સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘તેઓ પવિત્ર શક્તિથી પ્રેરિત થયા’

‘તેઓ પવિત્ર શક્તિથી પ્રેરિત થયા’

‘તેઓ પવિત્ર શક્તિથી પ્રેરિત થયા’

‘ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર શક્તિની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યાં.’—૨ પીત. ૧:૨૧.

વિચારવા જેવા મુદ્દાઓ

ઈશ્વરનો સંદેશો પવિત્ર શક્તિ દ્વારા બાઇબલના લેખકો સુધી કેવી રીતે પહોંચ્યો?

કયા પુરાવા સાબિત કરે છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે?

કઈ રીતે તમે દરરોજ બાઇબલની કદર બતાવતા રહી શકો?

૧. આપણને બાઇબલની કેમ જરૂર છે?

 આપણે ક્યાંથી આવ્યા છીએ? આપણે કેમ આ ધરતી પર છીએ? આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આ દુનિયા કેમ આવી છે? ગુજરી ગયા પછી આપણું શું થાય છે? દુનિયા ફરતે લોકોને આવા સવાલો થાય છે. જો આપણી પાસે ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું બાઇબલ ન હોત, તો આપણે કેવી રીતે આ અને બીજા મહત્ત્વના સવાલોના જવાબ મેળવી શક્યા હોત? બાઇબલ ન હોત તો, આપણે જાત-અનુભવોથી એના જવાબો મેળવવા પડ્યા હોત. જો ફક્ત જાત-અનુભવથી જ શીખવાનું હોત, તો શું આપણે એક ઈશ્વરભક્તની જેમ ‘યહોવાના નિયમ’ માટે પોતાની લાગણી બતાવી શક્યા હોત?—ગીતશાસ્ત્ર ૧૯:૭ વાંચો.

૨. ઈશ્વરે આપેલી બાઇબલની સુંદર ભેટ માટે કદર કરતા રહેવા આપણને શું મદદ કરશે?

જોકે, દુઃખની વાત છે કે અમુકને પહેલા બાઇબલ માટે જે પ્રેમ હતો એ હવે ઠંડો પડી ગયો છે. (વધુ માહિતી: પ્રકટીકરણ ૨:૪.) તેઓએ હવે યહોવાને પસંદ પડે એવા માર્ગે ચાલવાનું બંધ કરી દીધું છે. (યશા. ૩૦:૨૧) એવું આપણે ન કરવું જોઈએ. આપણે બાઇબલ અને એનાં શિક્ષણને માન આપી શકીએ છીએ અને આપવું જોઈએ. આપણા પ્રેમાળ ઈશ્વર તરફથી બાઇબલ એક સુંદર ભેટ છે. (યાકૂ. ૧:૧૭) આપણે કેવી રીતે ‘ઈશ્વરના શબ્દ’ બાઇબલ માટે કદર વધારી શકીએ? એ માટે આપણે બાઇબલ લખવા વપરાયેલા માણસોનો વિચાર કરવો જોઈએ. તેમ જ, બાઇબલ ઈશ્વર તરફથી છે, એના અમુક પુરાવા તપાસવા જોઈએ. એમ કરવાથી, આપણને દરરોજ બાઇબલ વાંચવા અને એની સલાહ જીવનમાં લાગુ પાડવા ઉત્તેજન મળશે.—હિબ્રૂ ૪:૧૨.

કઈ રીતે ‘પવિત્ર શક્તિથી પ્રેરિત થયા’?

૩. બાઇબલના લેખકો અને પ્રબોધકો કઈ રીતે ‘પવિત્ર શક્તિથી પ્રેરણા’ પામ્યા?

