સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘શોક કરનારાઓને દિલાસો આપો’

‘શોક કરનારાઓને દિલાસો આપો’

‘શોક કરનારાઓને દિલાસો આપો’

‘સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે.’—યશા. ૬૧:૧, ૨.

૧. શોક કરનારાઓ માટે ઈસુએ શું કર્યું? શા માટે?

 ઈસુ ખ્રિસ્તે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્‍ન છે.” (યોહા. ૪:૩૪) યહોવાહે સોંપેલું કામ પૂરું કરતી વખતે ઈસુમાં તેમના પિતા જેવા સુંદર ગુણો જોવા મળતા હતા. એમાંનો એક ગુણ છે, લોકો માટે યહોવાહનો અપાર પ્રેમ. (૧ યોહા. ૪:૭-૧૦) યહોવાહના પ્રેમના બીજા એક પાસા વિષે પાઊલે જણાવ્યું હતું. તેમણે યહોવાહને ‘સર્વ દિલાસાના ઈશ્વર’ કહ્યા. (૨ કોરીં. ૧:૩) યહોવાહની જેમ ઈસુએ પણ લોકોને એવો જ દિલાસો આપ્યો હતો. યશાયાહે એ વિષે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી. (યશાયાહ ૬૧:૧, ૨ વાંચો.) ઈસુએ નાઝરેથના સભાસ્થાનમાં એ ભવિષ્યવાણીના શબ્દો વાંચ્યા અને કહ્યું કે એ પોતાને લાગુ પડે છે. (લુક ૪:૧૬-૨૧) પોતાના સેવાકાર્ય દરમિયાન, ઈસુએ શોક કરનારાઓને દિલાસો આપ્યો. એનાથી તેઓને ઉત્તેજન અને મનની શાંતિ મળી.

૨, ૩. ઈસુને પગલે ચાલનારાઓએ શા માટે બીજાઓને દિલાસો આપવો જોઈએ?

ઈસુને પગલે ચાલનારા બધાએ પણ શોક કરનારાઓને દિલાસો આપવાની જરૂર છે. (૧ કોરીં. ૧૧:૧) પાઊલે કહ્યું: “એકબીજાને ઉત્તેજન આપવામાં અને તેઓ વૃદ્ધિ પામે તે માટે મદદ કરવાનું ચાલુ જ રાખો.” (૧ થેસ્સા. ૫:૧૧, IBSI) ખાસ કરીને દુનિયા આ “છેલ્લા સમયમાં સંકટના વખતો” સહી રહી હોવાથી, આપણે બીજાઓને દિલાસો આપવાની જરૂર છે. (૨ તીમો. ૩:૧) દુનિયા ફરતે સારા લોકોએ એવા લોકોનો સામનો કરવો પડે છે, જેઓના વાણી-વર્તનથી તેઓ નિરાશ અને દુઃખી થઈ જાય છે.

બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું તેમ, દુષ્ટ દુનિયાના આ છેલ્લા દિવસોમાં આજે ઘણા ‘માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, પોતાની બડાઈ હાંકનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું નહિ માનનારા, ઉપકાર નહિ માનનારા, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, ભલાના વેરી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, ઘમંડી, ઈશ્વર પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા’ છે. લોકોમાં આવું ખરાબ વલણ દિવસે દિવસે વધતું જ જાય છે કેમ કે, ‘દુષ્ટ અને દંભી માણસો વધુ ને વધુ ખરાબ બનતા જાય છે.’—૨ તીમો. ૩:૨-૪, ૧૩.

૪. આપણા સમયમાં દુનિયાની કેવી હાલત થઈ રહી છે?

આ બધી બાબતોથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ, કેમ કે બાઇબલ જણાવે છે, “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહા. ૫:૧૯) “આખું જગત” રાજકીય, ધાર્મિક અને વેપારી જગતને બતાવે છે. તેમ જ, શેતાન પોતાના વિચારો ફેલાવવા જે બીજી રીતો વાપરે છે એનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે જ શેતાનને “જગતનો અધિકારી” અને “જગતનો દેવ” કહેવામાં આવ્યો છે. (યોહા. ૧૪:૩૦; ૨ કોરીં. ૪:૪) શેતાન હમણાં ઘણો જ ગુસ્સે હોવાથી આ દુનિયાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય રહેલો છે. (પ્રકટી. ૧૨:૧૨) થોડા જ સમયમાં શેતાન અને તેની દુષ્ટ દુનિયાને કાઢી નાખવામાં આવશે એ જાણીને કેટલો દિલાસો મળે છે! પછી યહોવાહના રાજ સામે શેતાને જે સવાલ ઉઠાવ્યો હતો એ થાળે પડી જશે.—ઉત્પત્તિ, અધ્યાય ૩; અયૂબ, અધ્યાય ૨.

