સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જે મહત્ત્વનું છે એ તમે પારખી લો

જે મહત્ત્વનું છે એ તમે પારખી લો

“જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો.”—ફિલિ. ૧:૧૦.

૧, ૨. છેલ્લા દિવસોની કઈ ભવિષ્યવાણીથી ઈસુના શિષ્યોને નવાઈ લાગી હશે અને કેમ?

 ઈસુએ યરુશાલેમના મંદિરના નાશ વિશે જણાવ્યું હતું. એ વાત સાંભળીને પીતર, યાકૂબ, યોહાન અને આન્દ્રિયા ઘણી ચિંતામાં હતા. (માર્ક ૧૩:૧-૪) તેથી, તેઓએ ઈસુને પૂછ્યું: ‘એ બધું ક્યારે થશે? અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? એ અમને કહો.’ (માથ. ૨૪:૧-૩) ઈસુએ મંદિરના નાશ વખતે કઈ ઘટનાઓ બનશે એ જણાવ્યું. એટલું જ નહિ, શેતાનની દુનિયાના છેલ્લા દિવસોમાં શું બનશે એ પણ જણાવ્યું. ઈસુએ ભવિષ્યવાણી કરી કે યુદ્ધો થશે, ખોરાકની અછત પડશે અને અન્યાય વધી જશે. જોકે, છેલ્લા દિવસોમાં કંઈક સારું બનશે એવું પણ ઈસુએ જણાવ્યું, જેનાથી શિષ્યોને નવાઈ લાગી હશે. ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માથ. ૨૪:૭-૧૪.

શિષ્યોએ ઈસુ સાથે રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવાનો આનંદ માણ્યો હતો. (લુક ૮:૧; ૯:૧, ૨) તેઓને ઈસુના આ શબ્દો યાદ આવ્યા હશે: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.” (લુક ૧૦:૨) પણ તેઓને થયું હશે, “આખા જગતમાં” અને “સર્વ પ્રજાઓને સાક્ષી” કઈ રીતે અપાશે? એ કામ કરવા મજૂરો ક્યાંથી આવશે? ઈસુના શિષ્યો કદી વિચારી શક્યા નહિ હોય કે કેવી અદ્‍ભુત રીતે માથ્થી ૨૪:૧૪ના શબ્દો સાચા પડશે.

૩. લુક ૨૧:૩૪ના શબ્દો કઈ રીતે પૂરા થઈ રહ્યા છે? આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે ઈસુની એ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. રાજ્યની ખુશખબર આખા જગતમાં ફેલાવવા લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. (યશા. ૬૦:૨૨) જોકે, ઈસુએ જણાવ્યું હતું કે, એવા અમુક લોકો હશે જેઓ માટે પ્રચારકાર્યને જીવનમાં પહેલું રાખવું અઘરું બનશે. તેઓનું ધ્યાન ફંટાઈ જશે અને “મન જડ થઈ” જશે. (લુક ૨૧:૩૪ વાંચો.) એ શબ્દો પણ પૂરા થઈ રહ્યા છે. અમુક ઈશ્વરભક્તો માર્ગમાંથી ભટકી રહ્યા છે. તેઓ નોકરી, ઉચ્ચ ભણતર, માલમિલકત, રમતગમત અને મનોરંજન વિશે જે નિર્ણયો લે, એ પરથી જોઈ શકાય છે. બીજા અમુક, રોજબરોજની ચિંતાઓ અને દબાણોથી થાકી જાય છે. આ સવાલો પર વિચાર કરો: “હું ભક્તિમાં કેવું કરું છું? શું મારા નિર્ણયોથી બતાવું છું કે યહોવાની ઇચ્છા જીવનમાં પહેલી છે?”

૪. (ક) ફિલિપીઓ માટે પાઊલે શું પ્રાર્થના કરી અને કેમ? (ખ) આ અને હવે પછીના લેખમાં શું ચર્ચા કરીશું? એ આપણને કઈ રીતે મદદ કરશે?

