સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આ ભ્રષ્ટ દુનિયામાં પ્રામાણિક બનવું શક્ય છે?

શું આ ભ્રષ્ટ દુનિયામાં પ્રામાણિક બનવું શક્ય છે?

“અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએછીએ.”—હિબ્રૂ ૧૩:૧૮.

ખરું કે આપણું પાપી વલણ, આ દુનિયા અને શેતાન ભારે દબાણ લાવે છે. તોપણ, આપણે એનો સામનો કરી શકીએ છે. પણ કેવી રીતે? ઈશ્વરની નજીક જવાથી અને વર્ષોથી ઉપયોગી સાબિત થયેલા બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવાથી એમ કરી શકીએ. ચાલો એનો પુરાવો આપતા બે અનુભવો જોઈએ.

બાઇબલ સિદ્ધાંત: “આ દુનિયાના ધોરણને અનુસરો નહિ.”—રોમનો ૧૨:૨, કોમન લેંગ્વેજ બાઇબલ.

મારો અનુભવ: ગીલ્યમભાઈ બ્રાઝિલમાં વેપાર કરે છે. તે સ્વીકારે છે કે ઈમાનદાર બનવું એ કંઈ સહેલું નથી. તે કહે છે કે “કોઈ પણ વેપારી આસાનીથી બેઈમાનીના રસ્તે ચઢી જઈ શકે. એનું કારણ કદાચ કંપનીના ગોલ સિદ્ધ કરવાનું હોય શકે કે પછી દુનિયાની હરીફાઈમાં ટકી રહેવાનું હોઈ શકે. લોકોના મને લાંચ-રિશ્વતની આપલે કરવી એ સામાન્ય છે. જો ઘણા રૂપિયાનું સાહસ કરીને નવો ધંધો શરૂ કર્યો હોય, તો ઈમાનદાર રહેવું એક મોટો પડકાર બની જાય છે.”

તેમ છતાં, બેઈમાન બનવાના દબાણ સામે ગીલ્યમભાઈ સફળ થયા છે. તે જણાવે છે: “ભલે વેપારજગતમાં બેઈમાની ચલાવી લેવામાં આવે છે, તોપણ ઇમાનદાર રહી શકાય છે. એ માટે તમારામાં સારા સંસ્કારનાં મૂળ ઊંડાં હોવાં જોઈએ. ઇમાનદારીના ફાયદા જોવા બાઇબલે મને મદદ કરી. ઇમાનદારીને લીધે દિલ હંમેશાં સાફ રહે છે, મનની શાંતિ અને સ્વમાન રહે છે. એની બીજાઓ પર સારી અસર પડે છે.”

બાઇબલ સિદ્ધાંત: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે તેઓ પ્રલોભનમાં, ફાંદામાં અને જાતજાતની મૂર્ખાઈભરી હાનિકારક વાસનાઓમાં સપડાય છે, જે માણસને સર્વનાશના દરિયામાં ડુબાડે છે. કારણ, ધનનો લોભ એ બધાં પાપનું મૂળ છે.”—૧ તિમોથી ૬:૯, ૧૦, સંપૂર્ણ બાઇબલ.

મારો અનુભવ: આન્દ્રે એક એવી કંપનીના માલિક છે, જે સિક્યૉરિટી માટે સાધન-સુવિધાઓ પૂરી પાડે છે. તેમના ગ્રાહકોમાં એક ફૂટબોલ ક્લબ પણ છે. એક વાર, એ ક્લબની મૅચ પૂરી થયા પછી, આન્દ્રે એની એકાઉન્ટ ઑફિસમાં ગયા અને પોતે આપેલી સુવિધા માટેનું બિલ મૂક્યું. ટિકિટબારી પરથી આવેલા પૈસા ગણવામાં એકાઉન્ટ ઑફિસના લોકો ઘણા વ્યસ્ત હતા. ઘણું મોડું થઈ ગયું હતું. એટલે ઑફિસના મૅનેજરે ઉતાવળમાં આન્દ્રે સાથે બીજા વેપારીઓને પણ બિલના પૈસા ચૂકવી દીધા.

આન્દ્રે જણાવે છે કે “ઘરે જતી વખતે મને ખ્યાલ આવ્યો કે મૅનેજરે મને વધારે પૈસા ચૂકવ્યા હતા. તેણે ભૂલથી કોને વધારે પૈસા આપ્યા, એ તે જાણતો પણ નહિ હોય, એની મને ખબર હતી. પણ મને થયું કે એ બિચારાએ પોતાના ખિસ્સામાંથી ઉછીના કાઢીને આપવા પડશે! એટલે મેં પાછા જવાનું વિચાર્યું. ચાહકોની ભીડ જેમતેમ પાર કરીને હું પેલા મૅનેજરને વધારાના પૈસા પાછા આપવા ગયો. એ જોઈને મૅનેજર બહુ નવાઈ પામ્યો, કેમ કે આ રીતે કોઈએ કદી તેને પૈસા પાછા આપ્યા નહોતા.”

આન્દ્રે આગળ જણાવે છે: “મારી ઈમાનદારીથી મૅનેજરની નજરમાં મારું માન વધ્યું. આજે એ બનાવને ઘણાં વર્ષો વીતી ગયા છે. પણ એ ક્લબ સાથે હજી મારો કોન્ટ્રાક્ટ ચાલે છે. જ્યારે કે બીજા ઘણા સપ્લાયરો આવ્યા અને ગયા. બાઇબલના ઊંચા સંસ્કારના લીધે મારું સારું નામ બન્યું છે. એ માટે હું દિલથી આભારી છું.”

એ જાણીને કેટલું ઉત્તેજન મળે છે કે ઈશ્વરની મદદથી આપણે ખરાબ અસરનો સામનો કરી શકીએ છીએ! તેમ છતાં, એકાદ વ્યક્તિના સારા પ્રયાસોથી ભ્રષ્ટાચારનો જડમૂળથી નાશ થશે નહિ. એનાં મૂળીયાં એટલાં ઊંડાં છે કે માનવી પોતે એને કાઢી શકે એમ નથી. તો પછી, શું એનો એવો અર્થ થાય કે ભ્રષ્ટાચારનો ક્યારેય અંત નહિ આવે? આ વિષય પરનો છેલ્લો લેખ આપણને બાઇબલમાંથી એનો સંતોષકારક જવાબ આપશે. (w12-E 10/01)