સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

યહોવાની આજ્ઞા માનવાથી મને ઘણા આશીર્વાદ મળ્યા છે

યહોવાની આજ્ઞા માનવાથી મને ઘણા આશીર્વાદ મળ્યા છે

‘નુહના અહેવાલમાંથી કેટલી સરસ શિખામણ મળે છે! નુહ યહોવાની આજ્ઞા માનતા અને કુટુંબને પ્રેમ કરતા. વહાણમાં ચઢી જવાને લીધે તેમનું આખું કુટુંબ પાણીના પ્રલયમાંથી બચી ગયું.’

મારા નાનપણમાં પપ્પાએ કહેલા એ શબ્દો મને હજુય બરાબર યાદ છે. મારા પપ્પા નમ્ર અને મહેનતુ હતા. ન્યાય માટે તેમને ખૂબ પ્રેમ હતો. તેથી, વર્ષ ૧૯૫૩માં બાઇબલનો સંદેશો સાંભળતા જ તે સત્ય તરફ આકર્ષાયા. તે જે શીખતા એ અમને પણ શીખવતા. શરૂઆતમાં, મારાં મમ્મી કૅથલિક રીત-રિવાજો છોડવાં તૈયાર ન હતાં. જોકે, સમય જતા તે પણ બાઇબલનું શિક્ષણ સ્વીકારવાં લાગ્યાં.

અમારો બાઇબલ અભ્યાસ લેવો મમ્મી-પપ્પા માટે અઘરું હતું. કારણ, મમ્મીને વાંચતા-લખતા કંઈ ખાસ આવડતું નહોતું. જ્યારે કે, પપ્પા ખેતરમાં ઘણા કલાકો સુધી સખત મહેનત કરતા. અરે, અમુક વાર તે એટલા થાકી જતા કે અભ્યાસ વખતે તેમની આંખો ઘેરાવા લાગતી. જોકે, અમારા માટે કરેલી તેમની મહેનત વ્યર્થ ન ગઈ. ઘરની મોટી દીકરી હોવાથી, હું મારી નાની બહેન અને બંને ભાઈઓને બાઇબલમાંથી શીખવતી. અમે ઘણી વાર ચર્ચા કરતા કે નુહ પોતાના કુટુંબ પર કેટલો પ્રેમ રાખતા અને કઈ રીતે યહોવાની દરેક આજ્ઞાઓ માનતા. એ અહેવાલ મને ખૂબ જ ગમતો. બાઇબલ અભ્યાસ શરૂ કર્યો એના થોડા જ સમય પછી, અમારું કુટુંબ સભાઓમાં જવા લાગ્યું. અમે, ઇટલીના ઍડ્રિયાટિક સાગર કિનારે આવેલા શહેર રૉસેટો ડેગ્લી અબ્રુઝીના રાજ્યગૃહમાં જતા.

સાલ ૧૯૫૫માં, અગિયાર વર્ષની ઉંમરે મમ્મી સાથે હું પહાડી વિસ્તાર ઓળંગીને સંમેલનમાં ગઈ. રોમમાં થયેલું એ સંમેલન, અમારી માટે પહેલું હતું. ત્યારથી જ મને સંમેલનોમાં જવાનું બહુ ગમતું.

વર્ષ ૧૯૫૬માં બાપ્તિસ્મા લીધા પછી, મેં તરત જ પાયોનિયરીંગ શરૂ કર્યું. ૧૭ વર્ષની ઉંમરે હું લૅટિના શહેરમાં ખાસ પાયોનિયર તરીકે સેવા આપવા લાગી. એ શહેર રોમની દક્ષિણમાં અને મારા ઘરથી ૩૦૦ કિલોમીટર દૂર હતું. ત્યાં બીજા એક પાયોનિયર બહેન મને પ્રચારમાં સાથ આપતાં હતાં. એ શહેરના રહેવાસીઓને ‘લોકો શું કહેશે?’ એવી ચિંતા નહોતી. તેથી, તેઓ સાંભળતા અને અમને પણ સાહિત્ય આપવામાં મજા આવતી. આમ તો મને ત્યાં ગમતું પણ, હું ઘણી યુવાન હોવાથી મને ઘરની યાદ આવતી. છતાં, યહોવાની મરજી પૂરી કરવા હું ત્યાં રહેવા માગતી હતી.

