સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની સેવા કેમ જીવનમાં પહેલી રાખવી?

યહોવાની સેવા કેમ જીવનમાં પહેલી રાખવી?

યહોવાની સેવા કેમ જીવનમાં પહેલી રાખવી?

“મારું મોં આખો દિવસ તારા ન્યાયીપણા વિષે તથા તારા તારણ વિષે વાતો પ્રગટ કરશે.”—ગીત. ૭૧:૧૫.

તમે કેવો જવાબ આપશો?

નુહ, મુસા, યિર્મેયા અને પાઊલે શા માટે યહોવાને જીવનમાં પ્રથમ મૂક્યા?

તમે પોતાનું જીવન કેવી રીતે જીવશો એ નક્કી કરવા શું મદદ કરી શકે?

તમે શા માટે યહોવાની સેવાને જીવનમાં પહેલી મૂકવા માંગો છો?

૧, ૨. (ક) યહોવાને પોતાનું સમર્પણ કરીને વ્યક્તિ શું બતાવે છે? (ખ) નુહ, મુસા, યિર્મેયા અને પાઊલનાં ઉદાહરણો આપણને શું મદદ કરી શકે?

 તમે જ્યારે પોતાનું સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું અને ઈસુના શિષ્ય બન્યા ત્યારે ઘણું મહત્ત્વનું પગલું ભર્યું હતું. ઈશ્વરને કરેલું સમર્પણ તમારા જીવનનો સૌથી ગંભીર નિર્ણય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે એ નિર્ણય લઈને જાણે યહોવાને કહો છો: ‘હે યહોવા, હું તમને બધી રીતે મારા જીવનના માલિક બનાવવા ઇચ્છું છું. હું તમારો સેવક છું. તમે જ નક્કી કરો કે હું કેવી રીતે મારો સમય વાપરું? કઈ બાબતો મારે જીવનમાં પ્રથમ મૂકવી જોઈએ? હું મારી આવડત અને સાધન-સંપત્તિ કઈ રીતે વાપરું?’

જો તમે બાપ્તિસ્મા લીધું હોય, તો ઉપર મુજબ તમે યહોવાને વચન આપ્યું છે. તમારા એ નિર્ણય માટે તમારી પ્રશંસા કરવામાં આવે છે; એ ખરો અને ડહાપણભર્યો નિર્ણય છે. પણ હવે યહોવાને તમારા માલિક તરીકે સ્વીકાર્યા પછી, તમે તમારો સમય કઈ રીતે વાપરો છો? નુહ, મુસા, યિર્મેયા અને પ્રેરિત પાઊલનાં ઉદાહરણો આપણને પોતાના સંજોગો તપાસવા મદદ કરી શકે. આ ચારેય ભક્તોએ યહોવાની સેવામાં તન-મનથી જીવન અર્પી દીધું હતું. આપણા સંજોગો પણ તેઓના જેવા જ છે. તેઓએ લીધેલા નિર્ણયોથી જોવા મળે છે કે તેઓના જીવનમાં શું મહત્ત્વનું છે. એના પર વિચાર કરવાથી આપણને એ તપાસવા ઉત્તેજન મળશે કે આપણે કઈ રીતે પોતાનો સમય વાપરીએ છીએ.—માથ. ૨૮:૧૯, ૨૦; ૨ તીમો. ૩:૧.

જળપ્રલય અગાઉ

૩. આપણા દિવસો કેવી રીતે નુહના દિવસો જેવા જ છે?

ઈસુએ આપણા સમયને નુહના સમય જેવો કહ્યો હતો. તેમણે કહ્યું, ‘જેમ નુહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે. નુહ વહાણની અંદર ગયા ત્યાં સુધી તેઓ ખાતા-પીતા અને પરણતા પરણાવતા હતા. જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.’ (માથ. ૨૪:૩૭-૩૯) આજે આપણે પણ ખૂબ મહત્ત્વના સમયમાં જીવી રહ્યા છીએ. પરંતુ મોટાભાગના લોકોને એ વિષે કંઈ પડી નથી. ઈશ્વરભક્તો જે ચેતવણી આપે છે, એને તેઓ જરાય સાંભળતા નથી. નુહના દિવસોની જેમ, આજે પણ લોકો એવું માનવા તૈયાર નથી કે ઈશ્વર દુષ્ટ લોકોનો સંહાર કરશે. અરે, એ વિષે સાંભળીને તેઓ હસી કાઢે છે. (૨ પીત. ૩:૩-૭) એવા કપરા સંજોગોમાં પણ નુહે પોતાના સમયનો કેવો ઉપયોગ કર્યો?

