સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની આજ્ઞા માનો અને તેમનાં વચનોથી લાભ મેળવો

ઈશ્વરની આજ્ઞા માનો અને તેમનાં વચનોથી લાભ મેળવો

‘પોતાના કરતાં કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ ઈશ્વર ખાય, માટે તેમણે પોતાના જ સમ ખાધા.’—હિબ્રૂ ૬:૧૩.

૧. મનુષ્યોના અને ઈશ્વરના વચનમાં શું ફરક છે?

 યહોવા “સત્યના ઈશ્વર” છે. (ગીત. ૩૧:૫) ઈશ્વર પર કાયમ ભરોસો મૂકી શકાય છે, કેમ કે ‘તે જૂઠું બોલતા નથી.’ જ્યારે કે મનુષ્યોનો કાયમ ભરોસો ન થઈ શકે. (હિબ્રૂ ૬:૧૮; ગણના ૨૩:૧૯ વાંચો.) મનુષ્યોના ભલા માટે યહોવા જે નક્કી કરે છે એ થઈને જ રહે છે. દાખલા તરીકે, ઉત્પત્તિકાર્યના દરેક દિવસની શરૂઆતમાં ઈશ્વરે જેવું કહ્યું હતું, અંતે ‘તેવું જ થયું.’ આમ, ઉત્પત્તિકાર્યના છઠ્ઠા દિવસને અંતે, ‘ઈશ્વરે જે સર્વ ઉત્પન્‍ન કર્યું, તે તેમણે જોયું અને જુઓ, તે ઉત્તમોત્તમ હતું!’—ઉત. ૧:૬, ૭, ૩૦, ૩૧.

૨. ઈશ્વરનો વિશ્રામ દિવસ શું છે? શા માટે તેમણે ‘એને પવિત્ર ઠરાવ્યો’?

ઉત્પન્‍ન કરેલી સર્વ વસ્તુઓને સૌથી ઉત્તમ કહ્યા પછી, યહોવાએ સાતમા દિવસની શરૂઆત કરી. આ ઈશ્વરનો વિશ્રામનો દિવસ છે. એ દિવસ ચોવીસ કલાકનો નથી, પણ લાંબા સમયગાળાને બતાવે છે. એ દરમિયાન ઈશ્વરે પૃથ્વી પરના સર્જનકાર્યમાંથી વિશ્રામ લીધો. (ઉત. ૨:૨) ઈશ્વરનો એ દિવસ હજી પણ ચાલે છે. (હિબ્રૂ ૪:૯, ૧૦) બાઇબલ જણાવતું નથી કે એ દિવસની શરૂઆત ક્યારે થઈ. એ દિવસ આદમની પત્ની હવાને બનાવી એના અમુક સમય પછી શરૂ થયો હોઈ શકે. એને આજે લગભગ ૬,૦૦૦ વર્ષ થયા છે. ઈસુનું હજાર વર્ષનું રાજ્ય બહુ જલદીથી આવી રહ્યું છે. એ રાજ્ય દરમિયાન, પૃથ્વી માટેનો યહોવાનો હેતુ પૂરો થશે. સંપૂર્ણ મનુષ્યો સુંદર બાગ જેવી પૃથ્વી પર કાયમ માટે જીવે, એ તેમનો હેતુ છે. (ઉત. ૧:૨૭, ૨૮; પ્રકટી. ૨૦:૬) તમે પણ સુંદર ભાવિની ખાતરી રાખી શકો! કારણ કે ‘ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠરાવ્યો હતો.’ આ શબ્દો ખાતરી અપાવે છે કે ભાવિમાં કોઈ અણધારી મુશ્કેલીઓ આવે તોપણ, સાતમા દિવસને અંતે ઈશ્વરનો હેતુ ચોક્કસ પૂરો થશે.—ઉત. ૨:૩.

૩. (ક) ઈશ્વરનો વિશ્રામ દિવસ શરૂ થયા પછી, કયો બળવો થયો? (ખ) બળવાખોર અને એનાથી ઊભી થયેલી મુશ્કેલીઓનો અંત લાવવા વિશે યહોવાએ શું કહ્યું?

