સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યના નાગરિકો તરીકે વર્તો!

રાજ્યના નાગરિકો તરીકે વર્તો!

રાજ્યના નાગરિકો તરીકે વર્તો!

“ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો.”—ફિલિ. ૧:૨૭.

તમે કેવો જવાબ આપશો?

ઈશ્વરના રાજ્યના નાગરિકો કોણ બની શકે?

આપણે ઈશ્વરના રાજ્યની ભાષા, ઇતિહાસ અને કાયદાઓ વિષે શું કરવાની જરૂર છે?

રાજ્યના નાગરિકો કઈ રીતે બતાવી શકે કે તેઓ ઈશ્વરનાં ધોરણોને ચાહે છે?

૧, ૨. ફિલિપી મંડળને પાઊલે આપેલી સલાહ કેમ બહુ મહત્ત્વની હતી?

 પ્રેરિત પાઊલે ફિલિપી મંડળને ઉત્તેજન આપ્યું: “ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો.” (ફિલિપી ૧:૨૭ વાંચો.) પાઊલે “આચરણ” માટે વાપરેલા ગ્રીક શબ્દનું ભાષાંતર “નાગરિકો તરીકે વર્તો” પણ થઈ શકે. ફિલિપી મંડળ માટે આ શબ્દોનું બહુ મહત્ત્વ હતું. કેમ? કારણ કે ફિલિપી એવાં શહેરોમાંનું એક હતું, જેમાં રહેનારાઓને રોમન નાગરિકતા આપવામાં આવી હતી. ફિલિપી અને આખા રોમન સામ્રાજ્યમાં રહેનારા રોમન નાગરિકો એના લીધે ગર્વ અનુભવતા હતા. અને રોમન કાયદા નીચે મળેલા રક્ષણનો આનંદ માણતા હતા.

ફિલિપી મંડળના ભાઈબહેનો પાસે અભિમાન કરવાનું વધારે સારું કારણ હતું. પાઊલ તેઓને યાદ કરાવે છે કે અભિષિક્ત ખ્રિસ્તીઓ તરીકે તેઓની નાગરિકતા “આકાશમાં” છે. (ફિલિ. ૩:૨૦) તેઓ કંઈ માનવ સામ્રાજ્યના નહિ, પણ ઈશ્વરના રાજ્યના નાગરિકો હતા. એનાથી તેઓ અજોડ રક્ષણ અને ફાયદા મેળવતા હતા.—એફે. ૨:૧૯-૨૨.

૩. (ક) ઈશ્વરના રાજ્યના નાગરિક બનવાની તક કોની પાસે છે? (ખ) આ લેખમાં આપણે શું જોવાના છીએ?

“નાગરિકો તરીકે વર્તો,” એવી પાઊલની સલાહ પ્રથમ તો જેઓ સ્વર્ગમાં ઈસુ સાથે રાજ કરવાના છે તેઓને લાગુ પડે છે. (ફિલિ. ૩:૨૦) ઈશ્વરના રાજ્યની પૃથ્વી પરની પ્રજા બનશે, તેઓને પણ એ સલાહ લાગુ પાડી શકાય. શા માટે? કેમ કે બધા જ સમર્પિત ખ્રિસ્તીઓ એક જ રાજા, યહોવાની ભક્તિ કરે છે. એટલે તેઓએ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જ જીવવું જોઈએ. (એફે. ૪:૪-૬) આજે લોકો ધનવાન દેશોના નાગરિક બનવા માટે ઘણી મહેનત કરે છે. તો પછી, ઈશ્વરના રાજ્યના નાગરિક થવાની જે તક મળી છે, એની આપણે કેટલી બધી કદર કરવી જોઈએ! એ લહાવા માટે આપણી કદર વધારવા, ચાલો આપણે કેટલીક સરખામણી કરીએ. આપણે જોઈશું કે માનવ સરકાર અને ઈશ્વરના રાજ્યના નાગરિક બનવાની કઈ જરૂરિયાતો છે. પછી આપણે જોઈશું કે ઈશ્વરના રાજ્યના નાગરિક બની રહેવા કઈ ત્રણ બાબતો આપણે કરવી જ જોઈએ.

