સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

 આપણો ઇતિહાસ

શ્રદ્ધા મજબૂત કરતો ૧૦૦ વર્ષ જૂનો અજોડ બનાવ

શ્રદ્ધા મજબૂત કરતો ૧૦૦ વર્ષ જૂનો અજોડ બનાવ

“એમાં ભાઈ રસેલ એકદમ ભાઈ રસેલ જેવા દેખાય છે!” —“ફોટો ડ્રામા” જોનાર એક વ્યક્તિ, ૧૯૧૪.

આ વર્ષે “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન”ના પ્રથમ શોનાં ૧૦૦ વર્ષ પૂરાં થશે. બાઇબલ ઈશ્વરનો શબ્દ છે, એવી શ્રદ્ધા જગાડવા એ ડ્રામા બનાવવામાં આવ્યો હતો. એ સમયે ઉત્ક્રાંતિવાદ, સત્ય માટે ટીકા અને શંકાના વાતાવરણને લીધે ઘણા લોકોની શ્રદ્ધા ઠંડી પડી ગઈ હતી. “ફોટો ડ્રામા” જાહેર કરતો હતો કે, યહોવા સર્જનહાર છે.

બાઇબલ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ટી. રસેલ આગેવાની લેતા હતા. તે એવી રીતોની શોધમાં હતા જેથી, બાઇબલ સત્ય સૌથી અસરકારક અને ઝડપી રીતે લોકો સુધી પહોંચે. ત્રણ દાયકાઓ કરતાં વધારે સમયથી બાઇબલ વિદ્યાર્થીઓ છાપેલાં સાહિત્યનો ઉપયોગ કરતા હતા. પછી, એક નવી બાબતે તેઓનું ધ્યાન ખેંચ્યું: હાલતાં-ચાલતાં ચિત્રો.

હાલતાં-ચાલતાં ચિત્રો દ્વારા સુવાર્તા ફેલાવવામાં આવી

૧૮૯૦ના દાયકામાં મૂક હાલતાં-ચાલતાં ચિત્રો દુનિયા સામે પહેલી વાર રજૂ કરવામાં આવ્યાં હતાં. ૧૯૦૩ની શરૂઆતમાં ન્યૂ યૉર્ક સીટી ચર્ચમાં ધાર્મિક ચલચિત્ર બતાવવામાં આવ્યું હતું. ૧૯૧૨માં એવી ફિલ્મો હજુ તો ઘોડિયામાં જ હતી. એ સમયે ભાઈ રસેલે સાહસ કરીને “ફોટો ડ્રામા”ની તૈયારીઓ શરૂ કરી. તે જાણતા હતા કે છાપેલાં સાહિત્ય કરતાં આ રીતથી અનેક ગણા લોકો સુધી પહોંચી શકાશે.

“ફોટો ડ્રામા” આઠ કલાકનો હતો, જે મોટા ભાગે ચાર ભાગમાં બતાવવામાં આવતો. એમાં બાઇબલ પર આધારિત ૯૬ નાનાં-નાનાં ભાષણો હતાં. એ સમયના જાણીતા વક્તાએ ભાષણો માટે અવાજ આપ્યો હતો. સંગીત સાથે ઘણાં દૃશ્યો પણ હતાં. કુશળ ઑપરેટર ફોનોગ્રાફ પર અવાજ અને સંગીત વગાડતા. તેઓ એવી રીતે વગાડતા જેથી રંગીન સ્લાઇડ અને બાઇબલની પ્રખ્યાત વાર્તાની ફિલ્મનાં દૃશ્યોની એ સુમેળમાં હોય.

“તારાઓના સર્જનથી લઈને ખ્રિસ્તના હજાર વર્ષના રાજના અંત ભાગ સુધીનું અદ્ભુત ચિત્ર એમાં રજૂ કરવામાં આવ્યું હતું.”—૧૯૧૪માં, એફ. સ્ટુઅર્ટ બારનેસ ૧૪ વર્ષની ઉંમરે

ફિલ્મનાં ઘણાં દૃશ્યો અને કાચની સ્લાઇડ્સ બહારના સ્ટુડિયોમાંથી લાવવામાં આવ્યાં હતાં. ફિલાડેલ્ફિઆ, ન્યૂ યૉર્ક, પૅરિસ અને લંડનના નિપુણ કલાકારોએ કાચની સ્લાઇડ અને ફિલ્મની દરેક ફ્રૅમમાં હાથેથી રંગો પૂર્યા હતા. બેથેલના આર્ટ રૂમમાં પણ ઘણા ભાઈઓ ચિત્રો બનાવતા અને તૂટેલી સ્લાઇડની જગ્યાએ નવી સ્લાઇડ બનાવીને મૂકતા. ખરીદેલી ફિલ્મો ઉપરાંત, બેથેલ કુટુંબનાં સભ્યો, ન્યૂ યૉર્ક પાસે આવેલી યોંકર્સ નામની જગ્યાએ શૂટિંગ કરતા. તેઓ ઈબ્રાહીમ, ઈસ્હાક અને એ દૂતનો અભિનય કરતા જેણે ઈબ્રાહીમને પોતાના દીકરાનું બલિદાન કરવા જતાં રોક્યા હતા.—ઉત. ૨૨:૯-૧૨.

