સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે સારાં કામમાં ઉત્સાહી છો?

શું તમે સારાં કામમાં ઉત્સાહી છો?

‘ઈસુ ખ્રિસ્તે આપણને શુદ્ધ કરી સારાં કામમાં ઉત્સાહી એવી પોતાની પ્રજા બનાવવા માટે, આપણી ખાતર પોતાને અર્પી દીધા હતા.’—તીત. ૨:૧૩, ૧૪, સંપૂર્ણ.

૧, ૨. યહોવાના સાક્ષીઓ તરીકે આપણી પાસે કયો લહાવો છે? એ વિશે તમને કેવું લાગે છે?

 સારું કામ કરવાથી લોકોને ઈનામ મળે ત્યારે, તેઓ એને મોટા સન્માનની વાત ગણે છે. દાખલા તરીકે, અમુક લોકોને બે દેશો વચ્ચે સમાધાન કરાવવા નોબલ પુરસ્કાર મળ્યા છે. આપણને પણ ઈશ્વરે લોકો પાસે મોકલ્યા છે, જેથી આપણે તેઓનું ઈશ્વર સાથે સમાધાન કરાવીએ. એ સાચે જ, સૌથી મોટાં સન્માનની વાત છે!

એ ખાસ લહાવો, યહોવાના સાક્ષીઓ તરીકે ફક્ત આપણી પાસે જ છે. યહોવા અને ઈસુનાં માર્ગદર્શન નીચે આપણે ‘ઈશ્વર સાથે સમાધાન’ કરવા લોકોને આજીજી કરીએ છીએ. (૨ કોરીં. ૫:૨૦) લોકોને પોતાની તરફ દોરવા યહોવા આપણો ઉપયોગ કરે છે. પરિણામે, ૨૩૫ કરતાં વધારે દેશોમાં લાખો લોકોને ઈશ્વરના મિત્ર બનવા મદદ મળી છે. તેમ જ, તેઓને હંમેશ માટેના જીવનની આશા મળી છે. (તીત. ૨:૧૧) આપણે પૂરા ઉત્સાહથી લોકોને “જીવનનું પાણી મફત” લેવા આમંત્રણ આપીએ છીએ. (પ્રકટી. ૨૨:૧૭) આપણે આ ખાસ જવાબદારીની ખૂબ કદર કરીએ છીએ. એને પૂરા ઉત્સાહથી નિભાવવા માગીએ છીએ. આમ, આપણે ‘સારાં કામમાં ઉત્સાહી’ લોકો કહેવાઈએ છીએ. (તીત. ૨:૧૪, સંપૂર્ણ) ચાલો જોઈએ કે, સારાં કામ કરવાથી કઈ રીતે લોકોને ઈશ્વરની નજીક આવવા આપણે મદદ કરીએ છીએ. એમ કરવાની એક રીત છે, આપણું પ્રચારકાર્ય.

યહોવા અને ઈસુના ઉત્સાહને અનુસરીએ

૩. ‘યહોવાનો ઉત્સાહ’ આપણને શું ખાતરી આપે છે?

યશાયા ૯:૭ જણાવે છે કે, ઈશ્વરનો પુત્ર રાજા બનશે અને તે માણસજાત માટે સારી બાબતો કરશે. “સૈન્યોના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી [ઉત્સાહથી, NW] આ થશે.” એ શબ્દો ખાતરી આપે છે કે, મનુષ્યના બચાવ માટે ઈશ્વર ખૂબ ઉત્સુક છે. યહોવા ઉત્સાહ બતાવે છે એટલે આપણે પણ તેમણે સોંપેલું કામ પૂરાં ઉત્સાહ અને તન-મનથી કરવું જોઈએ. લોકોને ઈશ્વરની ઓળખ કરાવવા, આપણે પૂરો ઉત્સાહ બતાવીને ઈશ્વરને અનુસરીએ છીએ. આપણે ઈશ્વર સાથે કામ કરનારા છીએ. તેથી, ખુશખબર જણાવવા શું આપણે બનતું બધું કરીએ છીએ?—૧ કોરીં. ૩:૯.

૪. ઈસુએ કઈ રીતે પ્રચારકાર્યમાં ઉત્સાહ બતાવીને સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો?

