સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ

વૃદ્ધજનોની સાર-સંભાળ રાખીએ

‘બાળકો, આપણે શબ્દથી નહિ અને જીભથી નહિ, પણ કાર્યોથી અને સત્યતાથી પ્રેમ કરીએ.’૧ યોહા. ૩:૧૮.

૧, ૨. (ક) ઘણાં કુટુંબો સામે કેવાં પડકારો આવી શકે અને એનાથી કેવા સવાલો ઊભા થઈ શકે? (ખ) માબાપ અને સંતાનો મુશ્કેલ સંજોગોનો કઈ રીતે સામનો કરી શકે?

આપણા માટે એ જોવું ઘણું દુઃખદ બની શકે કે, આપણાં માબાપ જે એક સમયે તંદુરસ્ત હતાં અને કોઈ પર નિર્ભર ન રહેતાં, તેઓ આજે પોતાની સંભાળ પણ રાખી શકતાં નથી. કદાચ પડી જવાથી મમ્મી કે પપ્પાના થાપાનું હાડકું ભાંગી જાય અથવા તે રસ્તો ભૂલી જવાથી ગૂંચવાઈ જાય, કે પછી કોઈ ગંભીર બીમારીમાં સપડાઈ જાય. બીજી બાજુ, માબાપને પણ પોતાની તંદુરસ્તી નબળી પડતી જોઈ દુઃખ થઈ શકે. કારણ કે, હવે તેઓએ મોટા ભાગે બીજાઓ પર આધાર રાખવો પડે છે. (અયૂ. ૧૪:૧) તેઓને મદદ કરવા શું કરી શકીએ? તેઓની સાર-સંભાળ કઈ રીતે રાખવી જોઈએ?

વૃદ્ધજનોની સાર-સંભાળના વિષય પર એક લેખમાં જણાવ્યું હતું: ‘ખરું કે, મોટી ઉંમરે આવતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરવી અઘરી લાગે. પરંતુ, જે કુટુંબો એવી ચર્ચા અગાઉથી કરીને યોજના કરી રાખે છે, તેઓ એવી સ્થિતિને સારી રીતે હાથ ધરી શકે છે.’ એવી ચર્ચાની કદર ત્યારે જ થશે, જ્યારે આપણે સ્વીકારીશું કે મોટી ઉંમરે આવતી મુશ્કેલીઓ ટાળવી આપણા હાથમાં નથી. છતાં, આપણે અમુક તૈયારી અને નિર્ણયો અગાઉથી કરી રાખવાં જોઈએ. હવે ચાલો ચર્ચા કરીએ કે એવાં પડકારોનો સામનો કરવામાં આખું કુટુંબ કઈ રીતે સાથ-સહકાર આપી શકે.

‘કપરા દિવસો’ આવતા પહેલાં તૈયારી કરીએ

૩. વૃદ્ધ માબાપને સહારાની જરૂર પડતી દેખાય ત્યારે સંતાનોએ શું કરવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

એવો એક સમય આવે છે જ્યારે મોટી ઉંમરના લોકો પોતાની કાળજી જાતે લઈ શકતા નથી અને કોઈ સહારાની જરૂર પડવા લાગે છે. (સભાશિક્ષક ૧૨:૧-૭ વાંચો.) એવા સમયે, તેઓએ અને સંતાનોએ નક્કી કરવાની જરૂર છે કે સૌથી સારી મદદ કઈ રહેશે. તેમ જ, તેઓને કઈ ગોઠવણ પોસાય. એ સારું રહેશે કે કુટુંબ મળીને ચર્ચા કરી રાખે કે એવા સમયે કેવી જરૂરિયાતો ઊભી થઈ શકે. તેમ જ, કેવાં સહકારની અને પગલાં લેવાની જરૂર પડી શકે. એ ચર્ચામાં દરેકે, ખાસ તો માબાપે અચકાયાં વગર પોતાની લાગણીઓ અને હકીકતો જણાવવી જોઈએ. કુટુંબ ચર્ચા કરી શકે કે શું માબાપે ઘરમાં એકલા રહેવું સલામત છે. * તેઓ બધા ચર્ચા કરી શકે કે એ જવાબદારી ઉપાડવામાં પોતે શું યોગદાન આપશે. (નીતિ. ૨૪:૬) દાખલા તરીકે, અમુક સંતાનો રોજબરોજની સાર-સંભાળ લઈ શકે. જ્યારે કે, અમુક પૈસેટકે મદદ આપી શકે. દરેકે સમજવું જોઈએ કે તેણે કોઈકને કોઈક જવાબદારી લેવી પડશે. સમય જતાં, એ જવાબદારી બદલાઈ પણ શકે. તેથી, એ વિશે તૈયાર રહેવું જોઈએ.

