પરવાનગી આપતા હોય, ત્યારે તેઓ થોડું કરીને બેસી રહેતા નથી. તેઓમાંના ઘણાએ પાયોનિયરીંગ કરવા જીવન સાદુ બનાવ્યું છે. તો કેટલાંક ભક્તો વર્ષમાં અમુક મહિના સહાયક પાયોનિયરીંગ કરે છે. જ્યારે કે જેઓ પાયોનિયરીંગ કરી શકતા નથી, તેઓ પ્રચારમાં પોતાનાથી બનતું બધું જ કરે છે. આવા ભક્તો પ્રાચીન સમયની મરિયમ જેવા છે, જેણે ઈસુને સુગંધીદાર તેલ ચોળ્યું હતું. ઈસુએ કહ્યું: ‘તેણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે.’ (માર્ક ૧૪:૬-૮) જોકે આ દુનિયા શેતાનના હાથમાં છે, એટલે ભક્તિમાં ચાહીએ એટલું કરવું મુશ્કેલ છે. તેમ છતાં, આપણે પૂરી મહેનત કરવી જોઈએ અને ઈશ્વરમાં પૂરો ભરોસો મૂકવો જોઈએ. એ પ્રમાણે કરવા ચાલો ચાર રીતો જોઈએ.

પ્રથમ ઈશ્વરના રાજ્યને શોધીએ

૬. (ક) દુનિયાના લોકો કઈ રીતે બતાવે છે કે પોતાનો હિસ્સો હાલ પૂરતો જ છે? (ખ) આપણે કેમ દાઊદની જેમ વિચારવું જોઈએ?

ઈસુએ તેમના શિષ્યોને ઈશ્વરનું રાજ્ય અને તેમના ન્યાયીપણાને પ્રથમ રાખતા શીખવ્યું. જ્યારે કે ‘આ જગતનાં માણસો’ પોતાના મનપસંદ કાર્યોને પ્રથમ રાખે છે. તેઓનો “ભાગ આ જિંદગીમાં છે.” (ગીતશાસ્ત્ર ૧૭:૧, ૧૩-૧૫ વાંચો.) કરોડો લોકોને સર્જનહારની કંઈ પડી નથી. તેઓ બસ ઘર વસાવવા, બાળકોને સારો વારસો આપવા અને એશઆરામી જીવન જીવવા પાછળ પડ્યા છે. તેઓનો હિસ્સો ફક્ત હાલ પૂરતો જ છે. જ્યારે કે દાઊદે, યહોવાહ સાથે “રૂડી સાખ” એટલે કે સારું નામ બનાવવા પ્રયત્ન કર્યો. (સભા. ૭:૧) અરે, તેમના દીકરા સુલેમાને પણ બધાને એમ જ કરવા ઉત્તેજન આપ્યું. આસાફની જેમ, દાઊદને પણ ખબર હતી કે યહોવાહના મિત્ર બનવું એ જીવનમાં સૌથી મહત્ત્વનું છે. એમ કરવાથી દાઊદને યહોવાહની ભક્તિમાં ખુશી મળતી હતી. આજે પણ ઘણા ભાઈ-બહેનોએ પોતાના નોકરી-ધંધાને બદલે યહોવાહની ભક્તિને જીવનમાં પહેલી રાખી છે.

૭. ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકવાથી, એક ભાઈને કેવા આશીર્વાદ મળ્યા?

