સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

લગ્‍નજીવન મજબૂત કરવા દિલ ખોલીને વાતચીત કરો

લગ્‍નજીવન મજબૂત કરવા દિલ ખોલીને વાતચીત કરો

“પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.”—નીતિ. ૨૫:૧૧.

૧. દિલ ખોલીને વાતચીત કરવાથી કઈ રીતે લગ્‍નજીવનમાં મદદ મળે છે?

 કૅનેડામાં રહેતા એક ભાઈએ કહ્યું, ‘કોઈ બીજા સાથે સમય પસાર કરવા કરતાં મારી પત્ની સાથે સમય વિતાવવો મને સૌથી વધુ ગમશે. તેની સાથે ખુશી બમણી થઈ જાય છે અને દુઃખ અડધું.’ ઑસ્ટ્રેલિયામાં રહેતા એક પતિ લખે છે: ‘અમારા લગ્‍નને ૧૧ વર્ષ થયાં છે. પણ, એકેય દિવસ એવો વીત્યો નથી કે જેમાં મારી વાતચીત પત્ની સાથે ન થઈ હોય. નિયમિત રીતે દિલ ખોલીને વાતચીત કરવાને લીધે, એકબીજા પર ભરોસો વધ્યો છે અને લગ્‍નજીવન મજબૂત બન્યું છે.’ કોસ્ટા રિકામાં રહેતાં એક બહેન જણાવે છે, ‘ખુલ્લા મને વાત કરવાથી અમારું લગ્‍નજીવન સુખી બન્યું છે. અમે યહોવાની નજીક આવ્યાં છીએ અને લાલચોનો સામનો કરી શક્યા છીએ. યુગલ તરીકે અમારી એકતા અને પ્રીતિ વધી છે.’

૨. દિલ ખોલીને વાત કરવી યુગલને કેમ અઘરી લાગી શકે?

શું તમે અને તમારા સાથી દિલ ખોલીને વાત કરવાની મજા માણો છો? કે પછી, એમ કરવું તમને અઘરું લાગે છે? લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય એ સ્વાભાવિક છે. કારણ, બંને સાથી ભૂલો કરી શકે, બંનેનો સ્વભાવ અને ઉછેર જુદો હોય શકે. (રોમ. ૩:૨૩) વધુમાં, કદાચ પતિ કે પત્નીની વાત કરવાની રીત જુદી જુદી હોય. તેથી જ, લગ્‍નના વિષય પર અભ્યાસ કરનારા જોન ગૉટમેન અને નેન સીલવર જણાવે છે કે, ‘લગ્‍નજીવન ટકાવી રાખવા અને સારાં વાતચીત વ્યવહાર બનાવી રાખવા, બંનેએ સખત પ્રયત્નો કરવા પડે.’

૩. લગ્‍નજીવન મજબૂત કરવા યુગલને શું મદદ કરી શકે?

લગ્‍નજીવનને સફળ બનાવવા ઘણી મહેનત કરવી પડે છે. પણ, એના ફળ ઘણાં મીઠાં હોય છે. યુગલ એકબીજાને પ્રેમ કરતું હશે તો, જીવનનો આનંદ સાથે માણશે. (સભા. ૯:૯) પ્રાચીન સમયના ઈસ્હાક અને રિબકાના સુખી લગ્‍નજીવન પર વિચાર કરો. (ઉત. ૨૪:૬૭) બાઇબલ જણાવે છે કે લગ્‍નજીવનનાં ઘણાં વર્ષો પસાર થયાં પછી પણ તેઓનો પ્રેમ ગાઢ હતો. આજનાં ઘણાં યુગલોમાં એવો જ પ્રેમ છે. એનું રહસ્ય શું છે? તેઓ પોતાનાં વિચારો અને લાગણીઓ એકબીજાને પ્રમાણિકતા અને નમ્રતાથી જણાવતાં શીખ્યાં છે. તેઓ એકબીજાને સમજે છે. તેમ જ, પ્રેમ, આદર અને નમ્રતા જેવા ગુણો બતાવે છે. આ લેખમાં આપણે જોઈશું કે લગ્‍નજીવનમાં એવા ગુણો બતાવવાથી દિલ ખોલીને વાતચીત કરવી સહેલી બને છે.

