સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની નજીક રહીએ

યહોવાની નજીક રહીએ

“તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂ. ૪:૮.

૧, ૨. (ક) શેતાનની કઈ ‘યુક્તિઓ’ છે? (ખ) ઈશ્વરની પાસે જવા આપણને શું મદદ કરશે?

 યહોવા ઈશ્વર સાથે મનુષ્યો ગાઢ સંબંધ રાખે, એ જરૂરિયાત સાથે તેઓને બનાવવામાં આવ્યા છે. પરંતુ શેતાન ચાહે છે કે આપણે તેની જેમ વિચારીએ કે આપણને યહોવાની જરૂર નથી. આ એક જૂઠાણું છે. તેણે એદન બાગમાં હવાને છેતરી ત્યારથી તે આ જૂઠાણું ફેલાવી રહ્યો છે. (ઉત. ૩:૪-૬) એ સમયથી લઈને આજ સુધી મોટા ભાગના લોકોએ માની લીધું છે કે આપણને ઈશ્વરની જરૂર નથી.

પણ આપણે શેતાનના એ ફાંદામાં પડવાની જરૂર નથી, કેમ કે “આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.” (૨ કોરીં. ૨:૧૧) શેતાન એવા પ્રયત્નો કરે છે કે આપણે ખોટા નિર્ણયો લઈએ અને યહોવાથી દૂર જતા રહીએ. પરંતુ આગળના લેખમાં જોયું તેમ આપણે કારકિર્દી, મનોરંજન અને કુટુંબ વિશે ખરી પસંદગી કરી શકીએ છીએ. આ લેખમાં આપણે જીવનનાં ચાર પાસાં જોઈશું: ટૅક્નોલૉજી, તંદુરસ્તી, પૈસા અને ગર્વ. જો એમાં સારી પસંદગી કરીશું તો, ‘ઈશ્વરની પાસે જઈ શકીશું.’—યાકૂ. ૪:૮.

ટૅક્નોલૉજી

૩. દાખલો આપી સમજાવો કે કેવી રીતે આધુનિક સાધનો ફાયદો કે નુકસાન કરી શકે.

આજે આખી દુનિયામાં આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનો બધે જ જોવા મળે છે. એવાં સાધનો જો યોગ્ય રીતે વાપરવામાં આવે તો ઘણાં ઉપયોગી સાબિત થાય છે. પણ જો ખોટી રીતે વાપરીશું તો એ આપણી અને યહોવા વચ્ચે આડા આવી શકે. કૉમ્પ્યુટરનો વિચાર કરો. તમે જે મૅગેઝિન વાંચી રહ્યા છો એ કૉમ્પ્યુટરની મદદથી તૈયાર કરીને છાપવામાં આવ્યું છે. કૉમ્પ્યુટર સહેલાઈથી સંશોધન અને વાતચીત કરવા માટેનું ઘણું ઉપયોગી સાધન છે. એનાથી તાજગી આપતું મનોરંજન પણ મેળવી શકાય છે. જોકે, ધ્યાન ન રાખીએ તો કૉમ્પ્યુટરના ગુલામ બની જઈ શકીએ. વેપારીઓ ચાલાકીથી લોકોને મનાવે છે કે લેટેસ્ટ સાધનો તો વસાવવા જ જોઈએ. એક યુવાન ખાસ પ્રકારનું ટેબ્લેટ કૉમ્પ્યુટર લેવા એટલો તો ઘેલો થયો કે તેણે છાનીછૂપી રીતે પોતાની એક કિડની વેચીને એ ખરીદ્યું. કેટલા અફસોસની વાત!

૪. કૉમ્પ્યુટરના ગુલામ બની ગયેલા એક યુવાને એમાંથી આઝાદ થવા શું કર્યું?