મધ્ય આફ્રિકા પ્રજાસત્તાકમાં રહેતા જોન-ક્લોડનો વિચાર કરો. તે એક પરિણીત વડીલ અને ત્રણ બાળકોના પિતા છે. એ દેશમાં નોકરી મેળવવી બહુ જ અઘરી છે. જેઓની પાસે નોકરી હોય તેઓ એને પકડી રાખવા ગમે તે હદ સુધી જતા હોય છે. એક દિવસે મૅનેજરે જોન-ક્લોડને કહ્યું કે તેમણે હવેથી સાતેસાત દિવસ રાતપાળી કરવી પડશે. રોજ સાંજના સાડા છ વાગે કામ શરૂ કરવું પડશે. તેમણે મૅનેજરને સમજાવ્યું કે ‘મારે માટે કુટુંબની સંભાળ રાખવી અને તેઓને ભક્તિમાં મદદ કરવી એ બહુ મહત્ત્વનું છે.’ એ પણ સમજાવ્યું કે તેમની પાસે મંડળને મદદ કરવાની પણ જવાબદારી છે. મૅનેજરે તેમને કહ્યું, ‘તું નસીબદાર છે, કે તારી પાસે નોકરી છે. એને રાખવા માગતો હોય તો બીજું બધું ભૂલી જા. પછી ભલે એ તારી પત્ની હોય, બાળકો હોય કે બીજું કંઈ હોય. કામ સિવાય તારા જીવનમાં બીજું કશું જ ન હોવું જોઈએ. તારા હાથમાં છે તને શું જોઈએ છે, ધર્મ કે નોકરી?’ આવા સંજોગોમાં તમે શું કર્યું હોત? જોન-ક્લોડને પૂરી ખાતરી હતી કે જો નોકરી છૂટી જાય, તોપણ યહોવાહ જરૂર તેઓની સંભાળ રાખશે. યહોવાહની ભક્તિમાં તેમની પાસે હજુ ઘણું કામ હતું. તેમને ખાતરી હતી કે યહોવાહ પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવા મદદ કરશે. આવું વિચારીને તે એ અઠવાડિયાની સાંજની સભામાં ગયા. એ પછી તે કામે જવા તૈયાર થયા. તેમને ખબર પણ ન હતી કે નોકરી રહી હશે કે નહિ. એ જ સમયે તેમને કામ પરથી ફોન આવ્યો કે મૅનેજરને છૂટો કરી દેવામાં આવ્યો છે, પણ તેમની નોકરી હજી સલામત છે.

૮, ૯. આપણે કઈ રીતે યાજકો અને લેવીઓની જેમ યહોવાહને પોતાનો હિસ્સો બનાવી શકીએ?

જેની નોકરી જોખમમાં છે તે કદાચ વિચારશે કે ‘હું કઈ રીતે કુટુંબની સંભાળ રાખવાની જવાબદારી પૂરી કરીશ?’ (૧ તીમો. ૫:૮) તમે આવા સંજોગમાં આવ્યા હોય કે નહિ, પોતાના અનુભવથી જરૂર કહી શકશો: યહોવાહની ભક્તિને પ્રથમ રાખવાથી અને તેમને જીવનનો હિસ્સો બનાવવાથી તેમણે મને કદી ત્યજી દીધો નથી. ઈસુએ શિષ્યોને કહ્યું હતું: ‘પહેલાં તેના રાજ્યને શોધો.’ એમ કરવાથી ઈશ્વર તેઓની ખાવા-પીવાની તેમ જ કપડાં-લત્તાની જરૂરિયાત પૂરી પાડશે.—માથ. ૬:૩૩.

લેવીઓનો વિચાર કરો. તેઓને વારસામાં કોઈ જમીન મળી ન હતી. તેઓના જીવનમાં ભક્તિ પ્રથમ હતી એટલે ભરણ-પોષણ માટે તેઓએ યહોવાહ પર ભરોસો મૂક્યો. યહોવાહે તેઓને કહ્યું કે ‘તારો ભાગ હું જ છું.’ (ગણ. ૧૮:૨૦) યાજકો અને લેવીઓ મંદિરમાં સેવા કરતા એમ આપણે કરી શકતા નથી, તોપણ આપણે તેઓના વલણને અનુસરી શકીએ. તેઓની જેમ પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવાહ આપણી સંભાળ રાખશે. શેતાનની દુનિયાની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે જેઓ ‘શ્વાપદની છાપ’ પોતા પર લેતા નથી તેઓનું જીવન વધારે મુશ્કેલ બનતું જાય છે. તેથી એ ખૂબ જ જરૂરી છે કે ઈશ્વરમાં પૂરો ભરોસો રાખીએ કે તે આપણી સંભાળ રાખશે.—પ્રકટી. ૧૩:૧૭.

પ્રથમ ઈશ્વરનું ન્યાયપણું શોધીએ

૧૦, ૧૧. અમુક ભાઈ-બહેનોએ કઈ રીતે નોકરીની બાબતમાં યહોવાહ પર ભરોસો રાખ્યો? દાખલો આપો.

૧૦ ઈસુએ શિષ્યોને એ પણ કહ્યું હતું: ‘પહેલા ઈશ્વરના ન્યાયીપણાને શોધો.’ (માથ. ૬:૩૩) એનો અર્થ એ થાય કે માણસોના નહિ પણ યહોવાહના ધોરણો પ્રમાણે ખરું-ખોટું પારખીએ. (યશાયાહ ૫૫:૮, ૯ વાંચો.) ચાલો જોઈએ કે અમુકે શું કર્યું. તેઓ પહેલાં તમાકુ ઊગાવતા અને એમાંથી બનેલી વસ્તુઓ વેચતા. તો બીજા કેટલાંક સૈનિકોને લડતા શીખવતા અથવા હથિયારો બનાવતા અને એનો વેપાર કરતા. પણ જ્યારે સત્ય શીખ્યા ત્યારે તેઓમાંના ઘણાએ જીવનમાં ફેરફાર કર્યા. અરે પોતાનો કામ-ધંધો પણ બદલ્યો અને બાપ્તિસ્મા લીધું.—યશા. ૨:૪; ૨ કોરીં. ૭:૧; ગલા. ૫:૧૪.

