સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ’

‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ’

“તમે સંયમી થાઓ, ને સાવધ [જાગૃત] રહીને પ્રાર્થના કરો.”​—૧ પીત. ૪:૭.

૧, ૨. (ક) ‘જાગૃત રહીને પ્રાર્થના’ કરવી શા માટે જરૂરી છે? (ખ) પ્રાર્થનાને લગતા કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

 એક ભાઈ અગાઉ રાતપાળીમાં કામ કરતા હતા. તે કહે છે, ‘સવાર થતા પહેલાં એટલે કે રાતના અંતિમ સમયમાં જાગતા રહેવું સૌથી અઘરું છે.’ રાતપાળી કરનારા બીજા ઘણા પણ એ વાત સાથે સહમત થશે. આજના સમયમાં આપણે પણ જાણે આવા જ પડકારનો સામનો કરી રહ્યા છીએ. કારણ કે, શેતાનની દુષ્ટ દુનિયાનો આ સૌથી અંતિમ સમય ચાલી રહ્યો છે. તેથી, આ ઘોર અંધકારના સમયમાં જાગતા રહેવા આપણે સખત મહેનત કરવાની છે. (રોમ. ૧૩:૧૨) જો આ અંતિમ સમયમાં આપણે ભક્તિમાં ઊંઘી જઈશું, તો મોટા જોખમમાં આવી પડીશું. તેથી, ‘આપણે સંયમી બનીએ’ અને બાઇબલની સલાહને ધ્યાન આપતા “સાવધ [જાગૃત] રહીને પ્રાર્થના” કરતા રહીએ.—૧ પીત. ૪:૭.

આપણે અંતિમ સમયમાં જીવતા હોવાથી આ સવાલો પર વિચાર કરવો જોઈએ: હું પ્રાર્થના તરફ કેટલું ધ્યાન આપું છું? શું હું પ્રાર્થનાનાં બીજાં રૂપોનો ઉપયોગ કરું છું? શું હું નિયમિત રીતે પ્રાર્થના કરું છું? હું ફક્ત મારા માટે જ પ્રાર્થના કરું છું કે બીજાઓ માટે પણ કરું છું? તારણ મેળવવા મારા મને પ્રાર્થના કેટલી મહત્ત્વની છે?

પ્રાર્થનાનાં દરેક રૂપનો ઉપયોગ કરીએ

૩. પ્રાર્થનાનાં બીજાં રૂપો કયાં છે?

પ્રેરિત પાઊલે એફેસીઓને લખ્યું કે ‘સર્વ પ્રકારે પ્રાર્થના’ કરતા રહો. (એફે. ૬:૧૮) મોટા ભાગે, પ્રાર્થનામાં યહોવાને આપણી જરૂરિયાતો વિશે જણાવીએ છીએ. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા મદદ માંગીએ છીએ. “પ્રાર્થનાના સાંભળનાર” આપણને પ્રેમ કરે છે માટે તે આપણી પ્રાર્થના સાંભળે છે. (ગીત. ૬૫:૨) તેથી, આપણે સ્તુતિ, આભાર અને વિનંતી જેવાં પ્રાર્થનાનાં રૂપોનો પણ ઉપયોગ કરવો જોઈએ.

૪. પ્રાર્થનામાં આપણે યહોવાની સ્તુતિ વારંવાર શા માટે કરવી જોઈએ?

પ્રાર્થનામાં યહોવાની સ્તુતિ કરવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, તેમનાં “પરાક્રમી કૃત્યો” અને અઢળક ‘મહાનતા’ વિશે વિચાર કરીને તેમની સ્તુતિ કરવાની પ્રેરણા મળે છે. (ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬ વાંચો.) ગીતશાસ્ત્રના ૧૫૦મા અધ્યાયની બધી કલમોમાં કુલ ૧૩ વાર યહોવાની સ્તુતિ કરવા વિશે લખ્યું છે. બીજા એક ઈશ્વરભક્તે યહોવા પ્રત્યે પ્રેમ બતાવતા ગીત ગાયું કે ‘હું રોજ સાત વાર તમારી સ્તુતિ કરું છું.’ (ગીત. ૧૧૯:૧૬૪) સ્તુતિ તો ફક્ત યહોવાની જ થવી જોઈએ. તેથી, આપણે પ્રાર્થનામાં “રોજ સાત વાર” એટલે કે વારંવાર તેમની સ્તુતિ કરવી જોઈએ.

૫. પ્રાર્થનામાં આભાર માનવાનું વલણ કેળવવાથી કઈ રીતે રક્ષણ મળે છે?

