સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા

અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા

અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા

“યહોવાહે મને તેની શક્તિ સાથે મોકલ્યો છે.”—યશા. ૪૮:૧૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

૧, ૨. વિશ્વાસ બતાવવા શાની જરૂર છે? પ્રાચીન સમયના ઈશ્વરભક્તો વિષે જાણવાથી આપણને કેવું ઉત્તેજન મળે છે?

 હાબેલના સમયથી લઈને ઘણી વ્યક્તિઓએ ઈશ્વરમાં વિશ્વાસ બતાવ્યો છે. પરંતુ બાઇબલ જણાવે છે કે “સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી.” (૨ થેસ્સા. ૩:૨) શા માટે વ્યક્તિ વિશ્વાસ કરતી હોય છે? વિશ્વાસુ રહેવા વ્યક્તિને શું મદદ કરે છે? આપણે જાણીએ છીએ કે વિશ્વાસ કેળવવા બાઇબલનું જ્ઞાન લેવું જરૂરી છે. (રોમ. ૧૦:૧૭) વિશ્વાસ ઈશ્વરની શક્તિ દ્વારા કેળવાતા ગુણોમાંનો એક છે. (ગલા. ૫:૨૨, ૨૩) તેથી, વિશ્વાસ રાખવા અને બતાવવા આપણને ઈશ્વરની શક્તિની જરૂર છે.

સ્ત્રી હોય કે પુરુષ તેઓમાં જન્મથી જ વિશ્વાસનો ગુણ હોતો નથી. બાઇબલમાં જણાવેલા વિશ્વાસુ ભક્તો ‘સ્વભાવે આપણા જેવા’ જ હતા. (યાકૂ. ૫:૧૭) તેઓને પણ શંકા થતી હતી અને અસલામતી અનુભવતા હતા. તેઓમાં નબળાઈઓ હતી, પણ ઈશ્વરની શક્તિથી તેઓ “સબળ થયા” અને મુશ્કેલીનો સામનો કરી શક્યા. (હેબ્રી ૧૧:૩૪) ઈશ્વરની શક્તિએ તેઓને જે રીતે મદદ કરી એનો વિચાર કરવાથી આપણને ઘણું ઉત્તેજન મળે છે. એ ઉત્તેજનથી આપણે મુશ્કેલ સંજોગોમાં ઈશ્વરભક્તિમાં અડગ રહી શકીએ છીએ.

ઈશ્વરની શક્તિએ મુસાને બળ આપ્યું

૩-૫. (ક) આપણે શાને આધારે કહી શકીએ કે મુસાએ ઈશ્વરશક્તિની મદદથી પગલાં ભર્યાં? (ખ) યહોવાહ જે રીતે પોતાની શક્તિ પૂરી પાડે છે, એ વિષે મુસાનો દાખલો આપણને શું શીખવે છે?

ઈ.સ. પૂર્વે, ૧૫૧૩માં જીવતા સર્વ લોકોમાં મુસા સૌથી “નમ્ર” હતા. (ગણ. ૧૨:૩) એટલે ઈસ્રાએલી પ્રજાની સંભાળ રાખવા યહોવાહે તેમને ઘણી બધી જવાબદારી સોંપી હતી. ઈશ્વરની શક્તિથી મુસાએ ભવિષ્યવાણી કરી તેમ જ લોકોનો ન્યાય કર્યો. તેમણે બાઇબલના પુસ્તકો લખ્યા, આગેવાની લીધી અને ચમત્કારો કર્યા. (યશાયાહ ૬૩:૧૧-૧૪ વાંચો.) ઈશ્વરની શક્તિ હોવા છતાં એક વખતે મુસા પોકારી ઊઠ્યાં કે પોતે આટલી બધી જવાબદારી નહિ ઉપાડી શકે. (ગણ. ૧૧:૧૪, ૧૫) તેથી એ જવાબદારી ઉપાડવા મુસાને મદદ કરવા યહોવાહે ૭૦ માણસો પસંદ કર્યાં. પછી યહોવાહે મુસાને આપેલી શક્તિમાંથી થોડી ‘લઈને તેઓના પર મૂકી.’ (ગણ. ૧૧:૧૬, ૧૭) મુસા પાસે ઘણી જવાબદારીઓ હતી. તે ફક્ત પોતાની તાકાતથી એ જવાબદારી ઉપાડતા ન હતા. એવી જ રીતે એ ૭૦ માણસો પણ પોતાની તાકાતથી એ જવાબદારી ઉપાડતા ન હતા. તો પછી તેઓ કોની મદદથી એ જવાબદારી ઉપાડતા હતા?

