સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે?

દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે?

દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે?

“પપ્પા, તમે કેવી રીતે આટલું બધું જાણો છો?” શું તમારા દીકરાએ કદી આવો કોઈ સવાલ કર્યો છે? જો હા, તો ચોક્કસ તમને એનાથી ગર્વ થશે. પણ જો તે તમારા કહ્યા પ્રમાણે કરે અને સારું ફળ મેળવે તો ચોક્કસ તમને બેહદ ખુશી થશે, ખરુંને! *નીતિવચનો ૨૩:૧૫, ૨૪.

વર્ષો વીતે એમ શું તમારો દીકરો હજી પણ તમારી પ્રશંસા કરે છે? કે પછી તે મોટો થતો જાય તેમ તમારા માટેની લાગણીઓ ઓછી થતી જાય છે? દીકરો યુવાન બને તોપણ તમારા દિલની નજીક રહી શકે એ માટે શું કરી શકો? એ જાણતા પહેલા, ચાલો જોઈએ કે પિતાએ કેવા પડકારોનો સામનો કરવો પડે છે.

ત્રણ સામાન્ય પડકારો

૧. પૂરતો સમય ન આપવો: મોટા ભાગના દેશોમાં પિતા ઘર ચલાવવા પૈસા કમાતા હોય છે. એટલે નોકરી-ધંધા માટે તેઓ દિવસનો મોટા ભાગનો સમય ઘર બહાર રહેતા હોય છે. અમુક જગ્યાએ તો પિતાઓ બહુ ઓછો સમય બાળકો સાથે ગાળે છે. એ વિષે થોડા સમય પહેલાં ફ્રાન્સમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જોવા મળ્યું કે પિતાઓ દિવસ દરમિયાન ૧૨ મિનિટ કરતાં પણ ઓછો સમય બાળકોની સંભાળ રાખવામાં વિતાવે છે.

આનો વિચાર કરો: તમે તમારા પુત્ર સાથે કેટલો સમય વિતાવો છો? આવતા એક-બે અઠવાડિયામાં રોજ બાળકો સાથે કેટલો સમય વિતાવો છો એ લખી લો. એ આંકડા જોઈને તમને બહુ જ નવાઈ લાગશે.

૨. સારો દાખલો ન બેસાડવો: ઘણા પુરુષોને પોતાના પિતા સાથે બહુ કંઈ વ્યવહાર હોતો નથી. ફ્રાન્સમાં રહેતા જોન-મારી કહે છે: “હું મારા પપ્પા સાથે બહુ ઓછો સમય વિતાવતો.” એની જોન-મારી પર શું અસર થઈ? તે કહે છે: “એનાથી તો મને એવી મુશ્કેલીઓ પડી જેના વિષે મેં કદી પણ વિચાર્યું ન હતું. જેમ કે, મને દીકરા સાથે ફાયદાકારક વાતચીત કરવામાં તકલીફ પડે છે.” બીજા કિસ્સામાં, ઘણા પુરુષોને પોતાના પિતા સાથે ખાસ બનતું નથી. ૪૩ વર્ષના ફિલિપ કહે છે: “મને વહાલ કરવામાં પિતાને અઘરું લાગતું. એટલે, મારા દીકરાને વહાલ બતાવવામાં મને વધુ પ્રયત્ન કરવો પડે છે.”

આનો વિચાર કરો: શું તમને લાગે છે કે તમારા પિતા તમારી સાથે જે રીતે વર્ત્યા એની અસર તમારા દીકરા સાથેના વર્તનમાં પડી રહી છે? શું તમે હાલમાં તમારા પિતાના દાખલાને અનુસરો છો, પછી ભલે એ સારો હોય કે ખરાબ?

