સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ

યહોવાની ઉદારતા અને વાજબીપણાના ગુણોની કદર કરીએ

‘યહોવા સર્વ માટે ભલા છે. પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.’—ગીત. ૧૪૫:૯.

૧, ૨. યહોવાના મિત્રો તરીકે આપણી પાસે કઈ તક છે?

 મોનીકા નામનાં બહેન જણાવે છે, ‘અમારાં લગ્‍નને આશરે ૩૫ વર્ષ થયાં છે. હું અને મારા પતિ એકબીજાને બહુ સારી રીતે ઓળખીએ છીએ. આટલાં વર્ષો અમે સાથે પસાર કર્યાં છતાં, અમને એકબીજા વિશે હજુય નવી બાબતો જાણવા મળે છે.’ એવા વિચાર સાથે ઘણાં યુગલ અને મિત્રો સહમત થશે.

આપણે જેઓને પ્રેમ કરીએ છીએ, તેઓને સારી રીતે ઓળખવા ચાહીએ છીએ. જોકે, બીજા બધા કરતાં યહોવા સાથેની મિત્રતા સૌથી મહત્ત્વની છે. ખરું કે, આપણે કદી પણ તેમના વિશે બધું જ જાણી નથી શકતા. (રોમ. ૧૧:૩૩) હંમેશ માટેના જીવનમાં આપણને તેમના ગુણો વિશે શીખતા રહેવાની અઢળક તક મળશે. તેમ જ, તેમના માટે આપણી કદર વધતી જશે.—સભા. ૩:૧૧.

૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

યહોવાના બે ગુણો વિશે કદર વધારવા આપણને અગાઉના લેખથી મદદ મળી. આપણે શીખ્યા કે, યહોવા પાસે અચકાયા વગર જઈ શકાય છે અને તે પક્ષપાત કરતા નથી. ચાલો, હવે તેમના બીજા બે ગુણો વિશે ચર્ચા કરીએ: ઉદારતા અને વાજબી રીતે વર્તવું. એ વિશે શીખવાથી, આપણે સારી રીતે સમજી શકીશું કે ‘યહોવા સર્વ માટે ભલા છે. પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.’—ગીત. ૧૪૫:૯.

યહોવા ઉદાર છે

૪. ખરી ઉદારતા એટલે શું?

ઉદારતા એટલે શું? એનો જવાબ પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫માં જણાવેલા ઈસુના આ શબ્દો દ્વારા મળે છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” જોઈ શકાય કે, જે વ્યક્તિ ખરા અર્થમાં ઉદાર છે, તે ખુશીથી પોતાની ધન-સંપત્તિ, સમય અને શક્તિ બીજા માટે વાપરે છે. તેની ઉદારતા, મોટી કે કીમતી ભેટ આપવા પર નહિ, પણ કેવા ઇરાદાથી આપે છે એના પર નિર્ભર કરે છે. (૨ કોરીંથી ૯:૭ વાંચો.) ઉદારતા બતાવવામાં યહોવાએ સૌથી મોટો દાખલો બેસાડ્યો છે.

૫. યહોવા કઈ રીતે ઉદારતા બતાવે છે?

યહોવા કઈ રીતે ઉદારતા બતાવે છે? દરેક મનુષ્યની જરૂરિયાત પૂરી કરીને તે એમ કરે છે. એમાં, તેમની ભક્તિ ન કરતા લોકોનો પણ સમાવેશ થાય છે. એટલે જ, કહી શકાય કે ‘યહોવા સર્વ માટે ભલા છે.’ તે ‘સૂરજને ભૂંડા અને ભલા પર ઉગાવે છે. ન્યાયી અને અન્યાયી પર વરસાદ વરસાવે છે.’ (માથ. ૫:૪૫) તેથી, ખ્રિસ્તી ન હતા એવા લોકોને પ્રેરિત પાઊલે જણાવ્યું કે, યહોવાએ ‘આકાશથી વરસાદ અને ફળવંત ઋતુઓ તમને આપ્યાં. તેમ જ, અન્‍નથી અને આનંદથી તમારાં મન ખુશ કર્યાં.’ (પ્રે.કૃ. ૧૪:૧૭) સાચે જ, યહોવા સર્વને ઉદારતા બતાવે છે.—લુક ૬:૩૫.

