સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે સત્યના વારસાની કદર કરો છો?

શું તમે સત્યના વારસાની કદર કરો છો?

‘ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવા તેઓની મુલાકાત લીધી.’—પ્રે.કૃ. ૧૫:૧૪.

૧, ૨. (ક) ‘દાઊદનો મંડપ’ શાને દર્શાવે છે? કઈ રીતે એ ફરીથી બંધાયો? (ખ) યહોવાના ભક્તો તરીકે આજે કોણ ભેગાં મળીને ભક્તિ કરે છે?

 યરુશાલેમમાં, નિયામક જૂથની એક મહત્ત્વની સભા ઈસવીસન ૪૯માં ભરાઈ હતી. એમાં શિષ્ય યાકૂબે કહ્યું: ‘પહેલાં ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સીમોન પીતરે કહી સંભળાવ્યું છે. વળી પ્રબોધકોનાં વચનો એની સાથે મળતાં આવે છે; લખેલું છે, કે “એ પછી હું પાછો આવીશ, અને દાઊદનો પડી ગયેલો મંડપ હું પાછો બાંધીશ; હું તેનાં ખંડિયેર સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ; જેથી બાકી રહેલા લોક તથા સઘળા વિદેશીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુ યહોવાને શોધે; પ્રભુ યહોવા જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”’—પ્રે.કૃ. ૧૫:૧૩-૧૮.

‘દાઊદનો મંડપ’ એ તેમના વંશમાંથી આવનારા રાજાઓને દર્શાવે છે. એ મંડપ ત્યારે ‘પડ્યો’ જ્યારે સિદકીયાને રાજગાદી પરથી હટાવવામાં આવ્યો. (આમો. ૯:૧૧) જોકે, એ “મંડપ” ફરીથી બંધાવાનો હતો. દાઊદના વંશમાં આવનારા ઈસુ, કાયમી રાજા બન્યા ત્યારે એ ‘મંડપ’ ફરીથી બંધાયો. (હઝકી. ૨૧:૨૭; પ્રે.કૃ. ૨:૨૯-૩૬) યાકૂબ મુજબ એ ભવિષ્યવાણી જણાવે છે કે યહુદીઓ અને બીજી પ્રજાના લોકો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા માટે પસંદ કરવામાં આવશે. પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો અને ઈસુના લાખો “બીજાં ઘેટાં” યહોવાના ભક્તો તરીકે ભેગાં મળીને બાઇબલનું સત્ય જણાવે છે.—યોહા. ૧૦:૧૬.

યહુદીઓ ગુલામીમાં લઈ જવાયા

૩, ૪. બાબેલોનમાં ઈશ્વરભક્તો કઈ રીતે ભક્તિમાં લાગુ રહ્યા?

જ્યારે યહુદીઓને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા, ત્યારે એ સ્પષ્ટ દેખાઈ આવ્યું કે ‘દાઊદનો મંડપ’ પડી ગયો હતો. યહુદીઓ બાબેલોનમાં ૭૦ વર્ષ એટલે કે ઈ.સ. પૂર્વે ૬૦૭થી ૫૩૭ સુધી ગુલામીમાં રહ્યા. એ સમયે બાબેલોનમાં જૂઠા ધર્મો ભરપૂર પ્રમાણમાં ફેલાયેલા હતા. તો પછી, કઈ રીતે તેઓ એ દરમિયાન યહોવાને વળગી રહ્યા? જેવી રીતે આપણે શેતાનની દુનિયામાં યહોવાને વિશ્વાસુ રહીએ છીએ, એવી જ રીતે તેઓ પણ પોતાની શ્રદ્ધામાં ટકી રહ્યા. (૧ યોહા. ૫:૧૯) યહોવા તરફથી મળેલા કીમતી વારસાએ તેઓને શ્રદ્ધા ટકાવી રાખવા મદદ કરી.

