સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય

સાત પાળકો તથા આઠ સરદારોનો આજે આપણા માટે શું અર્થ થાય

“આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ સરદારોને ઊભા કરીશું.”—મીખા. ૫:૫.

૧. શા માટે ઈસ્રાએલના અને સિરિયાના રાજાઓનો મકસદ નિષ્ફળ જવાનો જ હતો?

 આશરે ઈ.સ. પૂર્વે ૭૬૨ અને ૭૫૯ના સમયગાળામાં ઈસ્રાએલના અને સિરિયાના (અરામના) રાજાઓએ યહુદા રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. તેઓનો મકસદ શું હતો? યરૂશાલેમ પર ચઢાઈ કરીને રાજા આહાઝને રાજગાદી પરથી હટાવવો. તેમ જ, તેની જગ્યાએ એવી વ્યક્તિને રાજા બનાવવી, જે રાજા દાઊદના કુળની ન હોય. (યશા. ૭:૫, ૬) જોકે, ઈસ્રાએલના રાજાને ખબર હોવી જોઈતી હતી કે, એમ કરવું શક્ય નથી. શા માટે? કારણ કે, યહોવાએ વચન આપેલું હતું કે રાજા ફક્ત દાઊદના કુળમાંથી જ હશે. તેમનું વચન કદી નિષ્ફળ જતું નથી!—યહો. ૨૩:૧૪; ૨ શમૂ. ૭:૧૬.

૨-૪. યશાયા ૭:૧૪, ૧૬ની ભવિષ્યવાણી આ સમયોમાં કઈ રીતે પૂરી થઈ એ સમજાવો: (ક) ઈ.સ. પૂર્વે ૮મી સદીમાં (ખ) ઈસુના સમયમાં

શરૂઆતમાં તો એવું લાગ્યું કે સિરિયાના અને ઈસ્રાએલના રાજાઓ જીતી જશે. ફક્ત એક જ યુદ્ધમાં આહાઝ રાજાએ ૧,૨૦,૦૦૦ શૂરવીર સૈનિકો ગુમાવી દીધા. “રાજાનો પુત્ર માઅસેનાહ” પણ માર્યો ગયો. (૨ કાળ. ૨૮:૬, ૭) પરંતુ, એ બધા પર યહોવાની નજર હતી. તેમને રાજા દાઊદને આપેલું વચન યાદ હતું. તેથી, તેમણે ઉત્તેજનભર્યા સંદેશા સાથે પ્રબોધક યશાયાને મોકલ્યા.

યશાયાએ કહ્યું કે, ‘જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે. એ છોકરો ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે એ પહેલાં જે બે રાજાથી તું ભયભીત થાય છે, તેમનો દેશ ઉજ્જડ થશે.’ (યશા. ૭:૧૪, ૧૬) ઘણી વાર, એ ભવિષ્યવાણીનો પ્રથમ ભાગ મસીહના જન્મને લાગુ પાડવામાં આવે છે. (માથ. ૧:૨૩) જોકે, “બે રાજા” એટલે કે સિરિયાના અને ઈસ્રાએલના રાજાઓએ યહુદા પર મસીહના જન્મ વખતે હુમલો કર્યો ન હતો. તેથી, ઈમાનુએલ વિશેની એ ભવિષ્યવાણી પહેલી વાર યશાયાના સમયમાં પૂરી થઈ હોવી જોઈએ.

એ ભવિષ્યવાણી યશાયાએ કરી એના થોડા સમય પછી, તેમનાં પત્ની ગર્ભવતી થયાં. તેઓના પુત્રનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખવામાં આવ્યું. કદાચ, એ બાળક જ “ઈમાનુએલ” હશે, જેના વિશે યશાયાએ ઉલ્લેખ કર્યો હતો. * બાઇબલ સમયમાં, બાળક જન્મે ત્યારે કોઈ ખાસ બનાવની યાદમાં અમુક વાર એક નામ આપવામાં આવતું. પરંતુ, માબાપ અને સગાંવહાલાઓ તેને બીજા નામથી બોલાવતાં. (૨ શમૂ. ૧૨:૨૪, ૨૫) ઈસુને “ઈમાનુએલ” નામથી બોલાવવામાં આવ્યા જ હશે, એવું આપણે કહી શકતા નથી.—યશાયા ૭:૧૪; ૮:૩, ૪ વાંચો.