૬, ૭. (ક) યહોવાને ખાસ કરીને કોની જરૂરિયાત પૂરી કરવામાં ખુશી મળે છે? (ખ) દાખલો આપી સમજાવો કે યહોવા કઈ રીતે ભક્તોની જરૂરિયાત પૂરી કરે છે?

ખાસ કરીને, પોતાના ભક્તોની જરૂરિયાત પૂરી કરવામાં યહોવાને ખુશી મળે છે. રાજા દાઊદે લખ્યું: ‘હું જુવાન હતો અને હવે ઘરડો થયો છું. પણ, ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.’ (ગીત. ૩૭:૨૫) ઘણા વફાદાર ભક્તોએ યહોવાની મદદનો અનુભવ કર્યો છે. ચાલો, એક દાખલો જોઈએ.

નેન્સી પૂરા સમયની સેવા આપી રહ્યાં છે. અમુક વર્ષો પહેલાં તેમની સામે એક મુશ્કેલી ઊભી થઈ. તે જણાવે છે, ‘ભાડું ભરવા મને ૬૬ ડૉલરની જરૂર હતી. મારે એ રકમ બીજા જ દિવસે ચૂકવવાની હતી. મને ખબર નહોતી કે, હું એ રકમ કઈ રીતે ભેગી કરીશ. એ વિશે મેં પ્રાર્થના કરી અને પછી કામ પર ગઈ. હું એક હોટલમાં વેઇટર તરીકે કામ કરતી હતી. મોટા ભાગે, અઠવાડિયાના એ દિવસે ઓછા લોકો જમવા આવતા. તેથી, ઘણી ટીપ મળશે એવી આશા મને ન હતી. પરંતુ, એ સાંજે ઘણા ગ્રાહકો આવ્યા. કામ પતાવીને મેં ટિપ ગણી ત્યારે, હું નવાઈ પામી. એ રકમ ૬૬ ડૉલર હતી.’ નેન્સીને ખાતરી થઈ કે યહોવાએ ઉદારતાથી તેની જરૂરિયાત પૂરી કરી છે.—માથ. ૬:૩૩.

૮. યહોવાની એક ખાસ ભેટ કઈ છે?

યહોવાની એક ખાસ ભેટ સર્વ મનુષ્યો માટે છે. એ કઈ છે? આપણા બધાનાં પાપની કિંમત ચૂકવવા યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું. ઈસુએ જણાવ્યું, ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહા. ૩:૧૬) અહીંયા, “જગત” બધા મનુષ્યોને રજૂ કરે છે. સાચે જ, યહોવાની એ ભેટ એવા દરેક મનુષ્ય માટે છે, જે એને સ્વીકારવા ચાહે છે. જેઓ ઈસુમાં વિશ્વાસ મૂકશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (યોહા. ૧૦:૧૦) એનાથી સાબિત થાય છે કે, ઉદારતા બતાવવામાં યહોવા સૌથી મહાન છે.

યહોવાની ઉદારતાને અનુસરીએ

યહોવાની ઉદારતાને અનુસરવા ઈસ્રાએલીઓને ઉત્તેજન મળ્યું ( ફકરો ૯ જુઓ)

૯. આપણે યહોવાની ઉદારતાને કઈ રીતે અનુસરી શકીએ?

