સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સમજદારીથી જીવનમાં નિર્ણયો લો

સમજદારીથી જીવનમાં નિર્ણયો લો

“તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિ. ૩:૫.

૧, ૨. શું તમને નિર્ણયો લેવા ગમે છે? તમે લીધેલા અમુક નિર્ણયો વિશે તમને કેવું લાગે છે?

 નિર્ણય, નિર્ણય અને નિર્ણય! રોજ જીવનમાં આપણે ઘણા નિર્ણયો લેવા પડે છે. રોજ-બ-રોજના નિર્ણયો લેવાની વાત આવે ત્યારે તમને કેવું લાગે છે? અમુક લોકો પોતે જ બધા નિર્ણય લેવા માંગે છે. તેઓને લાગે છે નિર્ણયો તો પોતે જ લેવા જોઈએ, એ તો આપણો હક્ક છે. અરે, એવા વિચાર માત્રથી તેઓના ભવાં ચઢી જાય છે કે બીજી કોઈ વ્યક્તિ તેઓ માટે નિર્ણય લે. પરંતુ, એવા પણ લોકો છે જેઓ નાના નિર્ણયો તો લઈ લે છે, પણ મોટા નિર્ણયો લેતા ડરે છે. અમુકને લાગે છે કે તેઓને સલાહની જરૂર છે અને એ માટે તેઓ માર્ગદર્શન આપતાં પુસ્તકો કે સલાહકારો તરફ ફરે છે. અરે, એ માટે તેઓ પુષ્કળ પૈસા ખર્ચતા પણ અચકાતા નથી.

આપણામાંના મોટા ભાગના એવા નથી. ખરું કે અમુક નિર્ણયો લેવા આપણા હાથ બહારની વાત છે, જેમાં આપણે કંઈ કરી શકતા નથી. પરંતુ, જીવનનાં ઘણાં પાસાઓમાં આપણે ઘણા નિર્ણયો પોતે લઈ શકીએ છીએ. (ગલા. ૬:૫) તોપણ, આપણે કદાચ સહમત થઈશું કે આપણા બધા જ નિર્ણયો સારા કે લાભદાયી હોતા નથી.

૩. નિર્ણયો લેવા વિશે આપણી પાસે કેવું માર્ગદર્શન છે? પરંતુ નિર્ણય લેવામાં હજી કયો પડકાર રહેલો છે?

યહોવાના સેવક તરીકે, આપણે એ જાણીને ખુશ થઈ શકીએ કે આપણા જીવનની અગત્યની ઘણી બાબતો વિશે તેમણે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. આપણે જાણીએ છીએ કે જો તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું, તો આપણે એવા નિર્ણયો લઈ શકીશું, જેનાથી યહોવા ખુશ થાય અને આપણને લાભ થાય. પરંતુ, બધી જ મુશ્કેલીઓ કે સંજોગો વિશે બાઇબલમાં સીધેસીધું માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. એવા સંજોગોમાં શું કરવું, એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે આપણે ચોરી ન કરવી જોઈએ. (એફે. ૪:૨૮) પરંતુ, ચોરી કોને કહેવાય, એ શાનાથી નક્કી થાય છે? ચોરેલી વસ્તુની કિંમત પરથી? ચોરી કરનારના ઇરાદા પરથી, કે પછી બીજા કશાકથી? જ્યારે કોઈ કહે કે આવા કિસ્સામાં શું કરવું, એને લઈને કોઈ સ્પષ્ટ માર્ગદર્શન નથી ત્યારે, આપણે કઈ રીતે નિર્ણય લઈએ છીએ? આપણને શું મદદ કરી શકે?

સમજદાર બનીએ

૪. નિર્ણય લેવાના સમયે મોટા ભાગે આપણને કદાચ કેવી સલાહ મળે છે?

