સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખુશખબર જણાવવાની તમારી જવાબદારી નિભાવતા રહો

ખુશખબર જણાવવાની તમારી જવાબદારી નિભાવતા રહો

“સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.”—૨ તીમો. ૪:૫.

૧. કેમ કહી શકાય કે ખુશખબર જણાવવામાં યહોવા સૌથી મહાન છે?

 જે વ્યક્તિ ખુશખબર જણાવે, તેને સુવાર્તિક કહેવામાં આવે છે. ખુશખબર જણાવવામાં યહોવા સૌથી મહાન અને પ્રથમ છે. આદમ અને હવાએ બળવો કર્યો પછી તરત જ યહોવાએ એક ખુશખબર જણાવી કે તે શેતાનનો નાશ કરશે. (ઉત. ૩:૧૫) સદીઓ દરમિયાન યહોવાએ ઘણી ખુશખબર બાઇબલમાં લખાવી છે. જેમ કે, તે પોતાના નામ પર લાગેલું કલંક કઈ રીતે દૂર કરશે, શેતાનથી થયેલું નુકશાન કઈ રીતે ઠીક કરશે. તેમ જ, મનુષ્ય હંમેશ માટેનું જીવન કઈ રીતે ફરી મેળવી શકશે.

૨. (ક) સ્વર્ગદૂતો કઈ રીતે ખુશખબર ફેલાવે છે? (ખ) ખુશખબર ફેલાવવામાં ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?

સ્વર્ગદૂતો પણ ખુશખબર જણાવે છે. તેમ જ, એ ફેલાવવામાં બીજાઓને સાથ આપે છે. (લુક ૧:૧૯; ૨:૧૦; પ્રે.કૃ. ૮:૨૬, ૨૭, ૩૫; પ્રકટી. ૧૪:૬) પ્રમુખ દૂત મીખાએલનો વિચાર કરો. ઈસુ તરીકે તે પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ખુશખબર ફેલાવવામાં મનુષ્યો માટે સારો દાખલો બેસાડ્યો. ઈસુએ રાજ્યની ખુશખબર ફેલાવવાને સૌથી મહત્ત્વનું ગણ્યું.—લુક ૪:૧૬-૨૧.

૩. (ક) આપણે કઈ ખુશખબર જણાવીએ છીએ? (ખ) કયા મહત્ત્વના સવાલો પર ચર્ચા કરીશું?

ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે ખુશખબર લોકોને જણાવે. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કૃ. ૧:૮) પ્રેરિત પાઊલે તીમોથીને કહ્યું કે, “સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમો. ૪:૫) ઈસુના શિષ્યો તરીકે આપણે કઈ ખુશખબર ફેલાવીએ છીએ? એ જ કે, ઈશ્વરપિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે. (યોહા. ૩:૧૬; ૧ પીત. ૫:૭) એ પ્રેમની સાબિતી, તેમનું રાજ્ય છે. તેથી, આપણે ખુશીથી લોકોને જણાવીએ છીએ કે ઈશ્વરના રાજ્યને આધીન બનવાથી, તેમનું કહેવું માનવાથી અને સારાં કામ કરવાથી તેઓ ઈશ્વરના મિત્ર બની શકે છે. (ગીત. ૧૫:૧, ૨) યહોવા બધી તકલીફો નાબૂદ કરશે. જે બાબતોની યાદ આપણને દુઃખી કરે, એ દુઃખને યહોવા દૂર કરી દેશે. કેવી અજોડ ખુશખબર! (યશા. ૬૫:૧૭) આપણે પણ ખુશખબર જણાવીએ છીએ. તેથી, ચાલો મહત્ત્વના આ બે સવાલો પર ચર્ચા કરીએ: આજના સમયમાં, લોકો ખુશખબર સાંભળે એ કેમ મહત્ત્વનું છે? આપણે ખુશખબર જણાવવામાં કઈ રીતે સફળ થઈ શકીએ?

લોકો ખુશખબર સાંભળે એ કેમ મહત્ત્વનું છે?

વ્યક્તિ જે માને છે એની પાછળનાં કારણો જોવાં મદદ કરશે

૪. ઈશ્વર વિશે કઈ ખોટી બાબતો લોકોને શીખવવામાં આવે છે?