૪. કુટુંબીજનો ક્યાંથી મદદ મેળવી શકે?

તમારાં માબાપની સાર-સંભાળ લેવાનું શરૂ કરો, એ પહેલાં તેઓની પરિસ્થિતિ વિશે સારી રીતે જાણી લો. ધારો કે તમારાં મમ્મી કે પપ્પા કોઈ એવી બીમારીમાં સપડાયા છે, જેમાં તબિયત બગડતી જશે. તેથી, એ જાણી લેવું સારું રહેશે કે સમય જતાં કેવી તકલીફો ઊભી થઈ શકે. (નીતિ. ૧:૫) તમે સરકારી સંસ્થાનો સંપર્ક કરીને જાણી લો કે વૃદ્ધો માટે કઈ યોજનાઓ ઉપલબ્ધ છે. એમાંની કઈ યોજના તમને તમારાં માબાપની સારી સંભાળ રાખવામાં મદદરૂપ બની શકે. આવતા દિવસોમાં બગડતી પરિસ્થિતિને લીધે કદાચ તમને દુઃખી કરતી લાગણીઓ જેમ કે, તેમને ગુમાવવાનો ડર, મૂંઝવણો કે પછી આઘાતનો સામનો કરવો પડે. તેથી, પોતાની લાગણીઓ તમારા ગાઢ મિત્ર સામે ઠાલવી શકો. ખાસ તો, યહોવા સામે એમ કરો, જેથી તે તમને મનની શાંતિ આપશે જે કોઈ પણ સંજોગોને હાથ ધરવામાં બહુ કામ લાગશે.ગીત. ૫૫:૨૨; નીતિ. ૨૪:૧૦; ફિલિ. ૪:૬, ૭.

૫. વૃદ્ધજનો માટે મળતી સહાય વિશે પહેલેથી જાણી રાખવું શા માટે સારું છે?

પરિસ્થિતિ વધારે બગડે એ પહેલાં અમુક વૃદ્ધજનો અને તેઓનાં કુટુંબીજનો સારવાર વિશેની માહિતી મેળવીને સમજદારી બતાવે છે. તેઓ આવી બાબતોનો વિચાર કરે છે: “શું માબાપ પોતાના કોઈ એક દીકરા કે દીકરી સાથે રહી શકે? શું તેઓ વૃદ્ધોની સાર-સંભાળ રખાતી હોય એવી કોઈ જગ્યાએ રહી શકે? કે પછી, તેઓ પોતાના વિસ્તારમાં મળતી કોઈ સુવિધાનો લાભ લઈ શકે?” એ રીતે મોટી ઉંમરે આવતાં ‘દુઃખ અને મુશ્કેલીઓ’નો સામનો કરવા તમે પહેલેથી તૈયાર હશો. (ગીત. ૯૦:૧૦) જો કુટુંબ પહેલેથી તૈયાર ન રહે, તો મુશ્કેલીઓ આવી પડતા તેઓએ ઉતાવળે પગલાં ભરવાં પડે છે. એક નિષ્ણાત જણાવે છે, ‘એવો સમય નિર્ણય લેવા માટે સૌથી ખરાબ સમય છે.’ ઉતાવળે નિર્ણય લેતી વખતે તણાવમાં આવી જવાય અને કદાચ કુટુંબીજનો વચ્ચે મતભેદો પણ ઊભા થાય. પરંતુ, પહેલેથી વિચારી રાખ્યું હશે તો ફેરફાર કરવા સહેલા બનશે.નીતિ. ૨૦:૧૮.

જરૂરિયાતો કઈ રીતે હાથ ધરવી એ વિશે કુટુંબ મળીને ચર્ચા કરી શકે (ફકરા ૬-૮ જુઓ)

૬. વૃદ્ધ થતાં માબાપના રહેવાની ગોઠવણ વિશે આખા કુટુંબે ચર્ચા કરી લેવાથી કઈ રીતે ફાયદો થાય છે?

