સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ વિષય પર ચર્ચા

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?

યહોવાના સાક્ષીઓ લોકો સાથે નીચે બતાવેલી રીત પ્રમાણે વાત કરે છે. કલ્પના કરો કે, મીના નામનાં યહોવાના સાક્ષી સરીતાના ઘરે આવીને વાત કરી રહ્યાં છે.

આપણને તકલીફમાં જોઈને ઈશ્વરને કેવું લાગે છે?

મીના: કેવું છે સરીતાબેન? અહીંથી જતી હતી તો થયું કે તમને મળીને જઉં.

સરીતા: સારું થયું. આવો, આવો.

મીના: ગઈ વખતે આપણે વાત કરી હતી કે આપણને તકલીફમાં જોઈને ઈશ્વરને કેવું લાગે છે. તમે જણાવ્યું હતું કે ઘણા સમયથી તમને એ સવાલ થઈ રહ્યો છે, ખાસ કરીને મમ્મી બીમાર પડ્યાં પછીથી. મમ્મીની તબિયતને લઈને તમને ખૂબ જ ચિંતા છે. પણ તમારાં મમ્મીને હવે કેવું છે? સારું છે?

સરીતા: હા, એક દિવસ સારું હોય, ને બીજા દિવસે સારું ન હોય. પણ આજે એમને સારું છે.

મીના: સરસ. હું સમજી શકું છું કે મમ્મીને આ હાલતમાં જોવી તમારા માટે સહેલું નહિ હોય.

સરીતા: હા, સાચું કહ્યું. ઘણી વાર મને થાય છે કે મમ્મીએ ક્યાં સુધી સહન કરવું પડશે.

મીના: એવું વિચારવું ખોટું નથી. જો તમને યાદ હોય, તો ગઈ વખતે મેં એક સવાલ પૂછ્યો હતો કે જો ભગવાન પાસે શક્તિ હોય, તો તે આ દુઃખ-તકલીફોનો અંત કેમ લાવતા નથી. યાદ છે?

સરીતા: હા, મને યાદ છે.

મીના: ચાલો પહેલા થોડું જોઈએ કે ગઈ વખતે શું શીખ્યા હતા અને પછી શાસ્ત્રમાંથી એ સવાલનો જવાબ જોઈએ.

સરીતા: સારું.

મીના: ગઈ વખતે આપણે ભગવાનના એક ભક્ત વિશે થોડું જોયું હતું. તેમને સવાલ થયો હતો કે ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે. પણ આવો સવાલ પૂછવા માટે ભગવાને તેમને ખખડાવ્યા ન હતા અથવા એવું પણ ન કહ્યું કે તારામાં થોડી ઓછી શ્રદ્ધા છે, ખરું ને!

સરીતા: હા, એ વિશે મેં પહેલાં કદી વિચાર્યું ન હતું.

મીના: આપણે એ પણ જોયું હતું કે આપણને દુઃખ-તકલીફોમાં જોવા એ ઈશ્વરને જરાય ગમતું નથી. દાખલા તરીકે, જ્યારે ઈશ્વરના લોકો દુઃખી હતા, ત્યારે તેમને કેવું લાગ્યું? બાઇબલમાં લખ્યું છે: “તેઓનાં બધાં દુઃખોમાં તે દુઃખી થયા.” * શું એ જાણીને રાહત અને દિલાસો નથી મળતાં કે આપણને દુઃખમાં જોઈને ઈશ્વર પણ દુઃખી થાય છે?

સરીતા: હા.

મીના: છેલ્લે, આપણે જોયું હતું કે આપણને બનાવનાર ભગવાન પાસે ખૂબ જ શક્તિ છે. એ બતાવે છે કે તે આપણી બધી મુશ્કેલીઓને પળભરમાં દૂર કરી શકે છે.

સરીતા: એ જ તો મને સમજાતું નથી કે જો ઈશ્વર પાસે તકલીફો દૂર કરવાની શક્તિ છે, તો તે એને દૂર કેમ કરતા નથી.

કોણ સાચું કહી રહ્યું હતું?‏

મીના: ચાલો,‏ એ સવાલનો જવાબ જાણવા બાઇબલનું પહેલું પુસ્તક ઉત્પત્તિ જોઈએ. શું તમે આદમ અને હવા વિશે કંઈ જાણો છો?

સરીતા: હા, મને ખબર છે. ઈશ્વરે તેઓને એક ઝાડનું ફળ ખાવાની ના પાડી હતી. પણ તેઓએ ઈશ્વરની વાત ન માની અને એ ફળ ખાધું.

મીના: બરાબર. તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી એ પહેલાં શું બન્યું હતું? એ સવાલનો જવાબ જાણવાથી આપણે સમજી શકીશું કે આપણા પર દુઃખ-તકલીફો કેમ આવે છે. શું તમે ઉત્પત્તિ અધ્યાય ૩, કલમો ૧-૫ વાંચશો?

