સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય

કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય

કુટુંબમાં બધા સત્યમાં ન હોય તોપણ ખુશ રહી શકાય

‘તું તારા સાથીને તારીશ કે નહિ, એ તું શી રીતે જાણે?’—૧ કોરીં. ૭:૧૬.

આના જવાબ શોધો:

કુટુંબના સભ્યો સત્યમાં ન હોય, તોપણ ઘરમાં શાંતિ જાળવવા સાક્ષી ભાઈ કે બહેન શું કરી શકે?

ઘરના સભ્યોને સત્ય સ્વીકારવા કઈ રીતે મદદ કરી શકાય?

કુટુંબમાંથી એકલા જ સત્યમાં હોય એવા ભાઈ-બહેનોને મદદ કરવા મંડળ શું કરી શકે?

૧. જ્યારે વ્યક્તિ રાજ્યનો સંદેશો સ્વીકારે, ત્યારે તેના કુટુંબ પર કેવી અસર થાય છે?

 એક વાર ઈસુએ ખુશખબર જણાવવા પોતાના પ્રેરિતોને મોકલ્યા. એ વખતે તેમણે કહ્યું કે “તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો, કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ. ૧૦:૧, ૭) જેઓએ ખુશખબર સ્વીકારીને એની કદર બતાવી હતી, તેઓને ખુશી અને શાંતિ મળી. ઈસુએ પોતાના પ્રેરિતોને એમ પણ જણાવ્યું કે ઘણા લોકો યહોવાના રાજ્યની ખુશખબરનો વિરોધ કરશે. (માથ. ૧૦:૧૬-૨૩) ખાસ કરીને જ્યારે કુટુંબમાંથી વિરોધ થાય, ત્યારે એ સહેવો બહુ મુશ્કેલ હોય છે.—માત્થી ૧૦:૩૪-૩૬ વાંચો.

૨. કુટુંબમાંથી બધા જ સત્યમાં ન હોય, તોપણ કેવી રીતે ખુશ રહી શકીએ?

ઈસુને પગલે ચાલનારા કેટલાક ભક્તો એવા કુટુંબમાં રહે છે, જેમાં બધા જ યહોવામાં માનતા નથી. પણ શું એનો એવો અર્થ કે તેઓ કુટુંબમાં ખુશીથી ન રહી શકે? ચોક્કસ રહી શકે! ખરું કે અમુક વખતે કુટુંબમાંથી સખત વિરોધ થાય છે, પણ બધા કિસ્સામાં એવો ભારે વિરોધ થતો નથી. એવું બને કે કુટુંબ તરફથી વિરોધ સદા ચાલે નહિ. કુટુંબમાં ગમે તે સંજોગો હોય છતાં, વિરોધ કરનારા સભ્યો સાથે યોગ્ય રીતે વર્તીશું તો ખુશ રહીશું. ભલે તેઓ સત્યમાં જરાય રસ ન બતાવે, તોપણ આપણે ખુશ રહી શકીએ. જેઓ યહોવાને વળગી રહે છે, તેઓને તે આશીર્વાદ આપે છે. મુશ્કેલ સંજોગોમાં પણ ખુશ રહેવા તે મદદ કરે છે. ખુશખબર સ્વીકારનાર કઈ રીતે પોતાની ખુશીમાં વધારો કરી શકે? (૧) કુટુંબમાં શાંતિનો ગુણ કેળવવા સખત પ્રયત્ન કરીને. (૨) ખુશખબરનો વિરોધ કરનારને એનો સ્વીકાર કરવા માટે દિલથી પ્રયત્ન કરીને.

ઘરમાં શાંતિ જાળવવા પ્રયાસ કરો

૩. સાક્ષી ભાઈ કે બહેને શા માટે કુટુંબમાં શાંતિ જાળવવા સખત પ્રયત્નો કરવા જોઈએ?