મમ્મી-પપ્પાને બીજી જગ્યાએ રહેવા જવા અને જરૂરી ફેરફાર કરવા વિશે વાત કરવી કદાચ તમને અઘરી લાગી શકે. છતાં, ઘણા જણાવે છે કે પહેલેથી એવી ચર્ચા કરી રાખવી તેઓને બહુ કામ લાગી છે. શા માટે? કારણ કે, સાથ-સહકાર અને એકબીજાને સમજી શકાય એવા વાતાવરણમાં સારી યોજના બનાવવું શક્ય બને છે. તેઓને જોવા મળ્યું છે કે એકબીજાના વિચારો અગાઉથી જાણી લઈને તેમ જ પ્રેમ અને દયાથી વર્તીને નિર્ણયો લેવા આસાન બન્યા છે. બની શકે કે, વૃદ્ધજનો કોઈ પર આધાર ન રાખવા માંગતા હોય અને બાબતો પોતે હાથ ધરવા માંગતા હોય. છતાં, માબાપે સંતાનો જોડે ચર્ચા કરી લેવી જોઈએ કે પોતાને કેવી સાર-સંભાળ ગમશે.

૭, ૮. કુટુંબે કયા વિષય પર ચર્ચા કરવી જોઈએ અને શા માટે?

એવી ચર્ચાઓ વખતે માબાપો, તમે કુટુંબને સાફ જણાવો કે તમારી ઇચ્છા, પૈસેટકે સગવડો અને સારવારમાં પસંદગીઓ કઈ છે. એમ કરવાથી તમે જો કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં ન હો, તો સંતાનો તમારાં વતી નિર્ણય લઈ શકશે. તેઓ ચોક્કસ તમારા ઇરાદાને માન આપશે અને શક્ય હોય ત્યાં સુધી તમને જાતે નિર્ણય લેવા દેશે. (એફે. ૬:૨-૪) દાખલા તરીકે, શું તમે ચાહો છો કે તમે તમારા કોઈ સંતાન અને તેના કુટુંબ સાથે રહો? અથવા શું તમે કંઈક બીજું વિચાર્યું છે? હકીકતો સ્વીકારો અને સમજો કે, તમે જે રીતે બાબતોને જુઓ છો એ રીતે બધા જોતા નથી. તેમ જ, સંતાન હોય કે માબાપ દરેક વ્યક્તિને પોતાના વિચારોમાં ફેરફાર કરતા સમય લાગે છે.

કોઈ પણ બાબત પર અગાઉથી વિચાર કરી અને અમુક નિર્ણય લઈ રાખવાથી મુશ્કેલીઓ ટાળી શકાય છે. (નીતિ. ૧૫:૨૨) એમાં સારવાર અને એની પસંદગી વિશેની ચર્ચાનો સમાવેશ થાય છે. આપણે એડવાન્સ હેલ્થ કૅર ડિરેક્ટીવ કાર્ડ વાપરીએ છીએ. તેથી, માબાપ સાથે સારવારની પસંદગી વિશેની ચર્ચામાં એ કાર્ડમાં આપેલા મુદ્દા પર પણ વિચાર કરવો જોઈએ. દરેક વ્યક્તિને સારવારની રીત વિશે માહિતી મેળવવાનો અને એને સ્વીકારવાનો કે નકારવાનો પૂરેપૂરો હક છે. એ કાર્ડમાં જણાવવામાં આવે છે કે સારવાર વિશે વ્યક્તિની શી ઇચ્છાઓ છે. સારવાર બાબતે (કાયદાકીય રીતે શક્ય અને સ્વીકૃત હોય તેમ) વૃદ્ધજન વતી યોગ્ય નિર્ણય લેનાર કોઈ વિશ્વાસુ વ્યક્તિને નિયુક્ત કરી રાખવી જોઈએ. વૃદ્ધજનોએ તેમ જ તેમની સાર-સંભાળ લેતી અને સારવાર માટે તેમના વતી નિર્ણય લેતી દરેક વ્યક્તિએ સારવારને લગતા કાગળોની નકલ રાખવી જોઈએ. એમ કરવાથી જરૂર પડતા તેઓ એ કાગળો આપી શકશે. અમુક વૃદ્ધજનો એવી નકલો પોતાની વસિયત, વીમા, માલ-મિલકતના અને જરૂરી સરકારી કાગળો સાથે મૂકી રાખે છે.

બદલતા સંજોગોને હાથ ધરવા

૯, ૧૦. માબાપને ક્યારે સંતાનોની મદદની વધારે જરૂર પડી શકે?