પહેલી સદીના ખ્રિસ્તીઓને ઈશ્વરભક્તિ જીવનમાં પહેલી રાખવા સખત પ્રયત્નો કરવા પડતા. એટલે જ, ફિલિપીનાં ભાઈ-બહેનો માટે પ્રેરિત પાઊલે પ્રાર્થના કરતા કહ્યું કે, “જે શ્રેષ્ઠ [મહત્ત્વનું, NW ] છે તે તમે પારખી લો.” (ફિલિપી ૧:૯-૧૧ વાંચો.) પ્રેરિત પાઊલની જેમ ઘણી વ્યક્તિઓ “નિર્ભયપણે પ્રભુની સુવાર્તા વિશે બોલવાની વિશેષ હિંમત” રાખતા. (ફિલિ. ૧:૧૨-૧૪) એવી જ રીતે, આપણામાંના ઘણા હિંમતથી રાજ્યની ખુશખબરનો પ્રચાર કરે છે. આ લેખમાં ચર્ચા કરીશું કે, માથ્થી ૨૪:૧૪ના શબ્દો પૂરા કરવા, યહોવા કઈ રીતે તેમના સંગઠનનો ઉપયોગ કરે છે. એ જાણવાથી ઘણું ઉત્તેજન મળશે અને પ્રચારકાર્ય વધુ ઉત્સાહથી કરવા મદદ મળશે. તેમ જ, શીખીશું કે તેમના સંગઠનનો ધ્યેય શું છે? અને એ વિશે જાણવાથી પોતાને અને કુટુંબને કઈ રીતે ઉત્તેજન મળે છે? આના પછીના લેખમાં આપણે જોઈશું કે યહોવાના સંગઠનમાં ટકી રહેવા અને એની સાથે ચાલવા આપણને શું મદદ કરશે.

યહોવાના સંગઠનનો સ્વર્ગીય ભાગ

૫, ૬. (ક) યહોવાએ કેમ સંગઠનના સ્વર્ગીય ભાગનું દર્શન આપ્યું? (ખ) હઝકીએલે દર્શનમાં શું જોયું?

યહોવાએ ઘણી બાબતોને બાઇબલમાં લખાવી નથી. જેમ કે, આપણું મગજ કઈ રીતે કામ કરે છે અથવા બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે. એવી માહિતી ચોક્કસ રોમાંચક લાગે! એને બદલે, યહોવાએ બાઇબલમાં એવી માહિતી આપી છે, જેનાથી તેમના હેતુઓ સમજી શકીએ અને એ પ્રમાણે જીવી શકીએ. (૨ તીમો. ૩:૧૬, ૧૭) એ કેટલું અદ્‍ભુત કહેવાય કે યહોવાએ તેમના સંગઠનના સ્વર્ગીય ભાગની ઝલક બાઇબલમાં આપી છે! યશાયા, હઝકીએલ, દાનીયેલ અને યોહાનને થયેલું પ્રકટીકરણ યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગનું વર્ણન કરે છે. એ વાંચવાથી આપણે કેટલો રોમાંચ અનુભવીએ છીએ! (યશા. ૬:૧-૪; હઝકી. ૧:૪-૧૪, ૨૨-૨૪; દાની. ૭:૯-૧૪; પ્રકટી. ૪:૧-૧૧) આમ, જાણે યહોવાએ આપણા માટે પડદો ખોલ્યો છે, જેથી સ્વર્ગની ઝલક જોઈ શકીએ. જરા વિચારો, યહોવાએ કેમ એ અદૃશ્ય ભાગની માહિતી પૂરી પાડી છે.

યહોવા ચાહે છે કે આપણે તેમના સંગઠનના ભાગ છીએ એ કદી ન ભૂલીએ. યહોવાની ઇચ્છા પૂરી કરવા એ સંગઠન ઘણી જ મહેનત કરે છે. દાખલા તરીકે, યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગને હઝકીએલ ભવ્ય રથ સાથે સરખાવે છે. એ રથ ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને કોઈ પણ દિશામાં જઈ શકે છે. (હઝકી. ૧:૧૫-૨૧) તેમણે એ રથના ચાલકને પણ જોયા. એ જોઈને તેમણે કહ્યું: ‘તેમનો દેખાવ તૃણમણિનાં તેજ જેવો અને ચોગરદમ અગ્‍નિના જેવો દેખાવ મેં જોયો. એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો.’ (હઝકી. ૧:૨૫-૨૮) એ દર્શન જોઈને હઝકીએલ ઘણો જ આશ્ચર્ય પામ્યા હશે. તે જોઈ શક્યા કે, યહોવાનું પોતાના સંગઠન પર પૂરું નિયંત્રણ છે. તે એને પવિત્ર શક્તિ દ્વારા દોરે છે. ઝડપથી આગળ વધી રહેલા યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગનું, એ કેટલું અદ્‍ભુત દૃશ્ય!

૭. દાનીયેલને જે દર્શન થયું એનાથી આપણો વિશ્વાસ કઈ રીતે વધે છે?