આધુનિક સાધનનો દુરુપયોગ કે વધારે પડતો વપરાશ, જો યહોવા સાથેનો ગાઢ સંબંધ તોડી નાખે, તો એ ઘણા દુઃખની વાત કહેવાય. પચ્ચીસેક વર્ષના જૉન કહે છે: * ‘મને ખબર છે, બાઇબલ જણાવે છે કે યહોવાની ભક્તિ માટે “સમયનો સદુપયોગ” કરવો જોઈએ. પણ, કૉમ્પ્યુટરની વાત આવે ત્યારે, હું પોતાનો જ દુશ્મન બની જઉં છું.’ જૉન મોડી રાત સુધી ઓનલાઇન રહેતા. તે જણાવે છે કે ‘હું વધારે થાકી જાઉં તોપણ, મિત્રો સાથે ચૅટિંગ બંધ કરવું મારી માટે અઘરું બનતું. તેમ જ, ટૂંકા વિડીયો, જે કોઈ વાર સારા પણ ન હોય, એ બંધ કરવા મુશ્કેલ બની જતું. આ ખોટી આદત છોડવા માટે જૉને પોતાનું કૉમ્પ્યુટર એ રીતે સેટ કર્યું કે પોતાનો ઊંઘવાનો સમય થાય ત્યારે એ જાતે બંધ થઈ જાય.—એફેસી ૫:૧૫, ૧૬ વાંચો.

માતા-પિતાઓ, તમારાં બાળકોને ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કરવા મદદ કરો

૫, ૬. (ક) બાળકો પ્રત્યે માતા-પિતાની શું જવાબદારી છે? (ખ) બાળકોને સારી સંગત મળી રહે માટે માતા-પિતા શું કરી શકે?

માતા-પિતાઓ, તમારાં બાળકો જે કંઈ કરે એ બધા પર નજર રાખવાની જરૂર નથી. પણ તેઓ કૉમ્પ્યુટરનો કેવો ઉપયોગ કરે છે, એના પર જરૂર નજર રાખવી જોઈએ. તેઓને ઇન્ટરનેટ પર અશ્લીલતા કે મેલીવિદ્યા જોવા ન દો. તેઓને ઇન્ટરનેટ પર ખોટી સંગત કરવા ન દો. તેમ જ, મારામારીની વિડીયો ગેઇમ રમવા ન દો. જો તેઓને એમ કરવા દેશો તો તેઓ ધારી લેશે કે ‘મમ્મી-પપ્પા કંઈ કહેતા નથી, એટલે એમાં કંઈ વાંધો નથી.’ યહોવાથી દૂર લઈ જતી બાબતોથી તમારે નાનાં બાળકો તેમ જ યુવાનોનું રક્ષણ કરવું જોઈએ. એમ કરવું તમારી જવાબદારી છે. અરે, પ્રાણીઓ પણ પોતાનાં બચ્ચાં ખતરામાં ન આવી જાય માટે તેઓનું રક્ષણ કરતા હોય છે. કલ્પના કરો કે રીંછનાં બચ્ચા પર કોઈ હુમલો કરે તો, એની મા શું કરશે?—વધુ માહિતી: હોશીઆ ૧૩:૮.

સત્યમાં સારો દાખલો બેસાડતાં હોય, એવાં કોઈ પણ ઉંમરનાં ભાઈ-બહેનો સાથે, તમારાં બાળકો સંગત માણી શકે એવી ગોઠવણ કરવા તેઓને મદદ કરો. પણ ભૂલશો નહિ કે તમારાં બાળકો ચાહે છે કે તમે તેઓ સાથે સમય પસાર કરો. એટલે હસવા, રમવા, કામ કરવા અને યહોવા ‘ઈશ્વર પાસે જવા’ સમય કાઢો. *

તંદુરસ્તી

૭. આપણે બધા કેમ તંદુરસ્ત રહેવા ચાહીએ છીએ?