સરીતા: હા. “યહોવા ઈશ્વરે બનાવેલાં સર્વ જંગલી પ્રાણીઓમાં સાપ સૌથી સાવધ હતો. સાપે સ્ત્રીને પૂછ્યું: ‘શું ઈશ્વરે સાચે જ તમને બાગનાં બધાં ઝાડનાં ફળ ખાવાની ના પાડી છે?’ સ્ત્રીએ કહ્યું: ‘અમે બાગનાં બધાં ઝાડનાં ફળ ખાઈ શકીએ છીએ, પણ બાગની વચ્ચે આવેલા ઝાડના ફળ વિશે ઈશ્વરે કહ્યું છે: “તમારે એ ખાવું નહિ, એને અડકવું પણ નહિ. જો તમે એ ખાશો, તો મરી જશો.”’ સાપે સ્ત્રીને કહ્યું: ‘તમે નહિ જ મરો. ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે એ ખાશો, એ દિવસે તમારી આંખો ખૂલી જશે અને તમે ઈશ્વરની જેમ ભલું-ભૂંડું જાણનારા બની જશો.’”

મીના: સરસ વાંચ્યું. ચાલો એ જોઈએ કે એ કલમોથી શું જાણવા મળે છે. પહેલી વાત, સાપે એ સ્ત્રી, એટલે કે હવા સાથે વાત કરી હતી. બાઇબલના બીજા એક પુસ્તકથી જાણવા મળે છે કે સ્ત્રી સાથે વાત કરનાર સાપ હકીકતમાં તો શેતાન હતો. * શેતાને હવાને પૂછ્યું કે ઈશ્વરે તેઓને શું કહ્યું છે. શું તમે ધ્યાન આપ્યું કે જો આદમ અને હવા એ ઝાડનું ફળ ખાત, તો તેઓનું શું થાત? એ વિશે ઈશ્વરે શું કહ્યું હતું?

સરીતા: તેઓ મરી જશે.

મીના: બરાબર. એ કહ્યા પછી તરત જ શેતાને ઈશ્વર પર એક બહુ મોટો આરોપ મૂક્યો. તેણે કહ્યું: “તમે નહિ જ મરો.” શેતાન જાણે કહી રહ્યો હતો કે ઈશ્વર જૂઠા છે.

સરીતા: પહેલાં મેં આવું કંઈ નથી સાંભળ્યું.

મીના: ઈશ્વરને જૂઠા કહીને શેતાન તેમના પર બહુ મોટો આરોપ મૂકી રહ્યો હતો. તેનો આરોપ સાચો છે કે ખોટો એ સાબિત કરવામાં ઘણો સમય લાગતો. તમને ખબર છે કેમ?

સરીતા: ના, નથી ખબર.

મીના: એ સમજવા આ દાખલાનો વિચાર કરો. ધારો કે, એક દિવસે હું આવીને તમને કહું છું કે હું તમારા કરતાં વધારે શક્તિશાળી છું. હું સાચી છું કે ખોટી એ કઈ રીતે સાબિત કરી શકાય?

સરીતા: કદાચ સ્પર્ધા કરીને.

મીના: બરાબર. કદાચ આપણે એક ભારે વસ્તુ લઈએ અને પછી જોઈએ કે કોણ એને ઊંચકી શકે છે. સાચું કહું, કોણ શક્તિશાળી છે એ સાબિત કરવું ખૂબ જ સહેલું છે.

સરીતા: સાચી વાત.

મીના: પણ કોણ શક્તિશાળી છે એ જાણવાને બદલે જો હું એવું કહું કે તમે બેઈમાન છો, તો શું? એ જાણવું સહેલું નથી, ખરું ને?

સરીતા: હા, કદાચ.

મીના: કોઈ વ્યક્તિ ઈમાનદાર છે કે બેઈમાન એ કોઈ સ્પર્ધાથી ન જાણી શકાય.

સરીતા: ખરું કહ્યું.

મીના: એ પારખવાની ફક્ત એક જ રીત છે. થોડો સમય પસાર થવા દઈએ. પછી જ બીજાઓ જોઈ શકશે કે તમે સાચે જ ઈમાનદાર છો.

સરીતા: વાતમાં દમ લાગે છે.

મીના: ચાલો હવે ઉત્પત્તિમાં આપેલા અહેવાલ પર ફરી ધ્યાન આપીએ. શું શેતાને એવો દાવો કર્યો કે તે ઈશ્વર કરતાં વધારે શક્તિશાળી છે?

સરીતા: ના.

મીના: જો એમ હોત, તો ઈશ્વરે શેતાનને તરત જ જૂઠો સાબિત કરી દીધો હોત. પણ શેતાને દાવો કર્યો હતો કે ઈશ્વર બેઈમાન છે. તે જાણે હવાને કહી રહ્યો હતો, ‘ઈશ્વર તમને જૂઠું કહે છે. પણ હું સાચું કહી રહ્યો છું.’