જ્યારે આપણે સાથી ખ્રિસ્તીને જણાવીએ કે જીવનમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાના છીએ, ત્યારે તે કદાચ આપણને સમજદાર બનીને નિર્ણય લેવા જણાવશે. એ સલાહ સારી છે. બાઇબલ ઉતાવળે નિર્ણય લેવા વિશે આપણને આ ચેતવણી આપે છે: “દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.” (નીતિ. ૨૧:૫) પણ સમજદાર હોવાનું વલણ કેળવવાનો અર્થ શું થાય? શું એ જ કે સમય લઈને, બરાબર વિચાર કરીને અને વાજબી રીતે યોગ્ય નિર્ણય લેવો? યોગ્ય નિર્ણય લેવામાં આ બધું મદદરૂપ છે, પણ એમાં હજુ કંઈક વધારે સમાયેલું છે.—રોમ. ૧૨:૩; ૧ પીત. ૪:૭.

૫. આપણને કેમ જન્મથી સંપૂર્ણ મન નથી?

આપણે બધાએ સ્વીકારવાની જરૂર છે કે આપણામાંના કોઈને પણ જન્મથી સંપૂર્ણ મન નથી. એવું શા માટે? કેમ કે આપણે પાપ અને અપૂર્ણતામાં જન્મ્યા છીએ અને એના લીધે સંપૂર્ણ શરીર અને મન હોવું અશક્ય છે. (ગીત. ૫૧:૫; રોમ. ૩:૨૩) વધુમાં, જેઓનાં મન શેતાને “આંધળાં” કર્યાં છે, તેઓમાંના એક આપણે હતા. એક સમયે આપણે યહોવા અને તેમનાં ન્યાયી ધોરણો વિશે જાણતા ન હતા. (૨ કોરીં. ૪:૪; તીત. ૩:૩) તેથી, આપણે ગમે તેટલું વિચારીને નિર્ણય લીધો હોય તોપણ, આપણને જે સારું અને વાજબી લાગે એના આધારે જ નિર્ણય લઈએ તો, આપણે કદાચ પોતાને છેતરતા હોઈશું.—નીતિ. ૧૪:૧૨.

૬. સંપૂર્ણ મન કેળવવા આપણને શું મદદ કરી શકે?

ખરું કે આપણી પાસે સંપૂર્ણ શરીર કે મન નથી. જ્યારે કે આપણા સ્વર્ગમાંના પિતા યહોવા દરેક રીતે સંપૂર્ણ છે. (પુન. ૩૨:૪) ખુશીની વાત છે કે આપણે વિચારો કેળવીએ અને સમજદાર બનીએ, એ તેમણે શક્ય બનાવ્યું છે. (૨ તીમોથી ૧:૭ વાંચો.) ખ્રિસ્તીઓ તરીકે, આપણે યોગ્ય રીતે વિચારીને નિર્ણય લેવા અને એ પ્રમાણે વર્તવા ચાહીએ છીએ. આપણા વિચારો અને લાગણીઓ પર કાબૂ કે લગામ રાખવી જોઈએ અને યહોવા જે રીતે વિચારે, અનુભવે અને વર્તે છે, એને અનુસરવું જોઈએ.

૭, ૮. દબાણ કે મુશ્કેલીઓમાં પણ કઈ રીતે સમજદારીથી નિર્ણય લઈ શકાય એનો દાખલો જણાવો.

