સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગુજરી ગયેલા જીવનસાથીના શોકનો સામનો કઈ રીતે કરશો?

ગુજરી ગયેલા જીવનસાથીના શોકનો સામનો કઈ રીતે કરશો?

બાઇબલ સ્પષ્ટ કહે છે કે એક પતિએ જેવો ‘પોતા પર તેવો પોતાની પત્ની પર પ્રેમ રાખવો’ જોઈએ. એવી જ રીતે, એક પત્નીએ “પોતાના પતિનું માન” રાખવું જોઈએ. આમ, તેઓ બંનેએ “એક દેહ” થઈને પોત-પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. (એફે. ૫:૩૩; ઉત. ૨:૨૩, ૨૪) સમય વીતે તેમ, યુગલ વચ્ચે પ્રેમનું બંધન મજબૂત થતું જાય છે. એની સરખામણી એકબીજાની નજીક ઊગેલાં બે ઝાડનાં મૂળ સાથે કરી શકાય. એવાં ઝાડનાં મૂળ જમીનની અંદર એકબીજાને ગૂંથાયેલાં કે વીંટળાયેલાં હોય છે. એવી જ રીતે, સુખી યુગલ એકબીજા સાથે લાગણીઓના બંધનથી જોડાયેલું હોય છે.

પતિ કે પત્ની ગુજરી જાય ત્યારે શું? ત્યારે એ અતૂટ બંધન તૂટી જાય છે. ત્યાર પછી એકલા પડેલા સાથીને દુઃખ, એકલતા કે પછી ગુસ્સાની અથવા દોષિત હોવાની લાગણી થઈ શકે છે. લગ્‍નજીવનનાં ૫૮ વર્ષ દરમિયાન બહેન ડેનીયેલા એવા ઘણા લોકોને જાણતાં હતાં જેઓએ લગ્‍નસાથી ગુમાવ્યું છે. * પરંતુ, પોતાના પતિને ગુમાવ્યા પછી તે અનુભવે છે, ‘આ દુઃખ હું પહેલાં ક્યારેય સમજી શકી ન હતી. એ દુઃખ પોતા પર આવી પડે નહિ ત્યાં સુધી એને પૂરી રીતે સમજવું અશક્ય છે.’

એવું દુઃખ જેનો અંત દેખાય નહિ

અમુક સંશોધકો માને છે કે, વહાલા લગ્‍નસાથીને ગુમાવવા જેવું ભારે દુઃખ કોઈ નથી. પોતાના સાથીને ગુમાવનારાઓ એ વાત સાથે સહમત થાય છે. બહેન મીલીના પતિને ગુજરી ગયાને ઘણાં વર્ષો થયાં છે. એક વિધવા તરીકેનું જીવન વિતાવતાં તે કહે છે, ‘તેમના વગર જાણે હું અપંગ થઈ ગઈ હોઉં એવું લાગે છે.’ એ શબ્દોથી બહેન બતાવે છે કે ૨૫ વર્ષ જેટલો સમય સાથે વિતાવ્યાં પછી પતિને ગુમાવવાની લાગણીઓ કેવી હોય છે.

બહેન સુઝનને લાગતું કે પતિને ગુમાવ્યાં પછી વિધવાઓ વર્ષો સુધી જે શોક કરે છે, એ વધુ પડતું છે. પરંતુ, તેમણે ૩૮ વર્ષનાં લગ્‍નજીવન બાદ પતિને ગુમાવ્યાં. એ વાતને ૨૦થી વધુ વર્ષો વીતી ગયાં છતાં, તેમનું કહેવું છે: ‘તેમને યાદ કર્યા વગર એક પણ દિવસ જતો નથી.’ પતિની ખૂબ યાદ આવે ત્યારે બહેનની આંખો ભરાઈ આવે છે.

બાઇબલ જણાવે છે કે પોતાના સાથીને ગુમાવવાનું દુઃખ ખૂબ નિર્દય અને લાંબું ચાલનારું હોય છે. ઈબ્રાહીમનો વિચાર કરો. સારાહના ગુજરી ગયા પછી તેમણે ‘શોક કર્યો અને રડ્યા.’ (ઉત. ૨૩:૧, ૨) ઈબ્રાહીમને સારાહના સજીવન થવાની આશા હતી. છતાં, વહાલી પત્નીના મરણને લીધે તે ખૂબ દુઃખી થયા. (હિબ્રૂ ૧૧:૧૭-૧૯) યાકૂબ પણ પત્ની રાહેલના ગુજરી ગયા પછી તેમને યાદ કરતા રહેતા. તેમ જ, પોતાના દીકરાઓને રાહેલ વિશે જણાવતા.—ઉત. ૪૪:૨૭; ૪૮:૭.