ઈસુના ઉત્સાહનો પણ વિચાર કરો. તેમણે પ્રચારકાર્યમાં ઉત્સાહ બતાવીને સૌથી ઉત્તમ દાખલો બેસાડ્યો. સખત વિરોધ છતાં, તેમણે પ્રચારકાર્ય માટે પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો. અરે, દુઃખદ મરણ સુધી પણ તેમનો ઉત્સાહ ઠંડો પડ્યો નહિ. (યોહા. ૧૮:૩૬, ૩૭) બલિદાનનો સમય નજીક આવતો ગયો તેમ, ઈસુએ વધુ દૃઢ નિશ્ચય સાથે બીજાઓને યહોવાના મિત્ર બનવા મદદ પૂરી પાડી.

૫. દૃષ્ટાંત પ્રમાણે ઈસુએ શું કર્યું?

સાલ ૩૨ની પાનખર ઋતુમાં ઈસુએ એક દૃષ્ટાંત આપ્યું હતું. એમાં તેમણે એક માણસની વાત કરી જેની વાડીમાં અંજીરનું ઝાડ હતું. એના પર ત્રણ વર્ષથી ફળ આવ્યાં નહોતાં. તેથી, તેણે માળીને એ ઝાડ કાપી નાખવા કહ્યું. પરંતુ, માળીએ એમાં ખાતર નાખ્યાં પછી થોડોક સમય રાહ જોવા વિનંતી કરી. (લુક ૧૩:૬-૯ વાંચો.) ઈસુએ જે પ્રચારકાર્ય કર્યું એના ફળરૂપે, એ સમયે થોડાક જ શિષ્યો બન્યા હતા. ઈસુએ પોતાની પાસે બચેલા છ મહિનામાં, યહુદા અને પેરિઆના લોકોને ખુશખબર જણાવવાનું કામ ઘણું વધાર્યું. મરણના થોડા દિવસ પહેલાં લોકો માટે ઈસુ રડ્યા કેમ કે, તેઓએ સંદેશો સ્વીકાર્યો ન હતો.—માથ. ૧૩:૧૫; લુક ૧૯:૪૧.

૬. પ્રચારમાં કેમ આપણા પ્રયત્નો વધારવાની જરૂર છે?

અંત ખૂબ જ નજીક હોવાથી, બહુ જરૂરી છે કે પ્રચારમાં આપણા પ્રયત્નો વધારીએ. (દાનીયેલ ૨:૪૧-૪૫ વાંચો.) યહોવાના સાક્ષી હોવું, સાચે જ મોટો લહાવો છે! દુનિયામાં આપણે જ એવા લોકો છીએ જેઓ આશા આપે છે કે, માણસજાતની દરેક મુશ્કેલીનો અંત આવશે. થોડા સમય પહેલાં, એક ન્યૂઝપેપરમાં પત્રકારે લખ્યું કે, ‘“સારા લોકો સાથે ખરાબ બાબતો કેમ બને છે?” એ સવાલનો કોઈ જવાબ નથી.’ જોકે, આવા સવાલના જવાબ બાઇબલમાં છે. તેથી, જવાબ મેળવવા માગતા લોકોને એ જણાવવાની આપણી ફરજ અને લહાવો છે. ‘ઈશ્વરની શક્તિથી ઉત્સાહી’ બનીએ અને તેમણે સોંપેલું કામ પૂરું કરીએ. (રોમ. ૧૨:૧૧) લોકો યહોવાને ઓળખે અને તેમને પ્રેમ કરે માટે આપણે તેઓને મદદ કરવા માગીએ છીએ. પૂરા ઉત્સાહથી એ કામ કરીએ છીએ ત્યારે, યહોવા આપણને આશીર્વાદ આપે છે.

ભોગ આપવાથી યહોવાને મહિમા મળે છે

૭, ૮. આપણે ભોગ આપીએ છીએ ત્યારે, યહોવાને કઈ રીતે મહિમા મળે છે?