દાનીયેલને જે જોવા મળ્યું એનાથી પણ આપણો વિશ્વાસ વધે છે. તેમણે જોયું કે, યહોવા “વયોવૃદ્ધ પુરુષ”ની જેમ રાજ્યાસન પર બેઠેલા છે અને તેમની આસપાસ અગ્‍નિની જ્વાળા છે. એ રાજ્યાસનને પૈડાં છે. (દાની. ૭:૯) યહોવા ચાહતા હતા કે દાનીયેલ જુએ કે, એ સંગઠન ગતિશીલ છે અને તેમનો હેતુ એ પૂરો કરી રહ્યું છે. દાનીયેલે “મનુષ્યપુત્રના જેવો એક પુરુષ” પણ જોયો. તે ઈસુ ખ્રિસ્ત હતા, જેમને યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગની દેખરેખ સોંપવામાં આવી છે. ખ્રિસ્તનું રાજ્ય ફક્ત અમુક વર્ષો માટે જ નથી. પણ ‘તેમની સત્તા સનાતન તથા અચળ છે અને તેમનું રાજ્ય અવિનાશી છે.’ (દાની. ૭:૧૩, ૧૪) એનાથી, યહોવામાં ભરોસો રાખવા અને તે જે સિદ્ધ કરે છે એ પારખવા આપણને ઉત્તેજન મળે છે. યહોવાએ પોતાના વિશ્વાસુ દીકરાને “સત્તા, મહિમા તથા રાજ્ય” આપ્યાં છે. યહોવાને પોતાના દીકરા પર પૂરો ભરોસો છે. તેથી, આપણે પણ ઈસુની આગેવાની પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ.

૮. હઝકીએલ અને યશાયા પર દર્શનની કેવી અસર થઈ અને આપણા પર કેવી થવી જોઈએ?

યહોવાના સંગઠનના સ્વર્ગીય ભાગ વિશે આપણે જોઈ ગયા. એની આપણા પર કેવી અસર થવી જોઈએ? ચોક્કસ, આપણે પણ હઝકીએલની જેમ આશ્ચર્ય પામીએ છીએ! તેમ જ, યહોવા જે સિદ્ધ કરી રહ્યા છે એ જોઈ આપણે નમ્ર બનીએ છીએ. (હઝકી. ૧:૨૮) યહોવાના સંગઠન પર મનન કરવાથી આપણે પણ યશાયાની જેમ પગલાં ભરવા પ્રેરાઈએ છીએ. યહોવા જે કરી રહ્યા છે, એ લોકોને જણાવવાની તક મળી ત્યારે યશાયાએ અચકાયા વગર એને ઝડપી લીધી. (યશાયા ૬:૫,  વાંચો.) યહોવા મદદ કરી રહ્યા છે એવો તેમને પૂરો ભરોસો હતો. તેથી, તે દરેક પડકારનો સામનો કરી શક્યા. યશાયાની જેમ આપણે પણ યહોવાના સંગઠનના અદૃશ્ય ભાગની ઝલક જોઈને આશ્ચર્ય પામ્યા છીએ. એ આપણને પગલાં ભરવાં પ્રેરે છે. એ સંગઠન યહોવાની ઇચ્છા પૂરી કરવા ગતિશીલ છે. એનો આપણે પણ ભાગ છીએ, એ જાણી ઘણું જ ઉત્તેજન મળે છે.

યહોવાના સંગઠનનો પૃથ્વી પરનો ભાગ

૯, ૧૦. યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગની કેમ જરૂર છે?

ઈસુ દ્વારા, સંગઠનના પૃથ્વી પરના ભાગની યહોવાએ ગોઠવણ કરી છે. એ પૃથ્વી પરનો દૃશ્ય ભાગ, સ્વર્ગીય ભાગના સુમેળમાં કામ કરે છે. માથ્થી ૨૪:૧૪ના શબ્દો પૂરા કરવા કેમ એ ભાગની જરૂર પડી? ચાલો ત્રણ કારણો જોઈએ.

૧૦ પહેલું, ઈસુએ કહ્યું હતું કે પ્રચાર કામ માટે શિષ્યો “પૃથ્વીના છેડા સુધી” જશે. (પ્રે.કૃ. ૧:૮) બીજું, જેઓ આ કામમાં ભાગ લે છે, તેઓને બાઇબલનું શિક્ષણ આપવા અને તેઓની સંભાળ રાખવા જોગવાઈ કરવી પડશે. (યોહા. ૨૧:૧૫-૧૭) ત્રીજું, જેઓ ખુશખબરનો પ્રચાર કરે છે, તેઓ યહોવાની ભક્તિ માટે ભેગા મળે અને તાલીમ મેળવે માટે ગોઠવણ કરવી પડશે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એ બધું કંઈ આપો આપ નહિ થાય. ખ્રિસ્તના અનુયાયીઓ એ બધું કરવામાં સફળ થાય માટે સારી ગોઠવણની જરૂર છે.