મુસાને પોતાની જવાબદારી નિભાવવા ઈશ્વરે પૂરતી પવિત્ર શક્તિ આપી હતી. ૭૦ માણસોને પસંદ કર્યા પછી પણ યહોવાહે મુસાને જરૂરી શક્તિ આપી. જોકે એવું ન હતું કે મુસા પાસે થોડી શક્તિ હતી અને ૭૦ માણસો પાસે વધારે. આપણા સંજોગો પ્રમાણે યહોવાહ શક્તિ પૂરી પાડે છે. તે ‘માપીને શક્તિ આપતા’ નથી, પણ ‘સર્વને ભરપૂરીમાંથી’ આપે છે.—યોહા. ૧:૧૬; ૩:૩૪.

શું તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છો? શું તમને લાગે છે કે તમારી જવાબદારીઓ વધી રહી છે, અને એ તમારો ઘણો સમય લઈ રહી છે? શું તમને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ લાગે છે? શું તમને કુટુંબની ભક્તિને લગતી જરૂરિયાતો પૂરી પાડવી અઘરું લાગે છે? શું તમને કુટુંબની તંદુરસ્તીની તેમ જ વધતી જતી મોંઘવારીની ચિંતા કોરી ખાય છે? તમે ખાતરી રાખી શકો કે કોઈ પણ સંજોગોનો સામનો કરવા ઈશ્વર પોતાની શક્તિ આપી શકે છે.—રોમ. ૧૫:૧૩.

ઈશ્વરની શક્તિએ બસાલએલને મદદ પૂરી પાડી

૬-૮. (ક) બસાલએલ અને આહોલીઆબ ઈશ્વરની શક્તિથી શું કરી શક્યા? (ખ) શું બતાવે છે કે તેઓ ઈશ્વરની શક્તિના માર્ગદર્શનથી કામ કરતાં હતાં? (ગ) શા માટે બસાલએલનો અનુભવ ખાસ ઉત્તેજન આપનારો છે?

મુસાના સમયમાં ઈશ્વરભક્ત બસાલએલ પણ થઈ ગયા. તેમને થયેલા અનુભવોથી જોવા મળે છે કે ઈશ્વરની શક્તિ કેવી રીતે કામ કરે છે. (નિર્ગમન ૩૫:૩૦-૩૫ વાંચો.) મુલાકાત મંડપની ચીજવસ્તુઓ બનાવવામાં બસાલએલને જવાબદારી સોંપાઈ હતી. શું તે પહેલેથી જ એ કામ જાણતા હતા? એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી, પણ એ જણાવે છે કે તે મિસરમાં હતા ત્યારે કદાચ ઈંટો બનાવતા હતા. (નિર્ગ. ૧:૧૩, ૧૪) તો પછી, કઈ રીતે બસાલએલે પોતાને સોંપાયેલું કામ કર્યું? યહોવાહે તેમને ‘બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે ઈશ્વરની શક્તિથી ભરપૂર કર્યા, તેથી સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરી’ શકે. આહોલીઆબના કિસ્સામાં પણ એવું જ બન્યું. બસાલએલ અને આહોલીઆબ ઈશ્વરની શક્તિની મદદથી ઘણું શીખ્યા હશે. એટલે જ તેઓ પોતાને સોંપાયેલું કામ કરી શક્યા અને બીજાઓને પણ શીખવી શક્યા.

