સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈબ્રાહીમ પ્રેમાળ હતા

ઈબ્રાહીમ પ્રેમાળ હતા

ઈબ્રાહીમ પ્રેમાળ હતા

ઈબ્રાહીમની વહાલી પત્ની સારાહ ગુજરી ગઈ હતી. તેમનાથી એ શોક સહેવાતો ન હતો. આ વૃદ્ધ પુરુષ દફનવિધિ કરી રહ્યાં છે, તેમ તેમના મનમાં અગણિત મીઠી યાદો આવે છે. દુઃખી હોવાથી તેમની આંખમાંથી આંસુ સરી પડે છે. (ઉત્પત્તિ ૨૩:૧, ૨) તેમની આંખોમાં આંસુ આવ્યા એ કંઈ નબળાઈ નથી, પણ એમાં તેમનો પ્રેમ દેખાઈ આવે છે.

પ્રેમ શાને કહેવાય? કોઈની સાથે ગાઢ સંબંધ હોવો કે લાગણી હોવી એને પ્રેમ કહેવાય. પ્રેમાળ વ્યક્તિ જેને પ્રેમ કરે છે, તેને પોતાના કાર્યોથી પ્રેમ બતાવે છે. પછી ભલેને એમ કરવા તેને ભોગ આપવો પડે.

ઈબ્રાહીમે કઈ રીતે પ્રેમ બતાવ્યો? તેમણે બતાવ્યું કે તેમને પોતાના કુટુંબ પર ખૂબ જ પ્રેમ છે. તેમની પાસે ઘણું કામ હતું, એમાં કોઈ શંકા નથી. તેમ છતાં, તેમણે કુટુંબ સાથે સમય ગાળ્યો અને ઈશ્વર વિષે શીખવ્યું. ઈબ્રાહીમ પોતાના કુટુંબમાં યહોવાની ભક્તિ કરવામાં આગેવાની લેતા હતા. એ યહોવાએ ખુદ જોયું હતું. (ઉત્પત્તિ ૧૮:૧૯) એ ઉપરાંત ઈબ્રાહીમના પ્રેમ વિષેનો ઉલ્લેખ યહોવાએ પોતે કર્યો છે. તેમની સાથે વાત કરતા યહોવાએ કહ્યું કે તારા દીકરા ઈસ્હાક “પર તું પ્રીતિ કરે છે.”—ઉત્પત્તિ ૨૨:૨.

સારાહ ગુજરી ગઈ ત્યારે ઈબ્રાહીમ જે રીતે વર્ત્યા એના પરથી તેમનો પ્રેમ દેખાઈ આવે છે. ઈબ્રાહીમ દુઃખી થઈ ગયા હતા. તેમણે પોતાનું દુઃખ દિલમાં જ ન રાખ્યું પણ રડીને શોક કર્યો. ઈબ્રાહીમે બહુ સરસ રીતે મનની મક્કમતા અને નમ્રતા બતાવી હતી.

તેમણે બતાવ્યું કે ઈશ્વર પર તેમને પ્રેમ છે. તેમનું આખું જીવન પ્રેમથી ભરેલું હતું. એમ કઈ રીતે કહી શકીએ? પહેલો યોહાન ૫:૩ના શબ્દો પરથી આપણને જોવા મળે છે: “આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે.” ઈબ્રાહીમે પણ એવો જ પ્રેમ બતાવવામાં જોરદાર દાખલો બેસાડ્યો છે.

જ્યારે પણ યહોવા કંઈ કરવાની આજ્ઞા કરતા, ત્યારે ઈબ્રાહીમ એ તરત જ પાળતા. (ઉત્પત્તિ ૧૨:૪; ૧૭:૨૨, ૨૩; ૨૧:૧૨-૧૪; ૨૨:૧-૩) આજ્ઞા પાળવી સહેલી હોય કે અઘરી; એમ કરવાનો મકસદ જાણતા ન હોય, તોય ઈબ્રાહીમ આનાકાની કર્યા વગર એ પાળતા. તેમના માટે એ બધું જાણવું જરૂરી ન હતું. જો યહોવા તેમને કંઈ કરવાની આજ્ઞા કરે, તો તે રાજીખુશીથી કરતા. ઈબ્રાહીમના મને યહોવાની દરેક આજ્ઞા પાળવી એ તેમને પ્રેમ બતાવવાની એક તક હતી.

એમાંથી આપણે શું શીખી શકીએ? ઈબ્રાહીમની જેમ આપણે પણ બધાને પ્રેમ બતાવવો જોઈએ, ખાસ કરીને કુટુંબને. આપણે કામમાં એટલા ડૂબી ન જવું જોઈએ કે કુટુંબને પ્રેમ બતાવવાનો સમય ન હોય.

ઈશ્વર માટે પ્રેમ કેળવવા પણ મહેનત કરવી જોઈએ. એવો પ્રેમ કેળવીશું તો જીવનમાં ખૂબ કામ આવશે. દાખલા તરીકે, આપણા વાણી-વર્તનમાં સુધારો કરવા મદદ કરશે, જેથી ઈશ્વરની કૃપા પામી શકીએ.—૧ પીતર ૧:૧૪-૧૬.

ખરું કે યહોવાની આજ્ઞા પાળવી હંમેશા સહેલી નથી. પણ, આપણે ખાતરી રાખી શકીએ કે જેમણે ઈબ્રાહીમને મદદ કરી અને તેમને “મારા મિત્ર” કહ્યાં એ ઈશ્વર યહોવા આપણને પણ પૂરો સાથ આપશે. (યશાયા ૪૧:૮) બાઇબલમાં તેમણે વચન આપ્યું છે કે તે આપણને શ્રદ્ધામાં “સ્થિર તથા બળવાન કરશે.” (૧ પીતર ૫:૧૦) ઈબ્રાહીમના મિત્ર યહોવા અને આપણા ઈશ્વર પાસેથી કેવું સુંદર વચન! (w12-E 01/01)

[પાન ૧૦ પર બોક્સ]

પુરુષો રડે એમાં કંઈ ખોટું છે?

ઘણા લોકો કહેશે કે હા. પણ બાઇબલ જે જણાવે છે એ જાણીને કદાચ ઘણાને નવાઈ લાગશે. અમુક ઈશ્વરભક્તો પણ અઘરા સંજોગોમાં રડી પડ્યા હતા. જેમ કે ઈબ્રાહીમ, યુસફ, દાઊદ, પ્રેરિત પીતર અને એફેસસ મંડળના વડીલો. અરે, ઈસુ પણ રડ્યા હતા. (ઉત્પત્તિ ૫૦:૧; ૨ શમૂએલ ૧૮:૩૩; લુક ૨૨:૬૧, ૬૨; યોહાન ૧૧:૩૫; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૬-૩૮) આમ, બાઇબલ નથી શીખવતું કે પુરુષોએ રડવું ન જોઈએ.