  આપણે યહોવાની ઉદારતાને કઈ રીતે અનુસરી શકીએ? આપણે ખુશ રહીએ માટે યહોવા આપણી જરૂરિયાત પૂરી કરે છે. એ જ રીતે, આપણે પણ બીજાઓને ખુશી આપવાની ઇચ્છા રાખવી જોઈએ. (૧ તીમો. ૬:૧૭-૧૯) આપણે પ્રિયજનોને અને જેઓને જરૂર છે એવા લોકોને ભેટ આપવા ખુશીથી પોતાની ધન-સંપત્તિ વાપરીએ છીએ. (પુનર્નિયમ ૧૫:૭ વાંચો.) ઉદાર રીતે વર્તી શકીએ માટે શું યાદ રાખવું જોઈએ? અમુક ભાઈ-બહેનોએ નક્કી કર્યું છે કે, તેઓને કોઈ ભેટ મળે ત્યારે, તેઓ પણ બીજાઓને ભેટ આપવાની તક શોધશે. ભાઈ-બહેનો એકબીજા માટે ઉદારતાનું વલણ કેળવે છે ત્યારે, મંડળ પર ઘણા આશીર્વાદ આવે છે.

૧૦. ઉદારતા બતાવવાની એક સારી રીત કઈ છે?

૧૦ બીજાઓને મદદ અને ઉત્તેજન આપવાં માટે પોતાનાં સમય અને શક્તિ વાપરવાં, એ ઉદારતા બતાવવાની એક સારી રીત છે. (ગલા. ૬:૧૦) પોતે ઉદાર છીએ કે નહિ એ નક્કી કરવા આ સવાલોનો વિચાર કરો: “શું બીજા જોઈ શકે છે કે તેમની વાત સાંભળવા મારી પાસે સમય છે? કોઈ મદદ માગે ત્યારે, શક્ય હોય તો શું હું તરત મદદ આપું છું? મેં છેલ્લે ક્યારે કુટુંબના સભ્ય અથવા મંડળનાં કોઈ ભાઈ કે બહેનને ઉત્તેજનભર્યા શબ્દો કહ્યા હતા?” ‘આપવાનું’ વલણ કેળવીને આપણે યહોવા અને મિત્રોની નજીક જઈ શકીશું.—લુક ૬:૩૮; નીતિ. ૧૯:૧૭.

૧૧. યહોવાને ઉદારતા બતાવવાની અમુક રીત કઈ છે?

 ૧૧ આપણે યહોવાને પણ ઉદારતા બતાવી શકીએ છીએ. બાઇબલ જણાવે છે, “તારા દ્રવ્યથી યહોવાનું સન્માન કર.” (નીતિ. ૩:૯) અહીંયા જણાવેલા “દ્રવ્ય”માં આપણા સમય, શક્તિ અને ધન-સંપત્તિનો સમાવેશ થાય છે. એનો આપણે ઈશ્વરભક્તિમાં દિલ ખોલીને ઉપયોગ કરી શકીએ છીએ. નાનાં બાળકો પણ યહોવાને ઉદારતા બતાવી શકે છે. જેસન નામના પિતા જણાવે છે, ‘કુટુંબ તરીકે મંડળમાં દાન કરીએ ત્યારે, અમારાં બાળકોને દાન પેટીમાં પૈસા નાખવા દઈએ છીએ. તેઓને એ ગમે છે કેમ કે, એમ કરીને તેઓ જાણે યહોવાને આપે છે.’ જો બાળકો નાની ઉંમરે જ યહોવાને આપવાથી ખુશી અનુભવે, તો મોટાં થયાં પછી પણ તેઓ ઉદારતા બતાવતાં રહેશે.—નીતિ. ૨૨:૬.

યહોવા વાજબી રીતે વર્તે છે

૧૨. વાજબી રીતે વર્તવાનો શું અર્થ થાય?