આખી દુનિયામાં સુવાર્તાનો પ્રચાર થઈ રહ્યો છે

૫. પ્રચાર વિષેની ભવિષ્યવાણી આજના છેલ્લા દિવસોમાં કેવી રીતે પૂરી થઈ રહી છે?

પહેલા ક્યારેય આવ્યો ન હોય એવા આ કપરા સમયમાં, ઈસુની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માથ. ૨૪:૧૪) આખી દુનિયામાં સુવાર્તા ફેલાવવાનું કામ પહેલા કરતાં અનેક ગણું વધારે થઈ રહ્યું છે. આજે ૭૫ લાખથી વધારે યહોવાહના સાક્ષીઓ ૧,૦૭,૦૦૦થી વધારે મંડળોમાં ભેગા મળે છે. ઈસુની જેમ આ ભાઈ-બહેનો આખી દુનિયામાં પ્રચાર અને શીખવવાનું કામ કરી રહ્યા છે. (માથ. ૪:૧૭) દુઃખી અને શોકમાં ડૂબેલા લોકોને આજે થઈ રહેલા આ પ્રચારકાર્ય દ્વારા ઘણો દિલાસો મળે છે. પરિણામે, હાલના બે વર્ષોમાં ૫,૭૦,૬૦૧ લોકો બાપ્તિસ્મા લઈને યહોવાહના સેવકો બન્યા છે!

૬. આપણા પ્રચારકાર્યમાં થઈ રહેલા વધારા વિષે તમને કેવું લાગે છે?

આજે યહોવાહના સાક્ષીઓ ૫૦૦થી વધારે ભાષાઓમાં બાઇબલ સાહિત્યનું ભાષાંતર કરે છે, અને એ સાહિત્ય લોકોને આપવામાં આવી રહ્યું છે. માણસજાતના ઇતિહાસમાં આજ સુધી આવું ક્યારેય થયું નથી! આજે ભલે યહોવાહના લોકો શેતાનની દુનિયામાં છે, તોપણ તેઓ પૂરા જોશથી યહોવાહ વિષે બીજાઓને જણાવી રહ્યા છે અને વધી રહ્યા છે. ઈશ્વરની શક્તિ અને મદદ વગર આ શક્ય જ નથી. સુવાર્તા ફેલાવવાનું કામ આખી પૃથ્વી પર થઈ રહ્યું હોવાથી, જેઓ રાજ્યનો સંદેશો સ્વીકારે છે તેઓ પણ યહોવાહના લોકોની જેમ દિલાસો પામે છે.

મંડળના ભાઈ-બહેનોને દિલાસો આપવો

૭. (ક) આપણે શા માટે એવી આશા રાખતા નથી કે આજે યહોવાહ બધી તકલીફો કાઢી નાખે? (ખ) આપણે કસોટીઓ અને તકલીફો સહન કરી શકીશું એમ કેવી રીતે જાણી શકીએ?

બૂરાઈથી ભરેલી આ દુનિયામાં આપણા પર કોઈ ને કોઈ મુશ્કેલી તો આવશે જ, જેનાથી દુઃખ પહોંચે. આપણે એવી આશા ન રાખવી જોઈએ કે ઈશ્વર આ દુષ્ટ દુનિયાનો અંત લાવતા પહેલાં બધી દુઃખ-તકલીફો કાઢી નાખે. એ દિવસની રાહ જોઈએ ત્યાં સુધી આપણી પણ સતાવણી થશે. એનાથી આપણી કસોટી થશે કે આપણે યહોવાહને વફાદાર રહીશું કે નહિ, અને તેમના રાજને વળગી રહીશું કે નહિ. (૨ તીમો. ૩:૧૨) પરંતુ યહોવાહની મદદથી આપણે એ કસોટીમાં પાર ઊતરી શકીએ છીએ. પ્રાચીન થેસ્સાલોનીકીના અભિષિક્ત ખ્રિસ્તીઓ યહોવાહની મદદથી સતાવણી સહી શક્યા હતા. તેઓની જેમ, યહોવાહ આપણને પણ “સહનશીલતા તથા વિશ્વાસ” રાખવા મદદ કરી શકે છે.—૨ થેસ્સાલોનીકી ૧:૩-૫ વાંચો.

