સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?

કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?

બ્રાઝિલમાં રહેતા એક પિતા જણાવે છે: ‘કુટુંબ તરીકે ભક્તિની સાંજે અમે ચર્ચામાં એટલા ડૂબી જઈએ છીએ કે સમયનો ખ્યાલ જ નથી રહેતો. જો હું ન રોકું તો મોડી રાત સુધી એ ચાલ્યા જ કરે.’ જાપાનમાં રહેતા એક પિતા જણાવે છે કે તેમના ૧૦ વર્ષના દીકરાને કુટુંબ તરીકેની ભક્તિ એટલી ગમે છે કે સમયનો વિચાર કર્યા વગર તે એને ચાલુ રાખવા માંગે છે. શા માટે? પિતા જણાવે છે: ‘તેને એના માટે ખૂબ ધગશ છે. એના લીધે તેને બહુ મજા આવે છે.’

જોકે, બધાં બાળકોમાં કુટુંબ તરીકેની ભક્તિ માટે એવી ધગશ હોતી નથી. ખરું જોતા, તેઓને એમાં મજા આવતી નથી. શા માટે? ટોગોમાં રહેતા એક પિતા પોતાના અનુભવમાંથી જણાવે છે, ‘યહોવાની ભક્તિ કંટાળાજનક ન હોવી જોઈએ.’ જો એ કંટાળાજનક હોય તો એનો અર્થ થાય કે એ જે રીતે ચલાવવામાં આવે છે, એમાં સુધારો કરવાની જરૂર છે. યશાયાના સમયમાં અમુક ઈસ્રાએલીઓ માટે સાબ્બાથ “આનંદદાયક” હતો. એવી જ રીતે, ઘણાં કુટુંબોને જોવા મળ્યું છે કે ભક્તિની એ ગોઠવણ “આનંદદાયક” બની શકે છે.યશા. ૫૮:૧૩, ૧૪.

ઘણા પિતાઓને ખ્યાલ આવ્યો છે કે કુટુંબ તરીકેની ભક્તિ વખતે વાતાવરણ ગંભીર નહિ પણ, મજા આવે એવું હશે તો જ કુટુંબ એનો આનંદ માણી શકશે. ભાઈ રાલ્ફને ત્રણ દીકરી અને એક દીકરો છે. તે જણાવે છે કે તેમની કુટુંબ તરીકેની ભક્તિ સામાન્ય વાતચીત જેવી હોય છે જેમાં દરેક ભાગ લે છે. બની શકે કે, દરેક વ્યક્તિનો ચર્ચામાં રસ જાળવી રાખવો કદાચ અઘરું લાગે. એક માતા જણાવે છે, ‘હું ઇચ્છું તો છું કે દર વખતે એ ભક્તિ બધાને મજા આવે એવી હોય. પણ, દર વખતે એમ કરવાની મારી પાસે શક્તિ હોતી નથી.’ શું તમે કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવી શકો?

વિવિધતા લાવીએ

જર્મનીમાં રહેતા બે બાળકોનાં પિતા જણાવે છે, ‘આપણે બાંધછોડ કરવા તૈયાર રહેવું પડે.’ નટાલીયા, જે બે બાળકોની માતા છે, તે જણાવે છે કે, ‘અમારી કુટુંબ તરીકેની ભક્તિમાં સૌથી મહત્ત્વની બાબત છે: વિવિધતા, વિવિધતા અને વિવિધતા.’ ઘણાં કુટુંબો એ ભક્તિમાં જુદી જુદી બાબતો કરે છે. બ્રાઝિલમાં રહેતા બે તરુણોના પિતા ક્લેટોન વિવિધતા લાવવા વિશે જણાવે છે, ‘એમ કરવાથી ભક્તિ ખૂબ જ રસપ્રદ બને છે અને બધા જ સભ્યો એમાં ભાગ લઈ શકે છે.’ જો બાળકોની ઉંમરમાં ઘણો તફાવત હોય તો ભક્તિને જુદા જુદા ભાગમાં વહેંચી નાખવાથી માબાપ દરેક પર પૂરતું ધ્યાન આપી શકશે. વધુમાં, તેઓએ સાહિત્યની પસંદગી અને અભ્યાસની રીતમાં બાંધછોડ કરવી જોઈએ.

