સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ ખ્રિસ્ત આપણા સવાલનો જવાબ

ઈસુ ખ્રિસ્ત આપણા સવાલનો જવાબ

ઈસુ ખ્રિસ્ત આપણા સવાલનો જવાબ

“હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?”—લુક ૯:૧૮.

ઈસુએ પોતાના શિષ્યોને ઉપરનો સવાલ કર્યો હતો, કેમ કે તે જાણતા હતા કે લોકો તેમના વિષે જાત-જાતનું માને છે. હકીકતમાં, લોકોની ગૂંચવણનું કોઈ કારણ ન હતું. ઈસુ પોતે સંન્યાસી ન હતા. તેમ જ, તેમણે ગુપ્ત રીતે જીવન વિતાવ્યું નહિ. પરંતુ, તે શહેરોમાં અને ગામોમાં છૂટથી લોકો સાથે હરતાફરતા. તે જાહેરમાં લોકોને ઉપદેશ કરતા, કેમ કે તે ચાહતા હતા કે લોકો તેમના વિષે સત્ય જાણે.—લુક ૮:૧.

ઈસુની જીવન-કહાની બાઇબલના પુસ્તકો માત્થી, માર્ક, લુક અને યોહાનમાં લખેલી છે. એ પુસ્તકોમાંથી આપણે ઈસુ વિષેનું સત્ય પારખી શકીએ છીએ. એમાંથી આપણે ઈસુ વિષેના સવાલોના જવાબ મેળવીશું.—યોહાન ૧૭:૧૭.

સવાલ: શું ઈસુ સાચે જ ઇતિહાસમાં થઈ ગયા હતા?

જવાબ: હા. આજના અને પહેલી સદીના જાણીતા ઇતિહાસકારો, જેમ કે જોસેફસ અને ટેસીટસે તેઓના લખાણમાં ઈસુનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી મહત્ત્વનું તો, માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો પુરાવો આપે છે કે ઈસુ કોઈ કાલ્પનિક વ્યક્તિ નહિ, પણ સાચે જ થઈ ગયા હતા. એ અહેવાલો ઈસુ સાથે જોડાયેલા બનાવોના સમય અને સ્થળ વિષે ચોક્કસ માહિતી આપે છે. જેમ કે, ઈસુના સમયમાં રાજ કરતા સાત અધિકારીઓનાં નામ લુકના પુસ્તકમાં જોવા મળે છે. આ માહિતી સાથે બીજા ઇતિહાસકારો પણ સહમત છે. લુકની માહિતી પરથી જાણી શકાય છે કે ઈસુએ કયા વર્ષમાં પ્રચારકાર્ય શરૂ કર્યું હતું.—લુક ૩:૧, ૨, ૨૩.

ઇતિહાસમાં ઈસુ જીવી ગયા હતા એના નક્કર પુરાવા જોવા મળે છે. એક અંગ્રેજી પુસ્તક કહે છે: “મોટા ભાગના વિદ્વાનો સહમત છે કે પહેલી સદીમાં નાઝારેથના એક પુરુષ હતા, જે ઈસુ નામે ઓળખાતા હતા.”—ઍવિડન્સ ફોર ધ હિસ્ટોરિકલ જિસસ.

સવાલ: શું ઈસુ ભગવાન છે?

જવાબ: ના. ઈસુએ કદી પણ પોતાને ઈશ્વરની બરાબર ગણ્યા નહિ. એને બદલે તેમણે વારંવાર જણાવ્યું કે પોતે યહોવાને * આધીન છે. દાખલા તરીકે, તેમણે યહોવાને “મારા ઈશ્વર” અને ‘એકલા ખરા ઈશ્વર’ કહ્યા હતા. (માત્થી ૨૭:૪૬; યોહાન ૧૭:૩) આમ કહીને ઈસુ બતાવતા હતા કે પોતે ઈશ્વરને આધીન છે. જ્યારે એક કર્મચારી પોતાના ઉપરીને “મારા સાહેબ” કહે, ત્યારે એ બતાવે છે કે તે સાહેબના હાથ નીચે કામ કરે છે.