૮. યહોવાહે પોતાના ભક્તોને દિલાસો આપ્યો હોય એવા અનુભવ બાઇબલમાંથી જણાવો.

પોતાના ભક્તોને જરૂર હોય ત્યારે યહોવાહ ચોક્કસ દિલાસો આપે છે. પ્રબોધક એલીયાહનો વિચાર કરો. દુષ્ટ રાણી ઇઝેબેલથી તેમને જાનનું જોખમ હતું ત્યારે, તે ડરી ગયા અને દૂર નાસી ગયા. અરે, તેમણે એટલે સુધી કીધું કે મારું મોત આવે તો સારું. પરંતુ યહોવાહે એલીયાહને ઠપકો આપવાને બદલે દિલાસો આપ્યો અને હિંમત બંધાવી, જેથી તે પ્રબોધક તરીકેનું પોતાનું કામ ઉપાડી શકે. (૧ રાજા. ૧૯:૧-૨૧) યહોવાહ પોતાના લોકોને દિલાસો આપે છે એ પહેલી સદીના મંડળના અનુભવમાંથી પણ જોવા મળે છે. અહેવાલ જણાવે છે કે, તે સમયે “આખા યહુદાહ, ગાલીલ તથા સમરૂનમાંની મંડળી દૃઢ થઈને શાંતિ પામી.” તેમ જ યહોવાહ ‘પ્રભુના ભયમાં તથા પવિત્ર શક્તિના દિલાસામાં ચાલીને વધતી ગઈ.’ (પ્રે.કૃ. ૯:૩૧) આપણે કેટલા આભારી છીએ કે પવિત્ર શક્તિ દ્વારા આપણને પણ દિલાસો મળે છે!

૯. ઈસુ વિષે શીખવાથી આપણને કેવી રીતે દિલાસો મળે છે?

ખ્રિસ્તીઓ તરીકે આપણે ઈસુ ખ્રિસ્ત વિષે શીખીને અને તેમને પગલે ચાલીને દિલાસો મેળવીએ છીએ. ઈસુએ કહ્યું: ‘ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.’ (માથ. ૧૧:૨૮-૩૦) ઈસુ લોકો સાથે દયાળુ અને પ્રેમાળ રીતે વર્તતા. આપણે પણ તેમની જેમ શીખીને લોકો સાથે વર્તીશું તો, આપણી અમુક તકલીફોમાં રાહત મેળવી શકીશું.

૧૦, ૧૧. મંડળમાં આપણને કોણ દિલાસો આપી શકે?

૧૦ આપણને મંડળના ભાઈ-બહેનો દ્વારા પણ દિલાસો મળી શકે. વિચાર કરો કે જેઓની શ્રદ્ધા નબળી પડી ગઈ છે તેઓને વડીલો કેવી રીતે મદદ કરે છે. યાકૂબે લખ્યું: “તમારામાં શું કોઈ [ઈશ્વરભક્તિમાં] માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.” (યાકૂ. ૫:૧૪, ૧૫) વડીલો ઉપરાંત, મંડળના બીજા ભાઈ-બહેનો પણ આપણને દિલાસો આપી શકે.

૧૧ સ્ત્રીઓને અલગ અલગ કોયડા વિષે બીજી સ્ત્રી સાથે વાત કરવી વધારે સહેલું લાગે છે. ખાસ કરીને મોટી ઉંમરની અનુભવી બહેનો યુવાન બહેનોને સારી સલાહ આપી શકે છે. અનુભવી બહેનોએ પણ જીવનમાં એવી જ પરિસ્થિતિનો સામનો કર્યો હોઈ શકે. યુવાન બહેનોનું ધ્યાનથી સાંભળીને અને તેઓની સંભાળ રાખીને અનુભવી બહેનો મદદ કરી શકે. (તીતસ ૨:૩-૫ વાંચો.) વડીલો અને બીજાઓ પણ ‘નિરાશ થયેલાને ઉત્તેજન’ આપી શકે અને તેઓએ એમ કરવું જ જોઈએ. (૧ થેસ્સા. ૫:૧૪, ૧૫, NW) એ પણ યાદ રાખવું જોઈએ કે ઈશ્વર ‘આપણી સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે, જેથી એનાથી આપણે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને દિલાસો આપવાને શક્તિમાન થઈએ.’—૨ કોરીં. ૧:૪.

