સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજમાન્ય યાજકવર્ગથી સર્વ લોકોને લાભ

રાજમાન્ય યાજકવર્ગથી સર્વ લોકોને લાભ

“તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો.”—૧ પીત. ૨:૯.

૧. શા માટે “પ્રભુનું ભોજન,” સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખાય છે? એ શા માટે ઊજવવામાં આવે છે?

 ઈસવીસન ૩૩, નીસાન મહિનાની ૧૪મી તારીખની સાંજ છે. ઈસુ ખ્રિસ્ત અને તેમના ૧૨ પ્રેરિતો છેલ્લી વાર યહુદી પાસ્ખાપર્વ ઊજવે છે. દગાખોર યહુદા ઈસકારીઓતને બહાર મોકલી દીધા પછી, ઈસુ એક નવી ઊજવણીની શરૂઆત કરે છે. એ ઊજવણી પછીથી “પ્રભુનું ભોજન” તરીકે ઓળખાઈ. (૧ કોરીં. ૧૧:૨૦) ઈસુએ બે વાર કહ્યું કે “મારી યાદગીરીને માટે તે કરો.” એટલે આપણે એને સ્મરણપ્રસંગ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં આપણે ઈસુને અને ખાસ તેમના મરણને યાદ કરીએ છીએ. (૧ કોરીં. ૧૧:૨૪, ૨૫) આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ દર વર્ષે આ આજ્ઞા પાળવા માટે સ્મરણપ્રસંગ ઊજવે છે. ૨૦૧૨માં બાઇબલ કૅલેન્ડર પ્રમાણે નીસાન ૧૪ની તારીખ એપ્રિલ ૫, ગુરુવારના રોજ સૂર્ય આથમે ત્યારે શરૂ થાય છે.

૨. ઈસુએ રોટલી અને દ્રાક્ષદારૂ વિષે શું કહ્યું?

એ પ્રસંગે ઈસુએ શું કર્યું હતું અને કહ્યું હતું એ વિષે લુક આમ જણાવે છે: ‘પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, કે આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે; મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે સાંજનું ભોજન કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું, કે આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.’ (લુક ૨૨:૧૯, ૨૦) શું પ્રેરિતો ઈસુના આ શબ્દો સમજી શક્યા?

૩. ઈસુએ પોતાના શરીર અને લોહી વિષે જે કહ્યું એ પ્રેરિતો શા માટે સમજી શક્યા?

યરૂશાલેમના મંદિરમાં યાજકો પ્રાણીઓનાં બલિદાનો ઈશ્વરને ચઢાવતાં. એનાથી પ્રેરિતો સારી રીતે જાણકાર હતા. કેટલાંક અર્પણો ઈશ્વરની કૃપા મેળવવા ચઢાવવામાં આવતાં. ઘણાં બલિદાનો પાપની માફી મેળવવા માટે ચઢાવવામાં આવતાં. (લેવી. ૧:૪; ૨૨:૧૭-૨૯) એટલે ઈસુએ જ્યારે કહ્યું કે તેમનું શરીર અને લોહી ‘તેઓને માટે વહેવડાવવામાં આવશે,’ ત્યારે પ્રેરિતો એ સમજી શક્યા. ઈસુ એવું કહેવા માંગતા હતા કે તે પોતાનું ખામી વગરનું જીવન બલિદાન તરીકે આપી દેશે. તેમના બલિદાનનું મૂલ્ય પ્રાણીઓના બલિદાન કરતાં ઘણું મૂલ્યવાન હતું.

૪. જ્યારે ઈસુએ પ્યાલા વિષે કહ્યું કે એ “મારા લોહીમાંનો નવો કરાર છે,” ત્યારે તે શું કહેવા માંગતા હતા?

