સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે કરેલી સજા—શું એ ક્રૂરતા કહેવાય?

ઈશ્વરે કરેલી સજા—શું એ ક્રૂરતા કહેવાય?

એના જવાબ માટે બાઇબલમાં જણાવેલા બે ઉદાહરણો પર ધ્યાન આપો. આ અહેવાલો બતાવે છે, કે ઈશ્વરે લોકોને મોતની સજા કરી હતી. (૧) નુહના દિવસોમાં થયેલો જળપ્રલય, અને (૨) કનાનીઓનો પૂરો સંહાર.

નુહના દિવસોમાં જળપ્રલય

અમુક લોકો શું કહે છે: “ઈશ્વરે જળપ્રલય લાવીને નુહ અને તેમના કુટુંબ સિવાય સર્વ મનુષ્યોનો નાશ કર્યો, એમાં તેમની ક્રૂરતા જોવા મળે છે.”

બાઇબલ શું કહે છે: યહોવા ઈશ્વરે કહ્યું: “દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાનાં દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે.” (હઝકીએલ ૩૩:૧૧) એ બતાવે છે કે નુહના સમયમાં દુષ્ટ લોકોના સંહારથી ઈશ્વરને જરાય આનંદ થયો ન હતો. તો પછી, તેમણે શા માટે તેઓનો સંહાર કર્યો?

બાઇબલ જવાબ આપે છે કે ભૂતકાળમાં આ રીતે અધર્મી લોકોને સજા કરીને ઈશ્વરે ભવિષ્યમાં ‘અધર્મીઓ માટે ઉદાહરણ’ કે દાખલો બેસાડ્યો હતો. (૨ પીતર ૨:૫, ૬) ઈશ્વરે કયો દાખલો બેસાડ્યો?

પહેલું, ઈશ્વરે સાબિત કર્યું કે લોકોનો સંહાર કરવાથી તેમને દુઃખ થાય છે તોપણ, જે ક્રૂર લોકો બીજાઓને દુઃખ પહોંચાડે છે તેઓ પર તે નજર રાખે છે. તેમ જ, તેઓના ખરાબ કામો માટે તેઓને જવાબદાર ઠરાવીને સજા કરે છે. થોડા જ સમયમાં તે સર્વ અન્યાય અને દુઃખ-તકલીફોનો અંત લાવશે.

બીજું, ભૂતકાળમાં ઈશ્વરે જે પગલાં લીધાં હતાં એનાથી સાબિતી મળે છે કે દુષ્ટ લોકોનો સંહાર કરતા પહેલાં ઈશ્વર પ્રેમ બતાવીને તેઓને ચેતવણી આપે છે. નુહ લોકોને ન્યાયી જીવન જીવવાનો ઉપદેશ આપતા હતા, તોપણ મોટા ભાગના લોકોએ કંઈ ધ્યાન આપ્યું નહિ. બાઇબલ જણાવે છે: “જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.”​—માથ્થી ૨૪:૩૯.

શું ઈશ્વર એ ઉદાહરણને પછી વળગી રહ્યા? હા. દાખલા તરીકે, તેમણે પોતાના ઈસ્રાએલી લોકોને ચેતવણી આપી હતી કે તેઓ આસપાસના દેશોની જેમ દુષ્ટ કામો કરવા લાગશે તો, પોતે તેઓને બચાવવા કંઈ નહિ કરે; પછી ભલે દુશ્મનો ચડી આવીને તેઓનો દેશ જીતી લે, તેઓની રાજધાની યરૂશાલેમનો નાશ કરે અને તેઓને દૂર દેશમાં ગુલામ બનાવીને લઈ જાય. તોપણ ઈસ્રાએલીઓ ઈશ્વરની ચેતવણીને અવગણીને દુષ્ટ કામો કરવા લાગ્યા, અરે તેઓ બાળકોનું પણ બલિદાન ચઢાવવા લાગ્યા. શું યહોવાએ કોઈ પગલાં લીધાં? હા, પણ એ પહેલાં તેમણે પોતાના લોકોને ચેતવવા વારંવાર પ્રબોધકોને મોકલ્યા, જેથી તેઓ મોડું થાય એ પહેલાં પાછા ફરીને સુધરે. ઈશ્વરે તો ત્યાં સુધી કહ્યું હતું કે “પ્રભુ યહોવા પોતાનો મર્મ [રહસ્ય] પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.”​—આમોસ ૩:૭.

તમને એ કઈ રીતે અસર કરે છે: યહોવાએ ભૂતકાળમાં દુષ્ટોને સજા કરવામાં જે ઉદાહરણ બેસાડ્યું હતું, એ જાણીને આપણને આશા મળે છે. આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે જે લોકો ક્રૂરપણે બીજાઓને રિબાવે છે, તેઓને ઈશ્વર જરૂર સજા કરશે. બાઇબલ જણાવે છે: ‘દુષ્કર્મીઓનો સંહાર થશે; પણ નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧) મનુષ્યોને દુઃખ-તકલીફોથી રાહત આપવા દુષ્ટોને સજા કરવામાં આવશે, એ વિશે તમને કેવું લાગે છે? એમાં તમને ઈશ્વરની ક્રૂરતા દેખાય છે કે દયા?

કનાનીઓનો પૂરેપૂરો સંહાર

અમુક લોકો શું કહે છે: “કનાનીઓનો સંહાર તો એવો ગંભીર ગુનો હતો, જેને આજે થતા આખી કોમના સંહાર સાથે સરખાવી શકાય.”

