સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવા આપણા રક્ષક અને પૂરું પાડનાર

યહોવા આપણા રક્ષક અને પૂરું પાડનાર

“તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.”ગીત. ૯૧:૧૪, કોમન લેંગ્વેજ.

૧, ૨. આપણા કુટુંબના સંજોગો અને સત્ય મળવાની રીતમાં શું તફાવતો હોય શકે?

કુટુંબની ગોઠવણ યહોવાએ કરી છે. (એફે. ૩:૧૪, ૧૫) કુટુંબમાં દરેક સભ્યોનું વ્યક્તિત્વ અને સંજોગો જુદાં જુદાં હોય શકે. અમુકનો ઉછેર તેમનાં માબાપે કર્યો હોય શકે. જ્યારે કે, બીજા કેટલાકે માબાપને બીમારી, અકસ્માત કે પછી કરૂણ ઘટનાને લીધે ગુમાવ્યાં હોય શકે. અરે, અમુકને તો ખબર પણ હોતી નથી કે તેમનાં માબાપ કોણ છે.

આપણે યહોવાના ભક્તો હોવાને લીધે એક મોટા કુટુંબના સભ્યો છીએ. આપણમાંથી દરેકને સત્ય અલગ અલગ રીતે મળ્યું છે. કદાચ તમને નાનપણથી માબાપે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવતા શીખવ્યું હશે. (પુન. ૬:૬, ૭) અથવા બની શકે કે તમે એવા હજારો લોકોમાંના એક છો જેઓને પ્રચારકાર્ય કરતા સાક્ષીઓ પાસેથી સત્ય મળ્યું છે.—રોમ. ૧૦:૧૩-૧૫; ૧ તીમો. ૨:૩, ૪.

૩. આપણા દરેકમાં કઈ બાબતો સરખી છે?

ભલે આપણે જુદી જુદી પરિસ્થિતિમાંથી આવ્યા હોઈએ. પરંતુ, આપણા દરેકમાં કેટલીક બાબતો સરખી છે. આદમે આજ્ઞા તોડી હોવાથી દરેકને વારસામાં અપૂર્ણતા, પાપ અને મરણ મળ્યાં છે. તેથી, એનાં ખરાબ પરિણામો આપણને ભોગવવાં પડે છે. (રોમ. ૫:૧૨) છતાં, સાચા ભક્તો તરીકે આપણે યહોવાને “પિતા” કહી શકીએ છીએ. ઈશ્વરના પસંદ કરાયેલા પ્રાચીન સમયના ભક્તો, યશાયા ૬૪:૮ના શબ્દો કહી શકતા હતા: “હે યહોવા, હવે તું અમારો પિતા છે.” ઉપરાંત, ઈસુએ શીખવેલી પ્રાર્થનાની શરૂઆત આ શબ્દોથી થાય છે: ‘ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.’—માથ. ૬:૯.

૪, ૫. સ્વર્ગમાંના પિતા પ્રત્યે કદર વધારવા આપણે શાની ચર્ચા કરીશું?

સાચા ભક્તોથી બનેલા કુટુંબની સ્વર્ગમાંના પિતા કાળજી રાખે છે અને તેઓનું રક્ષણ કરે છે. એક ઈશ્વરભક્તે યહોવાના આ વિચારો જણાવ્યા છે: “તે મને પ્રેમથી વળગી રહે છે માટે હું તેને બચાવીશ, તે મારું નામ કબૂલ કરે છે તેથી હું તેની રક્ષા કરીશ.” (ગીત. ૯૧:૧૪, કોમન લેંગ્વેજ) હા, યહોવા પ્રેમથી આપણને શત્રુઓના પંજામાંથી બચાવે છે અને પોતાના લોકો ગણી રક્ષણ કરે છે, જેથી આપણો નાશ ન થાય.

સ્વર્ગમાંના પિતા પ્રત્યે કદર વધારવા ચાલો આપણે આ ત્રણ બાબતો પર વિચાર કરીએ: (૧) પિતા યહોવા પૂરું પાડનાર છે. (૨) તે આપણાં રક્ષક છે. (૩) તે આપણા ખાસ મિત્ર છે. એ બાબતો પર વિચાર કરવાથી પિતા યહોવા સાથેના આપણા સંબંધ પર મનન કરવા અને તેમનો આદર કઈ રીતે કરી શકીએ, એ સમજવા મદદ મળે છે. ઉપરાંત, તેમની સાથે સંબંધ મજબૂત કરનાર લોકોને તે કેવા આશીર્વાદો આપે છે, એ જાણવામાં પણ સહાય મળે છે.—યાકૂ. ૪:૮.