પ્રેરિત પાઊલે પ્રચારકાર્ય માટે ઘણા ભોગ આપ્યા હતા. તેમણે કેટલીક વાર ‘ઉજાગરા કર્યા’ અને ‘ભૂખ વેઠી.’ (૨ કોરીં. ૬:૫) આપણાં ભાઈ-બહેનો પણ પ્રચાર માટે એવા જ ભોગ આપે છે. પાયોનિયરીંગ કરતા ભાઈ-બહેનો પ્રચારને જીવનમાં સૌથી પ્રથમ રાખે છે. જોકે, એમાંના ઘણાને ગુજરાન માટે નોકરી કરવી પડે છે. બીજા દેશોમાં જઈને સેવા આપતાં ભાઈ-બહેનો વિશે પણ વિચાર કરો. તેઓ થાક્યા વગર ત્યાંના લોકોને મદદ કરે છે. (ફિલિ. ૨:૧૭) મંડળના વડીલો વિશે શું? યહોવાના ઘેટાંની સંભાળ રાખવા તેઓ સખત મહેનત કરે છે. ઘણી વાર તેઓ રાતોની ઊંઘ અને જમવાનું જતું કરે છે. આપણા મંડળમાં વૃદ્ધો અને બીમાર લોકો પણ હશે. તેઓ સભામાં આવવા અને પ્રચારમાં જોડાવવા બનતું બધું કરે છે. યહોવાના એ બધા ભક્તોનો વિચાર કરવાથી, તેઓ માટે આપણું દિલ કદરથી છલકાઈ જાય છે. આપણે જે ભોગ આપીએ છીએ, એ જોઈને દુનિયાના લોકો પણ પારખી શકે છે કે પ્રચારકાર્ય મહત્ત્વનું છે.

ઇંગ્લૅન્ડના ન્યૂઝપેપરને એક વ્યક્તિએ પત્ર લખ્યો કે, ‘લોકોનો ધર્મમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે. ખબર નહિ ચર્ચના પાદરીઓ આખો દિવસ શું કરે છે? ઈસુ જેમ જઈને લોકોને મળતા હતા, તેમ તેઓ બિલકુલ કરતા નથી. ફક્ત એક જ ધર્મ એવો છે, જે લોકોની સંભાળ રાખે છે, એ છે યહોવાના સાક્ષીઓનો ધર્મ. તેઓ જઈને લોકોને મળે છે અને સત્યનો પ્રચાર કરે છે.’ મોટા ભાગના લોકો આજે સ્વાર્થી છે અને બીજાઓ માટે ભોગ આપવા તૈયાર નથી. પરંતુ, આપણે પ્રચારકાર્ય માટે ખુશીથી ભોગ આપીએ છીએ ત્યારે યહોવાને મહિમા મળે છે.—રોમ. ૧૨:૧.

લોકો આપણને પ્રચાર કરતા જુએ છે ત્યારે પણ તેઓને સાક્ષી મળે છે

૯. પ્રચાર માટે ઉત્સાહ જાળવી રાખવા આપણને શું મદદ કરશે?

પ્રચારકાર્ય માટે આપણે ઉત્સાહ ગુમાવી રહ્યા છીએ એવું લાગે ત્યારે, શું કરી શકીએ? યહોવા પ્રચારકાર્ય દ્વારા જે સિદ્ધ કરે છે, એના પર વિચારવાથી ઘણી મદદ મળશે. (રોમનો ૧૦:૧૩-૧૫ વાંચો.) લોકોએ પોતાનું જીવન બચાવવા યહોવામાં વિશ્વાસ રાખવો જરૂરી છે. પરંતુ, આપણા જણાવ્યા વગર તેઓ એ બાબત નહિ જાણી શકે. એ હકીકત ધ્યાનમાં રાખવાથી, આપણે ઉત્સાહ જાળવી શકીશું. તેમ જ, રાજ્યની ખુશખબર જણાવવાના કામને પૂરું કરવા બનતું બધું કરીશું.

સારાં વાણી-વર્તન બીજાઓને ઈશ્વર તરફ દોરે છે

આપણે ઈમાનદારીથી વર્તીએ છીએ ત્યારે લોકો એની નોંધ લે છે

૧૦. આપણે સારાં વાણી-વર્તન બતાવીએ છીએ ત્યારે, શું બને છે?