બીજી કઈ સાબિતી છે કે તેઓ ઈશ્વરની શક્તિથી કામ કરતા હતાં? તેઓએ બનાવેલી વસ્તુઓ ખૂબ જ ઉત્તમ હતી, કેમ કે એનો ૫૦૦ વર્ષ પછી પણ ઉપયોગ થતો હતો. (૨ કાળ. ૧:૨-૬) સામાન્ય રીતે કારીગરો પોતે બનાવેલી વસ્તુઓ પર પોતાની છાપ મૂકી જતા હોય છે. પરંતુ, બસાલએલ અને આહોલીઆબે પોતાની કારીગરીની કોઈ છાપ છોડી નહિ. તેઓએ જે પણ બનાવ્યું એનો મહિમા યહોવાહને જ આપ્યો.—નિર્ગ. ૩૬:૧, ૨.

આજે આપણે એવા ઘણા કામો કરવા પડે છે, જેમાં ખાસ આવડતની જરૂર પડે છે. જેમ કે, બાંધકામ, છાપકામ, સંમેલનોની ગોઠવણ કરવી, રાહત કામની દેખરેખ રાખવી વગેરે. ઉપરાંત લોહી વિષે બાઇબલમાં શું જણાવેલું છે એની ડૉક્ટરો અને હૉસ્પિટલમાં અમુક કર્મચારીઓને માહિતી આપવી પડે છે. અમુક વખતે, આવા કામો જે-તે વિષયના નિષ્ણાંત કરતા હોય છે. પરંતુ, આવા કામો મોટા ભાગે વૉલન્ટિયર ભાઈ-બહેનો કરતા હોય છે, જેઓ એ વિષે થોડું જ જાણતા હોય છે. પણ ઈશ્વરની શક્તિ તેઓને એ કામમાં સફળ થવા મદદ કરે છે. યહોવાહની સેવામાં શું તમે આવું કોઈ કામ કરતા અચકાવ છો? શું તમને લાગે છે કે એ કામ કરવા તમે લાયક નથી? હંમેશાં યાદ રાખો કે યહોવાહની શક્તિ તમને જ્ઞાન અને આવડત આપશે. તેમ જ કોઈ પણ જવાબદારી પૂરી કરવા મદદ કરશે.

ઈશ્વરની શક્તિથી યહોશુઆ સફળ થયા

૯. મિસરમાંથી નીકળ્યા પછી ઈસ્રાએલીઓ સામે કેવા સંજોગો ઊભા થયા? તેઓ સામે કયો સવાલ ઊભો થયો?

મુસા અને બસાલએલના સમયમાં જીવી ગયેલા બીજા એક ઈશ્વરભક્તને પણ પવિત્ર શક્તિએ માર્ગદર્શન આપ્યું હતું. મિસરમાંથી નીકળ્યા ને થોડાં સમય પછી ઈશ્વરના લોકો પર અમાલેકીઓ હુમલો કરવા આવ્યા. જોકે ઈસ્રાએલીઓને યુદ્ધ કરતા આવડતું ન હતું. પણ હવે તેઓએ આઝાદ લોકો તરીકે પહેલી લડાઈ લડવાની હતી. (નિર્ગ. ૧૩:૧૭; ૧૭:૮) એ માટે તેઓને કોઈ આગેવાનની જરૂર હતી. પણ સવાલ ઊભો થયો કે એ આગેવાની કોણ લેશે?

૧૦. યહોશુઆની આગેવાની હેઠળ શા માટે ઈસ્રાએલીઓએ જીત મેળવી?