જ્યારે ઈસુએ પ્યાલા વિષે કહ્યું કે એ “મારા લોહીમાંનો નવો કરાર છે” ત્યારે, તે શું કહેવા માંગતા હતા? યિર્મેયા ૩૧:૩૧-૩૩ નવા કરાર વિષેની ભવિષ્યવાણી જણાવે છે. (વાંચો.) એનાથી પ્રેરિતો પરિચિત હતા. ઈસુના શબ્દો દર્શાવતા હતા કે તે નવા કરારની શરૂઆત કરે છે. આ નવો કરાર યહોવાએ મુસા દ્વારા ઈસ્રાએલીઓને આપેલા નિયમ કરારની જગ્યા લેશે. શું આ બે કરાર વચ્ચે કોઈ સંબંધ છે?

૫. નિયમ કરાર મળ્યો હોવાથી ઈસ્રાએલીઓ પાસે કેવી તક હતી?

હા, તેઓ વચ્ચે સંબંધ છે. નિયમ કરાર આપતી વખતે યહોવાએ ઈસ્રાએલીઓને કહ્યું હતું કે “જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે; અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.” (નિર્ગ. ૧૯:૫, ૬) ઈસ્રાએલીઓ માટે આ શબ્દોનો શું અર્થ થતો હતો?

રાજમાન્ય યાજકવર્ગ વિષેનું વચન

૬. નિયમ કરારને આધારે કયું વચન પૂરું થઈ શક્યું?

ઈસ્રાએલીઓ સમજી શકતા હતા કે “કરાર”નો શું અર્થ થતો હતો. યહોવાએ તેઓના બાપદાદા નુહ તથા ઈબ્રાહીમ સાથે કરારો કર્યા હતા. (ઉત. ૬:૧૮; ૯:૮-૧૭; ૧૫:૧૮; ૧૭:૧-૯) ઈબ્રાહીમ સાથે કરેલા કરારમાં યહોવાએ વચન આપ્યું હતું: “તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત. ૨૨:૧૮) આ વચનને પૂરું કરવા યહોવાએ નિયમ કરાર આપ્યો હતો. એના આધારે ઈસ્રાએલીઓ “સર્વ લોકોમાંથી” યહોવાનું “ખાસ ધન” બની શકતા. આમ, તેઓ યહોવા માટે “યાજકોનું રાજ્ય” બની શકતા.

૭. “યાજકોનું રાજ્ય” શબ્દોનો શું અર્થ થાય?

રાજાઓ અને યાજકોથી ઈસ્રાએલીઓ પરિચિત હતા. પણ ફક્ત મેલ્ખીસેદેક એવા વ્યક્તિ થઈ ગયા, જે યહોવાની મરજીથી એક જ સમયે રાજા અને યાજક એમ બે ભૂમિકા ભજવતા હતા. (ઉત. ૧૪:૧૮) નિયમ કરારથી ઈસ્રાએલી પ્રજાને “યાજકોનું રાજ્ય” બનવાની તક રહેલી હતી. એ પછીથી શાસ્ત્ર જણાવે છે કે રાજમાન્ય યાજકવર્ગમાં જેઓની પસંદગી થાય, તેઓ રાજાની સાથે સાથે યાજકો પણ ગણાશે.—૧ પીત. ૨:૯.

૮. યાજકોની શું ભૂમિકા હતી?

આપણે જાણીએ છીએ કે રાજા રાજ કરે પણ યાજકો શું કરે? હિબ્રૂ ૫:૧ સમજાવે છે, “દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે.” યાજકો યહોવા દ્વારા પસંદ થતા. તેઓ પાપી લોકો માટે યહોવાની આગળ રજૂ થતા. એ લોકો માટે અર્પણો ચઢાવીને યહોવાને આજીજી કરતા. યાજકોની બીજી પણ ભૂમિકા હતી. તેઓ યહોવા તરફથી લોકોને નિયમો શીખવતા. (લેવી. ૧૦:૮-૧૧; માલા. ૨:૭) આ રીતે લોકોનું ઈશ્વર સાથે સમાધાન યાજકો કરાવતા.