જો ઘરમાં શાંતિ હશે તો, કુટુંબના બાકીના સભ્યોને સત્ય સ્વીકારવા મદદ મળશે. (યાકૂબ ૩:૧૮ વાંચો.) ભલે આખું કુટુંબ યહોવાની ભક્તિ કરતું ન હોય, છતાં સાક્ષી ભાઈ કે બહેને કુટુંબમાં શાંતિ જાળવવા સખત પ્રયાસો કરવા જોઈએ. તે કઈ રીતે એમ કરી શકે?

૪. આપણે કઈ રીતે મનની શાંતિ જાળવી રાખી શકીએ?

આપણે મનની શાંતિ જાળવી રાખવી જોઈએ. એટલે, “ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે,” એને મેળવવા દિલથી પ્રાર્થના કરીએ. (ફિલિ. ૪:૬, ૭) યહોવાનું જ્ઞાન લેવાથી અને બાઇબલના સિદ્ધાંતો જીવનમાં ઉતારવાથી પણ ખુશી અને શાંતિ મળે છે. (યશા. ૫૪:૧૩) એ માટે નિયમિત રીતે મંડળની સભાઓમાં ભાગ લઈએ અને ઉત્સાહથી પ્રચાર કરીએ. કુટુંબમાં કોઈ વિરોધ કરતું હોય, તોપણ એવી મહત્ત્વની બાબતોમાં ભાગ લેવો શક્ય છે. એ માટે એન્સા બહેનનો * વિચાર કરો. તેમના પતિ સખત વિરોધ કરતા હતા, તોપણ બહેન ઘરનું બધું કામકાજ પતાવ્યા પછી, લોકોને ખુશખબર જણાવવા જતાં. તે કહે છે, “હું ઘણાં પ્રયત્નો કરીને સંદેશો જણાવવા જઉં છું, ત્યારે મને સારાં પરિણામો મળ્યાં છે. સાચે જ, યહોવા મને ઘણા આશીર્વાદો આપે છે.” આવા આશીર્વાદોથી તેમને મનની શાંતિ, સંતોષ અને ખુશી મળ્યાં છે.

૫. જેઓનું કુટુંબ સત્યમાં નથી તેઓને કેવી તકલીફનો સામનો કરવો પડે છે? તેઓને ક્યાંથી મદદ મળી શકે?

સત્યમાં ન હોય એવા કુટુંબના સભ્યો સાથે શાંતિ જાળવી રાખવા આપણે સખત પ્રયત્નો કરવા જોઈએ. જોકે એ કંઈ સહેલું નથી, કેમ કે કોઈ વાર તેઓ એવું કંઈક કરવા કહે, જે બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય. આપણે બાઇબલના સિદ્ધાંતોને વળગી રહીએ, તો કદાચ તેઓને એ ન ગમે. તોપણ, જે ખરું છે, એ કરતા રહેવું જોઈએ. એમ કરવાથી સમય જતા કુટુંબમાં શાંતિ જળવાઈ રહેશે. પરંતુ, બાઇબલનો સિદ્ધાંત તૂટતો ન હોય ત્યારે કુટુંબને સાથ આપીએ. એમ કરવાથી આપણે સંબંધોમાં તીરાડ પડતા અટકાવીશું. (નીતિવચનો ૧૬:૭ વાંચો.) જ્યારે કોઈ તકલીફ ઊભી થાય, ત્યારે મહત્ત્વનું છે કે આપણે બાઇબલની સલાહ લઈએ. એ સલાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ દ્વારા મળતા સાહિત્યમાંથી અને વડીલો પાસેથી મળે છે.—નીતિ. ૧૧:૧૪.

૬, ૭. (ક) સાક્ષીઓ સાથે અભ્યાસ કરતી વ્યક્તિનો અમુક કુટુંબીજનો કેમ વિરોધ કરે છે? (ખ) કુટુંબ વિરોધ કરે તો યહોવાના ભક્તે કેવી રીતે વર્તવું જોઈએ?