બાઇબલના એ અહેવાલો પરથી શું શીખવા મળે છે? લગ્‍નસાથીને ગુમાવનારાઓ વર્ષો સુધી એનું દુઃખ અનુભવે છે. આપણે તેમનાં આંસુ અને ઉદાસીનતાને તેમની નબળાઈ કે કમજોરી ન માનવી જોઈએ. એના બદલે, આપણે સમજવું જોઈએ કે તેમને ઊંડી ખોટ પડી છે. પરિણામે તે જે લાગણીઓ અનુભવે એ સ્વાભાવિક છે. તેમને ઘણા લાંબા સમય સુધી આપણા દિલાસા અને સાથની જરૂર પડી શકે છે.

આજનું દુઃખ આજ માટે પૂરતું છે

એવું નથી કે લગ્‍નસાથીને ગુમાવ્યા પછી કુંવારા હતા તેવું જીવન પાછું થઈ જાય. લગ્‍નજીવનમાં વર્ષો વિતાવ્યાં બાદ એક પતિ પોતાની પત્નીને સારી રીતે સમજવા લાગે છે. તે જાણે છે કે કઈ રીતે પત્નીને દિલાસો આપવો અને તે દુઃખી કે નિરાશ હોય ત્યારે તેને કઈ રીતે ફરી ખુશ કરવી. એવામાં જો પતિનું મરણ થાય તો પત્નીને પ્રેમ અને લાગણી બતાવનારની ખોટ પડે છે. એ જ રીતે, પત્ની સમય વીતે તેમ જાણવા લાગે છે કે પતિને કઈ રીતે ખુશ રાખી શકાય. તેનો પ્રેમાળ સ્પર્શ અને રાહત આપનારા શબ્દો જેવું કીમતી પતિ માટે બીજું કંઈ નથી. તેમ જ પતિની પસંદ અને જરૂરિયાતોનો તે ખ્યાલ રાખે છે. તેથી, પત્ની મરણ પામે ત્યારે પતિને જીવનમાં મોટી કમી લાગી શકે. લગ્‍નસાથી ગુમાવનાર અમુક લોકોનો જીવન પરથી ભરોસો ઊઠી જાય છે. તેઓને ડર લાગ્યા કરે છે કે ભાવિમાં તેઓનું શું થશે. એવી વ્યક્તિઓને મનની શાંતિ અને સલામતી મેળવવામાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે?

આવતી કાલની ચિંતા કર્યા વગર આજની બાબતો પર ધ્યાન આપવા યહોવા મદદ કરશે

‘આવતી કાલ માટે ચિંતા ન કરો કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.’ (માથ. ૬:૩૪) ઈસુના આ શબ્દો ખાસ કરીને માલમિલકતની વધુ ચિંતા કરનારને લાગુ પડે છે. જોકે, લગ્‍નસાથી ગુમાવવાનું દુઃખ સહેવામાં પણ એ શબ્દો મદદ કરે છે. ભાઈ ચાર્લ્સ પોતાની પત્નીના ગુજરી જવાના અમુક મહિનાઓ પછી જણાવે છે: ‘મોનેકની મને હજી પણ ઘણી ખોટ સાલે છે. અમુક વાર એ સહેવી ખૂબ જ અઘરી લાગે છે. જોકે, મને સમજાયું છે કે એ દુઃખ થવું સ્વાભાવિક છે અને સમય પસાર થતા એ ધીરે-ધીરે હળવું થઈ જશે.’

ભાઈ ચાર્લ્સને એકલવાયા જીવનમાં સમય પસાર કરવું બહુ કઠિન લાગતું. પણ તે એનો સામનો કઈ રીતે કરી શક્યા? તે કહે છે, ‘યહોવાની મદદથી જ આવતી કાલની ચિંતા છોડીને આજની બાબતો પર ધ્યાન આપી શક્યો.’ ભાઈ ચાર્લ્સ દુઃખના દરિયામાં ડૂબી ગયા નહિ. ખરું કે, તેમનું દુઃખ રાતોરાત ગાયબ ન થયું. છતાં, દુઃખને લીધે તે હતાશ થઈ ગયા નહિ. કદાચ, તમે પણ લગ્‍નસાથીને ગુમાવ્યું હશે. એમ હોય તો, કાલે શું થશે એવી ઘણી ચિંતા કરવાને બદલે આજની બાબતો પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરો. કારણ, આવતીકાલ કઈ આશા સાથે આવશે એ તમે જાણતા નથી.