૯. (ક) “યાજકોનું રાજ્ય” બનવાની તક મેળવવા ઈસ્રાએલીઓએ શું કરવાની જરૂર હતી? (ખ) શા માટે યહોવાએ ઈસ્રાએલમાં યાજકો નીમ્યા? (ગ) શા માટે નિયમ કરાર હેઠળ ઈસ્રાએલીઓ “યાજકોનું રાજ્ય” બની શક્યા નહિ?

નિયમ કરાર ઈસ્રાએલીઓને રાજમાન્ય યાજકવર્ગ બનવાની તક આપતો હતો. એ વર્ગથી ‘સર્વ લોકોને’ લાભ થવાનો હતો. જોકે, એ માટે ઈસ્રાએલીઓએ કંઈક કરવાની જરૂર હતી. ઈશ્વરે કહ્યું હતું કે “જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો,” તો યાજકોનું રાજ્ય બનશો. શું તેઓએ એમ કર્યું હતું? હા, પણ પૂરી રીતે નહિ. (રોમ. ૩:૧૯, ૨૦) એટલે જ ઈસ્રાએલમાં યહોવાએ અમુક યાજકોને પસંદ કર્યા હતા. આ યાજકો રાજા તરીકેની સેવા આપતા નહિ, પણ લોકોનાં પાપને માટે બલિદાનો ચઢાવતાં. (લેવી. ૪:૧–૬:૭) યાજકોએ પોતાના પાપ માટે પણ બલિદાન ચઢાવવું પડતું. (હિબ્રૂ ૫:૧-૩; ૮:૩) ખરું કે યહોવા ઈસ્રાએલીઓના બલિદાનો સ્વીકારતાં, પણ તેઓનાં પાપ સંપૂર્ણ રીતે દૂર થતાં નહિ. નિયમ કરાર હતો, તોપણ યાજકો પૂરી રીતે વિશ્વાસુ ઈસ્રાએલીઓનું યહોવા સાથે સમાધાન કરાવી શકતા ન હતા. એ વિષે પ્રેરિત પાઊલે કહ્યું: “ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી.” (હિબ્રૂ ૧૦:૧-૪) ઈસ્રાએલીઓએ પૂર્ણ રીતે નિયમો પાળ્યા નહિ એટલે તેઓ પર શાપ આવી પડ્યો. (ગલા. ૩:૧૦) એના લીધે તેઓ સર્વ લોકો પર રાજમાન્ય યાજકવર્ગ તરીકે સેવા આપી શક્યા નહિ.

૧૦. નિયમ કરારનો હેતુ શું હતો?

૧૦ તો શું યહોવાએ ફક્ત એમ જ વચન આપ્યું હતું કે તેઓ ‘યાજકોના રાજ્યʼનો ભાગ બનશે? ના, એમ ન હતું. જો તેઓએ યહોવાની આજ્ઞા દિલથી માની હોત, તો તેઓ પાસે યાજકોનું રાજ્ય બનવાની તક હતી. પણ એ નિયમ કરાર હેઠળ શક્ય ન હતું. કેમ? (ગલાતી ૩:૧૯-૨૫ વાંચો.) એ સમજવા આપણે જાણવાની જરૂર છે કે નિયમ કરારનો હેતુ શું હતો. નિયમ કરાર વફાદાર ઈસ્રાએલીઓને જૂઠી ભક્તિથી રક્ષણ આપતો. તેમ જ, એ અહેસાસ કરાવતો કે તેઓ પાપી છે અને મુખ્ય યાજક જે બલિદાનો ચઢાવે છે એ કરતાં પણ મોટા બલિદાનની તેઓને જરૂર છે. નિયમ કરાર તેઓ માટે ‘શિક્ષક’ પણ હતો. એ તેઓને ખ્રિસ્ત કે મસીહ, જેનો અર્થ ‘અભિષિક્ત કરાયેલા’ થાય છે, તેમને સ્વીકારવા તૈયાર કરતો હતો. જ્યારે મસીહ આવ્યા ત્યારે યિર્મેયાની ભવિષ્યવાણી પ્રમાણે તેમણે નવા કરારની શરૂઆત કરી. જે લોકોએ ખ્રિસ્તને સ્વીકાર્યા તેઓ નવા કરારના ભાગ બન્યા, તેમ જ ‘યાજકોના રાજ્યʼનો ભાગ બન્યા. ચાલો એ વિષે વધારે જોઈએ.