૧૦ આગેવાની લેવા યહોશુઆને પસંદ કરવામાં આવ્યાં. પરંતુ, એ જવાબદારી ઉપાડવા શું તેમની પાસે કોઈ ખાસ આવડત હતી? તે તો પહેલાં મજૂર હતા અને ઈંટો બનાવતા હતા. અરણ્યમાં માન્‍ના ભેગું કરતાં હતાં. ખરું કે યહોશુઆના દાદા એલીશામા એફ્રાઈમ કુળના આગેવાન હતા અને તેમના હાથ નીચે ત્રણ કુળના ૧,૦૮,૧૦૦ પુરુષો હતા. (ગણ. ૨:૧૮, ૨૪; ૧ કાળ. ૭:૨૬, ૨૭) પરંતુ, યહોવાહે એલીશામા અથવા તેમના દીકરા નૂનને લશ્કરની આગેવાની લેવા પસંદ કરવા મુસાને કહ્યું નહિ. એને બદલે યહોશુઆ આગેવાની લે અને દુશ્મનનો નાશ કરે એવું જણાવ્યું. આશરે આખો દિવસ એ લડાઈ ચાલી. યહોશુઆએ ઈશ્વરનું કહ્યું કર્યું અને તેમની શક્તિથી મળતું માર્ગદર્શન સ્વીકાર્યું. એના લીધે, ઈસ્રાએલીઓએ જીત મેળવી.—નિર્ગ. ૧૭:૯-૧૩.

૧૧. યહોશુઆની જેમ આપણે પણ કઈ રીતે ઈશ્વરભક્તિમાં સફળ થઈ શકીએ?

૧૧ યહોશુઆ ‘જ્ઞાનથી ભરપૂર હતા.’ તેમણે મુસા પછી આગેવાની લીધી. (પુન. ૩૪:૯) જોકે, પવિત્ર શક્તિએ યહોશુઆને ભવિષ્યવાણી અને ચમત્કારો કરવાની ક્ષમતા આપી ન હતી, જેવી મુસાને આપી હતી. પરંતુ, કનાનને જીતવા જે લડાઈઓ લડી એમાં આગેવાની લેવા એ શક્તિએ યહોશુઆને મદદ કરી. આજે આપણને લાગી શકે કે ભક્તિમાં કોઈ જવાબદારી ઉપાડવા પૂરતો અનુભવ કે લાયકાત નથી. પરંતુ યહોશુઆની જેમ જો આપણે ઈશ્વરના માર્ગદર્શનને વળગી રહીશું તો ચોક્કસ સફળ થઈશું.—યહો. ૧:૭-૯.

‘યહોવાહની શક્તિ ગિદઓન પર આવી’

૧૨-૧૪. (ક) ગિદઓનના ૩૦૦ માણસોએ મિદ્યાનના મોટા લશ્કર પર જીત મેળવી એ આપણને શું શીખવે છે? (ખ) કઈ રીતે યહોવાહે ગિદઓનનો વિશ્વાસ મજબૂત કર્યો? (ગ) આજે આપણે ઈશ્વર તરફથી કેવી મદદની આશા રાખી શકીએ?

૧૨ યહોશુઆના મરણ પછી પણ યહોવાહે પોતાના વિશ્વાસુ સેવકોને મજબૂત કરવા શક્તિ આપી. “નિર્બળતામાંથી સબળ થયા” હોય એવા ઘણા ઈશ્વરભક્તો વિષે ન્યાયાધીશોના પુસ્તકમાં અહેવાલ જોવા મળે છે. (હેબ્રી ૧૧:૩૪) ઈશ્વરે પોતાની શક્તિ ગિદઓનને આપી, જેથી તે પોતાના લોકો વતી લડી શકે. (ન્યા. ૬:૩૪) જોકે મિદ્યાનીઓનું સૈન્ય ગિદઓનના સૈન્ય કરતાં ચાર ઘણું મોટું હતું. તોપણ યહોવાહની નજરે ઈસ્રાએલીઓનું સૈન્ય હજી પણ મોટું હતું. તેથી તેમણે ગિદઓનને બે વાર સૈનિકો ઓછા કરવા જણાવ્યું. ઈસ્રાએલી લડવૈયાઓ એટલા ઓછા થઈ ગયા કે એક સૈનિકની સામે ૪૫૦ મિદ્યાની સૈનિકો હતા. (ન્યા. ૭:૨-૮; ૮:૧૦) જોકે યહોવાહે એ નાની ટુકડીને સાથ આપ્યો હતો. એટલે તેઓ જીત મેળવે ત્યારે કોઈ એવું કહી ન શકે કે પોતાની શક્તિ અને સમજણથી જીત મેળવી છે.

