સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

‘અમે શાંતિપ્રિય તથા વિશ્વાસુ છીએ.’—૨ શમૂ. ૨૦:૧૯.

આ મુખ્ય મુદ્દાઓ શોધી કાઢો:

દલીલા, આબ્શાલોમ અને યહુદા ઈસકારીઓતના દાખલામાંથી શું શીખી શકીએ?

વિશ્વાસુ યોનાથાન અને પીતરને આપણે કેવી રીતે અનુસરી શકીએ?

લગ્‍નસાથી અને યહોવાને આપણે કઈ રીતે વફાદાર રહી શકીએ?

૧-૩. (ક) કઈ નિશાની બતાવે છે કે આપણે છેલ્લા સમયમાં જીવીએ છીએ? એ નિશાનીનો શું અર્થ થાય? (ખ) આપણે કયા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીશું?

 દલીલા, આબ્શાલોમ અને યહુદા ઈસકારીઓત. આ ત્રણેય વ્યક્તિઓમાં શું સરખું છે? એ ત્રણેય દગાબાજ હતા. ન્યાયાધીશ શામશૂન દલીલાને ચાહતો હતો, પણ દલીલાએ તેને દગો આપ્યો. આબ્શાલોમે પોતાના પિતા દાઊદને દગો આપ્યો. યહુદાએ પોતાના ગુરુ ઈસુ ખ્રિસ્ત સાથે વિશ્વાસઘાત કર્યો. એ ત્રણેય વ્યક્તિઓના ખરાબ કામને લીધે બીજાઓને પણ દુઃખ-તકલીફ પહોંચી હતી. પણ શા માટે વિશ્વાસઘાતના વિષય પર ધ્યાન આપવું જોઈએ?

એક લેખક કહે છે કે દગાબાજી એક એવી નબળાઈ છે, જે માણસોમાં સામાન્ય છે. શા માટે એ કોઈ નવાઈની વાત નથી? કેમ કે, ઈસુએ જ્યારે “જગતના અંતની” નિશાનીઓ આપી, ત્યારે કહ્યું હતું કે ઘણાં લોકો “એકબીજાને પરસ્વાધીન કરાવશે.” (માથ. ૨૪:૩, ૧૦) “પરસ્વાધીન” કરવું એટલે શું? એનો અર્થ થાય કે કોઈનો વિશ્વાસ તોડીને તેને દુશ્મનોના હાથમાં સોંપી દેવો. આજે આપણે ચારેય બાજુ દગાબાજીનું વલણ જોઈએ છીએ. પાઊલે જણાવ્યું હતું કે છેલ્લા સમયમાં ‘માણસો વિશ્વાસઘાતી’ હશે. (૨ તીમો. ૩:૧, ૨, ૪) પુસ્તકો અને ફિલ્મોમાં મોટા ભાગે દગાબાજીને ખૂબ જ ઉત્તેજક અને રોમાંચક બતાવવામાં આવે છે. જોકે, રોજિંદા જીવનમાં વિશ્વાસઘાતને લીધે લોકોએ ઘણું દુઃખ સહેવું પડે છે. ખરેખર વિશ્વાસઘાત આ છેલ્લા સમયની એક બૂરી નિશાની છે.

બાઇબલ સમયમાં અમુક લોકોએ વિશ્વાસઘાત કર્યો હતો. તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? જે લોકો બીજાને વફાદાર રહ્યા હતાં, તેઓને કેવી રીતે અનુસરી શકીએ? આપણે કોને વફાદાર રહેવું જોઈએ? ચાલો આ પ્રશ્નોના જવાબો મેળવીએ.

દગાબાજીથી દૂર રહીએ

૪. દલીલાએ કઈ રીતે શામશૂનને દગો આપ્યો? શા માટે તેનું કામ બહુ ખરાબ હતું?