બાઇબલ કુલ ૧,૬૧૦ વર્ષમાં લખાયું. એ સમયગાળો ઈસવીસન પૂર્વે ૧૫૧૩થી લઈને ઈ.સ. ૯૮ સુધીનો હતો. ૪૦ જેટલા અલગ અલગ પુરુષોએ એ લખ્યું, જેમાંના કેટલાક પ્રબોધકો હતા અને તેઓ ‘પવિત્ર શક્તિથી પ્રેરાયા.’ (૨ પીતર ૧:૨૦, ૨૧ વાંચો.) બાઇબલના લેખકો અને પ્રબોધકો ‘પવિત્ર શક્તિથી પ્રેરણા’ પામ્યા, એનો અર્થ થાય કે ઈશ્વરે તેઓ સાથે પવિત્ર શક્તિ દ્વારા વાતચીત કરી, તેઓને વિચારવા પ્રેર્યા અને તેઓને માર્ગદર્શન આપ્યું. એટલે, તેઓએ પોતાના નહિ પણ ઈશ્વરના વિચારો લખ્યા. અરે, કેટલીક વખત તો પ્રબોધકો અને લેખકોને ખબર પણ ન હતી કે તેઓ શું લખી રહ્યા છે. (દાની. ૧૨:૮, ૯) એ સાચું છે કે બાઇબલનાં બધાં પુસ્તકો ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખાયાં છે અને એમાં માણસોના વિચારો જોવા મળતા નથી.—૨ તીમો. ૩:૧૬.

૪-૬. પોતાનો સંદેશો બાઇબલના લેખકોને પહોંચાડવા યહોવાએ કઈ રીતો વાપરી? ઉદાહરણથી સમજાવો.

ઈશ્વરનો સંદેશો પવિત્ર શક્તિ દ્વારા બાઇબલ લેખકો સુધી કેવી રીતે પહોંચ્યો? શું તેઓને એકેએક શબ્દ લખાવવામાં આવ્યો હતો? કે પછી ફક્ત વિચારો આપવામાં આવ્યા હતા, જે તેઓ પોતાના શબ્દોમાં લખી શકે? એ સમજવા કોઈ કંપનીના બૉસનો વિચાર કરીએ કે તે કેવી રીતે પોતાનો પત્ર લખાવશે. જ્યારે તેણે કોઈ ખાસ રીતે પત્ર લખવો હોય, ત્યારે તે પોતે લખશે અથવા સેક્રેટરી પાસે શબ્દેશબ્દ લખાવશે. પછી સેક્રેટરી એ ટાઇપ કરશે અને બૉસ એના પર સહી કરશે. બીજી કોઈ વખત, બૉસ સેક્રેટરીને ફક્ત મહત્ત્વના વિચારો જણાવશે. સેક્રેટરી પોતાના શબ્દોમાં અને પોતાની રીતે એ પત્ર તૈયાર કરશે. ત્યાર બાદ કદાચ બૉસ એ પત્ર વાંચી જશે અને જરૂરી સુધારા-વધારા કરાવશે. પછીથી, તે સહી કરશે જેથી એ પત્ર તેના તરફથી છે એમ ગણાય.

એવી જ રીતે, બાઇબલના અમુક ભાગ ‘ઈશ્વરની આંગળી’ દ્વારા લખાયા છે. (નિર્ગ. ૩૧:૧૮) જ્યાં જ્યાં કોઈ ખાસ રીતે કંઈક કહેવાનું જરૂરી લાગ્યું, ત્યાં ત્યાં યહોવાએ જાતે જ એ લખાવ્યું. દાખલા તરીકે, નિર્ગમન ૩૪:૨૭માં “યહોવાએ મુસાને કહ્યું, કે તું આ વચનો લખ, કેમ કે આ વચનો પ્રમાણે મેં તારી સાથે તથા ઈસ્રાએલની સાથે કરાર કર્યો છે.” એ જ પ્રમાણે, યિર્મેયા પ્રબોધકને યહોવાએ કહ્યું હતું કે “જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ તું પુસ્તકમાં લખ.”—યિર્મે. ૩૦:૨.