મોટા ભાગે, વૃદ્ધ માબાપ અને તેઓનાં સંતાનો ચાહે છે કે માબાપની ક્ષમતા હોય ત્યાં સુધી તેઓ કોઈના પર નિર્ભર ન રહે. માબાપ કદાચ પોતે રાંધી શકે, સાફ-સફાઈ કરી શકે, દવાઓ લઈ શકે અને કોઈ પણ અડચણ વગર બીજાઓ સાથે વાતચીત કરી શકે. તેથી, તેઓ સંતાનોને ખાતરી અપાવે છે કે, તેઓના રોજબરોજના જીવનની સંતાનોએ વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી. જોકે, સમય જતાં માબાપ માટે હરવું-ફરવું, જાતે ખરીદી કરવા જવું અને બાબતોને યાદ રાખવું અઘરું બની શકે. એવા સમયે, સંતાનોએ મદદ આપવા તૈયાર રહેવું જોઈએ.

૧૦ વૃદ્ધજનો સમય જતાં કદાચ ગૂંચવણ અને હતાશામાં સપડાઈ શકે. કદાચ તેઓની સાંભળવાની, જોવાની અને યાદ રાખવાની ક્ષમતા સાવ ઓછી થઈ જાય. અરે, કદાચ તેઓ માટે બાથરૂમ જવું પણ અઘરું બની શકે. એવી કોઈ તકલીફો ઊભી થાય તો, સારવાર લેવાથી ઘણી મદદ મળી શકે છે. કોઈ પણ તકલીફના અણસાર દેખાય તો તરત ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. એવી મુલાકાતની ગોઠવણ સંતાનોએ કરવી પડશે. અરે, હવે સંતાનોએ માબાપની અંગત બાબતોની પણ સંભાળ લેવી પડે. માબાપને સૌથી સારી સારવાર મળી રહે માટે સંતાનોએ તેઓ વતી વાત કરવી, તેઓના કાગળો તૈયાર કરવા, તેઓને લાવવા-લઈ જવા અને એવી બીજી મદદ આપવી પડે.નીતિ. ૩:૨૭.

૧૧. ફેરફાર કરવું માબાપ માટે પણ સહેલું બને માટે શું કરી શકાય?

૧૧ તમારાં માબાપની તકલીફોનો કોઈ કાયમી હલ ન હોય તો, તેઓની સાર-સંભાળની અથવા રહેવાની ગોઠવણોમાં ફેરફાર કરવા પડે. ફેરફારો જેટલા નાના હશે એટલા જ અમલમાં મૂકવા તેઓ માટે સહેલા બનશે. બની શકે કે તમે માબાપથી દૂર જગ્યાએ રહો છો. એવા કિસ્સામાં કદાચ કોઈ સાક્ષી ભાઈ કે બહેન અથવા પડોશી તેઓની અવારનવાર મુલાકાત લે એટલું પૂરતું હોય શકે. તેઓ તમારાં માબાપનાં હાલ-ચાલ વિશે તમને ખબર આપતા રહી શકે. તમે આવા સવાલો પર વિચાર કરી શકો: શું માબાપને ફક્ત રસોઈ અને સાફ-સફાઈ માટે કોઈની મદદની જરૂર છે? માબાપ માટે એકલા રહેવું સલામત અને સહેલું બને તેથી શું ઘરમાં ખાસ કરીને, રસોડામાં અથવા બાથરૂમમાં નાના-મોટા ફેરફારો કરી શકાય? મોટી ઉંમરના જે લોકો પોતાની રીતે રહેવા માંગતા હોય તેઓ માટે કદાચ સાર-સંભાળ રાખવા આવતી વ્યક્તિની ગોઠવણ પણ પૂરતી હોય શકે. છતાં, જો માબાપનું એકલાં રહેવું સલામત ન હોય, તો તેઓની સાર-સંભાળ રાખવા કોઈ કાયમી ગોઠવણ કરવી પડે. સંજોગો ગમે તે હોય તમારા વિસ્તારમાં મળી રહેતી સેવાઓ વિશે તપાસ કરી રાખો. *નીતિવચનો ૨૧:૫ વાંચો.

અમુકે પડકારોનો સામનો કઈ રીતે કર્યો

૧૨, ૧૩. અમુક સંતાનો દૂર રહેવાં છતાં કઈ રીતે માબાપનું સન્માન અને સાર-સંભાળ રાખે છે?