યહોવા મહાન રીતે પૂરું પાડે છે

૬. કઈ એક રીત બતાવે છે કે ‘દરેક ઉત્તમ દાન’ આપનાર યહોવા છે?

શિષ્ય યાકૂબે લખ્યું કે, ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા પાસેથી ઊતરે છે.’ (યાકૂ. ૧:૧૭) આપણું જીવન યહોવા તરફથી મળેલી ઉત્તમ ભેટ છે. (ગીત. ૩૬:૯) તેમની ઇચ્છા પ્રમાણે જીવવાથી હમણાં અઢળક આશીર્વાદો મેળવીશું અને આવનાર નવી દુનિયામાં હંમેશ માટેનું જીવન. (નીતિ. ૧૦:૨૨; ૨ પીત. ૩:૧૩) હવે, સવાલ થાય કે એવું કઈ રીતે શક્ય છે? આપણને પાપ અને મરણ તો આદમથી વારસામાં મળ્યાં છે!

૭. આપણે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ માટે યહોવાએ શું કર્યું છે?

આપણે ધારી પણ ન શકીએ એટલી મહાન રીતોએ યહોવા પૂરું પાડે છે. જેમ કે, આપણે તેમની કૃપાને લાયક ન હોવા છતાં, તે આપણને બચાવે છે. આપણામાંની દરેક વ્યક્તિ પાપ કરે છે અને આદમથી વારસામાં દરેકને ખામીઓ મળી છે. (રોમ. ૩:૨૩) તોપણ, યહોવાએ આપણા પર પ્રેમ બતાવવામાં પહેલ કરી છે, જેના લીધે તેમની સાથે ગાઢ સંબંધ બાંધવો આપણા માટે શક્ય બન્યું છે. યોહાને લખ્યું, ‘ઈશ્વરે પોતાના એકનાએક પુત્રને જગતમાં મોકલ્યા કે આપણે તેમનાથી જીવીએ, એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.’—૧ યોહા. ૪:૯, ૧૦.

૮, ૯. ઈબ્રાહીમ અને ઈસ્હાકના સમયમાં યહોવા કઈ રીતે મહાન પૂરું પાડનાર બન્યા? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

ઈ.સ. પૂર્વે ૧૯મી સદીમાં ઈબ્રાહીમના જીવનમાં એક ઘટના બની, જે બતાવે છે કે યહોવાએ એક પ્રેમાળ જોગવાઈ કરી. એના લીધે, વફાદાર ભક્તો માટે હંમેશનું જીવન મેળવવું શક્ય બન્યું. હિબ્રૂ ૧૧:૧૭-૧૯ સમજાવે છે કે, ‘ઈબ્રાહીમે કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઈસ્હાકનું જાણે બલિદાન આપ્યું. એટલે, જેમને વચનો આપવામાં આવ્યાં હતાં અને જેમને કહેવામાં આવ્યું હતું કે ઈસ્હાકથી તેમનો વંશ ગણાશે, તે પોતાના એકનાએક પુત્રનું બલિદાન આપવા ગયા. કારણ કે મરણ પામેલાઓને પણ ઉઠાડવાને ઈશ્વર સમર્થ છે, એમ તે માનતા હતા. અને પુનરુત્થાનના દૃષ્ટાંત પ્રમાણે તે તેમને પાછો મળ્યો પણ ખરો.’ આમ, ઈબ્રાહીમ પોતાના દીકરા ઈસ્હાકનું બલિદાન આપવા તૈયાર હતા. એવી જ રીતે આખી માણસજાતને બચાવવા યહોવાએ પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું.—યોહાન ૩:૧૬, ૩૬ વાંચો.