૪. યહોવા પાસેથી ખાસ કામ મળ્યા પછી નુહે પોતાનો સમય કેવી રીતે વાપર્યો અને શા માટે?

ઈશ્વરે નુહને જણાવ્યું કે તે બધા ખરાબ લોકોનો નાશ કરશે. તેમણે નુહને એક ખાસ કામ પણ સોંપ્યું. લોકો અને પશુ-પ્રાણીઓને બચાવવા નુહે એક વહાણ બાંધ્યું. (ઉત. ૬:૧૩, ૧૪, ૨૨) નુહે લોકોને એ પણ જણાવ્યું કે યહોવા જલદી જ તેઓનો ન્યાય કરશે. પ્રેરિત પીતરે તેમને “ન્યાયીપણાના ઉપદેશક” કહ્યા, જે બતાવે છે કે લોકોને પોતાના સંજોગોની ગંભીરતા સમજાવવા તેમણે ખૂબ મહેનત કરી હતી. (૨ પીતર ૨:૫ વાંચો.) શું તમને લાગે છે કે નુહ અને તેમના કુટુંબે કોઈ વેપાર કરવા અને બીજાઓ કરતાં વધારે ધનદોલત અને માન-મરતબો મેળવવા સમય કાઢ્યો હોય તો સારું થાત? સુખ-સગવડમાં રહેવા મહેનત કરી હોત તો સારું થાત? જરાય નહિ, ખરું ને? આગળ જે બનવાનું હતું એ જાણતા હોવાથી, તેઓ આવી ધ્યાન ભટકાવી દેતી બાબતોથી દૂર રહ્યા.

ઇજિપ્તના રાજકુમારે કરેલી પસંદગી

૫, ૬. (ક) મુસાને શાના માટે તૈયાર કરવા બધી વિદ્યાઓ શીખવવામાં આવી હતી? (ખ) મુસાએ શા માટે ઇજિપ્તની સુખ-સગવડો જતી કરી?

હવે ચાલો આપણે મુસાનો દાખલો જોઈએ. તે ફારૂનની પુત્રીના દત્તક દીકરા તરીકે ઇજિપ્તના મહેલમાં મોટા થયા હતા. યુવાનીમાં ડગ માંડ્યા ત્યારે, રાજકુમાર તરીકે તેમને “મિસરીઓની સર્વ વિદ્યા” શીખવવામાં આવી હતી. (પ્રે.કૃ. ૭:૨૨; નિર્ગ. ૨:૯, ૧૦) ફારૂનના દરબારમાં કામ કરી શકે એ હેતુથી તેમને આ બધું શીખવવામાં આવ્યું હતું. એ સમયની સૌથી શક્તિશાળી સરકારમાં તે મોટો હોદ્દો મેળવી શક્યા હોત. એ હોદ્દાની સાથોસાથ તેમને ઘણી સુખ-સગવડો અને માનપાન મળ્યા હોત. શું મુસાનું ધ્યાન આવી બાબતો પાછળ હતું?

મુસા નાનપણમાં પોતાના અસલ માબાપ પાસેથી યહોવા વિષે શીખ્યા હતા. તેમણે એ પણ સાંભળ્યું હશે કે પોતાના પૂર્વજો ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબને યહોવાએ કયું વચન આપ્યું હતું. મુસાને એ વચનોમાં પાક્કો ભરોસો હતો. તેમણે પોતાનાં ભાવિ વિષે અને યહોવાને વફાદાર રહેવા વિષે ચોક્કસ વિચાર્યું હશે. એટલે ઇજિપ્તના રાજકુમાર બનવું કે ઈસ્રાએલી ગુલામ, એ બેમાંથી પસંદગી કરવાનો વખત આવ્યો ત્યારે તેમણે શું કર્યું? મુસાએ “પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું” પસંદ કર્યું. (હિબ્રૂ ૧૧:૨૪-૨૬ વાંચો.) એ પછી યહોવા ચાહતા હતા, એ રીતે જ તેમણે પોતાનું જીવન પસાર કર્યું. (નિર્ગ. ૩:૨, ૬-૧૦) શા માટે મુસાએ એમ કર્યું? કેમ કે ઈશ્વરે આપેલા વચનો પર તેમને પૂરો વિશ્વાસ હતો. તે જાણતા હતા કે ઇજિપ્તની સુખ-સગવડો કંઈ લાંબો સમય ટકવાની નથી, અને એમ જ થયું. થોડા સમય પછી ઈશ્વરે એ દેશ પર દસ મરકીઓ લાવીને સજા કરી. યહોવાને પોતાનું સમર્પણ કર્યું હોય તેઓને આમાંથી શું શીખવા મળે છે? આ દુનિયામાં કારકિર્દી બનાવવા કે સુખ-સગવડો મેળવવા પાછળ જવાને બદલે, આપણે યહોવા અને તેમની સેવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ.