મોટા ભાગના કિસ્સાઓમાં, બાઇબલના લેખકોના દિલોદિમાગમાં ઈશ્વરે ચોક્કસ શબ્દો મૂક્યા ન હતા. એને બદલે, તેઓને વિચારો આપવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના શબ્દોમાં એ વિચારો જણાવી શકે. સભાશિક્ષક ૧૨:૧૦ જણાવે છે કે “સભાશિક્ષક દિલપસંદ વચનો તથા પ્રામાણિક લખાણો, એટલે સત્યનાં વચનો, શોધી કાઢવાને યત્ન કરતો હતો.” ઈસુની સુવાર્તા લખનારા લુકે ‘શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરીને તેઓ પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો હતો.’ (લુક ૧:૩) ઈશ્વરે પોતાની શક્તિ દ્વારા ખાતરી કરી કે પોતાના સંદેશામાં માણસની ખામીઓને લીધે કોઈ ભેળસેળ ન થાય.

૭. ઈશ્વરે માણસ દ્વારા બાઇબલ લખાવ્યું એમાં કઈ રીતે તેમનું ડહાપણ દેખાઈ આવે છે?

ઈશ્વરે મનુષ્યો પાસે બાઇબલ લખાવ્યું, એમાં તેમનું ડહાપણ જોઈ શકાય છે. બાઇબલના શબ્દો ફક્ત માહિતી જ નથી આપતા, લાગણીઓ પણ દર્શાવે છે. જો યહોવાએ બાઇબલ લખવા દૂતોનો ઉપયોગ કર્યો હોત તો શું થાત? શું તેઓ ડર, દુઃખ અને નિરાશા જેવી માણસોની સામાન્ય લાગણીઓ દર્શાવી શક્યા હોત? યહોવાએ પોતાના વિચારો પવિત્ર શક્તિ દ્વારા પાપી માણસોને જણાવ્યા. તેઓને એ વિચારો પોતાના શબ્દોમાં લખવાની છૂટ આપી. એમ કરીને યહોવા પોતાના સંદેશામાં પ્રેમ અને વિવિધતા લાવ્યા, જેથી મનુષ્યના દિલને અસર કરી શકે.

સાબિતીઓ પર ધ્યાન આપો

૮. શા માટે કહી શકાય કે બાઇબલ બીજાં ધાર્મિક પુસ્તકો કરતાં અલગ છે?

બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એના અઢળક પુરાવા છે. બાઇબલ આપણને બીજાં કોઈ પણ ધાર્મિક પુસ્તક કરતાં સૌથી સારી રીતે ઈશ્વરની ઓળખ આપે છે. દાખલા તરીકે, હિંદુ ધર્મનાં પુસ્તકોમાં વેદો છે, જેમાં શ્લોક લખેલા છે. એ તેઓની ધાર્મિક વિધિઓનો એક સંગ્રહ છે. તેમ જ, ઉપનિષદો કહેવાતા ફિલસૂફીનાં ગ્રંથો પણ છે. ઉપરાંત, રામાયણ અને મહાભારતનાં પુસ્તકો પૌરાણિક કથા તરીકે જાણીતાં છે. ભગવદ્‌ ગીતા નામનું એક પુસ્તક પણ છે, જેમાં નીતિ-નિયમો આપવામાં આવ્યા છે. એ મહાભારતનો એક ભાગ છે. બૌદ્ધ ધર્મમાં એક ગ્રંથ છે, જેનું નામ ટીપીતાકા (ત્રણ સંગ્રહ) છે. એમાં મોટા ભાગે સાધુ અને સાધ્વીઓની જેમ જીવવા માગતા લોકો માટે નીતિ-નિયમો છે. બીજા ગ્રંથમાં મોટે ભાગે બૌદ્ધ ધર્મનું પાયાનું શિક્ષણ જોવા મળે છે. ત્રીજા ગ્રંથમાં બુદ્ધે આપેલું શિક્ષણ નોંધવામાં આવ્યું છે. બુદ્ધે એવો દાવો કર્યો નહોતો કે પોતે ભગવાન છે. તેમણે ઈશ્વર વિષે બહુ ઓછું કહ્યું હતું. કન્ફ્‌યુશિયસવાદનાં લખાણોમાં નીતિ-નિયમો, જાદુ કરવાની રીતો અને ધાર્મિક ગીતોનું મિશ્રણ જોવા મળે છે. ખરું કે ઇસ્લામ ધર્મનું પુસ્તક એક જ ઈશ્વર વિષે જણાવે છે, જે બધું જ જાણે છે અને જેમને ભાવિની ખબર છે. પણ એ ઈશ્વરના નામ, યહોવા વિષે કશું જ જણાવતું નથી, જે નામ બાઇબલમાં હજારો વખત જોવા મળે છે.