તમારી તબિયત કેવી છે? આ શબ્દો કડવી હકીકત દર્શાવે છે. શેતાનનું સાંભળીને આપણાં પ્રથમ માતા-પિતા યહોવાથી દૂર જતાં રહ્યાં, એટલે આપણે બધા બીમાર પડીએ છીએ. બીમારીમાં યહોવાને ભજવું મુશ્કેલ બને છે અને જો મરણ પામીએ તો યહોવાને ભજવાનું સાવ જ બંધ થઈ જાય. એટલે બીમારીઓ શેતાનનો મકસદ પૂરો કરે છે. (ગીત. ૧૧૫:૧૭) તેથી એ સ્વાભાવિક છે કે આપણે બધાએ તંદુરસ્ત રહેવા બનતું બધું જ કરવું જોઈએ. * આપણાં ભાઈ-બહેનોની તંદુરસ્તીનો પણ ખ્યાલ રાખવો જોઈએ.

૮, ૯. (ક) તંદુરસ્તીની બાબતમાં હદપાર જવાનું કેવી રીતે ટાળી શકીએ? (ખ) આનંદી રહેવાથી કયા ફાયદા થશે?

આપણે તંદુરસ્તીની બાબતમાં હદપાર ન જઈએ, એ મહત્ત્વનું છે. અમુક ભાઈ-બહેનો ખુશખબર ફેલાવવામાં જેટલો ઉત્સાહ બતાવે છે, એના કરતાં પણ વધારે ઉત્સાહથી આવી બાબતો વિશે જણાવે છે: શું ખાવું કે ન ખાવું, કેવી સારવાર લેવી અથવા કેવી ચીજવસ્તુઓ વાપરવી જોઈએ. તેઓ કદાચ દિલથી માનતાં હશે કે ભાઈ-બહેનોને મદદ કરે છે. પણ, રાજ્યગૃહ કે સંમેલનોમાં આપણે ચીજવસ્તુઓ વેચવી કે એની જાહેરાત કરવી ન જોઈએ. કેમ ન કરવી જોઈએ?

આપણે બાઇબલનું શિક્ષણ લેવા અને પવિત્ર શક્તિથી આવતા આનંદને વધારવા, ભેગા મળીએ છીએ. (ગલા. ૫:૨૨) કોઈ પૂછે કે ન પૂછે તોપણ, તંદુરસ્તી માટે શું ભાઈ-બહેનોને સલાહ આપવી જોઈએ? જો યહોવાની ભક્તિ માટે ભેગા મળીએ ત્યારે એમ કરીશું, તો પોતાનું ધ્યાન ફંટાઈ જશે અને બીજાઓનો આનંદ છીનવાઈ જશે. (રોમ. ૧૪:૧૭) વ્યક્તિ પોતાની તબિયતનો કેવી રીતે ખ્યાલ રાખશે, એ તેનો પોતાનો નિર્ણય હોવો જોઈએ. વધુમાં, બધી બીમારીઓનો ઇલાજ કોઈની પાસે નથી. સૌથી સારા ડૉક્ટરો પણ ઘરડા થાય છે, બીમાર પડે છે અને આખરે મરણ પામે છે. તંદુરસ્તી વિશે વધારે પડતી ચિંતા કરવાથી કંઈ આપણું જીવન લાંબું નહિ થાય. (લુક ૧૨:૨૫) જ્યારે કે “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.”—નીતિ. ૧૭:૨૨.

૧૦. (ક) યહોવાની નજરમાં કયા ગુણો સુંદર છે? (ખ) આપણને ક્યારે પૂરેપૂરી તંદુરસ્તી મળશે?