ચાલો પહેલા દગાબાજ દલીલાનો વિચાર કરીએ. શામશૂન તેના પ્રેમમાં હતા, તોપણ દલીલાએ તેમને દગો દીધો. કેવી રીતે? શામશૂન ઈશ્વરના લોકો વતી પલિસ્તીઓ સામે લડવા માંગતા હતા. પલિસ્તીઓના પાંચ અધિકારીઓને જાણ થઈ કે દલીલા નામની સ્ત્રી શામશૂનને પ્રેમ કરવાનો ઢોંગ કરે છે. એટલે તેઓએ શામશૂનના બળનું રહસ્ય શોધી કાઢવા માટે દલીલાને મોટી લાલચ આપી. તેઓ શામશૂનને મારી નાખવા ચાહતા હતા. દગાબાજ દલીલાએ તેઓની લાલચ સ્વીકારી લીધી. તેણે શામશૂનની તાકાતનું રહસ્ય જાણવા પ્રયાસ કર્યો, પણ ત્રણ વાર નિષ્ફળ ગઈ. પછી, ‘તેણે પોતાની બોલી વડે શામશૂનને દરરોજ આગ્રહ કર્યો.’ છેવટે, શામશૂનનો ‘જીવ મરણતોલ અકળાયો’ અને તેમણે દલીલાને પોતાનું રહસ્ય કહી દીધું: ‘જો મારા વાળ કાપી નાંખવામાં આવે તો મારી શક્તિ જતી રહેશે.’ * એ જાણ્યા પછી, શામશૂન એક વાર દલીલાના ખોળામાં માથું નાંખીને ઊંઘતા હતા, ત્યારે દલીલાએ તેમના વાળ કપાવી નાખ્યા. પછી તેણે શામશૂનને દુશ્મનોના હાથમાં સોંપી દીધા. (ન્યા. ૧૬:૪, ૫, ૧૫-૨૧) તેણે કેટલો મોટો દગો કર્યો! લોભને કારણે દલીલાએ તેના પ્રેમીને દગો દીધો.

૫. (ક) આબ્શાલોમે કઈ રીતે દાઊદનો વિશ્વાસઘાત કર્યો? એ આબ્શાલોમ વિષે શું બતાવે છે? (ખ) અહીથોફેલે દગો આપ્યો એનાથી દાઊદને કેવું લાગ્યું?

હવે, વિશ્વાસઘાતી આબ્શાલોમનો વિચાર કરો. તેણે પોતાના પિતા રાજા દાઊદની રાજગાદી ઝૂંટવી લેવાની મોટી અપેક્ષા રાખી. એ માટે તેણે પહેલા ખોટાં વચનો આપીને અને મીઠી મીઠી વાતો કહીને “ઈસ્રાએલના માણસોનાં હૃદય” જીતી લીધાં. આબ્શાલોમ લોકોને ભેટતો અને ચુંબન કરતો. તેને તેઓમાં રસ છે એવો ઢોંગ કરતો. (૨ શમૂ. ૧૫:૨-૬) પછી, આબ્શાલોમે દાઊદના વફાદાર અને જિગરી દોસ્ત અહીથોફેલનું પણ મન જીતી લીધું. આબ્શાલોમની સાથે જોડાઈને તેણે પણ દાઊદને દગો આપ્યો. (૨ શમૂ. ૧૫:૩૧) ગીતશાસ્ત્રના અધ્યાય ત્રણ અને પંચાવનમાં દાઊદે જણાવ્યું કે વિશ્વાસઘાતને લીધે તેમને કેવું લાગ્યું. (ગીત. ૩:૧-૮; ગીતશાસ્ત્ર ૫૫:૧૨-૧૪ વાંચો.) આબ્શાલોમે પોતાનો ખરો રંગ બતાવ્યો. યહોવાએ પસંદ કરેલા રાજા વિરુદ્ધ તેણે કાવતરું કર્યું. પોતાના દુષ્ટ કામોથી તેણે સાબિત કર્યું કે તે યહોવાનો વિરોધી હતો. (૧ કાળ. ૨૮:૫) જોકે, આબ્શાલોમનું કાવતરું સફળ થયું નહિ. યહોવાના પસંદ કરાયેલા રાજા તરીકે દાઊદે રાજ કરવાનું ચાલું રાખ્યું.