નાગરિકતા માટેની જરૂરિયાતો

૪. શુદ્ધ ભાષા એટલે શું? આપણે એ કઈ રીતે બોલીએ છીએ?

ભાષા શીખવી. કેટલીક માનવ સરકારોનો નિયમ છે કે જેઓ નાગરિકતા મેળવવા માંગે છે, તેઓ એ દેશની મુખ્ય ભાષા બોલતા હોવા જોઈએ. નાગરિકતા મળ્યા પછી પણ, ઘણા લોકો નવી ભાષા પર પકડ જમાવવા કદાચ ઘણાં વર્ષો મહેનત કરે છે. તેઓ કદાચ વ્યાકરણના નિયમો તરત શીખી જાય, પણ શબ્દોનો ખરો ઉચ્ચાર શીખતા થોડો સમય લાગી શકે. એ જ રીતે, ઈશ્વરના રાજ્યનો નિયમ છે કે એના નાગરિકો બાઇબલ જેને “શુદ્ધ હોઠો” કે શુદ્ધ ભાષા કહે છે એ શીખે. (સફાન્યા ૩:૯ વાંચો.) એ ભાષા કઈ છે? એ સત્ય છે, જે ઈશ્વર અને તેમના હેતુઓ વિષે બાઇબલમાં આપેલું છે. જ્યારે આપણે ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે વર્તીએ છીએ, ત્યારે આપણે શુદ્ધ ભાષા બોલીએ છીએ. ઈશ્વરના રાજ્યના નાગરિકો કદાચ બાઇબલનું મુખ્ય શિક્ષણ ઝડપથી શીખીને બાપ્તિસ્મા લઈ લે. પરંતુ, તેઓએ પોતાના બાપ્તિસ્મા પછી પણ શુદ્ધ ભાષા વધારે સારી રીતે બોલવા મહેનત કરતા રહેવું જ જોઈએ. કઈ રીતે? આપણે જે બાઇબલ સિદ્ધાંતો જાણીએ છીએ અને જે પાળીએ છીએ, એ બે વચ્ચેનું અંતર ઘટાડવું જોઈએ.

૫. કેમ આપણે યહોવાના સંગઠનના ઇતિહાસ વિષે બનતું બધું જ શીખવું જોઈએ?

ઇતિહાસ જાણવો. કોઈ પણ દેશના નાગરિક બનવા વ્યક્તિએ એના ઇતિહાસ વિષે કદાચ અમુક બાબતો શીખવી પડે. એ જ રીતે, જેઓ ઈશ્વરના રાજ્યના નાગરિક બનવા માંગે છે, તેઓએ એ રાજ્ય વિષે બનતું બધું જ શીખવું જોઈએ. પ્રાચીન ઈસ્રાએલમાં સેવા આપતા કોરાહના દીકરાઓના દાખલા પર ધ્યાન આપીએ. તેઓને યરૂશાલેમ, ભક્તિની જગ્યા અને શહેરના ઇતિહાસ વિષે વાતો કરવી ઘણું ગમતું. તેઓ બાંધકામથી નહિ પણ શહેર અને ભક્તિની જગ્યા જે દર્શાવતા હતા, એનાથી પ્રભાવિત હતા. યરૂશાલેમ “મોટા રાજાનું નગર” એટલે કે યહોવાનું નગર હતું, કેમ કે એ સાચી ભક્તિનું સ્થાન હતું. ત્યાં લોકોને યહોવાના નિયમો શીખવવામાં આવતા હતા. યરૂશાલેમના રાજા દ્વારા યહોવા પોતાની પ્રજાને પ્રેમ અને દયા બતાવતા. (ગીતશાસ્ત્ર ૪૮:૧, ૨, ૯, ૧૨, ૧૩ વાંચો.) તેઓની જેમ, શું તમે પણ યહોવાના સંગઠન વિષે શીખવા અને એના ઇતિહાસ વિષે બીજાઓને જણાવવાની હોંશ રાખો છો? ઈશ્વરના સંગઠન વિષે અને યહોવાએ પોતાના લોકોને કઈ રીતે મદદ કરી એ વિષે વધારે શીખશો તેમ, ઈશ્વરના રાજ્યમાં તમારી શ્રદ્ધા વધશે. એનાથી ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાની તમારી ઇચ્છા વધારે દૃઢ થશે.—યિર્મે. ૯:૨૪; લુક ૪:૪૩.