શરૂઆતથી જ યહોવાના હેતુમાં મરણને સ્થાન ન હતું. મરણ તો “શેતાનનાં કામ”નું પરિણામ છે. (૧ યોહા. ૩:૮; રોમ. ૬:૨૩) મોત અને એનો ડર બતાવીને શેતાન લોકોને પોતાની મુઠ્ઠીમાં રાખે છે અને તેઓની આશા છીનવી લે છે. (હિબ્રૂ ૨:૧૪, ૧૫) શેતાન ચાહે છે કે આજે અને નવી દુનિયામાં પણ વ્યક્તિ સાચું સુખ અને સંતોષ મેળવવાની આશા ગુમાવી દે. તેથી, મરણને લીધે સાથીને ગુમાવવાથી જે દુઃખ થાય, એનું મૂળ કારણ તો આદમનું પાપ અને શેતાનની કુયુક્તિઓ છે. (રોમ. ૫:૧૨) શેતાન અને તેના ક્રૂર હથિયાર મરણથી પહોંચેલા નુકસાનને યહોવા પૂરેપૂરું સુધારી દેશે. શેતાને ફેલાવેલા ભયના બંધનમાંથી ઘણા મુક્ત થયા છે. તેઓમાં મોટા ભાગે એવા છે જેઓએ તમારી જેમ સાથી ગુમાવ્યું છે.

પૃથ્વી પર જેઓ સજીવન કરાશે, તેઓના સંબંધમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. જરા વિચારો કે બધાં માબાપ, દાદા-દાદી અને બીજા સજીવન થયેલા પૂર્વજો પોતાનાં બાળકો અને પૌત્રપૌત્રીઓ સાથે ધીરે ધીરે સંપૂર્ણ બનશે. ઘડપણની બધી અસરો નાબૂદ કરાશે. આજની યુવાન પેઢીએ પોતાના પૂર્વજો પ્રત્યેનું વલણ બદલીને તેઓને કદાચ અલગ રીતે જોતા શીખવું પડશે. એવું બદલાણ માનવીય કુટુંબોને સુધારા તરફ લઈ જશે.

સજીવન થયેલાઓ વિશે આપણા મનમાં ઘણા સવાલો હોય શકે. જેમ કે, બે કે એનાથી વધુ લગ્‍નસાથી ગુમાવ્યાં હોય તેવી વ્યક્તિ વિશે શું? સાદુકીઓએ એક એવી સ્ત્રી વિશે સવાલ કર્યો જે પતિના મરણ પછી બીજા લગ્‍ન કરે છે અને બીજા પતિનું પણ મોત થાય છે. એ જ રીતે તેના સાતેય પતિ મરી જાય છે. (લુક ૨૦:૨૭-૩૩) સજીવન થયા પછી તેઓનો સંબંધ કઈ રીતે ગણાશે? એ વિશે આપણે કંઈ જાણતા નથી. વધુમાં, એવા સવાલો પર આપણે મનફાવે એવાં અનુમાન કરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. એના બદલે આપણે યહોવા પર પૂરો ભરોસો રાખવો જોઈએ. એક વાતની ચોક્કસ આશા રાખી શકીએ કે યહોવા ભાવિમાં જે કંઈ કરશે એ સારું જ હશે. તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી.

સજીવન થવાની આશાથી દિલાસો મળે છે

બાઇબલ સ્પષ્ટ રીતે જણાવે છે કે મરણ પામેલા સ્નેહીજનો સજીવન કરાશે. વ્યક્તિ સજીવન કરવામાં આવી હોય એવા અમુક કિસ્સા બાઇબલમાં જોવા મળે છે. એનાથી ખાતરી મળે છે કે, “જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે; અને નીકળી આવશે.” (યોહા. ૫:૨૮, ૨૯) એ વખતે મોતના પંજામાંથી છૂટેલા પોતાનાં સ્નેહીજનોને જોઈને લોકોના આનંદનો પાર નહિ રહે. બીજી બાજુ, સજીવન થયેલા લોકોને જે ખુશી થશે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી.