૧૨ પ્રેમાળ સંતાનો ચાહે છે કે માબાપનું જીવન આરામદાયક રહે. તેઓની સાર-સંભાળ બરાબર રીતે લેવામાં આવે છે, એ જાણી સંતાનોને મનની શાંતિ મળે છે. પરંતુ, કદાચ બીજી જવાબદારીઓને કારણે સંતાનો માબાપની નજીક ન રહી શકે. એવા કિસ્સામાં અમુક સંતાનોએ પોતાની રજાઓનો ઉપયોગ માબાપની મુલાકાતે આવી તેઓને કામમાં મદદ આપવા કર્યો છે. નિયમિત કે પછી શક્ય હોય તો રોજ ફોન, પત્રો અથવા ઈમેઈલ દ્વારા સંતાનો માબાપને પ્રેમની ખાતરી આપી શકે છે.નીતિ. ૨૩:૨૪, ૨૫.

૧૩ ગમે તે સંજોગો હોય, માબાપની લેવાતી સાર-સંભાળની ચકાસણી કરતા રહેવું જરૂરી છે. તમારાં માબાપ સાક્ષી હોય અને તમે તેઓની નજીક રહેતા નથી તો, તેઓના મંડળના વડીલોની સલાહ લો. ખાસ તો, એ વિશે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ. (નીતિવચનો ૧૧:૧૪ વાંચો.) તમારાં માબાપ સાક્ષી ન હોય તોપણ તેઓનું ‘સન્માન રાખવું’ જોઈએ. (નિર્ગ. ૨૦:૧૨; નીતિ. ૨૩:૨૨) ખરું કે, દરેક કુટુંબના નિર્ણયો એક સરખા નથી હોતા. અમુક સંતાનો માબાપને સાથે રાખવાની કે પછી તેઓની નજીક રહેવાની ગોઠવણ કરે. પરંતુ, દરેક માટે એવું શક્ય હોતું નથી. અમુક માબાપ જાતે બધું કરવાં અને સંતાનો પર બોજો ન બનવાં માંગતાં હોવાથી જુદાં રહેવું પસંદ કરે છે. કેટલાક પૈસેટકે સદ્ધર હોવાથી પોતાની સાર-સંભાળ રાખવાનો ખર્ચો પોતે ઉઠાવીને જુદાં રહેવાનું પસંદ કરે છે.સભા. ૭:૧૨.

૧૪. કુટુંબમાં મોટા ભાગની જવાબદારી ઉપાડનાર વ્યક્તિ સામે કેવા પડકારો આવી શકે?

૧૪ ઘણાં કુટુંબોમાં જે દીકરો કે દીકરી માબાપની નજીક રહેતી હોય તેના પર મોટા ભાગની જવાબદારી આવે છે. છતાં, તેણે ધ્યાન રાખવાની જરૂર છે કે પોતાના કુટુંબની જવાબદારી અને માબાપની સાર-સંભાળ બંને સરખી રીતે સચવાય. દરેક વ્યક્તિ પોતાની હદ ઉપરાંત સમય અને શક્તિ આપી શકતી નથી. સંભાળ રાખનાર વ્યક્તિના સંજોગો બદલાય તો કુટુંબને હાલની ગોઠવણોમાં કદાચ ફરી ફેરફારો કરવા પડે. શું કુટુંબના એક જ સભ્યને માથે મોટા ભાગની જવાબદારી છે? શું બીજાં સંતાનો પણ એમાં વધુ ફાળો આપી શકે, જેમ કે, વારાફરતી સંભાળ રાખવાની જવાબદારી ઊઠાવી શકે?

૧૫. મોટા ભાગની જવાબદારી ઉઠાવતી વ્યક્તિ થાકી ન જાય માટે કઈ રીતે મદદ કરી શકાય?

૧૫ વૃદ્ધ માબાપને જો કાયમી સંભાળની જરૂર હોય, તો બની શકે કે સાર-સંભાળ રાખતી વ્યક્તિ થાકી જાય. (સભા. ૪:૬) પ્રેમાળ સંતાનો માબાપ માટે બનતું બધું કરવાં માંગે છે. પરંતુ, માબાપની વધુ પડતી માંગણીઓના બોજા નીચે તે વ્યક્તિ દબાઈ જઈ શકે. એવા સંજોગોમાં સાર-સંભાળ રાખતી વ્યક્તિએ પોતાની ક્ષમતાની હદ સ્વીકારવી જોઈએ. તેથી તેણે બીજાં સ્નેહીજનોની મદદ લેવી જોઈએ. સમયે સમયે મદદ મળી રહેશે તો, સાર-સંભાળ રખાતી હોય એવી જગ્યાએ માબાપને દાખલ નહિ કરવાં પડે.