ઈસ્હાકને જ્યારે ખ્યાલ આવ્યો કે હવે તેમને પોતાનો જીવ આપવો નહિ પડે, ત્યારે તેમને કેવું લાગ્યું હશે? ચોક્કસ યહોવાનો ઘણો આભાર માન્યો હશે કેમ કે યહોવાએ ઈસ્હાકની જગ્યાએ બલિદાન માટે ઘેટો પૂરો પાડ્યો. (ઉત. ૨૨:૧૦-૧૩) ઈબ્રાહીમે એ જગ્યાનું નામ “યહોવા-યિરેહ” પાડ્યું, હિબ્રૂમાં જેનો અર્થ થાય કે “યહોવા પૂરું પાડશે.”—ઉત. ૨૨:૧૪.

સમાધાન માટે જોગવાઈ

૧૦, ૧૧. “સમાધાન પ્રગટ કરવાની સેવા”માં કોણે આગેવાની લીધી છે અને એવું તેમણે કઈ રીતે કર્યું છે?

૧૦ યહોવા મહાન પૂરું પાડનાર છે, એ વિશે મનન કરીએ છીએ ત્યારે ઈસુના બલિદાન માટે પણ આપણે આભારી થઈએ છીએ. તેમ જ, પાઊલે લખેલા આ શબ્દો સાથે સહમત થઈએ છીએ: ‘ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે કારણ કે, અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે બધા માટે એક મર્યો માટે બધા મર્યા. અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને માટે નહિ, પણ જે તેઓ માટે મર્યો અને પાછો ઊઠ્યો તેમને માટે જીવે, તેથી તે બધાને માટે મર્યો.’—૨ કોરીં. ૫:૧૪, ૧૫.

૧૧ પ્રથમ સદીના ખ્રિસ્તીઓને ઈશ્વર માટે ખૂબ પ્રેમ હતો. તેઓને યહોવાની ભક્તિ કરવાનો જે લહાવો મળ્યો એના માટે તેઓ આભારી હતા. તેઓએ “સમાધાન પ્રગટ કરવાની સેવા” ખુશી ખુશી સ્વીકારી. તેઓનાં પ્રચારકાર્યએ અને શિષ્યો બનાવવાના કામે નમ્ર દિલના લોકો માટે ઈશ્વર સાથે સમાધાન કરવાનો રસ્તો ખોલ્યો છે. તેમ જ, એ લોકોને ઈશ્વરના મિત્ર અને સમય જતાં ઈશ્વરના દીકરાઓ બનવાની તક મળે છે. યહોવાની એવી સેવા, આજના અભિષિક્તો પણ કરી રહ્યા છે. તેઓ યહોવાના અને ખ્રિસ્તના સંદેશવાહકો તરીકે સેવા આપી રહ્યા છે. તેઓના પ્રચારકાર્યથી નમ્ર અને નેક દિલના લોકોને યહોવાની નજીક જવાનો અને તેમના ભક્તો બનવાનો મોકો મળ્યો છે.—૨ કોરીંથી ૫:૧૮-૨૦ વાંચો; યોહા. ૬:૪૪; પ્રે.કૃ. ૧૩:૪૮.

૧૨, ૧૩. યહોવાએ પૂરી પાડેલી બધી બાબતો માટે આપણે કઈ રીતે કદર બતાવી શકીએ?

૧૨ બીજા ઘેટાંના સભ્યો પણ આભારી છે કે યહોવા મહાન રીતે પૂરું પાડે છે. એ માટે તેઓ પણ ખુશખબર જાહેર કરવામાં અભિષિક્તો સાથે જોડાય છે. આપણે એ કામમાં બાઇબલનો ઉપયોગ કરીએ છીએ, જે ઈશ્વર તરફથી મળેલી બીજી એક સુંદર ભેટ છે. (૨ તીમો. ૩:૧૬, ૧૭) આપણે પ્રચારમાં બાઇબલનો કુશળ ઉપયોગ કરીને બીજાઓને હંમેશ માટેનું જીવન મેળવવાની તક આપીએ છીએ. આ કામમાં મદદ મળે માટે આપણામાંનો દરેક જણ યહોવાની હજી એક અદ્ભુત ભેટ એટલે કે, પવિત્ર શક્તિ પર આધાર રાખે છે. (ઝખા. ૪:૬; લુક ૧૧:૧૩) એમ કરવાનાં ખૂબ સારાં પરિણામ આવે છે, જે આપણને યરબુક ઑફ જેહોવાઝ વીટનેસીસ પુસ્તકના દર વર્ષના અંકમાં જોવાં મળે છે. આપણા પિતા અને પૂરું પાડનારની સ્તુતિ કરવાના કામમાં જોડાવું, એ સાચે જ એક મોટો લહાવો છે!