માની લો તમને કોઈ કહે કે, તમારા પિતા તમને અને કુટુંબને છોડીને જતા રહ્યા છે. તેમને ઓળખવાનો દાવો કરનારા કહે કે તમારા પિતાને તમારી કંઈ પડી નથી. તે તમારાથી ઘણું બધું છુપાવે છે અને તે ક્રૂર છે. અરે, અમુક તો કહે કે તેમને શોધવાનો કોઈ ફાયદો નથી કેમ કે તે ગુજરી ગયા છે. આવું જ કંઈક, ઈશ્વર વિશે કહેવામાં આવે છે. લોકોને શીખવવામાં આવે છે કે ઈશ્વરને સમજવા અશક્ય છે, ઓળખવા મુશ્કેલ છે અથવા તે ક્રૂર છે. દાખલા તરીકે, અમુક ધર્મગુરુઓ શીખવે છે કે ખરાબ લોકોને સજા કરવા ઈશ્વર હંમેશ માટે પીડા આપે છે. બીજા અમુક કહે છે કે સજા કરવા ઈશ્વર કુદરતી આફતો લાવે છે. પછી ભલે, એમાં ખરાબ લોકોની સાથે સારા પણ મૃત્યુ પામે.

વ્યક્તિના દિલ સુધી પહોંચવા મદદ કરશે, જેથી તે સત્ય સ્વીકારે

૫, ૬. ઉત્ક્રાંતિવાદ અને જૂઠી માન્યતાઓએ કઈ રીતે લોકોને અસર કરી છે?

બીજા અમુક માને છે કે ઈશ્વર નથી. ચાલો એ વિશે વધુ જોવા, ઉત્ક્રાંતિવાદ પર વિચાર કરીએ. એમાં માનનારા ઘણા કહે છે કે, જીવન આપો-આપ આવી ગયું છે. તેઓ દાવો કરે છે કે, ઈશ્વરનું કોઈ અસ્તિત્વ નથી. અમુક તો એવું પણ કહે છે કે, મનુષ્ય પ્રાણીમાંથી આવ્યો છે. એટલે, તે પ્રાણીની જેમ હિંસક અને સ્વાર્થી રીતે વર્તે તો એમાં કંઈ નવાઈ નથી. તેઓ દલીલ કરે છે કે, તાકતવર વ્યક્તિ કમજોરને વશ કરે એ તો કુદરતી નિયમ છે. તેથી, ઘણા લોકો માને છે કે અન્યાયનો ક્યારેય અંત નહિ આવે. આમ, જેઓ ઉત્ક્રાંતિવાદમાં માને છે, તેઓ પાસે ભાવિની કોઈ આશા નથી.

આ છેલ્લા દિવસોમાં લોકો પર ઘણા દુઃખ આવે છે. એમાંય, ઉત્ક્રાંતિવાદ અને જૂઠી માન્યતાઓએ દુઃખોમાં બહુ ઉમેરો કર્યો છે. (રોમ. ૧:૨૮-૩૧; ૨ તીમો. ૩:૧-૫) માણસોનું એ શિક્ષણ લોકોને ખરી ખુશખબર આપતું નથી. અરે, પ્રેરિત પાઊલે જણાવ્યું તેમ એ શિક્ષણે તો લોકોની ‘બુદ્ધિ અંધકારમય’ કરી છે અને તેઓને ‘ઈશ્વરે આપેલા જીવનથી દૂર કર્યા છે.’ (એફેસી ૪:૧૭-૧૯ વાંચો.) વધુમાં ઉત્ક્રાંતિવાદ અને જૂઠી માન્યતાઓએ લોકોને ઈશ્વર પાસેથી આવતી ખુશખબર સ્વીકારતા અટકાવ્યા છે.—એફે. ૨:૧૧-૧૩.

વ્યક્તિને પોતાના વિચારો જણાવવા મદદ કરશે, જેથી તે ખરા તારણ પર આવી શકે

૭, ૮. ઈશ્વરની ખુશખબર અને તેમનો હેતુ સમજવાની ફક્ત એક રીત કઈ છે?

