સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’

‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો’

‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો.’—ગીત. ૧૪૩:૧૦.

૧, ૨. ઈશ્વરની ઇચ્છા પારખવાથી કેવો લાભ થશે? એ વિશે દાઊદ રાજા પાસેથી શું શીખવા મળે છે?

 કલ્પના કરો કે તમે જંગલમાંથી જઈ રહ્યા છો. તમારી આગળ બે રસ્તા પડે છે. એમાંથી કયો રસ્તો લેશો? એ નક્કી કરવા તમે ઊંચી જગ્યા પર ચઢીને જોશો કે એ રસ્તાઓ ક્યાં લઈ જાય છે. એવો જ સિદ્ધાંત મહત્ત્વના નિર્ણય લેવામાં પણ લાગુ પડે છે. નિર્ણય લેતી વખતે સંજોગોને સારી રીતે સમજવાથી કે એના વિશે ઈશ્વરના વિચારો જાણવાથી ઘણો લાભ થાય છે. એમ કરવાથી ઈશ્વરની ઇચ્છા પારખવા અને તેમના “માર્ગ” પર ચાલવા મદદ મળશે.—યશા. ૩૦:૨૧.

દાઊદ ઈસ્રાએલના રાજા હતા. તેમણે જીવનમાં મોટા ભાગે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવીને, આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો છે. ચાલો, આપણે તેમના જીવનના અમુક બનાવો તપાસીએ અને શીખીએ કે તેમણે કઈ રીતે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી.—૧ રાજા. ૧૧:૪.

દાઊદે યહોવાનું નામ બુલંદ કર્યું

૩, ૪. (ક) ગોલ્યાથ સામે લડવા દાઊદને શામાંથી મદદ મળી? (ખ) ઈશ્વરના નામને દાઊદે કેવું ગણ્યું?

આ બનાવનો વિચાર કરો: દાઊદ પલિસ્તીઓના સૈનિક ગોલ્યાથ સામે લડવા ગયા. લગભગ સાડા નવ ફૂટ ઊંચા, શસ્ત્રથી સજ્જ રાક્ષસી પલિસ્તી સામે જવા, યુવાન દાઊદને ક્યાંથી પ્રેરણા મળી? (૧ શમૂ. ૧૭:૪) શું તેમની હિંમતમાંથી? કે પછી ઈશ્વર પરની શ્રદ્ધામાંથી? એ બહાદુરીના કાર્યમાં બન્‍ને ગુણો એટલા જ મહત્ત્વના હતા. જોકે, યહોવા અને તેમના નામ માટે ખૂબ પ્રેમ હોવાથી, દાઊદ એ રાક્ષસની સામે લડી શક્યા. ક્રોધે ભરાઈને દાઊદે પૂછ્યું: “આ બેસુનત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”—૧ શમૂ. ૧૭:૨૬.

ગોલ્યાથની સામે આવીને દાઊદે કહ્યું: ‘તું તરવાર, ભાલો ને બરછી લઈને મારી સામે આવે છે; પણ હું સૈન્યોના યહોવા, ઈસ્રાએલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમના નામે તારી સામે આવું છું.’ (૧ શમૂ. ૧૭:૪૫) યહોવા પર ભરોસો રાખીને દાઊદે બળવાન ગોલ્યાથને ગોફણ દ્વારા એક જ પથ્થરથી નીચે પાડી નાખ્યો. આ એક માત્ર બનાવ નથી, પણ દાઊદે પોતાના જીવન દરમિયાન યહોવામાં ભરોસો મૂક્યો અને તેમના નામ માટે ઊંડું માન બતાવ્યું. સાચે જ, દાઊદ તો યહોવાના ‘પવિત્ર નામનો જયજયકાર કરવા’ ચાહતા હતા.—૧ કાળવૃત્તાંત ૧૬:૩૫ વાંચો.

૫. કેવા સંજોગોમાં તમારે કદાચ ગોલ્યાથનાં ટોણાં જેવું કંઈક સાંભળવું પડે?