૧૩ ઈશ્વરે આપણને ઘણું બધું પૂરું પાડ્યું છે. તેથી, આપણે આ સવાલો પર વિચાર કરવો જોઈએ: “યહોવાએ જે બધું પૂરું પાડ્યું છે એની ઊંડી કદર બતાવવા શું હું પ્રચારકાર્યમાં મારાથી બનતું બધું કરું છું? ખુશખબરને વધુ સારી રીતે જણાવવા, હું શું કરી શકું?” જીવનમાં રાજ્યને લગતી બાબતોને પ્રથમ મૂકીને આપણે ઈશ્વર માટે કદર બતાવીએ છીએ. એમ કરીશું તો યહોવા પણ ધ્યાન રાખશે કે આપણી દરેક જરૂરિયાતો પૂરી થાય. (માથ. ૬:૨૫-૩૩) યહોવા આપણી પ્રેમાળ કાળજી રાખે છે માટે આપણે તેમના દિલને આનંદ આપવા બનતું બધું જ કરવા માંગીએ છીએ.—નીતિ. ૨૭:૧૧.

૧૪. યહોવા કઈ રીતે પોતાના લોકોના છોડાવનાર બન્યા છે?

૧૪ ઈશ્વરભક્ત દાઊદે ગાયું, ‘હું દીન અને દરિદ્રી છું તોપણ પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો.’ (ગીત. ૪૦:૧૭) યહોવા વારંવાર પોતાના લોકોના સમૂહને છોડાવનાર બન્યા છે. ખાસ કરીને એવા સમયોમાં જ્યારે દુશ્મનોએ પાછળ પડીને ક્રૂર રીતે સતાવણી કરી. એ વખતે યહોવાએ જે મદદ પૂરી પાડી અને ભક્તિમાં ટકાવી રાખવા જે જોગવાઈઓ કરી, એ બધા માટે આપણે કેટલા આભારી છીએ!

યહોવા રક્ષણ આપે છે

૧૫. દાખલો આપી સમજાવો કે કઈ રીતે એક પ્રેમાળ પિતા પોતાના બાળકનું રક્ષણ કરે છે.

૧૫ એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાથે રક્ષણ પણ આપે છે. જો બાળકો કોઈ જોખમમાં હોય, તો તે તરત તેઓને છોડાવવાનો પ્રયત્ન કરશે. આપણા એક ભાઈએ નાના હતા ત્યારે તેમની સાથે બનેલો એક બનાવ જણાવ્યો. તે અને તેમના પિતા એક દિવસે પ્રચારકાર્ય પતાવીને પાછા ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓએ એક ઝરણું પાર કરવાનું હતું. એ દિવસે સવારે ઘણો વરસાદ પડ્યો હોવાથી ઝરણામાં ઘણું પાણી પૂર ઝડપે વહી રહ્યું હતું. તેઓ પાસે એક જ રસ્તો હતો કે એક મોટા પથ્થરથી બીજા પર કૂદીને તેઓ પેલે પાર જાય. ભાઈએ પિતા કરતાં આગળ જઈને પથ્થર પર કૂદકો માર્યો. પરંતુ, તે લપસીને પાણીના વહેણમાં પડ્યા. તે ડૂબવા લાગ્યા કે તરત તેમના પિતાએ તેમનો ખભો પકડ્યો અને બચાવી લીધા. એ માટે તે ચોક્કસ પોતાના પિતાના બહુ જ આભારી હશે! એવી જ રીતે, દુષ્ટ જગતના જોખમોથી અને એના શાસક શેતાનથી સ્વર્ગમાંના પિતા આપણું રક્ષણ કરે છે. સાચે જ, આપણા માટે યહોવા કરતાં બીજો કોઈ સારો રક્ષક ન હોય શકે!—માથ. ૬:૧૩; ૧ યોહા. ૫:૧૯.

૧૬, ૧૭. ઈસ્રાએલીઓ અમાલેકીઓ સાથે લડતા હતા ત્યારે યહોવાએ કઈ રીતે તેઓને મદદ કરી અને રક્ષણ આપ્યું?

