સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણો ઇતિહાસ

રાજા બહુ ખુશ થયા!

રાજા બહુ ખુશ થયા!

આ બનાવ ઑગસ્ટ ૧૯૩૬માં બન્યો. એ સ્વાઝીલૅન્ડના રોયલ ક્રાલ અથવા કંપાઉન્ડમાં બન્યો. રોબર્ટ અને જ્યોર્જ નિસ્બેતે માઇક લગાવેલી કારમાંથી સંગીત વગાડ્યું. પછી, ભાઈ જે. એફ. રધરફર્ડનાં પ્રવચનોની રેકોર્ડ વગાડી. એનાથી રાજા શોભુઝા બીજા બહુ ખુશ થઈ ગયા. જ્યાર્જે જણાવ્યું: “રાજાએ અમને શરમમાં નાખી દીધા, કેમ કે તેમને રાજ્ય સંદેશો જણાવતું લાઉડ સ્પીકર, રેકોર્ડ પ્લેયર અને રેકોડ્‌ર્સ ખરીદવા હતા.”

રોબર્ટે માફી માંગતા સૂરમાં કહ્યું કે એ વસ્તુઓ વેચવા માટે નથી. કેમ? એ સાધનો બીજાં કોઈનાં છે. રાજાને જાણવું હતું કે એ કોણ છે.

રોબર્ટે કહ્યું, “આ બધું બીજા એક રાજાનું છે.” શોભુઝાએ પૂછ્યું કે કયા રાજાનું? રોબર્ટે જણાવ્યું, “ઈસુ ખ્રિસ્તનું, જે ઈશ્વરના રાજ્યના રાજા છે.”

શોભુઝાએ પૂરા આદરભાવથી કહ્યું: “સાચે જ તે મહાન રાજા છે. તેમની કોઈ વસ્તુઓ હું લઈ લેવા ચાહતો નથી.”

રોબર્ટે લખ્યું: ‘આ મોટા રાજા, શોભુઝાના સ્વભાવથી હું બહુ પ્રભાવિત થયો. તે જરાય દેખાડો કે ઘમંડ કર્યા વિના સરસ અંગ્રેજી બોલતા હતા. તે એકદમ સીધા માણસ હતા અને તેમની સાથે વાત કરવી સહેલી હતી. જ્યોર્જ બહાર સંગીત વગાડતો હતો ત્યારે, તેમની ઑફિસમાં અમે ૪૫ મિનિટ જેટલું સાથે બેઠા હતા.’

રોબર્ટ આગળ કહે છે: ‘એ દિવસે પછીથી અમે સ્વાઝી નેશનલ સ્કૂલે ગયા, ત્યાં અમને સૌથી સારો અનુભવ થયો. અમે પ્રિન્સિપાલને પ્રચાર કર્યો અને તેમણે રાજીખુશીથી સાંભળ્યું. અમે તેમને રેકોર્ડિંગ સાંભળવાનાં સાધનો બતાવ્યાં. અમે જણાવ્યું કે આખી સ્કૂલ એ સાંભળી શકે છે ત્યારે તે બહુ ખુશ થયા. તેમણે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ બોલાવીને ઘાસ પર બેસીને સાંભળવાનું કહ્યું. અમને જણાવવામાં આવ્યું કે હાઈસ્કૂલમાં છોકરાઓને ખેતીવાડી, બગીચાનું કામ, સુથારી કામ, બાંધકામ, અંગ્રેજી અને અંકગણિત શીખવવામાં આવતું; છોકરીઓને નર્સનું કામ, ઘરકામ અને બીજાં ઉપયોગી કામ શીખવવામાં આવતાં.’ આ સ્કૂલની શરૂઆત શોભુઝા રાજાની દાદીમાએ કરી હતી. a

(ઉપર) ૧૯૩૬માં સ્વાઝીલૅન્ડમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ જાહેર પ્રવચન સાંભળ્યું