૧૧ એન્ડ્રુનો વિચાર કરો. જ્યારે તે અને તેમના પત્ની બાઇબલ સત્ય શીખ્યા ત્યારે તેઓએ નક્કી કર્યું કે હંમેશાં યહોવાહની ભક્તિ કરશે. એન્ડ્રુને પોતાની નોકરી બહુ ગમતી હતી, છતાં એને છોડી દીધી. શા માટે? કેમ કે જે કંપનીમાં તે કામ કરતા હતા એ સેના સાથે સંકળાયેલી હતી. એન્ડ્રુને ઈશ્વરના ન્યાયીપણાને પ્રથમ રાખવું હતું. જ્યારે નોકરી છોડી દીધી ત્યારે તેમની પાસે ઘર ચલાવવા બે-ત્રણ મહિના ચાલે એટલા જ પૈસા હતા. બે બાળકોનું પણ ધ્યાન રાખવાનું હતું. લોકોની નજરે જોઈએ તો તેમની પાસે કોઈ ‘વારસો’ ન હતો. પણ એન્ડ્રુએ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અને નોકરી શોધતા રહ્યા. તે અને તેમનું કુટુંબ અનુભવથી કહી શક્યા કે યહોવાહનો હાથ ટૂંકો નથી. (યશા. ૫૯:૧) જીવન સાદુ રાખવાથી એન્ડ્રુ અને તેમની પત્ની નિયમિત પાયોનિયરીંગ પણ કરી શક્યા. તે કહે છે: ‘પૈસાની તંગી, રહેવાની સમસ્યા, તબિયત અને વધતી ઉંમરના લીધે અમને કોઈક વાર ચિંતા થતી. પણ યહોવાહ હંમેશાં અમારી પડખે રહ્યા છે. કોઈ પણ શંકા વગર અમે કહી શકીએ છીએ કે યહોવાહની ભક્તિને પ્રથમ રાખવાથી ઘણા આશીર્વાદો મળ્યા છે. તેમની સેવા કરવી એ અમારા માટે સૌથી મોટો લહાવો છે.’ *સભા. ૧૨:૧૩.

૧૨. ઈશ્વરના ધોરણોને પ્રથમ રાખવા શાની જરૂર છે? તમારા વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનોના અનુભવો જણાવો.

૧૨ ઈસુએ શિષ્યોને કહ્યું: “તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો, કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે; અને તમને કંઈ અશક્ય થશે નહિ.” (માથ. ૧૭:૨૦) યહોવાહના ધોરણો પ્રમાણે ચાલવાથી જો મુશ્કેલીઓ આવવાની હોય, તોપણ શું તમે હજી એને જીવનમાં પ્રથમ રાખશો? જો તમને એની ખાતરી ના હોય, તો મંડળના ભાઈ-બહેનો સાથે વાત કરો. એ વિષેના તેઓના અનુભવો સાંભળીને તમારો વિશ્વાસ મક્કમ થશે.

ભક્તિ માટે યહોવાહની ગોઠવણની કદર કરીએ

૧૩. જો યહોવાહની ભક્તિમાં મંડ્યા રહીએ, તો આપણને કેવી ખાતરી મળે છે?

૧૩ જો યહોવાહની ભક્તિને એક લહાવો ગણતા હોઈએ, તો આપણે કેવી ખાતરી રાખી શકીએ? લેવીઓની જેમ યહોવાહ આપણી પણ જરૂરિયાતો અને ભક્તિની ભૂખ સંતોષશે. દાઊદનો વિચાર કરો. તેમને અમુક સમય માટે ગુફામાં રહેવું પડ્યું. એવા સંજોગોમાં પણ દાઊદને પૂરો ભરોસો હતો કે યહોવાહ તેમની સંભાળ રાખશે. જ્યારે આપણને લાગે કે કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે પણ યહોવાહમાં ભરોસો રાખીએ. જ્યારે આસાફ “ઈશ્વરના પવિત્રસ્થાનમાં” ગયા ત્યારે જ તે સમજી શક્યા કે તેમને કેમ ચિંતા થતી હતી. (ગીત. ૭૩:૧૭) એવી જ રીતે આપણે પણ ભક્તિની ભૂખ સંતોષવા યહોવાહ તરફ ફરવાની જરૂર છે. જ્યારે એમ કરીએ છીએ ત્યારે યહોવાહની ભક્તિને કીમતી ગણીએ છીએ. ગમે તેવા સંજોગોમાં એમ કરીશું તો એનાથી બતાવીએ છીએ કે યહોવાહ આપણો હિસ્સો છે.