૩. સારા માર્ગદર્શનની ખામી: ઘણા સમાજમાં બાળકોના ઉછેરમાં પિતાની ભૂમિકાને મહત્ત્વની ગણતા નથી. પશ્ચિમ યુરોપમાં રહેતા લુકા કહે છે: “જ્યાં હું મોટો થયો ત્યાં બાળકોને ઉછેરવાની જવાબદારી માતાની ગણવામાં આવતી.” બીજા સમાજોમાં, પિતાને કડક મિજાજના રહેવા માટે ઉત્તેજન આપવામાં આવે છે. આફ્રિકાના એક દેશમાં મોટા થયેલા જ્યોર્જનો વિચાર કરો. તે કહે છે: “મારા સમાજમાં પિતા બાળકો સાથે રમતા નથી, કેમ કે પિતાઓને બીક છે કે એમ કરવાથી તેઓનો પ્રભાવ ઓછો થઈ જશે. એટલે મને મારા બાળકો સાથે ફુરસદનો સમય ગાળવામાં તકલીફ પડે છે.”

આનો વિચાર કરો: તમારા સમાજમાં પિતાની ભૂમિકા વિષે કેવી અપેક્ષા રાખવામાં આવે છે? શું પિતાઓને એવું શીખવવામાં આવે છે કે બાળકોને ઉછેરવાની જવાબદારી ફક્ત માતાની છે? શું પિતાને બાળકો માટે પ્રેમ અને વહાલ બતાવવા માટે ઉત્તેજન આપવામાં આવે છે, કે પછી એવા વિચારને અજુગતો ગણવામાં આવે છે?

જો તમે પિતા હોવ અને આવી કોઈ મુશ્કેલી હોય, તો કેવી રીતે એનો સામનો કરી શકો? હવે પછીના અમુક સૂચનો તમને મદદ કરશે.

દીકરાને નાનપણથી જ શીખવો

જોવા મળ્યું છે કે નાનપણથી જ દીકરાઓમાં પિતાની જેમ કરવાની ઇચ્છા હોય છે. એટલે બાળકો નાના હોય ત્યારથી જ એ ઇચ્છાનો ઉપયોગ કરીને યોગ્ય દિશા આપો. એ માટે તમે શું કરી શકો? ક્યારે તેની સાથે સમય વિતાવી શકો?

શક્ય હોય ત્યારે તમારા દીકરાને રોજબરોજના કામોમાં સામેલ કરો. દાખલા તરીકે બગીચામાં કામ કરતી વખતે તેના હાથમાં નાની ખૂરપી અથવા નાનો સાવરણો આપો. બેશક, તેને પોતાના હીરો એટલે પપ્પાને મદદ કરવાની બહુ મજા આવશે! જોકે બાળક સાથે હશે, તો કામ પૂરું થતાં થોડો વધુ સમય લાગશે. પણ એનાથી તમારી વચ્ચેનો સંબંધ મજબૂત થશે અને તેનામાં કામ કરવાની સારી આદત કેળવાશે. પહેલાંના જમાનામાં શાસ્ત્ર ઉત્તેજન આપતું કે પિતા પોતાના રોજિંદા કાર્યોમાં બાળકોનો સમાવેશ કરે. એ સમયે બાળક સાથે વાતચીત કરો અને શીખવો. (પુનર્નિયમ ૬:૬-૯) આવી સલાહ આજે પણ ઉપયોગી છે.

કામ કરવાની સાથે સાથે બાળક જોડે રમવા માટે પણ સમય કાઢો. રમવાથી બંનેને મજા આવશે, તેમ જ બીજા અનેક ફાયદા થશે. એક અભ્યાસ બતાવે છે કે જ્યારે પિતા દીકરા સાથે રમે છે, ત્યારે તેને નીડર અને સાહસિક બનવા ઉત્તેજન મળે છે.

બાળક અને પિતા સાથે રમે છે ત્યારે બીજો એક મહત્ત્વનો ફાયદો થાય છે. એક સંશોધક મિચેલ ફિઝ કહે છે, “સાથે રમતી વખતે બાળક પોતાના પિતા સાથે દિલ ખોલીને વાતચીત કરે છે.” રમતી વખતે પિતા પોતાના વાણી અને વર્તનથી બાળકને વહાલ બતાવી શકે છે. આમ કરીને પિતા બાળકને કેવી રીતે લાગણીઓ વ્યક્ત કરવી એ શીખવે છે. જર્મનીમાં રહેતા એક પિતા આન્દ્રે કહે છે, “મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે અમે ઘણી વાર સાથે રમતા. હું તેને બાથમાં લેતો એનાથી તે પણ મને પ્રેમ બતાવતા શીખ્યો.”