એકબીજાને સમજો

૪, ૫. એકબીજાને સમજવા યુગલ શું કરી શકે? દાખલો આપો.

નીતિવચનો ૧૩:૧૫ જણાવે છે કે, “સારી સમજણવાળાને કૃપા મળે છે.” સુખી કુટુંબ અને લગ્‍ન માટે એ શબ્દો એકદમ સાચા છે. (નીતિવચનો ૨૪:૩ વાંચો.) સૌથી સારાં જ્ઞાન અને સમજણ બાઇબલમાંથી મળે છે. દાખલા તરીકે, ઉત્પત્તિ ૨:૧૮ જણાવે છે કે ઈશ્વરે સ્ત્રીને પુરુષની સહાયકારી બનાવી છે, નહિ કે આબેહૂબ નકલ. એટલે કે, પુરુષ અને સ્ત્રી એકબીજાથી અલગ છે. સ્ત્રી જે રીતે વાતચીત કરે એ પુરુષ કરતાં જુદી છે. સ્ત્રીઓને ખાસ કરીને લાગણીઓ, વ્યક્તિઓ અને સંબંધો વિશે વાત કરવું ગમે છે. પ્રેમ અને નિખાલસ રીતે વાત કરવાથી તેઓને ખાતરી મળે છે કે બીજાઓ તેમને ચાહે છે. બીજી બાજુ, ઘણા પુરુષોને પોતાની લાગણીઓ વિશે વાત કરવી નહિ ગમે. પણ, તેઓને કામકાજ, મુશ્કેલીઓ અને એનો ઉકેલ વિશે વાત કરવું વધારે ગમે છે. પુરુષો ચાહે છે કે તેઓનું માન જળવાઈ રહે.

બ્રિટનમાં રહેતાં એક બહેન જણાવે છે, ‘મારી વાત પૂરી સાંભળ્યા વિના જ મારા પતિ મુશ્કેલીનો ઉકેલ લાવવાનું શરૂ કરી દે છે. જ્યારે કે, હું તો એટલું જ ઇચ્છું કે તે મારી વાત સાંભળે અને મને હૂંફ આપે.’ એક પતિએ લખ્યું, ‘અમારાં લગ્‍નજીવનની શરૂઆતમાં, હું પત્નીની કોઈ પણ સમસ્યાનો તરત હલ લાવવા બેસી જતો. પણ, પછીથી મને ખ્યાલ આવ્યો કે હું તેની વાત સાંભળું એવું તે વધારે ચાહે છે.’ (નીતિ. ૧૮:૧૩; યાકૂ. ૧:૧૯) પત્નીની લાગણીઓને એક સમજુ પતિ ધ્યાનમાં લે છે અને એ પ્રમાણે ફેરફાર કરે છે. તેમ જ, પત્નીને ખાતરી અપાવે છે કે તેની લાગણીઓ અને વિચારો મહત્ત્વનાં છે. (૧ પીત. ૩:૭) પત્ની પણ પતિની વાત સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે યુગલ બાઇબલ પ્રમાણે પોતાની જવાબદારી ઉપાડે છે અને એકબીજાને સમજે છે, ત્યારે લગ્‍નજીવન સુંદર બને છે. વધુમાં, સાથે મળીને તેઓ સારા નિર્ણય લઈ શકે છે.

૬, ૭. (ક) સભાશિક્ષક ૩:૭ની સલાહ યુગલને કઈ રીતે મદદ કરશે? (ખ) વાત કરતા પહેલાં, પત્નીએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? પતિએ કેવા પ્રયત્નો કરવા જોઈએ?