કુટુંબમાં શાંતિ જાળવી રાખવા યહોવા પર પૂરો ભરોસો રાખવો જરૂરી છે. કુટુંબના સભ્યોની લાગણી પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. (નીતિ. ૧૬:૨૦) જેઓએ હમણાં જ બાઇબલ શીખવાનું શરૂ કર્યું છે, તેઓ પણ એમ કરી શકે. કેટલાક કિસ્સાઓમાં બાઇબલનો અભ્યાસ કરતી વ્યક્તિના જીવનસાથી કદાચ વિરોધ ન કરે. અરે, તેઓ એ પણ કબૂલે કે એનાથી કુટુંબને લાભ થાય છે. જ્યારે કે બીજાઓ સખત વિરોધ કરે. એસ્તર હવે યહોવાની સાક્ષી છે. તે સ્વીકારે છે કે પોતાના પતિએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો ત્યારે તે ઘણી ગુસ્સે થઈ હતી. તે કહે છે, “તેમનું સાહિત્ય હું ફેંકી દેતી અથવા બાળી નાખતી.” હવે હાવર્ડ ભાઈનો વિચાર કરો. તેમની પત્ની બાઇબલ શીખવા લાગી ત્યારે એનો વિરોધ કરતા. તે કહે છે, “ઘણા પતિને ચિંતા થાય છે કે તેઓની પત્નીને કોઈ ધાર્મિક પંથમાં જોડાવા છેતરવામાં આવે છે. પતિને લાગે છે કે પત્ની જોખમમાં છે. એટલે, પતિ કદાચ ગુસ્સાથી વર્તે છે.”

આપણે બાઇબલ વિદ્યાર્થીને સમજાવવું જોઈએ કે તેના સાથીના વિરોધને લીધે અભ્યાસ બંધ ન કરે. વિરોધ કરનાર સાથી જોડે, તે નમ્રતા અને માનથી વર્તશે, તો સંજોગો સુધારી શકશે. (૧ પીત. ૩:૧૫) હાવર્ડ ભાઈ કહે છે, “મારી પત્નીનો હું આભાર માનું છું કે તે શાંત રહી અને તકલીફો વધારી નહિ.” તેમની પત્ની કહે છે, “હાવર્ડ ચાહતા હતા કે હું બાઇબલ અભ્યાસ બંધ કરું દઉં. તેમણે કહ્યું કે મારું મગજ ભમાવી દેવામાં આવ્યું છે. પણ ઝગડા કરવાને બદલે, મેં કહ્યું કે તેમનું કહેવું ખરું હોય શકે. પણ હું એમાં કંઈ ખોટું જોઈ શકતી નથી. એટલે, જેનો અભ્યાસ હું કરતી હતી, એ પુસ્તક મેં તેમને વાંચવા આપ્યું. વાંચ્યા પછી એમાં તેમને કંઈ ખોટું લાગ્યું નહિ. એની તેમના પર ઊંડી અસર પણ થઈ.” જ્યારે વ્યક્તિ એકલી સભા કે પ્રચારમાં જાય, ત્યારે તેના સાથીને એકલું લાગી શકે. અથવા તે એવું વિચારે કે મારું લગ્‍ન જોખમમાં છે. પરંતુ, સાથીને પ્રેમથી સમજાવવામાં આવે કે એવું કશું નથી, તો તેમની એવી લાગણીઓ શાંત પડશે.

યહોવાને ભજવા તેઓને મદદ કરો

૮. જેઓના જીવનસાથી સત્યમાં નથી એવા ખ્રિસ્તીઓને પાઊલે કઈ સલાહ આપી?

પ્રેરિત પાઊલે ખ્રિસ્તીઓને સલાહ આપી: જો તેઓના જીવનસાથી યહોવાને ભજતા ન હોય તો, ફક્ત એ કારણને લીધે છૂટા પડવું ન જોઈએ. * (૧ કોરીંથી ૭:૧૨-૧૬ વાંચો.) બની શકે એક દિવસે તમારા જીવનસાથી યહોવાને ભજવા લાગે. આ શક્યતા ધ્યાનમાં રાખવાથી તમે પોતાનો આનંદ જાળવી રાખી શકશો. ખરું કે તમે સમય સમયે જીવનસાથીને સત્યનો સંદેશો જણાવતા હશો. જોકે, એમ કરો ત્યારે થોડી સાવધાની રાખવી જોઈએ. એ વિષે જાણવા નીચેના દાખલાઓનો વિચાર કરો.

