સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા વૃદ્ધજનોને માન આપીએ

આપણા વૃદ્ધજનોને માન આપીએ

‘તમે વૃદ્ધ માણસોને માન આપો.’લેવી. ૧૯:૩૨.

૧. મનુષ્ય આજે કેવી કરૂણ હાલતમાં છે?

યહોવાએ કદી ઇચ્છયું ન હતું કે માણસો વૃદ્ધ થાય અને એ ઉંમરે આવતી તકલીફોથી પીડાય. એના બદલે તેમનો હેતુ હતો કે, મનુષ્ય સુંદર બગીચા જેવી ધરતી પર તંદુરસ્ત જીવનનો આનંદ માણે. પરંતુ, અત્યારે તો ‘આખી સૃષ્ટિ નિસાસા નાખીને વેદનાથી પીડાય છે.’ (રોમ. ૮:૨૨) તમને શું લાગે છે, મનુષ્યને પાપનાં ખરાબ પરિણામો ભોગવતાં જોઈ, ઈશ્વર કેવું અનુભવતા હશે? વધુમાં, આજે એવું પણ જોવા મળે છે કે ઘણા વૃદ્ધોને જ્યારે મદદની સૌથી વધારે જરૂર હોય ત્યારે જ તેઓને તરછોડી દેવામાં આવે છે.ગીત. ૩૯:૫; ૨ તીમો. ૩:૩.

૨. શા માટે ઈશ્વરભક્તો આભારી છે કે તેઓના મંડળમાં વૃદ્ધો છે?

ઈશ્વરભક્તો આભારી છે કે તેઓના મંડળમાં વૃદ્ધો છે. કારણ, તેઓનાં જ્ઞાન અને અનુભવથી આપણને ફાયદો થાય છે અને તેઓની શ્રદ્ધા જોઈને પ્રેરણા મળે છે. આપણામાંના મોટા ભાગનાં કુટુંબોમાં વૃદ્ધો હોય છે. ભલે એ વૃદ્ધો આપણાં કુટુંબીજનો હોય કે ન હોય છતાં, આપણે તેઓની કાળજી રાખવામાં રસ લઈએ છીએ. (ગલા. ૬:૧૦; ૧ પીત. ૧:૨૨) વૃદ્ધો વિશે ઈશ્વરને કેવું લાગે છે એનો વિચાર કરવાથી ફાયદો થશે. આપણે એ પણ જોઈશું કે વૃદ્ધ સ્નેહીજનો પ્રત્યે કુટુંબીજનોની અને મંડળની શી જવાબદારીઓ છે.

“મને તજી ન દે”

૩, ૪. (ક) ગીતશાસ્ત્ર ૭૧ના લેખકે યહોવાને કઈ વિનંતી કરી? (ખ) મંડળના વૃદ્ધો પણ યહોવા પાસે શું માંગી શકે?

ગીતશાસ્ત્ર ૭૧:૯ જણાવે છે: “વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.” એ શબ્દો કદાચ દાઊદે લખ્યા હશે. તેમણે આખું જીવન ઈશ્વરભક્તિમાં વિતાવ્યું હતું અને યહોવાએ તેમના દ્વારાં ઘણાં મહાન કામ કર્યાં હતાં. (૧ શમૂ. ૧૭:૩૩-૩૭, ૫૦; ૧ રાજા. ૨:૧-૩, ૧૦) એમ હોવાં છતાં, દાઊદ જ્યારે વૃદ્ધ થયા ત્યારે તેમણે યહોવાને અરજ કરી કે તેમની સંભાળ રાખે.ગીતશાસ્ત્ર ૭૧:૧૭, ૧૮ વાંચો.

આજે ઘણા લોકો દાઊદ જેવા છે. વધતી ઉંમર અને “માઠા દિવસો”નો સામનો કરતા હોવા છતાં, ઈશ્વરને મહિમા આપવા તેઓ બનતું બધું કરે છે. (સભા. ૧૨:૧-૭) ખરું કે, તેઓમાંના ઘણા આજે ખુશખબર ફેલાવવામાં પણ પહેલાં જેટલું કરી શકતા નથી. તોપણ, તેઓ સંભાળ અને આશીર્વાદ માટે યહોવાને પ્રાર્થના કરી શકે. તેઓ ખાતરી રાખી શકે કે ઈશ્વર યહોવા તેઓની પ્રાર્થના જરૂર સાંભળશે. કારણ કે યહોવાની પ્રેરણાથી દાઊદે પણ એવી યોગ્ય ચિંતાઓ માટે પ્રાર્થના કરી હતી.