ઈસુએ એ પણ બતાવ્યું હતું કે પોતે ઈશ્વરથી અલગ છે. એક વાર, અમુક લોકો ઈસુના અધિકારનો વિરોધ કરતા હતા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું હતું કે ‘તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે બે માણસની સાક્ષી ખરી છે. હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે, તે મારે વિષે સાક્ષી આપે છે.’ (યોહાન ૮:૧૭, ૧૮) આ બતાવે છે કે ઈસુ અને યહોવા બે અલગ વ્યક્તિઓ છે. જો એમ ન હોત તો તેઓ કઈ રીતે બે અલગ સાક્ષીઓ હોઈ શકે?

સવાલ: શું ઈસુ ફક્ત સારા માણસ હતા?

જવાબ: ઈસુ ફક્ત સારા માણસ જ નહિ પણ એથી વધારે કંઈક હતા. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં ઈસુએ અનેક મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. ચાલો એના અમુક દાખલા લઈએ:

“ઈશ્વરના એકાકીજનિત દીકરા.” (યોહાન ૩:૧૮) ઈસુ ધરતી પર હતા ત્યારે, તે જાણતા હતા કે પોતે ક્યાંથી આવ્યા છે. એટલે, તેમણે કહ્યું: ‘હું સ્વર્ગમાંથી ઊતર્યો છું.’ (યોહાન ૬:૩૮) ઈશ્વરે સૌથી પ્રથમ ઈસુને સ્વર્ગમાં ઉત્પન્‍ન કર્યા હતા. પછી, ઈશ્વર અને ઈસુએ ભેગા મળીને આખું વિશ્વ બનાવ્યું. ફક્ત ઈસુ જ એવા હતા જેમને ઈશ્વરે જાતે બનાવ્યા હતા. એટલે, બાઇબલ તેમને “ઈશ્વરના એકાકીજનિત દીકરા” કહે છે.—યોહાન ૧:૩, ૧૪; કોલોસી ૧:૧૫, ૧૬.

‘માણસના દીકરા.’ (માત્થી ૮:૨૦) ઈસુએ ઘણી વાર પોતાને ‘માણસના દીકરા’ કહ્યા હતા. માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકોના મૂળ લખાણમાં આ શબ્દો લગભગ ૮૦ વાર જોવા મળે છે. એ શબ્દો બતાવે છે કે ઈસુ પૂરેપૂરા મનુષ્ય હતા. તેમણે મનુષ્યના રૂપમાં અવતાર લીધો ન હતો. તો સવાલ થાય કે ઈશ્વરના એકના એક દીકરા ઈસુ કઈ રીતે ધરતી પર આવ્યા હતા? યહોવા ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા ઈસુનું જીવન મરિયમ નામની એક કુંવારી યહુદીના ગર્ભમાં મૂક્યું અને પછી તેમનો જન્મ થયો. એ કારણે, ઈસુમાં જરાય પાપ ન હતું.—માત્થી ૧:૧૮; લુક ૧:૩૫; યોહાન ૮:૪૬.

“ગુરુ.  (યોહાન ૧૩:૧૩) ઈસુએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈશ્વરે તેમને ‘રાજ્યની ખુશખબર ફેલાવાનું અને ઉપદેશ’ કરવાનું કામ સોંપ્યું છે. (માત્થી ૪:૨૩; લુક ૪:૪૩) ઈસુએ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવ્યું કે યહોવાનું રાજ્ય શું છે. તેમ જ, એ રાજ્ય ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા શું કરશે.—માત્થી ૬:૯, ૧૦.

“શબ્દ.” (યોહાન ૧:૧) યહોવા વતી બોલનાર ઈસુ હતા. યહોવાએ ઈસુ દ્વારા બીજાઓને શીખવ્યું, માર્ગદર્શન આપ્યું અને સંદેશો પણ આપ્યો.—યોહાન ૭:૧૬, ૧૭.

સવાલ: ઈશ્વરના વચન પ્રમાણે શું ઈસુ જ મસીહ હતા?

જવાબ: હા. બાઇબલમાં ‘મસીહ’ કે ‘ખ્રિસ્તʼના આવવા વિષે અનેક ભવિષ્યવાણી હતી. ‘મસીહ’ અને ‘ખ્રિસ્તʼનો અર્થ ‘પસંદ કરાયેલી વ્યક્તિ’ થાય છે. યહોવાનો મકસદ પૂરો કરવા મસીહ મહત્ત્વનો ભાગ ભજવવાના હતા. એક પ્રસંગે એક સમરૂની સ્ત્રીએ ઈસુને કહ્યું: ‘મસીહ કે જે ખ્રિસ્ત કહેવાય છે, તે આવે છે એ હું જાણું છું.’ ઈસુએ તેને સ્પષ્ટ કહ્યું કે ‘તારી સાથે જે બોલે છે તે મસીહ હું જ છું.’—યોહાન ૪:૨૫, ૨૬.