૧૦ પ્રચાર માટે ફક્ત ઉત્સાહ હોવો જ પૂરતું નથી. લોકોને ઈશ્વર તરફ દોરવા સારાં વાણી-વર્તન પણ જરૂરી છે. એના મહત્ત્વ પર ભાર મૂકતા પાઊલે લખ્યું, ‘અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી.’ (૨ કોરીં. ૬:૩) આપણાં સારાં વાણી-વર્તનને લીધે, કદાચ લોકોને યહોવાની ભક્તિ કરવાની ઇચ્છા થાય. (તીત. ૨:૧૦) મોટા ભાગે એવું બને છે કે, ખ્રિસ્ત જેવા આપણાં સારાં વાણી-વર્તન જોઈને લોકો સત્ય તરફ ખેંચાય છે.

૧૧. કેમ પ્રાર્થનાપૂર્વક વિચાર કરવો જોઈએ કે આપણાં વાણી-વર્તનની કેવી અસર થાય છે?

૧૧ જો સારાં વાણી-વર્તનથી લોકો સત્ય તરફ ખેંચાય, તો કદાચ ખરાબ વલણને લીધે સત્યથી દૂર પણ થાય. એટલે જ, ભલે આપણે કામ પર, ઘરે કે સ્કૂલમાં હોઈએ, કોઈને આપણાં વાણી-વર્તનમાં વાંક કાઢવાની તક ન આપીએ. આપણે જાણીજોઈને પાપ કરીએ તો, એનાથી યહોવા સાથે આપણો સંબંધ હંમેશ માટે તૂટી શકે છે. (હિબ્રૂ ૧૦:૨૬, ૨૭) તેથી, પ્રાર્થનાપૂર્વક વિચારવું જોઈએ કે આપણું વલણ કેવું છે અને બીજાઓ પર એની કેવી અસર થાય છે. આ દુનિયાનું વલણ ઝડપથી બગડી રહ્યું છે. “ઈશ્વરની સેવા કરનારની તથા તેની સેવા નહિ કરનારની વચ્ચેનો, ભેદ” પારખવો સહેલો બન્યો છે. (માલા. ૩:૧૮) સાચે જ, લોકોનું ઈશ્વર સાથે સમાધાન કરાવવામાં, આપણાં વાણી-વર્તન ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

૧૨-૧૪. આપણે સતાવણી સહીએ છીએ એનાથી લોકો પર કેવી અસર પડે છે? અનુભવ જણાવો.

૧૨ કોરીંથનાં ભાઈ-બહેનોને પાઊલે લખ્યું કે, તેમણે વિપત્તિ અને સતાવણી સહી. કેટલીક વાર, ફટકા ખાધા અને કેદ ભોગવી. (૨ કોરીંથી ૬:૪, ૫ વાંચો.) આપણે સતાવણીઓનો સામનો કરીએ છીએ ત્યારે પણ લોકો સત્ય તરફ ખેંચાય છે. એ સમજવા, અંગોલાના એક વિસ્તારનો અનુભવ જોઈએ. અમુક વર્ષો પહેલાં, ત્યાં યહોવાના સાક્ષીઓનું નામોનિશાન મિટાવી દેવાનો પ્રયત્ન કરાયો. એક સાક્ષી યુગલ અને રસ ધરાવતી ત્રીસ વ્યક્તિઓને વિરોધીઓએ ઘેરી લીધાં. પછી, નિર્દોષ લોકોને એટલા ફટકા મારવામાં આવ્યા કે તેઓ લોહીલુહાણ થઈ ગયા. અરે, સ્ત્રીઓ અને બાળકોને પણ ક્રૂર રીતે માર્યાં. આસપાસના લોકો આ જુલમ જોઈ રહ્યા હતા. વિરોધીઓને હતું કે, જુલમ જોઈને લોકો ડરના લીધે યહોવાના સાક્ષીઓનું નહિ સાંભળે. પરંતુ, એ બનાવ પછી ત્યાંના ઘણા લોકોએ સાક્ષીઓ પાસે આવીને બાઇબલ અભ્યાસની માગ કરી. ત્યાર બાદ, રાજ્યનાં પ્રચારકાર્યમાં ત્યાં ઘણો વધારો થયો અને પુષ્કળ આશીર્વાદ મળ્યા.