ઈશ્વરનો વિશ્રામ દિવસ શરૂ થયો એના અમુક સમય પછી મોટી મુશ્કેલી ઊભી થઈ. શેતાન કે જે એક સ્વર્ગદૂત હતો, તેણે બીજાઓને ઈશ્વરને બદલે પોતાની ભક્તિ કરવા માટે લલચાવ્યા. તેણે જૂઠ બોલવાની શરૂઆત કરી અને હવાને ઈશ્વરની આજ્ઞા તોડવા છેતરી. (૧ તીમો. ૨:૧૪) પછી, હવાએ પોતાના પતિ આદમને બળવામાં સામેલ કર્યો. (ઉત. ૩:૧-૬) આવો બળવો પહેલાં કદી પણ થયો નહોતો. યહોવા પર શેતાને આરોપ મૂક્યો કે તે સાચું બોલતા નથી. જોકે, યહોવાને જરૂરી ન લાગ્યું કે સમ ખાઈને સાબિત કરે કે પોતાનો હેતુ સાચો પડશે જ. પણ તેમણે એક વચન આપ્યું કે જે તેમના નક્કી કરેલા સમયે લોકોને સમજાશે. તેમણે ફક્ત એટલું જણાવ્યું હતું કે એ બળવાનો કેવી રીતે અંત લાવશે: “તારી [શેતાન] ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે [વચનનું સંતાન] તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.”—ઉત. ૩:૧૫; પ્રકટી. ૧૨:૯.

સમ ખાવા—સાચું બોલ્યાની ખાતરી

૪, ૫. ઈબ્રાહીમે પોતાના રક્ષણ માટે કાયદાનો સહારો લઈને શું કર્યું?

માનવ ઇતિહાસની શરૂઆતમાં, ઈશ્વરે આદમ-હવાને જે શબ્દાવલિ આપી હતી, એમાં ક્યાંય એવું જોવા નથી મળતું કે કોઈ વાતની ખરાઈ સાબિત કરવા માટે તેઓએ અવારનવાર સમ ખાવાં પડતાં હોય. સંપૂર્ણ મનુષ્યો યહોવાને ચાહતા અને અનુસરતા હોવાથી, તેઓને પણ સમ ખાવાની જરૂર ન હતી. એનું કારણ કે તેઓ હંમેશાં સાચું બોલતા અને એકબીજા ઉપર પૂરો ભરોસો રાખતા. પરંતુ, મનુષ્યોએ પાપ કર્યું અને અપૂર્ણતા આવી, ત્યારથી બધું જ બદલાઈ ગયું. સમય જતાં, જૂઠ અને છેતરપિંડી મનુષ્યોમાં સામાન્ય બની ગઈ. એટલા માટે, મહત્ત્વની બાબતોને સાચી સાબિત કરવા સમ ખાવાની જરૂરિયાત ઊભી થઈ.

ઈબ્રાહીમે ઓછામાં ઓછા ત્રણવાર, પોતે જે બોલ્યા એની ખાતરી અપાવવા સમ ખાધા હતા. (ઉત. ૨૧:૨૨-૨૪; ૨૪:૨-૪, ૯) એનો એક દાખલો લઈએ. એલામના રાજા અને તેના સાથી રાજાઓને ઈબ્રાહીમ હરાવીને પાછા આવતા હતા. એ સમયે શાલેમ અને સદોમના રાજાઓ ઈબ્રાહીમને મળવા આવ્યા હતા. શાલેમના રાજા મેલ્ખીસેદેક ‘પરાત્પર ઈશ્વરના યાજક પણ હતા.’ તેમણે ઈબ્રાહીમને આશીર્વાદ આપ્યો અને ઈબ્રાહીમને જીત અપાવવા માટે ઈશ્વરની સ્તુતિ કરી. (ઉત. ૧૪:૧૭-૨૦) ઈબ્રાહીમે સદોમના રાજાના માણસોને દુશ્મનોથી બચાવ્યા હોવાથી, એ રાજાએ તેમને અમુક સંપત્તિ આપવા ચાહી. ત્યારે ઈબ્રાહીમે સમ ખાઈને કહ્યું કે “મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે, કે હું સૂતળી કે જોડાની વાધરી કે તારી કંઈ પણ વસ્તુ નહિ લઉં, રખેને તું કહે કે ઈબ્રામ મારાથી ધનવાન થયો છે.”—ઉત. ૧૪:૨૧-૨૩.