યિર્મેયા જાણતા હતા કે શું થવાનું છે

૭. યિર્મેયાના સંજોગો કેવી રીતે આપણા જેવા જ હતા?

યહોવાની સેવાને જીવનમાં પ્રથમ મૂકનાર બીજી એક વ્યક્તિ યિર્મેયા હતા. યહોવાએ પોતાના પ્રબોધક તરીકે તેમને ખાસ કામ સોંપ્યું હતું. તેમણે યરૂશાલેમ અને યહુદાના લોકોને જણાવવાનું હતું કે યહોવા તેઓનો ન્યાય કરશે, કેમ કે તેઓ યહોવાને છોડીને જૂઠા દેવ-દેવીઓને ભજવા લાગ્યા હતા. એ રીતે યિર્મેયા પણ “પાછલા દિવસોમાં” જીવતા હતા. (યિર્મે. ૨૩:૧૯, ૨૦) તે સારી રીતે જાણતા હતા કે એ દિવસોમાં બધું અચાનક બદલાઈ જવાનું હતું.

૮, ૯. (ક) શા માટે બારૂખને તેના વિચારો સુધારવા ઈશ્વરે મદદ કરી? (ખ) યોજનાઓ બનાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

આગળ શું બનવાનું છે એ જાણતા હોવાથી યિર્મેયાએ શું ન કર્યું? એ ડૂબતી દુનિયામાં તેમણે પોતાનું ભાવિ ઘડવા જરાય પ્રયત્ન ન કર્યો, કેમ કે એ તો નરી મૂર્ખતા કહેવાય. પરંતુ યિર્મેયાનો સહાયક બારૂખ એ વિષે સ્પષ્ટ જોઈ શકતો ન હતો. તેથી ઈશ્વરે યિર્મેયાને તેમના સહાયકને આમ કહેવા પ્રેરણા આપી: “જે મેં બાંધ્યું છે તે હું પાડી નાખીશ, ને જે મેં રોપ્યું છે તે હું ઊખેડી નાખીશ; અને આ પ્રમાણે આખા દેશમાં કરીશ. શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ મા; હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ; પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”—યિર્મે. ૪૫:૪, ૫.

આપણે ચોક્કસ જાણતા નથી કે બારૂખ પોતાના માટે કેવી બાબતોમાં “મહત્તા” શોધતો હતો. * પણ આપણે એ ચોક્કસ જાણીએ છીએ કે એ બાબતો કંઈ બહુ લાંબો સમય ટકવાની ન હતી. બાબેલોનીઓએ ઈસવીસન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમને જીતી લીધું ત્યારે એ બધી બાબતોનો નાશ કર્યો હતો. શું તમે જોઈ શક્યા કે આપણા માટે કયો બોધપાઠ રહેલો છે? જીવન-જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એ માટે આપણે અગાઉથી અમુક યોજનાઓ કરવી પડે છે. (નીતિ. ૬:૬-૧૧) પરંતુ જે બાબતો લાંબો સમય ટકવાની નથી, એ મેળવવા પાછળ આપણે પુષ્કળ સમય અને શક્તિ વેડફીશું તો, એ સમજદારી નહિ કહેવાય. ખરું કે યહોવાની સંસ્થા નવાં નવાં રાજ્યગૃહો અને શાખા કચેરીઓ બનાવવા કે બીજાં કાર્યો માટે યોજનાઓ કરતી રહે છે. પરંતુ આ યોજનાઓનું મહત્ત્વ રહેલું છે, કેમ કે એનો હેતુ ઈશ્વરના રાજ્ય વિષે જણાવવાનો છે. એટલે યહોવાના સર્વ ભક્તો કોઈ યોજના કરે ત્યારે, તેઓના જીવનમાં પણ ઈશ્વરનું રાજ્ય પ્રથમ હોવું જોઈએ. શું તમે પૂરી ખાતરીથી કહી શકો છો કે ‘તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને’ શોધી રહ્યા છો?—માથ. ૬:૩૩.