યહોવા તમારા ઈશ્વર છે, એનાથી શું તમને ગર્વ થાય છે? (યિર્મે. ૯:૨૪) જ્યારે પાડોશીઓ, સાથી કામદારો, સાથી વિદ્યાર્થી અથવા સગાં-વહાલાઓ યહોવા વિશે ખરાબ બોલે અથવા તેમના સેવકોની મજાક ઉડાવે, ત્યારે તમને કેવું લાગે છે? યહોવાના નામની નિંદા થાય ત્યારે શું કરશો? યહોવા મદદ કરશે એવો ભરોસો રાખીને તેમના પક્ષમાં બોલશો? ખરું કે “ચૂપ રહેવાનો” પણ સમય હોય છે, પણ આપણે યહોવાના સાક્ષી હોવાથી અને ઈસુને પગલે ચાલતા હોવાથી તેમના પક્ષમાં બોલવા શરમાવું ન જોઈએ. (સભા. ૩:૧, ૭; માર્ક ૮:૩૮) ખરું કે સત્યમાં રસ ન બતાવનારા અને વિરોધ કરનારા લોકો સાથે સમજી-વિચારીને વાત કરવી જોઈએ. જોકે, આપણે એવા ઈસ્રાએલીઓ જેવા નથી બનવું, જેઓ ગોલ્યાથનાં ટોણાં સાંભળીને “ગભરાઈ ગયા, ને ઘણા બીધા.” (૧ શમૂ. ૧૭:૧૧) એને બદલે, આપણે સમજી-વિચારીને એ રીતે વર્તવું જોઈએ જેથી યહોવાનું નામ પવિત્ર મનાય. આપણે ચાહીએ છીએ કે લોકો યહોવા ઈશ્વરને પૂરેપૂરી રીતે ઓળખે. એમ કરવા ચાલો આપણે બાઇબલ વાપરીને લોકોને એ જોવા મદદ કરીએ કે ઈશ્વર સાથે સંબંધ બાંધવો ખૂબ જ મહત્ત્વનું છે.—યાકૂ. ૪:૮.

૬. ગોલ્યાથ સાથે દાઊદ લડવા ગયા ત્યારે, તેમનો હેતુ શું હતો? અને આપણા જીવનમાં કયો મહત્ત્વનો હેતુ હોવો જોઈએ?

દાઊદે જે રીતે ગોલ્યાથનો સામનો કર્યો, એનાથી બીજો એક મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. જ્યારે દાઊદ સૈન્ય તરફ લડવા માટે દોડતાં દોડતાં આવ્યાં, ત્યારે આમ પૂછ્યું: “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઈસ્રાએલનું મહેણું દૂર કરે, તેને શું મળશે?” ત્યારે લોકોએ તેને આમ કહ્યું: “જે માણસ એને મારી નાખશે તેને રાજા ઘણું દ્રવ્ય આપીને ધનવાન કરશે, ને પોતાની દીકરી તેને પરણાવશે.” (૧ શમૂ. ૧૭:૨૫-૨૭) પણ દાઊદને ધનવાન બનવાની જરાય પડી ન હતી. તેમના મને તો યહોવાના નામને મહિમા મળે એ વધારે મહત્ત્વનું હતું. (૧ શમૂએલ ૧૭:૪૬, ૪૭ વાંચો.) આપણા વિશે શું? શું આપણા માટે દુનિયામાં નામના કમાવી અને પુષ્કળ ધનદોલત ભેગી કરવી જ બધું છે? સાચે જ, આપણે પણ દાઊદ જેવા બનવા ચાહીએ છીએ, જેમણે પ્રાર્થનામાં આમ ગાયું: ‘મારી સાથે યહોવાને મોટા માનો અને આપણે એકઠાં મળીને તેમનું નામ બુલંદ માનીએ.’ (ગીત. ૩૪:૩) તેથી, ચાલો આપણે યહોવામાં પૂરો ભરોસો બતાવીએ. પોતાનું નહિ પણ તેમનું નામ મહાન બનાવવા બનતા બધા પ્રયત્નો કરીએ.—માથ. ૬:૯.