૧૨ યહોવા વાજબી રીતે વર્તે છે. એ તેમનો બીજો એક અજોડ ગુણ છે. વાજબી રીતે વર્તવાનો શું અર્થ થાય? (તીત. ૩:૧, ૨) વાજબી વ્યક્તિમાં જતું કરવાની ભાવના હોય છે. તે સંજોગો અનુસાર પોતાના નિયમમાં બાંધછોડ કરવા તૈયાર હોય છે. તે કડક કે કઠોર નથી હોતી. તે લોકો સાથે નમ્રતાથી વર્તે છે અને તેઓના સંજોગો સમજવાનો પ્રયત્ન કરે છે. તે બીજાઓનું કહેવું સાંભળવા તૈયાર રહે છે. તેમ જ, યોગ્ય હોય ત્યારે બીજાઓને પોતાની મરજી પ્રમાણે કરવા દે છે.

૧૩, ૧૪. (ક) વાજબી રીતે વર્તવાનો ગુણ યહોવા કઈ રીતે બતાવે છે? (ખ) યહોવા જે રીતે લોત સાથે વર્ત્યા એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ યહોવા કઈ રીતે એ ગુણ બતાવે છે? તે પોતાના ભક્તોની લાગણીઓ સમજે છે અને તેઓની આજીજી ધ્યાનમાં લે છે. એ સમજવા, ચાલો જોઈએ કે લોત સાથે યહોવા કઈ રીતે વર્ત્યા. સદોમ અને ગમોરાહનો નાશ કરવાનું યહોવાએ નક્કી કર્યું હતું. તેમણે લોતને જણાવ્યું કે તે પહાડોમાં નાસી જાય. કોઈ કારણસર, લોતે બીજી જગ્યાએ નાસી જવાની આજીજી કરી. આમ કરીને, લોત જાણે યહોવાના માર્ગદર્શનને બદલવાનું કહી રહ્યા હતા.—ઉત્પત્તિ ૧૯:૧૭-૨૦ વાંચો.

૧૪ આ અહેવાલથી અમુકને કદાચ લાગે કે, લોતનો વિશ્વાસ નબળો હતો અથવા તે ઈશ્વરનું કહ્યું માનવા તૈયાર ન હતા. તે ગમે ત્યાં જાત, યહોવાએ તેમનું રક્ષણ કર્યું હોત. તેથી, લોત પાસે ડરવાનું કોઈ કારણ નહોતું. છતાં, તે ડરી રહ્યા હતા. યહોવાએ લોતની લાગણીઓ ધ્યાનમાં લીધી. અગાઉ જે શહેરનો નાશ કરવાના હતા ત્યાં નાસી જવાની યહોવાએ લોતને છૂટ આપી. (ઉત્પત્તિ ૧૯:૨૧, ૨૨ વાંચો.) આ અહેવાલ બતાવે છે કે યહોવા કઠોર કે કડક નથી. તે હંમેશાં વાજબી રીતે વર્તે છે.

૧૫, ૧૬. ઈસ્રાએલીઓને આપેલા નિયમ કઈ રીતે બતાવે છે કે યહોવા વાજબી રીતે વર્તે છે? (પાન ૧૨નું ચિત્ર જુઓ.)

૧૫ યહોવા વાજબી રીતે વર્તે છે એનું બીજું ઉદાહરણ, ઈસ્રાએલીઓને આપેલા નિયમમાં જોવા મળે છે. એમાં ગોઠવણ હતી કે, જો કોઈ ગરીબ હોય અને ઘેટાં કે બકરાનું બલિદાન તેને ન પોસાય, તો બે કબૂતર કે બે હોલાનું બલિદાન કરી શકે. જો તેને કબૂતરનું બલિદાન પણ ન પોસાય તો શું? એવા કિસ્સામાં, થોડાક લોટનું અર્પણ ચઢાવવાની યહોવાએ છૂટ આપી હતી. જોકે, તેઓએ એક મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવાની હતી કે, સાદા લોટનું નહિ પણ મેંદાનું અર્પણ કરે. એવો લોટ ઈસ્રાએલીઓ મહત્ત્વના મહેમાનો માટે વાપરતા. (ઉત. ૧૮:૬) એ ગોઠવણ કઈ રીતે દર્શાવે છે કે, યહોવા વાજબી છે?—લેવીય ૫:૭, ૧૧ વાંચો.