૯, ૧૦. ઈશ્વર વિષે બાઇબલમાંથી શું શીખી શકીએ છીએ?

મોટા ભાગના ધર્મોનાં જાણીતાં પુસ્તકો ઈશ્વર વિષે બહુ જણાવતાં નથી; અને જણાવે તોય બહુ થોડું જણાવે છે. જ્યારે કે બાઇબલમાં યહોવા ઈશ્વર અને તેમનાં કામોની ઘણી જાણકારી આપી છે. એ આપણને તેમના સ્વભાવના ઘણાં પાસાઓ જોવા મદદ કરે છે. બાઇબલ જણાવે છે કે ઈશ્વર શક્તિશાળી, જ્ઞાની અને ન્યાયી છે. સાથે સાથે એ પણ જણાવે છે કે ઈશ્વરને આપણા પર ખૂબ પ્રેમ છે. (યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૧૯ વાંચો.) વધુમાં બાઇબલ જણાવે છે: ‘ઈશ્વર પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેમની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેમને માન્ય છે.’ (પ્રે.કૃ. ૧૦:૩૪, ૩૫) આજે બાઇબલ જેટલા પ્રમાણમાં મળી રહે છે એ એની સાબિતી આપે છે. ભાષાના જાણકારો કહે છે કે દુનિયામાં ૬,૭૦૦ ભાષાઓ બોલાય છે. એમાંની લગભગ ૧૦૦ ભાષા દુનિયાની ૯૦ ટકા વસ્તીને આવરી લે છે. તોપણ, આજે બાઇબલ આખું અથવા અમુક ભાગમાં ૨,૪૦૦ ભાષાઓમાં ભાષાંતર થયું છે. દુનિયામાં મોટા ભાગે દરેક જણ બાઇબલનો અમુક ભાગ તો મેળવી જ શકે છે.

૧૦ ઈસુએ કહ્યું: ‘મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું.’ (યોહા. ૫:૧૭) યહોવા ઈશ્વરની કોઈ ‘શરૂઆત નથી કે અંત નથી.’ એટલે વિચારો કે તેમણે કેટલાં બધાં અદ્‍ભુત કાર્યો કર્યાં હશે! (ગીત. ૯૦:૨, IBSI) ફક્ત બાઇબલ જ જણાવે છે કે ઈશ્વરે પહેલાં કેવાં કામો કર્યાં હતાં, આજે શું કરી રહ્યા છે અને ભાવિમાં શું કરવાના છે. બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરને શું ગમે છે, શું નથી ગમતું અને કેવી રીતે આપણે તેમની નજીક જઈ શકીએ. (યાકૂ. ૪:૮) આપણને ગમતાં કામો અને આપણી ચિંતાઓ યહોવાથી દૂર લઈ જાય, એવું કદી પણ થવા ન દઈએ.

૧૧. બાઇબલમાં કેવું અદ્‍ભુત ડહાપણ જોવા મળે છે?