૭. લોકો સત્યમાં રસ ન બતાવે તોપણ, પ્રચારમાં લાગુ રહેવા માટે કેવી રીતે શ્રદ્ધા મજબૂત કરી શકીએ?

દાઊદને યહોવામાં પૂરેપૂરો ભરોસો હોવાથી તે ગોલ્યાથની સામે લડવા જઈ શક્યા. યુવાન દાઊદને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. ઘેટાંપાળક તરીકે કામ કરતી વખતે તે યહોવા પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યા. આ રીતે તે મજબૂત શ્રદ્ધા કેળવી શક્યા. (૧ શમૂ. ૧૭:૩૪-૩૭) ખાસ કરીને જેઓને સત્યમાં રસ નથી એવા લોકોને મળીએ ત્યારે, પ્રચારમાં લાગુ રહેવા આપણને પણ એવી જ શ્રદ્ધાની જરૂર પડે. રોજિંદા જીવનમાં ઈશ્વર પર આધાર રાખવાથી આપણે એવી શ્રદ્ધા કેળવી શકીશું. દાખલા તરીકે, આપણે બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે સત્ય વિશે વાત કરવાનો પ્રયત્ન કરી શકીએ. તેમ જ, ઘરે ઘરે પ્રચાર કરતી વખતે, રસ્તા પર લોકો મળે ત્યારે તેઓ સાથે પણ વાત કરતા અચકાઈએ નહિ.—પ્રે.કૃ. ૨૦:૨૦, ૨૧.

દાઊદ માટે યહોવાની ઇચ્છા મહત્ત્વની હતી

૮, ૯. શાઊલ રાજા સાથેનું દાઊદનું વર્તન કઈ રીતે બતાવે છે કે તે યહોવાની ઇચ્છા પ્રમાણે ચાલતા?

દાઊદને યહોવામાં પૂરો ભરોસો હતો, એનો બીજો દાખલો ઈસ્રાએલના પ્રથમ રાજા શાઊલ સાથે જોડાયેલો છે. શાઊલને દાઊદ પર ઈર્ષા હોવાથી, ત્રણ વાર તેમને ભાલાથી વીંધવાનો પ્રયત્ન કર્યો. ત્રણેય વાર દાઊદ તેમના નિશાનથી છટકી ગયા અને સામો બદલો પણ લીધો નહિ. આખરે તે શાઊલથી દૂર નાસી ગયા. (૧ શમૂ. ૧૮:૭-૧૧; ૧૯:૧૦) પછી શાઊલ ઈસ્રાએલના ૩,૦૦૦ સૈનિકોને લઈને દાઊદને અરણ્યમાં શોધવા નીકળ્યા. (૧ શમૂ. ૨૪:૨) એક દિવસે, શાઊલ અજાણતા એ જ ગુફામાં ગયા, જ્યાં દાઊદ અને તેમના સાથીઓ પણ હતા. ત્યારે શાઊલને મારી નાખવાનું દાઊદ વિચારી શક્યા હોત, કેમ કે ઈશ્વરે પહેલેથી જણાવી દીધું હતું કે દાઊદ ઈસ્રાએલના નવા રાજા બનશે. (૧ શમૂ. ૧૬:૧, ૧૩) એ સમયે જો દાઊદે તેમના સાથીઓનું માન્યું હોત, તો શાઊલ માર્યા જાત. પરંતુ દાઊદે કહ્યું: “મારો હાથ તેની વિરુદ્ધ લંબાવીને મારા મુરબ્બી એટલે યહોવાના અભિષિક્ત પ્રત્યે હું એવું કામ કરું, એવું યહોવા ન થવા દો, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.” (૧ શમૂએલ ૨૪:૪-૭ વાંચો.) હજી પણ શાઊલ, યહોવાના અભિષિક્ત રાજા હતા. શાઊલ પાસેથી દાઊદ રાજ્ય છીનવી લેવા ચાહતા ન હતા, કેમ કે યહોવાએ હજી શાઊલ પાસેથી રાજ્ય લઈ લીધું ન હતું. શાઊલના ઝભ્ભાની કોર કાપી લઈને, દાઊદે બતાવ્યું કે તે શાઊલને મારી નાખવા ચાહતા ન હતા.—૧ શમૂ. ૨૪:૧૧.