એક દાખલો લઈએ. બીજા દેશમાં ગયેલા અમુક લોકોને જ્યારે બાળક જન્મે ત્યારે તેઓ તેનું ધ્યાન રાખવા વતનમાં સગાંવહાલાં પાસે મોકલી દે છે. આ રીતે તેઓ હજુ કામ કરી શકે અને પૈસા કમાઈ શકે. a પરદેશમાં રહેતી એક સ્ત્રીએ સુંદર છોકરાને જન્મ આપ્યો. એવામાં એ સ્ત્રીએ બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને ઈશ્વર-ભક્તિમાં પ્રગતિ કરવા લાગી. મિત્રો અને સગાંવહાલાં તેને અને તેના પતિને દબાણ કરવા લાગ્યા કે બાળકને દાદા-દાદીને ત્યાં દેશમાં મોકલી દે. જોકે, ખાસ કરીને એ સ્ત્રીને બાઇબલ અભ્યાસ કરવાને લીધે ખ્યાલ આવ્યો કે બાળકને મોટું કરવાની જવાબદારી ઈશ્વરે માબાપને આપી છે. (ગીત. ૧૨૭:૩; એફે. ૬:૪) શું ઘણાને વાજબી લાગતું હતું એવું આ સ્ત્રીએ કરવું જોઈએ? કે પછી બાઇબલમાંથી શીખ્યા પ્રમાણે ચાલીને પૈસાની ખેંચ તથા લોકોનાં મહેણાં-ટોણાં સહન કરવાં? જો તમે તેની જગ્યાએ હોત તો તમે શું કર્યું હોત?

દબાણ અને તણાવમાં આ સ્ત્રીએ યહોવા આગળ દિલ ઠાલવીને તેમનું માર્ગદર્શન માંગ્યું. તેણે બાઇબલ શીખવનાર અને મંડળના ભાઈ-બહેનોને પોતાના સંજોગો વિશે વાત કરી તેમ, તે યહોવાના વિચારો સમજવા લાગી. તેણે એ પણ વિચાર કર્યો કે નાનાં બાળકોને શરૂઆતનાં વર્ષો માબાપથી અલગ પાડી દેવામાં આવે તો, તેઓના પર લાગણીમય રીતે કેટલી ખરાબ અસર પડી શકે. શાસ્ત્રવચનો પ્રમાણે પોતાના સંજોગો તપાસ્યા પછી, તેણે નિર્ણય લીધો કે બાળકને પોતાનાથી દૂર કરી દેવું સારું નહિ કહેવાય. તેના પતિએ જોયું કે મંડળના ભાઈ-બહેનો મદદ કરવા કેટલી દોડાદોડ કરે છે અને બાળક ઘણું ખુશ રહે છે અને તંદુરસ્ત બન્યું છે. પતિએ બાઇબલ અભ્યાસ સ્વીકાર્યો અને પોતાની પત્ની સાથે સભાઓમાં જવા લાગ્યા.

૯, ૧૦. સમજદાર બનવાનો અર્થ શું થાય અને આપણે કઈ રીતે એવા બની શકીએ?

આ તો ફક્ત એક જ દાખલો હતો. પણ એ બતાવે છે કે સમજદાર બનવાનો અર્થ એ જ નથી કે આપણને કે બીજાઓને જે વાજબી કે સગવડિયું લાગતું હોય, એ પ્રમાણે કરીએ. આપણું અપૂર્ણ મન અને હૃદય ઘડિયાળ જેવું બની શકે છે, જે એકદમ ઝડપથી અથવા એકદમ ધીમેથી ચાલવા લાગે. જો એના પર ભરોસો મૂકીને ચાલીએ, તો કદાચ મોટી મુશ્કેલીમાં મૂકાઈ જઈએ. (યિર્મે. ૧૭:૯) આપણે મન અને હૃદયને ઈશ્વરનાં ભરોસાપાત્ર ધોરણોની સુમેળમાં લાવવાની જરૂર છે.—યશાયા ૫૫:૮, ૯ વાંચો.

૧૦ બાઇબલ આપણા ભલા માટે આ સલાહ આપે છે: “તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિ. ૩:૫, ૬) આ વાક્ય પર ધ્યાન આપો, “તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” પછી કહે છે, “તારા સર્વ માર્ગોમાં તેની [યહોવાની] આણ સ્વીકાર.” તે એકલા જ પૂરેપૂરા સમજદાર છે. એટલે, જ્યારે પણ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે ઈશ્વરના વિચારો જાણવા બાઇબલમાં જોવું જોઈએ. પછી એના આધારે નિર્ણય લેવો જોઈએ. આમ, યહોવાના વિચારો પ્રમાણે ચાલીને આપણે સમજદાર બનીએ છીએ.