૧૬ ધારો કે તમે બહુ ગરીબ ઈસ્રાએલી છો. તમે થોડાક લોટ સાથે મુલાકાતમંડપ પાસે બલિદાન ચઢાવવા આવો છો. ત્યાં તમે પૈસાદાર ઈસ્રાએલીઓને જુઓ છો. તેઓ બલિદાન ચઢાવવા પ્રાણીઓ લાવ્યા છે. કદાચ તમને પોતાના નજીવા બલિદાન માટે શરમ લાગે. જોકે, તમને એ સમયે યાદ આવે કે, યહોવાની નજરે તમારું બલિદાન પણ મૂલ્યવાન છે. શા માટે? કારણ, યહોવા ચાહતા હતા કે વ્યક્તિ ઉત્તમ લોટ આપે. એમ કરીને, ગરીબ ઈસ્રાએલીઓને યહોવા જાણે કહેતા હતા: ‘હું સમજું છું કે બીજાઓની જેમ તમે ઘણું નથી આપી શકતા, પણ તમારાથી બની શકે એટલું તમે સારું આપો છો.’ સાચે જ, એ બતાવે છે કે યહોવા વાજબી રીતે વર્તે છે. તે ભક્તોના સંજોગો સમજે છે અને તેઓ પાસે હદ બહારની અપેક્ષા રાખતા નથી.—ગીત. ૧૦૩:૧૪.

૧૭. યહોવા કેવી ભક્તિ સ્વીકારે છે?

 ૧૭ એ જાણીને બહુ દિલાસો મળે છે કે યહોવા વાજબી છે અને પૂરા દિલથી કરેલી આપણી ભક્તિ સ્વીકારે છે. (કોલો. ૩:૨૩) ઇટલીમાં રહેતાં મોટી ઉંમરના બહેન કોન્સટંસ જણાવે છે, ‘સરજનહાર વિશે લોકોને જણાવવું મને ખૂબ ગમે છે. તેથી, હું પ્રચારકાર્ય અને બાઇબલ અભ્યાસમાં ભાગ લેતી રહું છું. પરંતુ, અમુક વાર ખરાબ તબિયતને લીધે વધુ કરી શકતી નથી, જેનો મને અફસોસ થાય છે. પણ, હું જાણું છું કે યહોવા મારી મુશ્કેલીઓ સમજે છે. તે મને પ્રેમ કરે છે અને હું જેટલું કરી શકું, એની કદર કરે છે.’

વાજબી રીતે વર્તવામાં યહોવાને અનુસરીએ

૧૮. માબાપ વાજબી રીતે વર્તવામાં યહોવાને કઈ રીતે અનુસરી શકે?