બાઇબલ શું કહે છે: “વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરો છે.” (પુનર્નિયમ ૩૨:૪) ઈશ્વર જે રીતે લોકોનો ન્યાય કરે છે એની માણસોના યુદ્ધ સાથે સરખામણી થાય જ નહિ. શા માટે? કેમ કે, મનુષ્યો બીજાઓના હૃદય વાંચી શકતા નથી, પણ ઈશ્વર વાંચી શકે છે, એટલે કે માણસ અંદરથી કેવો છે એની ઈશ્વરને ખબર છે.

દાખલા તરીકે, ઈશ્વરે સદોમ તથા ગમોરાહ શહેરોનો ન્યાય કરીને એનો વિનાશ કરવાનો નિર્ણય લીધો ત્યારે, ઈશ્વરભક્ત ઈબ્રાહીમ ખાતરી કરવા માંગતા હતા કે તેમનો નિર્ણય બરાબર છે કે કેમ. તે એવી કલ્પના પણ કરી શકતા ન હતા કે તેમના ન્યાયી ઈશ્વર “દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે.” ઈશ્વરે પણ ધીરજ રાખીને ઈબ્રાહીમને ખાતરી અપાવી કે જો સદોમ શહેરમાં દસ લોકો પણ ન્યાયી હશે તો, તેઓને લીધે એ શહેરનો નાશ નહિ કરે. (ઉત્પત્તિ ૧૮:૨૦-૩૩) ખરેખર, ઈશ્વરે એ લોકોના હૃદયો વાંચીને જોયું હતું કે તેઓમાં હાડોહાડ દુષ્ટતા ભરેલી હતી.​—૧ કાળવૃત્તાંત ૨૮:૯.

એ જ રીતે, ઈશ્વરે કનાનીઓનો પણ ન્યાય કર્યો હતો. તેઓનો સંહાર કરવાનો તેમણે જે હુકમ આપ્યો એ યોગ્ય જ હતો. કનાનીઓ પોતાની ક્રૂરતા માટે કુખ્યાત હતા. તેઓ એટલા ક્રૂર હતા કે જીવતાં બાળકોનું અગ્‍નિમાં બલિદાન ચઢાવતા હતા. * (૨ રાજાઓ ૧૬:૩) કનાનીઓ જાણતા હતા કે યહોવાએ ઈસ્રાએલીઓને આખા દેશ પર કબ્જો કરવાની આજ્ઞા આપી હતી. પણ અમુકે દેશમાં જ રહી જવાનું પસંદ કર્યું અને ઈસ્રાએલીઓ સામે યુદ્ધ લડ્યા. આમ, તેઓ જાણીજોઈને ઈસ્રાએલીઓની સામે જ નહિ, યહોવાની સામે પણ લડી રહ્યા હતા. યહોવાએ તો પહેલેથી જ બતાવી આપ્યું હતું કે તે પોતાની ઈસ્રાએલ પ્રજા સાથે છે.

અમુક એવા કનાનીઓ પણ હતા જેઓએ દુષ્ટ કામો છોડી દઈને યહોવાના ઊંચા નૈતિક ધોરણો સ્વીકાર્યા હતા. યહોવા ઈશ્વરે તેઓ પર દયા બતાવી હતી. દાખલા તરીકે, કનાની વેશ્યા રાહાબ અને તેના કુટુંબને ઈશ્વરે વિનાશમાંથી બચાવ્યા હતા. તેમ જ, કનાની શહેર ગિબઓનના રહેવાસીઓએ જ્યારે દયા માટે યાચના કરી ત્યારે, તેઓને અને તેઓના બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.​—યહોશુઆ ૬:૨૫; ૯:૩, ૨૪-૨૬.

તમને એ કઈ રીતે અસર કરે છે: કનાનીઓના કિસ્સામાંથી આપણને મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે. ઈશ્વરે અગાઉથી જણાવ્યું હતું કે ‘ન્યાયનો દિવસ તથા અધર્મી માણસોના નાશનો દિવસ’ આવશે. આપણે ઝડપથી એની નજીક પહોંચી રહ્યા છીએ. (૨ પીતર ૩:૭) જે લોકો યહોવા ઈશ્વરના ન્યાયી રાજને સ્વીકારતા નથી તેઓનું નામનિશાન મિટાવી દઈને, ઈશ્વર દુનિયામાંથી સર્વ દુઃખો દૂર કરશે. જો આપણે યહોવાને ચાહતા હોઈશું તો, એ સમયે આપણને લાભ થશે.

કનાનીઓ ક્રૂરતા માટે કુખ્યાત હતા અને તેઓ હાથે કરીને ઈશ્વર તથા તેમના લોકો સામે થયા હતા

યહોવા પ્રેમથી આપણને યાદ અપાવે છે કે માબાપ જે કંઈ પસંદ કરે, એની તેઓના બાળકો પર અસર થાય છે. ઈશ્વર બાઇબલમાં જણાવે છે: “જીવન પસંદ કર, કે તું તથા તારાં સંતાન જીવતાં રહે: યહોવા તારા ઈશ્વર પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર.” (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) શું આ શબ્દો ક્રૂર ઈશ્વરના છે, કે પછી પ્રેમાળ ઈશ્વરના, જે લોકોને ચાહે છે અને ખરી પસંદગી કરવાનું કહે છે? (w13-E 05/01)

^ પુરાતત્ત્વ નિષ્ણાતોને જમીનમાંથી એવા પુરાવા મળ્યા છે, જે બતાવે છે કે કનાનીઓની ઉપાસનામાં નાના બાળકોના બલિદાનનો સમાવેશ થતો હતો.