સરીતા: એવું!

મીના: ઈશ્વર જાણતા હતા કે હકીકત બહાર લાવવાનો એક જ રસ્તો છે, થોડો સમય પસાર થવા દેવામાં આવે. સમય જતાં, સાબિત થઈ જશે કે કોણ સાચું છે અને કોણ જૂઠું.

એક મોટો સવાલ ઊભો થયો

સરીતા: પણ જ્યારે હવા મરી ગઈ, ત્યારે જ એ સાબિત ના થયું કે ઈશ્વર સાચા છે?

મીના: અમુક હદે એ વાત સાચી છે. પણ શેતાનના આરોપમાં હજી પણ કંઈક સમાયેલું હતું. ચાલો કલમ ૫ પર ફરી ધ્યાન આપીએ. શેતાને હવાને બીજું શું કહ્યું?

સરીતા: તેણે કહ્યું કે જો હવા એ ફળ ખાશે, તો તેની આંખો ખૂલી જશે.

મીના: અને તે ‘ઈશ્વરની જેમ ભલું-ભૂંડું જાણનારી બની જશે.’ એટલે શેતાન દાવો કરી રહ્યો હતો કે ઈશ્વર માણસોથી કંઈક સારી બાબત સંતાડે છે. એ બહુ મોટો સવાલ હતો.

સરીતા: એ કઈ રીતે? સમજાયું નહિ.

મીના: શેતાને જ્યારે એ બધું હવાને કહ્યું, ત્યારે તે જાણે કહી રહ્યો હતો કે માણસોને ઈશ્વરના રાજની જરૂર નથી. ઈશ્વર વગર તેઓ વધારે ખુશ રહેશે. યહોવા ઈશ્વર જાણતા હતા કે શેતાનને જૂઠો સાબિત કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે, થોડા સમય માટે તેને આ દુનિયા પર રાજ કરવા દેવામાં આવે. એનાથી જોઈ શકાય છે કે આ દુનિયામાં આટલી તકલીફો કેમ છે. કેમ કે આ દુનિયા પર ઈશ્વર નહિ, શેતાન રાજ કરી રહ્યો છે. * પણ એક ખુશખબર છે.

સરીતા: ખુશખબર?

મીના: બાઇબલમાંથી આપણને ઈશ્વર વિશે બે જોરદાર વાત શીખવા મળે છે. પહેલી વાત, જ્યારે આપણે દુઃખો સહીએ છીએ, ત્યારે યહોવા આપણને મદદ કરવા તૈયાર હોય છે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૩૧:૭માં રાજા દાઉદે લખેલા શબ્દોનો વિચાર કરો. તેમણે પોતાના જીવનમાં ઘણી તકલીફો સહી હતી, પણ ધ્યાન આપો કે તેમણે પ્રાર્થનામાં ઈશ્વરને શું કહ્યું. શું તમે એ કલમ વાંચશો?

સરીતા: હા, ત્યાં લખ્યું છે: “હું તમારા અતૂટ પ્રેમને લીધે ઘણી ખુશી મનાવીશ, કેમ કે તમે મારી વેદના જોઈ છે. તમે મારાં દુઃખો જોયાં છે.”

મીના: તો દાઉદને એ વાત જાણીને રાહત અને દિલાસો મળ્યાં કે ઈશ્વરે તેમનું એકેએક દુઃખ જોયું છે. બની શકે કે, કદાચ બીજાઓ આપણું દુઃખ પૂરી રીતે ન સમજી શકે, પણ ઈશ્વરને તો બધું જ ખબર છે. શું તમને એ વાત જાણીને રાહત મળી?

સરીતા: હા. એ જાણીને તો સાચે જ દિલને ટાઢક વળી.

મીના: બીજી જોરદાર વાત એ છે કે ઈશ્વર કાયમ માટે દુઃખોને ચાલવા નહિ દે. બાઇબલ શીખવે છે કે ઈશ્વર બહુ જલદી શેતાનની દુનિયાનો અંત લાવશે. તે બધી તકલીફોને પૂરી રીતે દૂર કરશે. તમે અને તમારાં મમ્મી સહી રહ્યાં છો, એ દુઃખોને પણ દૂર કરશે. પણ સવાલ થાય, ‘ઈશ્વર કઈ રીતે દુઃખોનો અંત લાવશે?’ * શું એ સવાલનો જવાબ જાણવા આપણે આવતા અઠવાડિયે મળી શકીએ?

સરીતા: હા, તમે આવજો ને, મને ગમશે.

શું બાઇબલના કોઈ વિષય પર તમને સવાલ છે? શું તમને યહોવાના સાક્ષીઓની માન્યતા કે તેઓની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવું છે? એમ હોય તો યહોવાના સાક્ષીને પૂછતા અચકાશો નહિ. તેઓ રાજીખુશીથી તમને એ વિશે સમજાવશે.

^ એ વિશે વધુ માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૯ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.