૫. વફાદાર વૃદ્ધ ભક્તો વિશે યહોવા કેવું વિચારે છે?

બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે યહોવા વફાદાર વૃદ્ધ ભક્તોની ઘણી કદર કરે છે. તે એવી પણ આશા રાખે છે કે બીજા ઈશ્વરભક્તો એ વૃદ્ધજનોને માન આપે. (ગીત. ૨૨:૨૪-૨૬; નીતિ. ૧૬:૩૧; ૨૦:૨૯) લેવીય ૧૯:૩૨ કહે છે: ‘તમે પળિયાંવાળા માથાની સમક્ષ ઊભા થાઓ અને વૃદ્ધ માણસને માન આપો. અને તમારા ઈશ્વરનો ડર રાખો; હું યહોવા છું.’ એ શબ્દો લખાયા ત્યારે અને આજે પણ, મંડળના વૃદ્ધજનોને માન આપવું એ આપણી ગંભીર જવાબદારી છે. પરંતુ સવાલ થાય કે, તેઓની સાર-સંભાળ રાખવાની જવાબદારી કોની છે?

કુટુંબની જવાબદારી

૬. માબાપની કાળજી લેવા વિશે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?

બાઇબલ કહે છે: ‘તમારા પિતા અને માતાનું સન્માન રાખો.’ (નિર્ગ. ૨૦:૧૨; એફે. ૬:૨) ઈસુએ એ સલાહ બહુ મહત્ત્વની ગણી. તેથી, માબાપની કાળજી ન લેનારા ફરોશીઓ અને શાસ્ત્રીઓને તેમણે ઠપકો આપ્યો. (માર્ક ૭:૫, ૧૦-૧૩) જ્યારે કે, ઈસુએ માબાપની કાળજી લેવામાં સારો દાખલો બેસાડ્યો. જેમ કે, વધસ્તંભ પર મરણની અણીએ હતા ત્યારે પણ તેમણે પોતાની માતાની ચિંતા કરી. કારણ કે ત્યારે તેમની માતા કદાચ વિધવા થઈ ગયાં હતાં. તેથી તેમણે માતાની જવાબદારી પોતાના પ્રિય શિષ્ય યોહાનને સોંપી.યોહા. ૧૯:૨૬, ૨૭.

૭. (ક) માબાપની કાળજી રાખવા વિશે પ્રેરિત પાઊલે કયો સિદ્ધાંત જણાવ્યો? (ખ) પાઊલ શાની ચર્ચા કરી રહ્યા હતા?

પ્રેરિત પાઊલે લખ્યું કે ઈશ્વરભક્તોએ પોતાના ઘરના લોકોની કાળજી રાખવી જોઈએ. (૧ તીમોથી ૫:૪, ૮, ૧૬ વાંચો.) પાઊલે તીમોથીને જે લખ્યું એના પર વિચાર કરીએ. પાઊલે એમાં ચર્ચા કરી છે કે, મંડળમાંથી પૈસેટકે કોને મદદ મળી શકે અને કોને નહિ. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વૃદ્ધ વિધવાઓનાં સંતાનો, પૌત્ર-પૌત્રીઓ અને બીજાં સગાંઓ ખ્રિસ્તી હોય તો કાળજી લેવાની ફરજ તેઓની છે. આમ, મંડળ પર પૈસેટકે બિનજરૂરી બોજો ન પડે. એવી જ રીતે, આજે પણ જરૂરિયાતવાળા સગાંઓની કાળજી રાખીને આપણે ઈશ્વર પરનો પ્રેમ બતાવીએ છીએ.

૮. વૃદ્ધ માબાપની કાળજી રાખવામાં બાઇબલ કેમ કોઈ એક રીત જણાવી દેતું નથી?

