સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

૫ ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે શું એ સાચું છે?

૫ ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે શું એ સાચું છે?

૫ ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે શું એ સાચું છે?

તમે કદાચ સાંભળ્યું હશે: “કોઈ એક જગ્યાએ પહોંચવાના અલગ-અલગ રસ્તા હોય છે, એવી જ રીતે ઈશ્વર પાસે પહોંચવાના પણ અલગ-અલગ રસ્તા છે. એટલે કયા રસ્તે જવું એ દરેક વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે.”

બાઇબલ શું શીખવે છે: આપણે ઈશ્વરની ભક્તિ પૂરા દિલથી કરવી જોઈએ, ઢોંગ કે દેખાડો ન કરવો જોઈએ. ઈસુએ પોતાના સમયના ધર્મગુરુઓને કહ્યું કે ઈશ્વરે તેઓનો નકાર કર્યો છે. ઈસુએ ‘તેઓને કહ્યું, કે તમે ઢોંગીઓ છો, તમારા વિષે યશાયાહે ઠીક પ્રબોધ કર્યો છે. જેમ લખેલું છે, કે આ લોક હોઠોએ મને માન આપે છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળા રહે છે.’ (માર્ક ૭:૬) જો કોઈ વ્યક્તિ ભક્તિમાં ચુસ્ત હોય, તો એનાથી ખાતરી નથી મળતી કે ઈશ્વર તેની ભક્તિને સ્વીકારશે જ.

ઈસુએ એની સમજણ આપી. તેમણે ધર્મગુરુઓ અને તેઓના અનુયાયીઓની ભક્તિમાં રહેલી મોટી ખામીને ખુલ્લી પાડી. તેમણે તેઓ માટે શાસ્ત્રની આ કલમ લાગુ પાડી: ‘તેઓ પોતાના મત મુજબ માણસોની આજ્ઞા શીખવતાં ઈશ્વરને વ્યર્થ ભજે છે.’ (માર્ક ૭:૭) તેઓની ભક્તિ “વ્યર્થ” અથવા નકામી હતી, કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છાને બદલે માણસોના ધાર્મિક રીત-રિવાજોને મહત્ત્વ આપતા હતા.

બાઇબલ શીખવે છે કે ઈશ્વરની ભક્તિ કરવા અલગ-અલગ નહિ પણ ફક્ત એક જ રસ્તો છે. માત્થી ૭:૧૩, ૧૪ કહે છે: ‘તમે સાંકડે બારણેથી માંહે પેસો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે પહોળો છે ને તેનું બારણું પહોળું છે. ઘણા તેમાં થઈને પેસે છે. જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે. અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.’

સત્ય જાણવાનો ફાયદો: જરા વિચારો કે મેરેથોનની દોડમાં ભાગ લેવા તમે ઘણા મહિનાઓથી તૈયારી કરી. એ દોડમાં તમે સૌથી પહેલા આવ્યા, પણ તમને ઈનામ માટે લાયક ગણવામાં આવ્યા નહિ. એનું કારણ એ હતું કે તમે અજાણતા દોડનો કોઈ નિયમ તોડ્યો હતો. જો સાચેસાચ આવું બને તો તમને લાગશે કે તમારી બધી જ મહેનત પાણીમાં ગઈ. શું એવું જ કંઈક ઈશ્વરની ભક્તિમાં પણ બની શકે?

ઈશ્વરભક્ત પાઊલે આપણી ભક્તિને દોડ સાથે સરખાવતા કહ્યું: “દોડવીર દોડમાં ભાગ લે પણ નિયમો પ્રમાણે દોડે નહિ તો ઈનામ મેળવી શકતો નથી.” (૨ તીમોથી ૨:૫, કોમન લેંગ્વેજ) જો આપણે ઈશ્વરના “નિયમો પ્રમાણે” ભક્તિ કરીશું તો જ તે સ્વીકારશે. દોડમાં વ્યક્તિ ગમે તે રસ્તો પસંદ કરીને ઈનામની આશા રાખી શકતો નથી. એવી જ રીતે ગમે તે રસ્તો પસંદ કરીને ઈશ્વર પાસે જઈ શકાતું નથી.

ઈશ્વરને ખુશ કરવા એવી ભક્તિ કરવી જોઈએ, જેમાં તેમના વિષે કંઈ જૂઠાણું ન હોય. ઈસુએ કહ્યું: ‘ખરા ભજનારા ઈશ્વરની શક્તિની દોરવણીથી તથા સત્યતાથી ઈશ્વરનું ભજન કરશે.’ (યોહાન ૪:૨૩) ઈશ્વર તરફ લઈ જતા સાચા માર્ગ વિષે આપણે બાઇબલમાંથી જાણી શકીએ છીએ.—યોહાન ૧૭:૧૭. * (w11-E 10/01)

[ફુટનોટ]

^ ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે એ વિષે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પંદરમું પ્રકરણ જુઓ.

[પાન ૮ પર બ્લર્બ]

ઈશ્વરને પસંદ છે એવી ભક્તિ કરવા વિષે શું બધા જ ધર્મો શીખવે છે?