૬. યહુદા ઈસકારીઓતે કઈ રીતે ઈસુને દગો આપ્યો? તેનું નામ શાની સાથે જોડાઈ ગયું છે?

હવે દગાબાજ યહુદા ઈસકારીઓતનો વિચાર કરો. ઈસુએ પોતાના ૧૨ પ્રેરિતો સાથે છેલ્લું પાસ્ખાપર્વ ઊજવતી વખતે કહ્યું, “હું તમને ખચીત કહું છું, કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.” (માથ. ૨૬:૨૧) પછીથી એ જ રાત્રે ગેથસેમાને નામે એક બાગમાં ઈસુએ પીતર, યાકૂબ અને યોહાનને કહ્યું: “જુઓ, મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.” એ જ ઘડીએ ઈસુના દુશ્મોનોને લઈને યહુદા બાગમાં આવ્યો. પછી, તરત જ તેણે ઈસુની પાસે આવીને કહ્યું, ‘રાબ્બી, સલામ; અને તે ઈસુને ચૂમ્યો.’ (માથ. ૨૬:૪૬-૫૦; લુક ૨૨:૪૭, ૫૨) યહુદાએ “નિરપરાધી લોહી”ને દગો આપ્યો અને ઈસુને દુશ્મનોના હાથમાં સોંપી દીધાં. એમ કરવા માટે લોભી યહુદાને કેટલા પૈસા મળ્યા? ફક્ત ૩૦ ચાંદીના સિક્કા! (માથ. ૨૭:૩-૫) એ સમયથી યહુદા ઈસકારીઓતનું નામ “દગાબાજી” સાથે જોડાઈ ગયું છે. એ ખાસ કરીને એવી વ્યક્તિને દર્શાવે છે, જે દોસ્તીનો ઢોંગ કરીને દગો આપે છે.

૭. (ક) આબ્શાલોમ અને યહુદાના દાખલામાંથી શું શીખવા મળે છે? (ખ) દલીલાના દાખલામાંથી શું શીખી શકાય?

આ વ્યક્તિઓના દાખલામાંથી આપણે શું શીખ્યા? આબ્શાલોમ અને યહુદાનો ખૂબ જ શરમજનક અંજામ આવ્યો, કેમ કે તેઓ યહોવાના પસંદ કરાએલા વ્યક્તિ વિરુદ્ધ ગયા હતા. (૨ શમૂ. ૧૮:૯, ૧૪-૧૭; પ્રે.કૃ. ૧:૧૮-૨૦) “દલીલા”નું નામ સદા માટે દગાખોર અને પ્રેમનો ઢોંગ કરનાર સાથે જોડાઈ ગયું છે. (ગીત. ૧૧૯:૧૫૮) તેથી, એ ખૂબ જ મહત્ત્વનું છે કે આપણે મોટી મોટી અપેક્ષાઓ કે લોભ પાછળ આંધળી દોટ ન મૂકીએ. એમ કરીશું તો યહોવાની કૃપા ગુમાવી બેસીશું! આ દાખલાઓમાંથી સાફ જોવા મળે છે કે આપણે કદી વિશ્વાસઘાત ન કરીએ.

જેઓ વફાદાર રહ્યા તેઓને અનુસરીએ

૮, ૯. (ક) યોનાથાન કેમ દાઊદને વફાદાર રહ્યા? (ખ) આપણે કેવી રીતે યોનાથાનને અનુસરી શકીએ?