૧૩ ગિદઓન અને તેમના માણસો લડવા માટે તૈયાર જ હતા. એ ટુકડીમાં ઘણા હિંમતવાન અને સજાગ સૈનિકો હતા. તમે જો એ ટુકડીનો ભાગ હોત, તો શું તમે સલામતી અનુભવી હોત? કે પછી આગળ શું થશે એનો વિચાર કરીને થોડા ડરી ગયા હોત? ગિદઓને કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર ઈશ્વરમાં પૂરો ભરોસો રાખ્યો. તેમને જે કહેવામાં આવ્યું એ પ્રમાણે જ કર્યું. (ન્યાયાધીશો ૭:૯-૧૪ વાંચો.) યહોવાહ સાથ આપશે એનો પુરાવો ગિદઓને માંગ્યો ત્યારે યહોવાહે તેને ઠપકો ન આપ્યો. (ન્યા. ૬:૩૬-૪૦) એના બદલે તેમણે ગિદઓનનો વિશ્વાસ મજબૂત કર્યો.

૧૪ પોતાના લોકોને બચાવવા યહોવાહ પાસે અપાર શક્તિ છે. ગમે તેવા કપરા સંજોગોમાંથી તે પોતાના લોકોને છોડાવી શકે છે. એમ કરવા તે નબળા અને લાચાર લોકોનો પણ ઉપયોગ કરી શકે છે. કોઈ વાર આપણને લાગી શકે કે આપણા વિરોધીઓ વધી ગયા છે અથવા તો આપણે ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં આવી પડ્યા છીએ. ગિદઓનના કિસ્સામાં બન્યું તેમ ચમત્કારિક રીતે ઈશ્વર સહાય કરશે એવી આપણે આશા રાખતા નથી. પણ આપણને માર્ગદર્શન આપવા ઈશ્વરે પોતાની શક્તિથી બાઇબલ લખાવ્યું છે, તેમ જ મંડળોને દોરી રહ્યા છે. એમાંથી આપણે વધારે પ્રમાણમાં માર્ગદર્શન અને ખાતરી મેળવી શકીએ છીએ. (રોમ. ૮:૩૧, ૩૨) યહોવાહે આપેલાં વચનો આપણો વિશ્વાસ મજબૂત કરે છે. એનાથી આપણને ભરોસો મળે છે કે યહોવાહ આપણને મદદ કરશે.

‘યહોવાહની શક્તિ યિફતાહ પર આવી’

૧૫, ૧૬. શા માટે યિફતાહની દીકરી પોતાને સમર્પિત કરવા તૈયાર થઈ? આ દાખલામાંથી માબાપને કેવું ઉત્તેજન મળે છે?