૬. યહોવા ઇચ્છે કે આપણે તેમના રાજ્યના નિયમો અને સિદ્ધાંતો શીખીએ અને પાળીએ, એ કેમ વાજબી છે?

કાયદાઓ જાણો. માનવ સરકારોની માંગ હોય છે કે લોકો દેશના કાયદાઓ શીખે અને પાળે. તો પછી, યહોવા ઇચ્છે કે રાજ્યના નાગરિકો માટે બનાવેલા બધા કાયદા અને સિદ્ધાંતો લોકો શીખે અને પાળે, એ કેટલું વાજબી છે! (યશા. ૨:૩; યોહા. ૧૫:૧૦; ૧ યોહા. ૫:૩) માણસોના કાયદામાં મોટા ભાગે ખામી હોય છે અને એ કાયદા ગેરવાજબી હોઈ શકે. એનાથી વિરુદ્ધ, “યહોવાનો નિયમ સંપૂર્ણ છે.” (ગીત. ૧૯:૭) શું આપણને ઈશ્વરના નિયમ ગમે છે? શું આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ? (ગીત. ૧:૧, ૨) ઈશ્વરના નિયમો વિષે શીખવાની એક જ રીત છે, જાતે અભ્યાસ કરવો. બીજું કોઈ આપણા માટે એ કરી શકતું નથી.

ઈશ્વરનાં ધોરણો માટે રાજ્યના નાગરિકોનો પ્રેમ

૭. રાજ્યના નાગરિકો કેવું ઊંચું ધોરણ રાખે છે?

રાજ્યના નાગરિકો બની રહેવા, ઈશ્વરનાં ધોરણો વિષે જાણવું જ પૂરતું નથી, આપણને એના પર પ્રેમ પણ હોવો જોઈએ. માનવ સરકારના ઘણા નાગરિકો કહેશે કે તેઓ પોતાના દેશના કાયદા અને ધોરણો સાથે સહમત છે. જોકે, તેઓને કોઈ કાયદો પાળવામાં અગવડ પડે અને તેઓને લાગે કે કોઈ જોતું નથી ત્યારે તેઓ એ કાયદો તોડી નાખે છે. મોટા ભાગે, આ લોકો “માણસોને ખુશ કરનારાઓ” છે. (કોલો. ૩:૨૨) જ્યારે કે રાજ્યના નાગરિકો જીવનમાં ઊંચું ધોરણ રાખે છે. આપણે ખુશીથી ઈશ્વરના નિયમો પાળીએ છીએ, ભલેને કોઈ માણસ જોતું ન હોય. શા માટે? કારણ કે આપણે નિયમો બનાવનાર, યહોવાને ચાહીએ છીએ.—યશા. ૩૩:૨૨; લુક ૧૦:૨૭ વાંચો.

૮, ૯. તમે ઈશ્વરના નિયમોને ખરેખર ચાહો છો એ કઈ રીતે જાણી શકો?