બાઇબલમાં એવા ઘણા વ્યક્તિઓના દાખલાઓ છે, જેઓએ વફાદારીનો ગુણ બતાવ્યો હતો. ચાલો બે દાખલાનો વિચાર કરીએ અને જોઈએ કે એમાંથી શું શીખી શકીએ. પહેલા યોનાથાનનો વિચાર કરીએ, જે દાઊદને વિશ્વાસુ રહ્યા હતા. યોનાથાન, શાઊલ રાજાના મોટા દીકરા હતા. એટલે તે ઈસ્રાએલના રાજા બની શક્યા હોત. પરંતુ, યહોવાએ દાઊદને રાજા તરીકે પસંદ કર્યા. યોનાથાને ઈશ્વરનો નિર્ણય સ્વીકાર્યો. દાઊદની ઈર્ષા કરવાને બદલે યોનાથાને પોતાનો “જીવ દાઊદના જીવ સાથે એક ગાંઠ” કર્યો. તેમણે દાઊદને વિશ્વાસુ રહેવાનું વચન આપ્યું. તેમણે પોતાના કપડાં, તલવાર, ધનુષ્ય અને પટ્ટો આપીને દાઊદને રાજા તરીકે માન આપ્યું. (૧ શમૂ. ૧૮:૧-૪) દાઊદનો “હાથ મજબૂત” કરવા યોનાથાને બનતું બધું જ કર્યું. અરે, શાઊલથી દાઊદનું રક્ષણ કરવા તેમણે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો! યોનાથાને દાઊદને વિશ્વાસ અપાવતાં કહ્યું: “તું ઈસ્રાએલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ.” (૧ શમૂ. ૨૦:૩૦-૩૪; ૨૩:૧૬, ૧૭) એટલે, જ્યારે યોનાથાન મરણ પામ્યા ત્યારે દાઊદને ખૂબ જ દુઃખ થયું. એ દુઃખ અને યોનાથાન માટેનો પ્રેમ તેમણે એક ગીતમાં વ્યક્ત કર્યાં.—૨ શમૂ. ૧:૧૭, ૨૬.

યોનાથાન જાણતા હતા કે તેમણે કોને વિશ્વાસુ રહેવું જોઈએ. તે પૂરી રીતે યહોવાને આધીન રહ્યા. તેમણે ઈશ્વરના પસંદ કરાયેલા દાઊદને પૂરો સાથ આપ્યો. આમાંથી શું શીખી શકીએ? બની શકે આપણે મંડળમાં કોઈ જવાબદારી મેળવવા ચાહતા હોઈએ. જો એ ન મળે તો શું આપણે આગેવાની લેતા ભાઈઓને દિલથી સાથ આપીએ છીએ?—૧ થેસ્સા. ૫:૧૨, ૧૩; હિબ્રૂ ૧૩:૧૭, ૨૪.

૧૦, ૧૧. (ક) પીતર શા માટે ઈસુને વિશ્વાસુ રહ્યા? (ખ) કઈ રીતે આપણે પીતરને અનુસરી શકીએ? આપણે શું કરવા તૈયાર રહેવું જોઈએ?

૧૦ હવે પ્રેરિત પીતરનો વિચાર કરો. તે ઈસુને વિશ્વાસુ રહ્યા હતા. એક વાર ઈસુએ પોતાના બલિદાન પર વિશ્વાસ મૂકવાનું મહત્ત્વ સમજાવવા એક ઉદાહરણ આપ્યું હતું. એ ઉદાહરણમાં તેમણે પોતાના શરીર અને લોહી ખાવાની વાત કરી હતી. પરંતુ, એ સાંભળીને ઘણાં શિષ્યો ચોંકી ગયા અને ઈસુને છોડીને જતાં રહ્યા. (યોહા. ૬:૫૩-૬૦, ૬૬) તેથી, ઈસુએ ૧૨ પ્રેરિતોને પૂછ્યું કે “શું તમે પણ જતા રહેવા ચાહો છો?” પીતરે જવાબમાં કહ્યું કે “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ, કે ઈશ્વરના પવિત્ર તે તમે જ છો.” (યોહા. ૬:૬૭-૬૯) શું આનો એવો અર્થ થાય કે ઈસુની બધી વાત પીતર સમજી ગયા હતા? કદાચ નહિ. તેમ છતાં, પીતર ઈશ્વરના પસંદ કરાયેલા દીકરાને વિશ્વાસુ રહ્યા.