૫. આહાઝે કઈ મૂર્ખામી કરી?

સિરિયાના અને ઈસ્રાએલના રાજાઓને યહુદા રાજ્ય ઝૂંટવી લેવું હતું. એ જ સમયગાળામાં, બીજા એક શક્તિશાળી રાષ્ટ્રને એ વિસ્તારનાં બધાં રાજ્યોને કબજે કરવાં હતાં. એ ઊભરતી જગત સત્તા આશ્શૂર હતું. યશાયા ૮:૩, ૪ પ્રમાણે, યહુદા પર હુમલો કરતા પહેલાં આશ્શૂરીઓએ “દમસ્કનું દ્રવ્ય તથા સમરૂનની લૂંટ” લઈ લીધાં હશે. આહાઝે યશાયા દ્વારા જણાવવામાં આવેલા યહોવાના વચન પર ભરોસો કર્યો નહિ. એના બદલે, તેણે આશ્શૂરીઓ જોડે હાથ મિલાવવાની મૂર્ખામી કરી. પરિણામે, આશ્શૂરીઓ થોડા જ સમયમાં યહુદા પર ક્રૂર રીતે રાજ કરવા લાગ્યા. (૨ રાજા. ૧૬:૭-૧૦) યહુદાના લોકો માટે આહાઝ કેવો નિષ્ફળ પાળક કહેવાય! એ પરથી શીખીને ચાલો આ સવાલ પર વિચાર કરીએ: શું હું મહત્ત્વના નિર્ણય યહોવાની સલાહ પ્રમાણે લઉં છું કે પછી દુનિયાની સલાહ પ્રમાણે?—નીતિ. ૩:૫, ૬.

એક નવો પાળક જુદી જ રીતે વર્તે છે

૬. આહાઝ અને હિઝકિયામાં શું તફાવત હતો?

આહાઝનું મરણ ઈ.સ. પૂર્વે ૭૪૬માં થયું. તેમના દીકરા હિઝકિયા રાજા બન્યા ત્યારે, યહુદાના લોકો પાયમાલ થયેલા હતા અને તેઓએ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું હતું. રાજા બન્યા પછી હિઝકિયાએ પહેલું કામ શું કર્યું? શું તે દેશની આર્થિક સ્થિતિ સુધારવા લાગી ગયા? ના. હિઝકિયાને યહોવા માટે પ્રેમ હતો અને તે દેશ માટે સારા પાળક હતા. તેથી, સૌથી પહેલાં તેમણે સાચી ભક્તિ ફરી શરૂ કરાવી. યહોવા શું ઇચ્છે છે, એની જાણ થતાં જ તેમણે એ પ્રમાણે કર્યું. આપણા માટે કેટલો સરસ દાખલો!—૨ કાળ. ૨૯:૧-૧૯.

૭. લેવીઓને નવા રાજા તરફથી ટેકાની કેમ જરૂર હતી?

હિઝકિયા લેવીઓને મળ્યા અને તેઓને ટેકો આપવાનું વચન આપ્યું. કારણ, લોકો યહોવાની ભક્તિ ફરી શરૂ કરે માટે તેઓએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની હતી. એ સભામાં હાજર વફાદાર લેવીઓની જરા કલ્પના કરો. રાજાએ તેઓને કહ્યું કે, ‘યહોવાએ તેમની આગળ ઊભા રહીને તેમની સેવા કરવા માટે અને તેમના સેવકો થઈને ધૂપ બાળવા માટે તમને પસંદ કર્યા છે,’ એ સાંભળીને લેવીઓની આંખો ખુશીથી ભરાઈ આવી હશે! (૨ કાળ. ૨૯:૧૧) સાચી ભક્તિ કરવામાં લોકોને મદદ આપવાની લેવીઓને આજ્ઞા મળી હતી.

૮. સાચી ભક્તિ તરફ લોકોને પાછા ફેરવવા હિઝકિયાએ બીજાં કયાં પગલાં ભર્યાં? એનું શું પરિણામ આવ્યું?