“હું તેઓને કચરો જ ગણું છું”

૧૦, ૧૧. (ક) ખ્રિસ્તી બનતા પહેલાં પાઊલે કેવી બાબતોને જીવનમાં પ્રથમ મૂકી હતી? (ખ) શા માટે પાઊલનું જીવન સાવ બદલાઈ ગયું?

૧૦ હવે છેલ્લે ચાલો પાઊલના દાખલા પર વિચાર કરીએ. તે ખ્રિસ્તી બન્યા એ પહેલાં બધાને લાગતું હતું કે તે ભાવિમાં સારી કારકિર્દી બનાવશે. એ સમયના સૌથી આગળ પડતા શિક્ષકોમાંના એકના હાથ નીચે તેમણે યહુદી નિયમશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેમને યહૂદી પ્રમુખ યાજક તરફથી સત્તા મળી હતી. યહુદી ધર્મની બાબતોમાં તેમણે પોતાની વયના બીજાઓ કરતાં ઘણી પ્રગતિ કરી હતી. (પ્રે.કૃ. ૯:૧, ૨; ૨૨:૩; ૨૬:૧૦; ગલા. ૧:૧૩, ૧૪) પરંતુ, પાઊલે જ્યારે જાણ્યું કે યહુદી પ્રજા પર યહોવાનો આશીર્વાદ નથી, ત્યારે તેમનું આખું જીવન બદલાઈ ગયું.

૧૧ પાઊલ હવે જોઈ શક્યા કે યહૂદી ધર્મમાં પોતે ભલે ગમે એટલા આગળ આવે, યહોવાની નજરે એ બધું નકામું છે; યહૂદી વ્યવસ્થામાં તેમનું કોઈ ભાવિ નથી. (માથ. ૨૪:૨) એક સમયે જે ફરોશી હતા, એ પાઊલે ખરી સમજણ મેળવી કે ઈશ્વર શું ચાહે છે. તે જોઈ શક્યા કે પ્રચાર કરવો એ કેટલો મોટો લહાવો છે. એની સરખામણીમાં તે એવી બાબતોને હવે “કચરો” ગણવા લાગ્યા, જે એક સમયે તેમના માટે જીવનમાં ખૂબ મહત્ત્વની હતી. પાઊલે યહુદી ધર્મ છોડી દીધો અને પૃથ્વી પર બાકીનું જીવન ખુશખબરનો પ્રચાર કરવામાં ગાળ્યું.—ફિલિપી ૩:૪-૮, ૧૫ વાંચો; પ્રે.કૃ. ૯:૧૫.

જીવનમાં શું મહત્ત્વનું છે?

૧૨. બાપ્તિસ્મા પછી ઈસુએ કઈ બાબતોમાં ધ્યાન પરોવ્યું?

૧૨ નુહ, મુસા, યિર્મેયા, પાઊલ અને તેઓ જેવા બીજા અનેક ભક્તોએ યહોવાની સેવામાં પોતાનો મોટા ભાગનો સમય અને શક્તિ આપી દીધા. તેઓએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. એમાંય યહોવાને સમર્પિત સેવકોમાં સૌથી સારો દાખલો ઈસુનો છે. (૧ પીત. ૨:૨૧) બાપ્તિસ્મા લીધા પછી, ઈસુએ પૃથ્વી પર બાકીનું જીવન યહોવાને મહિમા આપવામાં અને ખુશખબર ફેલાવવામાં કાઢ્યું. એટલે, યહોવાને પોતાના માલિક તરીકે સ્વીકારતા દરેક ખ્રિસ્તીએ તેમની સેવાને જીવનમાં પ્રથમ રાખવી જોઈએ. શું તમારા કિસ્સામાં એ સાચું છે? બીજી જવાબદારીઓ નિભાવીએ તેમ, આપણે યહોવાની ભક્તિમાં વધારે કેવી રીતે કરી શકીએ?—ગીતશાસ્ત્ર ૭૧:૧૫; ૧૪૫:૨ વાંચો.

૧૩, ૧૪. (ક) બધા સમર્પિત ખ્રિસ્તીઓને શાના પર વિચાર કરવા ઉત્તેજન આપવામાં આવે છે? (ખ) ઈશ્વરભક્તો કેવા સંતોષનો આનંદ માણી શકે છે?