૧૦ આપણે કેવા દેખાઈએ છીએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ, પોતાની ઉંમર દર્શાવતા ચિહ્‍નો સાવ જ ભૂંસી નાખવાના સખત પ્રયત્નો કરવાની જરૂર નથી. એ ચિહ્‍નો તો અનુભવ, સન્માન અને ઈશ્વરની ભક્તિ માટેના પ્રેમના પુરાવા છે. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” (નીતિ. ૧૬:૩૧) યહોવા આપણને એ રીતે જુએ છે અને આપણે પણ બીજાઓને એ રીતે જોવા જોઈએ. (૧ પીતર ૩:૩, ૪ વાંચો.) તો શું ફક્ત સુંદર દેખાવા માટે જીવન અને તંદુરસ્તીને ખતરામાં મૂકી શકે એવી સારવાર કે સર્જરી કરાવવી સારું કહેવાશે? ભલે આપણી ગમે તેવી તબિયત કે ઉંમર હોય, ખરી સુંદરતા તો ‘યહોવાના આનંદથી’ જ મળે છે. (નહે. ૮:૧૦) ફક્ત નવી દુનિયામાં આપણે પૂરેપૂરી રીતે તંદુરસ્ત અને ફરી યુવાન બનીશું. (અયૂ. ૩૩:૨૫; યશા. ૩૩:૨૪) એવું થાય ત્યાં સુધી, આપણે સમજી-વિચારીને પસંદગી કરવી જોઈએ અને યહોવાએ આપેલાં વચનોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એ જ આપણને તંદુરસ્તીની ચિંતા દૂર કરવા અને હમણાં જીવનનો આનંદ માણવા મદદ કરશે.—૧ તીમો. ૪:૮.

પૈસા

૧૧. પૈસા કેવી રીતે ફાંદો બની શકે?

૧૧ પૈસા હોવા કે પ્રમાણિક રીતે ધંધો કરવો એ ખોટું નથી. (સભા. ૭:૧૨; લુક ૧૯:૧૨, ૧૩) જોકે, ‘પૈસાનો લોભ’ કેળવીશું તો એ આપણને યહોવાથી ચોક્કસ દૂર લઈ જશે. (૧ તીમો. ૬:૯, ૧૦) “આ જગતની ચિંતા”નો અર્થ થાય, પોતાને જોઈતી ચીજવસ્તુઓ મેળવવા વધારે પડતી ચિંતા કરવી. જો એમ કરીશું તો એ આપણને યહોવાથી દૂર લઈ જશે. ‘ધનની માયાʼનો અર્થ થાય કે આપણે એમ માનવાની મૂર્ખામી કરીએ કે ધનદોલતથી સુખ અને સલામતી મળશે. (માથ. ૧૩:૨૨) ઈસુએ સ્પષ્ટ જણાવ્યું હતું કે “કોઈથી” પૈસા અને ઈશ્વર, એમ બંનેની સેવા થઈ શકે નહિ.—માથ. ૬:૨૪.

૧૨. પૈસાને લગતા કયા ફાંદાઓ આજે સામાન્ય છે? એને આપણે કેવી રીતે ટાળી શકીએ?

૧૨ પૈસા માટેનું ખોટું વલણ ખોટાં કામ કરવા દોરી જઈ શકે. (નીતિ. ૨૮:૨૦) સહેલાઈથી અને ઝડપથી પૈસા બનાવી આપવાના વચનોથી લલચાઈને અમુકે લોટરી ટિકિટો ખરીદી છે. અમુક ભાઈઓ એવા બિઝનેસમાં પડ્યા છે, જેમાં ઓછા સમયમાં વધુ પૈસા બની શકે. તેઓએ મંડળના બીજા સભ્યોને પણ પુષ્કળ પૈસા બનાવવા લલચાવ્યા છે. બીજા કેટલાક એવી લાલચમાં છેતરાયા છે કે પૈસાનું રોકાણ કરવાથી માની ન શકાય એટલું વ્યાજ મળશે. લોભ તમને છેતરી ન જાય, એનું ધ્યાન રાખો. સમજદારીથી કામ લો. ઓછા સમયમાં ઘણા પૈસા કમાવવા શક્ય નથી.

૧૩. પૈસા માટે આપણે કેવું વલણ રાખીએ એમ યહોવા ચાહે છે?