કુશળ ઑપરેટરો બે માઈલની ફિલ્મ, ૨૬ ફોનોગ્રાફ રેકોર્ડ અને આશરે ૫૦૦ કાચની સ્લાઇડ શોમાં એક સાથે સમયસર ચલાવતાં

આ વિશે ભાઈ રસેલના સાથીએ સમાચાર માધ્યમોને જણાવ્યું કે, “આના લીધે હજારો લોકોને બાઇબલમાં રસ પડશે, ભૂતકાળમાં ધર્મને આગળ વધારવા આના જેવું કંઈ જ કરવામાં આવ્યું નથી.” લોકોની ભક્તિની ભૂખ સંતોષવા માટે થઈ રહેલા આ પ્રયાસની, શું પાદરી વર્ગે પ્રશંસા કરી? ના, ચર્ચોના આગેવાનોએ “ફોટો ડ્રામા”ની નિંદા કરી. અરે, અમુકે તો લોકોને એ જોતા અટકાવવા કાવતરાં પણ કર્યાં. એક જગ્યાએ, આગેવાનોના ટોળાએ ત્યાંની વીજળી કાપી નાખી.

હૉલના દરવાજે આવકાર માટે ઊભી રહેતી સ્થાનિક મંડળની બહેનોએ “ફોટો ડ્રામા”ના ચિત્રોવાળા લાખો ચોપાનિયાં વહેંચ્યાં

હાજર રહેનારાઓને “પાક્સ” પીન આપવામાં આવતી, જેના પર બાળ ઈસુનું ચિત્ર હતું. લોકોને એ “શાંતિના દીકરા” થવાનું યાદ અપાવતી

એ બધું હોવા છતાં, “ફોટો ડ્રામા”ના થિયેટર લોકોથી ખીચોખીચ ભરાઈ જતાં હતાં. એ શો વિના મૂલ્યે જોઈ શકાતો હતો. અમેરિકામાં, આશરે ૮૦ શહેરોમાં દરરોજ “ફોટો ડ્રામા”ના શો યોજવામાં આવતા હતા. ઘણા લોકો નવાઈ પામતા, કેમ કે તેઓ પહેલી વાર “બોલતું ચલચિત્ર” જોઈ રહ્યા હતા. એક પછી એક ઝડપથી ફોટા બતાવવામાં આવતા, જેના લીધે ઈંડાંમાંથી નીકળતા બચ્ચાનું અને ફૂલના ખીલવાનું સુંદર દૃશ્ય રચાતું. એ સમયની વૈજ્ઞાનિક માહિતી દ્વારા યહોવાનું અદ્ભુત જ્ઞાન દર્શાવવામાં આવ્યું હતું. લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ, પડદા પર ભાઈ રસેલને “ફોટો ડ્રામા”ની રજૂઆત કરતા જોઈને એક વ્યક્તિએ કહ્યું: “એમાં ભાઈ રસેલ એકદમ ભાઈ રસેલ જેવા દેખાય છે!”

બાઇબલ શિક્ષણ ફેલાવવાંમાં એક યાદગાર બાબત બન્યો

“ફોટો ડ્રામા”નો પ્રથમ શો ન્યૂ યૉર્કના આ થિએટરમાં જાન્યુઆરી ૧૧, ૧૯૧૪ના રોજ યોજવામાં આવ્યો હતો. આ થિયેટર ઇન્ટરનેશનલ બાઇબલ સ્ટુડન્ટ્સ ઍસોસિયેશનનું હતું અને તેઓ એની દેખરેખ રાખતા હતા

ટિમ ડર્ક્સ, લેખક અને ફિલ્મ ઇતિહાસકારે “ફોટો ડ્રામા” વિશે આમ જણાવ્યું: “એ પ્રથમ એવું મોટું ચલચિત્ર હતું, જેમાં પહેલેથી રેકોર્ડ કરેલો અવાજ, ફિલ્મ અને જાદુઈ રંગોની સ્લાઇડ એક સાથે ચાલતી હતી.” અગાઉની ફિલ્મોમાં “ફોટો ડ્રામા” જેવી એકાદ બાબત જોવા મળતી પણ બધી જ એક સાથે નહિ. ખાસ કરીને કોઈ બાઇબલ આધારિત ફિલ્મમાં એવું થયું ન હતું. બીજી કોઈ પણ ફિલ્મ આટલા બધા લોકોએ જોઈ ન હતી. ઉત્તર અમેરિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ ફરતે આશરે ૯૦ લાખ લોકોએ “ફોટો ડ્રામા”નો આનંદ ઉઠાવ્યો હતો.

“ફોટો ડ્રામા”નો પ્રથમ શો ન્યૂ યૉર્કમાં જાન્યુઆરી ૧૧, ૧૯૧૪ના રોજ યોજવામાં આવ્યો હતો. એના સાત મહિના પછી, એક મોટી આફત આવી જે પ્રથમ વિશ્વયુદ્ધ તરીકે ઓળખાઈ. પરંતુ, દુનિયાભરમાં લોકો “ફોટો ડ્રામા” જોવા ભેગા થતા હતા. તેઓ ઈશ્વરના રાજ્યમાં મળનારા આશીર્વાદોનું આબેહૂબ ચિત્ર જોઈને દિલાસો પામતા. વર્ષ ૧૯૧૪માં બનાવેલો “ફોટો ડ્રામા” સૌથી યાદગાર હતો.

આખા ઉત્તર અમેરિકામાં “ફોટો ડ્રામા”ના ૨૦ સેટ વાપરવામાં આવ્યા હતા