૧૩ એ અનુભવ બતાવે છે કે, બાઇબલ સિદ્ધાંતોને વળગી રહેવાથી બીજાઓ પર ઊંડી અસર પડે છે. પીતર અને બીજા પ્રેરિતોએ બતાવેલી હિંમતથી ઘણાને ઈશ્વરના મિત્ર બનવા ઉત્તેજન મળ્યું હશે. (પ્રે.કૃ. ૫:૧૭-૨૯) સત્ય માટે અડગ રહેવાથી સાથે ભણનારા, કામ કરનારા કે કુટુંબીજનો પર સારી અસર પડે છે. તેમ જ, તેઓ સત્ય સ્વીકારવા તૈયાર થાય છે.

૧૪ હાલમાં, આપણાં ભાઈ-બહેનોમાંથી કોઈને કોઈ તો સતાવણીનો સામનો કરી રહ્યું છે. દાખલા તરીકે, આર્મેનિયામાં આશરે ૪૦ ભાઈઓ લશ્કરમાં ન જોડાયા હોવાથી કેદ કરાયા છે. આવનારા મહિનાઓમાં, બીજા કેટલાકને કદાચ કેદ કરવામાં આવે. એરિટ્રિયામાં પંચાવન ભાઈ-બહેનો કેદ કરાયાં છે, જેમાંનાં અમુક ૬૦થી વધુ ઉંમરનાં છે. દક્ષિણ કોરિયામાં આશરે ૭૦૦ સાક્ષીઓ શ્રદ્ધામાં અડગ રહેવાને લીધે જેલમાં છે. ત્યાં, છેલ્લાં ૬૦ વર્ષોથી આવી પરિસ્થિતિ ચાલી રહી છે. આવી સતાવણી સહેતાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. તેઓ જુલમ સહીને યહોવાને મહિમા આપે છે અને નમ્ર દિલના લોકોને સાચી ભક્તિ તરફ દોરે છે.—ગીત. ૭૬:૮-૧૦.

૧૫. દાખલો આપી સમજાવો કે ઈમાનદારી બતાવવાથી કઈ રીતે લોકો સત્ય તરફ ખેંચાય છે?

૧૫ આપણે ઈમાનદારીથી વર્તીએ છીએ ત્યારે પણ લોકો સત્ય તરફ ખેંચાય છે. (૨ કોરીંથી ૬:૪,  વાંચો.) ચાલો, આપણાં એક બહેનનો અનુભવ જોઈએ. તે બસની ટિકિટ ખરીદવાના જ હતાં એટલામાં તેમની બહેનપણીએ કહ્યું, ‘ટિકિટ લેવાની શું જરૂર છે? નજીકના બસસ્ટૉપે તો ઊતરવાનું છે.’ આપણાં બહેને તેમને સમજાવ્યું કે, ‘બીજા જ સ્ટૉપે ઊતરવાનું હોય તોય, ટિકિટ તો લેવી જ જોઈએ.’ થોડી વાર પછી, બસ ડ્રાઇવરે બહેનને પૂછ્યું, ‘શું તમે યહોવાના સાક્ષી છો?’ બહેને કહ્યું, ‘હા. પણ, તમને કઈ રીતે ખબર પડી?’ ડ્રાઇવરે જણાવ્યું, ‘ટિકિટ લેવા વિશે, હું તમારાં બંનેની વાતો સાંભળતો હતો. હું જાણું છું કે, યહોવાના સાક્ષીઓ એવા અમુક લોકોમાંથી છે, જેઓ બધી બાબતો ઈમાનદારીથી કરે છે.’ અમુક મહિનાઓ પછી, આપણાં એ બહેનને એક માણસ સભામાં મળે છે. તે આવીને કહે છે, ‘શું હું તમને યાદ છું? હું એ જ બસ ડ્રાઇવર છું, જેણે ટિકિટ વિશે વાત કરી હતી. તમારી ઈમાનદારી જોઈને મેં યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરવાનું નક્કી કર્યું.’ એ અનુભવ બતાવે છે કે, ઈમાનદારી બતાવવાથી લોકો આપણા સંદેશામાં સહેલાઈથી ભરોસો મૂકી શકશે.

ઈશ્વરને મહિમા મળે એવા ગુણો સદા બતાવતા રહો

૧૬. સહનશીલતા, પ્રેમ અને નમ્રતા જેવા ગુણો બતાવીએ છીએ ત્યારે શું બને છે? દાખલો આપો કે ઢોંગી ધર્મગુરુઓ શું કરે છે.