કુટુંબ તરીકેની ભક્તિમાં વિવિધતા લાવવા અમુક કુટુંબો શું કરે છે? તેઓ એ ભક્તિની શરૂઆત યહોવાને ગીત ગાઈને કરે છે. મેક્સિકોમાં રહેતા ભાઈ જોઆન કહે છે, ‘એમ કરવાથી અમે બધા તાજગી અનુભવીએ છીએ અને અભ્યાસ માટે અમારું મન તૈયાર થાય છે.’ એ ભાઈનું કુટુંબ જે માહિતી વિશે અભ્યાસ કરવાનું હોય એને લગતું ગીત પસંદ કરે છે.

શ્રી લંકા

અમુક કુટુંબોમાં બધા સાથે મળીને બાઇબલનો કોઈ એક અહેવાલ વાંચે છે. વિવિધતા લાવવા માટે કુટુંબના અલગ અલગ સભ્યો એ અહેવાલના જુદાં જુદાં પાત્રોના ભાગ વાંચે છે. જાપાનમાં રહેતા એક પિતા સ્વીકારે છે કે, ‘શરૂઆતમાં મને આ રીતે વાંચન કરવું અજુગતું લાગતું.’ પરંતુ, તેમના બે દીકરાઓને પોતાનાં માબાપ સાથે એ રીતે વાંચન કરવામાં મજા આવતી હતી. કેટલાક કુટુંબો બાઇબલની વાર્તા પર નાટક પણ ભજવે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા બે દીકરાના પિતા ભાઈ રોજર જણાવે છે, ‘ઘણી વખતે બાળકો બાઇબલ અહેવાલમાં એવી બાબતો જોઈ શકે છે, જે કદાચ માબાપ જોઈ શકતાં નથી.’

 

દક્ષિણ આફ્રિકા

એ ભક્તિમાં વધુ વિવિધતા લાવવા માટે કુટુંબો નુહનું વહાણ કે સુલેમાનનું મંદિર બનાવવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. એવી પ્રવૃત્તિ કરતી વખતે સંશોધન કરવાની ઘણી મજા આવે છે. દાખલા તરીકે, એશિયામાં રહેતી પાંચ વર્ષની બાળકીએ પોતાનાં માબાપ અને દાદી સાથે મળીને એવું જ કંઈક કર્યું. તેઓએ પાઊલની મિશનરી મુસાફરીના અહેવાલના આધારે પાટીયા ઉપર રમી શકાય એવી રમત બનાવી હતી. એવી જ રીતે, બીજાં કેટલાક કુટુંબોએ નિર્ગમન પુસ્તકના અહેવાલના આધારે રમતો બનાવી છે. ટોગોમાં રહેતા ૧૯ વર્ષના ડોનાલ્ડ કહે છે કે વિવિધતા લાવવાથી ‘અમારી કુટુંબ તરીકેની ભક્તિને અને કુટુંબને નવો જોશ મળ્યો છે.’ તમારી કુટુંબ તરીકેની ભક્તિને મજેદાર બનાવવા શું તમે આવી કોઈ પ્રવૃત્તિઓ વિશે વિચારી શકો?