૧૧ બાઇબલમાં આપેલું અદ્‍ભુત ડહાપણ દર્શાવે છે કે એ મનુષ્યો કરતાં મહાન વ્યક્તિ પાસેથી આવે છે. યશાયા પ્રબોધકે પોતાના સમયના લોકોને આ સવાલ કર્યો: “પ્રભુના મનને કોણ સમજી શક્યું છે? કોણ તેમને સલાહસૂચના આપી શકે?” (યશા. ૪૦:૧૩, કોમન લેંગ્વેજ) એના આધારે પ્રેરિત પાઊલે પૂછ્યું કે ‘ઈશ્વરનું મન કોણે જાણ્યું છે, કે તે તેમને બોધ કરે?’ (૧ કોરીં. ૨:૧૬) જવાબ છે, કોઈએ પણ નહિ. એટલે જ લગ્‍નજીવન, બાળકો, મોજશોખ, મિત્રતા, મહેનત, પ્રમાણિકતા અને નીતિ-નિયમો પાળવામાં બાઇબલની સલાહ પ્રમાણે જીવવાથી સારાં પરિણામો આવે છે. બાઇબલ આપણને કદી પણ ખોટી સલાહ આપતું નથી. જ્યારે કે માણસોમાં એટલી સમજશક્તિ નથી કે એવી સલાહ આપે, જે દરેક સંજોગોમાં કામ આવે. (યિર્મે. ૧૦:૨૩) માણસો પોતાની સલાહ કાયમ બદલતા રહે છે, કેમ કે તેઓને ખબર પડે છે કે અગાઉની સલાહમાં કંઈક ખામી હતી. બાઇબલ કહે છે કે ‘માણસોના વિચાર વ્યર્થ છે.’—ગીત. ૯૪:૧૧.

૧૨. બાઇબલને કેવી રીતે સદીઓથી સાચવી રાખવામાં આવ્યું છે?

૧૨ ઇતિહાસમાં બાઇબલના સંદેશાને મિટાવી દેવા માટે થયેલા પ્રયાસો પરથી પણ જાણી શકાય છે કે એના લખાવનાર સાચા ઈશ્વર જ છે. ઈ.સ. પૂર્વે ૧૬૮માં સીરિયાના રાજા અંત્યોખસ ચોથાએ ઈશ્વરપ્રેરિત નિયમનાં પુસ્તકો બાળવાનો પ્રયત્ન કર્યો હતો. ઈ.સ. ૩૦૩માં રોમન શાસક ડાયોક્લેટીને જ્યાં ખ્રિસ્તીઓ સભા માટે ભેગા થતા, એ જગ્યાઓને તોડી પાડવા અને તેઓનાં શાસ્ત્રવચનો બાળી નાખવા હુકમ કર્યો. આવું તો દસેક વર્ષો સુધી ચાલતું રહ્યું. બાઇબલનું જ્ઞાન ફેલાય નહિ, એટલા માટે ૧૧મી સદી પછી ઘણા પોપે લોકોની ભાષામાં એના ભાષાંતરનો વિરોધ કર્યો. શેતાન અને તેના ચેલાઓના આવા પ્રયત્નો છતાં પણ, બાઇબલને આપણા દિવસો સુધી સંભાળી રાખવામાં આવ્યું છે. યહોવાએ મનુષ્યને આપેલી બાઇબલની ભેટને કોઈ પણ નષ્ટ ન કરે, એનું તેમણે ધ્યાન રાખ્યું છે.

ઘણાને ખાતરી આપતા પુરાવા

૧૩. બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એના બીજા કયા પુરાવા છે?

૧૩ બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે એના બીજા પણ પુરાવા છે. જેમ કે, શરૂઆતથી અંત સુધી એમાં એકરાગિતા છે. વિજ્ઞાનની નજરે પણ એ ખરું છે. એની ભવિષ્યવાણીઓ પૂરી થાય છે. એના લેખકોએ પ્રમાણિક રીતે બધું લખ્યું. એમાં લોકોનાં જીવન બદલવાની તાકાત છે. ઇતિહાસની નજરે પણ ખરું છે. આપણે પહેલા ફકરામાં જોઈ ગયા, એ પ્રશ્નોના પણ સંતોષકારક જવાબ આપે છે. ચાલો હવે જોઈએ કે બાઇબલ ઈશ્વર તરફથી છે, એ જોવા કેટલાક લોકોને કઈ રીતે મદદ મળી.