૧૩ જ્યારે આપણે “રાજ્યને તથા તેના ન્યાયીપણાને” પહેલા રાખીએ છીએ, ત્યારે જીવનની જરૂરિયાતો મેળવવાના આપણા સારા પ્રયાસોને યહોવા આશીર્વાદ આપે છે. (માથ. ૬:૩૩; એફે. ૪:૨૮) તે નથી ચાહતા કે આપણે વધુ પડતા કામને લીધે સભાઓમાં ઊંઘી જઈએ અથવા રાજ્યગૃહમાં બેસીને પૈસાની ચિંતા કરીએ. પણ દુનિયામાં ઘણા લોકો એમ માને છે કે ફક્ત પૈસા કમાવવામાં લાગુ રહેવાથી સુરક્ષિત ભાવિ મળશે અને જીવનના પાછલા ભાગમાં એશઆરામથી જીવી શકાશે. તેઓ પોતાનાં બાળકોને પણ ધનદોલત મેળવવાના એવા જ ધ્યેયો રાખવા દબાણ કરતા હોય છે. ઈસુએ બતાવ્યું કે એવા વિચારો જરાય વાજબી નથી. (લુક ૧૨:૧૫-૨૧ વાંચો.) કદાચ તમને ગેહઝી યાદ આવશે. તેણે વિચાર્યું હતું કે લોભ રાખીને પણ યહોવાની સાથે સારો સંબંધ જાળવી શકશે.—૨ રાજા. ૫:૨૦-૨૭.

૧૪, ૧૫. સલામતી માટે કેમ આપણે પૈસા પર આશા રાખવી ન જોઈએ? દાખલો આપી સમજાવો.

૧૪ એવા અહેવાલો મળ્યા છે કે અમુક પ્રકારનાં ગરુડ પોતાના પંજામાં મોટી માછલી પકડીને ઊડવા જાય છે ત્યારે, ભારને કારણે એ ડૂબી જાય છે. શું આપણી સાથે પણ કદાચ એવું થઈ શકે? ઍલેક્સ નામના એક વડીલ કહે છે કે “આમ તો હું બહુ જ કરકસર કરું છું. જો સહેજ વધારે શૅમ્પૂ નીકળી જાય, તો પાછું બોટલમાં નાખી દઉં છું.” પણ ઍલેક્સ શૅરબજારના મોહમાં આવી ગયા. તે વિચારતા હતા કે થોડા સમયમાં નોકરી છોડીને પાયોનિયરીંગ શરૂ કરી દેશે. તે શૅરબજારને લગતી અનેક માહિતીઓ અને માર્કેટના અહેવાલો વાંચવામાં મશગૂલ થઈ ગયા. પોતાની બચત અને શૅરદલાલો પાસેથી લીધેલા ઉછીના પૈસાથી, તેમણે એવા શૅર ખરીદ્યા, જેના વિશે જાણકારો માનતા હતા કે એનો ભાવ ટૂંક સમયમાં વધશે. એમ થવાને બદલે અચાનક શૅરનો ભાવ ઘટી ગયો. ઍલેક્સ જણાવે છે કે “હું મારા પૈસા પાછા મેળવવામાં મંડ્યો રહ્યો. મને થયું કે હું થોડો વધારે સમય રાહ જોઈશ તો શૅરનો ભાવ વધશે.”

૧૫ મહિનાઓ સુધી ઍલેક્સ એના સિવાય કંઈ વિચારી ન શક્યા. તેમની માટે યહોવાની ભક્તિમાં ધ્યાન આપવું અઘરું બન્યું અને તેમની ઊંઘ પણ ઊડી ગઈ. પણ એ શૅરના ભાવ કદી ન વધ્યા. ઍલેક્સ પોતાની બચત ખોઈ બેઠા અને તેમને પોતાનું ઘર પણ વેચવું પડ્યું. તેમણે કહ્યું કે “મારા કુટુંબને મેં ઘણું જ દુઃખ પહોંચાડ્યું છે.” ઍલેક્સ એક મહત્ત્વનો બોધપાઠ શીખ્યા, એ વિશે તે જણાવે છે કે “હવે હું સમજ્યો કે જે કોઈ પણ શેતાનની દુનિયા પર ભરોસો રાખે છે, તે ચોક્કસ નિરાશ થશે.” (નીતિ. ૧૧:૨૮) આજની દુનિયામાં બચત, રોકાણ કે પૈસા કમાવવાની આવડત પર ભરોસો રાખવાનો અર્થ થાય કે આપણે “આ જગતના ઈશ્વર” શેતાન પર ભરોસો રાખીએ છીએ. (૨ કોરીં. ૪:૪; ૧ તીમો. ૬:૧૭) ત્યાર પછી, ઍલેક્સે “સુવાર્તાને લીધે” પોતાનું જીવન સાદું બનાવ્યું. તે તમને જણાવશે કે એમ કરવાથી પોતે અને પોતાનું કુટુંબ વધારે ખુશ થયા છે અને યહોવાની વધારે નજીક આવ્યા છે.—માર્ક ૧૦:૨૯, ૩૦ વાંચો.