તમારી પારખ-શક્તિ કેળવો

૧૧. સારા નિર્ણયો લેતા શીખવાની ચાવી શું છે?

૧૧ સારા નિર્ણયો લેતા શીખવું અને એ પ્રમાણે કરવું, આપોઆપ આવી જતું નથી. જેઓ સત્યમાં નવા છે અથવા ભક્તિમાં હજુ પ્રગતિ કરી રહ્યા છે, તેઓ માટે એમ કરવું ખાસ મુશ્કેલ બની શકે. પણ બાઇબલ જેને ભક્તિમાં બાળકો જેવાં કહે છે, તેઓ માટે ખરી પ્રગતિ કરવી શક્ય છે. બાળકો પડ્યા વગર ચાલવાનું કઈ રીતે શીખે છે એનો વિચાર કરો. સફળ થવા માટે નાનાં નાનાં પગલાં ભરવાં અને વારંવાર એમ કરતા રહેવું જરૂરી છે. સારા નિર્ણયો લેવાની વાત આવે ત્યારે, ભક્તિમાં જેઓ બાળકો જેવા છે, તેઓ માટે એવું જ છે. યાદ કરો કે પ્રેરિત પાઊલે ભક્તિમાં અનુભવી લોકો વિશે કહ્યું કે તેઓની “ઇંદ્રિયો ખરુંખોટું પારખવામાં કેળવાએલી છે.” “કેળવાએલી” શબ્દ બતાવે છે કે વારંવાર અને સતત પ્રયત્ન કરવાની જરૂર છે. જેઓ નવા છે તેઓએ એમ જ કરવું જોઈએ.—હિબ્રૂ ૫:૧૩, ૧૪ વાંચો.

જ્યારે રોજ-બ-રોજની બાબતોમાં ખરી પસંદગી કરીએ છીએ, ત્યારે આપણે પારખ-શક્તિ કેળવીએ છીએ (ફકરો ૧૧ જુઓ)

૧૨. આપણે કઈ રીતે ખરા નિર્ણયો લેવાની ક્ષમતા કેળવી શકીએ?

૧૨ આગળ જણાવ્યું તેમ, દરરોજ આપણે ઘણા બધા નાના-મોટા નિર્ણયો લઈએ છીએ. એક અભ્યાસ પ્રમાણે, ચાળીસ ટકા જેટલું આપણું વર્તન પહેલેથી વિચાર્યા પ્રમાણે નહિ પણ ટેવ પ્રમાણે હોય છે. ઉદાહરણ તરીકે, રોજ સવારે કદાચ તમારે નક્કી કરવાનું હોય કે કયાં કપડાં પહેરશો. તમે એને નાની બાબત તરીકે જોશો અને વધારે વિચાર કર્યા વગર પસંદ કરશો, ખાસ કરીને ઉતાવળમાં હો ત્યારે. પણ એ વિચારવું અગત્યનું છે કે તમે જે કંઈ પહેરો, એ યહોવાના ભક્તોને શોભે એવું હોવું જોઈએ. (૨ કોરીં. ૬:૩, ૪) જ્યારે તમે કપડાં ખરીદો ત્યારે કદાચ સ્ટાઇલ અને ફેશન વિશે વિચારશો, પણ એ યોગ્ય છે કે નહિ અને એના ખર્ચ વિશે શું? આવી બાબતોમાં ખરી પસંદગી કરવાથી આપણી પારખ-શક્તિ કેળવાશે, જે વધારે મોટી બાબતોમાં ખરા નિર્ણયો લેવા મદદ કરશે.—લુક ૧૬:૧૦; ૧ કોરીં. ૧૦:૩૧.

જે ખરું છે એ કરવાની ઇચ્છા કેળવો

૧૩. આપણા નિર્ણય પ્રમાણે કરવા શું જરૂરી છે?