૧૫ હવે ચાલો યિફતાહનો વિચાર કરીએ. ઈસ્રાએલીઓ સામે આમ્નોનીઓ યુદ્ધ કરવા આવ્યા, ત્યારે યહોવાહની શક્તિ ‘યિફતાહ પર આવી.’ યહોવાહના મહિમા માટે તે લડાઈ જીતવા માંગતા હતા, એટલે તેમણે માનતા લીધી. જો યહોવાહ આમ્નોનીઓ પર જીત અપાવશે, તો ઘરમાંથી જે પણ પહેલું આવશે તેને યહોવાહને સોંપી દેશે. તે આમ્નોનીઓ પર જીત મેળવીને પાછા ફરે છે ત્યારે સૌથી પહેલાં તેમની દીકરી દોડતી આવે છે. (ન્યા. ૧૧:૨૯-૩૧, ૩૪) એ જોઈને શું યિફતાહને નવાઈ લાગી? કદાચ નહિ. તેમની એ દીકરી જ એક માત્ર સંતાન હતું. તેમ છતાં પોતાની માનતા પૂરી કરવા દીકરીને શીલોહમાં યહોવાહના મંડપ પાસે સેવા માટે મોકલી દે છે. યિફતાહની દીકરી પણ યહોવાહની ભક્ત હતી, એટલે પિતાની માનતા પૂરી કરવા તે જરાય અચકાતી નથી. (ન્યાયાધીશો ૧૧:૩૬ વાંચો.) યહોવાહની શક્તિએ બંનેને જરૂરી હિંમત આપી હતી.

૧૬ શા માટે યિફતાહની દીકરી યહોવાહની ભક્તિમાં પોતાને સમર્પિત કરવા તૈયાર થઈ? પિતાના ઉત્સાહ અને ઈશ્વરભક્તિ માટેના તેમના અઢળક પ્રેમને લીધે ચોક્કસ તેનો વિશ્વાસ વધ્યો હશે. માબાપો, તમારું ઉદાહરણ બાળકોના ધ્યાન બહાર જતું નથી. તમારા નિર્ણયો બતાવશે કે તમે જે કહો છો એ કરો છો કે નહિ. તમારી દિલથી કરેલી પ્રાર્થનાઓ બાળકો સાંભળી શકે છે. તમે જે શીખવો છો એ પર પણ તેઓ ધ્યાન આપે છે. યહોવાહની ઉપાસના માટે તમે જે પણ પ્રયત્ન કરો છો એ તેઓ જોઈ શકે છે. તમે જે કરો છો એ જોઈને શક્ય છે કે બાળકોને પણ યહોવાહની ભક્તિમાં વધારે કરવાની ઇચ્છા જાગે. તેઓ એમ કરે ત્યારે તમને પણ ઘણી ખુશી મળશે.

શામશૂન, ઈશ્વરની શક્તિથી ભરપૂર થયા

૧૭. ઈશ્વરની શક્તિથી શામશૂન શું કરી શક્યા?

૧૭ ઈશ્વરની શક્તિએ શામશૂનને પણ મદદ કરી હતી. બાઇબલ જણાવે છે કે ‘યહોવાહની શક્તિ પ્રેરણા આપવા લાગી,’ જેથી શામશૂન ઈસ્રાએલીઓને પલિસ્તીઓથી બચાવી શકે. (ન્યા. ૧૩:૨૪, ૨૫) યહોવાહે શામશૂનને એટલી તાકાત આપી કે તે પરાક્રમી કામો કરી શક્યા. પલિસ્તીઓના દબાણને લીધે ઈસ્રાએલીઓએ શામશૂનને પકડીને સોંપ્યા ત્યારે ‘યહોવાહની શક્તિ તેમના પર પરાક્રમસહિત આવી, અને તેમને હાથે જે દોરડાં બાંધેલાં હતાં તે અગ્‍નિમાં બળેલા શણના જેવાં થઈ ગયાં, ને તેમના હાથ પરથી બંધન ખરી પડ્યાં.’ (ન્યા. ૧૫:૧૪) શામશૂને ખોટો નિર્ણય લીધો એના લીધે તેમના શરીરમાં તાકાત ના રહી, પરંતુ “વિશ્વાસ”ને લીધે તેમને છેલ્લીવાર શક્તિમાન કરવામાં આવ્યા હતા. (હેબ્રી ૧૧:૩૨-૩૪; ન્યા. ૧૬:૧૮-૨૧, ૨૮-૩૦) સંજોગો અનુસાર યહોવાહની શક્તિએ અલગ રીતે શામશૂન પર કામ કર્યું. આ ઇતિહાસના બનાવો આપણને ઘણું ઉત્તેજન આપે છે. પરંતુ સવાલ થાય કે કઈ રીતે?