૧૨. સભાઓમાં જઈએ એ કેમ મહત્ત્વનું છે?

૧૨ દિલાસો મેળવવાની એક મહત્ત્વની રીત છે, મંડળની સભાઓમાં જવું. સભાઓમાં બાઇબલને આધારે જે શીખવા મળે છે એનાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે યહુદા અને સીલાસે “ભાઈઓને ઘણી વાતોથી સુબોધ કરીને તેઓનાં મન દૃઢ કર્યાં.” (પ્રે.કૃ. ૧૫:૩૨) સભાઓ શરૂ થાય એ પહેલાં અને પૂરી થયા પછી મંડળના ભાઈ-બહેનો ઉત્તેજન આપનારી વાતો કરે છે. આપણે કોઈ તકલીફને લીધે હેરાન થતા હોઈએ તોપણ કેટલોક સમય ભાઈ-બહેનો સાથે પસાર કરવો એ સારું છે. આપણે પોતાને એકલા પાડી દઈશું તો તકલીફ ઓછી નહિ થાય. (નીતિ. ૧૮:૧) એના બદલે પ્રેરિત પાઊલની આ સલાહ પાળવા બનતો બધો જ પ્રયત્ન કરવો જોઈએ: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.”—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

બાઇબલમાંથી દિલાસો મેળવીએ

૧૩, ૧૪. શાસ્ત્રવચનો કેવી રીતે આપણને દિલાસો આપે છે?

૧૩ ભલે આપણે બાપ્તિસ્મા પામેલા હોઈએ કે પછી યહોવાહ વિષે હમણાં જ શીખવાનું શરૂ કર્યું હોય, આપણે બાઇબલમાંથી ઘણો દિલાસો મેળવી શકીએ. પાઊલે લખ્યું: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રોમ. ૧૫:૪) પવિત્ર શાસ્ત્ર આપણને દિલાસો આપે છે અને ‘સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવા માટે તૈયાર’ કરે છે. (૨ તીમો. ૩:૧૬, ૧૭) ઈશ્વરના હેતુઓ વિષે જાણવાથી અને ભાવિમાં એમ થશે જ એવી આશા રાખવાથી આપણને ઘણો દિલાસો મળશે. તેથી ચાલો આપણે બાઇબલ અને આપણા સાહિત્યનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ. એનાથી આપણને દિલાસો મળશે અને બીજી ઘણી રીતોએ ફાયદો થશે.

૧૪ બાઇબલનો ઉપયોગ કરીને બીજાઓને શીખવવા અને દિલાસો આપવામાં ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. સજીવન થયા પછી, એક વાર તેમણે પોતાના બે શિષ્યોને દર્શન આપીને “ધર્મલેખોનો ખુલાસો” કર્યો. એના લીધે શિષ્યોના હૃદય પર ઊંડી અસર થઈ હતી. (લુક ૨૪:૩૨) ઈસુને પગલે ચાલીને પ્રેરિત પાઊલ ‘ધર્મશાસ્ત્રમાંથી પ્રમાણ આપીને વાદવિવાદ કરતા.’ બેરીઆમાં લોકોએ પાઊલનું સાંભળીને ‘પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો સ્વીકાર કર્યો.’ તેઓ ‘એ વિષે રોજ ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા.’ (પ્રે.કૃ. ૧૭:૨, ૧૦, ૧૧) એટલા માટે, એ ઘણું અગત્યનું છે કે આપણે દરરોજ બાઇબલ વાંચીએ. આપણાં સાહિત્યમાંથી એની સમજણ મેળવીએ. એ આપણને આ કપરા સમયમાં દિલાસો અને આશા આપે છે.

દિલાસો આપવાની બીજી રીતો

૧૫, ૧૬. ભાઈ-બહેનોને મદદ અને દિલાસો આપવા આપણે શું કરી શકીએ?