વધુમાં, સમજુ યુગલ જાણે છે કે “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” છે. (સભા. ૩:૧, ૭) દસ વર્ષથી પરિણીત બહેને લખ્યું, ‘હવે મને સમજાયું કે, અમુક વખતે કોઈ મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી હોતો. ખાસ કરીને, જ્યારે પતિ નોકરી કે બીજી જવાબદારીને લીધે થાકેલા હોય. તેથી, હું થોડા સમય પછી એ વિશે વાત કરું છું. એનાથી, અમે શાંત મને વાત કરી શકીએ છીએ.’ સમજુ પત્ની મીઠાશથી વાત કરે છે. તે જાણે છે કે “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ” પતિને ચોક્કસ ગમશે.—નીતિવચનો ૨૫:૧૧ વાંચો.

નાની બાબતો પણ મોટાં કામ કરે છે

પત્નીની વાત સાંભળવાની સાથે સાથે પતિએ પોતાની લાગણીઓ જણાવવા પણ પ્રયત્ન કરવા જોઈએ. ૨૭ વર્ષથી પરિણીત એક વડીલ જણાવે છે, ‘મારા ઊંડા વિચારો પત્નીને જણાવવા, મારે પ્રયત્નો કરવા પડે છે.’ ૨૪ વર્ષથી પરિણીત એક ભાઈ કહે છે, ‘સમય જતા મુશ્કેલી હલ થઈ જશે, એમ માનીને હું મનની વાત મનમાં જ ભરી રાખું છું. જોકે, મને સમજાયું કે લાગણીઓ વ્યક્ત કરવી એ કોઈ નબળાઈ નથી. પ્રાર્થના કરવાથી પણ મને વાતને સારી રીતે કહેવા મદદ મળે છે. પછી, ઊંડો શ્વાસ લઈને વાત કરવાનું શરૂ કરું છું.’ એવી વાત યોગ્ય સમયે કરવી બહુ જરૂરી છે. કદાચ, યુગલ બાઇબલ કે દરરોજનું વચન વાંચતી વખતે એ કરી શકે.

૮. યુગલને વાતચીતની રીતમાં ફેરફાર કરવા શું મદદ કરશે?

યુગલને વાતચીતની રીતમાં ફેરફાર કરવો અઘરું લાગે તો શું કરી શકે? એ માટે તેઓ પ્રાર્થનામાં ઈશ્વરની પાસે શક્તિ માંગી શકે. તેમ જ, વાતચીત કરવાની રીતમાં સુધારો કરવા દૃઢ નિર્ણય કરી શકે. જો તેઓ યહોવાને પ્રેમ કરશે, તેમની શક્તિ માંગશે અને લગ્‍નને પવિત્ર ગણશે તો સફળ થશે. ૨૬ વર્ષની એક પત્નીએ લખ્યું, ‘જેમ યહોવા લગ્‍નને ગંભીર ગણે છે, તેમ અમે પણ ગણીએ છીએ. તેથી, છૂટા પડવાનું તો અમે ક્યારેય વિચારતા નથી. સમસ્યા ઊભી થાય તો, અમે સાથે ચર્ચા કરી એનો ઉકેલ લાવવા અથાક પ્રયત્ન કરીએ છીએ.’ યહોવા માટે વફાદારી અને પ્રેમ, તેમને ખુશ કરે છે. એનાથી, ઘણા આશીર્વાદ મળે છે.—ગીત. ૧૨૭:૧.

એકબીજાને પ્રેમ બતાવો

૯, ૧૦. યુગલ કઈ રીતે પ્રેમને ગાઢ બનાવી શકે?