૧૪, ૧૫. સત્ય વિષે ચોખ્ખી સમજણ મળે ત્યારે આપણે શું કરવું જોઈએ? શા માટે?

૧૪ બાઇબલમાંના “ઊંડા વિચારોને” યહોવાહ જ્યારે વધુ સ્પષ્ટ કરે, ત્યારે તમને કેવું લાગે છે? (૧ કોરીં. ૨:૧૦-૧૩) એ સમયે શું કરવું જોઈએ, એ વિષે પ્રેરિત પીતરે સારો દાખલો બેસાડ્યો છે. ઈસુએ તેમના શિષ્યોને કહ્યું: “જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી.” અમુક શિષ્યો ઈસુનું કહેવું ખોટી રીતે સમજ્યા એટલે તેઓને આઘાત લાગ્યો. તેઓએ કહ્યું, “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” તેઓમાંના ‘ઘણા પાછા ગયા.’ પણ પીતરે કહ્યું: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.”—યોહા. ૬:૫૩, ૬૦, ૬૬, ૬૮.

૧૫ ઈસુ શું કહેવા માગતા હતા એ પીતર બરાબર રીતે સમજી ન શક્યા. પણ સત્યની વધારે સમજણ માટે તેમણે યહોવાહ પર ભરોસો રાખ્યો. જ્યારે સત્ય વિષે ચોખ્ખી સમજણ મળે છે, ત્યારે તમે શું કરો છો? શું તમે એ સમજણ પાછળના બાઇબલ કારણો સમજવા પ્રયત્ન કરો છો? (નીતિ. ૪:૧૮) પ્રથમ સદીના બેરીઆના લોકો ‘પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને, નિત્ય ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.’ (પ્રે.કૃ. ૧૭:૧૧) તેઓનો દાખલો અનુસરવાથી યહોવાહની ભક્તિ માટેની આપણી કદર વધશે. તેમ જ યહોવાહ આપણો હિસ્સો છે એ લહાવાને વધારે કીમતી ગણીશું.

યહોવાહના ભક્તોમાંથી જ લગ્‍નસાથી પસંદ કરો

૧૬. પહેલો કોરીંથી ૭:૩૯ની આજ્ઞા પાળવાથી યહોવાહ કઈ રીતે આપણો હિસ્સો બની શકે?

૧૬ બીજી કઈ રીત છે જેમાં આપણે યહોવાહના હેતુને ધ્યાનમાં રાખી શકીએ? એ છે “કેવળ પ્રભુમાં,” એટલે ફક્ત યહોવાહના ભક્ત સાથે લગ્‍ન કરવા. (૧ કોરીં. ૭:૩૯) યહોવાહની આ આજ્ઞાને વળગી રહેવા ઘણા ભાઈ-બહેનો કુંવારા રહ્યા છે. ભલે તેઓ એકલા હોય, ઈશ્વર તેઓની સંભાળ રાખે છે. જ્યારે દાઊદને લાગ્યું કે એકલા પડી ગયા છે અને મદદ કરનાર કોઈ નથી, ત્યારે તેમણે શું કર્યું? તેમણે કહ્યું: ‘હું ઈશ્વર સંમુખ મારા હૈયાનું દુઃખ ઠાલવું છું; હું તેની આગળ મારું સંકટ પ્રગટ કરું છું, જ્યારે મારો જીવ ઉદાસ થઈ જાય છે.’ (ગીત. ૧૪૨:૧-૩) પ્રબોધક યિર્મેયાહને પણ આવું લાગ્યું હશે, જ્યારે તે દાયકાઓથી યહોવાહની ભક્તિ એકલા રહીને કરતા હતા. તેમના વિષે વધારે જાણવા ગોડ્‌સ વર્ડ ફોર અસ થ્રૂ જેર્માયા પુસ્તકનું આઠમું પ્રકરણ જુઓ.