તમે ઈશ્વરના નિયમોને ખરેખર ચાહો છો એ કઈ રીતે જાણી શકો? તમને લાગતી હોય એવી અંગત બાબતમાં તમને સલાહ મળે ત્યારે તમે કઈ રીતે વર્તો છો, એના પર ધ્યાન આપો. દાખલા તરીકે, પહેરવેશ અને શણગાર. રાજ્યના નાગરિક બન્યા એ પહેલાં, તમે કદાચ મન ફાવે એવાં અને બીજાની જાતીય લાગણી ઉશ્કેરે એવાં કપડાં પહેરતાં હશો. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધ્યો તેમ, તમે ઈશ્વરને માન મળે એવાં કપડાં પહેરતા શીખ્યા. (૧ તીમો. ૨:૯, ૧૦; ૧ પીત. ૩:૩, ૪) હવે તમને લાગે છે કે તમારો પહેરવેશ યોગ્ય છે. પણ જો કોઈ વડીલ તમને જણાવે કે તમારા પહેરવેશથી મંડળના કેટલાક પ્રકાશકોને ઠોકર લાગી છે, તો તમે કઈ રીતે વર્તશો? શું તમે દલીલ કરશો? ચિડાઈ જશો? જિદ્દ કરશો? ઈશ્વરના રાજ્યનો મુખ્ય નિયમ છે કે બધા નાગરિકો ઈસુને અનુસરે. (૧ પીત. ૨:૨૧) ઈસુના દાખલા વિષે પ્રેરિત પાઊલે લખ્યું: ‘આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્‍નતિને અર્થે ખુશ કરવો. કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા ન હતા.’ (રોમ. ૧૫:૨, ૩) મંડળમાં સંપ રહે એ માટે, સમજુ ભાઈ કે બહેન સુધારો કરવા તૈયાર રહે છે, જેથી બીજાઓના અંતઃકરણને ઠોકર ન લાગે.—રોમ. ૧૪:૧૯-૨૧.

બીજા બે મહત્ત્વના વિષયોનો વિચાર કરો: જાતીય સંબંધ અને લગ્‍ન વિષે આપણું વલણ. જેઓ હજુ ઈશ્વરના રાજ્યના નાગરિક બન્યા નથી, તેઓ કદાચ સજાતીય સંબંધો ચલાવી લે. અથવા ગંદી ફિલ્મો કે અશ્લીલ સાહિત્ય (પોર્નોગ્રાફી) વિષે વિચારે કે એ તો બસ બે પલની મજા છે, એમાં કંઈ ખોટું નથી. તેમ જ, એવું વિચારે કે વ્યભિચાર તથા છૂટાછેડા અંગત બાબતો છે. રાજ્યના નાગરિકો પોતાના વર્તનના પરિણામ વિષે અને એનાથી બીજાઓ પર કેવી અસર પડશે એ વિચારવાનું શીખ્યા છે. ખરું કે ઘણા અગાઉ અનૈતિક જીવન જીવતા હતા, તેઓ હવે જાતીય સંબંધ અને લગ્‍નને ઈશ્વર તરફથી ભેટ ગણે છે. તેઓ ઈશ્વરનાં ઊંચાં ધોરણોને કીમતી ગણે છે. તેઓ પૂરા દિલથી સહમત છે કે જે કોઈ જાતીયતા વિષેના ઈશ્વરના નિયમો પાળતું નથી, તે રાજ્યના નાગરિક બનવાને લાયક નથી. (૧ કોરીં. ૬:૯-૧૧) જોકે, તેઓ જાણે છે કે હૃદય કપટી છે. (યિર્મે. ૧૭:૯) તેથી, તેઓ એવી ચેતવણીઓની કદર કરે છે, જેનાથી ઊંચાં ધોરણો જાળવી રાખવા મદદ મળે.

ચેતવણીઓની કદર કરતા રાજ્યના નાગરિકો

૧૦, ૧૧. ઈશ્વરનું રાજ્ય સમયસર કેવી ચેતવણી આપે છે અને તમને એના વિષે કેવું લાગે છે?