યહોવા તરફથી મળેલું બાઇબલ આપણા વારસાનો ભાગ છે. યહુદીઓ બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે, તેઓ પાસે આખું બાઇબલ ન હતું. પણ યહોવાએ મુસાને આપેલા નિયમો અને એમાંની દસ આજ્ઞાઓનું તેઓને જ્ઞાન હતું. તેઓને “સિયોનનાં ગીતો” અને શાસ્ત્રના ઘણા સુવિચારો યાદ હતા. તેઓ એ પણ જાણતા હતા કે પહેલાંના ઈશ્વરભક્તો સાથે શું બન્યું હતું. આ યહુદીઓ સિયોનને યાદ કરીને રડ્યા અને યહોવાને ભૂલી ન ગયા. (ગીતશાસ્ત્ર ૧૩૭:૧-૬ વાંચો.) આ બાબતોએ તેઓને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરી. બાબેલોનમાં જૂઠી માન્યતા અને રિવાજો ભરપૂર પ્રમાણમાં ફેલાયેલાં હતાં તોપણ, તેઓ સાચી ભક્તિ કરતા રહ્યા.

ત્રૈક્યની માન્યતા કંઈ નવી નથી

૫. પ્રાચીન બાબેલોન અને ઇજિપ્તના લોકો કયાં ત્રૈક્યમાં માનતા?

બાબેલોનમાં થતી ઉપાસનામાં, ત્રૈક્ય કે ત્રિએકની ધાર્મિક માન્યતા એક મહત્ત્વનું પાસું હતું. બાબેલોનના એક ત્રૈક્યમાં સીન (ચંદ્ર દેવ), શામાશ (સૂર્ય દેવ) અને ઇશ્તાર (પ્રજનન અને યુદ્ધની દેવી) એમ ત્રણ મળીને એક બનતાં. પ્રાચીન ઇજિપ્તના લોકો ત્રણ દેવોથી બનેલા કુટુંબની ભક્તિ કરતા, જેમાં માબાપ અને તેમનો પુત્ર હોય. એ દેવો ત્રૈક્ય હતા તોપણ, તેઓને એકસરખા ગણવામાં આવતા નહોતા. ઇજિપ્તના એક ત્રૈક્યની માન્યતામાં ઓસીરીસ દેવ, ઇસીસ દેવી અને તેઓનો પુત્ર હોરુસ હતો.

૬. ત્રૈક્ય શું છે? કઈ રીતે એ ખોટી માન્યતા સામે આપણું રક્ષણ થયું છે?

કહેવાતા ખ્રિસ્તી ધર્મમાં પણ ત્રૈક્યની માન્યતા છે. પાદરીઓ શીખવે છે કે પિતા, પુત્ર અને પવિત્રઆત્મા ત્રણેવ મળીને એક દેવ છે. પણ આમ કહીને તેઓ આખા વિશ્વના માલિક યહોવાનું અપમાન કરે છે. તેઓ યહોવાને ત્રણમાંના એક ગણે છે. યહોવાના લોકોનું આ ખોટી માન્યતાથી રક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ ઈશ્વરપ્રેરિત બાઇબલની સાથે સહમત થાય છે, જે આમ કહે છે, ‘હે ઈસ્રાએલ, સાંભળ: યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.’ (પુન. ૬:૪) ઈસુએ એ જ શબ્દો કહ્યા હતા. શું કોઈ પણ સાચો ખ્રિસ્તી ઈસુની સાથે સહમત નહિ થાય?—માર્ક ૧૨:૨૯.

૭. સાચા ખ્રિસ્તી તરીકે બાપ્તિસ્મા લેતા પહેલાં, વ્યક્તિએ ઈશ્વર વિશે શું માનવાની જરૂર છે?

ત્રૈક્યની માન્યતા, ઈસુએ પોતાના શિષ્યોને આપેલી આજ્ઞાની વિરુદ્ધ છે. ઈસુએ તેમના શિષ્યોને જણાવ્યું હતું: ‘સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર શક્તિને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.’ (માથ. ૨૮:૧૯) સાચા ખ્રિસ્તી તરીકે બાપ્તિસ્મા લેવા અને યહોવાના સાક્ષી બનવા, વ્યક્તિએ સ્વીકારવાનું હોય છે કે યહોવા જ સૌથી શક્તિશાળી છે. તેમ જ, પોતાના દીકરા ઈસુ પર યહોવાનો અધિકાર છે અને ઈસુએ ધરતી પર આવીને મનુષ્યોને બચાવવા કિંમત ચૂકવી હતી. વ્યક્તિએ એમ પણ માનવાનું હોય છે કે પવિત્ર શક્તિ એ ત્રૈક્યમાંની ત્રીજી વ્યક્તિ નથી. ત્રૈક્યનું ખોટું શિક્ષણ તો ઈશ્વરનું અપમાન કરે છે. આ સત્ય જાણવું એ આપણા વારસાનો ભાગ છે.