દાઊદે શાઊલને છેલ્લી વાર જોયા ત્યારે પણ તેમણે યહોવાના અભિષિક્ત રાજાને માન આપ્યું હતું. જ્યાં શાઊલ છાવણી નાખીને ઊંઘતા હતા, ત્યાં દાઊદ અને અબીશાય આવી પહોંચ્યા. એ જોઈને અબીશાયે વિચાર્યું કે ઈશ્વરે દુશ્મનને દાઊદના હાથમાં સોંપ્યા છે, એટલે તેમણે દાઊદને કહ્યું કે શાઊલને મારી નાખવા પરવાનગી આપે, પણ દાઊદે એમ કરવાની મના કરી. (૧ શમૂ. ૨૬:૮-૧૧) ભલેને અબીશાયે રાજાને મારી નાખવા દાઊદને અરજ કરી, તોપણ યહોવાની ઇચ્છા પ્રમાણે કરવામાં દાઊદ અડગ રહ્યા, કેમ કે તે હંમેશાં યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલતા.

૧૦. આપણા જીવનમાં કેવા અઘરા સંજોગો આવી શકે અને એમાં ટકી રહેવા આપણને શું મદદ કરશે?

૧૦ કદાચ આપણી સામે પણ અઘરા સંજોગો આવી શકે, જેમાં અમુક લોકો યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા સાથ આપવાને બદલે, માણસોના વિચારો પ્રમાણે કરવા દબાણ કરે. અરે અમુક લોકો કદાચ અબીશાયની જેમ, કોઈ બાબતમાં યહોવાની ઇચ્છાને ધ્યાનમાં લીધા વગર નિર્ણય લેવા આપણને ઉત્તેજન આપે. આવા સંજોગમાં ટકી રહેવા, આપણા મનમાં યહોવાના વિચારો સ્પષ્ટ હોવા જોઈએ અને એને દૃઢતાથી વળગી રહેવું જોઈએ.

૧૧. યહોવાની ઇચ્છા જીવનમાં પ્રથમ રાખવા વિશે તમે દાઊદ પાસેથી શું શીખ્યા?

૧૧ દાઊદે પ્રાર્થનામાં યહોવાને કહ્યું: ‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો.’ (ગીતશાસ્ત્ર ૧૪૩:૫, ૮, ૧૦ વાંચો.) દાઊદ પોતાની કે બીજાની મરજી પ્રમાણે કરવાને બદલે, યહોવા પાસેથી શીખવા આતુર હતા. તેમણે હંમેશાં યહોવાનાં ‘સર્વ કૃત્યોનું મનન કર્યું અને તેમના હાથનાં કામોનો વિચાર કર્યો.’ બાઇબલનો અભ્યાસ કરવાથી અને યહોવા પોતાના ભક્તો સાથે કેવી રીતે વર્ત્યા એના અહેવાલો પર મનન કરવાથી, આપણે તેમની ઇચ્છા પારખી શકીએ છીએ.

નિયમો પાછળના સિદ્ધાંતોની દાઊદને કદર હતી

૧૨, ૧૩. ત્રણ માણસો જે પાણી લાવ્યાં, એ દાઊદે કેમ ઢોળી દીધું?

૧૨ નિયમો પાછળ રહેલા સિદ્ધાંતોની દાઊદને ઘણી કદર હતી અને એ પ્રમાણે જીવવા તે આતુર હતા. એટલે, આપણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ. એક વાર, દાઊદને ખૂબ જ તરસ લાગી હતી. તેમને “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી” પીવું હતું. તેમનાં ત્રણ માણસો પોતાનું જીવન જોખમમાં મૂકીને, પલિસ્તીઓના વિસ્તારમાં આવેલા બેથલેહેમ શહેરમાં જઈને પાણી લઈ આવ્યા. “દાઊદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું.” કેમ? દાઊદ સમજાવે છે: ‘મારા ઈશ્વર મારી પાસે એવું ન કરાવે; આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં?’—૧ કાળ. ૧૧:૧૫-૧૯.