૧૦ માનવ સરકારો ખોરાક અને દવા વિષે ચેતવણી આપતા હોઈ શકે. બધી જાતનો ખોરાક કે દવાઓ કંઈ ખરાબ નથી. પણ જો કોઈ ખોરાક કે દવા જોખમી હોય, તો સરકાર પોતાના નાગરિકોના રક્ષણ માટે યોગ્ય ચેતવણીઓ આપે પણ ખરી. જો સરકાર એમ ન કરે તો એ આંખ આડા કાન કરે છે. એ જ રીતે, ઈશ્વરનું રાજ્ય પણ પોતાના નાગરિકોને સમયસર ચેતવણી આપે છે. ઈશ્વરનો નિયમ તૂટે અને આપણો ઈશ્વર સાથેનો સંબંધ જોખમમાં આવી પડે, એવી બાબતો વિષે એ રાજ્ય ચેતવણી આપે છે. દાખલા તરીકે, ઇન્ટરનેટ. એની મદદથી એકબીજા સાથે સંપર્કમાં રહી શકાય છે. એ શિક્ષણ અને મનોરંજન માટે ઉપયોગી છે. ઈશ્વરનું સંગઠન ઇન્ટરનેટની મદદથી ઘણાં સારાં કામો કરે છે. જોકે, ઇન્ટરનેટ પર એવી ઘણી વેબ સાઇટ છે, જે ખરા માર્ગે ચાલનાર માટે ખતરનાક છે. પોર્નોગ્રાફીને ઉત્તેજન આપતી વેબ સાઇટ્‌સ, રાજ્યના નાગરિકોનો ઈશ્વર સાથેનો સંબંધ જોખમમાં મૂકે છે. ઘણાં વર્ષોથી, વિશ્વાસુ ચાકર વર્ગ આપણને આવી વેબ સાઇટ્‌સ વિષે ચેતવે છે. ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરનારી આવી ચેતવણીઓ માટે આપણે કેટલા આભારી છીએ!

૧૧ તાજેતરનાં વર્ષોમાં, બીજા એક પ્રકારની વેબ સાઇટ ઘણી જાણીતી થઈ છે. જો એને પૂરી સાવધાનીથી વાપરવામાં આવે તો કામમાં આવી શકે. આ વેબ સાઇટ એટલે કે સોશિયલ નેટવર્કિંગ વેબ સાઇટ્‌સ, જે ખતરનાક સાબિત થઈ શકે છે. એનાથી વ્યક્તિ ખરાબ સોબતમાં પડી જઈ શકે. (૧ કોરીં. ૧૫:૩૩) એટલા માટે ઈશ્વરના સંગઠને આવી વેબ સાઇટ્‌સ વિષે યોગ્ય ચેતવણીઓ આપી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્‌સના વપરાશ વિષે વિશ્વાસુ ચાકરે હમણાંના સાહિત્યમાં ઘણી માહિતી આપી છે. શું તમે એ બધી માહિતી વાંચી છે? આ માહિતી વાંચ્યા વગર આવી વેબ સાઇટ્‌સ વાપરવી કેટલી મૂર્ખામી કહેવાય! * એ તો જાણે બોટલ ઉપરની ચેતવણી વાંચ્યા વગર સીધેસીધી ભારે દવા લેવા જેવી વાત થઈ.

૧૨. ચેતવણીઓને ધ્યાન ન આપવું કેમ મૂર્ખામી છે?