સૂતી વખતે પણ પિતા બાળક સાથે વાત કરશે તો તેઓ એકબીજાની વધારે નજીક આવશે. પિતા તરીકે તમે નિયમિત રીતે બાળકને વાર્તા વાંચી સંભળાવો. દિવસમાં તેની સાથે જે બન્યું હોય એ જણાવે ત્યારે એની વાત ધ્યાનથી સાંભળો. આમ કરશો તો તે મોટો થશે, ત્યારે પણ તમારી સાથે સારી રીતે વાત કરી શકશે.

દીકરાને જે ગમે એમાં રસ લો

કેટલાક ટીનેજરને ગમતું નથી જ્યારે તેઓના પિતા તેઓની સાથે વાતચીત કરવા માંગે. તમે કંઈ પૂછો અને દીકરો જવાબ આપવાનું ટાળે, તો એમ ધારી ન લો કે તે દર વખતે એવું જ કરશે. જો તમે વાતચીત કરવાનો અંદાજ બદલશો, તો કદાચ તે વાતચીત કરવા તૈયાર થશે.

ફ્રાન્સમાં રહેતા જેકનો વિચાર કરો. તેમને પોતાના દીકરા જેરોમ સાથે વાત કરવી કોઈ વાર અઘરું લાગે છે. પણ તેમણે વાતચીત કરવા જબરદસ્તી કરવાને બદલે અલગ રીત અપનાવી. તેમણે પોતાના દીકરા સાથે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. જેક કહે છે: ‘રમ્યા પછી અમે ઘાસમાં બેસીને આરામ કરતા. એ સમયે અમે બે એકલા જ હોવાથી તે દિલ ખોલીને મારી સાથે વાત કરતો. એનાથી અમે એકબીજાની વધારે નજીક આવ્યા.’

પણ જો તમારા દીકરાને સ્પોર્ટસમાં રસ ન હોય તો શું? આન્દ્રે જણાવે છે, “હું મારા દીકરા સાથે તારાઓ જોવામાં કલાકો ગાળતો. અમે ઠંડી રાતોમાં ખુરશી નાખીને બેસતા. કંઈક ઓઢી લેતા જેથી ઠંડી ના લાગે. હાથમાં ચાનો કપ હોય અને આકાશ તરફ અમારી નજર હોય. અમે તારાઓની રચના કરનાર વિષે વાત કરતા. અમે પોતાના મનની વાતો કરતા. અમે મોટા ભાગે બધા વિષયો પર વાત કરતા.”—યશાયાહ ૪૦:૨૫, ૨૬.

તમારા દીકરાને જે ગમે છે, એ કરવું તમને ન ગમતું હોય તો શું? એવા કિસ્સામાં, તેને જે ગમે છે એ કરવું સારું કહેવાશે. (ફિલિપી ૨:૪) દક્ષિણ આફ્રિકામાં રહેતા ઇયાન કહે છે, “મને સ્પોર્ટ્‌સમાં બહુ રસ હતો, જ્યારે કે મારા દીકરા વૉનને વિમાનો અને કૉમ્પ્યુટરમાં રસ હતો. તેથી તેને જે ગમતું એમાં હું રસ લેવા લાગ્યો. તેને વિમાનોના એર-શોમાં લઈ જતો. સાથે બેસીને વિમાનો ઉડાડવાની કૉમ્પ્યુટર ગેમ રમતો. અમે ભેગા મળીને આવી પ્રવૃત્તિ કરતા, એનાથી વૉન મારી સાથે ખુલીને વાત કરતો.”

તેનો આત્મવિશ્વાસ વધારો

તમારો દીકરો કંઈ નવું કરે કે શીખે, તો આવું કંઈક કહે છે કે “જુઓ, પપ્પા!” જો તે હાલમાં ટીનેજર હોય તોપણ શું તમારી મદદ કે સલાહ માંગે છે? કદાચ ના માગે. પરંતુ તેને એક જવાબદાર વ્યક્તિ બનવા એની બહુ જરૂર છે.