ઈસુ જ મસીહ હતા એનો કોઈ પુરાવો છે? હા છે. જેવી રીતે ફિંગર પ્રિન્ટ વ્યક્તિની ઓળખ આપે છે, એવી જ રીતે આ ત્રણ મહત્ત્વના પુરાવા ઈસુને મસીહ તરીકે ઓળખાવે છે:

મસીહની વંશાવળી. ઈબ્રાહીમના વંશમાંથી દાઊદ આવ્યા અને દાઊદના વંશમાં ઈસુ આવ્યા. આ માહિતી ઈસુના જન્મ પહેલાંથી જ બાઇબલમાં આપી હતી.—ઉત્પત્તિ ૨૨:૧૮; ગીતશાસ્ત્ર ૧૩૨:૧૧, ૧૨; માત્થી ૧:૧-૧૬; લુક ૩:૨૩-૩૮.

મસીહમાં પૂરી થયેલી ભવિષ્યવાણીઓ. બાઇબલના હિબ્રૂ શાસ્ત્રવચનોમાં મસીહ વિષે અનેક ભવિષ્યવાણીઓ લખવામાં આવી હતી. જેમ કે, ધરતી પર તેમનો જન્મ ક્યાં થશે; જીવનમાં શું કરશે અને મરણ વખતે શું થશે. ઈસુમાં એ બધી ભવિષ્યવાણીઓ પૂરી થઈ. એમાંની કેટલીક આ છે: તેમનો જન્મ બેથલેહેમમાં થયો હતો. (મીખાહ ૫:૨; લુક ૨:૪-૧૧) તેમને મિસરમાંથી બોલાવવામાં આવ્યા હતા. (હોશીઆ ૧૧:૧; માત્થી ૨:૧૫) તેમના મરણ વખતે તેમનું એકેય હાડકું ભાંગવામાં આવ્યું ન હતું. (ગીતશાસ્ત્ર ૩૪:૨૦; યોહાન ૧૯:૩૩, ૩૬) શું આ ભવિષ્યવાણીઓ પૂરી કરવી ઈસુના હાથમાં હતી? * ના, એ તેમના હાથ બહાર હતી.

મસીહની ઓળખ ખુદ ઈશ્વરે આપી. મસીહ તરીકે ઈસુનો જન્મ થયો ત્યારે, ઘેટાંપાળકોને સંદેશો આપવા યહોવાએ સ્વર્ગદૂતોને મોકલ્યા હતા. (લુક ૨:૧૦-૧૪) ઈસુના પ્રચારકાર્યમાં અમુક વાર ઈશ્વર સ્વર્ગમાંથી બોલ્યા અને કહ્યું કે પોતે ઈસુ પર પ્રસન્‍ન છે. (માત્થી ૩:૧૬, ૧૭; ૧૭:૧-૫) યહોવાએ ઈસુને ચમત્કાર કરવાની શક્તિ આપી. એનાથી ઈસુ સાબિત કરી શક્યા કે પોતે મસીહ છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૮.

સવાલ: ઈસુએ કેમ દુઃખ સહીને મરવું પડ્યું?

જવાબ: ઈસુમાં પાપ ન હતું. તેમણે એવું કંઈ કર્યું નહોતું જેના લીધે દુઃખ સહેવું પડે. ઈસુએ વધસ્તંભ પર મોતની સજા ભોગવવી પડે એવો કોઈ પણ ગુનો તેમણે કર્યો ન હતો. તોપણ, ઈસુએ અપમાન સહ્યું અને અચકાયા વગર પોતાનો જીવ આપી દીધો.—માત્થી ૨૦:૧૭-૧૯; ૧ પીતર ૨:૨૧-૨૩.