મેલીવિદ્યા

૮. બાબેલોનના લોકો દેવો અને દુષ્ટ દૂતો વિશે શું માનતા?

બાબેલોનના ધર્મોમાં ખોટી માન્યતાઓ, દેવી-દેવતાઓ, ખરાબ દૂતો અને મેલીવિદ્યા ભરપૂર પ્રમાણમાં હતાં. ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાઇક્લોપીડિયા જણાવે છે: ‘બાબેલોનના ધર્મોમાં દેવો પછી, ખરાબ દૂતોને મહત્ત્વ આપવામાં આવતું. એવું માનવામાં આવતું કે તેઓ માણસોને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા. મોટા ભાગના ધર્મો એ દુષ્ટ દૂતોની હેરાનગતિ સામે લડવાનું છોડીને, દેવો પાસેથી રક્ષણ મેળવવા પ્રાર્થના કરતા.’

૯. (ક) બાબેલોનની ગુલામી પછી ઘણા યહુદીઓ કઈ રીતે ખોટી માન્યતાનો શિકાર બન્યા? (ખ) આપણને કઈ રીતે મેલીવિદ્યા સામે રક્ષણ મળે છે?

બાબેલોનની ગુલામી પછી, ઘણા યહુદીઓ ખોટી માન્યતાના શિકાર બન્યા. ગ્રીક વિચારો પગપેસારો કરવા લાગ્યા તેમ, ઘણા યહુદીઓ એમ માનવા લાગ્યા કે દુષ્ટ દૂતો સારાં કામ પણ કરી શકે. બાબેલોનમાં થતી મેલીવિદ્યાને યહોવા ધિક્કારતા, એ આપણે સત્યના વારસાને લીધે જાણીએ છીએ. એટલે આપણે કોઈ પણ રીતે દુષ્ટ દૂતોનો સંપર્ક કરતા નથી અને એનાથી આવતાં ખરાબ પરિણામોથી બચી જઈએ છીએ. (યશા. ૪૭:૧, ૧૨-૧૫) તેમ જ, મેલીવિદ્યા વિશે ઈશ્વરને કેવું લાગે છે, એનું માર્ગદર્શન આપણને આપવામાં આવે છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; પ્રકટીકરણ ૨૧:૮ વાંચો.

૧૦. મહાન બાબેલોનના કામો વિશે શું કહી શકાય?

૧૦ મેલીવિદ્યા ફક્ત બાબેલોનના લોકો જ નહિ, પણ મહાન બાબેલોન, એટલે કે બધા જૂઠા ધર્મોના લોકો પણ કરે છે. (પ્રકટી. ૧૮:૨૧-૨૪) ધી ઇન્ટરપ્રિટર્સ ડિકક્ષનરી ઓફ ધ બાઇબલ જણાવે છે કે ‘મહાન બાબેલોનમાં અનેક સંસ્કૃતિ કે દેશો આવી જાય છે. એની કોઈ સરહદ નથી, કેમ કે એની માન્યતાઓ બધે ફેલાયેલી છે, એમાં સૌથી પ્રચલિત મૂર્તિપૂજા છે.’ (પહેલો ગ્રંથ, પાન ૩૩૮) મેલીવિદ્યા, મૂર્તિપૂજા અને બીજાં ખરાબ કામોથી મહાન બાબેલોન ગૂંચવાયેલું છે. એનો જલદી જ નાશ થશે.—પ્રકટીકરણ ૧૮:૧-૫ વાંચો.

૧૧. મેલીવિદ્યા વિશે કઈ ચેતવણી આપવામાં આવી છે?