૧૬ સહનશીલતા, પ્રેમ અને નમ્રતા જેવા ગુણો બતાવીને પણ આપણે લોકોને યહોવા તરફ દોરીએ છીએ. આપણને જોઈને કદાચ લોકોને યહોવાના હેતુ અને તેમના ભક્તો વિશે જાણવાનું મન થાય. આપણાં વાણી-વર્તનથી યહોવાને મહિમા મળે છે. જ્યારે કે, અમુક ધર્મગુરુઓ સારા હોવાનો અથવા ભક્તિ કરવાનો મોટા ભાગે ઢોંગ કરે છે. પોતાના લોકોને છેતરીને તેઓ પૈસા પડાવી લે છે. અરે, અમુકે તો એ પૈસાથી પોતાને માટે મોટા બંગલા બાંધ્યા છે અને ગાડીઓ ખરીદી છે. એક ધર્મગુરુએ તો કૂતરાઘરમાં એરકન્ડિશન નંખાવ્યું છે. આવા ધર્મગુરુઓ ઈસુના કહ્યા પ્રમાણે જરાય કરતા નથી, જેમણે ‘મફત આપવા’ જણાવ્યું હતું. (માથ. ૧૦:૮) તેઓ પ્રાચીન ઈસ્રાએલના ભ્રષ્ટ યાજકોની જેમ “પગાર લઈને બોધ કરે છે.” ઉપરાંત, તેઓ જે શીખવે છે એ મોટા ભાગે બાઇબલના સુમેળમાં હોતું નથી. (મીખા. ૩:૧૧) એવું વર્તન, કોઈને પણ ઈશ્વરના મિત્ર બનવા મદદ કરતું નથી.

૧૭, ૧૮. (ક) યહોવા જેવું વલણ બતાવીને આપણે કઈ રીતે તેમને મહિમા આપીએ છીએ? (ખ) આપણે શા માટે સારાં કામ કરતા રહેવા માગીએ છીએ?

૧૭ જ્યારે કે, આપણે લોકો સાથે નમ્રતાથી વર્તીએ છીએ અને સત્ય શીખવીએ છીએ. આમ કરવાથી, લોકો પર સારી અસર પડે છે. દાખલા તરીકે, એક પાયોનિયર ભાઈ ઘર ઘરનો પ્રચાર કરતા હતા. એક ઘરે, વૃદ્ધ સ્ત્રીએ તેમને તરત કહ્યું કે, ‘મને એમાં રસ નથી.’ અને એમ પણ કહ્યું કે ‘તમે બેલ વગાડ્યો ત્યારે, હું રસોડામાં સ્ટૂલ પર ચઢીને બલ્બ બદલી રહી હતી.’ આપણા ભાઈએ કહ્યું, ‘તમારાં માટે એમ કરવું સલામત નથી.’ પછી, ભાઈએ બલ્બ બદલી આપ્યો અને ત્યાંથી જતા રહ્યા. એ સ્ત્રીના દીકરાને ખબર પડી કે શું બન્યું ત્યારે, તેને ખૂબ નવાઈ લાગી. તેણે આભાર માનવા એ ભાઈને શોધવાનો પ્રયત્ન કર્યો. સમય જતા, તેણે બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો.

૧૮ આપણે સારાં કામ કરતા રહેવા માગીએ છીએ. કારણ, આપણે જાણીએ છીએ કે પ્રચારમાં ઉત્સાહ બતાવવો અને સારાં વાણી-વર્તન રાખવાં બહુ જરૂરી છે. એનાથી, બીજાઓને પોતાનું જીવન બચાવવા મદદ અને યહોવાને મહિમા મળશે. (૧ કોરીંથી ૧૦:૩૧-૩૩ વાંચો.) સારાં કામમાં ઉત્સાહ રાખવાનું બીજું કયું કારણ છે? એ જ કે, આપણે ઈશ્વર અને બીજાઓને ખરો પ્રેમ બતાવવા માગીએ છીએ. (માથ. ૨૨:૩૭-૩૯) સારાં કામમાં આપણે ઉત્સાહી હોઈશું તો ઘણો આનંદ અને સંતોષ મળશે. વધુમાં, આપણે એ દિવસની રાહ જોઈએ છીએ જ્યારે, બધા માણસો પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરશે અને તેમને મહિમા આપશે.