યહોવાનો આભાર માનવો, એ પણ પ્રાર્થનાનું રૂપ છે. પાઊલે ફિલિપીનાં ભાઈ-બહેનોને લખ્યું કે, “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.” (ફિલિ. ૪:૬) યહોવાએ આપણા માટે જે કર્યું છે એનો આભાર દિલથી માનીશું તો, આપણે દુનિયાના જેવા નહિ બનીએ. આ છેલ્લા સમયના લોકો “કૃતઘ્નો” એટલે કે આભાર ન માનનારા છે. (૨ તીમો. ૩:૧, ૨) ધ્યાન નહિ રાખીએ તો દુનિયાનું એ વલણ આપણામાં આવી શકે છે. જ્યારે કે, પ્રાર્થનામાં આભાર માનતા રહીશું તો “બડબડ કરનારા, અસંતોષી” નહિ બનીએ. (યહુ. ૧૬) ઉપરાંત, જ્યારે શિર કુટુંબ સાથે પ્રાર્થનામાં યહોવાનો આભાર માને છે, ત્યારે પત્ની અને બાળકોને પણ આભાર માનવાનું વલણ કેળવવાં મદદ મળે છે.

૬, ૭. વિનંતી એટલે શું અને કયા વિષયો માટે આપણે યહોવાને વિનંતી કરવી જોઈએ?

યહોવાને વિનંતી કરવી, એ પણ પ્રાર્થનાનું એક રૂપ છે. એમાં આપણે ઊંડી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. આપણે યહોવાને કઈ બાબતો માટે વિનંતી કરીએ છીએ? સતાવણીમાં કે પછી કોઈ જીવલેણ બીમારીમાં સપડાયા હોઈએ ત્યારે આપણે યહોવાને વિનંતી કરીએ એ સ્વાભાવિક છે. પરંતુ, શું એવા સંજોગોમાં જ આપણે વિનંતી કરવી જોઈએ?

એનો જવાબ આપણને ઈસુની નમૂનાની પ્રાર્થનામાં મળે છે. ઈસુએ પ્રાર્થનામાં ઈશ્વરના નામ, તેમનું રાજ્ય અને તેમની ઇચ્છા વિશે જે કહ્યું એની નોંધ લો. (માથ્થી ૬:૯, ૧૦ વાંચો.) આજે દુનિયામાં ચારે બાજુ દુષ્ટતા જોવા મળે છે. તેમ જ, સરકારો લોકોની જીવન જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ ગઈ છે. તેથી સારું રહેશે કે ઈશ્વરનું નામ પવિત્ર મનાય અને પૃથ્વી પર શેતાનના રાજને બદલે ઈશ્વરનું રાજ આવે એવી આપણે વિનંતી કરીએ. આપણે યહોવાને એવી પણ વિનંતી કરીએ કે તેમની ઇચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પૂરી થાય. તેથી, ચાલો આપણે જાગૃત રહીને પ્રાર્થનાનાં દરેક રૂપનો ઉપયોગ કરીએ.

‘પ્રાર્થના કરતા રહીએ’

૮, ૯. ગેથસેમાને બાગમાં ઊંઘી જનારા પીતર અને બીજા શિષ્યોનો આપણે શા માટે દોષ ન કાઢવો જોઈએ?

પ્રેરિત પીતરે લખ્યું કે, ‘જાગૃત રહીને પ્રાર્થના કરો.’ જોકે, એક સમયે તે પોતે આ સલાહ લાગુ પાડવામાં નિષ્ફળ ગયા હતા. ગેથસેમાને બાગમાં ઊંઘી જનારા શિષ્યોમાં તે પણ હતા. ઈસુ જ્યારે પ્રાર્થના કરવા ગયા ત્યારે તેમણે શિષ્યોને કહ્યું હતું કે, “જાગતા રહો ને પ્રાર્થના કરો.” પરંતુ, તેઓ એમ કરવામાં નિષ્ફળ ગયા.—માથ્થી ૨૬:૪૦-૪૫ વાંચો.

