સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમને પવિત્ર કરવામાં આવ્યા છે

તમને પવિત્ર કરવામાં આવ્યા છે

‘તમને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવ્યા છે.’—૧ કોરીં. ૬:૧૧.

૧. નહેમ્યા યરૂશાલેમ આવ્યા ત્યારે, તેમણે ચોંકાવી નાખતી કેવી બાબતો જોઈ? (ઉપરનું ચિત્ર જુઓ.)

 યરૂશાલેમના રહેવાસીઓ વાતો કરી રહ્યા છે. એક કુખ્યાત વિદેશી મંદિરના એક ઓરડામાં રહે છે. મળેલી જવાબદારી ઉપાડવાનું લેવીઓએ છોડી દીધું છે. ભક્તિમાં આગેવાની લેવાને બદલે, વડીલો સાબ્બાથના દિવસે વેપાર કરી રહ્યા છે. ઘણા ઈસ્રાએલીઓ બિનયહુદીઓ સાથે લગ્‍ન કરી રહ્યા છે. ઈસવીસન પૂર્વે ૪૪૩ પછી નહેમ્યા યરૂશાલેમ પાછા આવ્યા ત્યારે, તેમણે ચોંકાવી નાખતી આવી અમુક બાબતો જોઈ.—નહે. ૧૩:૬.

૨. ઈસ્રાએલીઓ કઈ રીતે પવિત્ર પ્રજા બન્યા?

ઈસ્રાએલીઓ યહોવાને સમર્પિત પ્રજા હતા. ઈ.સ. પૂર્વે ૧૫૩૧માં ઈસ્રાએલીઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરવા રાજી-ખુશીથી તૈયાર થયા હતા. તેઓએ કહ્યું: “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.” (નિર્ગ. ૨૪:૩) એટલે ઈશ્વરે તેઓને પવિત્ર કર્યા. બીજા શબ્દોમાં, પસંદ કરેલી પ્રજા તરીકે બીજાઓથી અલગ કર્યા. કેવો મોટો લહાવો! ચાળીસ વર્ષો પછી, મુસાએ તેઓને યાદ કરાવ્યું: “તું યહોવા તારા ઈશ્વરની પવિત્ર પ્રજા છે; યહોવા તારા ઈશ્વરે તને પૃથ્વીની સપાટી પરની સર્વ પ્રજાઓમાંથી પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યો છે.”—પુન. ૭:૬.

૩. નહેમ્યા યરૂશાલેમમાં બીજી વાર આવ્યા ત્યારે, યહુદીઓની ભક્તિની હાલત કેવી હતી?

દુઃખની વાત છે કે, પવિત્ર પ્રજા તરીકે ઈસ્રાએલીઓનો એ ઉત્સાહ લાંબો સમય ટક્યો નહિ. ખરું કે, હંમેશાં એવી અમુક વ્યક્તિઓ હતી, જેઓ ઈશ્વરની ભક્તિ કરતી. પણ મોટાભાગના યહુદીઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવાને બદલે પવિત્ર કે ધાર્મિક દેખાવાનો વધારે પ્રયત્ન કરતા. થોડા વફાદાર ભક્તો યહોવાની ભક્તિ ફરી શરૂ કરવા બાબેલોનથી યરૂશાલેમ આવ્યા, એ વાતને સોથી વધારે વર્ષો વીતી ગયા હતા. નહેમ્યા બીજી વખત યરૂશાલેમ આવ્યા ત્યારે, ફરી એક વાર ઈશ્વરભક્તિમાં ઈસ્રાએલીઓનો ઉત્સાહ મંદ પડી ગયો હતો.

૪. પવિત્ર રહેવા મદદ કરે એ માટે આપણે કયા મુદ્દાઓ પર વિચાર કરીશું?