હિઝકિયાએ યહુદા અને ઈસ્રાએલના લોકોને પાસ્ખાપર્વની મોટી ઉજવણી અને પછી સાત દિવસનું બેખમીર રોટલીનું પર્વ ઊજવવાં આમંત્રણ આપ્યું. લોકોને એટલો આનંદ થયો કે બીજા સાત દિવસ પર્વ લંબાવવામાં આવ્યું. બાઇબલ જણાવે છે, “યરૂશાલેમમાં આનંદ આનંદ થઈ રહ્યો; કેમ કે ઈસ્રાએલના રાજા દાઊદના પુત્ર સુલેમાનના સમય પછી યરૂશાલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો.” (૨ કાળ. ૩૦:૨૫, ૨૬) એ પર્વોથી લોકોને બહુ ઉત્તેજન મળ્યું. બીજો કાળવૃત્તાંત ૩૧:૧, ઉપરથી જોઈ શકાય કે તેઓએ જૂઠી ભક્તિને દૂર કરવા શું કર્યું. એમાં જણાવ્યું છે, ‘સર્વ સમાપ્ત થયું ત્યાર પછી તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા. તેઓએ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને એ સર્વનું નિકંદન કરી નાખ્યું.’ આમ, યહુદા રાજ્ય ભવ્ય રીતે યહોવા તરફ પાછું ફર્યું. સાચી ભક્તિ તરફ પાછા ફરવાથી આવનાર સંકટનો સામનો કરવામાં તેઓને મદદ મળવાની હતી.

આવનાર સંકટ માટે રાજા તૈયારી કરાવે છે

૯. (ક) ઈસ્રાએલના રાજાની કુયુક્તિ કઈ રીતે નિષ્ફળ ગઈ? (ખ) આશ્શૂરના રાજા સાન્હેરીબને શરૂઆતમાં યહુદા પર કઈ સફળતા મળી?

યશાયાએ કહ્યું હતું તેમ, આશ્શૂરીઓ ઈસ્રાએલને જીતીને ત્યાંના લોકોને બંદી બનાવીને લઈ ગયા. આમ, યહુદા પરથી દાઊદના કુળનો રાજા હટાવવાની ઈસ્રાએલના રાજાની કુયુક્તિ નિષ્ફળ ગઈ. પરંતુ, આશ્શૂરીઓ વિશે શું? તેઓ યહુદા તરફ આગળ વધી રહ્યા હતા. બાઇબલ જણાવે છે, “હિઝકિયા રાજાની કારકિર્દીના ચૌદમાં વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહુદાનાં સર્વ કોટવાળાં નગર પર સવારી કરીને તે સર કર્યાં.” સાન્હેરીબે યહુદાનાં ૪૬ શહેરો કબજે કરી લીધાં. હવે, કલ્પના કરો કે તમે યરૂશાલેમમાં છો. આશ્શૂરીઓ એક પછી એક શહેરને બંદી બનાવતા તમારા તરફ કૂચ કરી રહ્યા છે. તમને કેવું લાગશે?—૨ રાજા. ૧૮:૧૩.

૧૦. મીખાહ ૫:૫, ૬ની કલમોમાંથી હિઝકિયાને શા માટે ઉત્તેજન મળ્યું હશે?

૧૦ હિઝકિયા આવતાં સંકટને જોઈ શકતા હતા. પરંતુ, તેમણે પોતાના પિતા આહાઝની જેમ ગભરાઈને જૂઠા ધર્મોનાં રાષ્ટ્રો પાસે મદદ ન માંગી. એના બદલે તેમણે યહોવામાં ભરોસો રાખ્યો. (૨ કાળ. ૨૮:૨૦, ૨૧) તેમને આશ્શૂરો વિશે પ્રબોધક મીખાહે કહેલા શબ્દોની જાણ હશે. મીખાહે કહ્યું હતું: ‘આશ્શૂરી સૈન્યની સામે સાત પાળકોને તથા આઠ સરદારોને ઊભા કરીશું. તેઓ આશ્શૂર દેશને તરવારથી ઉજ્જડ કરી મૂકશે.’ (મીખા. ૫:૫, ૬) યહોવાની પ્રેરણાથી કહેલા એ શબ્દોથી હિઝકિયાને ચોક્કસ ઘણું ઉત્તેજન મળ્યું હશે. તે જોઈ શક્યા હશે કે આશ્શૂરીઓને હરાવવા યહોવા અસાધારણ સૈન્યનો ઉપયોગ કરવાના હતા.