૧૬ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં, યહોવાએ પોતાના લોકોનું પ્રેમથી રક્ષણ કર્યું. તેમણે ઈસ્રાએલીઓને ઇજિપ્તની (મિસરની) ગુલામીમાંથી છોડાવ્યા. લાલ સમુદ્ર પાર કરતી વખતે પણ તેઓનો ચમત્કારિક રીતે બચાવ કર્યો. એ પછી તેઓ વેરાન વિસ્તાર પાર કરીને સિનાઈ પર્વત નજીક આવ્યા. એ જગ્યાનું નામ રફીદીમ હતું.

૧૭ ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને ઈશ્વરના લોકો પર હુમલો કરવા શેતાન ઘણો આતુર હશે. તેને એવું લાગ્યું હશે કે ઈસ્રાએલીઓ પોતાનું રક્ષણ નહિ કરી શકે. હુમલો કરવા તેણે એક રીતે અમાલેકીઓને વાપર્યા, જેઓ ઈશ્વરના લોકોના દુશ્મનો હતા. (ગણ. ૨૪:૨૦) યહોવાએ પોતાના લોકોનું રક્ષણ કરવા કઈ રીતે મુસા, યહોશુઆ, હારૂન અને હૂરનો ઉપયોગ કર્યો? યહોશુઆ અને તેમના માણસો અમાલેકીઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતા. એ સમયે મુસા, હારૂન અને હૂર નજીકના પહાડ પર હતા. એ જગ્યાએ મુસા પોતાના બંને હાથ ઊંચા રાખતા ત્યાં સુધી યહોવાની મદદથી ઈસ્રાએલીઓ જીતતા. પરંતુ, થાકી જવાથી મુસા પોતાના હાથ ઊંચા ન રાખી શક્યા ત્યારે, હારૂન અને હૂરે તેમના હાથને ટેકો આપ્યો. આમ, યહોવાની મદદ અને રક્ષણથી યહોશુઆએ “અમાલેકનો તથા તેના લોકનો પરાજય કર્યો.” (નિર્ગ. ૧૭:૮-૧૩) એ પછી મુસાએ ત્યાં એક વેદી બાંધી અને એનું નામ તેમણે “યહોવા-નિસ્સી” પાડ્યું, જેનો અર્થ થાય “યહોવા મારો આશ્રય છે.”—નિર્ગમન ૧૭:૧૪, ૧૫ વાંચો.

શેતાનના પંજાથી બચાવ્યા

૧૮, ૧૯. આજના સમયમાં યહોવાએ પોતાના ભક્તો માટે કેવું રક્ષણ પૂરું પાડ્યું છે?

૧૮ જેઓ યહોવાને પ્રેમ કરે છે અને તેમનું કહેવું માને છે તેઓને તે રક્ષણ આપે છે. રફીદીમમાં ઈસ્રાએલીઓ પર હુમલો થયો તેમ આપણા પર વિરોધીઓ હુમલો કરે ત્યારે, રક્ષણ માટે આપણે યહોવા પર આધાર રાખીએ. યહોવાએ ઘણી વાર પોતાના લોકોનું એક સમૂહ તરીકે રક્ષણ કર્યું છે અને તેઓને શેતાનના પંજામાંથી બચાવ્યા છે. દાખલા તરીકે, રાજકીય કે લશ્કરી બાબતોમાં ભાગ ન લીધો હોવાથી કેટલાંક ભાઈ-બહેનોની સતાવણી થઈ. એ વખતે યહોવાએ તેઓનું રક્ષણ કર્યું. એવું, ૧૯૩૦થી ૪૦ના દાયકાની શરૂઆતમાં નાઝી હકૂમત વખતે જર્મની અને બીજા દેશોમાં બન્યું. એ વિશે યરબુકમાં આપણને ભાઈ-બહેનોનાં અનુભવો જોવા મળે છે. સતાવણીમાં યહોવાએ તેઓનું કઈ રીતે રક્ષણ કર્યું એ વિશે વાંચીને મનન કરવાથી, યહોવામાં આપણો ભરોસો મજબૂત થાય છે.—ગીત. ૯૧:૨.