૯. વ્યક્તિ પોતાના કુટુંબને સત્ય જણાવે ત્યારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

જેસન ભાઈએ સત્ય શીખવાનું શરૂ કર્યું, ત્યારે કેવું અનુભવ્યું એ વિષે તે જણાવે છે: ‘હું દરેકને સત્ય વિષે જણાવવા ચાહતો.’ વ્યક્તિને જ્યારે અહેસાસ થાય છે કે બાઇબલમાંથી તે જે શીખે છે એ સત્ય છે, ત્યારે ચૂપ રહી શકતી નથી. હર સમયે તે લોકોને સત્ય વિષે જણાવવા ચાહે છે. પોતાનું કુટુંબ પણ તરત સત્ય સ્વીકારે, એવું તે ચાહે છે. જોકે, કુટુંબમાં બધા સત્યનો સ્વીકાર ન પણ કરે. ફરીથી જેસન ભાઈનો વિચાર કરીએ. સત્ય જણાવવા માટે તે ખૂબ જ ઉત્સાહી હતા. એ વિષે તેમની પત્નીને કેવું લાગ્યું? તેમની પત્ની જણાવે છે કે ‘ત્યારે મને થતું કે આમનું મોઢું ક્યારે બંધ થશે?’ બીજા એક દાખલો લઈએ. એક ભાઈ સત્યમાં આવ્યા એના ૧૮ વર્ષ પછી તેમની પત્નીએ સત્ય સ્વીકાર્યું. તે ભાઈ કહે છે: ‘મારી પત્નીને કોઈ ધીરે ધીરે સત્ય શીખવે એની જરૂર હતી.’ કદાચ હાલમાં તમે એવી વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ કરતા હશો જેમના જીવનસાથી સત્ય સ્વીકારવા ચાહતા નથી. એ કિસ્સામાં અભ્યાસ કરનારને શીખવી શકો કે સાથીને કેવી રીતે નમ્રતાથી સત્ય સમજાવી શકાય. એ માટે વિદ્યાર્થીને દૃશ્ય દ્વારા મદદ કરી શકાય. મુસાએ કહ્યું હતું: ‘મારો બોધ વરસાદની જેમ ટપકશે; મારી વાતો ઝાકળની જેમ ઝરશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસતા વરસાદની જેમ તે પડશે.’ (પુન. ૩૨:૨) સત્યની વાતોનો ધોધ વરસાવવાને બદલે, યોગ્ય રીતે અને યોગ્ય સમયે પાડેલાં સત્યના ટીપાં ઘણાં અસરકારક બની શકે.

૧૦-૧૨. (ક) જેઓના જીવનસાથી યહોવાના ભક્ત નથી, એવા ભાઈ-બહેનોને પ્રેરિત પીતરે કેવી સલાહ આપી? (ખ) બાઇબલમાંથી શીખતાં એક બહેન, ૧ પીતર ૩:૧, ૨ની સલાહ લાગુ પાડતાં કઈ રીતે શીખી?

૧૦ જેઓના પતિ સત્યમાં નથી એવી બહેનોને પ્રેરિત પીતરે ઈશ્વર પ્રેરણાથી આ સલાહ આપી હતી: “સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.” (૧ પીત. ૩:૧, ૨) પતિ કઠોરતાથી વર્તતા હોય તોપણ, પત્નીએ તેમને આધીન રહેવું જોઈએ અને ઊંડું માન આપવું જોઈએ. એમ કરશે તો સમય જતાં કદાચ પતિ પણ યહોવાની ભક્તિ કરવા લાગે. જો પત્ની સત્યમાં ન હોય તો પતિએ પણ પ્રેમથી વર્તવું જોઈએ, પછી ભલેને પત્ની વિરોધ કરતી હોય. પતિએ પ્રેમાળ શિર તરીકે કુટુંબની જવાબદારી સરસ રીતે અદા કરવી જોઈએ.—૧ પીત. ૩:૭-૯.