૧૨ વિશ્વાસુ ચાકર દ્વારા આપવામાં આવેલી ચેતવણી પર જે લોકો ધ્યાન આપતા નથી, તેઓ ચોક્કસ પોતાનું અને પોતાના કુટુંબનું નુકસાન કરે છે. કેટલાક લોકો પોર્નોગ્રાફી જોવાના બંધાણી થઈ ગયા છે અથવા વ્યભિચાર કર્યો છે. યહોવા એ જોઈ શકતા નથી એમ વિચારીને તેઓએ પોતાને મૂર્ખ બનાવ્યા છે. યહોવાથી આપણે પોતાનાં કામ સંતાડી શકીએ એમ માનવું કેટલું મૂર્ખાઈભર્યું છે! (નીતિ. ૧૫:૩; હિબ્રૂ ૪:૧૩ વાંચો.) ઈશ્વર આવા લોકોને મદદ કરવા માંગે છે અને તે વડીલોને પ્રેરે છે, જેથી તેઓ વ્યક્તિને મદદ કરી શકે. (ગલા. ૬:૧) માનવ સરકારો ખોટાં કામ કરનાર વ્યક્તિઓની નાગરિકતા પાછી લઈ શકે છે. એ જ રીતે, યહોવા પણ જે લોકો તેમનાં ધોરણો તોડીને પસ્તાવો કરતા નથી, તેઓની નાગરિકતા લઈ લેશે. * (૧ કોરીં. ૫:૧૧-૧૩) તોપણ, યહોવા દયાળુ છે. જેઓ પસ્તાવો કરે છે અને જીવનમાં સુધારો કરે છે, તેઓ ઈશ્વર સાથે ફરીથી પાકો સંબંધ બાંધી શકે છે. તેઓ રાજ્યના નાગરિક બની રહી શકે છે. (૨ કોરીં. ૨:૫-૮) આવા પ્રેમાળ રાજાની ભક્તિ કરવી કેટલા ગર્વની વાત છે!

શિક્ષણને કીમતી ગણતા રાજ્યના નાગરિકો

૧૩. રાજ્યના નાગરિકો કઈ રીતે બતાવી આપી શકે કે તેઓને મન શિક્ષણ કીમતી છે?

૧૩ ઘણી માનવ સરકારો પોતાના નાગરિકોને શિક્ષણ આપવા સખત મહેનત કરે છે. તેઓ એવી શાળાઓની ગોઠવણ કરે છે, જેમાં શિક્ષણ માટે ઉત્તેજન આપવામાં આવે છે. તેમ જ, એમાં કામકાજ કરવાની તાલીમ આપવામાં આવે છે. રાજ્યના નાગરિકો આવી શાળાઓની કદર કરે છે. તેઓ મન લગાડીને એમાં વાંચતા-લખતા અને પોતાના પગ પર ઊભા રહેતા શીખે છે. જોકે, ઈશ્વરના રાજ્યના નાગરિકો તરીકે તેઓને જે શિક્ષણ મળે છે એની તેઓ સૌથી વધારે કદર કરે છે. યહોવા પોતાના મંડળ દ્વારા શિક્ષણ આપે છે. માબાપોને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ પોતાનાં બાળકો સાથે ચોકીબુરજ અને સજાગ બનો! જેવા બાઇબલ આધારિત મૅગેઝિન વાંચે. જો તમે દરરોજ અમુક પાના વાંચો, તો તમે યહોવા તરફથી મળતા શિક્ષણથી લાભ મેળવતા રહેશો.

૧૪. (ક) આપણને કેવી તાલીમ મળે છે? (ખ) કુટુંબ તરીકે ભક્તિની સાંજ માટે આપવામાં આવેલાં કયાં સૂચનો પાળવાનું તમને ગમ્યું છે?

૧૪ દર અઠવાડિયે રાજ્યના નાગરિકોને મંડળની સભાઓમાં તાલીમ મળે છે. ઉદાહરણ તરીકે, સાઠથી વધારે વર્ષોથી દેવશાહી સેવા શાળા ચલાવવામાં આવે છે, જ્યાં વિદ્યાર્થીઓને ઈશ્વરના શબ્દના અસરકારક શિક્ષકો બનવા મદદ કરવામાં આવે છે. શું તમે આ શાળામાં નામ નોંધાવ્યું છે? હમણાંનાં વર્ષોમાં વિશ્વાસુ ચાકર કુટુંબ તરીકે ભક્તિની સાંજ માટે ખાસ ઉત્તેજન આપી રહ્યા છે. એનાથી કુટુંબમાં સંપ વધે છે. આપણા સાહિત્યમાં આપેલાં સૂચનો શું તમે લાગુ પાડી શક્યા છો? *

૧૫. આપણને કયો એક મોટો લહાવો મળ્યો છે?