સાદા શબ્દોમાં કહીએ તો, વૃદ્ધ માબાપની જીવન જરૂરિયાતો પૂરી કરવાની ફરજ તેઓનાં સંતાનોની છે. પાઊલ એ વખતે ‘વિશ્વાસમાં’ એટલે કે સત્યમાં હોય એવા સગાંની વાત કરતા હતા. પરંતુ, જો ભાઈ-બહેનોનાં વૃદ્ધ માબાપ ખ્રિસ્તી મંડળનો ભાગ ન હોય, તોપણ તેઓની કાળજી રાખવી જોઈએ. સંતાનો કેવી રીતે પૂરું પાડશે એ તેઓના સંજોગો પર આધાર રાખે છે અને દરેકના સંજોગો સરખા નથી હોતા. જેઓની કાળજી રાખવાની છે તેઓની જરૂરિયાતો, સ્વભાવ અને તંદુરસ્તીમાં ફરક હોય શકે. અમુક વૃદ્ધજનોને ઘણાં સંતાન, તો અમુકને ફક્ત એક જ હોય છે. કેટલાક વૃદ્ધોને કદાચ સરકાર તરફથી મદદ મળે છે, તો બીજાઓને નથી મળતી. જેની સાર-સંભાળ લેવાની છે એ વ્યક્તિની પસંદગી પણ જુદી જુદી હોય શકે. તેથી, પોતાના વૃદ્ધજનોની સંભાળ રાખતી વ્યક્તિઓ જે રીત અપનાવે એની નિંદા કરવી યોગ્ય નહિ કહેવાય. બાઇબલના આધારે લીધેલા કોઈ પણ નિર્ણયને યહોવા આશીર્વાદ આપીને એને સફળ બનાવી શકે છે. એની સાબિતી તેમણે છેક મુસાના સમયથી આપી છે.ગણ. ૧૧:૨૩.

૯-૧૧. (ક) અમુકને કેવા અઘરા સંજોગોનો સામનો કરવો પડી શકે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) સંતાનોએ શા માટે પોતાની સોંપણી છોડી દેવાનું ઉતાવળિયું પગલું ન ભરવું જોઈએ? દાખલો આપી સમજાવો.

સંતાનો માબાપથી જો દૂર જગ્યાએ રહેતાં હોય તો એવાં વૃદ્ધ માબાપને મદદ આપવી અઘરું બની શકે છે. કોઈક વાર જો માબાપની તબિયત અચાનક બગડી જાય, જેમ કે પડી જવાથી હાડકું ભાંગે અથવા કોઈ ગંભીર ઈજા પહોંચે, તો એવા સમયે સંતાનો માટે જરૂરી બને છે કે માબાપની મુલાકાત લે. એ પછી, બની શકે કે માબાપને થોડોક કે પછી લાંબો સમય સહારાની જરૂર પડે. *

૧૦ એવા અઘરા સંજોગોનો સામનો પૂરા સમયની સેવા આપતા, એમાંય ખાસ તો ઘરથી દૂર સોંપણી મળેલ ભાઈ-બહેનોને કરવો પડે છે. બેથેલ, મિશનરી કે પછી પ્રવાસી નિરીક્ષકની સેવા આપનારાઓ માટે પોતાને મળેલી સોંપણી બહુ કીમતી છે. તેઓ એને યહોવા તરફથી એક આશીર્વાદ ગણે છે. છતાં, માબાપ બીમાર પડે ત્યારે તેઓને વિચાર આવી શકે કે પોતાની સોંપણી છોડીને માબાપ પાસે જતા રહે. જોકે, એવો નિર્ણય લેતા પહેલા પ્રાર્થનાપૂર્વક આનો વિચાર કરવો સારો રહેશે: “માબાપને ખરેખર શાની જરૂર છે અને તેઓ શું ઇચ્છે છે?” કોઈએ પોતાની સોંપણી છોડી દેવાનું ઉતાવળિયું પગલું ભરવું ન જોઈએ. બની શકે કે, સોંપણી છોડ્યા વગર પણ તેઓ માબાપની મદદ કરી શકે છે. કદાચ તેમનાં માબાપની તબિયત થોડા સમય પૂરતી જ બગડી છે અથવા મંડળનાં ભાઈ-બહેનો ખુશી ખુશી મદદ કરવાં તૈયાર છે.નીતિ. ૨૧:૫.