૧૭. એક બહેનને કોઈ કોઈ વાર એકલું લાગે ત્યારે તે શું કરે છે?

૧૭ અમેરિકામાં રહેતી એક બહેન કહે છે: ‘મેં કદીએ એવું વિચાર્યું ન હતું કે “હું લગ્‍ન નહિ કરું.” જો કોઈ યોગ્ય વ્યક્તિ મળે તો હું જરૂર લગ્‍ન કરીશ. મારી મમ્મી સત્યમાં નથી એટલે લગ્‍ન માટે વારંવાર દબાણ કરતી અને છોકરાઓ બતાવ્યા કરતી. હું મમ્મીને કહેતી કે “જો લગ્‍ન કર્યા પછી અમે ખુશ ના રહીએ, તો શું એનો દોષ તમે તમારા માથે લેશો?” સમય જતા મમ્મી જોઈ શક્યા કે હું પોતાની સંભાળ રાખી શકું છું, ખુશ છું અને મારી નોકરી કાયમી છે. એટલે તેમણે મારા પર દબાણ કરવાનું છોડી દીધું.’ કોઈ કોઈ વાર આ બહેનને એકલું લાગે છે. તે કહે છે, ‘એવા સમયે હું યહોવાહ પર વધારે ભરોસો મૂકો છું. તે કદી મને ભૂલી જશે નહિ.’ યહોવાહમાં પૂરો ભરોસો મૂકવા આ બહેનને ક્યાંથી મદદ મળી? બહેન કહે છે, ‘પ્રાર્થના કરવાથી મને અહેસાસ થાય છે કે હું એકલી નથી. ઈશ્વર ખરેખર મારી સાથે છે. વિશ્વના માલિક મારું સાંભળે છે, એ જ મારા માટે મોટો લહાવો છે. એનાથી મને ઘણી ખુશી મળે છે.’ આ બહેનને પૂરી ખાતરી છે કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” એટલે તે કહે છે, ‘હું તન-મન-ધનથી બીજાઓને મદદ કરવા પ્રયત્ન કરું છું, પણ બદલામાં કશાની આશા રાખતી નથી. હું જ્યારે વિચારું કે “આ વ્યક્તિને કઈ રીતે મદદ કરું?” ત્યારે મને ઘણો સંતોષ મળે છે.’ (પ્રે.કૃ. ૨૦:૩૫) ખરેખર, આ બહેને યહોવાહને પોતાનો હિસ્સો બનાવ્યો છે. યહોવાહની ભક્તિ કરવાનો જે લહાવો મળ્યો છે એનાથી તે ઘણી ખુશ છે.

૧૮. યહોવાહ કઈ રીતે તમને પોતાનો હિસ્સો ગણશે?

૧૮ તમારા સંજોગો ગમે તેવા હોય, તમે પણ યહોવાહને પોતાનો હિસ્સો બનાવી શકો છો. તમે એમ કરશો તો તેમના આનંદી ભક્તોમાં ગણાશો. (૨ કોરીં. ૬:૧૬, ૧૭) અગાઉના ભક્તોની જેમ યહોવાહ તમને પણ પોતાનો હિસ્સો ગણશે. (પુનર્નિયમ ૩૨:૯, ૧૦ વાંચો.) બધી પ્રજાઓમાંથી યહોવાહે ફક્ત ઈસ્રાએલી લોકોને તેમનો હિસ્સો બનાવ્યો. એવી જ રીતે તે તમને પણ હિસ્સો ગણશે અને જરૂર તમારી સંભાળ રાખશે.—ગીત. ૧૭:૮. (w11-E 09/15)

[ફુટનોટ]

^ વધુ માહિતી માટે નવેમ્બર ૨૦૦૯નું અવેક! પાન ૧૨-૧૪ જુઓ.

જવાબમાં તમે શું કહેશો?

યહોવાહ કઈ રીતે આપણો હિસ્સો બને છે . . .

• જ્યારે ઈશ્વરનું રાજ્ય અને તેમના ન્યાયીપણાને પ્રથમ શોધીએ છીએ?

• જ્યારે ભક્તિ માટે તેમની ગોઠવણની કદર કરીએ છીએ?

• જ્યારે તેમના ભક્તોમાંથી જ લગ્‍નસાથી પસંદ કરીએ છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર બ્લર્બ]

જ્યારે યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ રાખીએ છીએ, ત્યારે તે આપણો હિસ્સો બને છે

[પાન ૧૮ પર ચિત્ર]

યિર્મેયાહના દાખલામાંથી ઘણું ઉત્તેજન મળે છે