વિચાર કરો કે ઈશ્વર યહોવાહ પોતાના દીકરા સાથે કેવી રીતે વર્ત્યા. ઈસુ પૃથ્વી પર એક મહત્ત્વનું કામ શરૂ કરવાના હતા, એ સમયે ઈશ્વરે જાહેરમાં પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.” (માત્થી ૩:૧૭; ૫:૪૮) બાળકને શિસ્ત આપવાની અને શીખવવાની જવાબદારી તમારી છે. (એફેસી ૬:૪) પરંતુ જ્યારે તે કંઈ સારું કહે અથવા કરે ત્યારે શું તમે પણ તેના વખાણ કરો છો?

કેટલાક પુરુષોને પ્રશંસા કરવી અને પ્રેમ બતાવવું અઘરું લાગે છે. તેઓ એવા પરિવારમાં ઉછરેલા હોય છે, જેમાં માબાપ વખાણ કરવાને બદલે ભૂલો બતાવતા હોય. જો તમારો ઉછેર એ રીતે થયો હોય, તો દીકરાનો આત્મવિશ્વાસ વધારવા તમારે સતત પ્રયત્ન કરવો પડશે. એ માટે તમે શું કરી શકો? આગળ જોઈ ગયેલા લુકાના દાખલામાંથી તમે મદદ મેળવી શકો. તે પોતાના ૧૫ વર્ષના દીકરા મેન્યુએલ સાથે ભેગા મળીને ઘરના કામો કરે છે. તે કહે છે: “કેટલીક વાર હું દીકરાને કોઈ કામ જાતે શરૂ કરવા કહું છું. જરૂર પડ્યે હું તને મદદ કરીશ એમ પણ કહું છું. મોટા ભાગે તે જાતે જ કામ પતાવી લે છે. એનાથી તેને સંતોષ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. જ્યારે તે કામ પૂરું કરે છે ત્યારે હું તેના વખાણ કરું છું. અરે તેના ધાર્યા પ્રમાણે ન થાય તોપણ હું તેની મહેનતની કદર કરું છું.”

જીવનમાં મોટા ધ્યેયો હાંસલ કરવામાં દીકરાને મદદ કરશો, તો તેનો આત્મવિશ્વાસ વધશે. પણ જો દીકરો ધ્યેયો હાંસલ કરવામાં ઢીલ કરે તો શું? અથવા તમે નક્કી કરેલા ધ્યેયોને બદલે તે બીજું કાંઈ પસંદ કરે તો શું? આવા કિસ્સામાં તમારી અપેક્ષા વિષે ફરીથી વિચારવું જોઈએ. આગળ જોઈ ગયેલા જેક કહે છે: “હું મારા દીકરાને એવા ગોલ બાંધવા મદદ કરું છું, જે તે પૂરા કરી શકે. હું એની પણ ખાતરી રાખું છું કે તેના ગોલ તેના પોતાના જ હોય. હું ખ્યાલ રાખું છું કે દીકરાએ પોતાની રીતે મહેનત કરીને ધ્યેય પૂરા કરવાના છે.” જો દીકરો પોતાના વિચારો જણાવે તો તેના વખાણ કરો. જો તે ધ્યેય પૂરા ન કરી શકે, તોપણ તેની હિંમત બાંધો. એમ કરીને તમે તેને ધ્યેયો પૂરા કરવા મદદ કરો છો.

પિતા-પુત્રના સંબંધમાં મુશ્કેલીઓ અને પડકારો તો આવવાના. પણ સમય જતા દીકરાને તમારી નજીક રહેવું ગમશે. જો તમે દીકરાને સફળ થવા મદદ કરશો, તો તમારી નજીક રહેવા તેને વધારે મન થશે! (w11-E 11/01)

[ફુટનોટ્‌]

^ આ લેખ પિતા અને પુત્રના સંબંધને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે, પણ એના સિદ્ધાંતો પિતા અને પુત્રીના સંબંધને પણ લાગુ પડે છે.