૧૧ પીતરે એવું ન વિચાર્યું કે ઈસુના વિચારો ખોટા છે અને સમય જતાં પોતાનું કહ્યું બદલશે. તેમણે નમ્રતાથી સ્વીકાર્યું કે “અનંતજીવનની વાતો” ઈસુ પાસે જ છે. આજે આપણા માટે પણ એવું જ છે. ‘વિશ્વાસુ કારભારી’ અનેક સાહિત્ય બહાર પાડે છે. જો એમાંથી કંઈક સમજાય નહિ કે આપણે ધારીએ એ પ્રમાણે ન હોય, તો શું કરવું જોઈએ? સાહિત્યમાં જે માહિતી આપી હોય એ સમજવા સખત પ્રયાસો કરવા જોઈએ. એમ માની લેવું ન જોઈએ કે સમય જતા આપણી સમજણ પ્રમાણે ‘વિશ્વાસુ ચાકર’ બદલાણ કરશે.—લુક ૧૨:૪૨ વાંચો.

લગ્‍નસાથીને વફાદાર રહો

૧૨, ૧૩. લગ્‍નસાથીમાં કઈ રીતે બેવફાઈ આવી શકે? બેવફાઈ માટે કેમ ઉંમરનું બહાનું કાઢી ન શકાય?

૧૨ વિશ્વાસઘાત કરવાથી મંડળ અને કુટુંબની શાંતિ અને સંપ છીનવાઈ જાય છે. આપણે કદી પણ એવું ન કરીએ. હવે આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વર અને લગ્‍નસાથીને વફાદાર રહી શકીએ.

૧૩ જીવનસાથી બેવફા બને ત્યારે નિર્દોષ સાથીને અસહ્ય દુઃખ થાય છે. ધારો કે એક પતિ લગ્‍ન બહાર આડા સંબંધો બાંધે છે. આમ તે પોતાના જીવનસાથી પરથી ધ્યાન હટાવીને બીજી કોઈ સ્ત્રી પર મૂકે છે. એના લીધે નિર્દોષ સાથીનું દિલ તૂટી જાય છે અને જાણે દુઃખોનો પહાડ તૂટી પડે છે. પણ સવાલ થાય કે જો પતિ-પત્ની શરૂઆતમાં એકબીજાના પ્રેમમાં હોય, તો તેઓમાં બેવફાઈ ક્યાંથી આવી? ઘણી વાર જોવા મળ્યું છે કે લગ્‍નસાથીઓ એકબીજાની લાગણીઓમાં રસ લેવાનું ઓછું કરી દે છે. સમાજશાસ્ત્રના પ્રોફેસર ગેબ્રિયેલા ટર્નાટુરી સમજાવે છે કે જો યુગલ પોતાનો લગ્‍ન-સંબંધ મક્કમ રાખવા બનતું બધું નહિ કરે, તો બેમાંથી એક બેવફા બની જઈ શકે. જેઓ ઘણાં સમયથી પરિણીત હોય, તેઓ પણ બેવફા બની શકે. દાખલા તરીકે, એક ૫૦ વર્ષનો પુરુષ ૨૫ વર્ષથી લગ્‍નબંધનમાં હતો. તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધાં, કેમ કે તેને હવે બીજી કોઈ સ્ત્રી ગમવા લાગી. અમુક લોકો કહેશે કે ‘એ ઉંમરે એવું તો થાય, એમાં શું?’ તેઓ કોઈનો વિશ્વાસ તોડવાને નાનીસૂની બાબત ગણતા હોય, પરંતુ એ તો બહુ ગંભીર બાબત છે! *

૧૪. (ક) જ્યારે વ્યક્તિ પોતાના લગ્‍નસાથીને બેવફા બને છે, ત્યારે યહોવાને કેવું લાગે છે? (ખ) લગ્‍નમાં બેવફાઈ કરનાર વ્યક્તિ વિષે ઈસુએ શું કહ્યું?