લગ્‍નના દિવસે

વર્ષ ૧૯૬૩માં, “અનંત ખુશખબર” આંતરરાષ્ટ્રીય સંમેલન મિલાન શહેરમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં મદદ આપવા, મને મોકલવામાં આવી. સંમેલનમાં આવેલા સ્વયંસેવકોમાં, ફ્લોરેન્સ શહેરના યુવાન ભાઈ પાઊલો પીકીઓલી પણ હતા. સંમેલનના બીજા દિવસે એ ભાઈએ ‘કુંવારા રહેવાથી થતા ફાયદા’ વિશે સરસ ટૉક આપી. ટૉક સાંભળીને મેં વિચાર્યું કે, ‘આ ભાઈ કદી લગ્‍ન નહિ કરે!’ જોકે, અમુક સમય પછી, અમે એકબીજાને પત્રો લખવાનું શરૂ કર્યું. અમને ખ્યાલ આવ્યો કે, અમારાં બંનેની ઘણી બાબતો મળતી આવે છે. જેમ કે, અમારા ધ્યેયો, યહોવા માટેનો પ્રેમ અને તેમની આજ્ઞા માનવાનો અમારો દૃઢ નિશ્ચય. તેથી, અમે ૧૯૬૫માં લગ્‍નબંધનમાં જોડાયા.

ચર્ચના આગેવાનો સાથે ચર્ચા

ફ્લોરેન્સ શહેરમાં મેં ૧૦ વર્ષ નિયમિત પાયોનિયરીંગ કર્યું. મંડળમાં થતો વધારો અને યુવાનોની સત્યમાં પ્રગતિ જોઈને મને ખૂબ આનંદ થતો. એ યુવાનો સાથે પાઊલોને અને મને બાઇબલની ચર્ચા અને રમત-ગમતમાં સમય પસાર કરવો ગમતો. પાઊલો ઘણી વાર તેઓ સાથે ફૂટબૉલ રમતા. હું ચાહતી કે પાઊલો સાથે વધારે સમય વિતાવું. પરંતુ, હું જાણતી હતી કે, મંડળનાં યુવાનોને અને કુટુંબોને તેમનાં માર્ગદર્શન અને સમયની જરૂર છે. એનાથી તેઓને ફાયદો પણ થતો.

એ સમયે અમારી પાસે ઘણા બાઇબલ અભ્યાસ હતા, એનો વિચાર કરવાથી મને હજુય આનંદ મળે છે. એમાંનો એક અભ્યાસ એડ્રીયાના સાથે ચાલતો. અભ્યાસમાં તે જે શીખતી એ બીજા બે કુટુંબોને જણાવતી. એ કુટુંબોએ ચર્ચના આગેવાનો સાથે એક ચર્ચાની ગોઠવણ કરી. એ ચર્ચામાં કુટુંબો, ત્રૈક્ય અને અમર આત્માના વિષયો ઉઠાવવાનાં હતાં. ચર્ચના ત્રણ આગેવાનો તેઓને મળવા આવ્યા. પણ, તેઓએ જે સમજાવ્યું એ ઘણું ગૂંચવણભર્યું હતું. કુટુંબીજનો પારખી શક્યા કે, એ સમજણ બાઇબલ પ્રમાણે જરાય નહોતી. ત્યાર બાદ, એ કુટુંબોના ૧૫ સભ્યોએ સત્ય સ્વીકાર્યું.

ખરું કે, હાલમાં પ્રચાર કરવાની રીત ઘણી બદલાઈ છે. એ સમયમાં, પાઊલો ચર્ચના આગેવાનો સાથે ચર્ચા કરવામાં કુશળ થઈ ગયા હતા. તે કેટલીક વાર ધર્મગુરુઓના વાદ-વિવાદનો સામનો કરતા. એક વખતે, ઘણા લોકો તેમની સાથે વિવાદ કરવા ભેગા થયા હતા. એવું સ્પષ્ટ લાગતું હતું કે, વિરોધીઓએ પહેલેથી અમુક લોકોને તૈયાર કર્યા હતા, જેથી તેઓ પાઊલોને ગૂંચવી નાંખતા સવાલો પૂછે. જોકે, તેઓ જે ચાહતા હતા એ ન બન્યું. એક વ્યક્તિએ સવાલ કર્યો કે, ‘ચર્ચ રાજકારણમાં ભાગ લે, શું એ યોગ્ય છે?’ ચર્ચના આગેવાનો હવે મુશ્કેલીમાં મૂકાયા. અચાનક ત્યાંની લાઇટ જતી રહી અને વાતચીત અટકી ગઈ. વર્ષો પછી ખબર પડી કે, એ તો તેઓની ચાલ હતી. જો ચર્ચા તેઓના ધાર્યા પ્રમાણે ન થાય, તો લાઇટ બંધ કરી દેવી, એવું તેઓએ અમુકને કહી રાખ્યું હતું.