મસીહ વિષેની ભવિષ્યવાણીઓ બતાવે છે કે તેમણે બીજાઓના પાપ ભૂંસવા દુઃખ સહીને મરવું પડશે. (યશાયા ૫૩:૫; દાનીયેલ ૯:૨૪, ૨૬) ઈસુએ પોતે કહ્યું કે ‘ઘણા લોકોના ઉદ્ધારને માટે પોતાનો જીવ આપવાને હું આવ્યો છું.’ (માત્થી ૨૦:૨૮) જેઓ ઈસુની કુરબાનીમાં વિશ્વાસ મૂકશે, તેઓ પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ થશે. યહોવા એવા લોકોને આ ધરતી પર હંમેશા માટેનું સુખી જીવન આપશે. *યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૯, ૧૦.

સવાલ: શું ઈસુને મરણમાંથી ખરેખર ઉઠાડવામાં આવ્યા હતા?

જવાબ: હા. ઈસુને પૂરો વિશ્વાસ હતો કે મર્યા પછી તેમને સજીવન કરવામાં આવશે. (માત્થી ૧૬:૨૧) બાઇબલના લેખકોએ કદી એવો દાવો કર્યો નહિ કે ઈસુ આપોઆપ સજીવન થશે. ઈસુએ પણ એમ કહ્યું ન હતું. હકીકતમાં, બાઇબલ કહે છે કે ‘ઈશ્વરે મરણની વેદનામાંથી ઈસુને છોડાવીને ઉઠાડ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૪) જો આપણે માનતા હોઈએ કે ઈશ્વર બધી વસ્તુઓના સરજનહાર છે, તો ચોક્કસ એ પણ માનીશું કે તેમણે પોતાના દીકરા ઈસુને મરણમાંથી સજીવન કર્યા હતા.—હિબ્રૂ ૩:૪.

ઈસુ સજીવન થયા હતા, શું એનો કોઈ પાક્કો પુરાવો છે? હા. આનો વિચાર કરો:

નજરે જોયેલી સાક્ષી. ઈસુના મરણના લગભગ ૨૨ વર્ષ પછી ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે ૫૦૦ કરતાં વધારે લોકોએ સજીવન થયેલા ઈસુને પોતાની નજરે જોયા હતા. પાઊલે એ લખ્યું ત્યારે તેઓમાંના મોટા ભાગના હજી જીવતા હતા. (૧ કોરીંથી ૧૫:૬) એકાદ-બે સાક્ષીઓ હોય તો કદાચ આપણે તેઓની વાત પર શંકા ઉઠાવીએ. પરંતુ, આપણે ૫૦૦ લોકોની સાક્ષીને કેવી રીતે નકારી શકીએ?

ભરોસાપાત્ર સાક્ષીઓ. ઈસુના શિષ્યોએ પોતાની નજરે જોયું હતું કે ઈસુને સજીવન કરવામાં આવ્યા હતા. એટલે, તેઓ જોરશોરથી એનો પ્રચાર કરવા લાગ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૯-૩૨; ૩:૧૩-૧૫) તેઓ માનતા કે ઈસુ સજીવન થયા હતા, એટલે એ તેઓની માન્યતાનો એક મહત્ત્વનો ભાગ હતો. (૧ કોરીંથી ૧૫:૧૨-૧૯) ભલે મરવું પડે તોપણ ઈસુના એ શિષ્યો કોઈ કિંમતે તેમનો નકાર કરવા તૈયાર ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૭:૫૧-૬૦; ૧૨:૧, ૨) જો ઈસુ સજીવન થયા ન હોત, તો વિચારો કે શું તેમના શિષ્યો કોઈ કાલ્પનિક વાર્તા માટે પોતાનો જીવ આપવા તૈયાર થયા હોત? ના, જરાય નહિ!

ઈસુ વિષેના છ મહત્ત્વના સવાલોના જવાબ આપણે બાઇબલમાંથી જોયા. એ જવાબો પરથી આપણે સ્પષ્ટ જોઈ શક્યા કે ઈસુ કોણ છે. પરંતુ, શું એ જવાબો આપણા માટે એટલા મહત્ત્વના છે? આપણે ઈસુ વિષે જે કંઈ માનતા હોઈએ શું એનાથી કોઈ ફરક પડે છે? (w12-E 04/01)

[ફુટનોટ્‌સ]

^ બાઇબલ જણાવે છે કે ઈશ્વરનું નામ “યહોવા” છે.

^ ઈસુમાં પૂરી થએલી ભવિષ્યવાણીઓ વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પાન ૨૦૦ જુઓ.

^ ઈસુની કુરબાની વિષે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પાંચમુ પ્રકરણ જુઓ.