ઈશ્વર સાથે સંબંધ બાંધવા વ્યક્તિએ સૌથી પહેલા તો માનવું પડે કે ઈશ્વર યહોવાનું અસ્તિત્વ છે. તેમ જ, યહોવાની નજીક જવાનાં ઘણાં સારાં કારણો છે, એવો વિશ્વાસ કરવો પડે. ઈશ્વરે કરેલાં સર્જન વિશે શીખવાનું ઉત્તેજન આપીને લોકોને આપણે મદદ કરી શકીએ છીએ. જ્યારે વ્યક્તિ ઈશ્વરે કરેલાં સર્જન પર મનથી અભ્યાસ કરે, ત્યારે તે ઈશ્વરનાં જ્ઞાન અને શક્તિને પારખી શકે છે. (રોમ. ૧:૧૯, ૨૦) વ્યક્તિને ઈશ્વરનાં મહાન કાર્યો સમજાવવા, આપણે બાઇબલ આધારિત સાહિત્યમાંથી ચર્ચા કરી શકીએ. દાખલા તરીકે, આપણે કદાચ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૬નું સજાગ બનો!ના ખાસ અંક “આ બધું આવ્યું કેવી રીતે?”માંથી ચર્ચા કરી શકીએ. a સર્જન કરેલી વસ્તુઓનો જ અભ્યાસ પૂરતો નથી. એનાથી, વ્યક્તિને જીવનના અમુક અઘરા સવાલોના જવાબ નહિ મળે. જેમ કે, ઈશ્વર દુઃખ-તકલીફો કેમ ચાલવા દે છે? પૃથ્વી માટે ઈશ્વરનો હેતુ શું છે? શું ઈશ્વરને મારી ચિંતા છે?

ઈશ્વરની ખુશખબર અને તેમનો હેતુ સમજવાની ફક્ત એક રીત છે બાઇબલ અભ્યાસ. વ્યક્તિને એ સવાલોના જવાબ મેળવવા મદદ કરવી, એ કેટલો મોટો લહાવો છે! જોકે, વ્યક્તિના દિલ સુધી પહોંચવા, ફક્ત માહિતી આપવી પૂરતી નથી. તેને ઊંડી સમજણ આપવી જરૂરી છે. (૨ તીમો. ૩:૧૪) તેને એ માહિતીની ખાતરી કરાવવા ઈસુનું ઉદાહરણ અનુસરી શકીએ. એમ કરવામાં, ઈસુના સફળ થવાનું કારણ શું હતું? એ જ કે, તે યોગ્ય સવાલોનો સારો ઉપયોગ કરતા. આપણે તેમને કઈ રીતે અનુસરી શકીએ?

સવાલોનો સારો ઉપયોગ કરી ખુશખબર ફેલાવો

૯. ઈશ્વરને સારી રીતે જાણવા માટે વ્યક્તિને મદદ કરવા આપણે શું કરવું જોઈએ?

આપણે ખુશખબર જણાવતી વખતે ઈસુની જેમ સવાલોનો સારો ઉપયોગ કેમ કરવો જોઈએ? એ સમજવા ચાલો એક દાખલો લઈએ. ડૉક્ટર તમને એક સારા સમાચાર આપે કે, તમારી બીમારીનો ઇલાજ છે. તે એક મોટું ઑપરેશન કરીને બીમારી દૂર કરી શકે છે. કદાચ તમે એ ખુશખબરમાં ભરોસો મૂકશો. બીજા કિસ્સામાં, ડૉક્ટર તમારી બીમારી દૂર કરવાનું વચન આપે છે. પણ, બીમારી વિશે એક પણ સવાલ પૂછતા નથી અને કહે કે ઑપરેશન કરીશ. શું હવે, તમે એ વચનમાં ભરોસો મૂકશો? કદાચ નહિ! પછી ભલે, તેનામાં ઘણી આવડત હોય. તમારો સારો ઇલાજ કરવા માટે તેણે સવાલો પૂછવા અને તમારું સાંભળવું જરૂરી છે. આપણે પણ ચાહીએ છીએ કે વ્યક્તિ ખુશખબર સ્વીકારે. તેથી, તેને મદદ કરવા મહત્ત્વનું છે કે યોગ્ય સવાલો પૂછતા શીખીએ. ઈશ્વરને સારી રીતે જાણવા માટે વ્યક્તિને શાની જરૂર છે, એ જાણ્યા પછી જ તેને જરૂરી મદદ આપી શકીશું.