૧૩ દાઊદને યહોવાના નિયમની ખબર હતી કે લોહી ખાવું ન જોઈએ પણ એ તેમની આગળ રેડી દેવું જોઈએ. આવું કેમ કરવું જોઈએ એ પણ તે સારી રીતે સમજતા હતા. દાઊદ જાણતા હતા કે “શરીરનો જીવ રક્તમાં છે.” જોકે, એ તો લોહી નહિ પણ પાણી હતું. તોપણ દાઊદે કેમ એ પાણી પીવાની ના પાડી? તેમને નિયમ અને એની પાછળના સિદ્ધાંત માટે ખૂબ જ કદર હતી. દાઊદના મને એ પાણી ત્રણ પુરુષોના લોહી જેટલું જ કિંમતી હતું. એટલે તેમણે એ પાણી પીધું નહિ પણ જમીન પર ઢોળી દેવાનો નિર્ણય લીધો.—લેવી. ૧૭:૧૧; પુન. ૧૨:૨૩, ૨૪.

૧૪. યહોવાની જેમ બાબતો જોવા દાઊદને ક્યાંથી મદદ મળી?

૧૪ યહોવાના નિયમમાં મશગૂલ રહેવાનો દાઊદ પ્રયત્ન કરતા. તેમણે પ્રાર્થનામાં ગાયું: ‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.’ (ગીત. ૪૦:૮) યહોવાના નિયમનો અભ્યાસ કરીને દાઊદ એના પર ઊંડું મનન કરતા. તેમને ભરોસો હતો કે યહોવાના નિયમો પ્રમાણે કરવાથી પોતાને લાભ થશે. મુસાએ આપેલા નિયમોનું દાઊદ પાલન કરતા. એટલું જ નહિ, એ નિયમો પરથી શીખેલા સિદ્ધાંતો પ્રમાણે જીવવાનો સખત પ્રયત્ન કરતા. એવી જ રીતે, આપણે પણ બાઇબલનો અભ્યાસ કરીએ ત્યારે જે વાંચીએ એના પર મનન કરીએ અને એને દિલમાં ઉતારીએ. એમ કરવાથી કોઈ પણ સંજોગોમાં યહોવાને પસંદ પડે એવા નિર્ણય લઈ શકીશું.

૧૫. યહોવાના નિયમની કદર બતાવવામાં સુલેમાન કઈ રીતે નિષ્ફળ ગયા?

૧૫ દાઊદના દીકરા સુલેમાન પર યહોવાની કૃપા હતી. સમય જતાં, યહોવાના નિયમની કદર બતાવવામાં સુલેમાન નિષ્ફળ ગયા. યહોવાએ ઈસ્રાએલી રાજાઓને આજ્ઞા આપી હતી કે તેઓ “ઘણી સ્ત્રીઓ [પત્નીઓ] કરે નહિ.” પણ સુલેમાને એ આજ્ઞા પાળી નહિ. (પુન. ૧૭:૧૭) તેમણે બીજા દેશોમાંથી ઘણી પત્નીઓ કરી. તે ઘરડા થયા તેમ ‘તેમની પત્નીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું.’ ભલેને તેમણે એમ કરવા માટે ગમે એ કારણ વિચાર્યું હોય, પણ ‘તેમણે યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું, ને તેમના પિતા દાઊદની જેમ તે સંપૂર્ણ રીતે યહોવાની પાછળ ચાલ્યા નહિ.’ (૧ રાજા. ૧૧:૧-૬) આ બતાવે છે કે બાઇબલમાં આપેલા યહોવાના નિયમો અને તેમના સિદ્ધાંતો પ્રમાણે જીવવું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે! દાખલા તરીકે, જીવનસાથી શોધતા હોઈએ ત્યારે એમ કરીએ.

