સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

લાજરસને ઈસુ સજીવન કરવાના હતા, તો પછી યોહાન ૧૧:૩૫માં જણાવ્યા પ્રમાણે તે શા માટે રડ્યા?

સ્નેહીજન ગુજરી જાય ત્યારે તેમની ખોટ સાલવાને લીધે આપણાં આંસુ રોકે રોકાતાં નથી. ખરું કે, લાજરસ માટે ઈસુને ઘણી લાગણી હતી. છતાં, તેમના રડવાનું કારણ લાજરસનું મૃત્યુ નહોતું. યોહાનના પુસ્તકમાં જણાવ્યું છે તેમ, લાજરસનાં કુટુંબીજનો અને મિત્રો પર કરુણા આવવાને લીધે ઈસુ રડ્યા.—યોહા. ૧૧:૩૬.

લાજરસની બીમારી વિશે સાંભળીને તેમને સાજા કરવા ઈસુ તરત દોડી ન ગયા. અહેવાલ જણાવે છે, “તે [લાજરસ] માંદો છે, એવી તેને [ઈસુને] ખબર મળી ત્યારે પોતે જ્યાં હતો, તે જ ઠેકાણે તે બે દહાડા રહ્યો.” (યોહા. ૧૧:૬) ઈસુ તરત કેમ ન ગયા? એમ કરવાનું કારણ હતું. ઈસુએ કહ્યું, “આ માંદગીનો અંત મૃત્યુ થશે નહિ. પરંતુ આ માંદગી ઈશ્વરના મહિમા માટે છે.” (યોહા. ૧૧:૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) લાજરસની બીમારીનો અંત મરણ સુધી સીમિત ન હતો. ઈસુ, લાજરસના મરણ દ્વારા ઈશ્વરને મહિમા આપવાના હતા. કઈ રીતે? પોતાના વહાલા મિત્રને સજીવન કરીને તે એક મોટો ચમત્કાર કરવાના હતા.

આ જ બનાવ વખતે, શિષ્યો સાથેની વાતચીતમાં ઈસુએ મરણને ઊંઘ સાથે સરખાવ્યું. એટલે જ, ઈસુએ તેઓને કહ્યું કે “હું તેને [લાજરસને] ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.” (યોહા. ૧૧:૧૧) માબાપ પોતાના બાળકને ઊંઘમાંથી ઉઠાડે તેમ, ઈસુ પોતાના મિત્ર લાજરસને મરણમાંથી ઉઠાડવાના હતા. તેથી, કહી શકાય કે લાજરસના મરણને લીધે ઈસુ પાસે રડવાનું કોઈ જ કારણ ન હતું.

તો પછી, ઈસુ શા માટે રડ્યા? અહેવાલની બીજી કલમો એનો જવાબ આપે છે. લાજરસની બહેન મરિયમ જ્યારે ઈસુને મળ્યાં, ત્યારે તેમને અને બીજાઓને રડતાં જોઈ “ઈસુએ મનમાં નિસાસો મૂક્યો.” એ બતાવે છે કે, તેઓનું દુઃખ જોઈને ઈસુ પણ ખૂબ દુઃખી થયા. એટલે જ ‘તે રડ્યા.’ પોતાના વહાલા મિત્રોને દુઃખમાં ડૂબેલા જોઈને ઈસુની પણ લાગણીઓ ઉભરાઈ આવી.—યોહા. ૧૧:૩૩, ૩૫.

અહેવાલ પરથી જોઈ શકાય કે, ગુજરી ગયેલાં આપણાં સ્નેહીજનોને નવી દુનિયામાં સજીવન કરવાની ઈસુ પાસે શક્તિ છે. આદમથી મળેલા વારસાને લીધે સ્નેહીજન ગુજરી જાય ત્યારે, આપણને ઘણું દુઃખ પહોંચે છે. ઈસુ આપણું એ દુઃખ પણ સમજે છે. તેમ જ, આ અહેવાલ શીખવે છે કે, બીજાઓનાં દુઃખને આપણે સમજવું જોઈએ.

ઈસુ જાણતા હતા કે તે લાજરસને સજીવન કરવાના છે. છતાં, મિત્રો પરના ઊંડા પ્રેમ અને દયાને લીધે તે રડ્યા. એવી જ રીતે, બીજાઓ પરનો પ્રેમ ‘રડનારાઓની સાથે રડવાʼની લાગણી આપણામાં જગાડશે. (રોમ. ૧૨:૧૫) એવી લાગણી બતાવવાનો અર્થ એવો નથી થતો કે, સજીવન કરવાની આશામાં આપણને શ્રદ્ધા નથી. ઈસુ જાણતા હતા કે લાજરસને સજીવન કરશે. છતાં, શોકમાં ડૂબેલા મિત્રો માટે તેમણે દિલથી દુઃખ વ્યક્ત કર્યું. દયા બતાવવાનું એ કેટલું સરસ ઉદાહરણ!