૧૩ વર્ષોથી યહોવાના સંગઠને ખ્રિસ્તીઓને પાયોનિયર બનવા માટે પ્રાર્થનાપૂર્વક વિચાર કરવા વારંવાર ઉત્તેજન આપ્યું છે. જુદા જુદા સંજોગોને લીધે યહોવાના અમુક સેવકો દર મહિને પ્રચારમાં ૭૦ કલાક આપી શકતા નથી. તેઓએ એ વિષે દુઃખી થવું ન જોઈએ. (૧ તીમો. ૫:૮) તમારા વિષે શું? પાયોનિયર બનવું શું તમારા હાથ બહારની વાત છે?

૧૪ ઘણા ભાઈ-બહેનોને આ વર્ષના સ્મરણપ્રસંગના સમયગાળા દરમિયાન જે આનંદ મળ્યો હતો એનો વિચાર કરો. માર્ચ મહિનામાં સહાયક પાયોનિયરો માટે ખાસ ગોઠવણ કરવામાં આવી હતી કે તેઓ પ્રચારમાં ૩૦ કે ૫૦ કલાકની પસંદગી કરી શકે. (ગીત. ૧૧૦:૩) લાખો ભાઈ-બહેનોએ સહાયક પાયોનિયરીંગ કર્યું હતું અને મંડળોમાં કંઈક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યા હતા. આવા આનંદનો વારંવાર અનુભવ કરવા, શું તમે તમારા સંજોગોમાં ફેરફાર કરી શકો? આપણે પાયોનિયરીંગ કરીએ ત્યારે, દરેક દિવસને અંતે આમ કહેવાનો અપાર સંતોષ મળે છે કે “હે યહોવા, તમારી સેવામાં મેં બનતું બધું જ કર્યું છે!”

૧૫. દુન્યવી શિક્ષણની વાત આવે છે ત્યારે યુવાન ભાઈ-બહેનોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૧૫ યુવાનો, તમારો સ્કૂલનો અભ્યાસ જલદી જ પૂરો થવાનો હોય તો, તમારી પાસે બહુ ઓછી જવાબદારીઓ હશે અને કદાચ તમારી તબિયત પણ સારી હશે. શું તમે નિયમિત પાયોનિયર બનવા વિષે ગંભીરતાથી વિચાર્યું છે? તમારા સ્કૂલ કાઉન્સેલરોને લાગતું હશે કે ઉચ્ચ શિક્ષણ લેવું તમારા જ ભલા માટે છે, એનાથી તમે સારી કારકિર્દી બનાવી શકશો. પરંતુ, તેઓનો ભરોસો માનવીય સંસ્થાઓ અને ધનદોલતમાં છે, જે લાંબો સમય ટકવાની નથી. બીજી બાજુ, જો તમે ઈશ્વરની સેવામાં વધારે કરશો, તો તમે સમયનો સદુપયોગ કરી રહ્યા છો અને એવું ભવિષ્ય બનાવશો જે કાયમ ટકશે. એમ કરીને તમે ઈસુએ બેસાડેલા સૌથી ઉત્તમ દાખલા પ્રમાણે ચાલશો. એવો સમજણભર્યો નિર્ણય લઈને તમે સુખી થશો, એ તમારું રક્ષણ કરશે. એ નિર્ણય બતાવી આપશે કે તમે યહોવાને કરેલા સમર્પણ પ્રમાણે જ જીવવા માંગો છો.—માથ. ૬:૧૯-૨૧; ૧ તીમો. ૬:૯-૧૨.

૧૬, ૧૭. નોકરી-ધંધો અને બીજી બાબતો વિષે કેવા સવાલો ઊભા થાય છે?

૧૬ આજે ઘણા ભાઈ-બહેનોએ કુટુંબની મુખ્ય જરૂરિયાતો પૂરી કરવા ઘણા કલાકો કામ કરવું પડે છે. પરંતુ, અમુક કદાચ જરૂર કરતાં વધારે કલાકો કામ કરતા હોય છે. (૧ તીમો. ૬:૮) આજની વેપારી દુનિયા આપણા મનમાં એ ઠસાવવા બધું જ કરે છે કે બજારમાં મળતી અનેક ચીજ-વસ્તુઓ કે નવાં નવાં મોડલ આપણે ખરીદવાં જ જોઈએ, એનાં વગર આપણે જીવી નહિ શકીએ. પણ સાચા ખ્રિસ્તીઓ પોતાના જીવનમાં શું મહત્ત્વનું છે, એ શેતાનની દુનિયાને નક્કી કરવા દેતા નથી. (૧ યોહા. ૨:૧૫-૧૭) જેઓ રિટાયર્ડ થઈ ગયા છે તેઓ વિષે શું? તેઓ પોતાના સમયનો સૌથી સારો ઉપયોગ કરવા શું કરી શકે? પાયોનિયરીંગ કરીને યહોવાની સેવા જીવનમાં પ્રથમ રાખે.