૧૪-૧૬. (ક) એક મુસ્લિમ, એક હિંદુ અને ઈશ્વર વિષે શંકા રાખનારી એક વ્યક્તિ શાનાથી માનવા લાગ્યાં કે બાઇબલ ઈશ્વર તરફથી છે? (ખ) બાઇબલ ઈશ્વરપ્રેરિત છે એમ પ્રચારમાં લોકોને જણાવવા તમે કયા પુરાવા આપશો?

૧૪ અનવર * એક મુસ્લિમ હતા અને મધ્ય પૂર્વના એક દેશમાં તેમનો ઉછેર થયો હતો. જ્યારે એ થોડા સમય માટે ઉત્તર અમેરિકા રહેવા ગયા, ત્યારે યહોવાના સાક્ષીઓ તેમના ઘરે આવ્યા. તે જણાવે છે કે ‘મને ખ્રિસ્તી ધર્મ માટે ખોટી માન્યતાઓ હતી, કેમ કે મેં સાંભળ્યું હતું કે ચર્ચોએ ધર્મયુદ્ધોમાં ભાગ લઈને કેટલી ખૂનખરાબી કરી હતી. તોપણ, મેં બાઇબલ અભ્યાસ કરવા માટે હા પાડી, કેમ કે મને નવું નવું શીખવું ગમે છે.’ થોડા સમયમાં જ અનવર પાછા પોતાના વતન ગયા, એટલે યહોવાના સાક્ષીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો. થોડાં વર્ષો પછી તે યુરોપમાં આવ્યા, જ્યાં તેમણે ફરીથી બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પછી, તેમણે સ્વીકાર્યું કે ‘બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થાય છે, પવિત્ર શાસ્ત્રમાં એકરાગિતા છે, એમાં જરાય વિરોધાભાસ નથી અને યહોવાના ભક્તો વચ્ચેના પ્રેમથી મને પુરાવો મળ્યો કે બાઇબલ ઈશ્વર તરફથી છે.’ અનવરે ૧૯૯૮માં બાપ્તિસ્મા લીધું.

૧૫ સોળ વર્ષના આશાબેન ચુસ્ત હિંદુ કુટુંબમાંથી આવે છે. તે કહે છે: ‘હું મંદિરે જાઉં અથવા કોઈ મુશ્કેલ સંજોગોમાં હોઉં ત્યારે જ, ઈશ્વરને પ્રાર્થના કરતી. પણ જ્યારે બધું સારું હોય ત્યારે હું ઈશ્વરને જરાય યાદ નહોતી કરતી. જ્યારે યહોવાના સાક્ષીઓ મારા ઘરે આવ્યા ત્યારે મારું આખું જીવન બદલાઈ ગયું.’ આશાબેને બાઇબલનો અભ્યાસ કર્યો અને ઈશ્વરને સારી રીતે ઓળખીને મિત્ર બનાવી શક્યા. બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એવી ખાતરી તેમને કેવી રીતે થઈ? તે કહે છે: ‘બાઇબલમાંથી મને મારા દરેક સવાલોનો જવાબ મળ્યો. બાઇબલ દ્વારા હું ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી શકી છું. ઈશ્વરને જોયા વગર, એટલે કે મંદિરમાં જઈને મૂર્તિને નમ્યા વગર હું એમ કરી શકી છું.’