પીતર અને બીજા શિષ્યો પર દોષ મૂકતા પહેલા, આપણે યાદ રાખવું જોઈએ કે એ દિવસે તેઓ ઘણા થાકી ગયા હતા. એ સાંજે તેઓએ પાસ્ખા માટેની તૈયારી કરી હતી, એની ઉજવણી કરી હતી. પછી ઈસુએ પ્રભુભોજનની શરૂઆત કરી હતી. તેમ જ, શીખવ્યું હતું કે તેમના મરણની યાદગીરીમાં શિષ્યો કઈ રીતે એને ઉજવતા રહી શકે. (૧ કોરીં. ૧૧:૨૩-૨૫) બાઇબલ જણાવે છે કે, “ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા.” (માથ. ૨૬:૩૦, ૩૬) ત્યાં જવા માટે તેઓ યરૂશાલેમની સાંકડી ગલીઓમાં થઈને ચાલતા ગયા. તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં અડધી રાત થઈ ગઈ હતી. આપણે તેઓની જગ્યાએ ગેથસેમાને બાગમાં હોત તો, કદાચ આપણે પણ ઊંધી ગયા હોત. ઈસુએ થાકેલા શિષ્યોનો દોષ ન કાઢ્યો. એના બદલે પ્રેમથી કહ્યું કે મન તત્પર છે ખરું, “પણ શરીર અબળ છે.”

ઠોકર પરથી પીતર ‘જાગૃત રહીને પ્રાર્થના’ કરવાનું શીખ્યા (ફકરા ૧૦, ૧૧ જુઓ)

૧૦, ૧૧. (ક) પીતરને થયેલા અનુભવમાંથી તે શું શીખી શક્યા? (ખ) તેમના એ અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ ગેથસેમાને બાગમાં થયેલો અનુભવ પીતરને કામ આવ્યો. એમાંથી તે જાગૃત રહેવા વિશેનો એક મહત્ત્વનો પાઠ શીખ્યા. થોડા સમય પહેલાં ઈસુએ કહ્યું હતું કે, “તમે સહુ આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો.” પરંતુ, પીતરે જવાબ આપ્યો હતો કે, ‘જોકે બધા તમારા સંબંધી ઠોકર ખાય, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ.’ ઈસુએ પીતરને કહ્યું કે ‘તું ત્રણ વાર મારો નકાર કરીશ.’ પીતરે એ વાત સ્વીકારી નહિ અને કહ્યું, ‘તમારી સાથે મારે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.’ (માથ. ૨૬:૩૧-૩૫) પીતરે ઈસુનો નકાર કર્યો ત્યારે ઈસુના એ શબ્દો સાચા પડ્યા. પોતે જે કર્યું હતું એનો ખ્યાલ આવતા પીતર ‘બહુ જ રડ્યા.’—લુક ૨૨:૬૦-૬૨.

૧૧ એ અનુભવમાંથી પીતર શીખી શક્યા કે પોતા પર વધુ પડતો ભરોસો ન રાખવો જોઈએ. એવું શાના પરથી કહી શકાય? કારણ કે પીતરે પોતે સલાહ આપી: ‘તમે સંયમી થાઓ અને જાગૃત રહીને પ્રાર્થના કરો.’ શું આપણે બાઇબલની એ સલાહને ધ્યાનમાં લઈએ છીએ? ઉપરાંત, શું નિયમિત પ્રાર્થના કરીને બતાવીએ છીએ કે આપણો પૂરો ભરોસો યહોવા પર છે? આપણે પાઊલની આ સલાહને પણ ધ્યાનમાં લઈએ: “જે કોઈ પોતાને સ્થિર ઊભેલો ધારે છે, તે પોતે ન પડે માટે સાવચેત રહે.”—૧ કોરીં. ૧૦:૧૨.

નહેમ્યાની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી

૧૨. નહેમ્યાએ આપણા માટે કઈ રીતે સરસ દાખલો બેસાડ્યો છે?

૧૨ ખ્રિસ્તના આશરે ૪૫૦ વર્ષ પહેલાં નહેમ્યા, ઈરાની રાજા આર્તાહશાસ્તાના પાત્રવાહક હતા. યહોવાને દિલથી પ્રાર્થના કરવામાં નહેમ્યાએ સરસ દાખલો બેસાડ્યો. યરૂશાલેમમાં યહુદીઓના હાલ જોઈને ઘણા દિવસ સુધી તેમણે ‘ઈશ્વરની આગળ ઉપવાસ સાથે પ્રાર્થના કરી.’ (નહે. ૧:૪) આર્તાહશાસ્તાએ પૂછ્યું કે નહેમ્યા કેમ નિરાશ છે અને તેમને મદદ કરવા પોતે શું કરી શકે ત્યારે, નહેમ્યાએ તરત ‘ઈશ્વરને પ્રાર્થના કરી.’ (નહે. ૨:૨-૪) એનું શું પરિણામ આવ્યું? યહોવાએ તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને પોતાના લોકોને મદદ મળે એ રીતે બાબતો હાથ ધરી. (નહે. ૨:૫, ૬) એ અનુભવે નહેમ્યાની શ્રદ્ધા ઘણી મજબૂત કરી હશે.