૧૧ દાખલા તરીકે, ઘરથી દૂર સેવા આપતા બે ભાઈઓનો વિચાર કરો. એમાંના એક, દક્ષિણ અમેરિકામાં મિશનરી સેવા આપે છે અને બીજા ભાઈ, ન્યૂ યૉર્કમાં આવેલા બ્રુકલિનના મુખ્ય મથકમાં સેવા આપે છે. જાપાનમાં રહેતાં તેઓનાં વૃદ્ધ માબાપને મદદની જરૂર પડી. એ વખતે તેઓએ પત્નીઓ સાથે માબાપની મુલાકાત લીધી, જેથી જોઈ શકે કે કેવી મદદની જરૂર છે. થોડાક સમયમાં, તેઓમાંના દક્ષિણ અમેરિકાના યુગલે પોતાની સોંપણી છોડીને ઘરે જવાનું વિચાર્યું. એ સમયગાળામાં તેઓને માબાપના મંડળના વડીલોનો ફોન આવ્યો. વડીલોએ જણાવ્યું કે બને ત્યાં સુધી તેઓ એ સેવા ચાલુ રાખે. વડીલો એ યુગલની સેવાની કદર કરતા હતા અને તેઓને ખાતરી આપી કે તેઓનાં માબાપની જરૂરી કાળજી લેશે. વડીલોની એ પ્રેમાળ મદદ માટે કુટુંબે બહુ કદર કરી.

૧૨. નિર્ણય લેવામાં કુટુંબે શું ધ્યાન રાખવું જોઈએ?

૧૨ કુટુંબ ગમે એ રીત અપનાવી વૃદ્ધ માબાપની કાળજી લઈ શકે છે. જોકે, દરેકે ધ્યાન રાખવું જોઈએ કે તેમના નિર્ણયથી યહોવાને મહિમા મળે. આપણે ક્યારેય ઈસુના સમયના ધર્મગુરુઓ જેવા ન બનીએ. (માથ. ૧૫:૩-૬) એના બદલે, યહોવા અને મંડળને હંમેશાં સન્માન આપતો નિર્ણય લઈએ.૨ કોરીં. ૬:૩.

મંડળની જવાબદારી

૧૩, ૧૪. બાઇબલમાંથી કઈ રીતે જોવા મળે છે કે જરૂરિયાત­વાળાં ભાઈ-બહેનોને મંડળ મદદ કરવા તૈયાર રહે છે?

૧૩ અગાઉ જોઈ ગયા એ રીતે પૂરા સમયની સેવા આપતાં ભાઈ-બહેનોને દરેક મંડળ મદદ કરી શકતું નથી. ચાલો, પહેલી સદીમાં ઊભા થયેલાં એક સંજોગ પર વિચાર કરીએ. એના પરથી સાફ જોવા મળે છે કે વૃદ્ધ ભાઈ-બહેનોની કાળજી લેવામાં મંડળોને રસ છે. યરૂશાલેમના મંડળ વિશે બાઇબલ જણાવે છે કે, “તેઓમાંના કોઈને કશાની અછત નહોતી.” એનો અર્થ એમ નથી કે ત્યાંના બધા પૈસાદાર હતા. અમુક લોકો ઘણા ગરીબ હોવા છતાં, ‘જેમને જેની જરૂર હતી તેમને એ વહેંચી આપવામાં આવતું હતું.’ (પ્રે.કૃ. ૪:૩૪, ૩૫) પછીથી, એ મંડળમાં એક મુશ્કેલી ઊભી થઈ. અહેવાલ બતાવે છે કે, ‘રોજ વહેંચણીમાં અમુક વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી.’ એવા સમયે પ્રેરિતોએ શું કર્યું? તેઓએ જવાબદાર ભાઈઓ નીમ્યા, જેથી એ વિધવાઓ પર ધ્યાન અપાય અને તેઓને પૂરતો ખોરાક મળે. (પ્રે.કૃ. ૬:૧-૫) પેન્તેકોસ્ત ૩૩ના સમયગાળામાં અમુક વિદેશીઓ યરૂશાલેમ આવ્યા હતા. ત્યાં તેઓ ખ્રિસ્તી બન્યા અને પોતાની શ્રદ્ધા મજબૂત કરવા અમુક સમય માટે રોકાયા. ખરું કે, ખોરાકની વહેંચણી કરવાની મંડળની ગોઠવણ કાયમી ન હતી. છતાં, પ્રેરિતોના નિર્ણય પરથી જોવા મળે છે કે જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને મંડળ મદદ કરવા તૈયાર છે.