નવી સોંપણી

અમારાં લગ્‍નનાં ૧૦ વર્ષ પછી, અમને પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપવા આમંત્રણ મળ્યું. પાઊલોની નોકરી સારી હતી, એટલે એ નિર્ણય લેવો અમારા માટે અઘરું હતું. જોકે, પ્રાર્થનાપૂર્વક અમે વિચાર કર્યો અને આમંત્રણ સ્વીકાર્યું. એ સોંપણી દરમિયાન, જેઓના ઘરે રોકાતા તેઓ સાથે સમય વિતાવવો અમને ગમતું. સાંજે ઘણી વાર તેઓ સાથે ભેગા મળીને અમે અભ્યાસ કરતા. પાઊલો બાળકોને સ્કૂલનું લેસન કરવામાં પણ મદદ કરતા. ખાસ કરીને, તેમને ગણિત શીખવવામાં મજા આવતી. પાઊલોને વાંચવાનો બહુ શોખ હતો. તે જે વાંચતા એની બીજા સાથે ચર્ચા કરતા. મોટા ભાગે, અમે સોમવારે એવી જગ્યાએ પ્રચાર કરતા જ્યાં એકેય સાક્ષી રહેતા ન હોય. એ લોકોને સાંજની ટૉક સાંભળવા આમંત્રણ પણ આપતા.

યુવાનો સાથે અમે સમય વિતાવતા, પાઊલોને તેઓ સાથે ફૂટબૉલ રમવું ગમતું

બે વર્ષ એ સેવા આપ્યા પછી, અમને રોમના બેથેલમાં બોલાવવામાં આવ્યાં. ત્યાં પાઊલો કાયદાકીય બાબતોની દેખરેખ રાખતા અને હું મૅગેઝિન ડિપાર્ટમેન્ટમાં હતી. આ નવી સોંપણીને લીધે ફેરફાર કરવો સહેલો ન હતો. છતાં, અમે એ આજ્ઞા પાળવાનો નિશ્ચય કર્યો. શાખાનું કામ આગળને આગળ વધી રહ્યું હતું. તેમ જ, ઇટલીમાં સાક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો. આ બધું જોઈને અમારાં દિલ આનંદથી છલકાઈ જતાં. એ દરમિયાન, ઇટલીની સરકારે યહોવાના સાક્ષીઓના ધર્મને કાયદાકીય મંજૂરી આપી. સાચે જ, અમારા માટે બેથેલમાં સેવા આપવી ખુશીની વાત હતી!

પાઊલોને બેથેલમાં કામ કરવું ગમતું

૮૦ના દાયકાની શરૂઆતમાં અમે હજુ બેથેલમાં જ હતાં. ત્યારે, ઇટલીમાં એક મુકદ્દમો જાણીતો થયો. એક સાક્ષી યુગલ પર આરોપ લગાવવામાં આવ્યો કે, તેઓ પોતાની દીકરીના મરણ માટે જવાબદાર છે. કારણ, તેઓએ એને લોહી ચઢાવવાનો નકાર કર્યો હતો. આરોપ સાવ ખોટો હતો. હકીકતમાં તો, લોહીની ગંભીર બીમારીને લીધે તે મરણ પામી હતી. ઇટલી અને આસપાસના દેશોમાં એ બીમારી ઘણી જાણીતી હતી. યુગલ તરફથી લડનારા વકીલોને બેથેલનાં ભાઈ-બહેનોએ મદદ કરી. પત્રિકા અને સજાગ બનો!નો ખાસ અંક છાપવામાં આવ્યો. એના દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે હકીકત શું હતી અને બાઇબલ લોહી વિશે શું જણાવે છે. એ મહિનાઓ દરમિયાન પાઊલો દિવસના ૧૬ કલાક સતત કામ કરતા. તેમને સાથ આપવા હું બનતું બધું કરતી.

જીવનમાં બીજો એક ફેરફાર

અમારાં લગ્‍નનાં ૨૦ વર્ષ થયાં હતાં અને જીવનમાં એક વળાંક આવ્યો. હું ૪૧ વર્ષની અને પાઊલો ૪૯ વર્ષના હતા ત્યારે, મેં તેમને જણાવ્યું કે હું મા બનવાની છું. પાઊલોએ પોતાની ડાયરીમાં એ દિવસે આ શબ્દો લખ્યા હતા, ‘પ્રાર્થના: જો એ ખબર સાચી હોય તો, અમને પૂરા સમયની સેવામાં લાગુ રહેવા અને ભક્તિમાં ઠંડા ન પડવા મદદ કરજો. અમને સારાં માબાપ બનવા બળ આપજો. ખાસ તો આ ૩૦ વર્ષમાં, સ્ટેજ પરથી હું જે જણાવતો આવ્યો છું એનો ઓછામાં ઓછો એક ટકો પણ લાગુ પાડી શકું, એવું થવા દેજો.’ એ વિશે આજે વિચાર કરું છું તો થાય છે કે યહોવાએ ચોક્કસ અમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.