૧૩, ૧૪. આપણી શ્રદ્ધાને મજબૂત રાખવા શું કરવું જોઈએ? નિરાશામાં નાખનાર શેતાનના પ્રયત્નોનો સામનો કરવા આપણે શું કરવું જોઈએ?

૧૩ નહેમ્યાની જેમ પ્રાર્થના કરતા રહેવાથી આપણને શ્રદ્ધા મજબૂત કરવા મદદ મળે છે. શેતાન ઘણો જ ક્રૂર છે. આપણે જ્યારે કમજોર હોઈએ ત્યારે જ તે હુમલો કરે છે. જેમ કે, બીમારીથી પીડાતા હોઈએ અથવા નિરાશામાં ડૂબી ગયેલા હોઈએ. એવા સંજોગોમાં લાગી શકે કે દર મહિને પ્રચારમાં જે સમય આપીએ છીએ એ ઈશ્વરની નજરમાં કંઈ જ નથી. બીજા અમુકને કડવા અનુભવોના લીધે મનમાં કદાચ નિરાશાજનક વિચારો આવી શકે. શેતાન ચાહે છે કે આપણે પોતાને નકામા ગણીએ. એવી ખોટી લાગણીઓ આપણા મનમાં લાવીને તે આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે. પણ જો આપણે ‘જાગૃત રહીને પ્રાર્થના કરીએ,’ તો આપણી શ્રદ્ધા મજબૂત રહેશે. બાઇબલ સલાહ આપે છે: “વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો.”—એફે. ૬:૧૬.

‘જાગૃત રહીને પ્રાર્થના કરવાથી’ કસોટીઓનો સામનો કરી શકીશું (ફકરા ૧૩, ૧૪ જુઓ)

૧૪ ‘જાગૃત રહીને પ્રાર્થના કરતા’ રહેવાથી આપણને કસોટી માટે તૈયાર રહેવા મદદ મળે છે. આમ, યહોવાને હંમેશાં વફાદાર રહી શકીશું. આપણે કસોટી અને સતાવણીનો સામનો કરતા હોઈએ ત્યારે નહેમ્યાના દાખલાને યાદ કરીને તરત જ ઈશ્વરને પ્રાર્થના કરીએ. આપણે લાલચોમાં ન ફસાઈએ અને વિશ્વાસની કસોટી વખતે ટકી રહીએ, માટે યહોવાની મદદ ખૂબ જરૂરી છે.

બીજાઓ માટે પ્રાર્થના કરીએ

૧૫. આપણી પ્રાર્થનાઓ વિશે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૫ ઈસુએ પીતર માટે પ્રાર્થનામાં વિનંતી કરી કે તેમની શ્રદ્ધા ડગે નહિ. (લુક ૨૨:૩૨) પહેલી સદીના વફાદાર ભાઈ એપાફ્રાસ ઈસુને અનુસરતા હતા. એપાફ્રાસ કોલોસી મંડળનાં ભાઈ-બહેનો માટે સમય ફાળવીને ખાસ પ્રાર્થના કરતા. પાઊલે કોલોસી મંડળને લખ્યું, “[એપાફ્રાસ] તમારે માટે આગ્રહથી પ્રાર્થના કરે છે કે, ઈશ્વરની સર્વ ઇચ્છા વિશે પૂરેપૂરી ખાતરી પામીને તથા સંપૂર્ણ થઈને તમે દૃઢ રહો.” (કોલો. ૪:૧૨) આપણી પ્રાર્થનાઓ વિશે આવા સવાલો પર વિચાર કરીએ: ‘શું હું દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો માટે સમય ફાળવીને ખાસ પ્રાર્થના કરું છું? કુદરતી આફતોમાં સપડાયેલાં ભાઈ-બહેનો માટે, હું કેટલી વાર પ્રાર્થના કરું છું? યહોવાના સંગઠનમાં ભારે જવાબદારી ઉઠાવતા ભાઈઓ માટે, શું હું આગ્રહથી પ્રાર્થના કરું છું? તકલીફોનો સામનો કરી રહેલાં મંડળનાં ભાઈ-બહેનો માટે, મેં છેલ્લે ક્યારે પ્રાર્થના કરી હતી?’

૧૬. બીજાઓ માટે આપણે પ્રાર્થના કરીએ ત્યારે, શું તેઓને સાચે જ મદદ મળે છે? સમજાવો.