ઈસ્રાએલીઓની જેમ આજે આપણે પણ યહોવા દ્વારા પવિત્ર કરાયા છીએ. અભિષિક્ત ખ્રિસ્તીઓને અને “મોટી સભા”ના ભાઈ-બહેનોને પવિત્ર સેવા કરવા માટે અલગ કરાયા છે. (પ્રકટી. ૭:૯, ૧૪, ૧૫; ૧ કોરીં. ૬:૧૧) ઈસ્રાએલીઓએ યહોવાની આગળ પોતાની પવિત્ર ઓળખ ગુમાવી હતી. આપણે એવું ન કરી બેસીએ એ માટે સાવધ રહેવાની જરૂર છે. આપણે પવિત્ર રહીએ અને યહોવાની સેવામાં ઉપયોગી બની શકીએ, એ માટે ક્યાંથી મદદ મળી શકે? આ લેખમાં, આપણે નહેમ્યાના ૧૩મા અધ્યાયમાં બતાવેલા ચાર મુદ્દાઓ પર વિચાર કરીશું: (૧) ખરાબ સોબત ટાળીએ; (૨) ભક્તિની ગોઠવણોને ટેકો આપીએ; (૩) ઈશ્વરભક્તિને પ્રથમ મૂકીએ; (૪) આપણી ખ્રિસ્તી ઓળખ જાળવી રાખીએ. ચાલો, આ દરેક મુદ્દાઓ તપાસીએ.

ખરાબ સોબત ટાળો

નહેમ્યાએ કઈ રીતે યહોવાને વફાદારી બતાવી? (ફકરા ૫, ૬ જુઓ)

૫, ૬. એલ્યાશીબ અને ટોબીયાહ કોણ હતા? એલ્યાશીબ કેમ ટોબીયાહ સાથે સંબંધ રાખતા?

નહેમ્યા ૧૩:૪-૯ વાંચો. આપણે દુષ્ટ દુનિયાના ચાલચલણથી ઘેરાયેલા છીએ, એટલે પવિત્ર રહેવું સહેલું નથી. એલ્યાશીબ અને ટોબીયાહનો વિચાર કરો. એલ્યાશીબ પ્રમુખ યાજક હતા અને ટોબીયાહ આમ્નોની હતા. તે કદાચ યહુદાહમાં ઈરાની સત્તામાં એક નાના અધિકારી પણ હતા. નહેમ્યા યરૂશાલેમની દીવાલ ફરીથી બાંધવાનો પ્રયત્ન કરતા હતા, એનો ટોબીયાહ અને તેના સાથીઓ વિરોધ કરતા હતા. (નહે. ૨:૧૦) આમ્નોનીઓને મંદિરની જમીન પર આવવાની કડક મનાઈ હતી. (પુન. ૨૩:૩) તેમ છતાં, પ્રમુખ યાજકે શા માટે ટોબીયાહને મંદિરના ભોજન ખંડમાં રહેવા માટે ઓરડો આપ્યો?

એલ્યાશીબ અને ટોબીયાહ વચ્ચે સારા સંબંધો હતા. ટોબીયાહ અને તેનો દીકરો યહોહાનાન યહુદી સ્ત્રીઓને પરણ્યા હતા. ઘણા યહુદીઓ ટોબીયાહને ખૂબ માન આપતા હતા. (નહે. ૬:૧૭-૧૯) એલ્યાશીબનો એક પૌત્ર સમરૂનના સૂબા સાનબલ્લાટની દીકરીને પરણ્યો હતો. સાનબલ્લાટને ટોબીયાહ સાથે મિત્રતા હતી. (નહે. ૧૩:૨૮) કદાચ આ કારણોને લીધે પ્રમુખ યાજક એલ્યાશીબ એક વિરોધીનું સાંભળતા હતા, જે ઈશ્વરભક્ત ન હતો. પણ નહેમ્યાએ ટોબીયાહનો બધો સરસામાન ભોજનખંડની બહાર ફેંકી દઈને યહોવા પ્રત્યે વફાદારી બતાવી.

૭. યહોવાની નજરમાં અશુદ્ધ ન ગણાય, એ માટે વડીલો અને ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ?

આપણે યહોવાને સમર્પિત લોકો હોવાથી તેમને જ વફાદાર રહેવું જોઈએ. તેમના ઊંચા ધોરણોને વળગી નહિ રહીએ તો તેમની આગળ પવિત્ર ગણાઈશું નહિ. કુટુંબના સંબંધો જાળવવાના ભોગે આપણે બાઇબલના ધોરણો અવગણવા ન જોઈએ. વડીલો મંડળને પોતાના વિચારો કે મંતવ્યો શીખવતા નથી, પણ યહોવાના વિચારો શીખવે છે. (૧ તીમો. ૫:૨૧) યહોવા સાથેનો સંબંધ જોખમમાં મૂકે એવાં કામો વડીલોએ ટાળવા જોઈએ.—૧ તીમો. ૨:૮.

૮. સોબત વિશે યહોવાના ભક્તોએ ખાસ શું ધ્યાન રાખવું જોઈએ?