૧૫ આપણે મંડળના ભાઈ-બહેનોને જુદી જુદી રીતોએ મદદ કરીને દિલાસો આપી શકીએ. જેમ કે, બીમાર કે મોટી ઉંમરના ભાઈ-બહેનો માટે જોઈતી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકીએ. બીજાઓને ઘરની સારસંભાળ રાખવામાં મદદ કરી શકીએ. એનાથી બતાવી આપીશું કે આપણે તેમની કાળજી રાખીએ છીએ. (ફિલિ. ૨:૪) આપણે સાથી ભાઈ-બહેનોની આવડત અથવા પ્રેમ, હિંમત અને શ્રદ્ધા જેવા તેઓના સારા ગુણોની પ્રશંસા કરી શકીએ.

૧૬ મોટી ઉંમરના ભાઈ-બહેનોને દિલાસો આપવા, આપણે તેઓને મળવા જઈ શકીએ અને તેમના અનુભવો સાંભળી શકીએ. યહોવાહની સેવામાં તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે એ વિષે સાંભળી શકીએ. એમ કરવાથી આપણને પણ ઉત્તેજન અને દિલાસો મળી શકે! જ્યારે મળવા જઈએ ત્યારે બાઇબલ અને આપણા સાહિત્યમાંથી તેમની સાથે વાંચી શકીએ. કદાચ આપણે મંડળમાં ચાલવાનો હોય એ ચોકીબુરજનો લેખ કે પછી મંડળ બાઇબલ અભ્યાસનો ભાગ તૈયાર કરી શકીએ. બાઇબલ વિષયને લઈને આપણી કોઈ ડીવીડી તેમની સાથે જોઈ શકીએ. આપણા સાહિત્યમાંથી ઉત્તેજન આપતા અનુભવો વાંચી શકીએ કે પછી કહી શકીએ.

૧૭, ૧૮. યહોવાહના ભક્તો તરીકે આપણે કેમ ભરોસો રાખવો જોઈએ કે તે આપણને મદદ અને દિલાસો આપશે?

૧૭ આપણને લાગે કે કોઈ ભાઈ કે બહેનને દિલાસાની જરૂર છે તો, આપણી વ્યક્તિગત પ્રાર્થનાઓમાં એના વિષે જણાવી શકીએ. (રોમ. ૧૫:૩૦; કોલો. ૪:૧૨) મુશ્કેલ સંજોગોને લીધે આપણે કોઈ દુઃખ સહેતા હોય અને સાથે સાથે બીજાઓને દિલાસો આપતા હોઈએ તો, આપણે દાઊદ જેવી શ્રદ્ધા રાખી શકીએ, જેમણે કહ્યું: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીત. ૫૫:૨૨) યહોવાહ હંમેશા આપણને દિલાસો અને મદદ આપશે. પોતાના વિશ્વાસુ ભક્તોને તે કદી છોડી નહિ દે.

૧૮ યહોવાહે જૂના જમાનામાં પોતાના ભક્તોને કહ્યું હતું: “જે તમને દિલાસો દે છે, તે હું, હું જ છું.” (યશા. ૫૧:૧૨) યહોવાહ આપણા માટે પણ એમ જ કરશે. આપણે દુઃખી કે શોકમાં ડૂબેલાને દિલાસો આપવા કંઈક કરીશું કે કહીશું તો, તે આપણા પ્રયત્નોને જરૂર આશીર્વાદ આપશે. ભલે આપણી આશા પૃથ્વી પર કે સ્વર્ગમાં જીવવાની હોય, પાઊલે અભિષિક્ત ભાઈ-બહેનોને જે શબ્દો કહ્યા એમાંથી આપણને પણ દિલાસો મળશે: ‘હવે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો, ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યાં, તે તમારાં હૃદયોને દિલાસો આપો, ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દૃઢ કરો.’—૨ થેસ્સા. ૨:૧૬, ૧૭. (w11-E 10/15)

શું તમને યાદ છે?

• દુનિયા ફરતે બીજાઓને દિલાસો આપવાનું આપણું કામ ક્યાં સુધી પહોંચ્યું છે?

• એવી કઈ બાબતો છે જેનાથી આપણે બીજાઓને દિલાસો આપી શકીએ?

• યહોવાહ પોતાના લોકોને દિલાસો આપે છે એ વિષે બાઇબલમાંથી જણાવો.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર ચિત્ર]

શું તમે દુઃખી કે શોકમાં ડૂબેલાઓને દિલાસો આપો છો?

[પાન ૩૧ પર ચિત્ર]

નાના-મોટા બધા જ ઉત્તેજન આપનારા બની શકે