સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાંથી શીખો

શું બાઇબલ ભવિષ્ય વિષે કંઈ જણાવે છે?

શું બાઇબલ ભવિષ્ય વિષે કંઈ જણાવે છે?

આ લેખમાં જે સવાલો છે એ તમને પણ થયા હશે, એના જવાબો બાઇબલમાંથી આપવામાં આવ્યા છે. યહોવાના સાક્ષીઓને આ વિષે તમારી સાથે વાત કરવાનું ગમશે.

૧. શું બાઇબલે જણાવેલી ભવિષ્યની વાતો સાચી પડે છે?

ફક્ત સર્વશક્તિમાન ઈશ્વર જ ભવિષ્ય વિષેની બધી માહિતી જાણે છે. (આમોસ ૩:૭) દાખલા તરીકે, હજારો વર્ષો પહેલાં ઈશ્વરે મસીહ કે ખ્રિસ્ત વિષે ભવિષ્યવાણી કરી હતી. ઈશ્વરે કહ્યું હતું: મસીહ, ઈબ્રાહીમના વંશમાં આવશે. તે રાજા બનશે અને તેમની આજ્ઞા પાળતા લોકોને આશીર્વાદ આપશે. તે તેઓને બીમારીઓ અને કોઈ પણ દુઃખ તકલીફ વગરનું જીવન આપશે. (ઉત્પત્તિ ૨૨:૧૮; યશાયા ૫૩:૪, ૫) તેમ જ, મસીહનો જન્મ બેથલેહેમમાં થશે.—મીખાહ ૫:૨ વાંચો.

ઈસુએ સાબિત કર્યું કે તે જ મસીહ છે. ઈસુનો જન્મ થયો એના સાતસો કરતાં વધુ વર્ષ પહેલાં બાઇબલમાં જણાવવામાં આવ્યું હતું કે તે એક કુંવારી સ્ત્રીને પેટે જન્મશે. લોકો તેમને ધિક્કારશે, પણ તેઓ માટે ઈસુ પોતાને જીવ આપશે. મરણ પછી તેમના શરીરને અમીરોની કબરમાં મૂકવામાં આવશે. (યશાયા ૭:૧૪; ૫૩:૩, ૯, ૧૨) આશરે પાંચસો વર્ષ પહેલાં કહેવામાં આવ્યું હતું કે તે યરુશાલેમમાં ગધેડા પર બેસીને આવશે. તેમ જ, ૩૦ ચાંદીના સિક્કા માટે તેમને દગો દેવામાં આવશે. એ બધી વિગતો સાચી પડી.—ઝખાર્યા ૯:૯; ૧૧:૧૨ વાંચો.

૨. શું ઈશ્વર પહેલેથી બનાવની તારીખ જણાવે છે?

બાઇબલે પાંચસોથી વધુ વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મસીહ કયા વર્ષમાં ઓળખાશે. બાઇબલે સાત અને ૬૨ ‘અઠવાડિયાʼની ભવિષ્યવાણી કરી હતી. એ પ્રમાણે ગણીએ તો કુલ ૬૯ અઠવાડિયાનો સમય થાય. આ સમયના અંતે મસીહની ઓળખ થવાની હતી. એ ભવિષ્યવાણીમાં એક અઠવાડિયું સાત દિવસનું નહિ પણ સાત વર્ષનું હતું, એટલે ૬૯ અઠવાડિયા ૪૮૩ વર્ષ થાય. એ વર્ષો ક્યારે શરૂ થયા? બાઇબલ પ્રમાણે જ્યારે ઈશ્વરભક્ત નહેમ્યા યરુશાલેમ ગયા અને શહેરને ફરીથી બાંધવાનું શરૂ કર્યું, ત્યારે એ સમયગાળાની શરૂઆત થઈ. ઈરાની ઇતિહાસ પ્રમાણે એ તારીખ ઈસવીસન પૂર્વે ૪૫૫માં શરૂ થઈ. (નહેમ્યા ૨:૧-૫) એ ભવિષ્યવાણીના ૪૮૩ વર્ષોનો અંત ઈસવીસન ૨૯માં થયો. એ જ વર્ષે ઈસુનું મસીહ તરીકે બાપ્તિસ્મા થયું હતું. જે સમય વિષે પહેલાં જણાવવામાં આવ્યું હતું, બરાબર એ જ સમયે બનાવો બન્યા.—દાનીયેલ ૯:૨૫ વાંચો.

૩. શું બાઇબલની ભવિષ્યવાણીઓ આજે સાચી પડી રહી છે?

આપણા સમય વિષે ઈસુએ ઘણા મહત્ત્વના બનાવો વિષે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઈશ્વરના રાજ્યની ખુશખબર દુનિયા ફરતે ફેલાવવામાં આવશે. એનાથી ઈશ્વરને પ્રેમ કરતા લોકોને દિલાસો મળશે. એ રાજ્ય દુષ્ટ જગતનો અંત લાવશે.—માત્થી ૨૪:૧૪, ૨૧, ૨૨ વાંચો.

આ દુષ્ટ દુનિયાના અંત વિષે અગાઉથી બાઇબલે વિગતવાર માહિતી આપી છે. જેમ કે, માણસો પૃથ્વીને બગાડશે, યુદ્ધો થશે, ખોરાકની અછત, ધરતીકંપ અને મોટી મોટી બીમારીઓ ફાટી નીકળશે. આ આધુનિક યુગમાં લોકોને રાહત મળવાને બદલે તણાવ વધશે. (લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૧૧:૧૮) લોકોના સંસ્કારો બગડી જશે. આવા મુશ્કેલ સમયમાં ઈસુના શિષ્યો ઈશ્વરના રાજ્યની ખુશખબર બધા દેશોમાં ફેલાવશે.—માત્થી ૨૪:૩, ૭, ૮; ૨ તીમોથી ૩:૧-૫ વાંચો.

૪. મનુષ્યોનું ભાવિ શું હશે?

ભવિષ્યમાં ઈશ્વરે આપણા માટે ઘણી સારી બાબતો રાખી છે. ઈસુ ખ્રિસ્ત જે મસીહ છે, તે અમુક પસંદ કરાએલા ભક્તો સાથે સ્વર્ગમાં રહીને ધરતી પર જલદી જ રાજ કરશે. એ લોકોની સરકાર હજાર વર્ષ સુધી રાજ કરશે. એ વર્ષો દરમિયાન ગુજરી ગયેલા લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે. જો તેઓ ઈશ્વરને વિશ્વાસુ રહેશે, તો કાયમી જીવન મેળવશે. વધુમાં, એ રાજ્ય બધાને પૂરી રીતે તંદુરસ્ત બનાવશે. કોઈ પણ વ્યક્તિ માંદગી કે મરણનો ભોગ નહિ બને!—પ્રકટીકરણ ૫:૧૦; ૨૦:૬, ૧૨; ૨૧:૪, ૫ વાંચો. (w12-E 01/01)

વધારે માહિતી માટે આ પુસ્તકના પાન ૨૩-૨૫ અને ૧૯૮-૨૦૧ જુઓ. પવિત્ર બાઇબલ શું શીખવે છે?