૧૧. યહોવાનું સંગઠન જે જોગવાઈ કરે છે એને આપણે કઈ રીતે સાથ આપી શકીએ?

૧૧ યહોવાનું સંગઠન જે જોગવાઈ કરે છે એને આપણે સાથ આપવો જોઈએ. એમ કરવા, મહત્ત્વની એક રીત કઈ છે? પ્રચાર કામમાં આગેવાની લેતા ભાઈઓ પર હંમેશાં ભરોસો રાખવો જોઈએ. યહોવા અને ઈસુ તેઓ પર ભરોસો રાખે છે, માટે આપણે પણ એમ કરવું જોઈએ. એ ભાઈઓ પોતાનાં સમય અને શક્તિને દુનિયાની બાબતોમાં આપી શક્યા હોત. પરંતુ, તેઓ એમ નથી કરતા. એને બદલે, તેઓ આપણા માટે આગેવાની લે છે. હવે, ચાલો જોઈએ કે સંગઠનના દૃશ્ય ભાગનો હેતુ શું છે?

મહત્ત્વની બાબતો પર તેઓ ધ્યાન આપે છે

૧૨, ૧૩. વડીલો કઈ રીતે પોતાની જવાબદારી ઉપાડે છે અને એનાથી તમને શું ઉત્તેજન મળે છે?

૧૨ દુનિયા ફરતે, અનુભવી વડીલોને દેખરેખ માટે નીમવામાં આવે છે. તેઓ જ્યાં સેવા આપે છે, ત્યાં રાજ્યના પ્રચારકાર્ય માટે બીજાઓને ઉત્તેજન આપે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેઓ બાઇબલમાંથી સલાહ શોધે છે. આમ, બાઇબલને તેઓ ‘પગોને માટે દીવારૂપ અને માર્ગને માટે અજવાળારૂપ’ બનાવે છે. તેઓ યહોવાના માર્ગદર્શન માટે ખંતથી પ્રાર્થના કરે છે.—ગીત. ૧૧૯:૧૦૫; માથ. ૭:૭, ૮.

૧૩ પહેલી સદીની જેમ, આજે પણ પ્રચાર કામમાં આગેવાની લેનારાઓ ઈશ્વરની “વાતની સેવામાં” ખંતીલા છે. (પ્રે.કૃ. ૬:૪) તેઓના વિસ્તારમાં અને દુનિયા ફરતે ખુશખબર ફેલાવવામાં થતી પ્રગતિ જોઈને તેઓને ઘણો આનંદ થાય છે. (પ્રે.કૃ. ૨૧:૧૯, ૨૦) આ ભાઈઓ નિયમોની લાંબી યાદીઓ નથી બનાવતા. પરંતુ, તેઓ પ્રચારકાર્ય આગળ ધપાવવા માટેની ગોઠવણમાં બાઇબલ અને પવિત્ર શક્તિના માર્ગદર્શનને અનુસરે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮ વાંચો.) આમ કરીને, એ જવાબદાર ભાઈઓ મંડળમાં બધા માટે સારો દાખલો બેસાડે છે.—એફે. ૪:૧૧, ૧૨.

૧૪, ૧૫. (ક) દુનિયા ફરતે પ્રચારકાર્યને આગળ ધપાવવા કઈ જોગવાઈ કરવામાં આવી છે? (ખ) રાજ્યના પ્રચાર કામમાં તમે જે ભાગ લઈ રહ્યા છો, એ વિશે કેવું અનુભવો છો?

૧૪ આપણાં ઘણાં ભાઈ-બહેનો દરરોજ સખત મહેનત કરી સાહિત્ય તૈયાર કરે છે. તેમ જ, સભાઓ અને સંમેલનની જોગવાઈ કરે છે. દાખલા તરીકે, હજારો સ્વયંસેવકો થાક્યા વગર સાહિત્યને આશરે ૬૦૦ ભાષામાં અનુવાદ કરે છે. કેમ? જેથી, શક્ય હોય તેટલા લોકો પોતાની ભાષામાં “ઈશ્વરનાં મોટાં કામો” વિશે જાણી શકે. (પ્રે.કૃ. ૨:૭-૧૧) યુવાન ભાઈઓ અને બહેનો, એ સાહિત્યનું ઉત્પાદન કરવા આધુનિક પ્રિન્ટિંગ અને બાઇન્ડિંગ મશીન પર કામ કરે છે. પછી, એ સાહિત્ય દુનિયા ફરતે દૂર દૂરના મંડળોને પહોંચાડવામાં આવે છે.