૧૧ આપણા સમયના ઘણા અનુભવો બતાવે છે કે પીતરની સલાહ લાગુ પાડવાથી સારાં પરિણામો આવ્યાં છે. સલમા બહેનનો વિચાર કરો. તેમણે સાક્ષીઓ સાથે બાઇબલ શીખવાનું શરૂ કર્યું ત્યારે, તેમના પતિ સ્ટીવને ગમ્યું નહિ. સ્ટીવ ભાઈ એ યાદ કરતા કહે છે, ‘એ વખતે મને બહુ ગુસ્સો આવતો. અદેખાઈ પણ થતી. હું મારી પત્ની પર વધારે હક્ક જમાવવા લાગ્યો. મને એમ હતું કે તે હવે મારું ધ્યાન નહિ રાખે.’ સલમા બહેન કહે છે: ‘મને સત્ય મળ્યું એ પહેલાં પણ સ્ટીવ સાથે રહેવું સહેલું ન હતું. મારે કંઈ કહેતા કે કંઈ કરતા બહુ કાળજી રાખવી પડતી. સ્ટીવ વાત વાતમાં ગુસ્સે થઈ જતા. હું બાઇબલમાંથી શીખવા લાગી ત્યાર પછી તો તેમનું વર્તન વધારે બગડી ગયું.’ આવી હાલતમાં સલમા બહેનને ક્યાંથી મદદ મળી?

૧૨ અભ્યાસ લેનાર બહેને સલમાને બાઇબલમાંથી સારી સલાહ આપી હતી, એ યાદ કરતા સલમા બહેન જણાવે છે: “એક દિવસે મને બાઇબલનો અભ્યાસ કરવાનું જરાય મન ન હતું. કેમ કે આગલી રાતે મારા પતિએ મને માર્યું હતું. હું બહુ દુઃખી હતી અને મને પોતા પર દયા આવતી હતી. મેં બહેનને એ બનાવ વિષે જણાવ્યું અને એ પણ કહ્યું કે હું કેવું અનુભવું છું. બહેને મને ૧ કોરીંથી ૧૩:૪-૭ વાંચવા કહ્યું. એ વાંચ્યા પછી મેં તેમને કહ્યું કે ‘સ્ટીવ કદી મારી સાથે સારી રીતે વર્ત્યા નથી.’ પરંતુ, બહેને મને બીજી રીતે વિચારવા ઉત્તેજન આપ્યું અને પૂછ્યું કે ‘સલમા, હવે તું એ વિચાર કર કે શું તું તારા પતિ સાથે સારી રીતે વર્તી છે?’ મેં કહ્યું કે ‘ના, તેની સાથે રહેવું બહુ અઘરું છે.’ પછી, બહેને પ્રેમથી મને સમજાવ્યું કે ‘સલમા, આવા સંજોગોમાં કોણે ઈસુના જેવા ગુણો બતાવવા જોઈએ? તારે કે તારા પતિ સ્ટીવે?’ હું તરત જોઈ શકી કે મારે પોતે વાણી-વર્તનમાં સુધારો કરવાની જરૂર છે. પછી, મેં યહોવાને મદદ માટે પ્રાર્થના કરી, જેથી હું સ્ટીવ સાથે પ્રેમની વર્તી શકું. ધીમે ધીમે મારા ને સ્ટીવના સંબંધો સુધરતા ગયા. સત્તર વર્ષ પછી સ્ટીવે પણ સત્યનો સ્વીકાર કર્યો.”

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

૧૩, ૧૪. કુટુંબમાંથી એકલા જ સત્યમાં હોય એવા ભાઈ-બહેનોને મદદ કરવા મંડળ શું કરી શકે?

૧૩ જેમ વરસાદના ટીપાં જમીનને ભીંજવે છે અને છોડને વધવા મદદ કરે છે, એવી જ રીતે મંડળના ભાઈ-બહેનો પણ મદદ કરી શકે. તેઓની મદદથી સત્યમાં એકલી હોય એવી વ્યક્તિને જીવનમાં ખુશી મળી શકે છે. બ્રાઝિલમાં રહેતા એલવિના બહેન કહે છે: ‘ભાઈ-બહેનોના પ્રેમને લીધે જ મને સત્યમાં મક્કમ રહેવા મદદ મળી છે.’

