સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

ઉત્પત્તિ ૬:૨, ૪માં જણાવેલા “ઈશ્વરના દીકરાઓ” કોણ છે, જેઓ પાણીના પ્રલય પહેલાં પૃથ્વી પર રહેતા હતા?

સાબિતી મળે છે કે, એ “ઈશ્વરના દીકરાઓ” દૂતો હતા. કઈ કલમો એ પુરવાર કરે છે?

બાઇબલ જણાવે છે, “ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ, કે તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.”—ઉત. ૬:૨.

હિબ્રૂ શાસ્ત્રવચનોની મૂળ ભાષામાં ઉત્પત્તિ ૬:૨, ૪; અયૂબ ૧:૬; ૨:૧; ૩૮:૭ અને ગીતશાસ્ત્ર ૮૯:૬ની કલમોમાં વપરાયેલા શબ્દો “ઈશ્વરના દીકરાઓ”ને રજૂ કરે છે. ગુજરાતી બાઇબલમાં એ શબ્દો ઉત્પત્તિ ૬:૨, ૪માં જ જોવા મળે છે. એ બધી કલમો “ઈશ્વરના દીકરાઓ” વિશે શું સાબિત કરે છે?

અયૂબ ૧:૬માં “ઈશ્વરના દીકરાઓ” માટે ગુજરાતી બાઇબલમાં “ઈશ્વરદૂતો” ભાષાંતર થયું છે. એ બતાવે છે કે, તેઓ યહોવાની સામે હાજર થયેલા દૂતો હતા. તેઓમાં શેતાન પણ હતો, જે “પૃથ્વી પર આમતેમ સર્વત્ર ફરીને” આવ્યો હતો. (અયૂ ૧:૭; ૨:૧, ૨) એ જ રીતે, અયૂબ ૩૮:૪-૭માં “ઈશ્વરના દીકરાઓ” માટે “ઈશ્વરદૂતો” ભાષાંતર થયું છે. ત્યાં જણાવ્યું છે કે, જ્યારે ઈશ્વરે પૃથ્વીના ‘ખૂણાનો પથ્થર બેસાડ્યો ત્યારે ઈશ્વરદૂતો હર્ષનાદ કરતા હતા.’ તેઓ દૂતો જ હતા, કારણ તે વખતે માણસોનું સર્જન નહોતું થયું. એ જ રીતે, ગીતશાસ્ત્ર ૮૯:૬ની કલમથી સમજી શકાય છે કે, તેઓ મનુષ્યો નહિ, પણ દૂતો જ છે જેઓ યહોવા સાથે સ્વર્ગમાં છે.

તો પછી, સવાલ થાય કે ઉત્પત્તિ ૬:૨, ૪માં જણાવેલા “ઈશ્વરના દીકરાઓ” છે કોણ? ઉપરની કલમોને આધારે તારણ કાઢી શકાય કે “ઈશ્વરના દીકરાઓ” દૂતોને જ રજૂ કરે છે, જેઓ પૃથ્વી પર આવ્યા હતા.

દૂતોને જાતીય સંબંધ બાંધવાની ઇચ્છા થઈ શકે એવું માનવું અમુક લોકોને અઘરું લાગે છે. કારણ, માથ્થી ૨૨:૩૦માં ઈસુના શબ્દો બતાવે છે કે સ્વર્ગમાં લગ્‍ન અને જાતીય સંબંધ જેવું કંઈ જ નથી. પરંતુ, અમુક કિસ્સામાં દૂતોએ મનુષ્યનું શરીર ધારણ કર્યું હતું. અરે, માણસો સાથે ખાધું-પીધું પણ હતું! (ઉત. ૧૮:૧-૮; ૧૯:૧-૩) જો મનુષ્યનું શરીર ધારણ કરીને દૂતો ખાઈ-પી શકતા હોય, તો સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ પણ બાંધી શકે છે.

બાઇબલની કલમો બતાવે છે કે, અમુક દૂતોએ આ રીતે જાતીય સંબંધ બાંધ્યા હતા. યહુદા ૬, ૭ની કલમો વ્યભિચાર અને અશ્લીલ કામોમાં ડૂબેલા સદોમના લોકોની સરખામણી એ દૂતો સાથે કરે છે. એ દૂતોએ “પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું.” આમ, એ દૂતો અને સદોમના લોકોમાં એક વાત સમાન હતી કે તેઓ બંને ‘વ્યભિચાર અને અનુચિત દુરાચાર’ કરતા હતા. એ જ રીતે, ૧ પીતર ૩:૧૯, ૨૦માં “નુહના સમય”ના અનાજ્ઞાંકિત દૂતોનો ઉલ્લેખ થયો છે. (૨ પીત. ૨:૪, ૫) આમ, નુહના સમયમાં અનાજ્ઞાંકિત દૂતોએ જે માર્ગ પસંદ કર્યો એને સદોમ અને ગમોરાહના પાપ સાથે સરખાવી શકાય.