યહોવાએ સમ ખાઈને ઈબ્રાહીમને વચન આપ્યું

૬. (ક) ઈબ્રાહીમે આપણા માટે કયો દાખલો બેસાડ્યો? (ખ) ઈબ્રાહીમે આજ્ઞા પાળી હોવાથી આપણને કેવી રીતે ફાયદો થાય છે?

મનુષ્યના ભલા માટે ખુદ યહોવાએ ઘણી વાર આવી રીતે પણ સમ ખાધા છે, જેમ કે “પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે.” (હઝકી. ૧૭:૧૬) બાઇબલ જણાવે છે કે યહોવાએ ૪૦થી વધુ વખત સમ ખાઈને વચન આપ્યા છે. કદાચ સૌથી જાણીતું ઉદાહરણ ઈબ્રાહીમ સાથેના તેમના વ્યવહારમાં જોવા મળે છે. વર્ષો દરમિયાન, યહોવાએ ઈબ્રાહીમને અનેક વચનો આપ્યાં હતાં. એ બધાં વચનો બતાવતાં હતાં કે ઈસ્હાક મારફતે ઈબ્રાહીમના વંશમાંથી વચનનું સંતાન આવશે. (ઉત. ૧૨:૧-૩, ૭; ૧૩:૧૪-૧૭; ૧૫:૫, ૧૮; ૨૧:૧૨) પછી, યહોવાએ ઈબ્રાહીમની આકરી કસોટી કરતા, તેમના વહાલા દીકરા ઈસ્હાકનું બલિદાન આપવા જણાવ્યું. મોડું કર્યા વગર ઈબ્રાહીમે આજ્ઞા પાળી. તે ઈસ્હાકનું બલિદાન કરવા જ જતા હતા, એવામાં સ્વર્ગદૂતે તેમને રોક્યા. પછી, યહોવાએ આમ કહીને સમ ખાધા: “મેં પોતાના સમ ખાધા છે, કે તેં એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકનાએક દીકરાને, પાછો રાખ્યો નથી: તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે; અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”—ઉત. ૨૨:૧-૩, ૯-૧૨, ૧૫-૧૮.

૭, ૮. (ક) યહોવાએ કયા હેતુથી ઈબ્રાહીમની આગળ સમ ખાધા? (ખ) યહોવાના સમથી ઈસુનાં “બીજાં ઘેટાં”ને કઈ રીતે લાભ થાય છે?

પોતાનાં વચનો સાચાં પડશે એ સાબિત કરવા યહોવાએ કેમ ઈબ્રાહીમની આગળ સમ ખાધા? એ માટે કે વચનના “સંતાન”નો બીજો ભાગ બનનારાઓને ખાતરી મળે કે તેઓ ઈસુ સાથે વારસાના ભાગીદાર બનશે અને તેઓની શ્રદ્ધા મજબૂત થાય. (હિબ્રૂ ૬:૧૩-૧૮ વાંચો; ગલા. ૩:૨૯) પ્રેરિત પાઊલ સમજાવે છે તેમ, યહોવા ‘સમ ખાઈને વચ્ચે પડ્યા; એ માટે કે એ વચન તથા સમ જેમાં ઈશ્વરથી જૂઠું બોલી શકાતું નથી, એવી બે નિશ્ચળ વાતો [તેમના વચનો અને તેમના સમ]થી આપણને, એટલે આગળ મૂકેલી આશા પકડવા માટે આશ્રયને માટે દોડનારાને, ઘણું ઉત્તેજન મળે.’