વ્યક્તિના દિલ સુધી પહોંચવા ઊંડી સમજણ આપવી જરૂરી છે

૧૦, ૧૧. શીખવતી વખતે ઈસુની રીત અનુસરવાથી શું કરી શકીશું?

૧૦ ઈસુ જાણતા હતા કે શિક્ષક જુદા જુદા પ્રકારના સવાલો પૂછીને વિદ્યાર્થીના મનમાં શું છે, એ જાણી શકે છે. તેમ જ, વિદ્યાર્થીને પણ ચર્ચામાં ભાગ લેવાની તક મળે છે. દાખલા તરીકે, ઈસુ શિષ્યોને નમ્રતા વિશે શીખવવા માગતા હતા. એ માટે, પ્રથમ તેમણે શિષ્યોને વિચારવા પ્રેરે એવો સવાલ કર્યો. (માર્ક ૯:૩૩) બીજા કિસ્સામાં, ઈસુએ એ રીતે સવાલો પૂછ્યા જેમાંથી પીતર એક સાચો જવાબ પસંદ કરી શક્યા. એના લીધે, પીતર શીખી શક્યા કે સિદ્ધાંતોને આધારે નિર્ણય કઈ રીતે લેવો. (માથ. ૧૭:૨૪-૨૬) બીજા એક વખતે, ઈસુ જાણવા માગતા હતા કે શિષ્યોનાં દિલમાં શું છે. તેથી, શિષ્યોના વિચારો બહાર કાઢવા તેમણે કેટલાક સવાલો પૂછ્યા. (માથ્થી ૧૬:૧૩-૧૭ વાંચો.) જીવનમાં શું કરવું જોઈએ, ફક્ત એ જણાવવાને બદલે, ઈસુએ એવા સવાલો પૂછ્યા જેથી લોકોને ખુશખબર સ્વીકારવા અને જીવનમાં ફેરફાર કરવા મદદ મળે.

૧૧ યોગ્ય સવાલ પૂછીને આપણે ઈસુનું અનુકરણ કરીએ છીએ. એમ કરવાથી, ઓછામાં ઓછી ત્રણ બાબતો થાય છે. લોકોને સૌથી સારી મદદ કઈ રીતે આપી શકાય, એ પારખી શકીએ છીએ. વાત અટકાવનાર લોકો સાથે કઈ રીતે વાત કરવી, એ જાણી શકીએ છીએ. તેમ જ, નમ્ર લોકોને કઈ રીતે મદદ આપવી, એ શીખી શકીએ છીએ. ચાલો ત્રણ કિસ્સા જોઈએ, જે બતાવશે કે કઈ રીતે સવાલોનો સારો ઉપયોગ કરવો જોઈએ.

૧૨-૧૪. બાળક અચકાયા વગર ખુશખબર જણાવે માટે તમે કઈ રીતે મદદ કરશો? દાખલો આપી સમજાવો.

૧૨ પહેલો કિસ્સો: તમારો તરુણ તમને કહે કે, ‘ઈશ્વરે બધું રચ્યું છે, એ વિશે સાથી વિદ્યાર્થીને વાત કરતા હું અચકાયો.’ તમે ચોક્કસ ચાહશો કે તે અચકાયા વગર ખુશખબર જણાવે. એટલે, તેના પર ગુસ્સે થવાને બદલે કે તરત સલાહ આપવાને બદલે, કેમ નહિ કે ઈસુનું ઉદાહરણ અનુસરીને અમુક સવાલો પૂછો? એમ કરવા તમે શું કરશો?

૧૩ તમે તેની સાથે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૦ના સજાગ બનો!ના લેખ “શું ઈશ્વરમાં માનવું મૂર્ખાઈ છે?” પર ચર્ચા કરી શકો. એમ કર્યા પછી, તેને પૂછી શકો કે એ લેખમાંથી કયા વિચારો તેને ગમ્યા. તેને જણાવવા ઉત્તેજન આપો કે, ઈશ્વર છે એની ખાતરી તેને કયા મુદ્દાને લીધે મળી. તેમ જ, કયા વિચારોને લીધે તે પોતે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા માગે છે. (રોમ. ૧૨:૨) એમ પણ જણાવો કે, તેના અને તમારા મુદ્દા સરખા હોવા જરૂરી નથી.