૧૬. ‘ફક્ત પ્રભુમાં’ પરણવાની આજ્ઞામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૬ યહોવાને ભજતી નથી એવી વ્યક્તિ આપણને પ્રેમની લાગણીઓ બતાવ્યા કરે ત્યારે, આપણે કોની જેમ વર્તીશું, દાઊદની જેમ કે સુલેમાનની જેમ? યહોવાના ભક્તોને કહેવામાં આવ્યું છે કે ‘ફક્ત પ્રભુમાં’ પરણવું જોઈએ. (૧ કોરીં. ૭:૩૯) કોઈ પરણવાનું વિચારતું હોય તો, તેમણે ફક્ત યહોવાના ભક્ત સાથે જ લગ્‍ન કરવા જોઈએ. આપણે જો આ આજ્ઞા સારી રીતે સમજતા હોઈશું, તો જેઓ યહોવાને ભજતા નથી તેઓ સાથે લગ્‍ન નહિ કરીએ. તેમ જ, એવી વ્યક્તિને આપણામાં પ્રેમની લાગણીઓ જગાડવા નહિ દઈએ.

૧૭. અશ્લીલ અને ગંદા ચિત્રો જોવાના ફાંદાથી બચવા આપણને ક્યાંથી મદદ મળશે?

૧૭ દાઊદ હંમેશાં યહોવાનું માર્ગદર્શન શોધતા. જરા વિચારો, તેમનું ઉદાહરણ આપણને કઈ રીતે અશ્લીલ કે ગંદા ચિત્રો જોવાની લાલચથી દૂર રહેવા મદદ કરી શકે. અહીં આપેલી કલમો વાંચો, એની પાછળના સિદ્ધાંતો પર વિચાર કરો અને એના વિશે યહોવાની ઇચ્છા શું છે એ પારખવાનો પ્રયત્ન કરો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; માથ્થી ૫:૨૮, ૨૯; કોલોસી ૩:૫ વાંચો.) યહોવાનાં ઊંચાં ધોરણો પર વિચાર કરવાથી આપણને અશ્લીલ અને ગંદા ચિત્રો જોવાના ફાંદાથી બચવા મદદ મળે છે.

હંમેશાં યહોવાના વિચારો મનમાં રાખીએ

૧૮, ૧૯. (ક) દાઊદ અપૂર્ણ હતા તોપણ, યહોવાની કૃપામાં રહેવા તેમને ક્યાંથી મદદ મળી? (ખ) તમે શું કરવાનું નક્કી કર્યું છે?

૧૮ ખરું કે દાઊદે અનેક સંજોગોમાં સારો દાખલો બેસાડ્યો હતો, તેમ છતાં અમુક વાર તેમણે ગંભીર પાપ પણ કર્યા હતા. (૨ શમૂ. ૧૧:૨-૪, ૧૪, ૧૫, ૨૨-૨૭; ૧ કાળ. ૨૧:૧, ૭) પણ દાઊદે જીવન દરમિયાન બતાવી આપ્યું કે પોતાનાં પાપનો તેમને પસ્તાવો છે. તે ઈશ્વરની સાથે “શુદ્ધ હૃદયથી ને પ્રામાણિકપણે” ચાલ્યા. (૧ રાજા. ૯:૪) આપણે એ કઈ રીતે કહી શકીએ? કેમ કે દાઊદે હંમેશાં યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવાનો સખત પ્રયત્ન કર્યો હતો.

૧૯ આપણામાં નબળાઈઓ હોવા છતાં, આપણે યહોવાની કૃપા પામી શકીએ છીએ. આ વિચાર મનમાં રાખીને, ચાલો ખંતથી બાઇબલનો અભ્યાસ કરીએ. જે શીખીએ એના પર ઊંડો વિચાર કરીને દિલમાં ઉતારીએ અને એ પ્રમાણે નિર્ણય લઈએ. એમ કરવાથી આપણે પણ દાઊદની જેમ યહોવાને પ્રાર્થનામાં કહી શકીશું: ‘મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો.’ (w12-E 11/15)