૧૪ બાઇબલમાં જણાવેલા કારણ વિરુદ્ધ કોઈ છુટાછેડા લે, ત્યારે યહોવાને કેવું લાગે છે? ઈશ્વર ‘છૂટાછેડાʼને ધિક્કારે છે. તેમ જ, તેમને જરાય ગમતું નથી, જ્યારે કોઈ પોતાના લગ્‍નસાથી પર અત્યાચાર કરે અને તેને છોડી દે. (માલાખી ૨:૧૩-૧૬ વાંચો.) યહોવાની જેમ ઈસુને પણ લગ્‍નમાં થયેલી બેવફાઈ માટે નફરત છે. ઈસુએ કહ્યું હતું કે પોતાના સાથીને ત્યજી દેનાર વ્યક્તિ એવી રીતે વર્તી ન શકે જાણે કંઈ ખોટું કર્યું નથી.—માત્થી ૧૯:૩-૬,  વાંચો.

૧૫. લગ્‍નને મજબૂત કરવા યુગલે શું કરવું જોઈએ?

૧૫ જેઓ પરિણીત છે, તેઓ કઈ રીતે પોતાના સાથી જોડે હંમેશા વિશ્વાસુ રહી શકે? બાઇબલ જણાવે છે: “તારી જુવાનીની પત્નીમાં [અથવા પતિમાં] આનંદ માન.” તેમ જ, પોતાના જીવનસાથી ‘જેને તું પ્રેમ કરે છે, તેની સાથે તારી જિંદગી’ પસાર કર. (નીતિ. ૫:૧૮; સભા. ૯:૯) જેમ જેમ ઉંમર વધે, તેમ તેમ પતિ-પત્નીએ એકબીજાની તન-મનની જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહિ. એકબીજાની સંભાળ રાખો. સાથે સમય પસાર કરો અને એકબીજાના દિલની નજીક રહો. પોતાનું લગ્‍ન ટકાવી રાખો અને યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવતા રહો. એ માટે સાથે બાઇબલનો અભ્યાસ કરો. નિયમિત રીતે પ્રચારમાં સાથે કામ કરો. તેમ જ, યહોવાના આશીર્વાદો માંગવા સાથે પ્રાર્થના કરો.

યહોવાને વિશ્વાસુ રહો

૧૬, ૧૭. (ક) કુટુંબમાં કે મંડળમાં એવું શું થઈ શકે, જેના લીધે આપણા વિશ્વાસની કસોટી થઈ શકે? (ખ) કયો દાખલો બતાવે છે કે ઈશ્વરના નિયમો પાળવાથી સારા પરિણામો આવી શકે?

૧૬ એવા કેટલાક ભાઈ-બહેનો છે, જેઓએ ગંભીર પાપ કર્યા છે. એટલે તેઓને ‘સખત રીતે ધમકાવામાં આવ્યા, જેથી તેઓ વિશ્વાસમાં દૃઢ બને.’ (તીત. ૧:૧૩, ૧૪) પણ અમુકના વલણ એવા હતા કે તેઓને મંડળમાંથી કાઢવાં પડ્યાં છે. જેઓ એ “શિક્ષા”માંથી શીખ્યા છે, તેઓને ફરીથી ઈશ્વરની શુદ્ધ રીતે ભક્તિ કરવા મદદ મળી છે. (હિબ્રૂ ૧૨:૧૧) જો આપણા કોઈ નજીકના મિત્ર કે સગાંને મંડળમાંથી કાઢી મૂકવામાં આવે, તો શું કરવું જોઈએ? એવા સમયે આપણે કોને વિશ્વાસુ રહીશું, એ વ્યક્તિને કે યહોવાને? યહોવાએ આજ્ઞા આપી છે કે કોઈ પણ બહિષ્કૃત વ્યક્તિ સાથે સંબંધ રાખવો નહિ. યહોવા જુએ છે કે આપણે તેમના નિયમો પાળીએ છીએ કે નહિ.—૧ કોરીંથી ૫:૧૧-૧૩ વાંચો.