તેથી આપણને સાબિતી મળે છે કે ઉત્પત્તિ ૬:૨, ૪માં જણાવેલા “ઈશ્વરના દીકરાઓ” એવા દુષ્ટ દૂતો છે, જેઓએ માણસનું શરીર ધારણ કરીને સ્ત્રીઓ સાથે અયોગ્ય જાતીય સંબંધ બાંધ્યો હતો.

બાઇબલ જણાવે છે કે ઈસુએ “બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.” (૧ પીત. ૩:૧૯) આ શબ્દોનો અર્થ શું થાય?

પ્રેરિત પીતર તેઓ વિશે જણાવતા કહે છે કે, એ તો ‘નુહના સમયમાં, જ્યારે ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા ત્યારે, આજ્ઞા ન પાળતા હતા’ તેઓને રજૂ કરે છે. (૧ પીત. ૩:૨૦) સ્પષ્ટ છે કે, પીતર એવા સ્વર્ગદૂતો વિશે વાત કરી રહ્યા હતા, જેઓ શેતાનના પક્ષમાં હતા. યહુદાએ પણ જણાવ્યું કે, એ “દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું.” તેથી, ઈશ્વરે ‘તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.’—યહુ. ૬.

નુહના સમયમાં દૂતોએ કઈ રીતે આજ્ઞા ન પાળી? પાણીનો પ્રલય આવ્યા પહેલાં, એ દુષ્ટ દૂતોએ માણસોનું રૂપ લીધું. યહોવાએ તેઓને એમ કરવા કહ્યું ન હતું છતાં તેઓએ એમ કર્યું. (ઉત. ૬:૨, ૪) વધુમાં, એ દુષ્ટ દૂતોએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધીને અસ્વાભાવિક કામ કર્યું. એ અસ્વાભાવિક કામ હતું કારણ કે, દૂતોને સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધવા ઈશ્વરે બનાવ્યા નહોતા. (ઉત. ૫:૨) યહોવાના સમયે એ ખરાબ દૂતોનો નાશ કરવામાં આવશે. આ દૂતો હાલમાં કેવી સ્થિતિમાં છે, એ વિશે યહુદાએ જણાવ્યું કે તેઓ “બંદીખાનામાં પડેલા” એટલે કે યહોવાના જ્ઞાનના પ્રકાશ વગર અંધકારમાં છે.

ઈસુએ ક્યારે અને કઈ રીતે એ ખરાબ દૂતોને ઉપદેશ કર્યો? ઈસુને ‘સજીવન કરવામાં આવ્યા’ પછી તેમણે એમ કર્યું. (૧ પીત. ૩:૧૮, ૧૯) ધ્યાન આપો કે પીતરે કહ્યું, ‘ઈસુએ ઉપદેશ કર્યો.’ “કર્યો” શબ્દ બતાવે છે કે, પીતરે પહેલો પત્ર લખ્યો એ અગાઉ આ બનાવ બન્યો હતો. દેખીતું છે કે, સજીવન થયાના થોડા જ સમય પછી ઈસુએ જાહેર કર્યું કે, ખરાબ દૂતો પર કઈ રીતે ન્યાય ચુકાદો આવશે. આ ઉપદેશ કોઈ આશાનો ન હતો. એ તો ન્યાય ચુકાદાનો ઉપદેશ હતો. (યૂના ૧:૧, ૨) પોતાના મરણ સુધી ઈસુ વિશ્વાસુ અને વફાદાર રહ્યા. પછી, તેમને સજીવન કરવામાં આવ્યા. એનાથી સાબિત થાય છે કે શેતાનની તેમના પર જરાય અસર નહોતી. એટલે દુષ્ટ દૂતો માટે ઈસુ ન્યાય ચુકાદો જાહેર કરી શક્યા.—યોહા. ૧૪:૩૦; ૧૬:૮-૧૧.

ઈસુ ભાવિમાં શેતાન અને તેને સાથ આપનારા દૂતોને બાંધીને ઊંડાણમાં નાખી દેશે. (લુક ૮:૩૦, ૩૧; પ્રકટી. ૨૦:૧-૩) એવું બને ત્યાં સુધી, આ ખરાબ દૂતો યહોવાના જ્ઞાનના પ્રકાશ વગર અંધકારમાં પડ્યા રહેશે. તેઓનો નાશ નક્કી છે.—પ્રકટી. ૨૦:૭-૧૦.