નવા કરારના સભ્યો રાજમાન્ય યાજકવર્ગનો ભાગ બન્યા

૧૧. કઈ રીતે ઈસુ યાજકોના રાજ્યનો પાયો બન્યા?

૧૧ ઈ.સ. ૨૯માં ઈસુ જે નાઝારેથના હતા, તે મસીહ બન્યા. યહોવાની ઇચ્છા પૂરી કરવા આશરે ૩૦ વર્ષની ઉંમરે ઈસુએ સમર્પણ કર્યું. પછી એની સાબિતી તેમણે પાણીનું બાપ્તિસ્મા લઈને આપી. યહોવાએ ત્યારે કહ્યું: “આ મારો વહાલો દીકરો છે.” તેમણે ઈસુને કોઈ તેલથી નહિ પણ પોતાની પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા. (માથ. ૩:૧૩-૧૭; પ્રે.કૃ. ૧૦:૩૮) ઈસુને પ્રમુખ યાજક અને ભાવિ રાજા માટે અભિષિક્ત કર્યા, જેથી તેમનામાં વિશ્વાસ મૂકનારને આશીર્વાદ મળે. (હિબ્રૂ ૧:૮, ૯; ૫:૫, ૬) આમ ઈસુ ‘યાજકોના રાજ્યʼનો પાયો બન્યા.

૧૨. ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું?

૧૨ પ્રમુખ યાજક તરીકે ઈસુ કેવા પ્રકારનું બલિદાન ચઢાવે, જેથી તેમનામાં વિશ્વાસ કરનારના પાપ સદા માટે માફ થઈ શકે? સ્મરણપ્રસંગની શરૂઆત કરતી વખતે, ઈસુએ જે કહ્યું હતું એમાંથી આપણને જવાબ મળે છે. તે બલિદાન તરીકે પોતાનું સંપૂર્ણ માનવીય જીવન આપવાના હતા. (હિબ્રૂ ૯:૧૧, ૧૨ વાંચો.) ધરતી પરના જીવનમાંથી ઈસુને ઘણું શીખવા મળ્યું. પ્રમુખ યાજક તરીકે અભિષિક્ત થયા પછી તેમણે મરતા સુધી કસોટીઓ સહન કરી. (હિબ્રૂ ૪:૧૫; ૫:૭-૧૦) મરણ પછી તે સજીવન થયા અને સ્વર્ગમાં ગયા, ત્યાં તેમણે પોતાના બલિદાનની કિંમત યહોવા આગળ રજૂ કરી. (હિબ્રૂ ૯:૨૪) તેમના બલિદાનમાં વિશ્વાસ કરનારાઓ માટે તે યહોવા આગળ આજીજી કરે છે. તેમ જ, ઈસુ એ વિશ્વાસુ ભક્તોને કાયમ જીવતા રહેવાની આશા સાથે ભક્તિ કરવા મદદ કરે છે. (હિબ્રૂ ૭:૨૫) તેમના બલિદાનથી નવા કરારનો હેતુ પૂરો થયો.—હિબ્રૂ ૮:૬; ૯:૧૫.

૧૩. નવા કરારનો ભાગ બનનાર લોકોનું આગળ શું થવાનું હતું?

