સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની પાસે આવો

યહોવા “પક્ષપાતી નથી”

યહોવા “પક્ષપાતી નથી”

શું તમે ક્યારેય ભેદભાવનો ભોગ બન્યા છો? શું તમારા રંગ, દેશ-સમુદાય કે સામાજિક દરજ્જાને લીધે તમારી વાત ન સાંભળવી, તમને સેવા ન આપવી અથવા તિરસ્કાર કરવો જેવી બાબતો તમે અનુભવી છે? જો એવું હોય, તો તમે એકલાં નથી જેમની સાથે આમ થયું હોય. તોપણ એક ખુશખબર છે: આવી રીતે અપમાન કરવું ભલે માણસોમાં સામાન્ય વાત હોય, પણ ઈશ્વર આપણી સાથે એ રીતે ક્યારેય વર્તતા નથી. ઈશ્વરભક્ત પિતરે પૂરી ખાતરીથી જણાવ્યું હતું કે, “ઈશ્વર પક્ષપાતી નથી.”​—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫ વાંચો.

પિતરે એ શબ્દો અસામાન્ય સંજોગોમાં કહ્યા હતા, તેમણે બિનયહુદી કરનેલ્યસના ઘરમાં એ શબ્દો કહ્યા હતા. પિતર જન્મથી યહુદી હતા. તેમના સમયમાં યહુદીઓ બિનયહુદીઓને અશુદ્ધ ગણતા. ઉપરાંત, તેઓની સાથે યહુદીઓ કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા. તો પછી, પિતર કેમ કરનેલ્યસના ઘરે ગયા હતા? કેમ કે યહોવા * ઈશ્વરે એની ગોઠવણ કરી હતી. ઈશ્વર તરફથી મળેલાં દર્શનમાં પિતરને આમ જણાવવામાં આવ્યું: ‘ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.’ એના એક દિવસ પહેલાં, કરનેલ્યસને પણ દર્શન મળ્યું હતું, જેમાં દૂતે જણાવ્યું હતું કે પિતરને પોતાને ઘરે બોલાવે. એ દર્શન વિશે પિતર જાણતા ન હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧-૧૫) જ્યારે પિતરને ખબર પડી કે આ ગોઠવણ યહોવા તરફથી છે, ત્યારે તે ઉપરના શબ્દો બોલતા અચકાયા નહિ.

ઈશ્વરભક્ત પિતરે કહ્યું: “હું ખચીત સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪) “પક્ષપાતી” માટે વપરાયેલા મૂળ ગ્રીક શબ્દ વિશે એક નિષ્ણાત સમજાવે છે: “એ એવા ન્યાયાધીશને બતાવે છે, જે વ્યક્તિનો ચહેરો જોઈને ચુકાદો આપે છે. કેસના પુરાવાઓના આધારે નહિ, પણ પોતાને વ્યક્તિનો ચહેરો પસંદ છે કે નહિ એને આધારે તે ચુકાદો આપે છે.” જાતિ, દેશ, સામાજિક દરજ્જો અથવા બીજી બાબતોને આધારે ઈશ્વર કોઈ વ્યક્તિનો પક્ષ લેતા નથી.

એના બદલે, યહોવા ઈશ્વર જુએ છે કે આપણા દિલમાં શું છે. (૧ શમૂએલ ૧૬:૭; નીતિવચનો ૨૧:૨) પછી પિતરે કહ્યું: “દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૫) ઈશ્વરની બીક રાખવી એટલે, તેમને આદર-માન આપવું, તેમના પર ભરોસો રાખવો અને તેમને નાખુશ કરતી બધી બાબતોથી દૂર રહેવું. ન્યાયીપણું કરવાનો અર્થ થાય કે ઈશ્વરની નજરમાં જે ખરું છે, તે રાજી-ખુશીથી કરવું. ઈશ્વર માટે આદર ધરાવતું દિલ વ્યક્તિને જે ખરું છે એ કરવા માટે પ્રેરે છે. આવી વ્યક્તિથી યહોવા ઈશ્વર ખુશ થાય છે.​—પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩.

યહોવા સ્વર્ગમાંથી બધા મનુષ્યોને સમાન રીતે જુએ છે

જો તમે ક્યારેય પક્ષપાત કે ભેદભાવનો અનુભવ કર્યો હોય, તો પિતરે ઈશ્વર વિશે કહેલા શબ્દોમાંથી ઉત્તેજન મેળવી શકો. યહોવા ઈશ્વર બધા દેશના લોકોને ખરી ભક્તિ તરફ દોરે છે. (યોહાન ૬:૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭) તે પોતાના ભક્તોની જાતિ, દેશ કે સામાજિક દરજ્જો જોતા નથી. તે બધા ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને એનો જવાબ આપે છે. (૧ રાજાઓ ૮:૪૧-૪૩) આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા સ્વર્ગમાંથી બધા મનુષ્યોને સમાન રીતે જુએ છે. શું તમે એવા ઈશ્વર વિશે જાણવા પ્રેરાયા છો, જે કોઈ પક્ષપાત રાખતા નથી? (w13-E 06/01)

^ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ “યહોવા” છે

આ બાઇબલ વાંચન કરી શકો:

યોહાન ૧૭પ્રેરિતોના કૃત્યો ૧૦