યહોવાએ ઈબ્રાહીમ આગળ ખાધેલા સમથી, ફક્ત અભિષિક્ત ખ્રિસ્તીઓને લાભ થતો નથી. પણ યહોવાએ સમ ખાઈને કહ્યું હતું તેમ, ઈબ્રાહીમના “સંતાન” દ્વારા “પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.” (ઉત. ૨૨:૧૮) એમાં ઈસુની આજ્ઞા માનનારા “બીજાં ઘેટાં”ના સભ્યોનો સમાવેશ થાય છે, જેઓ ધરતી પર કાયમ જીવવાની આશા રાખે છે. (યોહા. ૧૦:૧૬) ભલે તમારી આશા સ્વર્ગની હોય કે પૃથ્વી પરની, યહોવાના કહેવા પ્રમાણે જીવીને તમારી આશા ‘પકડી રાખો.’—હિબ્રૂ ૬:૧૧, ૧૨ વાંચો.

યહોવાના બીજા સમ

૯. ઈબ્રાહીમનાં સંતાનો મિસરની ગુલામીમાં હતા ત્યારે, યહોવાએ કયા સમ ખાધા હતા?

આગળ જણાવેલા પોતાના વચન સંબંધી, સદીઓ પછી યહોવાએ ફરીથી સમ ખાધા. મિસરની ગુલામીમાં રહેતાં ઈબ્રાહીમના સંતાનો સાથે વાત કરવા મુસાને મોકલ્યા ત્યારે, યહોવાએ સમ ખાધા હતા. (નિર્ગ. ૬:૬-૮) એ પ્રસંગ વિશે વાત કરતા યહોવાએ કહ્યું: ‘જે દિવસે મેં ઈસ્રાએલને પસંદ કર્યો. તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા કે હું તેઓને મિસર દેશમાંથી કાઢીને દૂધમધની રેલછેલવાળા એક દેશમાં લાવું.’—હઝકી. ૨૦:૫, ૬.

૧૦. ઈસ્રાએલીઓને મિસરમાંથી આઝાદ કર્યા પછી, યહોવાએ કયું વચન આપ્યું?

૧૦ મિસરની ગુલામીમાંથી ઈસ્રાએલીઓને આઝાદ કર્યા પછી, યહોવાએ ફરીથી સમ ખાઈને બીજું એક વચન આપ્યું: “જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે; અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.” (નિર્ગ. ૧૯:૫, ૬) યહોવાએ ઈસ્રાએલીઓને કેટલી અજોડ તક આપી હતી! ઈસ્રાએલીઓમાંથી જે કોઈ ઈશ્વરનું કહેવું માને, તેમને યાજકોનું રાજ્ય બનવાની તક હતી. એ રાજ્ય દ્વારા ઈશ્વર સર્વ લોકોને આશીર્વાદો આપવાના હતા. સમય જતાં, યહોવાએ ઉપરના પ્રસંગે ઈસ્રાએલી પ્રજા માટે શું કર્યું હતું, એ જણાવતા એમ કહ્યું: ‘મેં તારી આગળ સોગન ખાધા અને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.’—હઝકી. ૧૬:૮.

૧૧. પસંદ થયેલા લોકો તરીકે, ઈસ્રાએલીઓને કરારમાં જોડાવા માટે યહોવાએ આમંત્રણ આપ્યું ત્યારે, તેઓએ શું કર્યું?

૧૧ એ સમયે, ઈસ્રાએલીઓ આજ્ઞા પાળશે એની ખાતરી આપવા, યહોવાએ તેઓને સમ ખાવાની ફરજ પાડી નહિ. તેમ જ, એ અજોડ સંબંધમાં જોડાવા તેઓને દબાણ કર્યું નહિ. એને બદલે, ઈસ્રાએલીઓએ પોતાની મરજીથી આમ કહ્યું: “યહોવાએ જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” (નિર્ગ. ૧૯:૮) એના ત્રણ દિવસ પછી, યહોવાએ ઈસ્રાએલીઓને જણાવ્યું કે તેમની પસંદ થયેલી પ્રજા પાસેથી તે શું ચાહે છે. પ્રથમ, તેઓએ મુસા પાસેથી દસ આજ્ઞાઓ સાંભળી. એ પછી, મુસાએ તેઓને બીજા નિયમો વાંચી સંભળાવ્યાં, જે નિર્ગમન ૨૦:૨૨થી નિર્ગમન ૨૩:૩૩માં જોવા મળે છે. ઈસ્રાએલીઓએ એનો કેવો જવાબ આપ્યો? ‘બધા લોકોએ એક અવાજે ઉત્તર આપ્યો, યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.’ (નિર્ગ. ૨૪:૩) એ પછી, મુસાએ ‘કરારના પુસ્તકʼમાં બધા નિયમો લખ્યાં અને ફરી એમાંથી મોટે સાદે આખી પ્રજાને વાંચી સંભળાવ્યા. ત્રીજી વાર, એ લોકોએ સમ ખાઈને કહ્યું: “યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું.”—નિર્ગ. ૨૪:૪, ૭, ૮.