૧૫ માનવ સરકારોના નાગરિકો રાજકીય પક્ષોને ટેકો આપવા માટે જાહેરમાં ભેગા થશે. અરે, એમ કરવા ઘરે ઘરે પણ જશે! રાજ્યના નાગરિકો એનાથી પણ મોટા પાયે પૂરા જુસ્સાથી ઈશ્વરના રાજ્યને ટેકો આપવા, શેરીઓમાં કે ઘરે ઘરે જાય છે. ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. આગળના લેખમાં જણાવ્યા પ્રમાણે, એ મૅગેઝિન હમણાં પૃથ્વી પર સૌથી વધારે વિતરણ પામે છે! ઈશ્વરના રાજ્ય વિષે બીજાઓને જણાવવું, એ આપણને મળેલા લહાવાઓમાંનો એક મોટો લહાવો છે. શું તમે પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવવાના કામમાં ભાગ લો છો?—માથ. ૨૮:૧૯, ૨૦.

૧૬. તમે ઈશ્વરના રાજ્યના એક સારા નાગરિક છો, એ કઈ રીતે સાબિત કરી શકો?

૧૬ જલદી જ આખી પૃથ્વી પર એકમાત્ર સરકાર, ઈશ્વરનું રાજ્ય હશે! એ આપણને ઈશ્વરની ભક્તિમાં જ નહિ, દરરોજના જીવનને લગતી બધી બાબતોમાં પણ માર્ગદર્શન આપશે. એ સમયે શું તમે ઈશ્વરના રાજ્યના એક સારા નાગરિક બની રહેશો? એ સાબિત કરવાનો આજે જ સમય છે. તમે દરરોજ જે કંઈ નિર્ણયો લો છો, એ સર્વ યહોવાને મહિમા આપવા કરો. આ રીતે સાબિત કરો કે તમે ઈશ્વરના રાજ્યના એક સારા નાગરિક તરીકે જીવો છો.—૧ કોરીં. ૧૦:૩૧. (w12-E 08/15)

[ફુટનોટ્‌સ]

^ જેમ કે, સજાગ બનો! જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨, પાન ૧૪-૧૭; પાન ૧૮-૨૧ અને ફેબ્રુઆરી ૨૦૧૨, પાન ૩-૯ (અંગ્રેજી) જુઓ.

^ ચોકીબુરજ માર્ચ ૧૫, ૨૦૧૨, પાન ૩૦-૩૧ (અંગ્રેજી); ઑગસ્ટ ૧, ૨૦૦૯, પાન ૨૨-૨૪ જુઓ.

^ ચોકીબુરજ ઑગસ્ટ ૧૫, ૨૦૧૧, પાન ૬-૭ (અંગ્રેજી) અને આપણી રાજ્ય સેવા જાન્યુઆરી ૨૦૧૧, પાન ૩-૬ જુઓ.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર બ્લર્બ]

શું તમે ઇન્ટરનેટને લગતી બાઇબલ આધારિત ચેતવણીઓ ધ્યાનમાં લો છો?

[પાન ૧૯ પર ચિત્ર]

કોરાહના પુત્રોની જેમ, શું તમે પણ સાચી ભક્તિ અને એના ઇતિહાસમાં આનંદ માણો છો?

[પાન ૨૨ પર ચિત્ર]

કુટુંબ તરીકે ભક્તિની સાંજ તમને અને તમારા કુટુંબને રાજ્યના સારા નાગરિક બનવા ઘણી મદદ કરી શકે છે