૧૪ પાઊલે તીમોથીને સૂચનો આપ્યાં કે મંડળે કેવા સંજોગોમાં વિધવા બહેનોની કાળજી લેવી જોઈએ. (૧ તીમો. ૫:૩-૧૬) ઈશ્વરની પ્રેરણાથી યાકૂબે પણ સરખો વિચાર જણાવ્યો હતો કે, વિધવાઓની અને અનાથોની તેઓના મુશ્કેલ સમયમાં ઈશ્વરભક્તોએ કાળજી લેવી જોઈએ. (યાકૂ. ૧:૨૭; ૨:૧૫-૧૭) પ્રેરિત યોહાને પણ સમજાવ્યું, ‘જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને જરૂર છે, એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરની પ્રીતિ શી રીતે રહી શકે?’ (૧ યોહા. ૩:૧૭) જો દરેક ઈશ્વરભક્તની એ ફરજ હોય, તો શું એ મંડળની પણ ફરજ નથી?

અકસ્માત થાય ત્યારે મંડળ કઈ રીતે મદદ આપશે? (ફકરા ૧૫, ૧૬ જુઓ)

૧૫. વૃદ્ધજનોની સંભાળ રાખવા પર કઈ બાબતો અસર કરી શકે?

૧૫ કેટલાક દેશોમાં સરકાર વૃદ્ધજનો માટે પેન્શન, સહાય યોજના અને ઘરે આવીને કાળજી રાખે એવી નર્સની ગોઠવણો કરે છે. (રોમ. ૧૩:૬) જ્યારે કે, બીજા દેશોમાં એવી કોઈ ગોઠવણ હોતી નથી. તેથી, વૃદ્ધજનોને સગાંઓ અને મંડળ કેટલી મદદ આપશે એ સંજોગો પર આધાર રાખે છે. સંતાનો જો માબાપથી ઘણી દૂર જગ્યાએ રહેતાં હોય, તો તેઓ કદાચ માબાપને જોઈતા પ્રમાણમાં મદદ નહિ કરી શકે. એવા કિસ્સામાં સંતાનો શું કરી શકે? માબાપના મંડળના વડીલોને કુટુંબના સંજોગો જણાવે અને ખાતરી કરે કે તેઓ એને પૂરી રીતે સમજ્યા છે. દાખલા તરીકે, વૃદ્ધ માબાપને વડીલ એ શોધવા મદદ કરી શકે કે વૃદ્ધોના લાભમાં કઈ સરકારી યોજનાઓ છે. તેઓ એવી બાબતો પણ નોંધી શકે જેને સંતાનોના ધ્યાનમાં લાવવી જરૂરી છે. જેમ કે, મહત્ત્વના પત્રો, બીલ અથવા એવી દવાઓ જે માબાપ લેવાની ચૂકી જાય. જો સંતાનો અને વડીલો સંપર્કમાં રહેશે તેમ જ, ખુલ્લા મને વાત કરશે તો તેઓ કોઈ સારો રસ્તો કાઢી શકશે. માબાપની મદદે તરત આવી શકે એવી અથવા દૂર રહેતા કુટુંબીજનોને સારી સલાહ આપી શકે એવી વ્યક્તિની ગોઠવણ પણ કરી શકાય. એમ કરવાથી પરિસ્થિતિને વધારે બગડવાથી રોકી શકાશે અને કુટુંબને ઓછી ચિંતા થશે.

૧૬. મંડળના અમુક સભ્યો કઈ રીતે વૃદ્ધજનોની મદદ કરે છે?

૧૬ અમુક ઈશ્વરભક્તો વૃદ્ધજનોને ઘણો પ્રેમ કરે છે. તેથી, તેઓને મદદ આપવા એ ભક્તો રાજીખુશીથી બનતો સમય અને શક્તિ આપે છે. તેઓ ખાતરી રાખે છે કે મંડળના વૃદ્ધજનોમાં પોતે ખાસ રસ બતાવે. કેટલાક ભક્તો એ કામમાંની અમુક જવાબદારીઓ મંડળનાં બીજાં ભાઈ-બહેનો સાથે વહેંચી લે છે અને સાર-સંભાળ રાખવામાં વારો પણ બાંધે છે. પોતે સંજોગોને લીધે પૂરા સમયની સેવામાં જોડાઈ શક્યા ન હોવાથી, જેઓ પૂરા સમયની સેવા આપે છે તેઓ એ કરતા રહી શકે માટે એ સભ્યો ખુશીથી બનતી મદદ કરે છે. ભાઈઓનું એ કેવું સરસ વલણ! જોકે, તેઓની ઉદારતાનો મતલબ એવો નથી કે સંતાનો પોતાનાં માબાપની જવાબદારીમાંથી મુક્ત થયાં છે.