૧૧ યહોવાએ જાહેર કર્યું: “મંત્રવિદ્યા વાપરવી નહિ કે જોષ જોવા નહિ.” (લેવી. ૧૯:૨૬) મરી ગયેલા લોકો સાથે વાતચીત કરવી એ મેલીવિદ્યાનો એક પ્રકાર છે. ૧૯મી સદીની શરૂઆતમાં ઘણા લોકો એમ કરતા હતા. એટલે જ મે, ૧૮૮૫ના ઝાયન્સ વોચટાવરે જણાવ્યું કે ‘મરણ પામેલા લોકો બીજી કોઈ જગ્યા કે સ્થિતિમાં જીવે છે, એવી માન્યતા કંઈ નવી નથી. એ પ્રાચીન ધર્મોની માન્યતાનો ભાગ હતો અને દંતકથાઓમાં એના મૂળ ઊંડાં હતાં.’ લેખ ઉમેરે છે કે ‘ખરાબ દૂતો, ગુજરી ગયેલા લોકોના અવાજમાં બોલે છે, જેથી બીજાઓને લાગે કે એ લોકોના આત્મા ક્યાંક ભટકે છે. આમ, ખરાબ દૂતો પોતાની ખરી ઓળખ છૂપાવે છે અને ઘણા લોકોના જીવન પર પ્રભાવ પાડે છે.’ જેમ હાલનું આપણું સાહિત્ય ચેતવણી આપે છે, તેમ વર્ષો પહેલાં વૉટ સે ધ સ્ક્રીપ્ચર્સ અબાઉટ સ્પીરીટીઝમ? નામની આપણી પુસ્તિકાએ પણ ચેતવણી આપી હતી.

શું મૃત લોકો કોઈ જગ્યાએ પીડાય છે?

૧૨. ઈશ્વરની પ્રેરણાથી સુલેમાને મરણ પામેલા વ્યક્તિઓની સ્થિતિ વિશે શું કહ્યું?

૧૨ “જેઓ સત્યને જાણે છે તેઓ સઘળા” આ પ્રશ્નનો જવાબ આપી શકશે. (૨ યોહા. ૨) આપણે સુલેમાનના શબ્દો સાથે ચોક્કસ સહમત થઈશું. તે કહે છે: “જીવતો કૂતરો મૂએલા સિંહ કરતાં સારો છે. જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી. . . . જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં [કબરમાં] કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.”—સભા. ૯:૪, ૫, ૧૦.

૧૩. યહુદીઓ કઈ રીતે ગ્રીક ધર્મ અને સંસ્કૃતિથી અસર પામ્યા?

૧૩ મરણ પામેલા લોકો વિશેનું સત્ય શું છે, એ યહુદીઓ જાણતા હતા. પણ જ્યારે ગ્રીક શાસકો યહુદા અને સીરીયા પર રાજ કરવા લાગ્યા, ત્યારે તેઓએ પ્રયત્નો કર્યા કે લોકો ગ્રીક ધર્મ અને સંસ્કૃતિ અપનાવે. આમ, યહુદીઓ ખોટી માન્યતામાં માનવા લાગ્યા કે મનુષ્યોમાં આત્મા છે અને એ અમર છે, જેને કોઈ જગ્યાએ પીડા આપવામાં આવે છે. વ્યક્તિના આત્માને કોઈ જગ્યાએ પીડા આપવામાં આવે છે, એવા વિચારની શરૂઆત ગ્રીક લોકોએ નહોતી કરી. પણ બાબેલોનીઓ પહેલેથી માનતા હતા કે ‘પાતાળ લોક એક ભયાનક જગ્યા છે, જ્યાં શક્તિશાળી દેવો અને દાનવો લોકોને પીડા આપે છે.’ (ધ રિલિજીઅન ઑફ બેબેલોનિયા ઍન્ડ અસિરીયા) આમ, જોઈ શકાય છે કે બાબેલોનીઓ માનતા કે માણસ મર્યા પછી આત્મા બનીને જીવે છે.

૧૪. મરણ વિશે અને ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે, એ વિશે અયૂબ અને ઈબ્રાહીમ શું જાણતા હતા?