પ્રેમ ‘દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળે છે.’ તેથી, લગ્‍નજીવનમાં પ્રેમ બહુ જરૂરી છે. (કોલો. ૩:૧૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) સારા અને ખરાબ સંજોગોમાં પણ વધારે સમય સાથે રહેવાથી, પતિ અને પત્નીનો પ્રેમ વધે છે. તેઓની મિત્રતા ગાઢ બને છે અને એકબીજાના સાથનો તેઓ આનંદ માણે છે. ફિલ્મો કે ટીવીમાં બતાવવામાં આવતી મોટી મોટી બાબતો કરવાથી કંઈ પ્રેમ વધતો નથી. યુગલ પોતાનું લગ્‍નજીવન નાની નાની બાબતો કરીને મજબૂત બનાવી શકે છે. જેમ કે, તેઓ એકબીજાના વખાણ કરી શકે, સ્મિત આપીને કે ભેટીને પ્રેમ વ્યક્ત કરી શકે. અરે, દિલથી પૂછવું કે “તમારો દિવસ કેવો રહ્યો?” એ પણ મહત્ત્વનું છે. આવી નાની બાબતો પણ મોટાં કામ કરે છે. એક યુગલ ૧૯ વર્ષથી સુખી લગ્‍નજીવનનો આનંદ માણે છે. તેઓ દરરોજ એકબીજાને ફોન અથવા મૅસેજ કરે છે. પતિ જણાવે છે કે, ‘એમ કરીને અમે એકબીજાના હાલ-ચાલ પૂછીએ છીએ.’

૧૦ પ્રેમને લીધે યુગલ એકબીજાને સારી રીતે ઓળખવા પ્રયત્ન કરતા રહે છે. (ફિલિ. ૨:૪) આમ, એકબીજામાં ખામીઓ હોવા છતાં, તેઓનો પ્રેમ વધતો જાય છે. સમય પસાર થાય તેમ, લગ્‍નજીવન સુખી અને મજબૂત બને છે. તેથી, જો તમે પરિણીત હો, તો આ સવાલો પર વિચાર કરો: “શું હું મારા સાથીને સારી રીતે ઓળખું છું? શું હું તેની લાગણીઓ અને વિચારોને સમજુ છું? જે ગુણોને લીધે તે મને ગમી હતી, શું એને હજીયે યાદ કરું છું?”

એકબીજાને માન આપો

૧૧. લગ્‍નજીવનને સુખી બનાવવા માન આપવું કેમ જરૂરી છે? દાખલો આપી સમજાવો.

૧૧ સુખી લગ્‍નજીવનમાં પણ અમુક વાર મતભેદ થઈ શકે. ઈબ્રાહીમ અને સારાહ એકબીજા સાથે અમુક વાર સહમત ન થતાં. (ઉત. ૨૧:૯-૧૧) તોપણ, એ મતભેદોને લીધે લગ્‍નજીવનમાં તિરાડ ન પડી. કારણ, તેઓ એકબીજાને માન આપતાં હતાં. ઈબ્રાહીમ સારાહનું માન જાળવતા. (ઉત. ૧૨:૧૧, ૧૩) તેમ જ, સારાહ પણ ઈબ્રાહીમને “સ્વામી” કહીને બોલાવતાં અને તેમનું કહેવું માનતાં. (૧ પીત. ૩:૬) યુગલની વાતચીત બતાવી આપે છે કે તેઓને એકબીજા માટે માન છે કે નહિ. (નીતિ. ૧૨:૧૮) જો તેઓ વાતચીતની રીત સારી નહિ બનાવે, તો તેઓનું લગ્‍નજીવન જોખમમાં આવી જશે.—યાકૂબ ૩:૭-૧૦, ૧૭, ૧૮ વાંચો.

૧૨. શા માટે નવા પરિણીત યુગલે ખાસ કરીને પ્રેમ અને માનથી એકબીજા સાથે વાત કરવી જોઈએ?