મરણ પામેલાં અબજો લોકો સજીવન થશે ત્યારે આખી પૃથ્વી પર અજોડ ખુશી છવાઈ જશે. (માર્ક ૫:૩૯-૪૨; પ્રકટી. ૨૦:૧૩) ભાવિમાં થનાર એ ચમત્કાર પર મનન કરવાથી જેઓએ સ્નેહીજનો ગુમાવ્યાં છે તેઓને દિલાસો મળે છે.

સ્નેહીજનોને સજીવન કરવામાં આવશે એ પછી, શું દુઃખી થવાનું કોઈ કારણ હશે? ના, બિલકુલ નહિ. બાઇબલ જણાવે છે કે યહોવાએ, “સદાને માટે મરણ રદ કર્યું છે.” (યશા. ૨૫:૮) એમાં મરણ અને એની દુઃખદ અસરને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. ભવિષ્યવાણી આગળ જણાવે છે: “પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.” લગ્‍નસાથીને ગુમાવ્યાને લીધે જો તમે દુઃખી હો તો, સજીવન થવાની આશા તમને આનંદ આપશે.

નવી દુનિયામાં યહોવા શું કરવાના છે એને કોઈ વ્યક્તિ પૂરેપૂરી રીતે સમજી શકતી નથી. યહોવા કહે છે, “જેમ આકાશો પૃથ્વીથી ઊંચા છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી, ને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.” (યશા. ૫૫:૯) ગુજરી ગયેલા સજીવન થશે એવું ઈસુનું વચન આપણને ઈબ્રાહીમની જેમ યહોવામાં પૂરો ભરોસો મૂકવાની તક આપે છે. દરેક ઈશ્વરભક્તો માટે આજે સૌથી જરૂરી છે કે તેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે. આમ, સજીવન થયેલાઓની સાથે તેઓ પણ નવી દુનિયામાં રહેવા યોગ્ય ગણાશે.—લુક ૨૦:૩૫.

આશાનું કારણ

ચિંતા કર્યા વગર આશા જાળવી રાખવી જોઈએ. મનુષ્યની નજરે જોતા ભાવિ નિરાશાજનક લાગે. પરંતુ, યહોવા આપણને સારી આશા આપે છે. આપણે જાણતા નથી કે યહોવા કઈ રીતે આપણી બધી ઇચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરશે. તોપણ, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે તે પોતાનાં વચનો પૂરાં કરશે. પ્રેરિત પાઊલે લખ્યું કે, “જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ માણસ પોતે જે દેખે છે તેની આશા કેમ રાખે? પણ આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ.” (રોમ. ૮:૨૪, ૨૫) યહોવાનાં વચનોમાં પૂરો ભરોસો રાખવાથી આપણને સ્નેહીજનોને ગુમાવવાના દુઃખને સહેવા મદદ મળશે. આમ, ભલે હાલમાં દુઃખ સહન કરવું પડે પણ યહોવા જ્યારે ભાવિમાં ‘તમારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે,’ ત્યારે તમે એક સરસ અનુભવ કરશો. હા, તે ચોક્કસ ‘દરેકની ઇચ્છાને પૂરી કરશે.’—ગીત. ૩૭:૪; ૧૪૫:૧૬; લુક ૨૧:૧૯.

આનંદથી ભરેલા ભાવિ વિશે યહોવાના વચન પર ભરોસો રાખીએ

ઈસુના મરણનો સમય નજીક આવ્યો તેમ પ્રેરિતો ચિંતામાં પડી ગયા. એ સમયે ઈસુએ તેઓને હિંમત આપતા કહ્યું, “તમારાં હૃદયોને વ્યાકુળ થવા ન દો; તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો.” તેમણે તેઓને ખાતરી આપી, “હું તમને અનાથ નહિ મૂકીશ; હું તમારી પાસે આવીશ.” (યોહા. ૧૪:૧-૪, ૧૮, ૨૭) સદીઓ દરમિયાન તેમના એ શબ્દોથી અભિષિક્તોને આશા અને સહનશકિત મળતી રહી છે. પોતાનાં સ્નેહીજનોને જે ફરી જીવંત જોવાં માંગે છે, તેઓ પાસે નિરાશ થવાનું કોઈ કારણ નથી. યહોવા અને ઈસુ એવાઓને તરછોડી દેશે નહિ. આપણે એ વિશે પૂરી ખાતરી રાખી શકીએ છીએ.

^ અમુક નામ બદલ્યાં છે.