૧૮, ૧૯. (ક) શામશૂનના દાખલામાંથી આપણને કેવી ખાતરી મળે છે? (ખ) આ લેખમાં આપેલા દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

૧૮ શામશૂને જે શક્તિ પર આધાર રાખ્યો હતો, એ જ શક્તિ પર આપણે પણ આધાર રાખીએ છીએ. આપણે એના લીધે જ ઈસુએ સોંપેલું કામ કરી શકીએ છીએ. તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “લોકોને ઉપદેશ કરો, અને સાક્ષી આપો.” (પ્રે.કૃ. ૧૦:૪૨) આ કામ કરવા આપણે આવડત કેળવવી પડે છે. આપણે કેટલા આભારી છીએ કે યહોવાહ એના માટે શક્તિ પૂરી પાડે છે. એ શક્તિની મદદથી જ આપણે તેમની સેવામાં અલગ-અલગ જવાબદારી ઉપાડી શકીએ છીએ. સોંપાયેલું કામ પૂરું કરવા આપણે પણ યશાયાહ પ્રબોધકની જેમ કહીએ છીએ: “યહોવાહે મને તેની શક્તિ સાથે મોકલ્યો છે.” (યશા. ૪૮:૧૬, ઈઝી-ટુ-રીડ વર્ઝન) હા, ઈશ્વરની શક્તિ જ આપણને મદદ કરે છે. આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહ ચોક્કસ આપણને મદદ કરશે. જેમ મુસા, બસાલએલ અને યહોશુઆના કિસ્સામાં બન્યું, તેમ આપણને પણ ખાસ કામ કરવા કુશળ બનાવશે. ‘પવિત્ર શક્તિની તરવાર, જે ઈશ્વરનું વચન છે’ તેના પર આપણે પૂરો ભરોસો રાખીએ. એ આપણને શક્તિ આપશે, જેમ ગિદઓન, યિફતાહ અને શામશૂનને આપી હતી. (એફે. ૬:૧૭, ૧૮) યહોવાહ મદદ પૂરી પાડશે એવો આપણે ભરોસો રાખીએ. તે ચોક્કસ તેમનું કામ કરવા શક્તિ આપશે, જેમ શામશૂનને આપી હતી.

૧૯ આ સાફ બતાવે છે કે જેઓ ઈશ્વરની ભક્તિ કરવા દૃઢ નિશ્ચય કરે છે, તેઓને યહોવાહ આશીર્વાદ આપે છે. આપણે જ્યારે ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે આપણો વિશ્વાસ મજબૂત થાય છે. ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રમાં પણ આવા ઘણા ઉદાહરણો છે. એના પર વિચાર કરવાથી આપણને ઘણું શીખવા મળશે. હવે પછીના લેખમાં જોઈશું કે પહેલી સદીના ઈશ્વરભક્તો પર પેન્તેકોસ્ત ૩૩ પહેલાં અને પછી ઈશ્વરની શક્તિએ કઈ રીતે કામ કર્યું. (w11-E 12/15)

ઈશ્વરની શક્તિએ આ ભક્તોને મદદ કરી એનાથી તમને કેવું ઉત્તેજન મળે છે?

• મુસા

• બસાલએલ

• યહોશુઆ

• ગિદઓન

• યિફતાહ

• શામશૂન

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૭ પર ચિત્ર]

માબાપો, તમારો ઉત્સાહ જોઈને બાળકોને પણ ઈશ્વરની ભક્તિમાં વધારે કરવા ઉત્તેજન મળશે