સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બધા જ “ખ્રિસ્તીઓ” સાચા ખ્રિસ્તીઓ છે?

શું બધા જ “ખ્રિસ્તીઓ” સાચા ખ્રિસ્તીઓ છે?

શું બધા જ “ખ્રિસ્તીઓ” સાચા ખ્રિસ્તીઓ છે?

આખી દુનિયામાં કેટલા ખ્રિસ્તીઓ છે? એટલાસ ઓફ ગ્લોબલ ક્રિશ્ચિયાનીટી મુજબ ૨૦૧૦માં આશરે ૨ અબજ ૩૦ કરોડ જેટલા ખ્રિસ્તીઓ હતા. એ જ પુસ્તક જણાવે છે કે દુનિયામાં ૪૧ હજાર કરતાં વધારે ખ્રિસ્તી પંથો છે. દરેક પંથની પોતાની માન્યતા અને રીતરિવાજો છે. એટલે એ સ્વાભાવિક છે કે આટલા બધા પંથો જોઈને કોઈ પણ મૂંઝાઈ જઈ શકે અથવા ધર્મ પરથી તેનો રસ ઊઠી જઈ શકે. તેમ જ, કોઈને પણ સવાલ થાય કે જેઓ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે, તેઓ શું ખરેખર “સાચા ખ્રિસ્તીઓ” છે?

ચાલો આ વિષય પર થોડી ચર્ચા કરીએ. દાખલા તરીકે, એક વ્યક્તિ બીજા કોઈ દેશમાં જાય ત્યારે તેણે એરપોર્ટ પર કોઈ અધિકારીને જણાવવું પડે છે કે તે કયા દેશનો નાગરિક છે. પણ શું એટલું જ પૂરતું છે? ના, તેણે પોતાની ઓળખ વિષે પાસપોર્ટ જેવો કોઈ નક્કર પુરાવો આપવો પડે છે. એવી જ રીતે, કોઈ વ્યક્તિ પોતાને ખ્રિસ્તી કહેવડાવે એટલું જ પૂરતું નથી. તેણે એ માટે પુરાવો આપવો જોઈએ. પરંતુ એ પુરાવો શું હોઈ શકે?

“ખ્રિસ્તી” શબ્દનો પ્રથમ ઉપયોગ ઈસુના ગુજરી ગયા એના આશરે ૧૦ વર્ષ પછી થયો હતો. બાઇબલના એક લેખક લુકે જણાવ્યું કે “શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬) જેઓ ખ્રિસ્તી કહેવાયા તેઓ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હતા. ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવાનો શું અર્થ થાય? બાઇબલનો એક શબ્દકોશ સમજાવે છે કે ‘ઈસુના શિષ્ય બનવાનો અર્થ થાય કે કોઈ પણ શરત વગર આખી જિંદગી તેમના પગલે ચાલવા અર્પી દેવી.’ (ધ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી ઑફ ન્યૂ ટેસ્ટામેન્ટ થિયોલોજી) તેથી એક સાચો ખ્રિસ્તી, ઈસુના શિક્ષણને અને તેમના માર્ગદર્શનને પૂરી રીતે અને કોઈ પણ શરત વગર પાળે છે.

શું આટલા બધા ખ્રિસ્તીઓમાંથી સાચા ખ્રિસ્તીઓ શોધવા શક્ય છે? સાચા ખ્રિસ્તીઓની ઓળખ વિષે ઈસુએ શું જણાવ્યું હતું? અમે તમને આમંત્રણ આપીએ છીએ કે એનો જવાબ તમે બાઇબલમાંથી મેળવો. હવે પછીના લેખમાં ઈસુએ કહેલા ચાર મહત્ત્વના વિચારોની આપણે ચર્ચા કરીશું. એ આપણને સાચા ખ્રિસ્તીઓ ઓળખવા મદદ કરશે. તેમ જ, એ જોઈશું કે પહેલી સદીના ખ્રિસ્તીઓ કઈ રીતે ઈસુના કહ્યા પ્રમાણે ચાલ્યા હતા. એ પણ જોઈશું કે પોતાને ખ્રિસ્તી કહેવડાવતા કરોડો લોકોમાંથી ખરેખર કોણ ઈસુના કહ્યા પ્રમાણે કરે છે. (w12-E 03/01)