અમેરિકા

તૈયારી ખૂબ જરૂરી

ખરું કે, વિવિધતા લાવવાથી અને બાંધછોડ કરવાથી કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બને છે. પરંતુ, એમાંથી બધા શીખી શકે માટે જરૂરી છે કે દરેક સભ્ય સારી તૈયારી કરે. અમુક વાર, બાળકોને લાંબો સમય બેસી રહેવું અઘરું લાગે. એ કારણે પિતાએ અગાઉથી વિચાર કરીને માહિતી પસંદ કરવી જોઈએ અને સારી તૈયારી માટે સમય આપવો જોઈએ. એક પિતા જણાવે છે, ‘હું સારી તૈયારી કરું છું ત્યારે બધાને શીખવામાં મજા આવે છે.’ જર્મનીમાં રહેતા એક પિતા પોતાના કુટુંબને અગાઉથી જણાવે છે કે આવનાર અઠવાડિયાઓમાં શાની ચર્ચા થશે. બેનિનમાં રહેતા છ બાળકોનાં પિતા કુટુંબ તરીકેની ભક્તિમાં અમુક વખતે બાઇબલ આધારિત ડીવીડી બતાવે છે. પરંતુ, ડીવીડી બતાવવાના અમુક દિવસો પહેલાં જ તે એને લગતા પ્રશ્નો દરેક સભ્યને આપી રાખે છે. સારી તૈયારી કરવાથી કુટુંબ તરીકેની ભક્તિ પણ સારી બને છે.

કુટુંબના સભ્યોને જો ખબર હોય કે તેઓ શાની ચર્ચા કરવાના છે, તો તેઓ અઠવાડિયા દરમિયાન એ વિશે વાત કરી શકે. આમ, તેઓ એની આતુરતાથી રાહ જોશે. દરેકને કોઈ ભાગ મળે છે ત્યારે તેને લાગે છે કે એ કુટુંબ તરીકેની ભક્તિ તેની પોતાની છે.

નિયમિત રહીએ

ઘણાં કુટુંબોને નિયમિત રીતે ભક્તિ કરવી અઘરી લાગે છે. શા માટે?

કેટલાક માબાપને કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા ઘણા કલાકો કામ કરવું પડે છે. દાખલા તરીકે, મેક્સિકોમાં રહેતા એક પિતા ઘરેથી સવારે છ વાગ્યે નીકળે છે અને રાત્રે આઠ વાગ્યે પાછા ફરે છે. એવું પણ બને કે આપણે કુટુંબ તરીકેની ભક્તિના દિવસમાં સંમેલન અથવા સરકીટ વિઝિટને કારણે ફેરફાર કરવો પડે.

છતાં, મુશ્કેલ સંજોગોમાં પણ કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત રીતે કરવાનો દૃઢ નિર્ણય કરીએ. ટોગોમાં રહેતી ૧૧ વર્ષની લુઈસ પોતાના કુટુંબના મક્કમ નિર્ણય વિશે જણાવતા કહે છે, ‘દિવસ દરમિયાન અમુક કારણોને લીધે ભલે અમારે કુટુંબ તરીકેની ભક્તિ મોડી શરૂ કરવી પડે, પણ અમે એને અચૂક કરીએ છીએ.’ જોઈ શકાય કે અમુક કુટુંબો તેઓની એ ભક્તિ અઠવાડિયાના શરૂઆતમાં જ કેમ ગોઠવે છે. જો એ દિવસે અણધાર્યા સંજોગો ઊભા થાય, તો ભક્તિને અઠવાડિયાના બીજા કોઈ દિવસે ગોઠવી શકાય.

આપણે એને શા માટે “કુટુંબ તરીકેની ભક્તિ” કહીએ છીએ? કારણ કે યહોવાની ભક્તિનો એ એક ભાગ છે. તેથી, ચાલો આપણા કુટુંબનો દરેક સભ્ય યહોવાને દર અઠવાડિયે પોતાના “હોઠોનું અર્પણ ચઢાવી” શકે એવું કરીએ. (હોશી. ૧૪:૨) “યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.” તેથી, ચાલો ભક્તિનો એ સમય કુટુંબના બધા સભ્યો માટે મજેદાર બનાવીએ.નહે. ૮:૯, ૧૦.