દીકરી ઈલાર્યાના જન્મ પછી, અમારું જીવન ખાસ્સું બદલાઈ ગયું. નીતિવચનો ૨૪:૧૦ કહે છે, “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” પાઊલો અને હું અમુક વાર એવું જ અનુભવતાં. છતાં, અમે એકબીજાને સાથ અને ઉત્તેજન આપતાં રહેતાં.

ઈલાર્યા હરખથી જણાવતી હોય છે કે, પૂરા સમયની સેવા આપતાં માબાપ પાસે ઉછેર થવો તેની માટે આનંદની વાત છે. અમારાં તરફથી તેને જોઈતો સમય અને પ્રેમ આપવામાં કોઈ કચાશ ન રહેતી. દિવસે હું તેની સાથે સમય વિતાવતી. સાંજના પાઊલો કામ પરથી આવ્યા પછી, તેને સમય આપતા. તે ઈલાર્યા સાથે રમતા અને સ્કૂલનું લેસન કરવામાં મદદ કરતા. પછી ભલે પોતાનું કામ પતાવવા તેમને રાતના બે-ત્રણ વાગ્યા સુધી જાગવું પડે. ઈલાર્યા હંમેશાં કહેતી, ‘પપ્પા મારા ખાસ દોસ્ત છે!’

જે સારું છે એ કરવા ઈલાર્યાને અમુક વાર અમારે કડક શબ્દોમાં શિખામણ આપવી પડતી. દાખલા તરીકે, એક વાર બહેનપણી સાથે રમતા રમતા તે ખરાબ રીતે વર્તી. અમે તેને બાઇબલમાંથી સમજાવ્યું કે કેમ એવું વર્તન ન કરવું જોઈએ. એ પણ, જણાવ્યું કે તરત તેની પાસે માફી માંગે.

ઈલાર્યા ખુશીથી જણાવતી હોય છે કે, મમ્મી-પપ્પાનો પ્રચાર માટે પ્રેમ જોઈ તેનો પણ પ્રચાર માટે પ્રેમ વધ્યો છે. હવે, તે પરિણીત છે અને સારી રીતે સમજે છે કે, યહોવાની આજ્ઞા પાળવી અને તેમનું માર્ગદર્શન સ્વીકારવું સૌથી મહત્ત્વનું છે!

દુઃખમાં પણ આજ્ઞા માનતાં રહ્યાં

વર્ષ ૨૦૦૮માં ખબર પડી કે પાઊલોને કૅન્સર છે. શરૂઆતમાં લાગતું કે તેમની બીમારી મટી જશે. તેથી, મને તે હિંમત આપતા. સૌથી સારો ઇલાજ કરાવવાની સાથે સાથે, હું અને ઈલાર્યા લાંબો સમય પ્રાર્થના કરવામાં વિતાવતાં. હિંમત અને બળ માટે અમે યહોવાની મદદ માગતાં. એક સમયે જે વ્યક્તિ શરીરે મજબૂત હતી તેને નબળી પડતી જોવી મારા માટે ખૂબ અઘરું હતું. પાઊલો ૨૦૧૦માં ગુજરી ગયા ત્યારે, જાણે મારા પર આભ તૂટી પડ્યું. પરંતુ, અમે ૪૫ વર્ષમાં જે બાબતો સાથે કરી એનો વિચાર કરવાથી મને દિલાસો મળે છે. અમે યહોવા માટે બનતું બધું કર્યું છે. મને પૂરી ખાતરી છે કે યહોવા એ કદી નહિ ભૂલે. હું પાઊલોને ફરી મળી શકું એ માટે યોહાન ૫:૨૮, ૨૯ની ભવિષ્યવાણી પૂરી થાય, એની આતુરતાથી રાહ જોઉં છું.

‘નાનપણમાં ગમતો તેમ, હજુ પણ મને નુહનો અહેવાલ એટલો જ ગમે છે. યહોવાની આજ્ઞાઓ પાળવાનો મારો નિર્ણય હજુય બદલાયો નથી’

નાનપણમાં ગમતો તેમ, હજુ પણ મને નુહનો અહેવાલ એટલો જ ગમે છે. યહોવાની આજ્ઞાઓ પાળવાનો મારો નિર્ણય હજુય બદલાયો નથી. પછી ભલે એ માટે કોઈ પણ નડતરો, બલિદાનો કે નુકસાન સહેવાં પડે. યહોવાના આશીર્વાદો સામે એ બધું કંઈ જ નથી. મેં અનુભવ કર્યો છે કે યહોવાની આજ્ઞા પાળવામાં હંમેશાં ફાયદો છે.