૧૬ પૌલાબેન એક કૅથલિક કુટુંબમાં ઊછર્યાં હતાં. પરંતુ, તે યુવાન થતાં ગયા તેમ તેમને શંકા થવા લાગી કે ઈશ્વર છે કે નહિ. પછી તે એક બનાવ વિષે કહે છે કે ‘હું મારા એક મિત્રને મળી, જેને મેં મહિનાઓથી જોયો ન હતો. એ હિપ્પીઓનો જમાનો હતો, જેમાં ઘણા લોકો લાંબા વાળ રાખતા. મેં જોયું કે મારો મિત્ર ઘણો બદલાઈ ગયો છે, તેણે વાળ કપાવી કાઢ્યા હતા અને દાઢી કરાવી હોવાથી સરસ દેખાતો હતો. મેં તેને પૂછ્યું કે “તને આ શું થઈ ગયું? તું ક્યાં હતો?” તેણે કહ્યું કે તે યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખતો હતો. પછી તે મને બાઇબલ વિષે જણાવવા લાગ્યો.’ આમ, પૌલાબેન જોઈ શક્યા કે બાઇબલના સત્યને લીધે પોતાનો મિત્ર કેટલો બધો બદલાઈ ગયો. એટલે, ઈશ્વર છે કે નહિ એ વિષે શંકા રાખનારા આ બહેનને પણ બાઇબલના સંદેશામાં રસ જાગ્યો. પછી, તે પણ માનવા લાગ્યાં કે બાઇબલ ઈશ્વરે આપ્યું છે.

‘મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે’

૧૭. ઈશ્વરના શબ્દ બાઇબલને દરરોજ વાંચવાથી અને એના પર મનન કરવાથી તમને શું લાભ થશે?

૧૭ બાઇબલ એક કીમતી ભેટ છે, જે યહોવાએ પોતાની શક્તિ દ્વારા આપણને આપ્યું છે. દરરોજ બાઇબલ વાંચવાનો આનંદ માણો. એમ કરવાથી બાઇબલ અને એના લખાવનાર પ્રત્યે તમારો પ્રેમ વધશે. (ગીત. ૧:૧, ૨) તમે બાઇબલનો અભ્યાસ કરો ત્યારે પ્રાર્થનામાં ઈશ્વરની શક્તિ માગો, જેથી તમને એ સમજવા મદદ મળે. (લુક ૧૧:૧૩) બાઇબલમાં ઈશ્વરના વિચારો છે. એટલે, એમાં લખેલી વાતો પર તમે જ્યારે મનન કરશો, ત્યારે ઈશ્વર જેવું વિચારે છે એવું વિચારી શકશો.

૧૮. કયાં કારણને લીધે તમે બાઇબલમાંથી શીખતા રહેવા ચાહો છો?

૧૮ જેમ તમે બાઇબલના ખરાં જ્ઞાનમાં વધતા જાવ, તેમ જે શીખો એ જીવનમાં લાગુ પાડો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ વાંચો.) બાઇબલમાંથી વાંચવું એ જાણે અરીસામાં જોવા જેવું છે. એટલે, તમને લાગે કે મારે જીવનમાં અમુક સુધારા કરવાની જરૂર છે, ત્યારે એ સુધારા કરો. (યાકૂ. ૧:૨૩-૨૫) બાઇબલને તમારી માન્યતાનો બચાવ કરવા એક તલવારની જેમ વાપરો. તેમ જ, એના દ્વારા નેક દિલના લોકોને ખોટી માન્યતાઓ દૂર કરવા મદદ કરો. (એફે. ૬:૧૭) એમ કરો ત્યારે, એ પ્રબોધકો અને માણસોની પણ કદર કરજો, જેઓએ ‘પવિત્ર શક્તિની પ્રેરણાથી’ બાઇબલ લખ્યું છે. (w12-E 06/15)

[ફુટનોટ]

^ અમુક નામ બદલ્યાં છે.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૩૨ પર બ્લર્બ]

દરરોજ બાઇબલ વાંચો અને એના લખાવનાર માટે તમારો પ્રેમ વધશે

[પાન ૨૯ પર ચિત્ર]

પત્ર પર જેની સહી હોય, એના તરફથી પત્ર આવેલો ગણાય