સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની પાસે આવો

“માંગતા રહો, તો તમને આપવામાં આવશે”

“માંગતા રહો, તો તમને આપવામાં આવશે”

‘પ્રભુ, અમને પ્રાર્થના કરતા શીખવ.’ (લુક ૧૧:૧) ઈસુના એક શિષ્યએ તેમને આ અરજ કરી હતી. એટલે, ઈસુએ બે ઉદાહરણ વાપરીને શીખવ્યું કે ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કઈ રીતે કરવી. જો તમને ક્યારેય એવો વિચાર આવ્યો હોય કે, ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે કે નહિ, તો ઈસુએ જે જવાબ આપ્યો એ તમને જરૂર જાણવો ગમશે.​—લુક ૧૧:૫-૧૩ વાંચો.

પહેલું ઉદાહરણ, પ્રાર્થના કરનાર વિશે જણાવે છે. (લુક ૧૧:૫-૮) એક માણસને ત્યાં મોડી રાત્રે મહેમાન આવે છે અને તેની પાસે મહેમાનને પિરસવા ખાવાનું નથી. એ માણસ માટે ખોરાકની ગોઠવણ કરવી એકદમ અગત્યનું હતું. એટલે, ઘણું મોડું થઈ ગયું હોવા છતાં, તે થોડી રોટલી ઉછીની લેવા પોતાના મિત્રના ઘરે જાય છે. શરૂઆતમાં તો પેલા મિત્રને ખાટલામાંથી ઊઠવાનું મન થતું ન હતું, કેમ કે તે કુટુંબની સાથે સૂતો હતો. પણ એ માણસ શરમાયા વગર સતત માંગતો રહ્યો એટલે તેના મિત્રએ ઊઠીને તેને ખોરાક આપ્યો. *

આ ઉદાહરણ આપણને પ્રાર્થના વિશે શું શીખવે છે? ઈસુ આપણને સતત માંગવાનું, સતત શોધવાનું અને સતત ખખડાવવાનું ઉત્તેજન આપે છે. (લુક ૧૧:૯, ૧૦) શા માટે? શું ઈસુ એમ કહી રહ્યા હતા કે ઈશ્વર સાંભળવા તૈયાર નથી, તોપણ આપણે સતત માંગતા રહીએ? ના. ઈસુ ઉદાહરણથી શીખવતા હતા કે, ઈશ્વર પેલા મિત્ર જેવા નથી. જે કોઈ શ્રદ્ધાથી યોગ્ય અરજ કરે છે, તેને એ આપવા માટે ઈશ્વર તૈયાર છે. આપણે સતત માંગતા રહીને પોતાની શ્રદ્ધા બતાવીએ છીએ. એમ કરીને બતાવીએ છીએ કે, આપણને ખરેખર એની જરૂર છે અને પૂરી ખાતરી છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે અરજ કરીશું, તો તે ચોક્કસ આપશે.​—માર્ક ૧૧:૨૪; ૧ યોહાન ૫:૧૪.

બીજું ઉદાહરણ “પ્રાર્થનાના સાંભળનાર” યહોવા વિશે છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) ઈસુએ પૂછ્યું: “તમારામાંના કોઈ બાપની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? અથવા તે ઈંડું માગે તો શું તે તેને વીંછુ આપશે?” એનો જવાબ આપણે બધા જાણીએ છીએ, સંભાળ રાખનાર કોઈ પણ પિતા પોતાના બાળકોને જોખમી વસ્તુ નહિ આપે. પછી ઈસુએ એ ઉદાહરણ સમજાવ્યું: જો ભૂલો કરતા મનુષ્ય પિતા પોતાના બાળકોને “સારી” વસ્તુ આપે છે, ‘તો સ્વર્ગમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર શક્તિ આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?’ * ઈશ્વર પૃથ્વી પરના પોતાના બાળકોને સૌથી ઉત્તમ ભેટ એટલે પવિત્ર શક્તિ આપશે.​—લુક ૧૧:૧૧-૧૩; માથ્થી ૭:૧૧.

“પ્રાર્થનાના સાંભળનાર” યહોવા ઈશ્વર વિશે આ ઉદાહરણ આપણને શું શીખવે છે? ઈસુ આપણને જણાવે છે કે આપણે યહોવા ઈશ્વરને સંભાળ રાખનાર પિતા તરીકે જોવા જોઈએ. એવા પિતા પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરવા તૈયાર હોય છે. એટલા માટે, યહોવાના ભક્તોએ પોતાના દિલની અરજ લઈને તેમની પાસે જતા અચકાવું ન જોઈએ. યહોવા પિતા તરત જ એ અરજ સ્વીકારે છે અને એનો જવાબ આપે છે. ઈશ્વર જાણે છે કે ભક્તો માટે સૌથી સારું શું છે. એટલે ઘણી વાર તેમનો જવાબ ભક્તોના ધાર્યા મુજબ હોતો નથી. * (w13-E 04/01)

આ બાઇબલ વાંચન કરી શકો:

લુક ૭–૨૧

^ ઈસુના ઉદાહરણોમાં રોજિંદા જીવનની લેવડ-દેવડ અને રીત-રિવાજો જોવા મળે છે. મહેમાનની આગતા સ્વાગતા કરવી એ યહુદીઓ માટે ઘણું મહત્ત્વનું હતું. કુટુંબ રોજ પોતાની જરૂરિયાત પૂરતી રોટલી બનાવતું, એટલે જ્યારે જરૂર પડે ત્યારે બીજા પાસેથી ઉછીનું લેવું સામાન્ય વાત હતી. ઉપરાંત, જો કુટુંબ ગરીબ હોય તો બધા એક જ ઓરડામાં જમીન પર ઊંઘતા હતા.

^ કોઈ બાબત પર ભાર મૂકવા, ઈસુ વારંવાર “કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે” એવા શબ્દો વાપરતા. એક નિષ્ણાત એ વિશે સમજાવે છે: “એ શબ્દોનો અર્થ આમ થાય, ‘જો એક બાબત ખરી હોય, તો બીજી બાબત એથી પણ વધારે ખરી કહેવાય.’”

^ ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કઈ રીતે કરવી, એ વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૧૭ જુઓ, આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.