૧૧. સાત પાળકો તથા આઠ સરદારોની ભવિષ્યવાણી પ્રથમ વાર ક્યારે પૂરી થશે?

૧૧ સાત પાળકો તથા આઠ સરદારોની એ ભવિષ્યવાણી પ્રથમ વાર ક્યારે પૂરી થશે? ઈસુના જન્મના ઘણા સમય પછી, કારણ કે ઈસુ ‘ઈસ્રાએલના સરદાર’ છે અને તેમનો તો “પ્રારંભ અનાદિકાળથી છે.” (મીખાહ ૫:૧, ૨ વાંચો.) તેથી, એ ભવિષ્યવાણી ભાવિમાં પૂરી થશે જ્યારે “આશ્શૂરી” એટલે કે યહોવાના આજના દુશ્મનો તેમના સેવકો પર હુમલો કરશે. એ દુશ્મનોને હરાવવા યહોવા ઈસુ દ્વારા કયા સૈન્યનો ઉપયોગ કરશે? એનો જવાબ જોતા પહેલા, ચાલો જોઈએ કે આશ્શૂરીઓના હુમલાથી બચવા હિઝકિયાએ શું કર્યું.

હિઝકિયાએ સમજદારી બતાવી

૧૨. યહોવાના લોકોના રક્ષણ માટે હિઝકિયા અને તેમના સાથીદારોએ કેવાં પગલાં ભર્યાં?

૧૨ જે કામ આપણાથી ન થઈ શકે, એમાં યહોવા જરૂર મદદ કરે છે. પરંતુ, તે ઇચ્છે છે કે પહેલા આપણે બનતું બધું કરીએ. હિઝકિયાએ પણ બનતું બધું કર્યું. તેમણે “પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી.” તેઓએ સાથે મળીને નક્કી કર્યું કે “જે ઝરાઓ નગરની બહાર હતા તેમનાં પાણી બંધ કરી દેવાં” જોઈએ. પછી ‘તેમણે હિંમત રાખીને ભાંગેલો કોટ ફરીથી બાંધ્યો અને તેના પર બુરજો બાંધ્યા. તેઓએ કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી.’ (૨ કાળ. ૩૨:૩-૫) એ સમયે યહોવાએ પોતાના લોકોની કાળજી અને રક્ષણ કરવા હિઝકિયા, સરદારો અને વફાદાર પ્રબોધકોનો ઉપયોગ કર્યો.

૧૩. પોતાના લોકોને આવનાર હુમલા માટે તૈયાર કરવા હિઝકિયાએ કયું મહત્ત્વનું પગલું ભર્યું?

૧૩ હિઝકિયાએ એક એવું કામ કર્યું, જે ઝરાઓનાં પાણીને બંધ કરવાં અને શહેર ફરતે કોટને મજબૂત બનાવવા કરતાં વધારે મહત્ત્વનું હતું. એક કાળજી રાખનાર ઘેટાંપાળક તરીકે તેમણે લોકોને ઉત્તેજન આપવા ભેગા કર્યા. તેમ જ, તેમણે ભક્તિમાં મજબૂત કરતા શબ્દો કહ્યાં કે, ‘આશ્શૂરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહિ તેમ જ ગભરાશો નહિ, કેમ કે તેની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મહાન છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણા યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.’ હિઝકિયાએ લોકોને યાદ અપાવ્યું કે યહોવા તેઓ માટે લડશે. આમ, “યહુદાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.” નોંધ લેવા જેવું છે કે “હિઝકિયાના બોલ”થી લોકોને હિંમત મળી. યહોવાએ અગાઉથી જણાવ્યું હતું તેમ હિઝકિયા, તેમના સરદારો, પરાક્રમી યોદ્ધાઓ તેમ જ, પ્રબોધકો મીખાહ અને યશાયા સારા પાળકો સાબિત થયા.—૨ કાળ. ૩૨:૭, ૮; મીખાહ ૫:૫, ૬ વાંચો.

હિઝકિયાના શબ્દોથી લોકોને હિંમત મળી (ફકરા ૧૨, ૧૩ જુઓ)

૧૪. રાબશાકેહે લોકોને શું કહ્યું? એના જવાબમાં યહુદાના લોકોએ શું કર્યું?