યહોવા આપણાં ભાઈ-બહેનો દ્વારા આપણને મુશ્કેલ સમયમાં વફાદાર બની રહેવા મદદ કરે છે (ફકરા ૧૮-૨૦ જુઓ)

૧૯ યહોવાનાં સંગઠન અને એનાં સાહિત્ય દ્વારા આપણા રક્ષણ માટે પ્રેમાળ સૂચનો આપવામાં આવે છે. જરા વિચારો કે આજના સમયમાં એ બધાં સૂચનો આપણા માટે કેટલાં ફાયદાકારક છે! આજે આખું જગત દુષ્ટ અને અશ્લીલ બાબતોના દલદલમાં ડૂબતું જાય છે. આવા સમયમાં યહોવાએ આપણને મહત્ત્વનાં અને વ્યવહારું સૂચનો આપ્યાં છે, જેથી આપણો યહોવા સાથેનો સંબંધ ન તૂટે. દાખલા તરીકે, ઈશ્વર પ્રેમાળ પિતાની જેમ આપણને સલાહ આપે છે કે, સોશિયલ નેટવર્કની સાઇટ્સનો ખોટો ઉપયોગ ન કરીએ અને ખરાબ સંગતથી બચીએ. *૧ કોરીં. ૧૫:૩૩.

૨૦. આપણને ક્યાંથી રક્ષણ અને માર્ગદર્શન મળે છે અને કઈ રીતે?

૨૦ આપણે “યહોવાના શિષ્ય” બની તેમની પાસેથી શીખી રહ્યા છીએ, એવું કઈ રીતે બતાવી શકીએ? પૂરી રીતે તેમની આજ્ઞાઓ પાળીને. (યશા. ૫૪:૧૩) આપણા મંડળો સુરક્ષિત આશરો છે, જ્યાં આપણને જોઈતું માર્ગદર્શન અને રક્ષણ મળી રહે છે કેમ કે, ત્યાં વડીલો આપણને બાઇબલ આધારિત સલાહ અને મદદ આપે છે. (ગલા. ૬:૧) એ “માણસોને દાન” તરીકે આપીને યહોવા આપણી પ્રેમાળ રીતે કાળજી રાખે છે. (એફે. ૪:૭, ૮) તેઓ સલાહ કે સૂચનો આપે ત્યારે આપણે એ પ્રમાણે કરવું જોઈએ. શા માટે? એમ કરવાથી યહોવાના આશીર્વાદ મળે છે.—હિબ્રૂ ૧૩:૧૭.

૨૧. (ક) આપણે શું કરવાનો નિર્ણય લીધો છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

૨૧ ચાલો આપણે સ્વર્ગમાંના પિતાની પવિત્ર શક્તિની મદદ પર આધાર રાખીએ અને તેમનું માર્ગદર્શન સ્વીકારીએ. એ ઉપરાંત, તેમના પુત્ર ઈસુના જીવન પર મનન કરીએ અને તેમને અનુસરવા બનતું બધું કરીએ. ઈસુને ઘણું મોટું ઈનામ મળ્યું કેમ કે તે ‘મરણ સુધી આધીન’ રહ્યા. (ફિલિ. ૨:૫-૧૧) તેમની જેમ આપણે પણ યહોવામાં ભરોસો રાખીશું તો આશીર્વાદ પામીશું. (નીતિ. ૩:૫, ૬) એ માટે જરૂરી છે કે, આપણે હંમેશાં યહોવાને જ આપણા મહાન રીતે પૂરું પાડનાર અને રક્ષક ગણીએ. તેમની ભક્તિ કરવાનો લહાવો ખરેખર ઘણો અજોડ અને આનંદ આપનારો છે! યહોવા આપણા સૌથી સારા મિત્ર પણ છે. કઈ રીતે? એ વિશે હવે પછીના લેખમાં ચર્ચા કરીશું. એનાથી તેમના માટે આપણો પ્રેમ હજું વધશે.

^ ફકરો. 19 આ વિષયને લગતાં વધુ સૂચનો માટે આ લેખો જુઓ: “સોશિયલ નેટવર્કિંગ વિશે શું ધ્યાન રાખવું જોઈએ?” ભાગ ૧ અને ૨, જાન્યુઆરી-માર્ચ ૨૦૧૨નું સજાગ બનો!, ­પાન ૧૪થી ૨૧. “શેતાનના ફાંદાથી સાવધ રહો!” અને “અડગ રહો અને શેતાનના ફાંદાઓથી દૂર રહો,” ઑગસ્ટ ૧, ૨૦૧૨નું ચોકીબુરજ, પાન ૨૩થી ૩૨.