સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમારું બોલવું “હા”નું “હા” છે?

શું તમારું બોલવું “હા”નું “હા” છે?

એક દૃશ્યની કલ્પના કરો: એક વડીલ હૉસ્પિટલ લિએઝન કમિટીના સભ્ય છે. તે મંડળના એક યુવાન ભાઈને રવિવારે પ્રચારમાં સાથે કામ કરવાનો વાયદો આપે છે. પરંતુ, રવિવારે સવારે તેમને મંડળના એક ભાઈનો ફોન આવે છે કે તેમની મદદની તાત્કાલિક જરૂર છે. કારણ, એ ભાઈની પત્નીને અકસ્માત થવાથી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે, તેથી વડીલ એવા ડૉક્ટર શોધી આપે જે લોહી વગરની સારવાર કરશે. એ માટે વડીલ પ્રચારમાં જે યુવાન ભાઈ સાથે કામ કરવાના હતા તેમને “ના” કહે છે, જેથી મુશ્કેલીમાં આવી પડેલા કુટુંબને પ્રેમાળ સાથ આપી શકે.

હવે બીજા દૃશ્યની કલ્પના કરો: એકલા હાથે બે બાળકોનો ઉછેર કરતી માતાને મંડળના એક યુગલ તરફથી ઘરે આવવા આમંત્રણ મળે છે. નક્કી કરેલા દિવસ વિશે માતા બાળકોને જણાવે છે ત્યારે, તેઓના ચહેરા ખીલી ઊઠે છે અને તેઓ એ દિવસની આતુરતાથી રાહ જુએ છે. પરંતુ, ત્યાં જવાના આગલા જ દિવસે યુગલ એ માતાને જણાવે છે કે, “અમુક કારણોને લીધે અમે તમને નહિ બોલાવી શકીએ.” પછીથી, માતાને જાણવા મળે છે કે યુગલે શા માટે તેઓને બોલાવ્યા નહિ. યુગલે જે સાંજ માટે માતાને આમંત્રણ આપ્યું હતું એ જ સાંજ માટે તેઓને મિત્રો તરફથી બીજું આમંત્રણ મળ્યું. એટલે તેઓએ મિત્રોનું આમંત્રણ સ્વીકારીને માતાને આવવાની ના પાડી હતી.

ઈશ્વરભક્તો તરીકે આપણે જે કહ્યું હોય એ કરવું જોઈએ. આપણે હંમેશાં ‘ “હા” તે “હા” અને “ના” તે “ના” ’ રાખીશું. એટલે કે, આપણે કોઈ યોગ્ય કારણો વગર આપણાં વચનો તોડીશું નહિ. (૨ કોરીં. ૧:૧૮, IBSI) ઉપર જોઈ ગયાં એ બંને દૃશ્યો બતાવે છે કે બધા સંજોગો સરખા હોતા નથી. કોઈક વાર એવું પણ બને કે આપણે “ના” કહ્યા વગર છૂટકો જ નથી હોતો. પ્રેરિત પાઊલને પણ એકવાર એમ કરવું પડ્યું હતું.

પાઊલનો ભરોસો ન થાય એવો આરોપ

સાલ ૫૫માં પાઊલ પોતાની ત્રીજી મિશનરી મુસાફરી વખતે એફેસસમાં હતા. એજિયન સમુદ્ર પાર કરીને પહેલા કોરીંથ અને પછી મકદોનિયા જવાની તેમની યોજના હતી. યરૂશાલેમથી પાછા ફરતા તે કોરીંથ મંડળની બીજી વાર મુલાકાત લેવા માંગતા હતા, જેથી યરૂશાલેમના ભાઈઓ માટે તેઓએ રાખેલી ભેટ લઈ જઈ શકે. (૧ કોરીં. ૧૬:૩) એ બાબત આપણને બીજો કોરીંથી ૧:૧૫, ૧૬માં જોવા મળે છે: ‘તમને ફરી બીજી વાર ખુશી મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું; એટલે તમારી પાસે થઈને મકદોનિયા જવાનું અને ફરી મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું અને પછી યહુદાહ તરફ જવાનું મન હતું.’