૧૪ તમે બાળકને જણાવી શકો કે, ‘આપણે જે રીતે ચર્ચા કરી, એ રીતે તું સાથી વિદ્યાર્થી સાથે ચર્ચા કરી શકે. તેને આ જ લેખમાંથી અમુક માહિતી આપી શકે અને પછી કેટલાક સવાલ પૂછી શકે.’ દાખલા તરીકે, બાળક સાથી વિદ્યાર્થીને “ડી.એન.એ. અને આપણું મગજ”ના મથાળા નીચેનો બીજો ફકરો વાંચવા કહી શકે. પછી, તે પૂછી શકે, ‘ડી.એન.એ. જેટલી નાની શું કોઈ આધુનિક મૅમરી ચીપ કે ડીવીડી છે, જે આટલી બધી માહિતી રાખી શકે?’ દેખીતું છે કે વિદ્યાર્થી “ના” કહેશે. પછી બાળક તેને પૂછી શકે, ‘જો એક કૉમ્પ્યુટરની મૅમરી ચીપ કોઈકે બનાવી હોય, તો શું આટલું જટિલ ડી.એન.એ. કોઈકે બનાવ્યું નહિ હોય?’ બાળક અચકાયા વગર પોતાની શ્રદ્ધા વિશે જણાવી શકે માટે તેની સાથે અવારનવાર આવી રીતે ચર્ચા કરતા રહો. બાળકને સવાલોનો સારો ઉપયોગ કરતા શીખવશો, તો તે ખુશખબર જણાવનાર તરીકે તેની જવાબદારી સારી રીતે નિભાવી શકશે.

૧૫. નાસ્તિક વ્યક્તિને મદદ કરવા આપણે કઈ રીતે સવાલોનો ઉપયોગ કરીશું?

૧૫ બીજો કિસ્સો: પ્રચારમાં તમને એવી વ્યક્તિ મળે છે, જે ઈશ્વરના અસ્તિત્વ પર શંકા કરે છે. તે તમને કહે કે પોતે નાસ્તિક છે. એ સાંભળીને વાત ત્યાં જ અટકાવી દેવાને બદલે, માનથી પૂછો કે ક્યારથી અને કયા કારણથી તે નાસ્તિક બન્યા છે. તેના જવાબને ધ્યાનથી સાંભળ્યા પછી, તમે કહી શકો, ‘ચોક્કસ તમે ઘણું વિચાર્યા પછી આવું માનતા થયા હશો.’ પછી તમે સવાલ કરી શકો, ‘શું એવું સાહિત્ય વાંચવું ગમશે જે સાબિત કરી આપે કે જીવન કોઈકે રચ્યું છે?’ વ્યક્તિને રસ હોય તો, એ વિષય પર સાહિત્ય આપી શકો. યોગ્ય રીતે સવાલો પૂછીને આપણે એવી વ્યક્તિના દિલ સુધી ખુશખબર પહોંચાડી શકીશું.

૧૬. વિદ્યાર્થી પુસ્તકમાંથી જવાબ સીધે સીધા વાંચી ન જાય એનું કેમ ધ્યાન રાખવું જોઈએ?

૧૬ ત્રીજો કિસ્સો: બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે કદાચ વિદ્યાર્થી સવાલોના જવાબ પુસ્તકમાંથી સીધે સીધા વાંચી આપે. જો એમ ચાલવા દેશો, તો સત્યમાં તેની પ્રગતિને તમે અટકાવશો. કઈ રીતે? જો વ્યક્તિ વિચાર કર્યા વગર જવાબ આપે, તો ભક્તિમાં તેના મૂળ ઊંડા નહિ ઉતરે. તે કદાચ એવું છોડ બને જે પરીક્ષણમાં કરમાઈ જાય. (માથ. ૧૩:૨૦, ૨૧) એવું ન થાય માટે, વિદ્યાર્થીને જણાવવા કહો કે તે જે શીખી રહ્યો છે, એ વિશે તેને કેવું લાગે છે. જાણવાનો પ્રયત્ન કરો કે ચર્ચા કરેલા મુદ્દા સાથે તે સહમત છે કે નહિ. તે કેમ એવું માને છે, એની કબૂલાત કરે એ સૌથી મહત્ત્વનું છે. કલમો પર વિચાર કરવા તેને મદદ કરો, જેથી તે ખરા તારણ પર આવી શકે. (હિબ્રૂ ૫:૧૪) સવાલોનો સારો ઉપયોગ કરીને વ્યક્તિને સત્યમાં વધારે મજબૂત કરી શકીશું. આમ, તે વિરોધ અને જૂઠાં શિક્ષણથી પોતાનું રક્ષણ કરી શકશે. (કોલો. ૨:૬-૮) ખુશખબર જણાવવાની જવાબદારી નિભાવવા, બીજું શું કરી શકાય?