આપણે ભૂલવું ન જોઈએ કે, “દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.” (૧ કોરીં. ૧૫:૩૩) કદાચ અમુક સગાં-વહાલાંની સોબત આપણા માટે સારી ન પણ હોય. એક સમયે, એલ્યાશીબે લોકો માટે સારું ઉદાહરણ બેસાડ્યું હતું. યરૂશાલેમની દીવાલ ફરીથી બાંધવાની હતી ત્યારે તેમણે નહેમ્યાને પૂરો સાથ-સહકાર આપ્યો હતો. (નહે. ૩:૧) પણ સમય જતાં, ટોબીયાહ અને બીજાઓની ખરાબ સંગતને લીધે એલ્યાશીબ એવાં કામ કરવા લાગ્યા, જેને લીધે તે યહોવાની નજરમાં અશુદ્ધ ગણાયા. સારા મિત્રો આપણને યહોવાની ભક્તિમાં સારું કરવા ઉત્તેજન આપે છે. જેમ કે, બાઇબલ વાંચવું, સભાઓમાં જવું અને પ્રચારમાં ભાગ લેવો. એમ કરવા ઉત્તેજન આપતા સગાં-વહાલાંઓ માટે આપણો પ્રેમ અને કદર વધે છે.

ભક્તિની ગોઠવણને ટેકો આપીએ

૯. મંદિરની ગોઠવણ શા માટે બરાબર ચાલતી ન હતી અને એ માટે નહેમ્યાએ કોનો દોષ કાઢ્યો?

નહેમ્યા ૧૩:૧૦-૧૩ વાંચો. એવું લાગે છે કે, નહેમ્યા ફરી યરૂશાલેમ આવ્યા ત્યાં સુધીમાં દાન આવતું લગભગ બંધ થઈ ગયું હતું. એટલે, લેવીઓએ સેવા આપવાનું છોડી દીધું અને પોતાના ખેતરોમાં કામ કરવા લાગ્યા. આ બધા માટે નહેમ્યાએ દેખરેખ રાખનારાઓનો દોષ કાઢ્યો. કારણ, તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે ઉપાડતા ન હતા. લોકો પાસે તેઓ દશાંશ ઉઘરાવતા ન હતા અથવા મંદિરમાં એ જમા કરાવતા ન હતા. (નહે. ૧૨:૪૪) એટલે, નહેમ્યાએ બરાબર ગોઠવણ કરી કે, દશાંશ ઉઘરાવવામાં આવે. તેમણે મંદિરના ભંડારોની દેખરેખ અને વહેંચણી માટે ભરોસાપાત્ર માણસો મૂક્યા.

૧૦, ૧૧. ખરી ભક્તિને ટેકો આપવા આપણી પાસે કેવો લહાવો છે?

૧૦ શું એમાં આપણા માટે કોઈ બોધપાઠ છે? હા, જરૂર. આપણને યાદ અપાવવામાં આવે છે કે, કીમતી વસ્તુઓ દ્વારા યહોવાને માન આપવાનો આપણી પાસે લહાવો છે. (નીતિ. ૩:૯) ભક્તિને ટેકો આપવા દાન આપીએ છીએ ત્યારે, આપણે યહોવાની વસ્તુ તેમને જ પાછી આપીએ છીએ. (૧ કાળ. ૨૯:૧૪-૧૬) કદાચ આપણને થશે કે, મારી પાસે આપવા માટે બહુ કંઈ નથી. તોપણ, આપવાની ભાવના હોય તો આપણે બધા કંઈકને કંઈક આપી શકીશું.—૨ કોરીં. ૮:૧૨.

૧૧ એક કુટુંબ મોટી ઉંમરના ખાસ પાયોનિયર યુગલને અઠવાડિયે એક વાર પોતાની સાથે જમવા બોલાવતું. આવું તેઓએ ઘણાં વર્ષો સુધી કર્યું. એ કુટુંબમાં આઠ બાળકો હોવા છતાં માતા હંમેશાં કહેતી, “દસ લોકોનું આમ પણ રાંધવાનું હોય છે, તો એમાં બે વધારે!” કદાચ અઠવાડિયે એકાદ ભોજન બહુ મોટી વાત ન લાગે, પણ વિચાર કરો કે, પેલું પાયોનિયર યુગલ આ મહેમાનગતિ માટે કેટલું આભારી હશે! આ યુગલ કુટુંબ માટે આશીર્વાદ સમાન હતું. યુગલના ઉત્તેજનભર્યા શબ્દો અને અનુભવને લીધે ભક્તિમાં વધારે કરવાની બાળકોમાં હોંશ જાગી. સમય જતાં, આઠેય બાળકો પૂરા સમયના પ્રચાર કાર્યમાં જોડાયા.