૧૮ વાજબી રીતે વર્તવામાં યહોવાને કઈ રીતે અનુસરી શકીએ? લોત સાથે યહોવા જે રીતે વર્ત્યા એનો ફરી વિચાર કરો. લોતે શું કરવું, એ વિશે આજ્ઞા કરવાનો યહોવાને પૂરો હક હતો. તેમ છતાં, યહોવા નમ્ર રીતે વર્ત્યા. તેમણે લોતની લાગણીઓ ધ્યાનમાં લીધી. તેમ જ, લોતને પોતાની ઇચ્છા પ્રમાણે કરવાની છૂટ આપી. જો તમે માબાપ હો, તો યહોવાને કઈ રીતે અનુસરી શકો? બાળકની વાત ધ્યાનથી સાંભળો અને યોગ્ય હોય તો તેને પોતાની ઇચ્છા મુજબ કરવાની છૂટ આપો. એ વિષય પર સપ્ટેમ્બર ૧, ૨૦૦૭નું ચોકીબુરજ સારી મદદ આપે છે. એમાં જણાવ્યું છે કે, અમુક માબાપ ઘરમાં નિયમ બનાવતાં પહેલાં, બાળકો સાથે એની ચર્ચા કરે છે. દાખલા તરીકે, માબાપને નિયમ બનાવવો છે કે બાળકે કેટલા વાગ્યા સુધી ઘરે પાછા આવી જવું. એમ કરવાનો માબાપ પાસે પૂરો હક છે. પરંતુ, સમય નક્કી કરતા પહેલા તેઓ બાળક સાથે એ વિશે વાત કરી શકે. અમુક કિસ્સામાં, માબાપ નક્કી કરી શકે કે બાઇબલનો સિદ્ધાંત જળવાઈ રહે ત્યાં સુધી બાળકને છૂટ આપી શકાય. નિયમ બનાવતા પહેલા, ચર્ચા કરવાથી બાળક એને સમજી શકશે અને ખુશીથી પાળશે.

૧૯. વડીલો વાજબી રીતે વર્તવામાં યહોવાને કઈ રીતે અનુસરી શકે?

૧૯ મંડળના વડીલોએ પણ યહોવાની જેમ વાજબી રીતે વર્તવું જોઈએ. તેઓએ ભાઈ-બહેનો પાસે વધુ પડતી અપેક્ષા ન રાખવી જોઈએ. યાદ કરો કે, યહોવાએ સાવ ગરીબ ઈસ્રાએલીઓના બલિદાનની પણ કદર કરી. એવી જ રીતે, આજે અમુક ભાઈ-બહેનો પ્રચારકાર્યમાં ઓછો સમય આપી શકે છે. બગડતી તબિયત અથવા ઉંમરને લીધે તેઓ માટે સમય આપવો અઘરું બને છે. ધાર્યા કરતાં ઓછું કરવાને લીધે તેઓ નિરાશા અનુભવે તો શું કરી શકાય? વડીલો તેઓને એ જોવા મદદ કરી શકે કે, તેઓ ભક્તિમાં બનતું બધું કરે છે માટે યહોવા તેઓને ચાહે છે.—માર્ક ૧૨:૪૧-૪૪.

૨૦. શું વાજબી રીતે વર્તવાનો અર્થ એમ થાય કે યહોવાની ભક્તિમાં ઓછું કરીએ?

૨૦ ખરું કે, વાજબી રીતે વર્તવાનો અર્થ એ નથી કે પોતા પર દયા ખાઈને યહોવાની ભક્તિમાં ઓછું કરીએ. ભક્તિમાં વધારે કરી શકતા હોવા છતાં, ઓછું કરીએ એવું આપણે ઇચ્છતા નથી. એના બદલે, ઈસુના શબ્દો “યત્ન કરો” આપણે યાદ રાખીએ. (લુક ૧૩:૨૪) આમ, આપણે એ બંને વિચારોનું સમતોલન જાળવી શકીશું. ભક્તિમાં પૂરા યત્ન કરવાની સાથે સાથે યાદ રાખવું જોઈએ કે, હદ બહાર યહોવા આપણી પાસે કંઈ માગતા નથી. જ્યારે સૌથી સારું આપીએ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે. સાચે જ, આપણને ભક્તિ કરવામાં ઘણો આનંદ મળે છે કેમ કે, યહોવા ખૂબ વાજબી છે! આવતા લેખમાં, આપણે યહોવાના બીજા બે અજોડ ગુણો જોઈશું.—ગીત. ૭૩:૨૮.

‘તારા દ્રવ્યથી યહોવાનું સન્માન કર.’​—નીતિ. ૩:૯ ( ફકરો ૧૧ જુઓ)

“જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.”​—કોલો. ૩:૨૩ ( ફકરો ૧૭ જુઓ)