૧૨. ઈસ્રાએલીઓ સાથે કરાર કર્યા પછી યહોવાએ શું કર્યું અને ઈસ્રાએલીએઓ શું કર્યું?

૧૨ પોતાની તરફથી નિયમકરાર પૂરો કરવા યહોવાએ તરત જ પગલાં ભર્યાં. તેમણે ભક્તિ માટે મુલાકાત મંડપ અને યાજકવર્ગની ગોઠવણ કરી, જેના દ્વારા પાપી મનુષ્યો તેમની સમક્ષ આવી શકે. જ્યારે કે ઈસ્રાએલીઓ પોતે આપેલું વચન તરત ભૂલી ગયા અને “ઈસ્રાએલના પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.” (ગીત. ૭૮:૪૧) દાખલા તરીકે, મુસા સિનાઈ પર્વત ઉપર વધારે માર્ગદર્શન મેળવતા હતા ત્યારે, ઈસ્રાએલીઓની ધીરજ ખૂટી ગઈ અને ઈશ્વર પ્રત્યે તેઓની શ્રદ્ધા ઘટવા લાગી. એમ વિચારવા લાગ્યા કે મુસાએ તેઓને ત્યજી દીધાં છે. એટલે તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું અને પ્રજાને કહ્યું કે “હે ઈસ્રાએલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.” (નિર્ગ. ૩૨:૧, ૪) પછી તેઓએ એક “પર્વ” રાખ્યું અને એ “યહોવાને માટે” ગણાવ્યું. માણસે બનાવેલી મૂર્તિઓને તેઓ નમન કરવા અને બલિદાન ચઢાવવા લાગ્યા. એ જોઈને યહોવાએ મુસાને કહ્યું: “જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે.” (નિર્ગ. ૩૨:૫, ૬, ૮) દુઃખની વાત છે કે ત્યારથી ઈસ્રાએલીઓ વારંવાર ઈશ્વર સાથે કરાર કરતા અને સમય જતાં તોડી નાંખતા!—ગણ. ૩૦:૨.

બીજા બે સમ

૧૩. યહોવાએ દાઊદ રાજાને સમ ખાઈને કયું વચન આપ્યું? એ વચનના સંતાન સાથે કઈ રીતે જોડાયેલું છે?

૧૩ દાઊદના રાજ્ય દરમિયાન, યહોવાએ બીજી બે વાર સમ ખાઈને વચન આપ્યા, જેથી તેમની આજ્ઞા પાળનારાઓને લાભ થાય. પ્રથમ તો, યહોવાએ દાઊદને વચન આપ્યું કે તેમની રાજગાદી કાયમ ટકશે. (ગીત. ૮૯:૩૫, ૩૬; ૧૩૨:૧૧, ૧૨) એનો અર્થ થાય કે વચનના સંતાનને “દાઊદનો દીકરો” કહેવામાં આવશે. (માથ. ૧:૧; ૨૧:૯) દાઊદે નમ્રભાવે, આવનાર સંતાનને “પ્રભુ” કહ્યા, કેમ કે ખ્રિસ્ત ઊંચો હોદ્દો ધારણ કરવાના હતા.—માથ. ૨૨:૪૨-૪૪.

૧૪. યહોવાએ વચનના સંતાન વિશે કયા સમ ખાધા? એનાથી આપણને કયો લાભ થાય છે?