છેક ૧૯૩૩માં રાજા શોભુઝાએ પોતાને ત્યાં આવેલા પાયોનિયરોનું રાજીખુશીથી સાંભળ્યું. અરે, એક વખતે તેમણે પોતાના ૧૦૦ જેટલા લડવૈયા બૉડીગાર્ડને રેકોર્ડ કરેલો રાજ્યનો સંદેશો સાંભળવા ભેગા કર્યા. તેમણે આપણાં મૅગેઝિનોનું લવાજમ ભર્યું અને સાહિત્ય સ્વીકાર્યું. જલદી જ, રાજા પાસે લગભગ આખી દેવશાહી લાઈબ્રેરી થઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ રાજની સરકારે આપણા સાહિત્ય પર પ્રતિબંધ મૂક્યો. તેમ છતાં, રાજાએ એ લાઈબ્રેરી સાચવી રાખી હતી.

રાજા શોભુઝા બીજાએ લોબામ્બા શહેરમાં પોતાને ત્યાં યહોવાના સાક્ષીઓને આવકારવાનું ચાલુ રાખ્યું. ઘણી વાર તે બાઇબલનાં પ્રવચનો સાંભળવા પાદરીઓને પણ બોલાવતા. એક વખતે એવું બન્યું કે ત્યાં રહેતા ભાઈ હેલ્વી માશાઝી માથ્થી ૨૩ની ચર્ચા કરતા હતા. પાદરીઓનું એક ગ્રૂપ ગુસ્સે ભરાયું અને ઊભા થઈને એ ભાઈને બળજબરીથી બેસાડવાની કોશિશ કરવા લાગ્યા. પણ રાજા શોભુઝાએ વચ્ચે પડીને ભાઈ માશાઝીને ચર્ચા ચાલુ રાખવા કહ્યું. એટલું જ નહિ, રાજાએ હાજર રહેલા બધાને પ્રવચનમાં જણાવેલી બાઇબલની બધી કલમો લખવા જણાવ્યું!

બીજા એક પ્રસંગે એક પાયોનિયર ભાઈની ટોક સાંભળ્યા પછી, ત્યાં હાજર રહેલા ચાર પાદરીઓએ પોતાનો કોલર પાછળ ફેરવી નાખતા કહ્યું: “હવેથી અમે પાદરી નથી પણ યહોવાના સાક્ષી છીએ.” પછી, તેઓએ પાયોનિયર ભાઈને પૂછ્યું કે રાજા શોભુઝા પાસે છે એવાં કોઈ પુસ્તકો તેમની પાસે છે કે કેમ.

રાજા શોભુઝાએ ૧૯૩૦થી ૧૯૮૨માં પોતાના મરણ સુધી યહોવાના સાક્ષીઓ માટે માન બતાવ્યું. સ્વાઝી સંસ્કૃતિના કોઈ રીત-રિવાજો સાક્ષીઓ પાળતા ન હતા. પણ, એના લીધે રાજાએ તેઓની સતાવણી થવા દીધી નહિ. તેથી, સાક્ષીઓ ખરેખર તેમના આભારી હતા. રાજા ગુજરી ગયા ત્યારે તેઓને ઘણું દુઃખ થયું.

૨૦૧૩ની શરૂઆતમાં ૩,૦૦૦ કરતાં વધારે રાજ્ય પ્રચારકો સ્વાઝીલૅન્ડમાં હતા. આ દેશમાં દસ લાખથી વધારે લોકો રહે છે. એટલે, એક પ્રકાશકે ૩૮૪ લોકોને પ્રચાર કરવાનો હતો. ૯૦ મંડળોમાં ૨૬૦ કરતાં વધારે પાયોનિયર છે અને ૨૦૧૨ના સ્મરણપ્રસંગમાં ૭,૪૯૬ લોકો આવ્યા હતા. દેખીતું છે કે ભાવિમાં ઘણો વધારો થઈ શકે એમ છે. સ્વાઝીલૅન્ડમાં ૧૯૩૦ના દાયકામાં થયેલી એ શરૂઆતની મુલાકાતો દરમિયાન ચોક્કસ મજબૂત પાયો નંખાયો હતો.—દક્ષિણ આફ્રિકાના આપણા ઇતિહાસમાંથી.

a ધ ગોલ્ડન એજ, જૂન ૩૦, ૧૯૩૭, પાન ૬૨૯.