૧૪ સત્યમાં નથી એવા કુટુંબના સભ્યોને મદદ કરવા મંડળના ભાઈ-બહેનો મહત્ત્વનો ભાગ ભજવી શકે. ભાઈ-બહેનો નમ્રતા બતાવીને અને વ્યક્તિમાં રસ લઈને, તેઓના દિલને અસર કરી શકે છે. નાઇજીરિયામાં રહેતાં એક બહેનના પતિએ ૧૩ વર્ષ પછી સત્ય સ્વીકાર્યું. સત્યમાં આવ્યા પહેલાંના એક બનાવ વિષે તે જણાવે છે, ‘એક વાર હું એક સાક્ષી ભાઈ સાથે મુસાફરી કરી રહ્યો હતો. રસ્તામાં તેમની ગાડી બગડી ગઈ. પછી, નજીકના ગામમાં અમે સાક્ષીઓના ઘર શોધવા લાગ્યા. એક કુટુંબે અમને રાત રોકાવા જગ્યા આપી. તેઓએ અમારી એટલી સારી કાળજી લીધી, જાણે વર્ષોથી ઓળખતા હોય. તરત જ હું સમજી ગયો કે આ જ સાચા ખ્રિસ્તીઓ છે. તેઓએ અમને જે પ્રેમ બતાવ્યો એ વિષે મારી પત્ની હંમેશા વાત કરતી.’ ઇંગ્લેન્ડમાં રહેતા એક ભાઈની પત્ની ૧૮ વર્ષ પછી સત્યમાં આવી. એ બહેન કહે છે, ‘સાક્ષીઓ જ્યારે અમને જમવા બોલાવતા, ત્યારે હંમેશા મને તેઓના હુંફ અને પ્રેમનો અહેસાસ થતો.’ * એ જ દેશમાં રહેતા એક પતિએ પણ સમય જતાં સત્ય સ્વીકાર્યું. તે કહે છે, ‘ઘણાં ભાઈ-બહેનો અમારા ઘરે આવતાં અથવા તેઓના ઘરે અમને બોલાવતા. હું જોઈ શકતો કે તેઓને ખરેખર અમારી ચિંતા છે. ખાસ તો જ્યારે હું દવાખાનામાં હતો, ત્યારે એ સાફ જોઈ શક્યો. એ વખતે ઘણા ભાઈ-બહેનો મને મળવા આવ્યા હતા.’ આપણા ભાઈ કે બહેનના કુટુંબમાંથી જેઓ સત્યમાં નથી તેઓમાં શું તમે રસ બતાવી શકો?

૧૫, ૧૬. કુટુંબનું સભ્ય સત્ય ન સ્વીકારે, તોપણ ભાઈ કે બહેન કેવી રીતે આનંદ જાળવી રાખી શકે?

૧૫ જોકે, સત્યમાં ન માનતા બધા જ પતિ, પત્ની, બાળકો કે સગાં-વહાલા સત્ય સ્વીકારશે નહિ. પછી, ભલે સત્યમાં માનનાર વ્યક્તિ ઘણાં વર્ષો વિશ્વાસુ રહીને સારું વલણ બતાવતી હોય. તેમ જ, સમજી-વિચારીને તેઓને સાક્ષી આપતી હોય. અમુક લોકો બદલાશે નહિ અથવા વિરોધ કરવાનું ચાલુ રાખશે. (માથ. ૧૦:૩૫-૩૭) જ્યારે આપણે ખ્રિસ્તી ગુણો બતાવીએ છીએ, ત્યારે એના બહુ સારા પરિણામો આવે છે. અગાઉ સત્યમાં માનતા ન હતા એવા એક પતિ કહે છે: ‘તમે જ્યારે સારા ગુણો બતાવો છો, ત્યારે તમારા સાથી પર એની કેવી અસર પડશે એ તમે જાણતા નથી. એટલે, તેમને મદદ કરવાના તમારા પ્રયત્નો ચાલુ રાખો.’