૧૭ યહોવાને વિશ્વાસુ રહેવાનો ચાલો એક સારો દાખલો જોઈએ. એક યુવાન પુરુષ ૧૦ વર્ષ સુધી બહિષ્કૃત હતો. એ દરમિયાન તેના માતા-પિતા અને ચાર ભાઈઓએ તેની સાથે કોઈ “સોબત” રાખી નહિ. અમુક વખતે તેણે કુટુંબના કામોમાં ભાગ લેવા પ્રયત્ન કર્યો. પરંતુ, તેના કુટુંબના બધા જ સભ્યો પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા અને તેની સાથે કોઈ જ સંગત રાખી નહિ. જ્યારે એ યુવાન પુરુષને મંડળમાં પાછો લેવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું: ‘એ વર્ષો દરમિયાન મને હંમેશા કુટુંબની ખોટ લાગતી હતી. ખાસ કરીને રાત્રે હું એકલો હોઉં ત્યારે.’ તે આગળ જણાવે છે કે જો તેના કુટુંબે તેની સાથે થોડી ઘણી પણ સંગત રાખી હોત, તો તેની ખોટ પૂરાઈ ગઈ હોત. પરંતુ, તેના કુટુંબે તેની સાથે જરાય વાત ન કરી. કુટુંબ સાથે રહેવાની ખૂબ ઇચ્છાને લીધે તેણે ફરીથી યહોવા સાથે સંબંધ જોડ્યો. એવી જ રીતે, જો તમને કદી પણ યહોવાની આજ્ઞા તોડીને પોતાના બહિષ્કૃત સગા સાથે સોબત રાખવાનું મન થાય, તો આ દાખલો યાદ કરજો.

૧૮. દગાબાજી અને વફાદારી વિષે ચર્ચા કર્યા પછી તમે કેવો નિર્ણય લેશો?

૧૮ આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ, જેમાં લોકો દગો આપનારા અને વિશ્વાસઘાતી છે. તેમ છતાં, મંડળમાં એવા ભાઈ-બહેનો છે, જેઓ દરેક બાબતમાં વફાદાર છે. તેઓના દાખલાને આપણે અનુસરી શકીએ. તેઓએ વફાદારીથી વિતાવેલું જીવન જાણે સાબિત કરે છે કે તેઓ “શાંતિપ્રિય તથા વિશ્વાસુ છે.” (૨ શમૂ. ૨૦:૧૯) તેથી, ચાલો આપણે બધા યહોવાને અને એકબીજાને વિશ્વાસુ રહીએ. (w12-E 04/15)

[ફુટનોટ્‌સ]

^ શામશૂનની તાકાત તેમના વાળમાં ન હતી. તે નાઝારી હોવાથી યહોવા સાથે તેમનો ખાસ સંબંધ હતો. એના લીધે તેમનામાં બહુ તાકાત હતી. તેમના લાંબા વાળ એ ખાસ સંબંધને દર્શાવતા હતા.

^ લગ્‍નસાથીની બેવફાઈનો કઈ રીતે સામનો કરવો, એ વિષે વધુ જાણવા જૂન ૧૫, ૨૦૧૦ના ધ વોચટાવર મૅગેઝિનના પાન ૨૯-૩૨ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૬ પર ચિત્ર]

કેટલાક લોકોએ ઈશ્વરના પસંદ કરાયેલા દીકરાનો નકાર કર્યો, પણ પીતર વિશ્વાસુ રહ્યા