૧૪ આશ્શૂરના રાજાએ દક્ષિણ-પશ્ચિમ યરૂશાલેમના લાખીશ વિસ્તારમાં છાવણી નાખી. ત્યાંથી તેણે ત્રણ સંદેશવાહકો યરૂશાલેમ મોકલ્યા, જેથી ત્યાંના લોકો આશ્શૂરીઓના તાબે થાય. તેઓમાંનો મુખ્ય સંદેશવાહક રાબશાકેહે યરૂશાલેમના લોકોને ફોસલાવવા જુદી જુદી ચાલાકીઓ વાપરી. તેણે તેઓ સાથે હિબ્રૂ ભાષામાં વાત કરી. તેણે લોકોને હિઝકિયાનો પક્ષ છોડીને આશ્શૂરીઓને શરણે આવવા લલચાવ્યા. તેણે મોટા મોટા વાયદા કર્યા કે, તેઓને એવા દેશમાં લઈ જવાશે જ્યાં જીવન આરામદાયક હશે. (૨ રાજાઓ ૧૮:૩૧, ૩૨ વાંચો.) રાબશાકેહે એમ પણ કહ્યું કે, બીજાં રાજ્યોનાં દેવી-દેવતાઓ પોતાના લોકોને આશ્શૂરીઓના હાથમાંથી બચાવવા કંઈ કરી શક્યાં નહિ. એવી જ રીતે, યહોવા પણ કંઈ કરી શકશે નહિ. જોકે, યહુદાના લોકોએ તેની વાતોમાં ન આવીને સમજદારી બતાવી. આજે પણ યહોવાના સેવકો એવી જ સમજદારી બતાવે છે.—૨ રાજાઓ ૧૮:૩૫, ૩૬ વાંચો.

૧૫. યરૂશાલેમના લોકોએ શું કરવાની જરૂર હતી? યહોવાએ તેઓનો બચાવ કઈ રીતે કર્યો?

૧૫ સ્વાભાવિક છે કે, એ બધા બનાવોથી હિઝકિયા નિરાશ થયા હશે. તોપણ વિદેશી સત્તાઓ પાસે મદદ માંગવાને બદલે, તેમણે યશાયા પ્રબોધક દ્વારા યહોવાની સલાહ પૂછી. યશાયાએ તેમને કહ્યું કે, “તે [સાન્હેરીબ] આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ.” (૨ રાજા. ૧૯:૩૨) યરૂશાલેમના લોકોએ ફક્ત યહોવામાં ભરોસો રાખવાનો હતો કારણ, યહોવા તેઓના પક્ષમાં લડવાના હતા. યહોવાએ પોતાનું વચન નિભાવ્યું. “તે રાત્રે એમ થયું, કે યહોવાના દૂતે આવીને આશ્શૂરીઓની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા.” (૨ રાજા. ૧૯:૩૫) હિઝકિયાએ શહેરના રક્ષણ માટે જે કર્યું એનાથી નહિ પણ, યહોવાની શક્તિથી યરૂશાલેમના લોકોનો બચાવ થયો.

આપણને શું શીખવા મળ્યું?

૧૬. આજે આ લોકો કોને રજૂ કરે છે: (ક) યરૂશાલેમના લોકો (ખ) આશ્શૂરીઓ (ગ) સાત પાળકો તથા આઠ સરદારો?