૧૬ ભલે તમારા કુટુંબનું કોઈ સભ્ય સત્ય ન સ્વીકારે, તોપણ તમારા માટે ખુશીથી જીવવું શક્ય છે. એક બહેને છેલ્લા ૨૧ વર્ષથી ઘણાં પ્રયત્નો કર્યાં છે, છતાં તેમના પતિએ સત્ય સ્વીકાર્યું નથી. બહેન કહે છે, ‘સત્યમાં મારો આનંદ જળવાઈ રહ્યો છે. કેમ કે, હું સદા યહોવાને ખુશી પહોંચાડવા અને વફાદાર રહેવા ચાહું છું. ભક્તિમાં મક્કમ થવા મેં ઘણાં પ્રયત્નો કર્યાં. હું ભક્તિને લગતી બાબતોમાં વ્યસ્ત રહી. જેમ કે, વ્યક્તિગત અભ્યાસ, સભાઓમાં અને પ્રચારમાં નિયમિત રીતે જવું અને મંડળમાં બીજાઓને મદદ કરવી. આમ, કરવાથી હું યહોવાની વધારે નજીક ગઈ છું. તેમ જ, મારો ઉત્સાહ પણ જાળવી રાખ્યો છે.’—નીતિ. ૪:૨૩.

હાર ન માનતા!

૧૭, ૧૮. કુટુંબનું કોઈ સભ્ય સત્યમાં ન માનતું હોય, તોપણ ભાઈ કે બહેન કેમ આશા રાખી શકે?

૧૭ જો તમારા કુટુંબમાં કોઈ વ્યક્તિએ હજી સત્ય ન સ્વીકાર્યું હોય, તો હાર ન માનતા. હંમેશા યાદ રાખો કે ‘યહોવા પોતાના લોકને તજી દેશે નહિ.’ (૧ શમૂ. ૧૨:૨૨) જ્યાં સુધી તમે યહોવાને વળગી રહેશો, ત્યાં સુધી તે તમારી સાથે જ છે. (૨ કાળવૃત્તાંત ૧૫:૨ વાંચો.) તેથી, “યહોવામાં આનંદ” માણો અને ‘તમારા માર્ગો તેમને સોંપો, તેમના પર ભરોસો રાખો.’ (ગીત. ૩૭:૪, ૫) “પ્રાર્થનામાં લાગુ રહો” અને આપણા પ્રેમાળ પિતા યહોવામાં વિશ્વાસ રાખો. તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવા તમને મદદ કરશે.—રોમ. ૧૨:૧૨.

૧૮ તમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે, એ માટે યહોવા પાસે શક્તિ માંગો. (હિબ્રૂ ૧૨:૧૪) જો ઘરમાં શાંતિ હશે તો સત્યમાં ન માનતા તમારા સાથીના દિલ પર સારી અસર પડશે. તમે ‘જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.’ એમ કરશો તો તમે પણ મનની શાંતિ અને આનંદ અનુભવશો. (૧ કોરીં. ૧૦:૩૧) તમે આવા પ્રયત્નો કરો ત્યારે ખાતરી રાખી શકો કે મંડળના ભાઈ-બહેનો તમને દિલથી પ્રેમ કરે છે અને સાથ આપે છે. (w12-E 02/15)

[ફુટનોટ્‌સ]

^ નામ બદલ્યાં છે.

^ જોકે, પાઊલની સલાહ અમુક ખાસ સંજોગોમાં લગ્‍નસાથીઓને અલગ થવા મનાઈ કરતી નથી. પરંતુ, એ નિર્ણય વધારે ગંભીર અને વ્યક્તિગત છે. એ વિષય પર વધુ માહિતી મેળવવા, ઈશ્વરના પ્રેમની છાયામાં રહો, પુસ્તકના પાન ૨૫૧-૨૫૩ જુઓ.

^ સત્યમાં માનતી ન હોય એવી વ્યક્તિ સાથે ભોજન કરવાની બાઇબલ મના કરતું નથી.—૧ કોરીં. ૧૦:૨૭.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૦ પર ચિત્ર]

તમારી માન્યતા વિષે જણાવવા યોગ્ય સમય પસંદ કરો

[પાન ૩૧ પર ચિત્ર]

સત્યમાં ન માનતા જીવનસાથીમાં રસ લો