૧૩ આપણે બધા જાણીએ છીએ કે ખરો નિર્ણય લેવો એક વાત છે, પણ એને વળગી રહીને એ પ્રમાણે કરવું બીજી વાત છે. ઉદાહરણ તરીકે, ધૂમ્રપાન છોડવા માંગતા અમુક એમ કરી શકતા નથી, કારણ કે તેમનામાં મક્કમ ઇચ્છા હોતી નથી. જે નક્કી કર્યું એ પ્રમાણે કરવા માટે દૃઢ મન હોવું જરૂરી છે. કેટલાક માને છે કે આપણું મનોબળ સ્નાયુ જેવું છે. એને જેટલું વધારે વાપરીએ અથવા કસરત કરાવીએ, એટલું વધારે મજબૂત થાય છે. જો ક્યારેક જ વાપરીએ તો એ નબળું પડી જાય. તો પછી, આપણા નિર્ણયને વળગી રહીને એ પ્રમાણે કરવાની ઇચ્છાને વધારવા કે મજબૂત કરવા શું મદદ કરી શકે? એ મદદ યહોવા તરફથી મળી શકે છે.—ફિલિપી ૨:૧૩ વાંચો.

૧૪. પાઊલે જે કરવું જોઈએ એ કરવાની ઇચ્છા તેમને શામાંથી મળી?

૧૪ પાઊલ પોતાના અનુભવથી આ જાણતા હતા. એક વાર તેમણે નિસાસો નાખતા કહ્યું, “ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.” તે જાણતા હતા કે તેમને શું કરવું છે અથવા તેમણે શું કરવું જોઈએ, પણ અમુક વાર એમ કરવા તેમને કંઈક રોકતું હતું. તેમણે કબૂલ્યું: “હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું. પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે.” શું તેમના માટે કોઈ આશા ન હતી? એવું ન હતું. તેમણે જણાવ્યું: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની ઉપકારસ્તુતિ કરું છું.” (રોમ. ૭:૧૮, ૨૨-૨૫) બીજી એક જગ્યાએ તેમણે લખ્યું: “જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિ. ૪:૧૩.

૧૫. નિર્ણય પ્રમાણે પગલાં ભરવા કે ન ભરવાથી બીજા લોકો પર શું અસર થઈ શકે?

૧૫ દેખીતી રીતે, ઈશ્વરને ખુશ કરવા આપણે લીધેલા નિર્ણય પ્રમાણે પગલાં ભરવા જોઈએ. એલીયાએ બઆલના ભક્તોને અને બેવફા ઈસ્રાએલીઓને કાર્મેલ પર્વત પર કહેલા શબ્દો યાદ કરો: “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચું રહેશો? જો યહોવા ઈશ્વર હોય, તો તેને અનુસરો; પણ જો બઆલ ઈશ્વર હોય, તો તેને અનુસરો.” (૧ રાજા. ૧૮:૨૧) ઈસ્રાએલીઓ જાણતા હતા કે શું કરવું જોઈએ, પણ તેઓ નિર્ણય લેવામાં “ઢચુપચું” થતા હતા. એનાથી સાવ અલગ, યહોશુઆએ વર્ષો પહેલાં સરસ ઉદાહરણ બેસાડ્યું. તેમણે ઈસ્રાએલીઓને કહ્યું: ‘જો યહોવાની સેવા કરવી એ તમને ખરાબ લાગતું હોય, તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો; પણ હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.’ (યહો. ૨૪:૧૫) તેમના મક્કમ નિર્ધારનું શું પરિણામ આવ્યું? યહોશુઆ અને તેમને સાથ આપનારાઓને ‘દૂધમધની રેલછેલવાળા’ વચનના દેશમાં રહેવાનો આશીર્વાદ મળ્યો.—યહો. ૫:૬.

સારા નિર્ણય લો અને આશીર્વાદ મેળવો

૧૬, ૧૭. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે નિર્ણયો લેવાથી મળતા ફાયદા દાખલો આપીને જણાવો.

