સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

એક જુગારી અને ચોરને પોતાની આદત અને જીવનઢબ બદલવા શાનાથી મદદ મળી? ચાલો તેમનો અનુભવ જોઈએ.

“હું ઘોડાદોડ પાછળ પાગલ હતો.”—રીચર્ડ સ્ટ્યૂવર્ટ

જન્મ: ૧૯૬૫

દેશ: જમૈકા

ભૂતકાળ: જુગારી અને ગુનેગાર

મારા વિશે: મારો ઉછેર જમૈકાની રાજધાની કિંગસ્ટન શહેરમાં થયો હતો. ગીચ વસ્તીવાળા એ શહેરના લોકો ખૂબ જ ગરીબ હતા. ઘણા લોકો બેરોજગાર હતા. ત્યાં ગુનાઓ પણ બહુ થતા હતા. ગુંડાઓને લીધે અમે ડરી ડરીને જીવતા હતા. મને લગભગ દરરોજ બંદૂકનો અવાજ આવતો હતો.

મારો અને મારાં બે નાનાં ભાઈ-બહેનનો સારો ઉછેર કરવા મમ્મીએ કોઈ કસર ન છોડી. અમને સારું શિક્ષણ મળે એ માટે તેમણે ખૂબ મહેનત કરી. પણ મને ભણવાનું જરાય ગમતું ન હતું. હું ઘોડાદોડ પાછળ પાગલ હતો. ઘણી વાર હું સ્કૂલ જવાને બદલે ઘોડાદોડના મેદાનમાં જતો રહેતો. હું ઘોડેસવારી પણ કરતો.

જલદી હું ઘોડાદોડ પર સટ્ટો રમવા લાગ્યો. મને એની લત લાગી ગઈ હતી. હું દરેક પ્રકારનાં ગંદાં કામો કરતો. ઘણી સ્ત્રીઓ સાથે મારા આડા સંબંધ હતા. હું ગાંજો પણ પીતો. એવું જીવન જીવવા વધારે પૈસાની જરૂર પડે. એટલે હું ચોરી અને લૂંટફાટ કરવા લાગ્યો. મારી પાસે ઘણી બંદૂકો હતી. પણ અત્યારે મને થાય છે કે સારું થયું કે એ લૂંટફાટમાં મારા હાથે કોઈનું ખૂન ન થયું.

આખરે પોલીસે મને પકડી લીધો અને મારા ગુનાઓને લીધે જેલમાં ધકેલી દીધો. જેલમાંથી છૂટ્યા પછી પણ હું જરાય બદલાયો ન હતો. મેં ગુનાઓ કરવાનું ચાલુ રાખ્યું. અરે, હું વધારે ખરાબ જીવન જીવવા લાગ્યો. હું દેખાવમાં તો એકદમ ભોળો લાગતો, પણ વાસ્તવમાં હું એકદમ હઠીલો, ચીડચીડિયો અને ક્રૂર હતો. મને ફક્ત પોતાની જ પડી હતી.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: એ સમય દરમિયાન મારી મમ્મી બાઇબલમાંથી શીખતી હતી અને પછી યહોવાની સાક્ષી બની ગઈ. મેં તેમના સ્વભાવમાં મોટા મોટા ફેરફારો જોયા. મને જાણવાની ઇચ્છા થઈ કે તેમનામાં એ ફેરફારો કઈ રીતે થયા. એટલે હું પણ યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવા લાગ્યો.

મેં જોયું કે યહોવાના સાક્ષીઓનું શિક્ષણ બીજા ધર્મો કરતાં સાવ અલગ છે. તેઓ જે શીખવે છે એ બાઇબલના આધારે હોય છે. ફક્ત તેઓ જ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે. (માથ્થી ૨૮:૧૯; પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦) તેઓ વચ્ચે સાચો પ્રેમ જોઈને મને ખાતરી થઈ ગઈ કે તેઓ જ સાચા ઈશ્વરની ભક્તિ કરે છે.—યોહાન ૧૩:૩૫.