એવું લાગે છે કે પાઊલે અગાઉ પણ કોઈ પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કોરીંથના ભાઈઓને પોતાની યોજના વિશે જણાવ્યું હતું. (૧ કોરીં. ૫:૯) એ પત્ર લખ્યા પછી તરત તેમને ક્લોએના કુટુંબ પાસેથી જાણવા મળ્યું કે મંડળમાં ગંભીર મતભેદ ઊભા થયા છે. (૧ કોરીં. ૧:૧૦, ૧૧) તેથી, પાઊલે પોતાની યોજનામાં ફેરફાર કર્યો અને તેઓને પત્ર લખ્યો જેને આપણે પહેલો કોરીંથી તરીકે ઓળખીએ છીએ. એ પ્રેમાળ પત્રમાં પાઊલે તેઓને સલાહ-સૂચનો આપ્યાં. એમાં તેમણે એમ પણ જણાવ્યું કે તે પોતાની યોજના બદલીને હવે પહેલા મકદોનિયા અને પછી કોરીંથ આવશે.૧ કોરીં. ૧૬:૫, ૬. *

બની શકે કે કોરીંથના મંડળને પાઊલનો એ પત્ર મળ્યો ત્યારે ત્યાંના અમુક “ઉત્તમ પ્રેરિતો”એ આરોપ મૂક્યો કે, પાઊલનો ભરોસો ન થાય કેમ કે તે પોતાનું વચન પાળતા નથી. એના જવાબમાં પાઊલે પૂછ્યું: ‘શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે કે જેથી હું, “હા” કહીને તે જ સમયે “ના” પણ કહું.’૨ કોરીં. ૧:૧૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન; ૨ કોરીં. ૧૧:૫.

આપણને કદાચ પ્રશ્ન થાય કે, શું એ સમયમાં પાઊલે ‘વિચાર્યા વગર યોજના કરી હતી?’ ના, એવું ન હતું! “વિચાર્યા વગર” માટેનો જે મૂળ શબ્દ છે એનો અર્થ, “ભરોસો ન થાય” એવો પણ થાય છે. આમ, એ શબ્દ એવી વ્યક્તિને દર્શાવે છે, જેનો વિશ્વાસ ન કરાય અને જે પોતાનું વચન પાળતી નથી. તેથી, પાઊલે સવાલ કર્યો કે શું “દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી?” એ પ્રશ્નથી કોરીંથના ભાઈઓને જોવા મદદ મળી કે પાઊલ “ભરોસો ન થાય” એવી વ્યક્તિ નથી.

તેઓના આરોપના જવાબમાં પાઊલે લખ્યું: ‘પરંતુ, જેમ ઈશ્વરનો ભરોસો કરી શકાય તેમ એ વાતનો પણ ભરોસો કરી શકાય કે અમે તમને જ્યારે “હા” કહીએ ત્યારે એનો અર્થ “ના” થતો નથી.’ (૨ કોરીં. ૧:૧૮, NW) એક વાત ચોક્કસ કે કોરીંથના ભાઈઓનું ભલું ઇચ્છતા હોવાથી પાઊલે યોજના બદલી. બીજો કોરીંથી ૧:૨૩માં પાઊલ એનું કારણ જણાવે છે: “તમારા પર દયા કરીને હું હજી સુધી કોરીંથ આવ્યો નથી.” એમ કરીને પાઊલ તેઓને તક આપી રહ્યા હતા કે પોતે મુલાકાત લે એ પહેલાં તેઓ આપેલી સલાહને લાગુ પાડે. પાઊલ જ્યારે મકદોનિયામાં હતા ત્યારે તીતસ દ્વારા તેમને જાણવા મળ્યું કે તેમના પત્રથી કોરીંથનાં ભાઈ-બહેનોને પસ્તાવો કરવામાં મદદ મળી છે. એ સાંભળીને પાઊલ ઘણા ખુશ થયા.૨ કોરીં. ૬:૧૧; ૭:૫-૭.

ઈસુ એ જ ખાતરી છે

“ઉત્તમ પ્રેરિતો”એ આરોપ લગાવ્યો કે પાઊલનો ભરોસો ન થાય. એમ કહીને તેઓ જાણે કહેવા માંગતા હતા કે પાઊલના પ્રચારકાર્ય પર પણ ભરોસો થાય નહિ. છતાં, પાઊલે કોરીંથનાં ભાઈ-બહેનોને યાદ અપાવ્યું કે તેમણે ઈસુના સંદેશાનો પ્રચાર કર્યો હતો. તેમણે લખ્યું, “તિમોથી, સિલ્વાનુસ અને હું તમારી સમક્ષ ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્તની વાત પ્રગટ કરતા રહ્યા છીએ. તેમણે કદી ‘ના’ નું ‘હા’ કહ્યું નથી અને ‘હા’ નું ‘ના’ કહ્યું નથી. તે જે કહે તે જ પ્રમાણે કરે છે.” (૨ કોરીં. ૧:૧૯, IBSI) શું કોઈ પણ બાબત એવી હતી કે જેમાં ઈસુ ખ્રિસ્તનો ભરોસો ન થાય? ના, એવી કોઈ જ બાબત ન હતી! પૃથ્વી પરના સેવાકાર્ય દરમિયાન ઈસુ હંમેશાં સાચું જ બોલ્યા. (યોહા. ૧૪:૬; ૧૮:૩૭) ઈસુનો સંદેશો એકદમ સાચો અને ભરોસો મૂકાય એવો હતો. પાઊલ પણ એ જ સંદેશાનો પ્રચાર કરતા હતા. તેથી પાઊલનું પ્રચારકાર્ય પણ ભરોસો મૂકાય એવું હતું.