૧૪ ઈશ્વરભક્ત અયૂબ પાસે બાઇબલ ન હતું તોપણ, તે મરણ વિશેનું સત્ય જાણતા હતા. તે સારી રીતે સમજતા હતા કે યહોવા પ્રેમાળ ઈશ્વર છે, જે ગુજરી ગયેલાઓને જીવતા કરવા આતુર છે. (અયૂ. ૧૪:૧૩-૧૫) ઈબ્રાહીમને પણ પૂરો ભરોસો હતો કે મરણ પામેલા લોકોને સજીવન કરવામાં આવશે. (હિબ્રૂ ૧૧:૧૭-૧૯ વાંચો.) જે વ્યક્તિ મરે નહિ તેને જીવતી કરવાનો સવાલ જ ઊભો થતો નથી. એટલે જ, ઈશ્વરભક્તો નહોતા માનતા કે વ્યક્તિ મર્યા પછી ક્યાંક જીવે છે. મરણ પામેલા લોકો કેવી સ્થિતિમાં છે, એ સમજવા અને તેઓને જીવતા કરવામાં આવશે એવી શ્રદ્ધા રાખવા અયૂબ અને ઈબ્રાહીમને, ચોક્કસ યહોવાની શક્તિએ મદદ કરી હશે. આ સત્ય પણ આપણા વારસાનો ભાગ છે.

“ઉદ્ધાર” માટે આપણને કિંમતની જરૂર છે

૧૫, ૧૬. પાપ અને મરણમાંથી આપણને કઈ રીતે આઝાદ કરવામાં આવ્યા છે?

૧૫ આદમથી આપણને પાપ અને મરણનો વારસો મળ્યો છે. એમાંથી આપણને આઝાદ કરવાની ગોઠવણ વિશેનું સત્ય યહોવાએ આપણને જણાવ્યું છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! (રોમ. ૫:૧૨) આપણે જાણીએ છીએ કે ઈસુ “સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાની ખંડણીને [છૂટકારાની કિંમત] માટે પોતાનો જીવ આપવા” આવ્યા હતા. (માર્ક ૧૦:૪૫) “ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર” એટલે કે છૂટકારો મળે છે, એ વિશે જાણવું કેટલું સારું કહેવાય!—રોમ. ૩:૨૨-૨૪.

૧૬ પહેલી સદીમાં યહુદીઓ અને બીજી પ્રજાના લોકોને પોતાનાં પાપ માટે પસ્તાવો કરવાની જરૂર હતી. તેમ જ, ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરવાનો હતો. જો આમ ન કરે તો તેઓને માફી મળતી નહિ. આજે પણ એ લાગુ પડે છે. (યોહા. ૩:૧૬, ૩૬) ત્રૈક્ય કે આત્મા જેવી ખોટી માન્યતાઓને જો વ્યક્તિ વળગી રહે, તો ઈસુના બલિદાનથી તે કોઈ લાભ મેળવી નહિ શકે. પણ આપણે મેળવી શકીએ છીએ. કેમ કે, આપણને આ સત્યની ખબર છે કે ઈશ્વરના ‘પ્રિય પુત્ર દ્વારા આપણને ઉદ્ધાર, એટલે પાપોની માફી મળે છે.’—કોલો. ૧:૧૩, ૧૪.

યહોવાની ભક્તિમાં મંડ્યા રહો!

૧૭, ૧૮. આપણા ઇતિહાસની માહિતી ક્યાંથી મળી શકે? એમાંથી શીખીને કઈ રીતે લાભ થશે?

૧૭ આપણે સ્વીકારેલાં સાચાં શિક્ષણ, યહોવાના ભક્તો તરીકે થયેલા અનુભવો અને ભક્તિ કે જીવનમાં મળતા આશીર્વાદો વિશે, ઘણું જ કહી શકાય. દુનિયા ફરતે થતાં પ્રચારકાર્ય અને ભાઈ-બહેનોને થતાં અનુભવો વિશે આપણાં મૅગેઝિન વર્ષોથી જણાવતાં રહ્યાં છે. બીજી વધારે માહિતી ઘણી ભાષાઓમાં મળી રહે છે, જેમ કે યરબુક, જેહોવાઝ વિટ્‌નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગડમ અને ફેઇથ ઇન એક્શન વિડીયોના ભાગ ૧ અને ૨.