૧૪ બીજું કે યહોવાએ દાઊદને એ અજોડ રાજા વિશે લખવાની પ્રેરણા આપી, જે મનુષ્ય માટે પ્રમુખયાજક તરીકે સેવા આપશે. ઈસ્રાએલમાં યાજકો લેવીના કુળમાંથી આવતા અને રાજાઓ યહુદાના કુળમાંથી. એટલે, વ્યક્તિ રાજા અને પ્રમુખયાજક તરીકેની ભૂમિકા એકસાથે ભજવી શકતી ન હતી. પરંતુ, પોતાના આવનાર વારસ વિશે દાઊદે ભાખ્યું કે “યહોવાએ મારા પ્રભુને કહ્યું, કે હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, કે તું મેલ્ખીસેદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે.” (ગીત. ૧૧૦:૧, ૪) એ ભવિષ્યવાણી પ્રમાણે, આજે ઈસુ વચનના સંતાન તરીકે, સ્વર્ગમાંથી રાજ કરે છે. ઉપરાંત, તે માણસજાતના પ્રમુખયાજક તરીકે, પસ્તાવો કરનાર મનુષ્યોને યહોવા સાથે સંબંધ જોડવા મદદ કરે છે.—હિબ્રૂ ૭:૨૧, ૨૫, ૨૬ વાંચો.

ઈશ્વરનું નવું ઈસ્રાએલ

૧૫, ૧૬. (ક) બાઇબલમાં કયા બે ઈસ્રાએલની વાત થઈ છે? કયા ઈસ્રાએલ પર આજે ઈશ્વરના આશીર્વાદ છે? (ખ) સમ ખાવા વિશે ઈસુએ પોતાના શિષ્યોને કઈ આજ્ઞા આપી?

૧૫ ઈસ્રાએલી પ્રજાએ ઈસુનો નકાર કર્યો હોવાથી, છેવટે યહોવાની કૃપા ગુમાવી બેઠા અને “યાજકોનું રાજ્ય” બનવાનો આશીર્વાદ પણ ગુમાવ્યો. યહુદી આગેવાનોને ઈસુએ કહ્યું તેમ, “ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માથ. ૨૧:૪૩) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ઈસુના ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં ભેગા થયા હતા. એ વખતે તેઓ પર યહોવાની શક્તિ આવી, ત્યારે નવા ઈસ્રાએલનો જન્મ થયો. આમ તેઓ “ઈશ્વરના ઈસ્રાએલ” તરીકે ઓળખાયા. થોડા જ સમયમાં, તેઓની સંખ્યા હજારોની થઈ ગઈ. તેઓ એ જમાનાની સર્વ પ્રજાઓમાંથી આવેલા હતા.—ગલા. ૬:૧૬.

૧૬ ઈશ્વરનું ઈસ્રાએલ, મૂળ ઈસ્રાએલ જેવું નથી. તેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે. તેઓને મળેલી એક આજ્ઞા સમ ખાવા વિશે છે. ઈસુના સમયમાં લોકો ખોટી અથવા નજીવી બાબતોમાં સમ ખાતા. (માથ. ૨૩:૧૬-૨૨) ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે ‘કંઈ જ સમ ન ખાઓ, પણ તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે એ ભૂંડાથી,’ એટલે કે શેતાનથી છે.—માથ. ૫:૩૪, ૩૭.

યહોવાએ આપેલાં વચનો હંમેશાં સાચાં પડે છે

૧૭. હવે પછીના લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

૧૭ શું એનો એવો અર્થ થાય કે સમ ખાવા હંમેશાં ખોટું કહેવાય? મહત્ત્વનો સવાલ એ છે કે તમારી ‘હા’ એટલે હા, એ શબ્દો શું બતાવે છે? હવે પછીના લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું. આપણે ઈશ્વરના વચન બાઇબલ પર મનન કરીશું તેમ, યહોવાની આજ્ઞાઓ પાળવાનું મન થશે. એમ કરીશું તો, ઈશ્વરના અમૂલ્ય સમ પ્રમાણે, તે આપણને હંમેશ માટે પુષ્કળ આશીર્વાદ આપશે. (w12-E 10/15)