૧૨. વડીલો અને સેવકાઈ ચાકરો મંડળમાં કેવો દાખલો બેસાડે છે?

૧૨ બીજો બોધપાઠ: નહેમ્યાની જેમ આજે વડીલો અને સેવકાઈ ચાકરો ભક્તિની ગોઠવણને ટેકો આપવા આગેવાની લે છે. તેઓના દાખલાથી મંડળમાં બીજાઓને લાભ થાય છે. વડીલો પ્રેરિત પાઊલના દાખલાને પણ અનુસરે છે. તેમણે ખરી ભક્તિને ટેકો આપ્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું. જેમ કે, દાન આપવા વિશે તેમણે ઘણાં વ્યવહારુ સૂચનો આપ્યા.—૧ કોરીં. ૧૬:૧-૩; ૨ કોરીં. ૯:૫-૭.

ઈશ્વરભક્તિને પ્રથમ મૂકીએ

૧૩. અમુક યહુદીઓ કઈ રીતે સાબ્બાથને અવગણતા?

૧૩ નહેમ્યા ૧૩:૧૫-૨૧ વાંચો. જો આપણે ચીજ-વસ્તુઓ પાછળ જ સમય વિતાવીશું, તો આપણે ભક્તિમાં ધીમા પડી જઈશું. નિર્ગમન ૩૧:૧૩ મુજબ, ઈસ્રાએલીઓને દર અઠવાડિયે સાબ્બાથનો દિવસ યાદ અપાવતો કે, તેઓ પવિત્ર લોકો છે. એ કુટુંબ તરીકે ભક્તિ, પ્રાર્થના અને ઈશ્વરના નિયમો પર મનન કરવાનો ખાસ દિવસ હતો. નહેમ્યાના સમયમાં અમુકને લાગતું કે સાબ્બાથ તો બીજા દિવસો જેવો છે, તેઓ એ દિવસે પણ વેપાર કરતા. એ કારણથી, ભક્તિને મહત્ત્વ આપવામાં આવતું ન હતું. આ બધું જોઈને નહેમ્યાએ છઠ્ઠા દિવસે સાબ્બાથ શરૂ થાય એ પહેલાં, વિદેશી વેપારીઓને કાઢી મૂકીને શહેરના દરવાજા બંધ કરાવી દીધા.

૧૪, ૧૫. (ક) નોકરી-ધંધા પાછળ વધુ સમય આપીશું તો શું થશે? (ખ) આપણે કઈ રીતે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ?

૧૪ નહેમ્યાના ઉદાહરણમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે, આપણે પૈસા કમાવવા પાછળ ખૂબ સમય આપવો ન જોઈએ, નહિ તો ભક્તિથી ફંટાઈ જઈશું. એમાંય જો નોકરી-ધંધામાં મજા આવતી હોય તો, આપણું ધ્યાન ફંટાઈ જશે. પણ યાદ રાખો, ઈસુએ ચેતવણી આપી હતી કે બે માલિકની ચાકરી કરાય નહિ. (માથ્થી ૬:૨૪ વાંચો.) નહેમ્યા પાસે પૈસા બનાવવાની તક હતી, તોપણ તેમણે યરૂશાલેમમાં પોતાનો સમય કેવી રીતે વિતાવ્યો? (નહે. ૫:૧૪-૧૮) તૂરના લોકો અથવા બીજાઓ સાથે વેપાર-ધંધો કરવાને બદલે, તે પોતાના ભાઈઓને મદદ આપવામાં અને યહોવાનું નામ પવિત્ર કરે એવાં કાર્યો કરવામાં મંડ્યા રહ્યા. એ જ રીતે, આજે વડીલો અને સેવકાઈ ચાકરો મંડળને મદદ મળે એવાં કાર્યો કરે છે. મંડળના ભાઈ-બહેનો તેઓના ઉત્સાહની દિલથી કદર કરે છે. આ કારણે, ઈશ્વરના લોકોમાં પ્રેમ, શાંતિ અને સલામતી જોવા મળે છે.—હઝકી. ૩૪:૨૫, ૨૮.