ગર્વ

૧૬. કેવી રીતે ગર્વ કરવો એ સારું હોઈ શકે? પોતાના વિશે વધુ પડતું વિચારતા રહીશું તો શું થશે?

૧૬ યોગ્ય બાબતોમાં ગર્વ કરવો એ ખોટું નથી. દાખલા તરીકે, આપણે યહોવાના સાક્ષીઓ છીએ એ માટે હંમેશાં આપણને ગર્વ થવો જોઈએ. (યિર્મે. ૯:૨૪) યોગ્ય પ્રમાણમાં સ્વમાન હશે તો, સારા નિર્ણયો લઈ શકીશું અને ઈશ્વરનાં ઊંચાં ધોરણોને વળગી રહીશું. પણ પોતાના વિચારોને કે હોદ્દાને વધારે પડતું મહત્ત્વ આપીશું તો એ આપણને યહોવાથી દૂર લઈ જશે.—ગીત. ૧૩૮:૬; રોમ. ૧૨:૩.

મંડળમાં જવાબદારી મેળવવાની ચિંતા કરવાને બદલે, પ્રચારનો આનંદ માણો!

૧૭, ૧૮. (ક) બાઇબલમાંથી નમ્ર અને ઘમંડી લોકોના દાખલા જણાવો? (ખ) યહોવાથી દૂર ન થઈ જાય, એ માટે કેવી રીતે એક ભાઈએ પોતાને ઘમંડી બનતા અટકાવ્યા?

૧૭ બાઇબલમાં ઘમંડી તેમ જ નમ્ર લોકોના દાખલા છે. રાજા દાઊદે નમ્રતાથી યહોવા પાસે માર્ગદર્શન માંગ્યું અને યહોવાએ તેમને આશીર્વાદ આપ્યા. (ગીત. ૧૩૧:૧-૩) પણ યહોવાએ ઘમંડી રાજાઓ નબૂખાદનેસ્સાર અને બેલ્શાસ્સારને નમ્ર કર્યા હતા. (દાની. ૪:૩૦-૩૭; ૫:૨૨-૩૦) આજે પણ એવા સંજોગો ઊભા થાય છે, જે આપણી નમ્રતાની કસોટી કરે છે. ૩૨ વર્ષના રાયન, જે સેવકાઈ ચાકર છે તે નવા મંડળમાં ગયા. તે જણાવે છે કે “હું ધારતો હતો કે જલદી જ મને વડીલ બનાવવામાં આવશે. પણ એમ થયા વગર જ એક વર્ષ પસાર થઈ ગયું.” શું રાયન ગુસ્સે કે નારાજ થઈ જશે, એ વિચારીને કે વડીલો તેમને માન નથી આપતા? શું તે સભાઓમાં આવવાનું બંધ કરી દેશે? શું ઘમંડને લીધે તે, યહોવા અને તેમના લોકોથી દૂર જતા રહેશે? આવા સંજોગોમાં તમે શું કર્યું હોત?