૧૫ મંડળ સાથે પ્રચારકાર્યમાં ધ્યાન આપી શકીએ માટે ઘણી જોગવાઈ કરવામાં આવે છે. દાખલા તરીકે, હજારો ભાઈ-બહેનો રાજ્યગૃહ અને સંમેલનગૃહ બાંધવામાં રાજી-ખુશીથી મદદ કરે છે. કુદરતી આફતોના ભોગ બનેલાં ભાઈ-બહેનોને મદદ આપે છે. સારવારને લગતી બાબતોમાં તાત્કાલિક જરૂર પડે ત્યાં મદદ પૂરી પાડે છે. તેઓ સંમેલનોની જોગવાઈ કરે છે અને સંગઠનની શાળાઓમાં શીખવે છે. આ તો અમુક જ બાબતો છે, જે તરત ધ્યાનમાં ન આવે. આ બધા કાર્યોનો હેતુ શું છે? એ જ કે પ્રચારકાર્ય સારી રીતે આગળ વધે અને આપણે સત્યમાં પ્રગતિ કરી શકીએ. તેમ જ, વધુ લોકો યહોવાના ભક્ત બની શકે. આ બધું જોતા, શું કહી શકાય કે, યહોવાના સંગઠનના દૃશ્ય ભાગે મહત્ત્વની બાબત પર હંમેશાં ધ્યાન આપ્યું છે? હા, ચોક્કસ!

યહોવાના સંગઠનનું ઉદાહરણ અનુસરીએ

૧૬. કુટુંબ તરીકેની ભક્તિમાં કે વ્યક્તિગત અભ્યાસમાં શાના પર મનન કરી શકીએ?

૧૬ યહોવાનું સંગઠન જે રીતે કાર્ય કરે છે, એના પર શું આપણે સમયે સમયે મનન કરીએ છીએ? એમ કરવા, અમુક ભાઈ-બહેનો કુટુંબ તરીકેની ભક્તિમાં કે વ્યક્તિગત અભ્યાસમાં સમય આપે છે. યશાયા, હઝકીએલ, દાનીયેલ અને યોહાનને થયેલાં દર્શનો પર મનન કરવું ઘણું રોમાંચક બનશે. જેહોવાઝ વિટ્‌નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્‌સ કિંગડમ પુસ્તક, બીજાં સાહિત્ય અને ડીવીડી આપણને સંગઠન વિશે ઘણી રસપ્રદ બાબતો જાણવા મદદ કરશે.

૧૭, ૧૮. (ક) આ ચર્ચાથી તમને કેવો ફાયદો થયો? (ખ) કયા સવાલો પર આપણે વિચાર કરવો જોઈએ?

૧૭ પ્રચારકાર્ય સિદ્ધ કરવા, યહોવાનું સંગઠન જે કરી રહ્યું છે, એના પર મનન કરીએ. સંગઠનની સાથે સાથે આપણે પણ મહત્ત્વની બાબતો પર ધ્યાન આપવા દૃઢ નિશ્ચય કરીએ. એમ કરવાથી, પાઊલની જેમ મક્કમ નિર્ણય કરી શકીશું. તેમણે લખ્યું, “અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા સોંપેલી હોવાથી, અમે નાહિંમત થતા નથી.” (૨ કોરીં. ૪:૧) તેમ જ, સાથી ભાઈ-બહેનોને ઉત્તેજન આપતાં તેમણે કહ્યું, ‘સારાં કામ કરતાં આપણે થાકવું જોઈએ નહિ. કેમ કે, જો આપણે એવાં કામ કરવાનું પડતું ન મૂકીએ, તો યોગ્ય સમયે આશીર્વાદોની ફસલ લણીશું.’—ગલા. ૬:૯, IBSI.

૧૮ મહત્ત્વની બાબતો જીવનમાં પહેલી રાખવા, શું તમારે કે તમારા કુટુંબે કોઈ ફેરફાર કરવાની જરૂર છે? શું તમે જીવન સાદું બનાવી શકો અથવા ધ્યાન ફંટાવે તેવી બાબતોને ટાળી શકો? એમ કરશો તો, સૌથી મહત્ત્વનાં કામ એટલે કે પ્રચારકાર્ય પર વધુ ધ્યાન આપી શકશો. હવે પછીના લેખમાં આપણે પાંચ બાબતોની ચર્ચા કરીશું. એ આપણને યહોવાના સંગઠનની સાથે સાથે ચાલવા મદદ કરશે.