૧૫ ખરું કે, ખ્રિસ્તીઓને સાબ્બાથ લાગુ પડતો નથી, તોપણ પાઊલે કહ્યું, “ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી રહેલો છે.” તેમણે આગળ જણાવ્યું: “જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.” (હિબ્રૂ ૪:૯, ૧૦) ઈશ્વરના હેતુને વફાદારીથી ટેકો આપીને આપણે તેમના વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ. શું તમે અને તમારું કુટુંબ સભાઓ, કુટુંબ તરીકે ભક્તિ અને પ્રચાર કાર્યને જીવનમાં પ્રથમ રાખો છો? નોકરી-ધંધા પર માલિકને કે બીજા લોકોને એવું લાગી શકે કે ભક્તિમાં આવી બાબતો મહત્ત્વની નથી. એમ હોય તો, તમારે સ્પષ્ટ જણાવવું જ જોઈએ કે એ તમારા માટે સૌથી મહત્ત્વની છે. ભક્તિની બાબતોને પહેલા રાખીને એમાં પૂરતું ધ્યાન આપવા, નહેમ્યાની જેમ આપણે પણ જાણે ‘શહેરના દરવાજા બંધ કરીને તૂરના લોકોથી દૂર રહેવું જોઈએ.’ આપણે પવિત્ર કરાયા હોવાથી પોતાને પૂછવું જોઈએ, ‘શું મારા જીવનથી હું બતાવી આપું છું કે હું યહોવાની ભક્તિ માટે અલગ કરાયો છું?’—માથ. ૬:૩૩.

તમારી ખ્રિસ્તી ઓળખ જાળવી રાખો

૧૬. નહેમ્યાના દિવસોમાં, કેવી રીતે પવિત્ર લોકો તરીકેની ઓળખ જોખમમાં આવી પડી હતી?

૧૬ નહેમ્યા ૧૩:૨૩-૨૭ વાંચો. નહેમ્યાના દિવસોમાં, ઈસ્રાએલીઓ વિદેશી સ્ત્રીઓને પરણતા હતા. યરૂશાલેમની પહેલી મુલાકાત વખતે, નહેમ્યાએ બધા વડીલો પાસે એક લેખિત કરાર પર સહી કરાવી હતી. એમાં લખ્યું હતું કે, તેઓ વિદેશીઓ સાથે લગ્‍ન કરશે નહિ. (નહે. ૯:૩૮; ૧૦:૩૦) થોડાં વર્ષો પછી, નહેમ્યાને ખબર પડી કે આ વડીલોએ વિદેશી પત્નીઓ કરી છે. એટલું જ નહિ, પણ તેઓ ઈશ્વરના પવિત્ર લોકો તરીકેની ઓળખ ગુમાવવાની તૈયારીમાં છે. આ વિદેશી સ્ત્રીઓના બાળકો હિબ્રૂ ભાષા બોલી કે વાંચી શકતા ન હતા. મોટાં થઈને શું તેઓ પોતાને ઈસ્રાએલી તરીકે ઓળખાવશે? કે પછી પોતાને આશ્દોદી, આમ્નોની કે મોઆબી ગણાવશે? હિબ્રૂ ભાષા જાણતા ન હોવાથી, શું તેઓ ઈશ્વરનું નિયમશાસ્ત્ર સમજી શકવાના હતા? તેઓ કઈ રીતે યહોવાને ઓળખીને તેમની ભક્તિ પસંદ કરવાના હતા, કેમ કે તેઓની માતાઓ તો જૂઠાં દેવોને ભજતી હતી? મહત્ત્વના પગલાં ભરવાની તાત્કાલિક જરૂર હતી. અને નહેમ્યાએ એવું જ કર્યું.—નહે. ૧૩:૨૮.

યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવા તમારાં બાળકોને મદદ કરો (ફકરા ૧૭, ૧૮ જુઓ)

૧૭. બાળકોને યહોવા સાથે ગાઢ સંબંધ કેળવવા માબાપો કેવી રીતે મદદ કરી શકે?