૧૬ સાત પાળકો તથા આઠ સરદારોની ભવિષ્યવાણી આપણા સમયમાં મોટા પાયે પૂરી થઈ રહી છે. પ્રાચીન યરૂશાલેમના લોકો પર આશ્શૂરીઓએ હુમલો કર્યો હતો. જલદી જ, યહોવાના લોકો પર “આશ્શૂરી” જેવા દુશ્મનો હુમલો કરવાના છે. તેઓનો ઇરાદો ઈશ્વરના લોકોને નાબૂદ કરવાનો હશે. બાઇબલ એ હુમલા ઉપરાંત ‘માગોગ દેશનો ગોગ,’ “ઉત્તરનો રાજા” અને “પૃથ્વીના રાજાઓ”ના હુમલા વિશે પણ જણાવે છે. (હઝકી. ૩૮:૨, ૧૦-૧૩; દાની. ૧૧:૪૦, ૪૪, ૪૫; પ્રકટી. ૧૭:૧૪; ૧૯:૧૯) શું એનો અર્થ એમ થાય કે તેઓ અલગ અલગ હુમલા કરશે? આપણે એ વિશે હજી જાણતા નથી. બાઇબલ કદાચ એક જ હુમલાને એ જુદાં જુદાં નામથી દર્શાવતું હોય શકે. “આશ્શૂરી” જેવા ક્રૂર દુશ્મનો માટે યહોવા કયા સૈન્યનો ઉપયોગ કરશે? એ “સાત પાળકો તથા આઠ સરદારો”નું અનોખું સૈન્ય હશે. (મીખા. ૫:૫) આ “સાત પાળકો તથા આઠ સરદારો” મંડળના વડીલોને રજૂ કરે છે. (૧ પીત. ૫:૨) આજે, યહોવા પોતાના લોકોની દેખરેખ રાખવા અને તેઓને ભક્તિમાં મજબૂત બનાવવા, વફાદાર વડીલોનો ઉપયોગ કરે છે. આમ, તેમના લોકો ભાવિમાં થનાર “આશ્શૂરીઓ”ના હુમલા સામે ટકી શકશે. * મીખાહની ભવિષ્યવાણી કહે છે કે, વડીલો ‘આશ્શૂર દેશને તરવારથી ઉજ્જડ કરી મૂકશે.’ (મીખા. ૫:૬) ‘તેઓની લડાઈનાં હથિયારોʼમાં ‘પવિત્ર શક્તિની તરવારʼનો એટલે કે બાઇબલનો સમાવેશ થાય છે. —૨ કોરીં. ૧૦:૪; એફે. ૬:૧૭.

૧૭. વડીલો આ લેખમાંથી કઈ ચાર મહત્ત્વની બાબતો શીખી શકે?

૧૭ વડીલો આ લેખમાંથી આવી મહત્ત્વની બાબતો શીખી શકે છે: (૧) ભાવિમાં થનાર “આશ્શૂરી” જેવા દુશ્મનોના હુમલા સામે ટકવા, સૌથી સારું રહેશે કે ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત બનાવતા રહીએ. તેમ જ, ભાઈ-બહેનોને પણ એમ કરવામાં મદદ આપવી જોઈએ. (૨) “આશ્શૂરીઓ” હુમલો કરે ત્યારે, યહોવા ચોક્કસ બચાવશે એવો મક્કમ ભરોસો રાખવો જોઈએ. (૩) એ સમયે કદાચ યહોવાના સંગઠન તરફથી મળતું કોઈ માર્ગદર્શન અજુગતું લાગે. આપણને ગમે કે ન ગમે, જીવન બચાવવા એ પ્રમાણે કરવું જરૂરી છે. (૪) દુનિયાનું શિક્ષણ, માલમિલકત કે પછી માનવીય સંસ્થાઓમાં ભરોસો મૂકવાને બદલે યહોવામાં પૂરો ભરોસો મૂકવો જોઈએ. બીજી બાબતોમાં વધારે ભરોસો કરતી વ્યક્તિને વડીલોએ મદદ આપવા તૈયાર રહેવું જોઈએ.

૧૮. આપણે જે શીખ્યા એના પર મનન કરવાથી ભાવિમાં કઈ રીતે ફાયદો થશે?

૧૮ હિઝકિયાના સમયમાં આશ્શૂરીઓથી ઘેરાયેલા યહુદીઓ બીજા લોકોને નિરાધાર લાગતા હતા. એવું આપણી સાથે બને ત્યારે હિઝકિયાના શબ્દો આપણને શ્રદ્ધા અડગ રાખવા મદદ કરશે. હંમેશાં યાદ રાખીએ કે આપણા દુશ્મનો ‘સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને અને આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે ઈશ્વર યહોવા છે.’—૨ કાળ. ૩૨:૮.

^ યશાયા ૭:૧૪માં આપેલો “કુમારી” માટેનો હિબ્રૂ શબ્દ પરિણીત સ્ત્રી માટે પણ વપરાયેલો છે. તેથી, એ શબ્દ યશાયાની પત્ની અને યહુદાના કુળની કુંવારી મરિયમ બંનેને લાગુ પાડી શકાય છે.

^ બાઇબલમાં ઘણી વાર પૂર્ણતાને દર્શાવવા આંકડો સાત વપરાયો છે. કોઈક વાર આંકડો આઠ (સાતમાં એકનો વધારો) ભરપૂરપણાને દર્શાવે છે.