૧૩ જેઓ નવા કરારનો ભાગ બન્યા તેઓ પણ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયા. (૨ કોરીં. ૧:૨૧) એમાં વિશ્વાસુ યહુદીઓ અને બીજી પ્રજાઓમાંથી બનેલા ખ્રિસ્તીઓ હતા. (એફે. ૩:૫, ૬) નવા કરારનો ભાગ બનનાર લોકોનું આગળ શું થવાનું હતું? તેઓનાં પાપ સંપૂર્ણ રીતે માફ થવાનાં હતાં. યહોવાએ વચન આપ્યું હતું કે “હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.” (યિર્મે. ૩૧:૩૪) તેઓના પાપ માફ થયા હોવાથી તેઓ “યાજકોનું રાજ્ય” બની શક્યા. પીતરે અભિષિક્ત ખ્રિસ્તીઓને કહ્યું: “તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્‍ગુણો તમે પ્રગટ કરો.” (૧ પીત. ૨:૯) નિયમ કરાર આપ્યો ત્યારે યહોવાએ જે શબ્દો કહ્યા હતા, એ જ શબ્દો પીતરે નવા કરારમાં અભિષિક્તોને લાગુ પાડ્યા.—નિર્ગ. ૧૯:૫, ૬.

રાજમાન્ય યાજકવર્ગ લોકો માટે આશીર્વાદો લાવશે

૧૪. રાજમાન્ય યાજકવર્ગ ક્યાંથી સેવા આપશે?

૧૪ જેઓ નવા કરારનો ભાગ છે તેઓ કઈ જગ્યાએથી સેવા આપે છે? પહેલા તો પૃથ્વી પરથી એક સમૂહ તરીકે તેઓ યાજકવર્ગ તરીકે સેવા આપે છે. તેઓ યહોવાને રજૂ કરે છે અને લોકોને તેમના ‘સદ્‍ગુણો પ્રગટ’ કરે છે. તેમ જ લોકોને માર્ગદર્શન આપીને ભક્તિની ભૂખ દૂર કરે છે. (માથ. ૨૪:૪૫; ૧ પીત. ૨:૪, ૫) તેઓ મરણ પામીને સજીવન થયા પછી ઈસુ સાથે સ્વર્ગમાં રાજા અને યાજક તરીકે સેવા આપશે. (લુક ૨૨:૨૯; ૧ પીત. ૧:૩-૫; પ્રકટી. ૧:૬) પ્રેરિત યોહાને એક સંદર્શનમાં જોયું કે સ્વર્ગમાં ઘણા સ્વર્ગદૂતો યહોવાના રાજ્યાસનની આસપાસ છે. તેઓ “હલવાન” માટે “નવું કીર્તન ગાતાં” હતા. તેઓએ ગાયું કે “તેં તારા રક્તથી ઈશ્વરને માટે સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે; અને અમારા ઈશ્વરને માટે તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.” (પ્રકટી. ૫:૮-૧૦) બીજા એક સંદર્શનમાં યોહાને આ રાજાઓ વિષે કહ્યું: “તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તના યાજક થશે, અને તેની સાથે હજાર વર્ષ રાજ કરશે.” (પ્રકટી. ૨૦:૬) આ રાજાઓ ઈસુ ખ્રિસ્ત સાથે ભેગા મળીને રાજમાન્ય યાજકવર્ગ બને છે, તેઓથી આખી માણસજાતને લાભ થાય છે.

૧૫, ૧૬. રાજમાન્ય યાજકવર્ગ દ્વારા કઈ રીતે બધા લોકોને લાભ થશે?

૧૫ પૃથ્વી પરના લોકોને ૧,૪૪,૦૦૦ દ્વારા કેવા આશીર્વાદો મળશે? પ્રકટીકરણનો ૨૧મો અધ્યાય આ યાજકોને સ્વર્ગીય શહેર સાથે સરખાવે છે. એ નવું યરૂશાલેમ “હલવાનની વહુ” તરીકે ઓળખાય છે. (પ્રકટી. ૨૧:૯) કલમ ૨-૪ જણાવે છે: “મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી આકાશમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને માટે શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી, કે જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે, ઈશ્વર તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” કેટલા ભવ્ય આશીર્વાદો! ત્યારે મરણ નહિ હોય, એટલે દુઃખી થવાનું કોઈ કારણ પણ નહિ હોય. માણસોમાં તન-મનની કોઈ જ ખરાબી નહિ હોય. ફરીથી તેઓ ઈશ્વર સાથે સમાધાન કરી શકશે.