ખુશખબર જણાવનાર તરીકે એકબીજાને મદદ કરો

૧૭, ૧૮. પ્રચારમાં તમે બીજા પ્રકાશક સાથે કઈ રીતે એક થઈને કામ કરી શકો?

૧૭ ઈસુએ પોતાના શિષ્યોને પ્રચારમાં બબ્બેની જોડીમાં મોકલ્યા હતા. (માર્ક ૬:૭; લુક ૧૦:૧) સમય જતા, પ્રેરિત પાઊલે પણ “બીજા સહકારીઓ” વિશે વાત કરી, જેઓએ તેમના “સાથે સુવાર્તાના પ્રચારમાં ઘણો પ્રયાસ કર્યો.” (ફિલિ. ૪:૩) એ કલમના સુમેળમાં, વર્ષ ૧૯૫૩માં સંસ્થાએ પ્રચાર વધુ સારી રીતે કરવા પ્રકાશકો એકબીજાને મદદ કરે, એવી ખાસ ગોઠવણ કરી.

૧૮ પ્રચારમાં તમે બીજા પ્રકાશક સાથે હો ત્યારે, કઈ રીતે એક થઈને કામ કરી શકો? (૧ કોરીંથી ૩:૬-૯ વાંચો.) તમારા સાથી જ્યારે ઘરમાલિકને કલમ વાંચી આપે, ત્યારે તમે પણ બાઇબલ ખોલો. તેઓની ચર્ચા પર ધ્યાન આપો. આમ, સાથીને જરૂર પડતા ચર્ચામાં તરત મદદ આપી શકશો. (સભા. ૪:૧૨) ખાસ ધ્યાન રાખો કે, સાથીની વાત વચ્ચે ન અટકાવો. નહિતર, તે ઉત્સાહ ગુમાવશે અને ઘરમાલિક ગૂંચવણમાં મૂકાશે. અમુક વાર તમે ચર્ચામાં ભાગ લઈ શકો, પણ તમારી ટીકા નાની રાખો. આમ, તમારા સાથી વાતચીત આગળ વધારી શકશે.

૧૯. હંમેશાં શું યાદ રાખવું જોઈએ અને શા માટે?

૧૯ એક ઘરથી બીજા ઘરે જતી વખતે, તમે એકબીજાને કઈ રીતે ઉત્તેજન આપી શકો? કેમ નહિ કે એ સમયે, પ્રચારની પ્રસ્તાવના વધુ સારી બનાવવા ચર્ચા કરો. ધ્યાન રાખો કે, વાતચીતમાં ઘરમાલિક વિશે ખરાબ ટીકાઓ ન કરો. તેમ જ, સાથી ભાઈ-બહેનોની ફરિયાદ કરવાનું ટાળો. (નીતિ. ૧૮:૨૪) હંમેશાં યાદ રાખો કે, આપણે બધા માટીનાં વાસણો છીએ. છતાં, યહોવાએ અપાર દયા બતાવીને ખુશખબર જણાવવાનું મહત્ત્વનું કામ આપણને સોંપ્યું છે. (૨ કોરીંથી ૪:૧,  વાંચો.) એ લહાવા માટે કદર બતાવતા, ચાલો ખુશખબર જણાવવાની જવાબદારી નિભાવવા બનતું બધું કરીએ.

a જો વ્યક્તિને અંગ્રેજી આવડતું હોય તો આ મોટી પુસ્તિકામાંથી ચર્ચા કરી શકો: વોઝ લાઈફ ક્રિએટેડ? અને ધી ઓરિજિન ઓફ લાઈફ—ફાઇવ ક્વેશ્ચન્સ વર્થ આસ્કીંગ.