૧૬, ૧૭. વધતી ઉંમરનાં માબાપની કાળજી લેવામાં સંતાનો સામે કેવા પડકારો આવી શકે અને તેઓ એનો સામનો કઈ રીતે કરી શકે? (બૉક્સ “કદર સાથે સાર-સંભાળ” પણ જુઓ.)

૧૬ પ્રેમાળ માબાપને વધતી ઉંમરની તકલીફો સહન કરતા જોઈ સંતાનોને દુઃખ થાય છે. સાર-સંભાળ રાખનારી ઘણી વ્યક્તિઓ ચિંતા, ઉદાસીનતા, ઈર્ષા, દોષિત હોવાની લાગણી અને ગુસ્સો અનુભવી શકે. ઘણી વાર, વૃદ્ધજનો ખોટું લાગે એવા શબ્દો કહે અથવા આભાર વ્યક્ત ન કરે. તમારી સાથે એમ બને તો ખોટું ન લગાડો. એક મનો-ચિકિત્સક કહે છે, ‘કોઈ પણ લાગણીનો, એમાંય ખાસ તો દુઃખી કરનાર લાગણીનો સામનો કરવાનો સૌથી સારો ઉપાય છે કે, એ લાગણી થઈ રહી છે એવું કબૂલીએ. એવી લાગણી થતી હોવાથી પોતાને દોષ ન આપીએ.’ પોતાના લગ્નસાથી કે કુટુંબના બીજા કોઈ સભ્ય કે પછી વિશ્વાસુ મિત્ર સાથે, એ વિશે વાત કરીએ. એવી વાતચીત તમને લાગણીઓના આવેશમાં ન આવીને યોગ્ય વલણ રાખવા મદદ કરશે.

૧૭ એક એવો સમય પણ આવી શકે કે પ્રિય માબાપની જરૂરી સાર-સંભાળ ઘરે રાખવી શક્ય ન બને. તેથી, સાર-સંભાળ રખાતી હોય એવી જગ્યાએ તેમને દાખલ કરવા વિશે કુટુંબ નિર્ણય લઈ શકે. એક બહેન, એવી જગ્યાએ દાખલ કરેલી પોતાની માતાને લગભગ રોજ મળવાં જતાં. બહેન જણાવે છે, ‘મમ્મીને ૨૪ કલાક કાળજીની જરૂર હતી, જે અમે આપી શકતા ન હતા. તેથી, અમે સાર-સંભાળ રખાતી હોય એવી જગ્યાએ તેમને મૂકવાનો નિર્ણય કર્યો. લાગણીઓની નજરે જોતા એ નિર્ણય બહુ, બહુ, અઘરો હતો. છતાં, તેમનાં જીવનના આખરી મહિનાઓ માટે એ સૌથી સારો ઉપાય હતો, જેનો તેમણે સ્વીકાર કર્યો.’

૧૮. સાર-સંભાળ રાખનારાઓ કઈ ખાતરી રાખી શકે?

૧૮ વૃદ્ધ માબાપની ઉંમર વધે તેમ તેઓની સાર-સંભાળ રાખવાની જવાબદારી મૂંઝવી નાખે અને લાગણીઓ દુભાવે એવી બને છે. વૃદ્ધજનોની સાર-સંભાળ લેવાની કોઈ એક સચોટ રીત નથી. છતાં, સમજી-વિચારીને યોજના કરવાથી, એકબીજાને સહકાર આપવાથી, સારી વાતચીતથી અને ખાસ તો, પ્રાર્થના કરવાથી તમને મદદ મળશે. આમ, તમે વહાલાં માબાપને માન આપવાની તમારી જવાબદારી નિભાવી શકશો. એમ કરવાથી તમે સંતોષ અનુભવશો કે તેઓને જરૂરી સાર-સંભાળ અને ધ્યાન મળી રહ્યાં છે. (૧ કોરીંથી ૧૩:૪-૮ વાંચો.) સૌથી મહત્ત્વનું તો, તમને મનની શાંતિ અને યહોવાના આશીર્વાદ મળશે.ફિલિ. ૪:૭.

^ ફકરો. 3 કેટલાક સમાજમાં માબાપ અને સંતાનોનું સાથે રહેવું સામાન્ય અને યોગ્ય ગણાય છે.

^ ફકરો. 11 તમારાં માબાપ પોતાનાં ઘરમાં એકલાં રહેતાં હોય તો ઘરની બીજી ચાવી સાર-સંભાળ રાખનાર વિશ્વાસુ વ્યક્તિને આપી રાખો, જેથી તાત્કાલિક જરૂર પડતા તે માબાપની મદદે આવી શકે.