૧૨ નવા પરિણીત યુગલે પ્રેમ અને માનથી વાત કરવા ખાસ પ્રયત્નો કરવા જોઈએ. એનાથી, તેઓ એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરતા અચકાશે નહિ. એક પતિ જણાવે છે, ‘લગ્‍નના શરૂઆતનાં વર્ષોમાં આનંદ હતો પણ, અમુક વાર નિરાશા મળતી. કેમ કે, અમે એકબીજાની લાગણીઓ, ટેવો અને જરૂરિયાતો સમજી નહોતાં શકતાં. એના લીધે, લગ્‍નજીવન ડામાડોળ લાગતું. પરંતુ, વ્યાજબી રીતે વર્તવાથી અને હસી-મજાક કરવાથી ઘણી મદદ મળી. તેમ જ, નમ્રતા, ધીરજ અને યહોવા પર ભરોસો રાખવાથી અમે સુખી લગ્‍નજીવન જાળવી શક્યાં.’ આ સલાહ દરેક યુગલ માટે ઉપયોગી છે.

એકબીજાને નમ્રતા બતાવો

૧૩. સુખી લગ્‍નજીવનમાં નમ્રતા શા માટે મહત્ત્વની છે?

૧૩ યુગલે નમ્રતા અને શાંતિથી વાતચીત કરવી જોઈએ. એમ કરવા, તેઓએ “કરુણાળુ તથા નમ્ર” બનવું પડે. (૧ પીત. ૩:૮) અગિયાર વર્ષથી પરિણીત ભાઈ જણાવે છે કે, ‘મતભેદને ઝડપથી શાંત પાડવા નમ્રતા મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ, જો નમ્ર હોઈશું તો માફી માંગતા અચકાઈશું નહિ.’ વીસ વર્ષથી સુખી લગ્‍નજીવનનો આનંદ માણતા વડીલ કહે છે, ‘અમુક વાર, પ્રેમ વ્યક્ત કરવા કરતાં માફી માગવી વધારે જરૂરી હોય છે. નમ્રતા કેળવવાની સૌથી સહેલી રીત છે, પ્રાર્થના. અમે સાથે પ્રાર્થના કરવાથી જોઈ શક્યા કે, અમારામાં ઘણી ખામીઓ હોવા છતાં, યહોવા અપાર કૃપા બતાવે છે. એ વાત યાદ રાખવાથી મુશ્કેલીઓને યોગ્ય નજરે જોવાં મદદ મળે છે.’

લગ્‍નસાથી જોડે દિલ ખોલીને વાત કરતા રહો

૧૪. લગ્‍નજીવન પર ઘમંડ કઈ રીતે અસર કરે છે?

૧૪ પરંતુ, ઘમંડ હશે તો દિલથી વાતચીત કરવી અને મુશ્કેલીનો ઉકેલ લાવવું અઘરું બનશે. ઘમંડી વ્યક્તિ કદી પણ માફી માંગવા તૈયાર હોતી નથી. અરે, તેનામાં એવી હિંમત પણ હોતી નથી. પોતાની નબળાઈઓ સ્વીકારવાને બદલે, તે બહાના અથવા બીજાઓનો વાંક કાઢે છે. ઘમંડી વ્યક્તિને ખોટું લાગે ત્યારે સુલેહ-શાંતિ કરવાને બદલે, મોં ચઢાવે અથવા કડવાશથી વાત કરે. (સભા. ૭:૯) લગ્‍નજીવન માટે ઘમંડ જોખમકારક છે. હંમેશાં યાદ રાખો કે, “ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.”—યાકૂ. ૪:૬.

૧૫. એફેસી ૪:૨૬, ૨૭ની સલાહ લાગુ પાડવાથી પતિ-પત્નીને કઈ રીતે સુલેહ કરવા મદદ મળે છે?