૧૮ પ્રાચીન ઇજિપ્તના હાથમાંથી યહોવાએ કઈ રીતે છોડાવ્યા હતા, એના પર વિચાર કરવાથી ઈસ્રાએલીઓને લાભ થયો હતો. એવી જ રીતે, યહોવાના સંગઠનના ઇતિહાસ પર વિચાર કરવાથી આપણને લાભ થશે. (નિર્ગ. ૧૨:૨૬, ૨૭) જ્યારે મુસા ઘરડા થયા ત્યારે ઈસ્રાએલીઓને યહોવાનાં અદ્‍ભુત કાર્યો વિશે જણાવતા કહ્યું: ‘ભૂતકાળના દિવસો સંભાર, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કર; તારા પિતાને પૂછ, એટલે તે તને કહી બતાવશે; તારા વડીલોને પૂછ, એટલે તેઓ તને કહેશે.’ (પુન. ૩૨:૭) ‘યહોવાના લોક તથા તેમના ચારાનાં ઘેટાં’ તરીકે આપણે ખુશીથી તેમની ભક્તિ કરીએ છીએ અને બીજાઓને તેમનાં પરાક્રમી કાર્યો વિશે જણાવીએ છીએ. (ગીત. ૭૯:૧૩) ચાલો, આપણે ઇતિહાસને તપાસીએ, એમાંથી શીખીએ અને ભાવિ માટે યોજના કરીએ.

૧૯. સત્યનો પ્રકાશ મળ્યો હોવાથી, આપણે શું કરવું જોઈએ?

૧૯ આપણે બહુ આભારી છીએ કે અંધકારમાં ભટકાવાને બદલે, આપણને ઈશ્વર તરફથી સત્યનો પ્રકાશ મળ્યો છે. (નીતિ. ૪:૧૮, ૧૯) એટલે, ચાલો બાઇબલનો અભ્યાસ કરતા રહીએ અને ઉત્સાહથી બીજાઓને સત્ય જણાવતા રહીએ. આપણે પણ ગીતશાસ્ત્રના એક લેખક જેવું જ અનુભવીએ છીએ. તેમણે લખ્યું: ‘હું તમારા, કેવળ તમારા જ, ન્યાયીપણાનું વર્ણન કરીશ. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. હે ઈશ્વર, હું ઘરડો અને પળિયાંવાળો થાઉં ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ; હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.’—ગીત. ૭૧:૧૬-૧૮.

૨૦. ભક્તિને લગતા કેવા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને એ વિશે આપણને કેવું લાગે છે?

૨૦ યહોવાના સમર્પિત ભક્તો હોવાથી, આપણે જાણીએ છીએ કે વિશ્વ પર રાજ કરવાના યહોવાના હક્ક અને તેમના પ્રત્યેની આપણી વફાદારી સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એટલે જ, આપણે હકીકત જાહેર કરીએ છીએ કે યહોવા જ આખા વિશ્વના માલિક છે અને આપણી ભક્તિના ફક્ત તે જ હક્કદાર છે. (પ્રકટી. ૪:૧૧) તેમની પવિત્ર શક્તિથી આપણે નમ્ર લોકોને ખુશખબર જણાવીએ છીએ, નિરાશ લોકોને મદદ કરીએ છીએ અને દુઃખમાં ડૂબેલા લોકોને દિલાસો આપીએ છીએ. (યશા. ૬૧:૧, ૨) ઈશ્વરના ભક્તો અને બાકીના મનુષ્યો પર હક્ક જમાવવા શેતાન વ્યર્થ પ્રયત્નો ભલે કર્યા કરે, આપણે સત્યના વારસાની ઊંડી કદર કરીએ છીએ. તેમ જ, વિશ્વના માલિક યહોવાને વફાદાર રહેવા અને હંમેશાં તેમની ભક્તિ કરવા મક્કમ છીએ.—ગીતશાસ્ત્ર ૨૬:૧૧; ૮૬:૧૨ વાંચો.