૧૭ આજે આપણે યોગ્ય પગલાં ભરીને, પોતાનાં બાળકોને ખ્રિસ્તી ઓળખ મેળવવા મદદ કરવાની જરૂર છે. માબાપો, પોતાને પૂછો, “મારા બાળકો બાઇબલ સત્યની ‘શુદ્ધ’ ભાષા કેટલી સારી રીતે બોલી શકે છે? (સફા. ૩:૯) મારા બાળકોની વાતોમાં શું જોવા મળે છે, દુનિયાની અસર કે પવિત્ર શક્તિની અસર?” જો તમને લાગતું હોય કે તમારાં બાળકોને ફેરફાર કરવાની જરૂર છે, તો નિરાશ થશો નહિ. આજની દુનિયામાં આપણું ધ્યાન ફંટાવી દે એવી ઘણી બાબતો હોવાથી, ભાષા શીખતા સમય લાગે છે. તમારા બાળકો પર દુનિયામાં ભળી જવાનું દબાણ ખૂબ જ છે. તમારું બાળક યહોવા સાથે ગાઢ સંબંધ કેળવે, એ માટે કુટુંબ તરીકે ભક્તિ કરો ત્યારે અને બીજા સમયોએ તેને ધીરજથી શીખવો. (પુન. ૬:૬-૯) શેતાનની દુનિયાથી જુદા રહેવાના ફાયદા તેઓને જણાવો. (યોહા. ૧૭:૧૫-૧૭) તેઓના દિલ સુધી સત્ય પહોંચાડવા બનતું બધું જ કરો.

૧૮. બાળકો યહોવાને સમર્પણ કરે, એ માટે કેમ માબાપ જ સૌથી સારી મદદ આપી શકે?

૧૮ યહોવાની ભક્તિ વિશે દરેક બાળકે જાતે નિર્ણય લેવાનો હોય છે. પણ, એમ કરવા માબાપ ઘણી મદદ આપી શકે. તેઓ પોતાના સારા ઉદાહરણથી અને ઠરાવેલી હદ વિશે સ્પષ્ટ જણાવીને શીખવી શકે. ઉપરાંત, બાળકોના નિર્ણયથી શું પરિણામ આવશે એની પણ ચર્ચા કરવી જોઈએ. માબાપો, તમારા સિવાય બીજું કોઈ બાળકોને વધુ સારી મદદ આપી શકે એમ નથી. યહોવાને સમર્પણ કરવા બાળક તૈયાર થાય એ માટે, તમે જ તેને સૌથી સારી મદદ આપી શકો. ખ્રિસ્તી ઓળખ મેળવવા અને જાળવી રાખવા બાળકોને તમારી મદદની જરૂર છે. જોકે, આપણે દરેકે ખાસ સાવધ રહેવાની જરૂર છે, જેથી ખ્રિસ્તી ઓળખ આપતા “વસ્ત્ર” એટલે કે, ગુણો અને ધોરણો ગુમાવી ન બેસીએ.—પ્રકટી. ૩:૪, ૫; ૧૬:૧૫.

ભલું થાય એ માટે યહોવા આપણને યાદ રાખશે

૧૯, ૨૦. યહોવા આપણા ભલા માટે આપણને યાદ રાખે એ માટે શું કરવું જોઈએ?

૧૯ નહેમ્યાના દિવસોમાં માલાખી પ્રબોધકે લખ્યું: ‘યહોવાનું ભય રાખનારાઓને માટે તથા તેના નામનું ચિંતન કરનારાઓને માટે યાદીનું પુસ્તક લખવામાં આવ્યું.’ (માલા. ૩:૧૬, ૧૭) જેઓને યહોવાનો ડર અને તેમના નામ માટે પ્રેમ છે, તેઓને તે કદી ભૂલશે નહિ.—હિબ્રૂ ૬:૧૦.

૨૦ નહેમ્યાએ પ્રાર્થના કરી: ‘હે મારા ઈશ્વર, મારા હિતને માટે મારું સ્મરણ કર.’ (નહે. ૧૩:૩૧) આપણે ખરાબ સોબતથી સતત દૂર રહેવાની, ભક્તિની ગોઠવણને ટેકો આપવાની, ભક્તિને પ્રથમ મૂકવાની અને ખ્રિસ્તી ઓળખ જાળવી રાખવાની જરૂર છે. એમ કરીશું તો, નહેમ્યાની જેમ આપણું નામ પણ ઈશ્વરની યાદગીરીના પુસ્તકમાં હશે. એ માટે, ચાલો આપણે “વિશ્વાસ છે કે નહિ, તેની પરીક્ષા” કરતા રહીએ. (૨ કોરીં. ૧૩:૫) જો આપણે યહોવા સાથે પવિત્ર સંબંધ જાળવી રાખીશું, તો તે આપણા ભલા માટે આપણને યાદ રાખશે.