૧૫ એવું ક્યારેય ન વિચારશો કે લગ્‍નજીવનમાં ઘમંડને લીધે મુશ્કેલીઓ કદી આવશે જ નહિ. એમ બને ત્યારે, તરત એનો ઉકેલ લાવવા પગલાં ભરો. પાઊલે લખ્યું, “તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો; અને શેતાનને સ્થાન ન આપો.” (એફે. ૪:૨૬, ૨૭) બાઇબલની સલાહ ન પાળવાથી ખરાબ પરિણામો આવી શકે છે. એક પત્નીએ દુઃખી થતાં જણાવ્યું, ‘કોઈક વાર અમે એફેસી ૪:૨૬, ૨૭ની સલાહ લાગુ પાડવાનું ચૂકી જઈએ છીએ. તેથી મતભેદને લીધે, રાતોની મારી ઊંઘ ઊડી જાય છે.’ સુલેહ કરવાના ઇરાદા સાથે તરત વાતચીત કરશો તો ઘણો ફાયદો થશે. સારું રહેશે કે, શાંત પડવા સાથીને થોડો સમય આપો. યહોવાની મદદ માટે પ્રાર્થના કરો, જેથી યોગ્ય નિર્ણય લઈ શકો. આમ કરશો તો, પોતાનો વિચાર કરવાને બદલે, નમ્ર બનીને બીજાની લાગણીઓનો પણ ખ્યાલ રાખી શકશો. તેમ જ, મુશ્કેલીનો ઉકેલ લાવવા પર ધ્યાન આપી શકશો.—કોલોસી ૩:૧૨, ૧૩; એફેસી ૪:૧૩ વાંચો.

૧૬. નમ્રતા કઈ રીતે યુગલને એકબીજાની આવડતોની કદર કરવા મદદ કરે છે?

૧૬ યુગલ નમ્ર હશે તો એકબીજાના સારાં ગુણો અને આવડતોની કદર કરશે. ધારો કે, પત્ની પાસે કોઈ ખાસ આવડત છે, જે કુટુંબના લાભ માટે વાપરે છે. પતિ નમ્ર હશે તો, કદી પણ દરેક બાબતમાં પત્ની કરતાં ચઢિયાતા થવાનો વિચાર નહિ કરે. તે પત્નીથી ખુશ છે અને તેની કદર કરે છે, એ બતાવવા તેને ઉત્તેજન આપશે કે તે આવડતોનો ઉપયોગ કરતી રહે. (નીતિ. ૩૧:૧૦, ૨૮; એફે. ૫:૨૮, ૨૯) બીજી બાજુ, નમ્ર પત્ની પોતાની આવડતોનો દેખાડો નહિ કરે. બીજાની સામે પતિને નીચા નહિ પાડે. છેવટે તો, તેઓ બંને “એક દેહ” છે. જો એક દુઃખી થશે તો બીજાને પણ દુઃખ થશે.—માથ. ૧૯:૪, ૫.

૧૭. લગ્‍નજીવન સુખી બનાવવા અને યહોવાને ખુશ કરવા શું મદદ કરશે?

૧૭ ઈબ્રાહીમ-સારાહ અને ઈસ્હાક-રિબકાનું લગ્‍નજીવન સુખી, અતૂટ અને યહોવાને મહિમા આપનારું હતું. ચોક્કસ, તમે પણ એવું લગ્‍નજીવન ચાહશો! એ માટે, યહોવા જે નજરે લગ્‍નને જુએ છે, તેમ તમે પણ જુઓ. ઊંડી સમજણ અને જ્ઞાન માટે બાઇબલની મદદ લો. એકબીજાના સારા ગુણોની કદર કરો, જેથી તમારો પ્રેમ વધતો જાય. (ગી.ગી. ૮:૬) નમ્રતા કેળવવા અથાક પ્રયત્નો કરો. તમારા સાથી જોડે માનથી વર્તો. એમ કરવાથી, લગ્‍નજીવન સુખી બનશે અને તમે યહોવાને ખુશ કરી શકશો. (નીતિ. ૨૭:૧૧) સત્તાવીસ વર્ષથી પરિણીત એક પતિની લાગણીની જેમ તમે પણ અનુભવશો. તેમણે લખ્યું, ‘મારી પત્ની વિનાના જીવનની હું કલ્પના પણ નથી કરી શકતો. દરરોજ અમારું લગ્‍નજીવન મજબૂત બનતું જાય છે. કારણ, અમે યહોવાને પ્રેમ કરીએ છીએ અને નિયમિત રીતે દિલ ખોલીને વાતચીત કરીએ છીએ.’