૧૬ બીજાઓ માટે આપણે પ્રાર્થના કરીએ ત્યારે તેઓને સાચે જ મદદ મળે છે. (૨ કોરીંથી ૧:૧૧ વાંચો.) એવું નથી કે ઘણા બધા ભક્તો વારંવાર પ્રાર્થના કરે છે એટલે યહોવાને એ પ્રાર્થનાઓ સાંભળવી જ પડે. જોકે, ભાઈ-બહેનો એકબીજાના ભલા માટે પ્રાર્થના કરે છે, એ જોઈને યહોવા ખુશ થાય છે. તેથી, બીજાઓ માટે પ્રાર્થના કરવાની જવાબદારી અને લહાવાને આપણે કીમતી ગણવાં જોઈએ. એપાફ્રાસની જેમ આપણાં ભાઈ-બહેનો માટે પ્રેમ બતાવવો જોઈએ અને તેઓ માટે આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ. એમ કરવાથી આપણને ખુશી મળશે કારણ કે “લેવા કરતાં આપવામાં વધારે સુખ” મળે છે.—પ્રે.કૃ. ૨૦:૩૫, સંપૂર્ણ.

‘આપણું તારણ નજીક છે’

૧૭, ૧૮. ‘જાગૃત રહીને પ્રાર્થના કરવાથી’ આપણને કઈ મદદ મળશે?

૧૭ “રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે.” પાઊલે એ શબ્દોના પહેલાં લખ્યું કે ‘સમયને ધ્યાનમાં રાખીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની ઘડી આવી ચૂકી છે. કારણ કે જે વખતે આપણે વિશ્વાસ કરવા લાગ્યા, એ કરતાં હાલ આપણું તારણ નજીક છે.’ (રોમ. ૧૩:૧૧, ૧૨) ઈશ્વરે જેનું વચન આપ્યું છે, એ નવી દુનિયા જલદી જ આવશે. ધાર્યા કરતાં આપણું તારણ ઘણું નજીક છે. તેથી, આપણે ભક્તિમાં ઠંડા ન પડીએ. યહોવાને પ્રાર્થના કરવાનો સમય દુનિયાની બીજી પ્રવૃત્તિઓમાં વેડફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખીએ. તેમ જ, ‘જાગૃત રહીને પ્રાર્થના કરતા રહીએ.’ એમ કરવાથી યહોવાના દિવસ સુધી આપણને ‘પવિત્ર જીવન જીવવા અને તેમની સેવામાં’ મંડ્યા રહેવા મદદ મળશે. (૨ પીત. ૩:૧૧, ૧૨) આપણી જીવન ઢબ બતાવશે કે આપણે ભક્તિમાં જાગૃત છીએ અને માનીએ છીએ કે દુષ્ટ દુનિયાનો અંત નજીક છે. ઉપરાંત, આપણે “નિત્ય પ્રાર્થના” કરીએ. (૧ થેસ્સા. ૫:૧૭) યહોવા સાથે સંબંધ મજબૂત કરવા ઈસુને અનુસરીએ. તેમની જેમ આપણે પણ પ્રાર્થના એકાંતમાં કરીએ. પ્રાર્થનામાં જેટલો સમય આપીશું એટલા યહોવાની નજીક જઈશું. (યાકૂ. ૪:૭, ૮) એ કેવો મોટો આશીર્વાદ!

૧૮ બાઇબલ જણાવે છે કે “પૃથ્વી પરના પોતાના જીવન દરમિયાન ઈસુએ તેમને મૃત્યુમાંથી બચાવનાર ઈશ્વરને મોટે ઘાંટે તથા આંસુઓ સહિત પ્રાર્થનાઓ અને વિનંતીઓ કરી. તે નમ્ર અને આજ્ઞાંકિત હતા તેથી ઈશ્વરે તેમનું સાંભળ્યું.” (હિબ્રૂ ૫:૭, કોમન લેંગ્વેજ) જોઈ શકાય કે ઈસુએ યહોવાને પ્રાર્થના અને વિનંતીઓ કરી. પૃથ્વી પરના જીવનના છેલ્લા શ્વાસ સુધી તે ઈશ્વરને વફાદાર રહ્યા. એના લીધે, યહોવાએ તેમને સજીવન કરીને સ્વર્ગમાં અમરજીવન આપ્યું. આવનાર સમયોમાં ગમે તે લાલચો કે કસોટીઓ આવે, આપણે પણ સ્વર્ગમાંના પિતાને વફાદાર રહી શકીએ છીએ. આપણે ‘જાગૃત રહીને પ્રાર્થના કરીશું’ તો હંમેશ માટેના જીવનનું ઈનામ મેળવીશું.