૧૬ આજના સમયના એક સંજોગ પર વિચાર કરો. હમણાં જ બાપ્તિસ્મા પામેલો એક ભાઈ પરણેલો છે. તે પોતાની પત્ની અને ત્રણ નાનાં બાળકો સાથે રહે છે. ભાઈની સાથે કામ કરનારે એક દિવસ તેમને પોતાની સાથે બીજી કંપનીમાં કામ કરવા જણાવ્યું, જે વધારે પગાર અને બીજા ફાયદા આપતી હતી. આપણા ભાઈએ વિચાર કર્યો અને એ વિશે પ્રાર્થના કરી. હમણાંની નોકરી તેમણે પોતે પસંદ કરી હતી, જેમાં બહુ સારો પગાર ન હતો. પણ તેમને શનિ-રવિ રજા મળતી, જેથી પોતાના કુટુંબ સાથે પ્રચારમાં જઈ શકતા અને સભાઓમાં હાજર રહી શકતા. તેમણે વિચાર કર્યો કે જો તે નવી નોકરી લેશે તો લાંબા સમય સુધી આવું નહિ કરી શકે. આવા સંજોગોમાં તમે શું કર્યું હોત?

૧૭ ભક્તિના લાભો અને વધારે પગાર બંને વિશે વિચાર કર્યા પછી, આપણા ભાઈએ નવી નોકરી સ્વીકારી નહિ. શું તમને લાગે છે કે તેને એ નિર્ણયનો પસ્તાવો થયો હશે? ના, જરાય નહિ. તેને લાગ્યું કે પોતાને અને કુટુંબને વધારે પગારથી મળતા લાભ કરતાં, યહોવાના આશીર્વાદો ઘણા મહત્ત્વના છે. તેને અને તેની પત્નીને ઘણો આનંદ થયો, જ્યારે તેઓની દસ વર્ષની મોટી દીકરીએ જણાવ્યું કે તે માબાપને પ્રેમ કરે છે, ભાઈ-બહેનોને પ્રેમ કરે છે અને યહોવાને ઘણો પ્રેમ કરે છે. તેણે કહ્યું કે તે યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લેવા માંગે છે. પિતાએ યહોવાની ભક્તિને જીવનમાં પહેલું સ્થાન આપ્યું, એની છોકરીએ કેટલી બધી કદર કરી હશે!

સારા નિર્ણય લો અને ઈશ્વરના લોકોમાં આનંદ મેળવો (ફકરો ૧૮ જુઓ)

૧૮. દરરોજ આપણે સારી રીતે નિર્ણયો લઈએ એ કેમ મહત્ત્વનું છે?

૧૮ મુસાથી મહાન ઈસુ ખ્રિસ્ત યહોવાના ખરા ભક્તોને શેતાનની દુનિયાના અરણ્યમાં ઘણાં વર્ષોથી દોરી રહ્યા છે. યહોશુઆથી મહાન ઈસુ આ ભ્રષ્ટ દુનિયાનો અંત લાવવા અને પોતાને પગલે ચાલનારાઓને વચન આપેલી ન્યાયી નવી દુનિયામાં લઈ જવા તૈયાર છે. (૨ પીત. ૩:૧૩) એટલા માટે, પહેલાંના વિચારો, જૂની ટેવો, સંસ્કારો અને ઇચ્છાઓ તરફ પાછા ફરવાનો સમય હમણાં નથી. ઈશ્વરની આપણા વિશેની ઇચ્છા શું છે, એ વધારે સ્પષ્ટ રીતે સમજવાનો સમય હમણાં જ છે. (રોમ. ૧૨:૨; ૨ કોરીં. ૧૩:૫) તમે જે નિર્ણયો અને પસંદગીઓ દરરોજ કરો છો, એનાથી બતાવી આપો કે તમે ઈશ્વરના હંમેશ માટેના આશીર્વાદો મેળવવા લાયક છો.—હિબ્રૂ ૧૦:૩૮, ૩૯ વાંચો.

a આમ કરવાનું બીજું કારણ એ પણ છે કે દાદા-દાદી મિત્રો અને સગાંવહાલાંને બાળકો બતાવી શકે.