૧૮ જેની આશા રાખતા હોઈએ, એ માટે કેવી રીતે રાહ જોઈ શકાય, એના પર રાયને આપણાં સાહિત્યમાંથી સંશોધન કર્યું. (નીતિ. ૧૩:૧૨) તે જણાવે છે કે “મને ખબર પડી કે મારે ધીરજ અને નમ્રતા કેળવવાની જરૂર છે. તેમ જ, મારે યહોવાને હાથે પોતાને ઘડાવા દેવાનો હતો.” રાયને પોતા પર ધ્યાન આપવાને બદલે મંડળમાં અને પ્રચારમાં બીજાઓને મદદ કરવામાં ધ્યાન લગાડ્યું. જલદી જ તે પ્રગતિ કરતા ઘણા બાઇબલ અભ્યાસો ચલાવવા લાગ્યા. તે કહે છે: “ડોઢ વર્ષ પછી મને વડીલ બનાવવામાં આવ્યો ત્યારે, હું નવાઈ પામ્યો! મેં એ બાબત પર ચિંતા કરવાનું છોડી દીધું હતું, કેમ કે મને પ્રચારમાં વધારે મજા આવતી.”—ગીતશાસ્ત્ર ૩૭:૩, ૪ વાંચો.

યહોવાની નજીક રહો!

૧૯, ૨૦. (ક) કેવી રીતે ધ્યાન રાખી શકીએ કે રોજિંદા જીવનની બાબતો આપણને યહોવાથી દૂર ન લઈ જાય? (ખ) જેઓ યહોવાની નજીક રહ્યાં હતાં, એવાં કયાં ઉદાહરણોને આપણે અનુસરી શકીએ?

૧૯ આ અને એની અગાઉના લેખમાં આપણે જેની ચર્ચા કરી ગયા, એ સાત પાસાં કંઈ ખોટાં નથી. આપણે યહોવાના સેવક તરીકે ગર્વ અનુભવીએ છીએ. સુખી કુટુંબ અને સારી તંદુરસ્તી યહોવા તરફથી મળતી સૌથી સારી ભેટોમાંથી એક છે. આપણે સમજીએ છીએ કે નોકરી-ધંધો અને પૈસા જીવન-જરૂરિયાતો પૂરી કરવા મદદ કરે છે. આપણે જાણીએ છીએ કે મનોરંજન તાજગી આપે છે અને ટૅક્નોલૉજી મદદરૂપ સાબિત થાય છે. પણ આ બધી બાબતોમાંથી કોઈ પણ જો ખોટા સમયે કે હદઉપરાંત કરીશું અથવા ખોટી રીતે એની પાછળ લાગ્યા રહીશું તો એ આપણને યહોવાથી દૂર લઈ જશે.

કદી કોઈ બાબતને તમારી અને યહોવાની વચ્ચે આવવા ન દો!

૨૦ શેતાન એવું જ ચાહે છે. પણ, તમે પોતાને અને કુટુંબને યહોવાની ભક્તિથી દૂર લઈ જતા બચાવી શકો છો. (નીતિ. ૨૨:૩) યહોવાની નજીક જાઓ અને તેમની પાસે જ રહો. આપણી પાસે બાઇબલમાં એવાં ઘણાં ઉદાહરણો છે, જે આપણને મદદ કરશે. હનોખ અને નુહ ‘ઈશ્વરની સંઘાતે ચાલ્યા.’ (ઉત. ૫:૨૨; ૬:૯) મુસાએ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકી, એવી રીતે જાણે કે તે ઈશ્વરને જોતા હોય. (હિબ્રૂ ૧૧:૨૭) ઈસુને હંમેશાં યહોવા ઈશ્વર પાસેથી સાથ-સહકાર મળતો, કેમ કે તે તેમની ઇચ્છા પ્રમાણે કરતા. (યોહા. ૮:૨૯) એવાં ઉદાહરણોને અનુસરો. ‘સદા આનંદ કરો, નિત્ય પ્રાર્થના કરો અને દરેક સંજોગમાં ઉપકારસ્તુતિ કરો.’ (૧ થેસ્સા. ૫:૧૬-૧૮) કદી કોઈ બાબતને તમારી અને યહોવાની વચ્ચે આવવા ન દો!

^ અમુક નામ બદલ્યાં છે.

^ “બાળકને જવાબદાર વ્યક્તિ બનાવો,” ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૧નું સજાગ બનો! જુઓ.

^ “તંદુરસ્ત રહેવાના પાંચ પગલાં,” જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૧નું સજાગ બનો! જુઓ.