હું બાઇબલમાંથી જે શીખ્યો એના પરથી મને લાગ્યું કે મારે જીવનમાં મોટા મોટા ફેરફારો કરવાની જરૂર છે. હું શીખ્યો કે યહોવા વ્યભિચાર જેવાં ગંદાં કામોને ધિક્કારે છે અને જો મારે તેમની કૃપા મેળવવી હોય, તો મારે શરીરને અશુદ્ધ કરતી બધી આદતો છોડી દેવી પડશે. (૨ કોરીંથીઓ ૭:૧; હિબ્રૂઓ ૧૩:૪) મને એ પણ જાણવા મળ્યું કે આપણે જે કંઈ કરીએ છીએ એની યહોવા પર અસર થાય છે. આપણાં કામોથી તે ખુશ થઈ શકે છે અથવા તો દુઃખી થઈ શકે છે. એ વાતે મને અંદરથી હલાવી નાખ્યો. (નીતિવચનો ૨૭:૧૧) એટલે મેં નક્કી કર્યું કે હું ગાંજો પીવાનું બંધ કરી દઈશ, બંદૂકો ફેંકી દઈશ અને મારો સ્વભાવ બદલી નાખીશ. પણ તમને ખબર છે, મારા માટે સૌથી અઘરું શું હતું? જુગાર અને વ્યભિચાર જેવાં ગંદાં કામો છોડવાં.

શરૂ શરૂમાં હું ચાહતો ન હતો કે મારા મિત્રોને ખબર પડે કે હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખી રહ્યો છું. પણ મેં જ્યારે માથ્થી ૧૦:૩૩માં ઈસુએ કહેલા શબ્દો વાંચ્યા, ત્યારે મારા વિચારો બદલાઈ ગયા. ત્યાં લખ્યું છે, “લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ સ્વર્ગમાંના મારા પિતા આગળ ઓળખવાની ના પાડીશ.” એ કલમથી મને હિંમત મળી કે હું મારા મિત્રો સાથે વાત કરું અને જણાવું કે હું સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખું છું. એ સાંભળીને તેઓને આંચકો લાગ્યો. તેઓને માનવામાં જ આવતું ન હતું કે મારા જેવી ખતરનાક વ્યક્તિ પણ એક ઈશ્વરભક્ત બની શકે છે. મેં તેઓને સાફ સાફ જણાવી દીધું કે હું મારા ભૂતકાળનો પડછાયો મારા આજના જીવન પર પડવા દેવા નથી માંગતો.

મને કઈ રીતે ફાયદો થયો: જ્યારે મારી મમ્મીએ જોયું કે હું બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવા લાગ્યો છું, ત્યારે તે રાજીનાં રેડ થઈ ગયાં. હવે તેમને એ ચિંતા નથી સતાવતી કે તેમનો દીકરો કોઈ ખરાબ કામ કરી રહ્યો છે. અમે બંને યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ. એટલે અમે એકબીજાની નજીક આવ્યા છીએ. અમુક વાર જ્યારે હું મારો ભૂતકાળ વાગોળું છું, ત્યારે મને માનવામાં જ નથી આવતું કે હું મારામાં આટલા બધા ફેરફારો કરી શક્યો છું. એ બધું જ યહોવાની મદદથી શક્ય બન્યું છે. હવે મને એવી ઇચ્છા નથી થતી કે હું વ્યભિચાર જેવાં ખોટાં કામ કરું અથવા પૈસા પાછળ ભાગું.

જો મેં બાઇબલનો સંદેશો સાંભળ્યો ન હોત, તો હું જેલમાં સડી રહ્યો હોત કે પછી મરી ગયો હોત. પણ આજે મારું એક સુંદર કુટુંબ છે. હું મારી પત્ની અને વહાલી દીકરી સાથે મળીને ખુશીથી યહોવાની સેવા કરું છું. મારી પત્ની હંમેશાં મારી પડખે રહે છે અને મારી દીકરી તો એકદમ કહ્યાગરી છે. હું યહોવાનો આભાર માનું છું કે તેમણે મને તેમના પ્રેમાળ કુટુંબનો ભાગ બનવા દીધો. હું એ વાત પણ નથી ભૂલતો કે કોઈએ મને બાઇબલમાંથી શીખવવા આટલી મહેનત કરી. હું બીજાઓને બાઇબલમાંથી શીખવવાની એકેય તક જતી કરતો નથી. હું ખાસ કરીને યહોવા ઈશ્વરનો લાખ લાખ અહેસાન માનું છું કે તેમણે મારા પર દયા બતાવી અને પોતાની તરફ ખેંચ્યો.

[પાન ૧૧ પર બ્લર્બ]

“મને એ પણ જાણવા મળ્યું કે આપણે જે કંઈ કરીએ છીએ એની યહોવા પર અસર થાય છે. આપણાં કામોથી તે ખુશ થઈ શકે છે અથવા તો દુઃખી થઈ શકે છે”

[પાન ૧૧ પર ચિત્ર]

મેં મમ્મીના સ્વભાવમાં મોટા મોટા ફેરફારો જોયા

[પાન ૧૧ પર ચિત્ર]

મારી પત્ની અને દીકરી સાથે