૧૬ પ્રકટીકરણ ૨૨:૧, ૨ હજી વધારે જણાવે છે કે આ રાજમાન્ય યાજકવર્ગ કેવા આશીર્વાદો લાવશે. ત્યાં જણાવ્યું છે: “તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્યે દેખાડી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તેને નવીન ફળ આવતાં હતાં; વળી તે ઝાડનાં પાંદડાં સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતાં.” આ સંદર્શન આપણને બતાવે છે “સર્વ પ્રજાઓ” કે મનુષ્યો સંપૂર્ણ રીતે સાજા થશે. આદમ તરફથી મળેલી તન-મનની ખામી-ખરાબી દૂર થઈ જશે. સાચે જ, પ્રથમની વાતો જતી રહેશે!

રાજમાન્ય યાજકવર્ગ પોતાનું કામ પૂરું કરે છે

૧૭. હજાર વર્ષના અંતે રાજમાન્ય યાજકવર્ગે શું પૂરું કર્યું હશે?

૧૭ હજાર વર્ષના અંત સુધીમાં આ રાજમાન્ય યાજકવર્ગે મનુષ્યોને સંપૂર્ણતા સુધી પહોંચાડી દીધા હશે. રાજા અને પ્રમુખ યાજક ઈસુ, ત્યાર બાદ સંપૂર્ણ બનેલા મનુષ્યોને યહોવા આગળ રજૂ કરશે. (૧ કોરીંથી ૧૫:૨૨-૨૬ વાંચો.) ત્યારે આ રાજમાન્ય યાજકવર્ગનો હેતુ પૂરો થશે.

૧૮. રાજમાન્ય યાજકવર્ગ પોતાનું કામ પૂરું કરશે એ પછી યહોવા તેઓનો કઈ રીતે ઉપયોગ કરશે?

૧૮ એ પછી યહોવા કઈ રીતે રાજમાન્ય યાજકવર્ગનો ઉપયોગ કરશે? પ્રકટીકરણ ૨૨:૫ જણાવે છે કે “તેઓ સદાસર્વકાળ રાજ કરશે.” પણ કોના પર રાજ કરશે એ બાઇબલ જણાવતું નથી. યહોવાની નજરમાં તેઓનું મૂલ્ય કદી ઓછું થવાનું નથી, કેમ કે તેઓ પાસે અમર અને અવિનાશી જીવન હશે. તેમ જ, અપૂર્ણ મનુષ્યોને મદદ કરવાનો અનુભવ પણ હશે. એટલે યહોવા પોતાનો હેતુ પૂરો કરવા માટે તેઓનો રાજાઓ તરીકે ઉપયોગ કરતા રહેશે.

૧૯. સ્મરણપ્રસંગમાં જેઓ હાજરી આપશે તેઓને શું યાદ કરાવવામાં આવશે?

૧૯ ગુરુવાર, એપ્રિલ ૫, ૨૦૧૨ના રોજ આપણે ઈસુના મરણનો સ્મરણપ્રસંગ ઊજવીશું. એ પ્રસંગે આપણે બાઇબલનું આ શિક્ષણ ફરીથી યાદ કરીશું. પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો બેખમીર રોટલી અને લાલ દ્રાક્ષદારૂ લઈને બતાવશે કે તેઓ નવા કરારનો ભાગ છે. એમ કરીને પોતાને મળેલા અજોડ લહાવાને તેઓ યાદ કરશે. તેમ જ, ઈશ્વરના કાયમી હેતુમાં તેઓની જવાબદારી પણ યાદ કરશે. યહોવાએ બધા લોકોને લાભ થાય એ માટે આ રાજમાન્ય યાજકવર્ગ નીમ્યો છે. તેથી, આપણે બધા જ્યારે સ્મરણપ્રસંગમાં હાજરી આપીએ ત્યારે આ ગોઠવણની ઊંડી કદર બતાવીએ. (w12-E 01/15)

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૧ પર ચિત્ર]

રાજમાન્ય યાજકવર્ગથી લોકોને કાયમી લાભ થશે