‘યહોવા, સત્યના ઈશ્વર છે.’ (ગીત. ૩૧:૫) એ બાબત પાઊલે પછીથી જે લખ્યું એમાં જોવા મળે છે: “ઈશ્વરનાં વચનો ગમે તેટલાં હશે, તોપણ તેનામાં હા છે.” અહીં “તેનામાં” ખ્રિસ્તને રજૂ કરે છે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે હંમેશાં વફાદાર રહ્યા, તેથી આપણે યહોવાનાં વચનો પર પણ પૂરો ભરોસો મૂકી શકીએ છીએ. પાઊલે આગળ જણાવ્યું, “અમારી મારફતે ઈશ્વરનો મહિમા વધે એ માટે તેના [ઈસુના] વડે આમેન પણ છે.” (૨ કોરીં. ૧:૨૦) ઈસુ વડે આમેન છે, એનો શો અર્થ થાય? એનો અર્થ થાય કે યહોવાનાં વચનો પૂરાં થશે એની ખાતરી ઈસુ પોતે છે.

ઈસુ ખ્રિસ્ત અને યહોવા હંમેશાં સાચું બોલે છે. એ જ રીતે પાઊલ પણ પોતાના કહ્યા પ્રમાણે કરતા. (૨ કોરીં. ૧:૧૯) “દુનિયાની” જેમ વચનો આપીને પૂરાં ન કરે એવી વ્યક્તિ પાઊલ ન હતા. તે તો ભરોસો મૂકી શકાય એવા હતા. (૨ કોરીં. ૧:૧૭) પાઊલ તો ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલતા હતા. (ગલા. ૫:૧૬) તેમણે જે કંઈ પણ કર્યું એ હંમેશાં ભાઈ-બહેનોનાં ભલા માટે જ કર્યું. તેમની “હા” હંમેશાં “હા” જ હતી.

શું તમારું “હા” તે “હા” હોય છે?

આજના સમયમાં મોટા ભાગના લોકો બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવતા નથી. તેથી તેઓ નાની નાની વાતે પોતે આપેલાં વચનો તોડી નાખે છે. અરે, તેઓને બીજું કંઈક સારું લાગે ત્યારે પણ તેઓ આપેલાં વચનથી ફરી જાય છે. ધંધાને લગતી બાબતો લખાણમાં હોવા છતાં લોકોની “હા” તે હંમેશાં “હા” હોતી નથી. આજે, ઘણા લોકો માટે લગ્ન એ જીવનભર નિભાવવાનું વચન રહ્યું નથી. છૂટાછેડાનો આંક જે હદે વધી રહ્યો છે, એ બતાવે છે કે લોકો માટે લગ્ન એ એવું બંધન બની ગયું છે, જેને સહેલાઈથી તોડી શકાય.૨ તીમો. ૩:૧, ૨.

તમારા વિશે શું? શું તમારું “હા” તે “હા” હોય છે? લેખની શરૂઆતમાં જોઈ ગયા તેમ તમારે પણ સંજોગોને કારણે કોઈક વાર “ના” કહેવું પડ્યું હશે. પરંતુ, એનો અર્થ એવો નથી કે તમારો ભરોસો ન થાય. જોકે, એક ઈશ્વરભક્ત તરીકે તમે કોઈકને વચન આપો છો તો, તમારે એ નિભાવવા બનતું બધું જ કરવું જોઈએ. (ગીત. ૧૫:૪; માથ. ૫:૩૭) એમ કરવાથી તમે એવી વ્યક્તિ ગણાશો જે હંમેશાં સાચું બોલે છે અને જેનો ભરોસો થઈ શકે છે. (એફે. ૪:૧૫, ૨૫; યાકૂ. ૫:૧૨) લોકો જોશે કે નાની બાબતોમાં પણ તમારો ભરોસો થઈ શકે છે. તેથી, તમે જ્યારે ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવશો ત્યારે તેઓ સાંભળવા રાજી થશે. એ માટે આપણે ધ્યાન રાખીશું કે આપણી “હા” તે હંમેશાં “હા” હોય.

^ ફકરો. 7 પહેલો કોરીંથી લખ્યાના થોડા જ સમય પછી પાઊલ ત્રોઆસ થઈને મકદોનિયા ગયા હતા, જ્યાં તેમણે બીજો કોરીંથીનો પત્ર લખ્યો. (૨ કોરીં. ૨:૧૨; ૭:૫) પછીથી, તેમણે કોરીંથની મુલાકાત લીધી.