૧૭ યહોવાને સમર્પણ કર્યું છે એવા સર્વ ભાઈ-બહેનો આ સવાલો પર વિચાર કરી શકે: મારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? શું હું યહોવાની સેવાને પહેલા મૂકું છું? ઈસુને પગલે ચાલીને મારો સમય અને શક્તિ યહોવાની સેવામાં વાપરું છું? શું હું ઈસુને પગલે સતત ચાલવા તેમની સલાહને ધ્યાન આપું છું? રાજ્યની ખુશખબર ફેલાવવામાં કે સેવાની બીજી બાબતોમાં વધારે સમય કાઢવા શું હું મારી રોજ-બ-રોજની પ્રવૃત્તિઓમાં ફેરફાર કરી શકું? હમણાં મારા સંજોગો સેવામાં વધારે કરવા રજા આપતા ન હોય તોપણ, શું હું યહોવા માટે વધારે સમય-શક્તિ વાપરવા બીજા રસ્તાઓ શોધું છું?

ઇચ્છા પેદા કરો અને એ પ્રમાણે કરો

૧૮, ૧૯. તમે શાના માટે પ્રાર્થના કરી શકો અને શા માટે એવી વિનંતીથી યહોવા ખુશ થશે?

૧૮ ઈશ્વરના લોકોનો ઉત્સાહ જોઈને આપણને બધાને ખૂબ આનંદ થાય છે. જોકે, અમુકના સંજોગો એવા છે કે પાયોનિયર બની શકે છે. તોપણ, તેઓ એ સેવા કરવાની ઇચ્છા રાખતા નથી; અથવા વિચારે છે કે પોતાની પાસે પૂરતી આવડત નથી. (નિર્ગ. ૪:૧૦; યિર્મે. ૧:૬) એવા સમયે તેઓએ શું કરવું જોઈએ? યહોવાને મદદ માટે જરૂર પ્રાર્થના કરી શકે. પાઊલે સાથી ભાઈ-બહેનોને કહ્યું હતું કે યહોવા “પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે.” (ફિલિ. ૨:૧૩) એટલે જો તમને પ્રચાર કાર્યમાં વધારે કરવાની ઇચ્છા ન થતી હોય તો, યહોવા પાસે માંગો કે તમને એમ કરવાની ઇચ્છા અને આવડત આપે.—૨ પીત. ૩:૯, ૧૧.

૧૯ નુહ, મુસા, યિર્મેયા, પાઊલ અને ઈસુ જીવનભર યહોવાની સેવામાં વિશ્વાસુ હતા. તેઓએ યહોવાનો ચેતવણીનો સંદેશો જાહેર કરવામાં પોતાના સમય અને શક્તિનો ઉપયોગ કર્યો. તેઓએ પોતાનું ધ્યાન જરાય ફંટાવા ન દીધું. હાલની દુનિયાનો અંત હવે બહુ નજીક છે. એટલે, ઈશ્વરને સમર્પણ કરનાર બધાએ, બાઇબલમાં આપેલા આ ઉત્તમ દાખલાઓને અનુસરવા પૂરા પ્રયાસો કરવા જોઈએ. (માથ. ૨૪:૪૨; ૨ તીમો. ૨:૧૫) એમ કરીને આપણે યહોવાને ખુશ કરીશું અને તેમના પુષ્કળ આશીર્વાદો મેળવીશું.—માલાખી ૩:૧૦ વાંચો. (w12-E 06/15)

[ફુટનોટ્‌સ]

^ ગોડ્‌સ વર્ડ ફોર અસ થ્રુ જર્માયાહ પાન ૧૦૪-૧૦૬ અને ચોકીબુરજમાં ઑક્ટોબર ૧, ૨૦૦૮, પાન ૧૩, ફકરા ૭-૯ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૨ પર ચિત્ર]

લોકોએ નુહની ચેતવણીને જરાય ધ્યાન ન આપ્યું

[પાન ૨૫ પર ચિત્ર]

શું તમે નિયમિત પાયોનિયર બનવા વિષે ગંભીરતાથી વિચાર્યું છે?