સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા ‘રોજ મારો બોજ ઊંચકે છે’

યહોવા ‘રોજ મારો બોજ ઊંચકે છે’

મારી તબિયત ગમે ત્યારે લથડી જાય છે, એવું લાગે કે સહન નહિ થાય. પણ, મેં જીવનમાં ડગલે ને પગલે સ્વર્ગમાંના પ્રેમાળ પિતાનો ટેકો અનુભવ્યો છે. વીસથી વધારે વર્ષોથી મને પાયોનિયર તરીકે યહોવાની સેવા કરવાનો અનેરો આનંદ મળ્યો છે.

મારો જન્મ ૧૯૫૬માં થયો હતો. જન્મથી જ મને સ્પાઈના બાઈફીડા નામે બીમારી હતી. એ બીમારીમાં જ્ઞાનતંતુની ટ્યૂબ કરોડરજ્જુમાં બરાબર બંધ થતી નથી. જ્ઞાનતંતુઓને થયેલા નુકસાનને લીધે, મને ચાલવામાં તકલીફ પડતી અને તંદુરસ્તીને લગતી બીજી ગંભીર તકલીફો પણ ઊભી થઈ.

હું જન્મી એના થોડા સમય પહેલાં, યહોવાના સાક્ષીઓનું એક મિશનરી યુગલ મારા માબાપને બાઇબલમાંથી શીખવવા લાગ્યું. હું નાની હતી ત્યારે, નામિબિયા દેશમાં મારા નગર ઉસાકોસમાં થોડા જ યહોવાના સાક્ષીઓ હતા અને તેઓ છૂટાછવાયા રહેતા હતા. એટલે, સભાઓની માહિતી અમે કુટુંબ તરીકે સાથે ચર્ચા કરતાં. હું સાત વર્ષની હતી ત્યારે, યુરોસ્ટોમીનું ઑપરેશન કરવામાં આવ્યું, જેમાં પેશાબ માટે થેલી મૂકવામાં આવે છે. ચૌદ વર્ષની હતી ત્યારે, મને ખેંચ આવવાની શરૂઆત થઈ. હાઇસ્કૂલ મારા ઘરથી ઘણે દૂર હતી અને મારું ધ્યાન રાખવા માબાપે હંમેશાં સાથે રહેવું પડતું, એટલે હું સ્કૂલનું ભણતર પૂરું કરી ન શકી.

તોપણ, હિંમત હાર્યા વગર મેં સત્યમાં પ્રગતિ કરવાનું નક્કી કર્યું. આપણું મોટાભાગનું સાહિત્ય ત્યારે મારી માતૃભાષા આફ્રિકાન્સમાં પ્રાપ્ય ન હતું. એટલે, હું અંગ્રેજી શીખી જેથી આપણાં પુસ્તકોનો અભ્યાસ કરી શકું. હું ઓગણીસ વર્ષની હતી ત્યારે બાપ્તિસ્મા લઈને પ્રકાશક બની. એ પછીના ચાર વર્ષોમાં તબિયતને લઈને મને ઘણી તકલીફો થઈ. એ સમયગાળો મારા માટે લાગણીમય રીતે પણ ઘણો અઘરો હતો. મારા નગરમાં બધા એકબીજાને સારી રીતે ઓળખતા, એટલે લોકોના ડરને લીધે ઉત્સાહથી પ્રચાર કરતા હું અચકાતી.

હું ૨૦ વર્ષની આસપાસ હોઈશ ત્યારે, અમે નામિબિયાથી દક્ષિણ આફ્રિકા રહેવા ગયા. આમ, પહેલી વાર મને મંડળની સંગત માણવા મળી. એ કેટલું અદ્‍ભુત હતું! જોકે, મારે ફરીથી ઑપરેશન કરાવવાની જરૂર પડી. આ વખતે કોલોસ્ટોમીનું ઑપરેશન કરવામાં આવ્યું, જેમાં મળ નિકાલ માટે થેલી મૂકવામાં આવે છે.

થોડા સમય પછી, એક વાર સરકીટ નિરીક્ષક પાયોનિયરીંગ વિશે જણાવી રહ્યા હતા. તેમની વાત મારા દિલને સ્પર્શી ગઈ. મને ખબર હતી કે મારી તંદુરસ્તી સારી નથી, પણ મેં અનુભવ્યું હતું કે અનેક મુશ્કેલીઓમાં યહોવાએ મારી સંભાળ રાખી છે. એટલે, મેં નિયમિત પાયોનિયર બનવા ફૉર્મ ભર્યું. પણ મારી તબિયત ધ્યાનમાં રાખીને, વડીલો એ સ્વીકારતા અચકાતા હતા.

તોપણ, મેં પ્રચારમાં જેટલું થઈ શકે એટલું કરવાનો ભરચક પ્રયાસ કર્યો. મારા મમ્મી અને બીજાઓની મદદથી, હું સતત છ મહિના સુધી પાયોનિયર જેટલા કલાકો કરી શકી. એનાથી સાબિત થયું કે, હું પાયોનિયર બની શકું છું અને તબિયતને લગતી તકલીફોને સંભાળી શકું છું. મેં ફરીથી ફૉર્મ ભર્યું અને આ વખતે એ સ્વીકારવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧, ૧૯૮૮માં હું નિયમિત પાયોનિયર બની.

પાયોનિયર તરીકે, મેં યહોવાના સાથનો સતત અહેસાસ કર્યો છે. મારા સંજોગો પર ધ્યાન આપવાને બદલે, બીજાઓને સત્ય વિશે શીખવવાથી મને પોતાની લાગણીઓ કાબૂમાં રાખવા મદદ મળી છે. ઉપરાંત, યહોવા સાથેનો સંબંધ પણ પાકો થયો છે. બાપ્તિસ્મા અને સમર્પણ કરવા ઘણાઓને મદદ કરી હોવાથી મને પુષ્કળ આનંદ મળ્યો છે.

મારી તબિયતનું હજી કંઈ ઠેકાણું નથી. પણ, યહોવા ‘રોજ મારો બોજ ઊંચકે છે.’ (ગીત. ૬૮:૧૯) તેમણે મને સહન કરવા ફક્ત તાકાત જ નથી આપી, પરંતુ જીવનમાં ડગલે ને પગલે ઘણી ખુશીઓ પણ આપી છે!