ઉત્તેજન આપતા શબ્દોથી વૃદ્ધોને માન આપીએ

૧૭, ૧૮. વૃદ્ધજનોની સાર-સંભાળ લેવામાં દરેકે કેવું વલણ રાખવું જોઈએ?

૧૭ વૃદ્ધજનો અને તેઓની કાળજી લેનારાઓ અઘરા સંજોગોને પણ હળવા બનાવી શકે છે. કઈ રીતે? આનંદી વલણ જાળવી રાખીને. જો તમે પણ કોઈ વૃદ્ધજનની કાળજી લેતા હો તો, આનંદી વલણ રાખવા બનતું બધું કરો. અમુક કિસ્સામાં વધતી ઉંમરને કારણે વૃદ્ધજનો નિરાશ થઈ શકે. એવા સમયે તેઓને ઉત્તેજન આપવા તમારે કદાચ વધુ મહેનત કરવી પડે. લાંબા સમયથી યહોવાની સેવા વફાદારીથી કરનાર એ વૃદ્ધજનોના વખાણ કરવા જોઈએ. તેઓએ જે સેવા આપી છે એને યહોવા ક્યારેય ભૂલતા નથી અને આપણે પણ ન ભૂલીએ.માલાખી ૩:૧૬; હિબ્રૂ ૬:૧૦ વાંચો.

૧૮ વૃદ્ધજનો તેમ જ તેઓની સાર-સંભાળ લેતી વ્યક્તિ જો રમૂજી વલણ રાખશે તો રોજબરોજનાં કામ સહેલાં બનશે. (સભા. ૩:૧, ૪) ઉપરાંત, ઘણા વૃદ્ધો પ્રયત્નો કરે છે કે તેઓ વધુ પડતી માંગણીઓ ન કરે. શા માટે? કારણ કે તેઓ સમજે છે કે નમ્ર વલણ બતાવશે તો જ બીજાઓ તેમનું ખુશીથી ધ્યાન રાખશે અને મુલાકાત લેશે. વૃદ્ધજનોની મુલાકાત લેનાર ઘણી વ્યક્તિઓનું કહેવું છે કે “અમે તો તેઓને ઉત્તેજન આપવા ગયા હતા, પણ અમને જ ઉત્તેજન મળ્યું છે!”નીતિ. ૧૫:૧૩; ૧૭:૨૨.

૧૯. યુવાનો અને વૃદ્ધજનોને અઘરા સંજોગોમાં પણ મક્કમ રહેવા શું મદદ કરશે?

૧૯ આપણે એવા સમયની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે બધી તકલીફો અને પાપની અસરો દૂર થઈ જશે. એ દરમિયાન, આપણે કાયમ માટેના જીવનની આશા પર લક્ષ રાખવું જોઈએ. ઈશ્વરનાં વચનો પર શ્રદ્ધા રાખવાથી આપણે અઘરા સંજોગોમાં પણ મક્કમ રહી શકીશું. એવી શ્રદ્ધાને લીધે ‘આપણે નાહિંમત થતા નથી. જોકે, આપણે બહારથી ક્ષય પામીએ છીએ, તોપણ આપણે અંદરથી રોજ રોજ નવા થતા જઈએ છીએ.’ (૨ કોરીં. ૪:૧૬-૧૮; હિબ્રૂ ૬:૧૮, ૧૯) ઈશ્વરનાં વચનોમાં શ્રદ્ધા મજબૂત કરવા ઉપરાંત વૃદ્ધજનોની સાર-સંભાળ રાખવામાં તમને શું મદદ કરશે? એ વિશે આવતા લેખમાં અમુક વ્યવહારું સૂચનોની ચર્ચા કરીશું.

^ ફકરો. 9 આવતા લેખમાં આપણે વૃદ્ધોની સાર-સંભાળની જુદી જુદી રીતો વિશે ચર્ચા કરીશું.