સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભ્રષ્ટાચારનો અંત આવશે!

ભ્રષ્ટાચારનો અંત આવશે!

‘યહોવાની વાટ જો, તેને માર્ગે ચાલ. દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૩૪.

બીજાઓની જેમ શું તમને પણ એવો ડર છે કે ભ્રષ્ટાચારનો કદી અંત નહિ આવે, એને કદી જડમૂળથી કાઢી નહિ શકાય? જો એમ હોય તો એવો ડર સમજી શકાય છે. આજ સુધીના ઇતિહાસમાં માણસોએ બધા પ્રકારની સરકારો અજમાવી જોઈ છે. તોપણ, તેઓ ભ્રષ્ટાચારને જડમૂળથી ખતમ કરવામાં સફળ થયા નથી. શું કદી પણ એવો સમય આવશે જ્યારે, બધાં મનુષ્ય એકબીજા સાથે ઈમાનદારીથી વર્તશે?

બાઇબલ એનો જવાબ ‘હાʼમાં આપે છે, એ કેટલી ખુશીની વાત છે! એ જણાવે છે કે આખી પૃથ્વી પરથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઈશ્વર જલદી જ પગલા ભરશે. તે એમ કેવી રીતે કરશે? તે પોતાના રાજ્ય, જે એક સ્વર્ગીય સરકાર છે, એના વડે આપણી પૃથ્વી પરથી ભ્રષ્ટાચાર અને જુલમને દૂર કરશે. આ એ જ રાજ્ય છે જેના વિશે ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવા કહ્યું હતું. એ ‘પ્રભુની પ્રાર્થના’ તરીકે પણ ઓળખાય છે. એમાં ઈસુએ કહ્યું હતું: ‘તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’—માથ્થી ૬:૧૦.

એ રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્ત વિશે બાઇબલમાં આવી ભવિષ્યવાણી છે: ‘તે તેને છોડાવશે; અને દુઃખી, જેનો કોઈ મદદગાર નથી, તેનો તે બચાવ કરશે. તે અબળ તથા ગરીબ ઉપર દયા કરશે; ગરીબોનું તારણ કરશે; જુલમ તથા હિંસામાંથી તેઓને છોડાવશે.’ (ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪) એ નોંધ કરો કે જેઓ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે, એ બધા લોકો પર ઈસુને દયા આવે છે. ચોક્કસ, તે કાયમ માટે જુલમને મિટાવી દેશે! શું આ જાણીને આપણને દિલાસો નથી મળતો?

એ દયાળુ અને શક્તિશાળી રાજાના હાથો વડે ઈશ્વરનું રાજ્ય પૃથ્વીને ભ્રષ્ટાચારથી મુક્ત કરશે. કેવી રીતે? ભ્રષ્ટાચારનાં ત્રણ કારણો નાબૂદ કરીને.

પાપની અસર

હાલમાં, સ્વાર્થી બનાવતી પાપી ઇચ્છાઓ સામે આપણે બધાએ લડવું પડે છે. (રોમનો ૭:૨૧-૨૩) તેમ છતાં, દુનિયામાં સાચા માર્ગે ચાલનારા ઘણા લોકો છે. ઈસુ ખ્રિસ્તની કુરબાની દ્વારા ઈશ્વરે પાપોની માફી મેળવવાનો માર્ગ ખોલ્યો છે. * (૧ યોહાન ૧:૭, ૯) જેઓ એ ગોઠવણમાં વિશ્વાસ મૂકે છે, તેઓને ઈશ્વરના મહાન પ્રેમનો લાભ પામવાની તક મળશે. એ વિશે યોહાન ૩:૧૬ આમ કહે છે: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’

વફાદાર રહેનારા લોકો માટે ઈશ્વર ખરેખર અદ્‍ભુત બાબતો કરશે. આવનારી નવી દુનિયામાં ઈશ્વર પાપની દરેક અસર નાબૂદ કરશે. એ સમયે આખી માનવજાતિને ધીરે ધીરે તન-મનથી સંપૂર્ણ કરવામાં આવશે અને તેઓ ઈશ્વરની નજરમાં ન્યાયી ગણાશે. (યશાયા ૨૬:૯; ૨ પીતર ૩:૧૩) પછી કદી કોઈ પણ પાપની અસરમાં આવીને ભ્રષ્ટાચાર નહિ કરે. ઈશ્વરના રાજમાં, વફાદાર લોકો બધા પ્રકારના ભ્રષ્ટાચારથી પૂરેપૂરા મુક્ત થશે.

દુષ્ટ દુનિયાની અસર

દુઃખની વાત છે કે આજે ઘણા લોકો જાણીજોઈને બીજાઓને નિશાન બનાવે છે. તેઓ ગરીબ અને લાચાર લોકોનો ફાયદો ઉઠાવે છે. તેઓ બીજાઓને પણ ભ્રષ્ટાચાર કરવા પ્રેરે છે. બાઇબલ એવા લોકોને કડક ચેતવણી આપે છે: “દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે, ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે.” જો એવા ભ્રષ્ટ લોકો પસ્તાવો કરે, તો બાઇબલ વચન આપે છે કે ઈશ્વર તેઓને “સંપૂર્ણ ક્ષમા” કરશે.—યશાયા ૫૫:૭.

પણ, જેઓ પોતાના ખરાબ માર્ગો છોડવા તૈયાર નથી, એવા બંડખોર લોકોનો ઈશ્વર નાશ કરશે. બાઇબલનું આ વચન ઈશ્વરના રાજ્ય દ્વારા સાચું પડશે: ‘યહોવાની વાટ જો, તેમને માર્ગે ચાલ. દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.’ * (ગીતશાસ્ત્ર ૩૭:૩૪) જ્યારે બધા જ બંડખોર લોકોને દૂર કરવામાં આવશે, ત્યારે ઈશ્વરના વફાદાર ભક્તો કદી પણ ભ્રષ્ટાચારનો ભોગ નહિ બને.

શેતાનની અસર

શેતાન સૌથી અધમ પાપી છે. પણ યહોવા તેને કાબૂમાં લેશે, એટલે કે મનુષ્યો પર તેની કોઈ અસર નહિ થાય. એ માટે આપણે કેટલા આભારી છીએ! પછી, ઈશ્વર તેનો પૂરેપૂરો નાશ કરશે. ફરી કદી પણ એ દુષ્ટ રાક્ષસની અસરમાં આવીને કોઈ પણ ભ્રષ્ટાચાર નહિ કરે.

ખરું કે ભ્રષ્ટાચાર પાછળનાં બધાં કારણોને ઈશ્વર જડમૂળથી કાઢી નાંખશે, એવો વિચાર કદાચ સપનું લાગે. પણ તમને કદાચ થશે કે ‘સારા ફેરફારો લાવવા માટે ઈશ્વર પાસે કોઈ ઉપાય છે? જો હોય તો શા માટે તેમણે હજી સુધી કંઈ કર્યું નથી?’ આ પ્રશ્નોના જવાબ જાણવા જેવા છે અને બાઇબલ એનો સંતોષકારક જવાબ આપે છે. * આવનાર દિવસોમાં સર્વ પ્રકારના ભ્રષ્ટાચારનો કાયમી અંત આવશે! એ વિશે બાઇબલ શું શીખવે છે એ તપાસવા અમે તમને ઉત્તેજન આપીએ છીએ. (w12-E 10/01)

^ ઈસુ ખ્રિસ્તની કુરબાની વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૫ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે.